ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું

સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો આપણો દિવસ જાણે કે બગાડી નાખે છે. આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ, માનવીય વલણો – ભાવનાઓને પ્રગટ કરતા સમાચારોનું તો જાણે અસ્તિત્વ જ નથી. બધું છિન્ન ભિન્ન થઈ જતું બતાવાય છે. ક્યાંક સંધાતું હશે, બંધાતું હશે; ક્યાંક સુસંવાદી સંરચનાઓ થતી હશે; ક્યાંક ભાવજગત રચાતું હશે; ક્યાંક માનવમાનવના પ્રેમમિલનો થતાં હશે. ક્યાંક એવું શુભ થતું હશે, એવું વિધેયાત્મક સર્જન થતું હશે, એવું સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌નું રાજ્ય રચાતું હશે. આ બધું શુભ અને ભાવાત્મક તો બનતું જ રહે છે. પણ કોણ જાણે કેમ આપણા આજના પત્રકારિત્વને આ દેખાતું નથી. એટલે જ એક goodnewsindia.com ની વેબસાઈટ તૈયાર થઈ છે. એમાં બધું શુભ છે, શિવ છે, સુંદર છે, સત્ય છે અને ભાવાત્મક છે; અભાવાત્મક કે નિષેધાત્મક કશું નથી. 

એક અનોખો વૃક્ષપ્રેમી માનવ

પર્યાવરણદિન કે પર્યાવરણસપ્તાહ ઉજવાય અને આપણાં વર્તમાનપત્રો, સામયિકો, સમૂહ માધ્યમના બધાં પ્રસારણોમાં ભાષણો, ચર્ચા, પરિસંવાદો, ટીકા ટિપ્પણનું એક મહાભારત રચાઈ જાય છે. બધે આચરણ વિનાની ચર્ચાનો તાશીરો જોવા મળે છે પણ પર્યાવરણની સાચી ચિંતા કરનારા માનવો કેવા હોય છે, એની લગની કેવી હોય છે, એનાં શુભકારી કાર્યો કેવાં હોય છે એ જોવા માટે આપણે ૭૮ વર્ષના વિશ્વેશ્વર દત્ત સકલાણીના જીવનકાર્ય પર એક દૃષ્ટિ રાખવી પડશે. ૭૮ વર્ષની ઉંમરના વિશ્વેશ્વર દત્તની આ ચડઊતરવાળી, ટેકરાળી પર્વતમાળાઓની રખડપટ્ટી એમની ઉંમરને જાણે કે ખોટી પાડે છે. પોતાના જીવનકાર્યની પૂર્તિ માટે જ્યારે આ માનવ મંડી પડે છે ત્યારે ડિસેમ્બરની કડકડતી ઠંડી પણ તેને વિઘ્નરૂપ બનતી નથી. એનું જીવનકાર્ય છે વૃક્ષો વાવવાં અને પર્યાવરણને જાળવવું. હાથ વણાટની ખાદીના કપડાં પહેરીને અને થોડા ફાટેલા ઊનના ઉપવસ્ત્રથી ૬૦૦૦ ફૂટની ઊંચાઈએ પોતાના દેહને હુંફાડો રાખીને તે ચાલતા રહે છે. જ્યારે તેઓ પોતાનાં ‘સંતાનોને – પોતાને વાવેલાં અને ઉગાડેલાં વૃક્ષોને’ હવામાં ઝૂમતાં જોઈને એના તલકા તલકાવાળા ચહેરા પર સ્મિતનું ઝરણું છલકાઈ ઊઠે છે. એ બાળવૃક્ષો પણ જાણે કે પોતાના આ અજિબોગરીબ પિતાનું સ્વાગત કરતાં હોય તેમ ઝૂમી ઊઠે છે. આજે લોકો પર્યાવરણની જાળવણીના મહાકાર્યમાં વિશ્વેશ્વર દત્ત સકલાણીના પ્રદાનને બરાબર જાણી ગયા છે. હવે કોઈ એની મજાક મશ્કરી કરતું નથી. આજે તો એ એમના મનના માનીતા ‘બાબા’ બની ગયા છે. ‘રીડર્સ ડાઈજેસ્ટ’ નામનું સામયિક એમને ગઢવાલના ‘વૃક્ષમાનવ’ રૂપે વર્ણવે છે.

આજે જો ઉત્તરાંચલના તેહરી ગઢવાલ જિલ્લાના પૂઝારગાઁવની ટેકરીઓ વૃક્ષોથી લીલીછમ લાગતી દેખાતી હોય તો તે સાકલાણીના છેલ્લા ૧૫ વર્ષના વૃક્ષારોપણના પાયાના પ્રયાસોનું પરિણામ છે. આ પ્રદેશની હરિયાળી સાકલાણીના પ્રયાસોની આભારી છે. કોઈ અપેક્ષિત પરિણામ આવે પણ ખરું અને ન પણ આવે એવા આ વૃક્ષરોપણના કાર્યમાં આ વૃક્ષપ્રેમી માનવે એકલે હાથે પૂઝારગાઁવ ટેકરીઓ પર ત્રણ ત્રણ લાખ વૃક્ષો રોપ્યાં અને ઉછેરી આપ્યાં. આ ટેકરીઓને ત્યાંના ગ્રામ્યજનોએ સાવ ઉજ્જડ-વેરાન બનાવી દીધી હતી. એ ભૂમિને આ મહામાનવે લીલાંછમ વૃક્ષોવાળી બનાવી દીધી. આપણને એમ થાય કે સાકલાણીનું કાર્ય હવે પૂરું થઈ ગયું હશે. પણ વાત એવી નથી. આ વિરલમાનવ આજે ય એટલી જ આત્મશક્તિથી વૃક્ષોના છોડની રોપણીનું કાર્ય દરરોજ કર્યે જ જાય છે. એ વૃક્ષોને ઊછેરે પણ છે. પોતાનાં બાળકોની જેમ તેની સારસંભાળ અને કાળજી પણ એટલી જ લેતા રહે છે. આ વૃક્ષો એ જ એમની સંતતિ છે, એ જ એમનું જીવન છે.

સામાન્ય રીતે સાકલાણીનું દૈનિકકાર્ય સવારના છ વાગ્યાથી શરૂ થતું હતું. પોતાની સાથે વૃક્ષના ઘણા રોપાં, પાણી અને દાતરણા જેવી સામગ્રી લઈને તેઓ આ ટેકરીઓ ઉપર જવા ઉપડતા. બપોર પછી તેઓ દાળ રોટીના પોતાના સાદા ભોજન માટે વિરામ લેતા અને પછી સાંજ ઢળતાં સુધી તેમનું કામ ચાલુ રહેતું. આમ પોતાના ચૂસ્તકાર્યવાળા જીવનયાપનમાં પોતાની બધી શક્તિ કામે લગાડી દેતા. તેઓ ઓક, અખરોટ, દેવદાર અને બારમાસી ફૂલવાળાં વૃક્ષની પુષ્કળ જાતોનું વાવેતર કરતા. ૫૦ વર્ષના પોતાના આ વૃક્ષારોપણના જીવનમાં થોડા વર્ષો પહેલાં રાજ્યના જંગલ ખાતા દ્વારા થયેલા સૌથી વધુ કડવા અનુભવની વાત આવી છે. જંગલખાતાના અધિકારીઓએ તેમના પર જંગલની ભૂમિ પર ગેરકાયદેસર દબાણ લાવવાનો આરોપ મૂક્યો અને તેમને તેહરી ગઢવાલ જિલ્લાની કોર્ટ સુધી ઢસડી ગયા. પુરાવાના અભાવે કોર્ટે એમને છોડી મૂક્યા અને કોર્ટે એવું પણ દર્શાવ્યું કે ૧૯૪૯ થી એ વૃક્ષો વાવે છે એટલે આ કેસની સમયમર્યાદા વીતી ગઈ છે. આ કેસથી એના હૃદયને ઘણો આઘાત લાગ્યો એટલે વનીકરણના કાર્યમાં એમણે કરેલા પ્રદાન માટે ૧૯૮૬માં મળેલો ‘ઈન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર એવોર્ડ’ સરકારને પરત કર્યો. 

વૃક્ષો વાવવાની આ રીત એમને પોતાના બાપદાદાઓ તરફથી વારસામાં મળી હતી. તેઓ પ્રકૃતિના ચાહક હતા અને પોતાનાં પ્રથમ પત્ની શારદાદેવી અને ભાઈ નગેન્દ્રદત્ત સાકલાણીના અવસાન પછી આ વૃક્ષપ્રેમ પ્રગાઢ બન્યો. તેઓ કહે છે: ‘એ બંનેના મૃત્યુથી હું જાણે કે એકાકી બની ગયો. હું મૂંઝાયેલો, હતાશ હતો.’ આ એકાકીપણા અને હતાશામાંથી છૂટવા માટે તેમણે વૃક્ષો વાવવાનું કાર્ય શરૂ કર્યું. આ વૃક્ષારોપણ પ્રત્યે તેમણે એક અનોખા સાંવેગિકસંબંધ જેવું બંધન બાંધી દીધું. તે વૃક્ષોને એટલું બધું ચાહતા કે જ્યારે એમના પુત્રો લગ્ન સંબંધથી જોડાયા ત્યારે પોતાના વેવાઈને દહેજ રૂપે વૃક્ષના રોપાં આપવાનું અને પોતાના વતન સાકલાણામાં રોપવાનું કહેતા.

શરૂ શરૂમાં તો પોતાના ગામના લોકો પણ એમનો વિરોધ કરતા. એમને ધમકી પણ મળતી, અપમાનજનક શબ્દો સાંભળવા પડતા અને ક્યારેક માર પણ ખાવો પડતો. ભેજાંગેપ માણસ કહીને લોકો એમની મશ્કરી પણ કરતા. સાકલાણીએ સ્ત્રીઓના સમૂહને વૃક્ષો કાપવાની ના પાડી ત્યારે એ બધી એમના પર ખૂબ ગુસ્સે થઈ ગઈ. સાકલાણીનો આશય તો પર્યાવરણની જાળવણીનો હતો પરંતુ, આ ગુસ્સે થયેલી સ્ત્રીઓ એમનું અપમાન કરવા માટે એમના બીજા પત્ની ભગવતીને પોતાની સાથે લાવ્યા અને બે ઓક વૃક્ષો કાપી નાખ્યા. સાકલાણી પોતાની સ્મૃતિને તાજી કરતાં કહે છે: ‘પછી હું મારા પુત્ર અને પત્નીને નજીકની ટેકરી પર લઈ ગયો. મારા પુત્રને મેં મારા ખોળામાં રાખ્યો, મારી પત્નીને મેં દાતરડું આપ્યું અને જો તે ભવિષ્યમાં વૃક્ષોને કાપવાનું ઇચ્છતી હોય તો આ બાળકનું માથું દાતરડાથી ઉડાડી દેવાનું કહ્યું.’ આ શબ્દોથી ભગવતીને એક દિવ્યસંદેશ મળી ગયો: ‘આ પ્રશાંત પર્વતીય પ્રદેશોના વૃક્ષોને પોતાનાં સંતાન જેવાં ગણવાનું મેં કહ્યું.’ તે આગળ ઉમેરે છે : ‘તેણીએ મને વચન આપ્યું કે હવે પછીથી તે કોઈ પણ વૃક્ષને કાપશે નહિ.’ 

હવે લોકોએ પર્યાવરણ માટેના એમના પ્રદાનની કદર કરી છે. હવે કોઈ એની મજાક-મશ્કરી કરતું નથી. આજે તો તેઓ સર્વના માનીતા ‘બાબા’ બની ગયા છે. આગળ જોયું તેમ ‘રીડર્સ ડાઈજેસ્ટે’ એમને ‘ગઢવાલનો વૃક્ષમાનવ’ કહ્યો છે અને ‘આજના વીર પુરુષ’ના એવોર્ડથી તેમને સન્માનવામાં આવ્યા છે. સાકલાણીની પ્રવૃત્તિઓ માત્ર વૃક્ષો વાવવા પૂરતી મર્યાદિત ન હતી. ૧૯૯૩માં એમણે ‘વિશ્વવૃક્ષ પર્યાવરણ ફાઉન્ડેશન’ નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા આજે પણ વનીકરણના ટૂંકા ગાળાના અભ્યાસક્રમો અને પર્યાવરણની સમસ્યા અને તેના ઉકેલ માટેના પ્રદર્શન-નિદર્શન વિશે માર્ગદર્શક શિબિરો અને અભ્યાસક્રમોનું આયોજન કરે છે. વનીકરણ માટેની યુ.કે.માં સ્થપાયેલ સંસ્થા ‘ટ્રીઝ ફોર લાઈફ’ના સભ્ય સંધ્યાદવે કહે છે: ‘સાધક માટે સાકલાણી એક ગુરુ જેવા છે. એમને મળ્યા પછી મને લાગે છે કે હું એક મહાન માનવને મળી છું.’ સાકલાણી કહે છે: ‘ધરતી તો મારે માટે એક ગ્રંથ સમાન છે અને વૃક્ષોના પાંદડાં જાણે કે શબ્દો છે. આ વિશાળ ગ્રંથ પર વૃક્ષો વાવીને હું મારો ગ્રંથ લખવા ઇચ્છું છું.’ આમ કહેનાર સાકલાણીની મહત્ત્વાકાંક્ષા પોતાની જીવનની છેલ્લી ઘડી સુધી વૃક્ષો વાવતા રહેવાની છે. સ્કૂલે ન જનાર માટે સાકલાણીનું જીવન એક મહાન ગ્રંથ જેવું છે.

૧૩ વર્ષનો કુમાર બાંસુરીવાદનથી ભાવિકોને મુગ્ધ કરી દે છે

રાજકોટમાં ૩જી મેના રોજ એક અદ્‌ભુત બાળક પોતાની સંગીતકલાથી સૌ કોઈને મુગ્ધ બનાવી ગયો. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં સૌથી નાની ઉંમરના કલાકારોમાંના એક રજત પ્રસન્નાનો જન્મ બનારસ ઘરાનાના શાસ્ત્રીય સંગીતની દુનિયામાં એક દંતકથા જેવા બની ગયેલા કુટુંબમાં થયો હતો. ૬ વર્ષની નાની ઉંમરથી રજત પ્રસન્નાને બાંસુરીવાદન અને શાસ્ત્રીય સંગીતની તાલીમ મળવા લાગી. આ તાલીમ આપનાર હતા એમના દાદા અને સુખ્યાત બાંસુરીવાદક સ્વર્ગસ્થ પંડિત રઘુનાથ પ્રસન્ના. એમના પિતા રવિશંકર પ્રસન્ના પણ આ બાળકને બાંસુરીવાદનમાં કેળવતા રહ્યા.

કુટુંબના શાસ્ત્રીય સંગીતના આ વારસાએ આ બાળકમાં નાનપણથી જ સૂર અને તાલની કોઈ અદ્‌ભુત અને દાદ માગી લે તેવી સૂઝસમજ કેળવી દીધી. આને પરિણામે ભારતીય શાસ્ત્રીય સંગીતના કેટલાય કાર્યક્રમોમાં લોકોએ એમના બાંસુરીવાદનને તાળીઓથી વધાવી લીધું છે. દરરોજના નિયમિતપણે થતા ઓછામાં ઓછા ૪ કલાકના રિયાઝથી તે બાંસુરીવાદનની કળામાં પ્રવીણ બન્યા છે. અભ્યાસમાં પણ તે એટલો જ તેજસ્વી છે. એક વખત ભણેલું એ બરાબર હૃદયમાં ઉતારી લે છે એટલે ઘરે આવીને બાંસુરીવાદનના રિયાઝમાં પોતાનો સારો એવો સમય ફાળવી શકે છે.

એમણે આટલી નાની ઉંમરે પ્રસારભારતી અને દૂરદર્શન પર ઘણા કાર્યક્રમો આપ્યા છે. નાના કલાકારોને પ્રેરતી અને તેનો વિકાસ સાધવામાં સહાયરૂપ થતી અંકુર, કલા, સ્નેહી જેવી શાસ્ત્રીય સંગીતની સંસ્થાઓએ એમના બાંસુરીવાદનના અનેક કાર્યક્રમો યોજ્યા છે. દૂરદર્શનના સુબહસવેરે અને સાંજના સીધા પ્રસારણમાં પણ એમણે ભાગ લીધો છે. 

આટલી નાની ઉંમરે લખનૌમાં યોજાયેલ ઉત્તરપ્રદેશની સંગીતનાટક એકેડેમીની સ્પર્ધામાં એમને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. સી.સી.આર.ટી.એ એમની ખ્યાતિને ધ્યાનમાં લઈને એમને સંગીત શિષ્યવૃત્તિ આપી છે. ટાઈમ્સ મ્યુઝિક દ્વારા રાગ અને ધૂન પર આધારિત ‘ધરોહર-૨’ નામે બાંસુરીવાદન પર એમની વિશેષ કેસેટ બહાર પડી છે. નાની ઉંમરના આ બાળકલાકારનું ભાવિ ઘણું ઉજ્જ્વળ છે. સતત બેથી ત્રણ કલાક સુધી લોકોને બાંસુરીવાદનમાં મુગ્ધ કરી દેવા એ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. આપણી ભીતર શક્તિનો મહાન ખજાનો પડ્યો છે. આ ખજાનાને આવા ઉત્તમ કલાકારો શોધી કાઢે છે અને વિશ્વને આશ્ચર્યમાં ડૂબાડી દે છે.

સંકલન : શ્રીમનસુખભાઈ મહેતા

Total Views: 10
By Published On: August 27, 2022Categories: Uncategorized0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram