માયાનો સિદ્ધાંત ભારતમાં ‘માયા એક કાર્યપદ્ધતિ રૂપે ’ અને પશ્ચિમમાં, ‘માયા એ એક મનોવલણ રૂપે’ વિભક્ત થઈ ગયો. આવી રૂપરેખા માયાને સંપૂર્ણ રીતે માનવીય સંબંધોના ક્ષેત્રના વિષય તરીકે રજૂ કરે છે. વળી, તે યોગના વિષયને પણ નવા સ્તરે દોરી જાય છે. ભારતની બાજુએ જોતાં વૈજ્ઞાનિક રીતે સિદ્ધાંતનો અમલ કરવામાં આપણો પરિશ્રમ એ અપેક્ષા રાખે છે કે આપણે એ ખૂબ અસરકારક રીતે કરી શકીએ એવો માર્ગ શોધીએ; વચ્ચે આવતા અવરોધોને પાર કરી જઈએ, આપણું કર્તવ્ય પૂરું કરીએ – એ પ્રકલ્પનું કર્તવ્ય કે જેની વારંવાર લાંબા સમયની માંગ છે અને જે આકરું – ખૂબ મહેનત માગી લે તેવું – છે. મનના એક વલણ તરીકે માયાનો સૂચિતાર્થ આપણે ધારેલા માર્ગનું સમૂળગું પરિવર્તન છે, અને એ પણ ત્યાં સુધી કે ખુદ મનની પણ પારગામિની એ સ્થિતિ છે. ફક્ત આ જ માર્ગે આપણે અનુભૂતિનાં ગહનતર પરિમાણોને ભેદી શકીએ. વિશુદ્ધ વિજ્ઞાન તરીકે યોગનો દૃષ્ટિકોણ પામી શકીએ. છેલ્લે હું સૂચન કરીશ કે અહીં ભારતની અને પશ્ચિમની માયા વિષયક બાજુઓ એક જ કુળની – એક જ પ્રકારની – છે. એટલે કે માનવીય સમજણ અને આત્માનુભૂતિની ગહનતર વાસ્તવિકતામાં બન્ને એક સાથે જોડાયેલ જ છે.

Holovolution – ઉત્ક્રાંતિ-નિષ્ક્રાંતિના સંવાદની બાબતમાં ભારતમાં નિષ્ક્રાંતિ (involution) ઉપર ભાર મૂકાયો છે, જ્યારે પશ્ચિમમાં ઉત્ક્રાંતિ (evolution) પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બંને શબ્દો તો કેવળ આપણે આગળ જે બધું કહી ગયા છીએ તેની ખરેખર લઘુલિપિ સમા જ છે. involution – નિષ્ક્રાંતિ શબ્દ ચેતનાના માનવીય વિશ્વમાં થતા નિષ્ક્રમણને સૂચવે છે એ યથાપૂર્વ રીતે વેદાંત દ્વારા પ્રકટીકરણના યોગ દ્વારા, અને માયા સાથેના સંઘર્ષમાં ભૌતિક માનવીય જગતનું પરિવર્તન કરી દેવાની અસરકારક પદ્ધતિઓના વિકાસ દ્વારા થાય છે. ઉત્ક્રમણ એવા વિચારને પોતાનામાં સમાવે છે કે આપણે આપણા માનવીય સંબંધ વિષયોથી ઉપર ઊઠી શકીએ છીએ; સાક્ષાત્કારી યોગ તરફ જઈ શકીએ છીએ, આપણા વિચારની છલાંગ મારી શકીએ છીએ, અને આત્માની અપરોક્ષાનુભૂતિ માટે માયાને વળોટી જઈ શકીએ છીએ. સમજણની આ કક્ષાએ આપણે પૂર્વ અને પશ્ચિમના ઉપદેશો ખરેખર કેટલા પરસ્પર વણાયેલા છે, તે ખૂબ સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ.

છેલ્લે સર્વગ્રાહિતાની કક્ષાએ આપણે ભારતમાં તેમની એ દૃષ્ટિ જોઈએ છીએ કે આ બધું જ – વિશ્વના બધા જ પદાર્થો – કોઈ પણ જાતના અપવાદ વગર- બધું જ ઈશ્વર છે. ઝાડપાન, પશુપક્ષીઓ, પ્રાણીઓ વગેરે બધું જ દિવ્ય ઈશ્વરરૂપ છે અને એની સાથે એવો જ વ્યવહાર કરવો જોઈએ. વેદાંતના ચાલક બળ સમાન આ દિવ્યતા હવે તો વિશ્વના અનંત રૂપોમાં અવશ્ય દેખાવી જોઈએ અને એની સાથે ખુદ આત્મસ્વરૂપે વ્યવહાર થવો જોઈએ. એ જ પ્રમાણે ઈશ્વર વિષયક છે. સત્‌-વસ્તુ વિષયક બધું જ જે એમણે પશ્ચિમમાં આપ્યું છે, તે સમગ્ર વિશ્વને આવરી લે છે. જ્ઞાત કે અજ્ઞાતને તે દિવ્યતા સર્વગ્રાહી અનુભવમાં ફેરવી નાખે છે અને આપણે જે કંઈ જોઈએ છીએ, તેને ગળાડૂબ કે તરબોળ કરી દે છે. આ કક્ષાએ સ્વામી વિવેકાનંદના પૂર્વમાં કે પશ્ચિમમાં આપેલા ઉપદેશોનો ભેદ એટલો બધો નજીવો બની જાય છે કે કોઈ પણ એવું કહી શકે કે તે બંને એકબીજાનાં સ્વરૂપ જ બની ગયાં છે!

હું આશા રાખું છું કે સ્વામી વિવેકાનંદના પૂર્વના અને પશ્ચિમના ઉપદેશો કેવી રીતે એકબીજા સાથે ખૂબ ગાઢ રીતે જોડાયેલા છે અને કેવી રીતે તેઓ એક સિક્કાની બે બાજુ જેવા જ છે અને કેવી રીતે તે એક અખંડ ચિત્ર ઉપસાવી શકે છે, તેનું નિદર્શન નહિ તો સૂચન તો અવશ્ય જ આ બંને વચ્ચેના સંબંધો ઉપર શક્ય દૃષ્ટિપાત જે કર્યો છે તેનાથી મળી રહેશે. મને લાગે છે કે આપણે વિવેકાનંદના ઉપદેશો વિશે જ્યારે પણ વાત કરીએ ત્યારે આ સંબંધને મનમાં સંઘરી રાખવો જ જોઈએ. તેમણે પોતે જ પોતાના વ્યક્તિત્વની અખંડતા દ્વારા ભારત અને પશ્ચિમને યોગ્ય પ્રતિસાદ આપ્યો છે. સ્વામી વિવેકાનંદને કે તેમના વેદાંતને બે અલગ વિભાગોમાં વહેંચી દઈને એનું પૂર્ણ માપ કાઢી શકીએ, એવું ક્યારેય બની જ ન શકે.

આગળ કહ્યા પ્રમાણે આમ છતાં એ પણ સાચું કે ભારત અને પશ્ચિમને પણ તેમના પોતાના ખાસ દૃષ્ટિકોણ છે. અને એ સ્વાભાવિક અને આવશ્યક છે કે પોતપોતાને લાગુ પડતા જરૂરી એવા એક યા બીજા વિષય પર તેઓ પોતપોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. અને અહીં પણ વળી મારે દર્શાવવું જોઈએ કે જ્યારે તમે ખરેખર એ વિશે વિચાર કરો, ત્યારે ભારત અને પશ્ચિમને ભૌગોલિક સ્થાન તરીકે વિચારવાં ન જોઈએ. અરે, સંસ્કૃતિ અને પરંપરાની રીતે પણ વિચારવાં ન જોઈએ. મેં હમણાં જે યોજના દર્શાવી છે તે ભારત અને પશ્ચિમને – બંનેને લાગુ પડે છે પછી ભલે કોઈ ચેતનાના (નિષ્ક્રાંતિજન્ય) પ્રકટીકરણમાં અથવા તો ચેતનાના (ઉત્ક્રાંતિજન્ય) સાક્ષાત્કારમાં જોડાયેલ હોય. આ મુદ્દે, ભારત અને પશ્ચિમ એક જ પ્રકલ્પની બે બાજુઓ તરીકે ગણવા જોઈએ. બંને માનવીય સ્થિતિ પર કેન્દ્રિત છે. અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તો આપણા દરેકના મનમાં એનું કેન્દ્ર રહેલું છે. જેમ સ્વામી વિવેકાનંદને માટે તેમજ આપણે માટે પણ બાહ્ય પરિસ્થિતિઓ કંઈ વધુ ગણતરીમાં લેવા યોગ્ય નથી. જો આપણે સિદ્ધાંતને પકડી લઈએ અને કામ કરવાની રૂપરેખાને આત્મસાત્‌ કરી લઈએ, તો બધું કામ પાર પડી શકશે.

પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદની યોગ વિષયક રજૂઆત :

યોગ એ માનવના કાર્યકલાપનાં બધાં જ પાસાંને ગહન પરિમાણો તરફ લઈ જવાના હેતુવાળું વિજ્ઞાન છે – એમ હમણાં આપણે જોયું. સ્વામી વિવેકાનંદના ઉપદેશોના સમગ્ર પરિપ્રેક્ષ્યમાં એને મૂકવાનો પણ પ્રયત્ન કર્યો. અને એ ઉપદેશોને બે ભિન્ન અને છતાં ઊંડાણમાં એકબીજા સાથે વણાયેલી બાજુઓ કેવી રીતે છે એ પણ આપણે જોયું. હવે આપણે પોતાને એક નિર્ણાયક સ્થિતિમાં મૂકીએ કે કાર્યક્ષમ યોગીઓ આત્મસાક્ષાત્કારના કાર્યમાં રસ ધરાવે છે. અથવા તો જડપ્રકૃતિથી માંડીને ચૈતન્યમાં પર્યવસાન પામતી વર્ધમાન સમન્વિત એવી શક્તિનાં પાંચ સ્તરોના સંશોધન અને તેના ઉપર કાબૂ મેળવવામાં રસ ધરાવે છે. આને આપણે સ્વામી વિવેકાનંદના કાર્યની ‘પશ્ચિમી બાજુ’ કહીએ છીએ.

હજુ આપણે પોતાને વધુ નિર્ણાયક સ્થિતિમાં મૂકીએ : આપણે સ્વામી વિવેકાનંદના પશ્ચિમના અનુયાયીઓ છીએ. તેમને જે કંઈ કહેવાનું હતું તેનું આખું ચિત્ર પામવા ઉત્સુક છીએ. અને પશ્ચિમમાં ચાર વરસ સુધી તેમણે ઉપદેશેલ સમગ્ર જ્ઞાનને આવકારવા સમર્થ છીએ. 

આ મૂળ ઉપદેશો ઉપર ધ્યાન આપ્યા પહેલાં મારા માનવા મુજબ જેના પર ધ્યાન આપવાનું છે, તે વિશે વધુ સ્પષ્ટ થવા માટે થોડું વિવરણ અને પુનર્વિધાન કરી લઉં. પહેલી વાત તો ઉદ્ધરણોની પસંદગી. સ્વામી વિવેકાનંદે જે વિધાનોમાં લગભગ એક ઢંઢેરા રૂપે એમનાં મુખ્ય ભાષણોમાં ભાર મૂક્યો છે, તેમાંથી આ ઉદ્ધરણો ચૂંટવામાં આવ્યાં છે. કાર્યનો પદ્ધતિસરનો અભ્યાસ તેમણે જે પાંચ કાલખંડોમાં કર્યો છે, એને હું અહીં રજૂ કરું છું. એણે મને દર્શાવ્યું છે કે આ ઉદ્ધરણો તે સમયે તેઓ જે કંઈ કહી રહ્યા હતા, તેના સાર સત્ત્વ જેવા છે. બીજી વાત એ કે દરેક અહીં પસંદગી પામેલું ઉદ્ધરણ યોગનો વિચાર રજૂ કરે છે. જેમ કે આત્મસાક્ષાત્કારનો વિષય. ત્રીજી બાબત એ છે કે પાયાથી છેક ટોચ સુધી આ ઉદ્ધરણો ઊર્ધ્વગામી સામયિક ક્રમમાં ગોઠવવામાં આવ્યાં છે.

મારું આ કહેવાનું કેટલું પાણીદાર છે તે જોવા માટે આપણે આ ઉદ્ધરણો તરફ નજર નાખીએ : પહેલી હરોળનું ઉદ્ધરણ, ૧૮૯૩ની શિકાગોની ધર્મમહાસભામાં ‘હિંદુધર્મ’ ઉપર સ્વામીજીએ રજૂ કરેલ નિબંધમાંથી છે. ત્યાં તેમણે કહ્યું: ‘આ વિશ્વધર્મ માનવજાતને પોતાની સત્ય અને દિવ્ય પ્રકૃતિનો સાક્ષાત્કાર કરવવામાં સહાયભૂત થવા માટે પોતાની સર્વશક્તિ તેમજ સર્વ અનુકૂળતાનો ઉપયોગ કરશે.’ મને લાગે છે કે પશ્ચિમ માટે આ યોગનું એક વાસ્તવિક વિધાન કે ઘોષણાપત્ર છે. સને ૧૮૯૩માં ‘માનવજાતનું એક દિવ્ય પરિમાણ છે.’ એનો ખ્યાલ ઓછામાં ઓછું પશ્ચિમની પરંપરામાં થોડેઘણે અંશે અસ્પષ્ટ જ હતો. વધારે કહીએ તો આવી દિવ્યતાની અનુભૂતિનો કેવળ સાક્ષાત્કાર જ નહિ પણ આવો સાક્ષાત્કાર જ કોઈ પણ વૈશ્વિકધર્મનું સર્વસ્વ છે, કોઈ પણ વૈશ્વિક ધર્મનું હાર્દ છે, એવો ખ્યાલ ખરેખર ક્રાંતિકારી ખ્યાલ – વિચાર છે. છેલ્લે, ‘એ સાક્ષાત્કાર માનવજાતને સહાય કરતાં’ – એ શબ્દો એક પદ્ધતિ તરફ અણસાર કરે છે અને એટલા માટે એ વિજ્ઞાન છે. આ માટે પશ્ચિમ લેશમાત્ર પણ તૈયાર ન હતું. ટોલ્સ્ટોય, રિચાર્ડબુક અને વિલિયમ જેમ્સ જેવા વિવેકાનંદના સમકાલીન તેજસ્વી આધ્યાત્મિક તારલાઓ સ્વામીજીના કાર્યથી પરિચિત અને ધર્મની ગહનતા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવા છતાં આવા વિચારનો તેમણે કરેલો અસ્વીકાર એનું ઉદાહરણ છે. વધુ કે ઓછા પ્રમાણમાં તેઓ એ વિચારને વળગી રહે છે કે ચેતનાના ઉચ્ચતર સ્તરોની અનુભૂતિ એ એક તરંગી ઘટના છે અને પદ્ધતિસરની વ્યવસ્થાનો એ વિષય નથી. કોઈપણ એવી કલ્પના કરી શકે કે જેને ચેતનાના ઉચ્ચતર સ્તરોનો વિચાર પણ પકડમાં આવી શકતો નથી. એવા સામાન્ય જનનો આ વિશે શો પ્રતિભાવ હશે! તેથી સ્વામી વિવેકાનંદના આ પ્રથમ વિધાનમાં યોગની પૂર્વાધારણાઓનો સારસંક્ષેપ, એના વૈશ્વિક દૃષ્ટિકોણનું વિધાન અને નિશ્ચિત પદ્ધતિ દ્વારા એ કાર્ય કરવાનો પ્રસ્તાવ આપણને મળે છે.

બીજી હરોળ તરફ નજર માંડતાં આપણે વાંચીએ છીએ : ‘ચારે ક્ષેત્રોમાં એકધારી સમતુલા’ સને ૧૮૯૫ અને ૧૮૯૬ દરમિયાન ન્યૂયોર્કમાં સ્વામી વિવેકાનંદે આપેલા ઉપદેશોનો આ મુખ્ય વિચાર છે. આપણે જેની હમણાં ચર્ચા કરી. તે યોગની કાર્યક્ષમતાની સ્વીકૃતિની પૂર્વ અવધારણા એ વિચારમાં છે. એ વિચાર એ છે કે આપણે આપણી બધી કાર્યશક્તિઓને એવી રીતે વિકસાવવી જોઈએ કે જેથી દિવ્યતાની અનુભૂતિ તે દ્વારા થઈ શકે. પશ્ચિમમાં કર્મ અને ભક્તિ ધાર્મિક પરંપરામાં મુખ્યત્વે સ્વીકાર્ય માનેલ છે, અને વેદાંતમાં સત્‌ અને અસત્‌ વસ્તુનો વિવેક અને ધ્યાન-ચિંતન મુખ્યત્વે સ્વીકાર્ય છે. આમ છતાં, સ્વામી વિવેકાનંદે તો ચારેય માર્ગોને રજૂ કર્યા છે અને કક્ષા પ્રમાણે એવું વિધાન કર્યું કે કોઈએ આ ચાર પૈકી કોઈ એક માર્ગ અપનાવ્યો હોય અને એ માર્ગે ‘સત્‌’ના સાક્ષાત્કારનો ઈરાદો રાખતો હોય તો એણે અવશ્ય એ રીતે કરવું જોઈએ. ‘કર્મયોગ’માં તેમણે કરેલ પ્રભાવક વિધાન ઉદાહરણ રૂપે લઈ શકાય: ‘બુદ્ધે જે ધ્યાનથી મેળવ્યું, અથવા ખ્રિસ્તે જે પ્રાર્થનાથી મેળવ્યું, તે માનવ એકલા કાર્યમાત્રથી પણ મેળવે.’

જો કે ભલે સ્વામી વિવેકાનંદે શોધ્યું હોય કે કોઈ પણ માર્ગે પૂર્ણ સાક્ષાત્કાર શક્ય છે, છતાં એ દરેક માર્ગ માનવની કોઈ એક વિશિષ્ટ શક્તિને માટે યોગ્ય એવી પદ્ધતિને રજૂ કરે છે. સ્વામી વિવેકાનંદ બધી જ માનવશક્તિઓનો પૂર્ણ વિકાસ ઇચ્છતા હતા અને તેથી આપણે અહીં જેની ચર્ચા કરીએ છીએ તે આદર્શ તેમણે સ્થાપ્યો. આવા વિસ્તૃત ક્રમબદ્ધ વિવિધરંગી પટ જેવા યોગથી લાભ એ છે કે આ ચારેય પરિમાણોનો અનુભવ કરતાં કરતાં તેઓ બધા એકી સાથે કેવા એક કેન્દ્ર પર અવલંબિત છે, તે જોવું સહેલું થઈ જશે. અને તેથી આપણને તેમનો આપણી ભીતર સંવાદ સાધવામાં સરળતા રહેશે. અને અન્ય યોગો સાથે આપણા યોગનો સંબંધ પણ સહેલો થશે. તેથી આપણે કર્મયોગી સાથે કામ પણ કરી શકીશું, ભક્તો સાથે ગાઈ-નાચી પણ શકીશું, રાજયોગી સાથે ધ્યાન પણ કરી શકીશું. અને જ્ઞાનીની આંખો દ્વારા આધ્યાત્મિક અનુભવ પણ કરી શકીશું. અને એ બધું પણ આપણા સ્વીકૃત માર્ગમાંથી જરાપણ સંતુલન ગુમાવ્યા વગર કરી શકીશું. આ આદર્શને બરાબર સમજી શકાય, એટલા માટે એક દૃષ્ટાંત છે તે જોઈએ : ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને માનસશાસ્ત્ર એ બધાં ઉપર એકસરખું પ્રભુત્વ મેળવી શકાય અને એ બધાને એક બીજા સાથે સાંકળી પણ શકાય છે. અને વધારામાં આપણો અનુભવ એ બતાવે છે કે જા કોઈ એક વસ્તુ ઉપર જુદા જુદા ઘણા દૃષ્ટિકોણથી જુએ અને તે પ્રમાણે જુદી જુદી રીતે તેમાં કામ કરે તો તે વધારે ઊંડી સમજણ પ્રાપ્ત કરે છે અને તે વસ્તુ ખરેખર શું છે, તે વિશે અને તેના પરિસર વિશે સ્થિર ગ્રહણ ક્ષમતા પ્રાપ્ત કરે છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં સને ૧૮૯૬માં સ્વામી વિવેકાનંદે આ ત્રીજો વિચાર પ્રકટ કર્યો: ‘વિશ્વ સાથે તમારી પોતાની પ્રકૃતિને એકરૂપ અનુભવો.’ આપણે હમણાં જે કંઈ ચર્ચા કરી એમાંથી સામાન્યીકરણ તરીકે આ વિચાર અવશ્ય જોઈ શકાય. યોગની પાંચ પ્રયોગ શાળાઓમાં આપણા કામ દ્વારા આપણે એ વિચાર સુધી પહોંચીએ છીએ કે એ બધામાં એક ભીતરની એકતા છે. તે બધાંને એક સાથે જકડી રાખે છે એને આધાર – ટેકો આપે છે. પશ્ચિમના યોગની રીતે આપણે સીધી રીતે જ આપણી સમજ્જતાના – આપણી ચેતનાનાં પરિમાણોને જોઈ શકીએ છીએ, જે દિવ્યતા આપણી ભીતરના હાર્દમાં વસેલી છે. તેને સીધી રીતે જોઈ શકીએ છીએ. અને આપણે જેને જાણીએ અને સાક્ષાત્કાર કરીએ છીએ તે આત્મા તો દરેક માનવચેતનામાં એક જ – તે જ – છે. સ્વામી વિવેકાનંદના વિશિષ્ટ જ્ઞાનઝોકમાં અને પ્રેમમાં આપણને એ વસ્તુ પ્રાપ્ત થાય છે કે આપણે ખરેખર જ આપણા પોતાના સ્વરૂપને તરત જ વિશ્વ સાથે એકાકાર રૂપે અનુભવી શકીએ છીએ. આ મુદ્દે હું માનું છું કે સાવ સ્પષ્ટ રીતે પહેલાં પગથિયાંમાં બતાવ્યા મુજબ યૌગિક પદ્ધતિઓના વિકાસ અને એના અનુસરણ દ્વારા સ્વામી વિવેકાનંદ આપણને યોગ દ્વારા નિર્દિષ્ટ જે વધારેથી પણ વધારે ગહન પરિમાણો છે, તે તરફ દોરી જાય છે. બીજા પગથિયાંમાં બતાવ્યા પ્રમાણે તે બધાને એક સામાન્ય પ્રકલ્પમાં સમન્વિત કરીને પછી આ થાય છે. આપણે ખરેખર પોતાનાં પરિમાણોનો અનુભવ કર્યો છે. અને તે અનુભવની વૈશ્વિકતા આપણે સમજી લીધી છે. આવા અનુભવ પછી હું ધારું છું કે એ સ્પષ્ટ છે કે વિશ્વ સંબંધી આપણો આખો દૃષ્ટિકોણ ધરમૂળથી બદલાઈ જવામાં છે. જ્યારે આપણે ચેતનાની અને તેની સાથોસાથ આવતી એકતાની અનુભૂતિ કરી હોય, ત્યારે તો સામાન્ય રીતે આપણા પ્રયત્નો અને એનાં દુષ્પરિણામો ને કારણે જે વિચારોની વિભિન્નતાને આપણે સંઘરી રાખીએ છીએ, તેવી આડશો – એવા અવરોધો ત્યારે હોવા બિલકુલ શક્ય જ નથી.

તેમણે તે ૧૮૯૭માં ત્યાર પછીનું સીધું સાદું ચોથું બોધવચન છે. જે ભગિની નિવેદિતાને કહ્યું હતું. પરંતુ મારા વિચાર પ્રમાણે જ્યારે તેઓ ભારત આવવા રવાના થયા, ત્યારે તુરત જ ૧૮૯૬ના નવેમ્બર માસમાં લંડનમાં તેમના ઉપદેશોનો એ બોધવચન પ્રધાનસૂર હતો. એ બોધવચન આ હતું: ‘પ્રેમની શક્તિથી જડનું ચેતનમાં પરિવર્તન.’ ૧૦ જો કે આ આપણાં રોજબરોજના મન માટે અંત:પ્રેરણાથી ખૂબ વિરોધી બાબત છે. છતાં તે પણ આત્માનુભૂતિમાં સ્થાપિત થવાના તાર્કિક ફળ તરીકે જોઈ શકાય છે. આપણે જે અનુભવીએ છીએ તે ઐક્ય સાધતી ભૂમિકા છે. અને તેથી તેની પહેલાં જે ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલા દૂર દેખાતી ઘટનાઓ કે વસ્તુઓ હતી તે બંને વચ્ચે વ્યવહાર શરૂ કરવાનું શક્ય બની શકે છે. આધ્યાત્મિક દૃષ્ટિ તો અવશ્ય પ્રકૃતિ અને ચેતનાની જ છે. આ પગથિયે તેઓ બંને એક બીજા સાથે ઉત્ક્રાંતિનો સંબંધ સાધે છે. એટલે કે સમગ્ર સ્વરૂપ બદલી નાખવાની પ્રેમની શક્તિને લીધે જડપ્રકૃતિ ચેતનામાં રૂપાંતરિત થઈ જાય છે.

ઉત્ક્રાંતિનો વિચાર જેમને ગમે છે, તેવા લોકોને તો આ વિચાર પ્રેરક લાગશે. પણ જે લોકો જડપ્રકૃતિ અને ચેતનાને ‘સત્‌’ તત્ત્વની બે શાશ્વત રીતે અલગ અલગ સત્તા જ માનવનો આગ્રહ સેવે છે તેમને માટે થોડું ખોટું પ્રગતિરોધક પગલું ગણાશે. સ્વામી વિવેકાનંદ શું ખરેખર જ એવું માની શકે છે કે જડપ્રકૃતિ ચેતનામાં રૂપાંતરિત થઈ શકે છે? ઠીક, મને લાગે છે કે અહીં સુધી મેં જે અનુબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો છે, તેમાં આ પ્રશ્નનો ઉત્તર પડેલો છે. વેદાંતની આ સ્થાપના કે ‘આ બધું ઈશ્વર જ છે’ ૧૧ – એ આ વિચાર પર આધાર રાખે છે કે આપણાં માનવમન જુદી જુદી ઘણી રીતે ‘સત્‌’ તત્ત્વને જુએ છે. અને જ્યાં સુધી યોગને સંબંધ છે ત્યાં સુધી આપણે જે જોઈએ છીએ અને જે સત્‌ને સર્જીએ છીએ, તેનો સભાનતાથી અને પદ્ધતિસર રીતે રસ્તો જ બદલીએ છીએ. અને આપણે જ્યારે અને જેવી રીતે આ કરીએ છીએ ત્યારે આપણે સમજીએ છીએ કે આપણાં મન ઉત્ક્રાંતિ પામી રહ્યાં છે. એટલે કે આપણાં મન ગહનથી પણ વધુ ગહન અને વધારેમાં વધારે વિચારોના સમન્વયકારી અને સંવાદી માર્ગો, સમજણો અને પરમસત્તાના અનુભવ તરફ જઈ રહ્યાં છે. જ્યારે આપણે આત્મામાં અવસ્થિત થયા હોઈએ છીએ, ત્યારે વધારામાં સ્પષ્ટ રીતે ઉત્ક્રાંતિની સમગ્ર પ્રક્રિયા અને તેની સાથે પદ્ધતિસર કામ કેવી રીતે પૂરું પાડવું, તેની શક્તિ હાંસલ કરીએ છીએ. પશ્ચિમી યોગના આપણા દૃષ્ટિકોણમાં ઉત્ક્રાંતિનો પ્રકલ્પ એ સ્પષ્ટ રીતે જ જડપ્રકૃતિને ચેતનામાં પરિવર્તિત કરવાનો છે. એની પ્રક્રિયા સંકલિત અને શ્રમિક વ્યવસ્થાવાળી હોય છે, કે જે પ્રેમના બળતણ ઉપર ખૂબ સારી રીતે દોડી શકે છે. આ ઐક્ય સાધતી શક્તિ તો અસીમ અને સર્વત્ર હાજરાહજૂર છે. એનું આપણને કેવળ જ્ઞાન થવું જોઈએ. હું માનું છું કે સ્પષ્ટ રીતે આ મુદ્દે આપણે પશ્ચિમના યોગ માટેની જાણે કે એક રૂપરેખા સુધી આવી પહોંચ્યાં છીએ. પશ્ચિમની આવશ્યકતાઓને લાગુ પડે તેવી યોગની રૂપાંતરણની પ્રક્રિયાનો સ્વામી વિવેકાનંદનો આ વિચાર એક ગુરુચાવી છે.

છેલ્લે સને ૧૯૦૦માં ન્યૂયોર્કમાં આપણને આ વિધાન મળે છે: ‘માણસ પોતાની જાતને સર્વમાં જુએ છે.’ ૧૨ મારે માટે તો સ્વામી વિવેકાનંદના કેલિફોર્નિયાના કામનો સારસંક્ષેપ જ છે. ન્યૂયોર્ક પ્રવચનના સમયમાં જ એ વિધાન થયું. અહીં જડપ્રકૃતિ અને ચેતના વચ્ચેની યોગે ઘડેલી કડી પૂર્ણતાને પામી છે. આપણે હવે તદ્દન સહજ રીતે આપણું એવું પૂર્ણ રીતે રૂપાંતર કરી નાખ્યું હોય છે કે આપણી સત્‌તત્ત્વની સમજણ પૂર્ણ – સર્વથી વધુ – કક્ષાએ પહોંચી હોય છે. અહીં હવે કોઈ અવરોધ નથી. ઉત્ક્રાંતિમાં જે એક રીતે બળજબરી જેવું છે, તે પણ અહીં નથી. અહીં આપણે સાવ સીધી રીતે જોઈએ છીએ કે પરમસત્‌ કે આપણે ખુદ જ છીએ તે વિશ્વની દરેક ઘટનામાં અને વિશ્વના દરેક પદાર્થમાં એક સરખા પ્રમાણમાં મોજૂદ છે, અને આપણે એ દિવ્યતાને સીધો પ્રતિસાદ આપીએ છીએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે તે મુજબ ‘ચેતના ચેતનાને પૂજી રહી છે.’ ૧૩

આ સ્થળે, આ કેન્દ્રે અને આ ક્ષણે બધા પદાર્થો જે અવસ્થામાં હોય છે, તેનાથી યોગમાં આપણે આગળ જઈ શકતા નથી. આપણે જડપ્રકૃતિ અને ચૈતન્યને એકીકૃત કરી દીધાં છે. માનવત્વ અને દિવ્યત્વને પૂર્ણ રીતે એકાકાર કરી દીધાં છે. આપણે માનવજાતને પ્રાપ્ય એવી ચેતનાની કક્ષાઓની અતિસુમેળભરી અવસ્થાએ પહોંચ્યા છીએ.

મને એવું ચોક્કસ લાગે છે કે જેમ જેમ આપણે આ ઉપદેશોમાં વધારે આગળ વધી રહ્યા છીએ તેમ તમે જોયું છે કે જેમ જેમ આપણે સમયની રેખાને પસાર કરતા જઈએ છીએ, તેમ તેમ યોગના અર્થનો વિકાસ થયો જાય છે. અને આપણે સંતોષની વધારે થી વધારે ગહનતા પ્રાપ્ત થતી જાય છે. હું વધારે ઊંડાણમાં નહિ ઊતરું, છતાં એટલું સૂચન પણ કરીશ કે યોગવિષયક આ પગથિયાંવાર વિકાસ ખરેખર તો એક વિષય પરથી બીજા વિષય પરની પ્રગતિ કરવાના સ્વામી વિવેકાનંદના ઉપદેશોના સંપૂર્ણ આલેખનો પર્યાયવાચી જ છે.

શું સ્વામી વિવેકાનંદ પોતે સમયની પેલીપારનો વિકાસ કરી રહ્યા હતા? તમે જો તેમના તરફ એક વિષયલક્ષી વ્યક્તિત્વની નજરે જોતા હો તો એ રીતે તમે એમને નિહાળી શકો ખરા! એવી પણ શક્યતા છે કે તેઓ પોતાના શિષ્યોને વધારેમાં વધારે ઉચ્ચતર ‘વર્ગો’ આપી રહ્યા હતા. આ વિષય ઘણો રસપ્રદ છે પણ અહીં હું એનું વિવરણ કરી શકીશ નહિ. આપણા હેતુઓ માટે યોગના અર્થની ગહરાઈઓનો આખો આલેખ આપણી પાસે હોવો જોઈએ. મને આશા છે કે એ આપણા પોતાના વિકાસ માટે તેમજ યોગના પોતાના વધારેમાં વધારે વિસ્તૃત અર્થને માટે એક ઉદાહરણની ગરજ સારશે.

આપણે માટે આ બધાંનો શો અર્થ છે?

ખૂબ થોડા સમયગાળામાં મેં ઘણા બધા વિચારોને એક વિષયમાં બાંધ્યા છે. તેમાંના કેટલાક તમારે માટે અપરિચિત કે કઠિન છે ખરા? અને જો હોય તો પછી યોગી તરીકે કે ભાવિ યોગી તરીકે આપણે માટે એનું પ્રાયોગિક મૂલ્ય શું હોઈ શકે?

પહેલાં તો આપણે ગમે તેવી વ્યાખ્યા કરીએ અથવા વિકાસ કરીએ તો પણ યોગને વિજ્ઞાન તરીકે ગણવાનો અભિગમ ખૂબ જ (બહોળા અર્થવાળો કે) મુક્ત-સ્વતંત્ર છે. જો કે પોતાના જીવનને વૈજ્ઞાનિક પ્રયોગ તરીકે લેવું કોઈને થોડું શુષ્ક લાગશે, થોડુંક વધારે પદ્ધતિ-નિયમવાળું અને લોકો જેને ‘કવિતા અને રંગદર્શિતા’ કહે છે, તેના વગરનું લાગશે. પણ હકીકત એ છે કે આવા કાર્યથી જ આપણે ભીતરના ‘સત્‌’ને પામી શકીએ છીએ, અને સાચે જ વારંવાર એ અનુભૂતિનું પુનરાવર્તન કરી શકીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે ત્યાં સુધી આપણે કેવી રીતે પહોંચ્યા છીએ. ગુલાબી વાદળાંઓ આપણા ઉપર ઊંચે છાઈ રહ્યાં છે. એ આપણી વૈશ્વિક ચેતનાને ઉદ્‌ઘાટિત કરી રહ્યાં છે, તે મહાન છે, પણ આપણે એને ઓછેવત્તે અંશે આપણી સમક્ષ હાજર થવાનું આહ્‌વાન ન આપી શકીએ અને છેવટ સુધી કાયમ માટે એના ખાલી ઘેરાવામાં જ રહ્યા કરીએ તો પછી એનું મૂલ્ય ખૂબ મર્યાદિત બની જાય છે. એના કરતાં તો વૈજ્ઞાનિક રીતે આ આખા પ્રકલ્પને વ્યવસ્થિત કરીએ તે જ સારું છે.

એક માનવતાવાદી તરીકે સ્વામી વિવેકાનંદ પશ્ચિમની માનવતાવાદી પરંપરાએ ઘડેલાં ઉપકરણોની મદદ લઈને આપણા ભાગ્યને – ભવિષ્યને ઘડવા માટેનું કાર્ય કરવા માટે શક્તિ પૂરી પાડે છે. અને એટલા જ માટે આપણા પોતાના જીવનના તાબામાં જ આપણે રહીએ અને આપણા સાક્ષાત્‌ અનુભવ સિવાય કોઈ દેવ-દેવતાઓના ઉપર આધાર ન રાખીએ.

હવે જો સ્વામી વિવેકાનંદના વેદાંતના સમગ્ર સંદર્ભમાં આ શક્તિદાયક વિજ્ઞાન જોઈ શકીએ, તો આપણે ઘણું કરીને મૂર્તિપૂજા કે ‘આધ્યાત્મિક વિજ્ઞાનવાદ’ની સમસ્યાને દૂર કરી શકીએ. ‘આધ્યાત્મિક વિજ્ઞાનવાદ’ – આવા બેહૂદા મૂર્ખામીભર્યા શબ્દની તમે કલ્પના કરી શકો ખરા? પણ સાચી વાત તો એ છે કે આપણી યોગસાધનામાં આપણે એટલા બધા ડૂબી ગયા હોઈએ છીએ કે દુનિયા પ્રત્યેની જવાબદારી તો એક બાજુ રહી પણ બીજાં માનવપ્રાણીઓ પ્રત્યેની આપણી જવાબદારીનું પણ વિસ્મરણ થઈ જ જાય છે. જો કે ખરી રીતે મહાન અને શક્તિશાળી વિજ્ઞાન માનવના સમગ્ર અનુભવ સાથેના દૃષ્ટિકોણમાં કેવળ હજુ વધારે વિશાળ અને વધુ શક્તિશાળી રૂપમાં એક પદ્ધતિ જ છે, પણ આપણે જો એ પ્રસ્તુત યોગને મનમાં રાખીએ તો આપણને કે આપણા યોગને ફૂલી જઈને ઢોલ થવાની સંભાવના ઓછી છે. આ ઘટનાનો માણસ વારંવાર અનુભવ કરે છે. આ નવાયુગમાં બહોળા પ્રમાણમાં આ સમસ્યા ચારે તરફ ભય ફેલાવી રહી છે એમ માણસને લાગે છે. એટલા માટે હું માનું છું કે સ્વામી વિવેકાનંદના ઉપદેશોના બધા જ સ્તરો ઉપર ચિંતન કરવાનું અને તેની સાથે આપણા યોગને જોડવાનું એક મૂલ્ય છે. આ પરિપ્રેક્ષ્યમાં આપણે જો વિજ્ઞાનને મૂકીશું તો તે તેની સીમાને ઓળંગશે નહિ, એટલું જ નહિ પણ આપણને બીજી એના જેવી જ આપણા વેદાંતની સંજીવની શક્તિ તરફ આગળ વધવા માટેનું વાહન પણ બની રહેશે.

આપણે હંમેશાં એ ખ્યાલ રાખવો જોઈએ કે દરેક વિધાનને બે બાજુઓ હોય છે. આપણા વેદાંતમાં મુખ્ય ઐતિહાસિક બાજુઓ સ્વામી વિવેકાનંના કાર્યમાં સમાયેલી એવી પૂર્વ અને પશ્ચિમની છે. અન્ય બાજુઓમાં અવશ્ય ઉત્તર-દક્ષિણ, યુવા-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, વગેરે વગેરે છે તો ખરી. આપણે બધા જાણીએ છીએ કે એક બાજુને લેવી અને બીજીને છોડી દેવી – નકારવી, એ કેટલું સહેલું છે. હું માનું છું કે સ્વામી વિવેકાનંદનું વેદાંત આવા વલણોનું જોરદાર અવરોધક છે. મને ચોક્કસ લાગે છે કે આ ક્ષણે ભારત અને પશ્ચિમ વચ્ચે, અરે, આપણી (પશ્ચિમની) પોતાની ચળવળમાં પણ ભાગલાનું વલણ છે. આપણે આપણા પોતાના, ખાસ કરીને યોગના અસમાન અને અલગ અલગ બચાવના કોથળાઓમાં રમવામાં તલ્લીન છીએ.

પરંતુ આપણે જો સભાનપણે અને પદ્ધતિસર આપણા વેદાંતની ભારત અને પશ્ચિમની બાજુઓને આપણા તરફ વાળીએ તો આપણને તે બંને વચ્ચેના સમન્વયના માર્ગો અવશ્ય મળી રહેશે. પછી ભલે આપણે ગમે તે પ્રધાનતાવાળા ક્ષેત્રમાં કામ કરી રહ્યા હોઈએ. આજે રાત્રે મેં કહ્યું તે ઉપરછલ્લું હતું. અને ફક્ત એવું કરવાનો સમન્વય શોધવાનો એક પ્રયત્નમાત્ર હતો.

હવે, ફરીથી આ બધા પર ક્રાંતિકારી પરિપ્રેક્ષ્યનો વિકાસ જો આપણે કરી શકીએ, તો આપણે આ આખા વિષયના મોટા ભાગ સાથે ખરેખર કામ પાર પાડી શકીએ. મેં કહ્યા પ્રમાણે જાણે કે એક રૂપરેખા સુધી પહોંચી ચૂક્યા છીએ.

મારો વિચાર એ છે કે સ્વામી વિવેકાનંદના કાર્યની સમયરેખા પર આપણે એક એવા પરિપ્રેક્ષ્યને શોધીએ અને મેં એ ખાસ કરીને પશ્ચિમના યોગના ક્ષેત્રમાં પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે. વિચાર કાર્ય કરી શકે ખરો? આપણે એનો પરિષ્કાર કરી શકીએ ખરા?

છેલ્લે આ બધાંની કેવળ એક જ ભૌતિક કસોટી છે; ‘તમે શું માનો છો?’ આ વિચારો ત્યારે જ પ્રમાણિત ગણી શકાય કે જો એનો અર્થ કશોક હોય; જો એ કંઈક-કોઈક શક્તિ આપતા હોય; જો એનો અમલ થઈ શકતો હોય. તમે શું માનો છો? બસ, હું એ જ જાણવા માગું છું.

અનુવાદક : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

સંદર્ભસૂચિ

૦૬ સ્વા.વિવે.ગ્રં.મા., ભાગ : ૩, પૃ.૧૭
૦૭ એજન, ભાગ : ૫, પૃ.૧૦૯
૦૮ એજન, ભાગ : ૩, પૃ.૪૪
૦૯ એજન, ભાગ : ૩, પૃ.૨૯૭
૧૦ એજન, ભાગ : ૧૨, પૃ.૨૧૪
૧૧ એજન, ભાગ : ૩, પૃ.૨૭૯
૧૨ એજન, ભાગ : ૩, પૃ.૨૭૭
૧૩ એજન, ભાગ : ૮, પૃ.૯૯

Total Views: 34
By Published On: August 28, 2022Categories: Gambhirananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram