(રામકૃષ્ણ મઠ, પુણે)

તા. ૨૧ એપ્રિલ ૨૦૦૨, રામનવમીના પાવન દિવસે, સ્થાપત્ય કલાના એક નવા જ વિચાર પ્રમાણે શ્રીરામકૃષ્ણનું નવું વૈશ્વિક મંદિર, મહારાષ્ટ્રમાં પૂણેમાં શ્રીરામકૃષ્ણ મઠ ખાતે પવિત્ર વિધિથી લોકાર્પણ કરવામાં આવ્યું. શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ જેઓ રામકૃષ્ણ મઠ અને મિશન, બેલુર મઠના અધ્યક્ષ છે તેમના પવિત્ર હસ્તે આ વિધિ સંપન્ન થયો. સાત દિવસના વિવિધ કાર્યક્રમોમાં ત્રણ દિવસ સુધી (તા. ૧૯,૨૦ અને ૨૧ એપ્રિલના) વિષ્ણુ પંચાયતન યાગ, વિશેષ પૂજા, હોમ, રામનામ – સંકીર્તન, કલશ-આરોહણ, પ્રસાદ, વેદમંત્રોનું પઠન, શોભાયાત્રા, આરતી, મંદિરના ભોંયતળીયે ‘સ્વામી શિવાનંદ સભાગૃહ’નું ઉદ્‌ઘાટન, તા. ૧૯ થી ૨૫ એપ્રિલ સુધી દરરોજ જાહેર સભા, સ્તોત્ર પાઠ, ભજનનો કાર્યક્રમ, નૃત્યનો કાર્યક્રમ, ‘સોવેનીયર’ તથા કેટલાંક નવાં પુસ્તકોનું વિમોચન વિગેરેનો સમાવેશ થતો હતો. ૩૪૩ સ્વામીજીઓ અને બહોળી સંખ્યામાં ભક્તોએ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. દરરોજ આશરે ૫૦૦૦ થી વધારે લોકો કાર્યક્રમમાં હાજર રહેતા. મંદિરના સમર્પણના કાર્યક્રમમાં ભારત તથા વિદેશોમાંથી ૧૫,૦૦૦ લોકોએ હાજરી આપી હતી. આ મંદિર ઘણા ઘણા લોકોનાં દાનથી તથા અનેક સાધકોએ આપેલ સ્વૈચ્છિક સેવાથી સાકાર થઈ શક્યું છે. જે લોકો જીવનમાં વધારે ઉન્નત હેતુ સિદ્ધ કરવા માગે છે અને તે માટે પ્રકાશ અને માર્ગદર્શન ઇચ્છે છે તેમના માટે આ મંદિર એક મશાલ સમાન ઊભું છે. તે શ્રીરામકૃષ્ણના શાશ્વત અને વૈશ્વિક ઉપદેશોના સ્મારક રૂપ બની રહેશે.

કાર્યક્રમો દરમ્યાન ઘણા પ્રસિદ્ધ કલાકારોએ ભક્તિસંગીત રજૂ કર્યું. તેમાં દિલ્હીના રાજન અને સાજન મિશ્રા અને મુંબઈના શ્રીઅનૂપ જલોટાનો સમાવેશ થાય છે.

તા. ૧૯ એપ્રિલ ૨૦૦૨ના રોજ યોજાયેલ જાહેરસભામાં ત્રણ વક્તાઓ સ્વામી ગૌતમાનંદજી, કે જેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રશાસક છે, સ્વામી નિખિલાત્માનંદ અને સ્વામી સત્યરૂપાનંદે – સમૂહ પ્રાર્થના દ્વારા એક જ પ્રજા તરીકેની ભાવના વિકસાવવા, તથા વ્યક્તિ અને સમાજના વિકાસ માટે વૈશ્વિક મૂલ્યોના પ્રસાર માટે આવાં વૈશ્વિક મંદિરો બાંધવા પર ભાર મુક્યો હતો.

તા. ૨૪-૪-૨૦૦૨ના સવારે યોજાયેલ પરિસંવાદમાં ભાગ લેનાર વક્તાઓ સ્વામી જિતાત્માનંદ, સ્વામી નિખિલેશ્વરાનંદ, આચાર્ય કિશોરજી વ્યાસ તથા ડો. ઓમપ્રકાશ વર્માએ, ‘‘સ્વામી વિવેકાનંદ અને આધુનિક યુગ’’ એ વિષય પર બોલતાં આજની દુનિયાને પીડી રહેલા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સ્વામીજીના વિચારો હજુ પણ કેટલા તાજા અને સાંપ્રત છે, તે વિશે ભાર મુકયો હતો.

તે જ દિવસે સાંજે બીજી જાહેરસભા યોજાઈ. પ્રવચનોનો વિષય હતો ‘‘મહારાષ્ટ્રના સંતો’’ વક્તાઓ હતા પ્રો. મુરલીધર સાયનેકર, ડો. એસ. આર. તલઘાટ્ટી તથા શ્રી એચ. વી. ઇમાનદાર. સભાના પ્રારંભે શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજ જેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે આશીર્વચન કહ્યાં હતાં. તેઓએ આ પ્રસંગે તૈયાર કરેલ સોવેનિયર તથા કેટલાંક નવાં પ્રકાશનોને લોકાર્પણ કર્યાં હતાં. બધા વક્તાઓએ ભારતમાં ભક્તિ આંદોલનના વિકાસ તથા તેને ટોચ પર લઈ જવામાં મહારાષ્ટ્રના સંતોના પ્રદાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યું હતું. અને સંત જ્ઞાનેશ્વરના જીવન અને ઉપદેશોની લોકો પર કેટલી ઊંડી અસર હતી તે વર્ણવ્યું હતું.

તા. ૨૧-૪-૨૦૦૨ની જાહેરસભાના પ્રમુખસ્થાને હતા પરમ પૂજ્ય શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ. બીજા વક્તાઓ હતા શ્રી અનંતકુમાર શહેરી વિકાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલયના મંત્રી અને સ્વામી સ્મરણાનંદજી મહારાજ, સચિવ રામકૃષ્ણ મઠ અને મિશન. આ પ્રસંગની સ્મૃતિમાં એક ખાસ કવર અને ચાર નવી ટપાલ ટીકીટોનો લોકાર્પણ વિધિ માનનીય મંત્રીશ્રીએ કર્યો. શ્રીરામકૃષ્ણદેવે ઉપદેશેલ અને આચારમાં મુકેલ શાંતિ અને સંવાદિતાના સંદેશનો પ્રસાર કરવાની જરૂરત પર બધા વક્તાઓએ ભાર મુક્યો હતો.

તા. ૨૨-૪-૨૦૦૨ના રોજ ‘ધર્મોન્ત સંસદ’ (પાર્લામેન્ટ ઓફ રીલીજન)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તેના પ્રમુખસ્થાને હતા રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રશાસનના એક સભ્ય સ્વામી પ્રભાનંદજી. કાર્યક્રમમાં ભાગ લેનાર જુદા જુદા ધર્મોના પ્રતિનિધિઓ હતા. હિન્દુ ધર્મના પ્રતિનિધિ સ્વામી શ્રીકરાનંદ, યહૂદી ધર્મના પ્રતિનિધિ પ્રા. સેમ્યુઅલ ડેવીડ, ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિ ફાધર ફાન્સીસ ડેબ્રીટો, બૌદ્ધ ધર્મના પ્રતિનિધિ ભાન્તે રાજરતન, તથા ઈસ્લામ ધર્મના પ્રતિનિધિ પ્રા. મુઝફ્‌ફર સલીમ. વક્તાઓએ પોત પોતાના ધર્મની વૈશ્વિક્તા પર ખાસ ભાર મૂક્યો હતો.

તે જ દિવસે સાંજે એક જાહેરસભા યોજાઈ. તેનું પ્રમુખસ્થાન શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે લીધું હતું. વક્તાઓમાં હતા, ન્યાયમૂર્તિ શ્રી પી. એન. ભગવતી, ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ, તથા શ્રી એસ. એમ. દત્ત. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોરના પ્રમુખ. તેઓએ ત્યાગ અને સેવાની ભાવનાની અસરકારકતા તથા ઉદ્યોગજગતમાં ગીતા અને વેદાંતના સિદ્ધાંતોને આત્મસાત કરવા પર ભાર મૂક્યો હતો.

આ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલ સૌને સ્મૃતિ-ચિન્હ અર્પણ કરવામાં આવ્યાં હતાં.

તા. ૨૩, ૨૪ અને ૨૫ એપ્રિલના રોજ જુદી જુદી ત્રણ જાહેરસભા નવા વ્યાખ્યાન ખંડમાં યોજાઈ હતી. પહેલી જાહેરસભાનો વિષય હતો : ‘શું વ્યક્તિ વૈજ્ઞાનિક મનની અને છતાં આધ્યાત્મિક હોઈ શકે?’, તેમના સુપ્રસિદ્ધ વક્તાઓ હતા સંસદ સદસ્ય વિખ્યાત વૈજ્ઞાનિક રાજા રામન્ના, સ્વામી પ્રભાનંદજી અને ડો. વી. જી. ભીડે, વક્તાઓએ જણાવ્યું હતું કે આધ્યાત્મિકતા એક વિજ્ઞાન છે. તેથી એક વ્યક્તિ વૈજ્ઞાનિક હોય અને સાથે સાથે આધ્યાત્મિક પણ હોઈ શકે. તે બે વચ્ચે કોઈ વિરોધાભાસ નથી. બીજી જાહેરસભા શ્રીશારદા દેવી વિશે હતી. વક્તાઓ હતા સ્વામી સત્યરૂપાનંદ, શ્રીમતિ રાજલક્ષ્મી વર્મા અને શ્રી સુનીલજી ચીકોલકર. તેઓએ ઉપસ્થિત શ્રોતાઓનું ધ્યાન બે શબ્દો તરફ દોર્યું હતું. (૧) જનની એટલે માતા કે જે આ સ્થૂળ શરીરને જન્મ આપે છે અને (૨) મા – એટલે કે જે સૌ પ્રત્યે માતૃભાવ રાખે છે. શ્રીશ્રી મા ‘માતા’ના અર્થમાં સૌનાં મા હતાં. ત્રીજી અને છેલ્લા દિવસની જાહેરસભાના અધ્યક્ષ હતા ડો. વી.આર. કરંડીકર. તેમની સાથેના બે વક્તા હતા શ્રીસુનીલજી ચીકોલકર અને ડો. સ્વર્ણલતા ભીષીકર. બધા વક્તાઓએ શ્રીરામકૃષ્ણ, શ્રીશ્રીમા અને સ્વામીજીના વ્યક્તિત્વની વિશિષ્ટતાઓ જણાવી હતી અને કહ્યું હતું કે તેઓએ ઈશ્વર અને તેની સૃષ્ટિ વચ્ચે એક પુલ બાંધી આપ્યો છે.

(ભાષાંતરકાર : શ્રી પી. એમ. વૈષ્ણવ)

Total Views: 23
By Published On: August 26, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram