ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું

સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો આપણો દિવસ જાણે કે બગાડી નાખે છે. આપણને એવું લાગે છે કે આ દુનિયામાં ક્યાંય ભાવાત્મક વિચારો, માનવીઓ, માનવીય વલણો – ભાવનાઓને પ્રગટ કરતા સમાચારોનું તો જાણે અસ્તિત્વ જ નથી. બધું છિન્ન ભિન્ન થઈ જતું બતાવાય છે. ક્યાંક સંધાતું હશે, બંધાતું હશે; ક્યાંક સુસંવાદી સંરચનાઓ થતી હશે; ક્યાંક ભાવજગત રચાતું હશે; ક્યાંક માનવમાનવના પ્રેમમિલનો થતાં હશે. ક્યાંક એવું શુભ થતું હશે, એવું વિધેયાત્મક સર્જન થતું હશે, એવું સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌નું રાજ્ય રચાતું હશે. આ બધું શુભ અને ભાવાત્મક તો બનતું જ રહે છે. પણ કોણ જાણે કેમ આપણા આજના પત્રકારિત્વને આ દેખાતું નથી. એટલે જ એક goodnewsindia.com ની વેબસાઈટ તૈયાર થઈ છે. એમાં બધું શુભ છે, શિવ છે, સુંદર છે, સત્ય છે અને ભાવાત્મક છે; અભાવાત્મક કે નિષેધાત્મક કશું નથી. 

પર્યાવરણપ્રેમી દંપતીનો વૃક્ષપ્રેમ

કર્ણાટકના વિસ્તારોમાં આપણે પ્રવાસે નીકળ્યા હોઈએ તો વિનમ્ર ખેડૂતો ભૂમિની સંભાળમાં લાગી ગયેલા જોવા મળે છે. ઉતાવળ વિનાની પણ નિશ્ચિત ચાલે ચાલતા, વિનયવિવેક દાખવતા, આ ખેડૂતોના જીવનવ્યવહાર અને આદર્શો જાણે કે જૂની દુનિયાની રીતભાતો જેવા લાગે. છતાંય આ જૂનવાણી લોકો આશ્ચર્ય પણ સર્જી દે છે. આવું આશ્ચર્ય કુદુર અને હુલીકલ વચ્ચેના ચાર કિ.મી.ના રસ્તા પર ૩૦૦ વૃક્ષની વનરાજીના અદ્‌ભુત ઉછેરમાં જોવા મળે છે. આવા ૩૦૦ વૃક્ષ ઉછેરનાર થિમાક્કા અને ચિકન્નાની શરૂ શરૂમાં તો લોકો ઠેકડી ઉડાડતા. આજે આ દંપતીએ વાવેલા ૩૦૦ વૃક્ષોની ઠંડી લેરખીઓ અને વૃક્ષોનું શીળુંસ્મિત આપણને થોડીવાર થંભાવી દે છે.

ચાર કિ.મી.ના આ શાંત રસ્તાને બંને બાજુએ વૃક્ષસૈનિકોના ચોકીપહેરાથી આપણા મનને આનંદ અને શીતળતાથી ભરી દે છે. બંને બાજુએ આવેલા વૃક્ષો પર બેઠાં બેઠાં નિર્ભય બનીને પક્ષીઓ એના ફળોનો રસ માણી રહ્યા છે. આ પક્ષીઓના મીઠા કલરવ આપણા મનહૃદયને આનંદથી ભરી દે છે. કેટલાંક પક્ષીઓની કર્કશ લાગતી ચીચીયારી પણ સાંભળવી ગમે તેવી છે. અંજીર અને અંજીર જેવાં ફળો રસ્તા પર પડે છે અને રસ્તાને ગુંદરિયો બનાવી દે છે. આ રસ્તાની બંને બાજુએ એટલાં ગાઢ વૃક્ષો આવેલા છે કે બપોરે પણ વૃક્ષની છાયામાં સાઈકલ લઈને જતા સાઈકલસવારને પણ થોડું અંધારું લાગે છે. આજના આધુનિક ડામર કે સિમેન્ટવાળા રસ્તા પર વૃક્ષોની વનરાજીથી છવાયેલા રસ્તાઓ એક અદ્‌ભુત વાતાવરણ સર્જી દે છે. આ વૃક્ષો તો સૂર્યનો તાપ-પ્રતાપ સહન કરે છે પણ આપણને શીતળ છાંયડી આપે છે, એમનાં ફળફૂલને જમીન પર ખેરે છે અને લોકોને પોષણ આપે છે.

નિ:સંતાન માતા થિમક્કાનાં આ વૃક્ષસંતાનો આજે સૌ કોઈને આનંદ અને શીતળતા આપે છે. ‘તમારી સ્મૃતિને જાળવી રાખે એ તમારાં સંતાનો’ આ સંતાનો વિશેની આપણી પુરાણપ્રસિદ્ધ માન્યતા છે. આ માન્યતા ભારતીય લોકોમાં એટલી બધી દૃઢ બની ગઈ છે કે સંતાનવિહોણા દંપતી અભિશાપિત ગણાય છે. જે સ્ત્રી નિ:સંતાન હોય છે તેને જાણે કે જીવન નથી. આ માન્યતાને થિમક્કાએ પોતાના અદ્‌ભુત કાર્યથી જૂઠી પાડી દીધી છે. ૭૫ વર્ષ પહેલાં ગુબી નામના કસબામાં થિમક્કાનો જન્મ થયો હતો. નાની ઉંમરમાં જ હુલીકલના ચિકન્ના સાથે તેમનાં લગ્ન થયાં. આ બંને જમીનવિહોણા ખેતમજૂર હતા. વર્ષો વીતતા ગયા અને હવે એમને સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે એમને સંતાનપ્રાપ્તિ થવાની નથી. આને કારણે ચિકન્નાને તોતડાપણું આવી ગયું. પરિણામે તેને તોતડિયા ચિકન્નાનું ઉપનામ મળી ગયું. આ ખેતમજૂરોનું જીવન તો ઘણું કપરું હતું અને એમાંય બીજા સંજોગોએ એમની ઉપેક્ષા-હાંસી અને તિરસ્કાર માટે જાણે કે બળતામાં ઘી હોમી દીધું. આજે પોતાના સ્વચ્છ-સુઘડ નાના ઘરમાં બેઠાં બેઠાં થિમક્કા પોતાનાં સંસ્મરણો આ શબ્દોમાં રજૂ કરે છે :

‘અમારું પ્રભાત તો ઊગતું પણ અમારી સાંજ એકાકી બની જતી. મારા પતિ ઘણા માયાળુ હતા. બીજી પત્ની કરવા માટે પણ એમના પર ઘણા દબાણો થયા. પણ એમણે એમ કરવાનો ઇન્કાર કર્યો. એ તો ‘આપણે આ જીવનમાં કંઈક કરી બતાવવું છે’ એ વિચારમાં જ લાગી ગયા.’

૪૫ વર્ષ પહેલાં એક દિવસના સોનેરી પ્રભાતે ચિકન્ના અને થિમાક્કાએ વૃક્ષ વાવવાનો નિર્ણય કર્યો. આમાં કંઈ નવું ન હતું. આપણે પણ આપણા સૌના બગીચામાં આવા વૃક્ષો વાવીએ છીએ. પરંતુ, આ દંપતીએ તો હુલીકલ અને નજીકના કુદુર વચ્ચેના ધુળિયા રસ્તા પર બંને બાજુએ વૃક્ષો વાવવાનું સ્થળ પસંદ કર્યું. આ રસ્તો ૪ કિ.મી.નો હતો. રસ્તો ઝાડપાન વિનાનો વેરાન અને ઉનાળામાં અત્યંત તાપવાળો રહેતો. હુલીકલ ગામના લોકોને અવારનવાર કુદુર જવું પડતું. આ રસ્તો વેરાન અને બિહામણો પણ લાગતો. એટલે આ દંપતીએ આ રસ્તે જો વૃક્ષો વવાય અને આખા માર્ગને વૃક્ષની શીતળ છાંયડીવાળો બનાવાય તો કેવું ઉત્તમકાર્ય થાય એ વિશે વિચાર કરી લીધો.

બંને જણાએ દેખાડો કર્યા વિના આ કામ ઉપાડી લીધું. એમણે વૃક્ષ માટે પીપળ પર પસંદગી ઉતારી. એ માટે નજીકમાં વૃક્ષનાં રોપાં માટે નર્સરી પણ તૈયાર કરી. તૈયાર રોપાં રસ્તાની બંને બાજુએ રોપવાં તેઓ નીકળી પડતા. રસ્તાની બંને બાજુએ વૃક્ષો વાવવાની એમની આગવીદૃષ્ટિ ખરેખર દાદ માગી લે તેવી હતી. આજે આપણે એ રસ્તા ઉપરથી વાહન દ્વારા પણ પસાર થઈએ ત્યારે એક પણ વૃક્ષને જરાય કાપ્યા વગર એ રસ્તેથી પસાર થઈ શકીએ! આવી હતી આ અભણ ખેતમજૂર દંપતીની વૃક્ષો વાવવાની કોઠાસૂઝ. વૃક્ષોના રોપાં વાવીને એની આજુ બાજુ કાંટાળા થોરની વાડ કરતાં. આ વૃક્ષો ઉછરી જાય ત્યાં સુધી તેમને દરરોજ પાણી પાવું પડતું. ત્યાર પછી દર ત્રીજે દિવસે અને દસ વર્ષનું વૃક્ષ થાય ત્યાં સુધી અઠવાડિયામાં એક વખત પાણી પાવું પડતું. દરરોજ સવારે તેઓ બંને નીકળી પડતા. થિમક્કા પોતાના માથા ઉપર પાણીનું વાસણ ઉપાડતી અને ચિકન્ના પોતાની પીઠ પર પાણીના બે વાસણ ખચકાવી લેતો. આજુબાજુના કૂવામાંથી કે તળાવમાંથી ફરીથી આ વાસણો ભરી લેતાં. દરરોજ આ રીતે સોળેક ખેપ કરવી પડતી.

 ચાર કિ.મી.ના હુલીકલ અને કુદુરના આખા રસ્તાને વૃક્ષોથી આવરી લેવા માટે દરવર્ષે તેઓ ૧૫ થી ૨૦ નવાં વૃક્ષો વાવતાં. તે બંનેને પોતાના પોતીકાં બનેલાં આ વૃક્ષસંતાનો પર અનન્ય પ્રેમ હતો. ચિકન્નાએ પોતાના આ વૃક્ષસંતાનોની માવજત કરવા માટે મજૂરીકામ પણ છોડી દીધું. તે દરરોજે દરરોજ આ વૃક્ષોની ચોકી કરતો, પશુઓને દૂર ભગાડી દેતો અને પાણી પાયા કરતો. થિમક્કા ઘરનો ચૂલો ચાલુ રાખવા માટે મજૂરી કામ કરી લેતી. ચિકન્નાના જીવનકાર્યની એક વિશિષ્ટ બાબતને યાદ કરતા થિમક્કા કહે છે: ‘આજુબાજુ ખેતરોમાં ચરતાં પશુઓને એક વાડામાં પૂરી દેતો. ઢોરના માલિક આવીને દંડ ભરીને એમના પશુઓને લઈ જતા. અવારનવાર આવાં રખડતાં ઢોર દિવસો સુધી આવા વાડામાં રહેતા. ચિકન્ના દરરોજ આ વાડામાં જતો અને ત્યાં રહેલા ઢોરને ઘાસ પણ નાખતો. ચિકન્નાનું આવું મહાન કાર્ય ગ્રામજનો ઘણી વખત ભૂલી જતા.

ચિકન્નાના મૃત્યુ પછીના પાંચમાં વર્ષે ૧૯૯૫માં થિમક્કાની કદરદાની થવાની શરૂઆત થઈ. ૧૯૯૫માં એમને ‘નેશનલ સિટીજન્સ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો. પોતાના વૃક્ષ ઉછેરના આ મહાન કાર્ય બદલ ૧૯૯૭માં ‘ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર એવોર્ડ’ પણ મળ્યો. થિમક્કા પોતાના ઘરમાં એકલી રહે છે. ઘરની એક દિવાલ પર ચિકન્નાની છબિ, વૃક્ષ ઉછેરને લીધે મળેલાં બીજાં પ્રમાણપત્રો પણ ત્યાં જોવા મળે છે. આ બધાની બાજુમાં શાળાની એક વિદ્યાર્થિનીએ ભેટ આપેલું સુંદર મજાનું સળીચિત્ર પણ જોવા મળશે. આ ચિત્રમાં એ બાળકી વૃક્ષ વાવે છે અને એના પર ‘થિમક્કાવૃક્ષરાજિ’ એવું લખાણ પણ જોવા મળશે.

ભારતના લોકોથી અજાણ રહેલા આ બંને – પતિપત્નીએ ૪૫ વર્ષ સુધી આ મહાન પૂણ્યકાર્ય કર્યું. ભારતની યશગાથામાં એકએક સુંદરમજાનું પીંછું ઉમેરતાં, છોગું ઉમેરતાં અને બીજાને આવા પુણ્યકાર્ય માટે પ્રેરતા લોકોને સાચી રીતે ઓળખવાનો અને એની હૃદયપૂર્વકની કદરદાની કરવાનો સમય આવી ચૂક્યો છે. આ રસ્તેથી પસાર થતા લોકોને એક અનોખી પ્રેરણા આપતું અને આ દંપતીનાં ત્યાગ, બલિદાન અને સેવાની વાત કરતું ‘ચિકન્ના અને થિમક્કા વૃક્ષવનરાજિ’નું પાટિયું લગાડીને આવાં વૃક્ષોની વનરાજિ ઠેરઠેર વાવવાની પ્રેરણા પણ લેવી જોઈએ. છે આપણામાંથી કોઈ આવાં નિષ્કામ કર્મો કરનારાં, ત્યાગ – સેવા અને બલિદાનથી અન્યના જીવનને શાંતિ, શીતળતા, અને છાંયડો આપનારાં ભાઈબહેનો! હજુયે મોડું નથી થયું. આપણે જ્યાં છીએ ત્યાં આવાં પરોપકારી કાર્યો ઉપાડી લઈએ તો હરિનો હાથ અને સાથ આપણને અવશ્ય મળી રહેશે.

Total Views: 22
By Published On: August 28, 2022Categories: Uncategorized0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram