રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં છે. ભાવિકોના લાભાર્થે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો તેનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

રામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસીઓ દ્વારા દીક્ષા પ્રાપ્ત કરનાર ઘણા ભક્તો છે. તેઓ અવારનવાર કહેતા હોય છે: ‘અમે મંત્રદીક્ષા તો લીધી છે પણ આધ્યાત્મિક પથે કંઈ પ્રગતિ થઈ હોય એવું અમને લાગતું નથી. આવું કેમ બને છે? આના પ્રત્યુત્તરમાં એટલું કહેવાનું છે કે સૌ પ્રથમ તો સૌએ પોતાના ધ્યેય માટે ધીરગંભીર બનવું જોઈએ. આપણામાંના મોટાભાગનાને મન આ ધ્યેય એટલે કેટલીક ચોક્કસ દુન્યવી અને ભૌતિક મહત્ત્વકાંક્ષાઓની પૂર્તિ. મોટા ભાગના લોકો તો ડોક્ટર કે ઇજનેર, વહિવટી અધિકારી કે ઉદ્યોગધંધાના તંત્રવાહકો બનવાનું ઇચ્છે છે. પરંતુ આપણો સર્વોચ્ચ ઉદ્દેશ કે ધ્યેય તો આપણા આ જીવનમાં જ પૂર્ણતાની પ્રાપ્તિ કરવાનો હોવો જોઈએ. એટલે કે આપણા મૂળ સ્વરૂપની અનુભૂતિ કરવી કે જે સત્‌, ચિત્‌ અને આનંદરૂપ છે. જો અનુભૂતિવાળા મહાન આત્મા અને આપણા આદર્શ અને ઇષ્ટતત્ત્વના પ્રતિનિધિરૂપ સદ્‌ગુરુ પાસેથી આ પથે ચાલવાનું પૂરતું માર્ગદર્શન મેળવવા આપણે સદ્‌ભાગી બન્યા હોઈએ તો માનવજીવનનું આ સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ કરવું આપણા માટે સરળ બની રહે.

હવે, વાસ્તવિક રીતે આ સર્વોચ્ચ ધ્યેય પ્રત્યે ઉત્કટ ઇચ્છા કોણ ધરાવે છે? અંતરાત્માના આહ્‌વાનને સાંભળનાર જ આવી ઉત્કટ ઇચ્છા ધરાવે છે. જ્યારે સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણને મળ્યા ત્યારે તેમણે બે ગીત ગાયાં. આ સાંભળીને ગુરુદેવ ખૂબ પ્રસન્ન થયા. એમાંના એક ગીતની પ્રથમ પંક્તિ આવી છે : 

‘મન ચલો નિજ નિકેતન રે’

આ (પૃથ્વી) આપણું સાચું નિવાસ સ્થાન નથી. આપણું સાચું નિકેતન તો ક્યાંક બીજે છે. એનો અર્થ એવો નથી કે આ નિજ નિકેતન ક્યાંક ઊંચે સ્વર્ગમાં છે. એ તો આપણી ભીતર જ છે. ઈસુ કહે છે તેમ, ‘ઈશ્વરનું રાજ્ય તમારી ભીતર જ છે.’ કુરુક્ષેત્રના રણમેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ભગવદ્‌ ગીતાના અઢારમા અધ્યાયના ૬૧માં શ્લોકમાં કહે છે તેમ,

इॅश्वर: सर्वभूतानाम्‌ ह्रद्देशेऽर्जुन तिष्ठति ।
भ्रामयन्‍सर्वभूतानि यन्‍त्रारुढानि मायया ॥

‘હે અર્જુન! શરીરરૂપી યંત્રમાં આરૂઢ થયેલાં બધાં પ્રાણીઓને અંતાર્યામી પરમેશ્વર પોતાની માયાથી (પોતાનાં કર્મ પ્રમાણે) ભમાવતો બધા પ્રાણીઓનાં હૃદયમાં રહેલો છે.’

આ તો ભીતર જ રહેલું છે. પરંતુ જો આપણે દુનિયાના કહેવાતાં સુખ પાછળ દોડ્યે રાખીએ તો આપણી જિંદગી વ્યર્થ જાય છે. ઈસુએ કહ્યું છે તેમ, આપણને આ માનવજીવન પૂર્ણ બનવા માટે મળ્યું છે, કારણ કે સ્વર્ગમાં રહેલા આપણા પિતાપ્રભુ પણ પૂર્ણ છે. 

શ્રીરામકૃષ્ણને મળતી વખતે સ્વામી વિવેકાનંદે ગાયેલ બીજા ગીતની પંક્તિ આવી છે: 

‘જાબે કિ હે દિન આમાર વિફલે ચલિયે.’

આપણે જ્યારે દુનિયાના આ કહેવાતા સુખોથી થાકી-કંટાળી જઈએ, આ માયાની ભ્રમણાભૂમિમાં થાકી જઈએ માત્ર ત્યારે જ આપણે આપણા નિજ નિકેતને પાછા જવાનું ઇચ્છીશું. એ વખતે આપણે આપણા અંતરમાં ડોકિયું કરીએ છીએ. ત્યારે જ આપણે આપણી જાતને બધી જાતનાં દુન્યવી પ્રલોભનો અને આકર્ષણોથી વિમુખ કરવા ઇચ્છીશું. એટલે જેમનામાં તીવ્ર ઝંખના હોય તેમને જ સનાતન, શાશ્વત અને અનંત તત્ત્વ માટેની ભૂખતૃષા લાગે. શા માટે આ ભૌતિક વિશ્વના સુખાનંદમાંથી આપણે આપણા મનને પાછું ખેંચી લેવું જોઈએ? શા માટે આપણે આ બાહ્ય ઇન્દ્રિય વિષયોમાંથી સુખાનંદને શોધવાં ન જોઈએ? જો આવો પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો જવાબ છે, ‘વારુ, બાહ્ય વિષય કે પદાર્થોમાંથી આપણને થોડા ઘણા સુખાનંદ તો પ્રાપ્ત થાય છે એ વાત સાચી છે. પણ આપણને એ બધા સીમિત અને ક્ષણજીવી સુખો સાથે કંઈ લેવા દેવા નથી.’ ચિરસ્થાયી શાંતિ અને શાશ્વત સુખ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આપણે અનંતની અનુભૂતિ કરીએ અને આ અનંતતત્ત્વ જ આપણું મૂળ સ્વરૂપ છે એને પણ અનુભવીએ. આમ, એક માત્ર આત્માનુભૂતિ કે જીવનના સર્વોચ્ચ આદર્શની પ્રાપ્તિમાં જ માનવજીવનની સાચી પરિપૂર્ણતા રહેલી છે. શા માટે આપણે સૌ અનંત અને શાશ્વત તત્ત્વને ઝંખીએ છીએ? જીવનના સર્વોચ્ચ ધ્યેયને કોણ પ્રાપ્ત કરી શકે? જેઓ પોતાની ભીતર અંતરદ્વન્દ્વ અનુભવતા હોય તેઓ જ. દુનિયામાં એવા લાખો કરોડો લોકો હશે કે જેમને જીવનના ઉચ્ચતર મૂલ્યોની ચિંતા નથી હોતી અને તેઓ બધા દુનિયાના આ કહેવાતાં સુખોથી જ સંતુષ્ટ રહે છે. જેઓ આ બીજા ઉચ્ચતમ જગતના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવતા નથી, જેઓને આત્માના અસ્તિત્વમાં કે સર્વોચ્ચ શક્તિમાં પણ શ્રદ્ધા હોતી નથી, એ વાત સ્વાભાવિક છે કે આવા લોકોની ભીતર અંતરદ્વન્દ્વ હોતાં નથી. પરંતુ, આપણામાંથી કોઈનામાં આ વાસ્તવિક ચેતનાનો ઉદય થાય તો આપણે કોઈને કોઈ પ્રકારના અંતરદ્વન્દ્વ વિના રહી શકતા નથી. આપણામાં જો આ અંતરવલોણું ન હોય તો આધ્યાત્મિક શોધના કે ઝંખનાની કોઈ જરૂર જ નથી રહેતી. અને ત્યારે જ આપણે આપણાં મનને બાહ્ય દુનિયામાંથી પાછાં વાળીએ છીએ અને અંતર્નિરીક્ષણનો પ્રયાસ કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો બહિર્મુખી બનવાને બદલે અંતર્ગામી બનવાનું વધુ પસંદ કરીએ છીએ. આ રીતે આપણે અંતરદ્વન્દ્વનો અનુભવ કરીએ છીએ. જે લોકો બહિર્મુખી છે એમને આવાં અંતરદ્વન્દ્વો જેવું કંઈ હોતું જ નથી. કેટલાક એવા લોકો હશે કે જે પોતાને ધાર્મિક ગણાવતા હશે. જોકે તેઓ માત્ર ઉપરછલ્લી દૃષ્ટિએ જ ધાર્મિક હોય છે. ઉદાહરણ તરીકે આવા લોકો મંદિરે અને તીર્થસ્થાનોમાં જાય છે. તેઓ કુંભમેળામાં પણ જતા હશે અને ગંગાયમુનાના પવિત્ર સંગમસ્થાને ડૂબકી પણ મારતા હશે. પરંતુ આ તો માત્ર સામાજિક ધર્મનાં કર્તવ્ય કે કર્મકાંડ જેવાં ગણાય. આપણે આવાં વર્તનવલણ અને સર્વોચ્ચ ધ્યેયની પ્રાપ્તિ માટેની આકાંક્ષા વચ્ચે સૂક્ષ્મભેદ પાડવો જ રહ્યો. આમ, જેમને સર્વોચ્ચ ધ્યેયની લગની લાગી છે તેઓ આ અંતરવલોણું અનુભવ્યા વગર રહેતા નથી. જેઓ દૈનંદિન ટેવ જેવા ક્રિયાકાંડોની માફક કર્તવ્યો કરે છે તેમને આવાં આંતરદ્વન્દ્વની પીડા સહન કરવી પડતી નથી.

જેઓ આ જીવનમાં જ સર્વોચ્ચ ધ્યેય સુધી પહોંચવાની લગનીમાં મગ્ન છે, તેમનાં જીવન કોઈ સામાન્ય સ્ત્રીપુરુષની કક્ષાના માનવીઓ જેવાં નથી. તેઓ તો અધ્યાત્મને ઝંખનારા કે પોતાની અંતરલીલાને જોવાની ઝંખનાવાળા હોય છે. આપણા આ જીવતરમાં જ પૂર્ણતાની કક્ષાએ પહોંચવા માટે આપણે જીવનના આ સર્વોચ્ચ આદર્શ કે મૂલ્ય પ્રત્યે આકર્ષાયેલાં રહીએ છીએ. સાથે ને સાથે આ દૈહિક ઇચ્છા સુખોના પણ આપણે દાસ છીએ. આ જ છે આંતરદ્વન્દ્વનું મૂળ સ્રોત. આને લીધે જ અંતરાત્માના આહ્‌વાન અને ઇન્દ્રિયોના વિષયભોગની વચ્ચે ખેંચતાણ ઊભી થાય છે. આપણે ધીમે ધીમે સર્વોચ્ચ આદર્શ પ્રત્યે આગળ ધપવા ઇચ્છીએ છીએ અને દુનિયાના આ બાહ્ય વિષયવાસનાના સુખભોગો આપણને તેનાથી વિરુદ્ધ દિશામાં ખેંચે છે. આપણા મનમાં રહેલાં આદર્શો સાથે સુમેળ સાધવા આપણો દેહ ઇન્કાર કરે છે. આપણે આ બે વિરુદ્ધ મનોવૃત્તિઓની વચ્ચે ખેંચાઈ-તણાઈ રહીએ છીએ. એક બાજુએ આપણી ઈશ્વરની અનુભૂતિની સાચી ઝંખનાને અનુભવીએ છીએ તો બીજી બાજુએ આપણી આજુબાજુ રહેલાં અને અનુભવાતાં પ્રલોભનો આપણને બીજે કે અવળે માર્ગે દોરી જાય છે. એટલે આપણે એમ સરળતાથી કહી શકીએ કે બધા આ સર્વોચ્ચ આદર્શ સુધી પહોંચી શકતા નથી અને સૌ કોઈ આ સર્વોચ્ચ આદર્શની યાત્રાના પથે ચાલવા માટે લાયક નથી. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે સાચું આધ્યાત્મિક જીવન તો થોડાક જ પસંદગીના લોકો માટે શક્ય છે. સામુહિક આધ્યાત્મિકતા જેવી કોઈ વાત શક્ય નથી, કારણ કે બધાને માટે આધ્યાત્મિક ભાવનાવાળું બનવું શક્ય નથી. એ તો અલ્પસંખ્યાના પસંદગીના માણસો માટે છે – કે જેઓની સ્પષ્ટ વિભાવના છે કે જીવનનું સાચું ધ્યેય આપણાં મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં રહેલું છે કે જે દેહાત્મબુદ્ધિથી પર અને ઉત્કૃષ્ટ કક્ષાનું હોય છે.

ચૈતન્ય અને દેહ વચ્ચે અંતરદ્વન્દ્વ તો છે જ. એટલે સાચી ધર્મજાગૃતિ ગણ્યાગાઠ્યાં લોકો માટે ભલે હોય પણ આપણે એ અલ્યસંખ્યક પસંદગીના સમૂહના જ છીએ એવી સ્પષ્ટ વિભાવના-શ્રદ્ધા આપણામાં હોવાં જોઈએ. સારું, એ તત્ત્વ થોડાક પસંદગીના લોકો માટે છે પણ ‘હું પણ આ જ થોડા પસંદગીના લોકો માંહેનો છું’ એમ મારે શા માટે ન વિચારવું? આવી દૃઢ શ્રદ્ધા, આવો ભવ્ય આત્મવિશ્વાસ આપણામાં હોવાં જોઈએ, એ વિના આપણાં રસરુચિ ઊડી જશે અને આપણે આશાવાદી બનવાને બદલે નિરાશાવાદી બની જઈશું. આપણે પ્રબળ આશાવાદી બનવું પડશે અને આવી શ્રદ્ધાભરી વિભાવના પ્રાપ્ત કરવી પડશે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે બહુ ઓછી સંખ્યાના લોકોને આધ્યાત્મિક જીવનના આ મહાન ખજાનાની પડી હોય છે. એવા ઘણા લોકો છે કે જેમને માત્ર ઇન્દ્રિય સુખોપભોગમાં જિંદગી વેડફી નાખવાનું ગમે છે. આમ, જેમને અંતરાત્માનું આહ્‌વાન મળતું નથી તેઓ દેખીતી રીતે જ ઇન્દ્રિય સુખોપભોગથી જ સંતુષ્ટ બની રહે છે. જો ઇન્દ્રિય સુખોપભોગની પાછળ પડીશું તો અંતે આપણો નાશ થવાનો છે. સ્વામી વિવેકાનંદે પોતાના લખાણોમાં એક સ્થળે આવી જ અભિવ્યક્તિ કરી છે: ‘ઇન્દ્રિય સુખોપભોગમાં માનવનો અંત રહેલો છે. વિષયવાસનામાં ન પડવું અને એ વિષયવાસનાના સુખોનો ઇન્કાર કરવો એ જ શાશ્વત સુખ, શાશ્વત આનંદની ગુરુચાવી છે.’ આમ, અંતરનું આહ્‌વાન સાંભળનારે તેની કિંમત પણ ચૂકવવા તૈયાર રહેવું પડશે. જીવનના સર્વોચ્ચ આદર્શની યાત્રાએ નીકળવાનું આહ્‌વાન સાંભળનારમાં આંતરજાગૃતિ અને આંતરચેતના હોવાં જોઈએ. સાથે ને સાથે એણે મક્કમ મનની દૃઢતા અને અસીમ ખંતથી એ રસ્તાનું અનુસરણ કરવાની તૈયારી બતાવવી પડશે.

શ્રી શંકરાચાર્યે ‘વિવેકચૂડામણિ’ના ત્રીજા શ્લોકમાં આ જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય ત્રણ વિરલ બાબતોની વાત કરી છે :

दुर्लभं त्रयेमेवैतद्देवानु ग्रहहेतुकम्‌ ।
मनुष्यत्‍वं मुमुक्षुत्‍वं महापुरुषसंश्रय: ॥

ભગવદ્‌કૃપાથી જ જેની પ્રાપ્તિ થાય છે તેવાં મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાન પુરુષોનો સંગ, આ ત્રણેય બાબતો દુલર્ભ છે.

માનવજન્મ એ વિરલ વાત છે અને સાચા ગુરુની કૃપા પણ વિરલ છે. એ જ રીતે પ્રભુને જાણવાની ઝંખના કે જીવન્મુક્તિ માટેની સાચી ઉત્કટતા પણ વિરલ છે. આમાં કોઈને પણ ઉમેરવાની ઇચ્છા થાય એવી ઘણી મહત્વની વાત છે – આપણે આ બાબતમાં ગંભીર બનવું જોઈએ. ધારો કે આપણામાં આ બધું છે. આપણી પાસે વિરલ માનવજન્મ છે, આપણને ગુરુની કૃપા સાંપડી છે, આપણે સાચી પદ્ધતિ શીખ્યા છીએ અને આપણને મહાન પુરુષોનો સંગ પણ છે. આ બધી બાબતોનો પૂરેપૂરો લાભ લેવા માટે જરૂરી એવી વસ્તુ આતુરતાની બાબતમાં કદાચ આપણામાં ઊણપ દેખાય.

આપણા સર્વોચ્ચ ધ્યેયના યાત્રાપથ પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો આપણે એના માટે તૈયાર રહેવું પડશે. હવે આપણે મન ગંભીરતા એટલે શું? જો આપણે સર્વોચ્ચ ધ્યેયે પહોંચવાની બાબતમાં ખરેખર ગંભીર હોઈશું તો તેમાં પથભિન્નતા પણ આવશે. આધ્યાત્મિક જીવનમાં આ પથવિભાજન કે પથની વિવિધતા અનિવાર્ય વાત છે. ક્યારેક આપણે ઢચુપચુ માર્ગને એટલે કે નિરસ અને એકરસીલા માર્ગે ચાલીએ છીએ અને આપણા આધ્યાત્મિક પ્રયાસોમાં શિથિલતા કે મંદતા આવે છે. આપણને તો ગુરુની કૃપા સાંપડી છે અને ગુરુમંત્ર પણ મળ્યો છે. આપણે કથામૃત, ગીતા કે બાઈબલ પણ વાંચીએ છીએ. પણ આ બધું પૂરતું નથી. આપણામાંના મોટાભાગના લોકોની આ આધ્યાત્મિક આતુરતા અધવચ્ચે જ અટકી પડે છે. શરૂ શરૂમાં તો આપણને રસરુચિ અને ઉત્સાહ હતા પરંતુ પછીથી આધ્યાત્મિક આનંદ પ્રાપ્તિ માટે કોઈ દેખીતું પ્રમાણ મળતું નથી. એવું જ્યારે આપણને જણાય કે તરત આપણો હરિરસ ખાટો થઈ જાય છે. પછી આપણા આધ્યાત્મિક વ્યાયામ કે પ્રયાસો યંત્રવત્‌ બની જાય છે. આમાં મોટો ભય છે. આપણું મન ઘણું ચંચળ છે અને હંમેશાં બહાર ભમ્યે રાખે છે. સ્વાભાવિક રીતે જેમ વરસો પસાર થાય તેમ આપણાં મૂળ ધૈર્ય અને જુસ્સાની જાળવણી આપણને દુષ્કર લાગે છે. આવું કદાપિ ન થવું જોઈએ.

કવિ વિલિયમ વર્ડ્‌ઝ્‌વર્થે પોતાના સુખ્યાત કાવ્ય ‘Intimations of Immortality’માં સાચું કહ્યું છે: ‘Our birth is but a sleep and a forgetting.’ આપણો જન્મ એટલે માત્ર નિદ્રા અને વિસ્મરણ. એમના એક બીજા કાવ્યનું શીર્ષક ઘણું સૂચક છે : ‘The world is too much with us’જો આપણે આ સંસારમાં અત્યંત આસક્ત હોઈએ તો આપણા આ જીવનમાં સર્વોચ્ચ ધ્યેય સુધી પહોંચવું ઘણું કઠિન બની રહેશે. જો આપણે આ સંસારમાં આટલા બધા લાગ્યા કે મંડ્યા રહીએ તો એ સ્વાભાવિક વાત છે કે આપણે બહિર્મુખી બનીશું અને આ સંસારના માયાજન્ય અને આભાસી કહેવાતાં સુખો પાછળ આપણે આપણા આ કિંમતી માનવજીવનનો અંત લાવી દઈશું. આમ, એક સામાન્યકક્ષાના માનવ અને શુદ્ધ, સાત્ત્વિક, આધ્યાત્મિક જિજ્ઞાસુ સાધકની વચ્ચે ઘણો મોટો ભેદ છે. આપણા જેવા સામાન્ય મર્ત્ય માનવીઓ માટે, આપણી ખૂલી આંખે દેખાતાં આ આભાસી દુનિયા કે સંસાર જ એક માત્ર જગત છે, વાસ્તવિક જગત છે; પરંતુ જે આપણને ખૂલી આંખે દેખાય છે તે બ્રહ્મજ્ઞ, આત્મજ્ઞ કે સંતને મિથ્યા કે અસત્ય લાગે છે. આવા મહાપુરુષો નામ, આકારરૂપ મિથ્યાતત્ત્વને ત્યજી દે છે. આ સંતો જાણે છે કે આ સંસાર કે દુનિયા તો માત્ર બાહ્ય દેખાવની અને આભાસી છે અને માત્ર આત્મા જ વાસ્તવિક સત્ય છે. એમની દૃષ્ટિએ આ આભાસી જગતની પાછળ છુપાયેલું આ આંતરજગત – આ આધ્યાત્મિક જગત એ જ સાચું જગત છે. આપણામાંના મોટાભાગના લોકોને આ આંતરજગત કે આધ્યાત્મિક જગતની કંઈ પડી જ નથી. આવું શા માટે? આપણે એટલા બધા ઇન્દ્રિયવિષયબંધનમાં બદ્ધ છીએ કે આ જગત આપણને વાસ્તવિક સત્ય લાગે છે. એટલા માટે જે લોકો આ જ જીવનમાં સર્વોચ્ચ લક્ષ્યે પહોંચવા ઇચ્છતા હોય તેમણે અત્યંત સાવધાન, સજાગ રહેવું જોઈએ.

આધ્યાત્મિક જીવન એટલે પરમને સમર્પિત જીવન. આધ્યાત્મિક જીવન એટલે પવિત્રતા, નિષ્ઠા અને સમર્પણભાવનું જીવન. આધ્યાત્મિક જીવન એટલે એકનિષ્ઠતા. આ માટે સારી એવી માત્રામાં દિવ્યભાવ માટેના અસંતોષની જરૂર છે. જો આપણે આ દુન્યવી કે સાંસારિક સુખોથી સંતુષ્ટ હોઈએ તો આ પરમધ્યેય સુધી પહોંચવાની આશા રાખી ન શકીએ. ક્યારેક આપણને સંસારના જોડાંજુતિયાં ખાવા મળે છે અને આપણી સાનભાન ઠેકાણે આવે છે. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે કે જો આપણામાં આવો ઉમદાપ્રકારનો અસંતોષ અને આ દુનિયા આપણને કંઈ વાસ્તવિક કે સ્થાયી સુખ આપી શકે તેમ નથી એવી પાકી સમજણ આવે તો આપણે આ સંસારની ભૌતિક વસ્તુઓ પ્રત્યેની વળગણને દૂર કરી શકીશું.

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.