સંધ્યાકાળે સ્વામી નિરંજનાનંદજી દક્ષિણેશ્વરમાં ઠાકુરનાં ચરણોમાં પહોંચી ગયા. ઓરડાના દરવાજા સુધી પહોંચતાંમાં જ ઠાકુરે જલદી આગળ આવીને એમને આલિંગનમાં જકડી લીધા અને વ્યાકુળ સ્વરે કહેવા લાગ્યા, ‘અરે, નિરંજન, દિવસો જો વીતી રહ્યા છે રે! તું ભગવત્પ્રાપ્તિ ક્યારે કરીશ? દિવસો તો વીતતા જ જાય છે. ભગવત્પ્રાપ્તિ વગર સઘળું વ્યર્થ બની જશે. બોલ, તું ક્યારે એને પ્રાપ્ત કરીશ? ક્યારે એનાં ચરણકમળમાં મન પરોવીશ? હું તો આ વિચારીને વ્યગ્ર બની ગયો છું.’ નિરંજન અવાક્‌ બની ગયા – આ છે કોણ? મને ભગવત્પ્રાપ્તિ નથી થતી, અને એથી મારા દિવસો વીતી રહ્યા છે એટલા માટે, એમને મારા વિશે આટલું બધું દુ:ખ કેમ? બીજાને માટે આ કેવો નિર્હેતુક પ્રેમ? તેઓ આ રહસ્યને ઉકેલી ન શક્યા; પરંતુ ગંભીર આવેગથી ભરપૂર એ અમૃતમય વાણીને સાંભળીને એમનું હૃદય દ્રવિત થઈ ગયું અને તે રાત તેઓ દક્ષિણેશ્વરમાં જ રોકાઈ ગયા… લાટુ મહારાજે એક વખત કહેલું: ‘એક દિવસ ઠાકુરે ભાવાવેશમાં નિરંજનભાઈનો સ્પર્શ કર્યો. આથી ત્રણ દિવસ અને ત્રણ રાત એમની આંખોની પાંપણો બંધ નહોતી થઈ. તેઓ સતત જ્યોતિદર્શન કરતા રહ્યા અને સાથે-સાથે જપ કરતા રહ્યા. ત્રણ દિવસ સુધી એમની જીભેથી જપ ન અટક્યો. મોટાં ભૂત ઉતારતો હતો ને, એટલે એમણે (ઠાકુરે) રમૂજમાં કહ્યું: ‘આ વખતે જેવું તેવું ભૂત ચઢ્યું નથી. અસ્સલ ભગવાન-ભૂત જ બોચી ઉપર ચઢી બેઠા છે. હવે તારી કઈ તાકાત કે તું તેને ગરદન પરથી નીચે ઉતારી શકે!’… 

… શ્રીમા શારદાદેવી પ્રત્યે નિરંજનાનંદની શ્રદ્ધા અનુપમ હતી. એનો ઉલ્લેખ કરતાં સ્વામી વિવેકાનંદે એક વખત એક પત્રમાં પોતાની અપૂર્વ ભાષામાં લખ્યું છે: ‘નિરંજન લાઠી ફેરવે છે. પણ મા પ્રત્યે તેને અતિશય ભક્તિ છે. અને એની લાઠી હજમ થઈ જાય છે.’ વાસ્તવમાં આ પરાક્રમી પુરુષનું હૃદય કોમળ હતું, શ્રદ્ધા-ભક્તિથી કેટલું પરિપૂર્ણ હતું, એ બહારથી કોઈ સમજી શકતું નહિ. પોતાના અનંતભાવ, સંસારની સમક્ષ પ્રગટ કરવા માટે ઠાકુર પોતાના જે અંતરંગોને લાવ્યા હતા તેમાંના પ્રત્યેકનું ચરિત્ર અલૌકિક અને વિસ્મયકારી હતું. આથી બહારથી કઠોરહૃદયી જણાતા નિરંજન મહારાજના અંતરમાં ક્યાં કેવો દુર્લભ દિવ્યભાવ છુપાઈને પડ્યો હતો, એ ભલા આપણે કેવી રીતે જાણી શકીએ?

(‘ભક્તમાલિકા’, ભાગ – ૧, પૃ.૧૬૦, ૧૬૩, ૧૭૨)

Total Views: 32
By Published On: August 28, 2022Categories: Gambhirananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram