(કથામૃત : ૧.૭.૧-૩ , ૧૪ ડિસેમ્બર ૧૮૮૨)

બદ્ધજીવ

દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી ઇત્યાદિ ભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ ભગવત્પ્રસંગ ચાલે છે. શ્રીઠાકુર જીવોના ચાર પ્રકારનાં લક્ષણો બતાવે છે: બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ.

બદ્ધજીવો તો આપણી ચારેતરફ જોવા મળે છે. શ્રીઠાકુર આ માટે ઉપમા આપે છે – જાળની અંદર પડેલી માછલી કીચડમાં મોં રાખીને પડી રહે છે. એવું લાગે છે કે આ રીતે તે પોતાની જાતને સુરક્ષિત હોવાનું સમજે છે. એને એ ખબર નથી કે માછીમાર એને ખેંચી લેશે અને તે મરી જશે. તે માછલી એક અવશ્યંભાવિ ઘટનાથી સચેત નથી. આ છે ‘બદ્ધજીવ’નું લક્ષણ. એટલા માટે ‘મહાભારત’માં એને એક આશ્ચર્ય કહેવામાં આવ્યું છે:

अहन्यहनि भूतानि गच्छन्ति यममन्दिरम्‌ ।
शेषा: स्थिरत्वमिच्छन्ति किमाश्चर्यमत: परम्‌ ।।

દિવસે દિવસે મનુષ્ય મૃત્યુના મુખનો કોળિયો બનતો જાય છે. આમ હોવા છતાંય તેને એનું ભાન નથી. તે વિચારે છે કે જેને મરવાનું છે તે જ મરશે, હું તો બરાબર જીવતો રહીશ. બદ્ધજીવને બંધનનું કોઈ ભાન રહેતું નથી. તે બરાબર ચુસ્ત રીતે બંધાયેલો છે. એનું એને ભાન નથી! એટલા માટે માનવ યોજનાઓ ઘડ્યે રાખે છે, કલ્પનાઓ કરતો રહે છે – ‘હું આ કરીશ, હું તે કરીશ’; પરંતુ એ એટલું નથી વિચારતો કે આજે જ જો ‘બોલાવો’ આવી જાય તો આ બધું છોડીને ચાલ્યા જવું પડશે. શ્રીઠાકુર કહે છે: ‘હૃદયે દક્ષિણેશ્વરમાં એક નાના વાછડાને ઘાસ ખવડાવવા માટે ખીલે બાંધી રાખ્યો છે.’ શ્રીઠાકુરે પૂછતાં તેણે કહ્યું : ‘આ વાછડો મોટો થશે પછી તેને હું મારા ગામ મોકલી દઈશ અને એની મદદથી ખેતી કરીશ.’ શ્રીઠાકુર તો આ સાંભળીને મૂર્છિત જ થઈ ગયા. આટલો નાનો વાછડો, એ વળી ક્યારે મોટો થાય, અને પછી એને દૂર શીહડ ગામમાં મોકલશે અને એના દ્વારા ખેતી કરશે!

આપણે તો વળી આનાથી મોટી મોટી કલ્પનાઓ કરીએ છીએ અને મનમાં એવું ધારીએ છીએ કે આપણે ચિરકાળ સુધી જીવિત રહીને એ મનોરથોને સાકાર કરીને તેનાં ફળ ભોગવીશું. પરંતુ, આટલું ધ્યાનમાં રાખજો કે હું કોઈ રાષ્ટ્રિય યોજનાની વાત અહીં કરતો નથી. હું તો વ્યક્તિગત યોજનાની જ વાત કરું છું. અહીં એક પ્રશ્ન ઊભો થાય કે તો શું આપણે યોજનાઓ ન બનાવવી? શ્રીઠાકુર એમ કહેતા નથી. યોજના તો આપણે જરૂર બનાવીએ પરંતુ એની સાથે સાથે એ પણ વિચારી લઈએ કે જેટલું આપણે કરી શકીએ તેટલું કરીશું. એના પછીનું આપણી પછીથી આવનારાઓ આવશે, તેઓ કરશે. અહીંથી ચાલ્યા જવા માટે આપણે સદૈવ તૈયાર રહેવું પડશે. આવી રીતે વિચારપૂર્વક જો કોઈ યોજના બનાવાય તો એમાં કંઈ દોષ-ખામી નથી. પરંતુ જ્યાં સુધી નિ:સ્વાર્થભાવ નથી ઉપજતો ત્યાં સુધી આવો વિચારેય આવતો નથી. જો આપણું મન સ્વાર્થભર્યું હશે તો આપણા મનમાં જેનો આપણે ફળભોગ ન કરીએ એવી યોજના ક્યારેય આવશે નહિ. હું બે-ચાર દિવસ માટે આ દુનિયામાં આવ્યો છું. અને જે પળે બોલાવો આવશે ત્યારે તે પળે આ બધું છોડીને મારે ચાલ્યા જવું પડશે આવો વિચાર બદ્ધજીવના મસ્તિસ્કમાં ક્યારેય આવતો નથી. ઊલટાનું એનો વ્યવહાર જોઈને તો એવું લાગે છે કે જાણે એને ક્યારેય અહીંથી જવું નહિ પડે એવી તે પાકી વ્યવસ્થા કરીને આ દુનિયામાં આવ્યો છે.

મુમુક્ષુજીવ અને મુક્તજીવ

મુમુક્ષુજીવ બંધન વિશે સચેત રહે છે; તેને બંધનનો અનુભવ છે; બંધનની પીડા છે એટલા માટે તે બંધનથી મુક્તિ મેળવવાના પ્રયત્ન કરે છે. પરંતુ, મુક્તિ માટે સચેત બધા લોકો મુક્ત બની જાય એવી વાત નથી. શ્રીઠાકુર ઉપમા દેતા કહે છે કે માછલીઓ જાળમાંથી છૂટવા માટે ઉધામા કરે છે; પરંતુ એ બધી બહાર નીકળી શકતી નથી. એમાંથી બેચાર જ ઘડામ દઈને કૂદકો મારીને ભાગે છે. એવી જ રીતે જે મહામાયાની જાળમાંથી કોઈ પણ રીતે બહાર નીકળી જાય છે તે મુક્તજીવ છે.

નિત્યજીવ

આ ઉપરાંત વળી એક વધુ પ્રકારના જીવની વાત શ્રીઠાકુર કહેતા – જેને ‘નિત્યજીવ’ કહેવાય છે. શાણી માછલી જેવી રીતે ક્યારેય જાળમાં ફસાતી નથી તેમ આ નિત્યજીવ પણ મહામાયાના બંધનમાં ક્યારેય બંધાતો નથી. આવા લોકો પણ બીજા બધા લોકોની જેમ સંસારમાં આવે છે, પરંતુ બુદ્ધિ થોડી વિકાસ પામતા તેઓ સમજી જાય છે કે તેઓ આ સંસાર-દુનિયાના જીવ નથી. શ્રીઠાકુરે પોતાના લીલાસહચરોને આ નિત્યજીવની કોટિમાં રાખ્યા હતા. આ બધાનું સંસારમાં અવતરણ કોઈ વાસનાના ફળસ્વરૂપે થયું ન હતું. પરંતુ તેઓ બધા અવતારના લીલાસહચર બનીને લોકકલ્યાણ માટે આવ્યા છે. શ્રીઠાકુર અહીં નારદજીનું ઉદાહરણ આપે છે: નારદજીના જીવનમાં બાળપણથી, તેઓ પાંચ વર્ષના હતા ત્યારથી જ પ્રબળ વૈરાગ્ય જોવા મળે છે. સંસારમાં એક માત્ર બંધન હતી મા. મા બ્રાહ્મણોને ઘરે દાસીનું કામ કરતી, જીવનનિર્વાહ ચલાવતી અને પોતાના પુત્રોનું પાલનપોષણ કરતી. એ માનું જ્યારે સર્પદંશથી મૃત્યુ થયું ત્યારે નારદજીની ઉંમર પાંચેક વર્ષની હતી. બાહ્યદૃષ્ટિએ જોવાથી એવું લાગે છે કે જાણે આ ઘટના એ બાળકના દુર્ભાગ્યનું સૂચક છે. પરંતુ નારદજી કહે છે કે એમનું જે થોડુંઘણું બંધન હતું તે પણ માના મૃત્યુથી તૂટી ગયું. તેઓ સાધના કરવા નીકળી પડ્યા. ફરતા ફરતા ઘણું દૂર ચાલીને એક વૃક્ષ નીચે તેઓ ધ્યાનમાં બેઠા. સંસારમાં ક્યારેય લિપ્ત થયું ન હતું એવું મન લઈને તેઓ ધ્યાન કરવા બેઠા હતા. ધ્યાન કરતાં કરતાં તેમને ભગવાનનાં સાક્ષાત્‌ દર્શન થયા. પરંતુ થોડી ક્ષણો બાદ ભગવાન અંતર્ધાન થઈ ગયા. એથી તેઓ અત્યંત વ્યાકુળ બનીને વિલાપ કરવા લાગ્યા, કહેવા લાગ્યા, ‘હે ભગવાન! તમે દર્શન આપીને પાછા અંતર્ધાન કેમ થઈ ગયા?’ એ સમયે એમને દૈવવાણી સંભળાઈ: ‘નારદજી, તમે જે એક વાર દર્શન મેળવ્યું એ જ તમારા આ જીવન માટે પર્યાપ્ત છે. મારું દર્શન તમને હવે થશે નહિ. પરંતુ મારું એક જ દર્શન તમારા સમગ્ર જીવનને પરિપૂર્ણ બનાવી દેશે. હવે તમે મારા ગુણોનું ગાન કરતાં કરતાં સમગ્ર વિશ્વમાં વિચરણ કરો.’ આમ એ કહેવાની જરૂર નથી કે આ પ્રકારની ભક્તિની શિક્ષાદીક્ષા દેવા માટે જ નારદને શરીર ધારણ કરવું પડ્યું હતું. એક માત્ર લોકકલ્યાણ સિવાય આ સંસારમાં નારદજીના આવવાનો બીજો કોઈ જીવન-ઉદ્દેશ ન હતો. આ છે ‘નિત્યજીવ’નું લક્ષણ.

બદ્ધજીવ તો આ સંસારમાં સૌથી વધુ સુલભ છે, ચારે બાજુ માત્ર એ જ દેખાય છે. મુમુક્ષુજીવ અપેક્ષા કરતા થોડા વિરલ છે, પણ શોધવાથી ક્યાંક ને ક્યાંક નજરે પડી જાય છે. પરંતુ મુક્તજીવને નજરે જોવો કઠિન છે. નિત્યજીવ દુર્લભ જ નથી પરંતુ એમને જોઈને લોકો એમને ઓળખી પણ શકતા નથી.

બદ્ધજીવનું લક્ષણ

એના પછી બદ્ધજીવનું વર્ણન કરતા શ્રીઠાકુર આપણી સામે એક ભયાવહચિત્ર આપે છે. તેઓ કહે છે: ‘ઊંટ કાંટાળું ઘાસ ખાવાનું પસંદ કરે છે. પરંતુ તે જેટલું ખાય છે તેટલું જ તેના મોંમાંથી લોહી વહેતું રહે છે. પણ કાંટાળું ઘાસ ખાવાનું છોડતો નથી. આપણે જોઈએ છીએ કે આ સંસારમાં મનુષ્યનાં દુ:ખોનો અંત નથી. જે બાહ્ય રીતે સુખી દેખાય છે એની ભીતર પ્રવેશીને જો જોઈએ તો આપણને જાણવા મળશે કે તેઓ દુ:ખ અને માત્ર દુ:ખથી ભરેલા છે. ભગવાન ‘ગીતા’માં કહે છે: ‘अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्‍व माम्‌’ – ‘આ અનિત્ય જગતમાં દુ:ખમાંથી કોઈ છૂટકારો નથી, એટલા માટે અનિત્ય વસ્તુ પ્રત્યેની આસક્તિને ત્યજીને મારું ભજન કરો.’ જેવી રીતે મુખમાંથી લોહી વહી રહ્યું છે છતાં પણ ઊંટ કાંટાળું ઘાસ ખાવાનું છોડતો નથી તેવી રીતે મનુષ્ય પણ આટઆટલા દુ:ખ હોવા છતાં સંસારમાં જ રત રહેવાનું ઇચ્છે છે. જ્યારે કષ્ટ પામે છે ત્યારે એવું બની શકે કે થોડીઘણી પળો માટે એને આ સંસાર સારો ન લાગે અને તે એને છોડી દેવાની ઇચ્છા પણ કરે; પરંતુ બંધનથી એ એવી રીતે જકડાયેલો છે કે કોઈ રીતે તેને તે છોડી શકતો નથી. કેશવચંદ્ર સેનના એક સંબંધીને, જેમની ઉંમર લગભગ ૫૦ વર્ષની હશે, પાને રમતા જોઈને શ્રીઠાકુર અવાક્‌ બની ગયા. પરંતુ આપણે બધા આ દૃશ્ય જોઈને અવાક્‌ બની જતા નથી. કારણ કે આવું તો સદૈવ આપણે આપણી ચારે તરફ જોઈ રહ્યા છીએ. આ ‘બદ્ધજીવ’ની અવસ્થા છે. આ અવસ્થા પેલી માછીમાર સ્ત્રી જેવી છે કે જે માછલીની ગંધ વિના ઊંઘી શકતી નથી અને ફૂલોની સુગંધમાં એને બેચેની લાગે છે.

બદ્ધજીવની મુક્તિનો ઉપાય

હવે પ્રશ્ન એ ઊભો થાય કે બદ્ધજીવના મનની અવસ્થા કેવી બને કે જેથી તેનાથી મુક્તિ મળી શકે? શ્રીઠાકુર આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે : ‘ઈશ્વરની કૃપાથી જ તીવ્ર વૈરાગ્ય જન્મે ત્યારે આ કામ-કાંચનની આસક્તિ દૂર થઈ શકે છે. તીવ્ર વૈરાગ્ય કોને કહેવાય? થાય છે, થશે, ભગવાનનું નામ લેતા રહો. આ બધું તો મંદ વૈરાગ્ય છે. જ્યારે તીવ્ર વૈરાગ્ય આવે છે ત્યારે જેમ માનો જીવ પોતાનાં બાળકો માટે આકુળવ્યાકુળ થઈ જાય છે તેમ તેમનાં મનપ્રાણ ભગવાન માટે આકુળવ્યાકુળ બની જાય છે.’ આવા મંદ વૈરાગ્યને કારણે ઘણા સાધકો સિદ્ધિલાભથી વંચિત રહે છે. શરૂ શરૂમાં તો સાધક મન મૂકીને સાધના શરૂ કરે છે. એવું વિચારે છે કે બે દિવસમાં જ ભગવાનને મેળવી લઈશ. પરંતુ, દિનપ્રતિદિન પૂર્ણમન સાથે કઠોર સંગ્રામ કરવા છતાં પણ વિજય મળતો નથી ત્યારે તેઓને એમ લાગે છે કે ભગવાનને પ્રાપ્ત કરવા એ કાર્ય તેઓ ધારતા હતા એટલું સરળ નથી. આવો બોધ એમનામાં હતાશા ઊભી કરે છે. આ હતાશા જ સાધકના જીવનનો મોટો શત્રુ છે. ‘ભગવત્પ્રાપ્તિ થતી નથી’ એવી વેદનાનો અનુભવ કરવો એ સારું છે પરંતુ એમાંથી ખરાબી ત્યારે જન્મે છે જ્યારે એ દુ:ખની અનુભૂતિથી હતાશા જન્મે છે અને સાધકના મનોબળને તે તોડી નાખે છે અને તેની સાધના ખંડિત કરી મૂકે છે. શાસ્ત્રોમાં આ સ્થિતિને ‘પ્રમાદ-આલસ્ય’ના નામે ઓળખવામાં આવે છે. પ્રમાદનો અર્થ છે અનવધાનતા એટલે કે લક્ષ્ય વિશે અચેતનતા. અને જો ચેતના હોય તો પણ માર્ગમાં એવો પ્રમાદ ઉપસ્થિત થાય છે કે સાધક વધારે આગળ વધી શકતો નથી. શાસ્ત્રોએ ‘क्षुरस्‍य धारा निशिता दुरत्यया दुर्गं पथस्‍तत्‌ कवयो वदन्ति’ – ‘તેજ અસ્ત્રાની ધાર પર ચાલવું જેટલું કઠણ છે તેટલો જ કઠિન છે ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ’ આમ અમસ્તુ નથી કહ્યું. સામાન્ય માનવ માટે તો એ જાણે અસંભવ છે. પરંતુ આ અસંભવને જ સંભવિત બનાવવું પડશે; કારણ કે એ સિવાય ઈશ્વરપ્રાપ્તિનો બીજો કોઈ માર્ગ જ નથી. પરંતુ માણસ સ્વભાવથી જ એવો છે કે તે સદૈવ સૌથી સરળ પથની ખોજમાં રહે છે. આ રીતે શોધ્યા પછી જે પથ તેને સૌથી વધુ સરળ લાગે છે એ પથે તે ચાલવા માંડે છે. ચાલતાં ચાલતાં એને સમજાય જાય છે કે આ પથ જરાય સરળ નથી. કેટલીક વાર માનવને પ્રોત્સાહિત કરવા માટે કહેવાય છે: ‘આ કરો તો બધું થઈ જશે. એક વાર પોકારી તો જુઓ! એનાથી બધું થઈ જશે.’ પરંતુ એક વાર તો શું દસવાર, હજારવાર ગળુ ફાડી ફાડીને એમને પોકારવાથી જ્યારે એને પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી લાગતું ત્યારે તેના મનમાં સંદેહ જન્મે છે. પરંતુ જેમ એકબાજુએ સંદેહ જન્મે છે એવી જ રીતે બીજી બાજુએ એક પ્રકારે પ્રભુ પ્રત્યેના આકર્ષણનો પણ અનુભવ કરે છે. આવી અવસ્થામાં સાધકનું ચિત્ત આ આકર્ષણ અને સંદેહને હિંડોળે ઝૂલવા માંડે છે. આ વિશે એવો એક સહજ પથ છે જેના પર ચાલીને ભગવાનને અનાયાસ પ્રાપ્ત કરી શકાય છે એવી કોઈ જૂઠી સાંત્વના દેવાનો કોઈ મતલબ નથી. એવો કોઈ પથ જ નથી. અહીં આપણે ગિરિશબાબુનું ઉદાહરણ લઈએ છીએ. એમને શ્રીઠાકુરે કહ્યું: ‘જુઓ, બીજું કંઈ ન કરી શકો તો કંઈ નહિ પણ દિવસમાં બે વાર એમનું નામ લેજો.’ પરંતુ દિવસમાં બે વારની વાત તો એક બાજુએ રહી, એક વાર પણ નામ લેવામાં ગિરિશબાબુ રાજી ન થતા શ્રીઠાકુરે ભાવાવસ્થામાં કહ્યું: ‘અરે! આ પણ ન કરી શકો તો મુખત્યારનામું આપી દો. એટલે કે તમારો ભાર મને સોંપી દો.’ ગિરિશબાબુ તો ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો આટલો સહજસરળ પથ પામીને નિશ્ચિંત બની ગયા. પરંતુ ત્યારબાદ એક દિવસ પ્રસંગ આવતા ગિરિશબાબુએ કહ્યું: ‘મારે અમુક સ્થળે જવું છે અને અમુકતમુક કામ કરવું છે.’ ત્યારે શ્રીઠાકુર બોલ્યા: ‘અરે ભાઈ! આ શું! તેં તો મને મુખત્યારનામું આપી દીધું છે ને? પછી હું આમ કરીશ, હું તે કરીશ, એવી વાત શા માટે કહે છે?’ ત્યારે ગિરિશબાબુ સમજી ગયા કે ખંડ ખંડમાં વિભાજિત કરીને તેને ભાર આપવો શક્ય નથી. જીવનના અંતિમ દિવસોમાં એમને સમજાઈ ગયું કે આ મુખત્યારનામું આપી દેવું એ કેટલી કઠિન વાત છે. તેઓ કહેતા: ‘હું ઈશ્વરને જવાબદારી સોંપીને એમની જ શક્તિથી આ ડગલું ભરી રહ્યો છું, આ શ્વાસ લઈ રહ્યો છું કે પછી આ કુલક્ષણ અહંકારની શક્તિથી કરું છું એ એકેએક પગલું ભરતાં ભરતાં, દરેક શ્વાસ લેતાં લેતાં જોવું જોઈએ.’ હવે ગિરિશબાબુએ વિચાર્યું કે આના કરતાં તો રોજે રોજ એક હજાર નામ જપ કરવાની વાતનો સ્વીકાર કરી લેવો વધારે સારો હતો.

નામ – માહાત્મ્ય

શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાનનું નામ કોઈ ‘हेलया श्रद्धया वा’ – ‘અનાદરપૂર્વક કે શ્રદ્ધા પૂર્વક’ લે એનું કલ્યાણ થવાનું જ. આ આશ્વાસનવાણીનો ભરોસો મેળવીને માનવ વિચારે છે કે ભગવાનનું નામ વધુ ન લેવાય તો પણ એકાદ વાર તો લેવું જોઈએ. આનો મતલબ છે વધારે સમય ન બગાડવો. પણ ઉપર્યુક્ત વાત કહીને શાસ્ત્રો કહે છે: ‘નામ તો જાણે લો જ, પરંતુ નામ સ્મરણ કેવી રીતે કરાય છે એ જાણો છો ને? નામસ્મરણ સાથે મનને પણ એકાગ્ર કરવું જોઈએ. તમારામાં એ એકાગ્રતા છે ને?’ બાપ રે બાપ! એકાગ્રતા! એ વળી કઠિન વાત! એ સિવાય એક હજારને બદલે દસ હજારવાર નામ જપ કરીશ. પાંચ મિનિટ માટે પણ એકાગ્રતા લાવવી એ ઘણું કઠિન છે. સ્વામી વિવેકાનંદ ગાતા હતા – ‘સાધનભજન ઉનકા કરો રે નિરંતર’. આ સાંભળીને શ્રીઠાકુર વિનોદ કરતાં બોલ્યા: ‘જે કરવાનો નથી એની વાત શું કરવા કરો છો? એટલે એવું કહો : સાધનભજન ઉનકા કરો રે દિનમેં દો બાર’ તાત્પર્ય એ છે કે અમે એમનું બે વાર નામ લેશું અને તેઓ એના બદલામાં અમારાં બધાં કાર્યો કરી દેશે, આવી રીતે પ્રભુ સાથે કોઈ સોદો કે સમજૂતી નથી થતાં. ભગવાન કહે છે : ‘હું યોગક્ષેમનું વહન કરું છું.’ – અર્થાત્‌ જેને જે જોઈએ છે તે આપું છું અને જેની પાસે જે છે એની હું રક્ષા કરું છું. તો તો ભગવાનના ભક્ત બનવામાં ઘણો મોટો લાભ છે. આપણને જે જોઈએ છીએ એ પણ મેળવી આપશે. અને આપણી પાસે જે છે એની રક્ષા કરવા માટે તે ચોકીપહેરો કરશે. પરંતુ તેઓ પોતાની ઉપર્યુક્ત વાત સાથે એક વધુ વાત જોડી દે છે, જે આપણા ધ્યાનમાં રહેતી નથી. કહે છે: ‘अनन्याश्चिन्तयन्त:’ – જે અનન્યભાવથી મારું ચિંતન કરે છે; ‘तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्‌’ – એવા મારી સાથે નિત્યયુક્ત લોકોના યોગક્ષેમનું હું વહન કરું છું. યોગક્ષેમની વાતથી આકર્ષાઈને આપણે પ્રભુ પ્રત્યે આવી જઈએ છીએ પરંતુ એમની શરત સાંભળીને બોલી ઊઠીએ છીએ : ‘પ્રભો, ત્રાહિ મામ્‌! ત્રાહિ મામ્‌! ન તો તમારો યોગ જોઈએ કે ન તમારું ક્ષેમ!’

વાસ્તવમાં આપણે ઇચ્છીએ છીએ Path of least resistance – ઓછામાં ઓછી અડચણવાળો પથ. પરંતુ ભગવાનને પ્રાપ્ત કરવા માટે એવો કોઈ માર્ગ નથી. ઊલટાનું દરેક માર્ગ પર વિપત્તિના ઢગલેઢગલા છે. અહીં ડગલે ડગલે પરીક્ષા થાય છે. જે ગોપીઓએ ભગવાનને સર્વસ્વ સમર્પણ કરી દીધું, એમને પણ એવી કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું અને એ પરીક્ષામાં સફળ પણ થવું પડ્યું હતું; ત્યારે માંડ માંડ એમના પર ભગવાનની કૃપા થઈ હતી.

ત્યાગ અને વ્યાકુળતા

ગોપીઓ ઘર છોડીને, આત્મીય સ્વજનો, પતિપુત્રો બધું છોડીને પાગલની જેમ ભગવાનના ચરણોમાં દોડી આવે છે. અહીં ભગવાન કહે છે: ‘તમે આવ્યા સારું કર્યું. કહો, તમારા લોકો માટે મારે શું કરવાનું છે?’ જાણે કે તેઓ એકદમ અપરિચિત જ હોય. અંગ્રેજીમાં કહેવાય છે What can i do for you ? (હું આપને માટે શું કરી શકું?) બરાબર આવો જ ભાવ છે. જેમને માટે સર્વ કંઈ છોડી દીધું એ જ જો આવો વ્યવહાર કરે તો એનાથી વધુ મોટી આકરી પરીક્ષા વળી બીજી કઈ હોઈ શકે? પરંતુ, આ પથની ભયંકરતા કે કઠિનતાને જો તેના પ્રારંભથી જ બતાવી દેવાય તો તો ભયનો માર્યો કોઈ પણ માણસ એ પથ પર એક ડગલુંયે આગળ નહિ વધે. એટલે એમ કહેવું પડે છે કે એનો ઉપાય છે, પ્રભુ પર નિર્ભર રહો. એ જ બધી વિપત્તિઓથી તમને બચાવશે. ‘तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात्‌’ – હું મૃત્યુરૂપી સંસારસાગરમાંથી એનો ઉદ્ધાર કરું છું; ‘मय्यावेशितचेतसाम्‌’ – જેનું ચિત્ત મારામાં નિવિષ્ટ – પરોવાયેલું છે. પરંતુ કોઈ જ્યારે ઉદ્ધાર કરાવવાનું ઇચ્છે ત્યારે જ તેઓ ઉદ્ધાર કરશે. શ્રીઠાકુર કહેતા કે વિષ્ટાના કીટને જો ભાતની હાંડીમાં મૂકવામાં આવે તો તે મરી જાય. આપણી અવસ્થા પણ આવી જ છે. સંસારની મલિનતામાં જ આપણને સંતોષ છે અને એની ભીતર જ આપણે હૃષ્ટપુષ્ટ બનીએ છીએ; પછી ભગવત્‌ ચિંતન કરવાનો અવકાશ જ ક્યાંથી રહે? અને જો આપણે ભગવાનની વાત પસંદ કરીએ તો પણ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું તેમ બેઠકખંડને સજાવવા માટે જાપાની ગુલદસ્તાની આવશ્યકતા આપણે અનુભવીએ છીએ, તેવી વાત છે. અર્થાત્‌ ધર્મની આવશ્કતા આપણા જીવનમાં પેલા ગુલદસ્તા જેવી એક ફેશન માત્ર છે. ભગવાન પ્રત્યે આવી રીતે આપણું મન પરોવીએ છીએ પરંતુ આવી રીતે મન પરોવવાથી કામ થશે નહિ. પૂરેપૂરું મન એમને આપી દેવું પડશે. પરંતુ હજારો બંધનો કાપીને પૂરેપૂરું મન એમને આપી દેવું એ ઘણી કઠિન વાત છે.

શરણાગતિ

શાસ્ત્રનો નિર્દેશ ભલે ગમે તેટલો કઠિન હોય પણ આપણે એને પાળવાની કોશિશ કરવી જોઈએ. શા માટે? એટલા માટે કે એ સિવાય મનુષ્ય માટે કલ્યાણકારી બીજું કંઈ નથી. આ વાતને જો માણસ હૃદયપૂર્વક સમજી શકશે તો શ્રીપ્રભુના ચરણોમાં શરણ મેળવ્યા વિના તે બીજું કરશે પણ શું? ભાગવત કહે છે: મરણશીલ મનુષ્ય નજરે જુએ છે કે તેની પાછળ મૃત્યુરૂપી કાળસર્પ દોડતો આવી રહ્યો છે. એટલે તે ભયથી ભાગતાં ભાગતાં તે સ્વર્ગ, મર્ત્ય, પાતાળ, ત્રણેય લોકમાં ફરી વળે છે. પણ ક્યાંય તે ઉદ્ધાર જોતો નથી. પાછળ તે જ કાળસર્પ દોડતો આવી રહ્યો છે. ભાગતાં ભાગતાં અંતે થાકીને, અવસન્ન બનીને તે જુએ છે કે ભગવાનનાં પાદપદ્મોમાં તે જઈ પડ્યો છે. તે તેને શોધી શોધીને તો ન મેળવી શક્યો પણ ભાગતાં ભાગતાં પોતાના કોઈ પણ પ્રકારના પૂર્વજન્મોના પુણ્યોને લીધે ગણીએ કે પછી પ્રભુની જ કૃપાથી – એમના પાદપદ્મોની નજીક તે આવી પહોંચ્યો. અહીં આવીને તે નિશ્ચિંત અને આશ્વસ્ત બનીને સુઈ જાય છે. આશ્વસ્ત શા માટે? એટલા માટે કે અહીં કાલસર્પનો ભય નથી. એવું લાગે છે કે એના પ્રતીકસ્વરૂપ નારાયણના વાહનરૂપે જેની પાસે સાપ ફરકી પણ શકતો નથી એવા શ્રીગરુડજીને ગ્રહણ કર્યા. આ રીતે એમનાં ચરણકમળમાં શરણ લેવાથી મનુષ્ય મૃત્યુથી છૂટકારો મેળવી શકે છે.

મૃત્યુ કોને કહે છે? પોતાની જાતને ભૂલતાં રહેવું, સ્વયંના સ્વરૂપને ભૂલતાં રહેવું એ જ મૃત્યુ છે. આપણું આ મૃત્યુ સર્વત્ર છે, આપણે સદૈવ મૃત્યુગ્રસ્ત બની રહીએ છીએ. કારણ કે મૃત્યુ એટલે કેવળ દેહનો જ નાશ નહિ પરંતુ મૃત્યુ એટલે ભગવાનને ભૂલતાં રહેવું. એટલા માટે મૃત્યુના પંજામાંથી છૂટકારો મેળવવાનો ઉપાય છે – ભગવદાશ્રય લઈને રહેવું. પરંતુ એમનો આશ્રય લેવો એ પણ સરળ નથી, આ વાત આપણને પાછળથી સમજાશે. આ લોક જેવા ત્રણલોકમાં ભાગતાં ભાગતાં થાકી જઈશું ત્યારે માંડ એમનાં શ્રીચરણકમળમાં આશ્રય મળશે. આજે ત્રણલોકમાં ભાગવાનું છે, મનની સાથે સંગ્રામ કરવાનો છે એ બધું કરીને આપણે અવસન્ન થઈ – થાકી જઈએ ત્યારે માંડ અંતે આપણા મનમાં શરણાગતિનો ભાવ આવે છે અને ત્યારે તેઓ આપણને આશ્રય આપે છે. જો આવું ન થતું હોત તો સદા એમની સાથે ઓતપ્રોત બનીને, જોડાઈને પણ આપણે એમનાથી દૂર કેવી રીતે રહ્યાં હોત? જ્યારે આ સંસાર વિષ જેવો લાગે છે ત્યારે આ સાધના શરૂ થાય છે.

