શ્રીનાગજીભાઈના અંગત જીવન વિશે વાતો કરવામાં આવી છે.

નામ : મારું કેળવણીનું દર્શન
લેખક : શ્રીનાગજીભાઈ દેસાઈ
પ્રકાશક : મૈત્રી વિદ્યાપીઠ – સુરેન્દ્રનગર
મૂલ્ય : રૂ. ૫૦-૦૦
સમીક્ષક : ક્રાંતિકુમાર જોશી, રાજકોટ

શ્રીનાગજીભાઈ દેસાઈ અને શ્રી શાંતાતાઈ બંને, માથાના ફરેલ માનવીઓ છે. જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્ના સાથે અનાથ બાળકો માટે બાલાશ્રમમાં જોડાઈ, બંનેએ ‘અનાથબાલ અધ્યાપન’ ક્ષેત્રે ક્રાંતિકારી પ્રયોગો કરી બતાવ્યા છે. બંને જેટલા વિસ્ફોટક છે એટલાં જ હૂફાળા પણ છે. સામાજિક પરંપરા, શિક્ષણની જૂની પુરાણી પદ્ધતિઓ, ચીલાચાલુ ભણતર, આ બધી બાબતોથી બંને દૂર રહ્યાં છે. પણ સાથોસાથ માત્ર હાથજોડી બેસી પણ નથી રહ્યાં. એમનું કેળવણીનું દર્શન આપણે પણ જોઈએ.

પુસ્તકનું મુખપૃષ્ઠ જ આપણને જકડી રાખે છે. ‘ભાઈ-તાઈ’નામથી શિક્ષણક્ષેત્રે જાણીતું બનેલ આ યુગલ, કેટલા બધા અનાથ બાળકોથી ઘેરાઈને મુક્ત હાસ્ય સાથે છબિમાં જોવા મળે છે? તો વળી બાળકોના આનંદની તો કોઈ સીમા જ નથી. આ આનંદની અભિવ્યક્તિ જોવા માટે પુસ્તક અવશ્ય જોવું પડે.

પુસ્તકની શરૂઆત જ ‘મનની વાત’થી લેખકશ્રી કરે છે અને એમાં જ એમનો ક્રાંતિકારી સ્વભાવ જોવા મળે છે. એમના જ શબ્દોમાં,

‘બાળક વિશે વાંચેલું ને જનમુખે સાંભળેલું કે બાળક કોરી પાટી છે, કોરો કાગળ છે, કોમળ ફૂલ છે.. આ બધી જ વાતો મને તો શિક્ષણના અનુભવે પોકળ લાગી છે. બાળક જન્મે છે ત્યારે અનેક સંવેદનાઓ સાથે જન્મે છે. અરે! ગર્ભાવાસમાં અજ્ઞાનપણે બાહ્ય વાતાવરણની ઘણી બધી અસરો સાથે જન્મે છે. પછી તેને કેવી રીતે કોરી સ્લેટ કહી શકાય?’

શ્રીનાગજીભાઈના ચેતનાપુરુષ શ્રીમનુભાઈ પંચોલી છે. અને શ્રી આર, એસ. ત્રિવેદી સાહેબને તેઓ ઋષિ કહે છે. આ શિક્ષણ જગતના ઋષિ શું લખે છે, તે જરા વાંચો.

‘ઈંગ્લેન્ડના એ.એસ.નીલના અનુભવના નીચોડથી પ્રકાશિત થયેલ પુસ્તકોએ તે જમાનામાં શિક્ષણનો એક કેફ ચડાવેલ. શ્રીનાગજીભાઈના અનુભવોને વાંચતા એ. એસ. નીલનું સ્મરણ થઈ આવે છે.’

પુસ્તકનો ઉઘાડ થાય છે. દાઢીવાળા સદાય હસતા નાગજીભાઈની છબિ સાથે-‘મારી શિક્ષણ સંકલ્પનાઓ.’

– વ્યક્તિમાં રહેલી શ્રેષ્ઠતાને જાગૃત કરી વિકાસ કરવો.

– રાષ્ટ્રિય ચારિત્ર્ય, સામાજિક ચારિત્ર્યનો વિકાસ.

– શિક્ષણની ગળથૂથીમાં જ પરિશ્રમને પ્રાધાન્ય.

– પરીક્ષા પદ્ધતિની નાબૂદી અને વિશ્વાસમય કસોટી દાખલ કરવી.

શિક્ષણ અને કેળવણી

લેખકશ્રી શિક્ષણ અને કેળવણી વચ્ચે પાયાનો ભેદ બતાવે છે. શિક્ષણ વર્ણવ્ય છે, કેળવણી અનુભવજન્ય છે – પ્રાયોગિક છે. જે શિક્ષણ વ્યવહારમાં પ્રયોજાતું નથી તે કેળવણી કદી બની શકે નહિ. વતી લેખક જણાવે છે કે શિક્ષણ એ તો શ્રદ્ધાની જનની છે.

શ્રીનાગજીભાઈ પાસે દૃષ્ટાંતો આપી વાતને રજૂ કરવાની અદ્‌ભુત કલા છે. મજૂરી, મહેનત અને પરિશ્રમ વચ્ચેનો તફાવત શિલ્પીઓની દૃષ્ટાંતકથા મૂકી સરસ રીતે સમજાવ્યો છે અને પછી તેઓશ્રી લખે છે – મજૂરી અને મહેનત બંને ફટકિયાં મોતી છે જ્યારે પરિશ્રમ એ સાચું, તેજસ્વી પાણીદાર મોતી છે.

શિક્ષણનું ઓઢણું

શાળામાં ગણવેશનું મહત્ત્વ સમજાવતાં લેખકશ્રી કહે છે : ગણવેશ એ તો દરેક વ્યવસાયને અનુરૂપ એક ‘ઓઢણું’ જ છે. એ પછી મીરાંએ શ્રીકૃષ્ણના નામનું ઓઢણું ઓઢ્યું અને કૃષ્ણમય બની ગયાં. અમરબાઈએ રક્તપિત્તિયાની સેવાનું ઓઢણું ઓઢ્યું અને સેવાની મૂર્તિ બની ગયાં અને પછી નાગજીભાઈ ભાવવિભોર બની બોલી ઊઠે છે, ‘જ્યારે તમે શિક્ષક થશો ત્યારે ભક્તિ, સેવા અને વાત્સલ્યનો ત્રિવેણી સંગમ તમારાં હૃદયમાં, તમારી આંખોમાં ઉભરાશે અને તમારામાં જે શિક્ષકત્વ ઊભું થશે તે આ ઓઢણથી રૂડું લાગશે. ભાવિ શિક્ષકોને આપેલ આ મનનીય પ્રવચનથી ગણવેશની ગરિમા અનેક ગણી વધી જાય છે.

* શાળાનો વાણી સંપર્ક * શાળામાં ઉત્સવ

* વ્યવસાયનું સરવૈયું * જીવનવિકાસનાં પરિબળો 

* આધ્યાત્મિક કેળવણી * મૂલ્યોનો એવોર્ડ * ઊર્જા-ચેતના જેવાં પ્રકરણો વારંવાર વાંચવા ગમે તેવાં છે.

બાલાશ્રમની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે લેખકશ્રીએ જણાવ્યું, ‘સને ૧૯૬૦ની સાલથી ખરા અર્થમાં મારી શિક્ષણ સાધના શરૂ કરી. આનાથાશ્રમની પ્રવૃત્તિ ફક્ત દયા-કૃપાથી નભતી હતી તેને મારે શૈક્ષણિક સ્વરૂપ આપવું હતું. એ માટે મેં સમજપૂર્વક શૈક્ષણિક પ્રયોગો શરૂ કર્યા. આ પ્રયોગોમાં ખરા અર્થમાં અનાથ બાળકો જ મારા માર્ગદર્શક ગુરુ બન્યા. શિક્ષણને મેં પ્રેમ અને લાગણીથી ભરેલું માનવતાનું સરોવર માનેલું એટલે અનાથાશ્રમને ફક્ત પાપ-પુણ્યથી ભરેલા ત્યજાયેલા બાળકોનો વાડો હું ક્યારેય ન સમજ્યો.’ પછી શ્રીનાગજીભાઈના શૈક્ષણિક પ્રયોગો શરૂ થયા. બાલાશ્રમ પ્રવૃત્તિઓથી ધમધમતું બન્યું. અનાથ બાળકોને સાચા અર્થમાં પોતાના માતા-પિતા મળ્યા. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓએ સમાજને પણ બાલાશ્રમનું ઘેલું લગાડ્યું.

આ અનાથ છોકરાઓની સમસ્યાઓ ભલભલા ધીર અને વીરપુરુષની પણ કસોટી કરી નાખે. એવે સમયે ભાઈ-તાઈની જોડી શાંતિથી સમજી વિચારીને સમસ્યાઓનો ઉકેલ લાવે અને છાત્રાલયમાં શાંતિ સ્થપાય. હૈયું હચમચાવી મૂકે અને સમાજની આંખો ખોલી દે એવા પ્રસંગો આ છાત્રાલયમાં જોવા મળે છે.

અંધારી રાત છે, બધા જ બાળકો નિદ્રાને ખોળે પોઢ્યા છે એવે સમયે એક બાળક ઊઠે છે, બારી પાસે સળીઆ પકડી ઊભો રહી આકાશ તરફ મીટ માંડી જોઈ રહે છે. ત્યાં તો આ ભાઈ-તાઈની જોડી મધ્યરાત્રિએ બાળકોની સંભાળ લેવા નીકળ્યા હોય છે. દેવદૂત બનીને નહિ પણ મનમાં મૂંઝાતા, ડરતા, રડતા બાળકોની વેદનાને સમજતા માબાપ બનીને, પેલા છોકરા પાસે જાય, પ્રેમથી માથે હાથ ફેરવે અને છોકરો રડી પડે. પોતાની મા આકાશમાંથી આવી અને તેડી જશે એવો ખ્યાલ..

કોઈ છોકરો રાત્રે સૂતી વખતે પથારી બગાડી નાખે છે, કોઈ ચીસાચીસ કરી મૂકે છે, કોઈ દાદાગીરી કરે છે, કોઈ છાની છાની બીડી પીએ છે. પણ આ બધા જ પ્રશ્નોનો નિકાલ શિક્ષાથી તો નહિ જ. શારીરિક શિક્ષાને તો સંસ્થામાં સ્થાન જ નથી. પ્રશ્નોના મૂળો સુધી પહોંચી પ્રશ્નોનો નિકાલ લાવવો એ જ શ્રીનાગજીભાઈનો જીવનમંત્ર. શ્રીનાગજીભાઈ કહે છે, ‘અનાથાશ્રમ એ વહાલપથી વિખૂટા પડેલા અનાથ બાળકોનું ઘર છે, એ પોલીસખાતું નથી કે ડગલે ને પગલે નિયમથી જ ચાલે.’

આ અનાથ બાળકોને મા-બાપનો પ્રેમ આપી મોટા કરવા, ભણાવવા-ગણાવવા, નોકરીધંધા શોધી આપવા, જીવનમાં સ્થિર કરી સારી, સુશીલ છોકરી સાથે પરણાવી દેવા. બહુ જ મોટું ભગીરથ કાર્ય લઈને બેઠાં છે. આ બંને પતિપત્ની પારકી છઠ્ઠીના જાગતલ છે!

જીવનમાં ઝંઝાવાતો સામે બંને લડ્યા છે, આફતો સામે બંનેએ ટક્કર ઝીલી છે, મુશ્કેલીઓ સાથે મોહબત કરી છે. સેવા એ જ એમની સાધના છે, પ્રેમ એ જ એમની પૂજા છે, અનાથ બાળકો એ એમના સાક્ષાત્‌ ભગવાન છે.

છેલ્લા પૃષ્ઠ ઉપર બાઈબલમાંથી એક પ્રસંગકથા મૂકવામાં આવી છે. છે ભારે ચોટદાર પણ એ માટે તો ‘મારું કેળવણીનું દર્શન’ પુસ્તક વાંચવું જ રહ્યું.

એક પવિત્ર ફરજ બજાવવી ગમશે. શ્રીનાગજીભાઈ અને તાઈ સ્વભાવે ખૂબજ ચીવટવાળા, કાળજી લેવાવાળા માણસો છે. 

લેખકશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ.

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.