ગૃહસ્થ ઈશ્વરનો ભક્ત હોવો જોઈએ; ઈશ્વર વિશેનું જ્ઞાનપ્રાપ્ત કરવું એ તેના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. છતાં એણે સતત કાર્યશીલ રહેવું જોઈએ, પોતાનાં સર્વ કર્તવ્યો બજાવવાં જોઈએ, અને પોતાનાં કાર્યોનાં ફળ પરમાત્માને અર્પણ કરવાં જોઈએ.

આ જગતમાં કાર્ય કરવું છતાં તેના ફળની ઇચ્છા ન રાખવી, અન્ય માણસને સહાય કરવી છતાં એ એને માટે કૃતજ્ઞ રહે એવો વિચાર ન સેવવો, કોઈ સારું કાર્ય કરવું છતાં એ સાથે એ કાર્યથી કીર્તિ કે નામના મળે છે કે કેમ, અથવા કશું કાંઈ મળે છે કે કેમ, એ વિશે નજર સરખી ન રાખવી, એ ભારે કઠણ છે. અત્યંત નામર્દ માણસની પણ જગત જો પ્રશંસા કરે તો એ બહાદુર બને છે. સમાજનાં વખાણને લીધે મૂર્ખ પણ વીરતાનાં કામ કરે છે. પણ પોતાના સાથી માનવોની સહાયની કશી અપેક્ષા રાખ્યા વિના સતત રીતે શુભ કાર્ય કર્યે જવું, એ માણસનો ઊંચામાં ઊંચો માર્ગ છે, ત્યાગ છે. ગૃહસ્થનું કર્તવ્ય કમાવાનું છે, પણ આ કમાણીમાં અસત્ય, છેતરપિંડી કે લૂંટ ન થાય, તેનું એણે ધ્યાન રાખવું. એણે પોતાનું જીવન દરિદ્રનારાયણની સેવામાં ગાળવાનું છે.

અને માતાપિતાને ઈશ્વરનાં પ્રત્યક્ષ પ્રતિનિધિ માનીને દરેક ગૃહસ્થીએ સર્વ રીતે સદાય તેમને રાજી રાખવાં જોઈએ. માબાપના આનંદમાં ભગવાન રાજી રહે છે. માબાપને કદી કડવું વેણ ન કહેનાર પુત્ર કે પુત્રી, સૌથી વધારે સારાં સંતાન ગણાય.

માબાપની હાજરીમાં બાળકોએ મશ્કરી ન કરવી. અધીરા ન બનવું, ગુસ્સો ન કરવો, મન ઉપર કાબૂ રાખવો, નમ્ર બનવું, માબાપની આમાન્યા પાળવી. તેમનો પડ્યો બોલ ઉઠાવવા હંમેશાં તૈયાર રહેવું.

ગૃહસ્થે પોતાનાં વૃદ્ધ માબાપ, બાળકો, સ્ત્રી અને ગરીબને જમાડ્યા પહેલાં જમવું તે પાપ છે. આ શરીર માતાપિતા તરફથી મળ્યું છે તેથી માબાપનું કલ્યાણ થાય તે માટે માણસે ગમે તેવી મુશ્કેલીઓ વેઠવા તૈયાર રહેવું જોઈએ.

ગૃહસ્થનું પોતાની પત્ની પ્રત્યેનું કર્તવ્ય પણ એવું જ છે. કોઈ પણ માણસે પોતાની પત્નીને ધમકાવવી ન જોઈએ. માતા સમાન ગણી તેનું ગૌરવ જાળવવું જોઈએ. સંકટ સમયે પણ પત્ની પ્રત્યે રોષ ન કરવો જોઈએ.

પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીનો વિચાર સરખો કરવો એ ગૃહસ્થને માટે પાપરૂપ છે. પરસ્ત્રીનો માનસિક સ્પર્શ પણ માણસને ઘોર નરકમાં લઈ જાય છે.

સ્ત્રીઓની સામે અયોગ્ય ભાષા કદી ન વાપરવી. તેની પાસે પોતાની ખોટી બડાઈ ન હાંકવી. ‘મેં આમ કર્યું ને મેં તેમ કર્યું’ એમ બોલવું ન જોઈએ.

(સ્વા.વિવે.ગ્રં.મા., ભાગ : ૩, પૃ.૩૪-૩૫)

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.