સંસાર અને સાધના

આ એક મોટી વિડંબના છે કે સંસારમાં રહેવા છતાં તેને વિષ જેવો માનવો પડશે. પણ સત્ય એ છે કે જ્યાં સુધી સંસાર મનને મીઠો લાગે છે ત્યાં સુધી બીજી મધુરતાની આવશ્યકતા જ ક્યાં છે? ત્યાં ભગવાનની આવશ્યકતા જ નથી. અને જો ક્યારેય આવશ્યકતા ઊભી થાય તો પણ આપણે કહીશું – હે પ્રભુ! બાળક બિમાર છે એને સાજો કરી દો; અથવા એમ કહીશું – હે પ્રભુ! આ વર્ષે પાક જરા સારો પાકો એવું કરજો. બસ ભગવાનની આવશ્યકતા અહીં સુધી જ રહે છે. આપણે આ સંસારને ચાહીએ છીએ અને આ સંસારમાં સુખ મેળવવા તથા દુ:ખથી બચવાના ઉપાય રૂપે આપણે ભગવાનને ચાહીએ છીએ. વાસ્તવમાં આપણે એમને હૃદયથી ચાહતા નથી. પ્રભુને માટે સર્વસ્વનો ત્યાગ કરવા તૈયાર થાય એવા વીરહૃદયી માનવ ઘણા ઓછા હોય છે. આ સાંભળીને તો એવું લાગશે કે આ તો સંન્યાસની વાત છે. આ સંન્યાસની વાત નથી, પરંતુ સાચા ભક્તના હૃદયની વાત છે. જ્યારે આપણે કહીએ છીએ : ‘હે નાથ! તમે જ મારું સર્વસ્વ છો.’ ત્યારે આ વાત પોપટિયારટણની જેમ વારંવાર કહીએ છીએ. એના અર્થને હૃદયમાં ઊતારવા જેટલી દૃઢતા આપણામાં નથી. શ્રીઠાકુર કહે છે : ‘તમે આ પણ કરો, તે પણ કરો.’ પરંતુ પછીથી તરત જ તેઓ આમ પણ કહે છે કે જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યારે ‘બંને હાથે એમને-પ્રભુને પકડી લો.’ આ જે બંને હાથે એમને પકડવાની વાત છે એ જ લક્ષ્ય છે. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે અવસ્થાવિશેષમાં આવશ્યકતા પડે તો એક હાથથી એમને પકડવાની વાત કહેવાઈ છે. આવું ન બને તો સંસારમાં એક હાથ અને ભગવાનમાં બીજો હાથ એ વાત કોઈ કામની વાત નથી. મૂળવાત છે બંને હાથે એમને પકડવાની. પરંતુ એવું જોવા મળે છે કે કાંતો સંસાર આપણને નથી છોડતો અને કાં આપણે સંસારને છોડતા નથી. જાણે આપણે અરસપરસ સમજૂતી કરી લઈએ છીએ. કહેવાય છે – ઠીક છે, એક હાથે સંસારના કામકાજ કરો અને બીજા હાથે ભગવાનને પકડી રાખો. શ્રીઠાકુરના શિષ્યો કહેતા : જો પ્રભુમાં બે આના મન લગાડીને પણ સંસાર જીવીએ તો ય ઘણું છે. આપણે લોકો બહુધા કહીએ છીએ : ‘ સંસારમાં એટલું કામ છે કે ભગવત્‌-ચિંતન કરવાનો અવકાશ નથી મળતો.’ આ વાત પણ જો સર્વદા આપણા મનમાં રહેતી હોય તો એક પ્રકારે શ્રીપ્રભુનું ચિંતન થઈ જાય છે. પણ એ તો થતું નથી. વસ્તુત: આપણે જે કહીએ છીએ કે કામના ભારણને લીધે મને ઈશ્વર ચિંતનનો સમય મળતો નથી; એ કેવળ આત્મપ્રવંચના છે, પોતાની જાતને ભૂલભૂલામણીમાં રાખવા જેવું છે. એમના સિવાય બીજું કંઈ છે જ નહિ શું આ વાત એ સમયે યાદ રહે છે. એ સમયે શું આટલું યાદ રહે છે – इशावास्‍यमिदं सर्वम्‌  – આ વિશ્વબ્રહ્માંડને એ આત્મતત્ત્વથી ભરી દેવું પડશે અને પોતાના સમસ્ત જીવનને પણ એ ઈશ્વરથી ભરપૂર બનાવી દેવું પડશે.

Total Views: 14

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram