(કમલા નહેરુનો શ્રીરામકૃષ્ણસંઘ સાથેનો સંબંધ)

‘સ્વામીજી સાથે કંઈ વાતચીત થઈ?’

‘ના. એમની અસ્વસ્થ તબિયતને જોઈને હું કંઈ પણ વાત કરી શકી નહિ. મને થયું કે મારા દુ:ખોની વાત આ સ્થિતિમાં એમને કહેવી યોગ્ય નથી.’

‘ના, એ આપે બરાબર ન કર્યું. આપે આપના આગમનનો હેતુ પણ સ્વામીજીને જણાવવો જોઈતો હતો. અને આપને જે કંઈ પૂછવું હતું તે નિ:સંકોચ પૂછી લેવું હતું.’

‘પરંતુ તેઓ બિમાર છે. તો એમને તકલીફ કેવી રીતે અપાય?’

‘હા, બિમારી એમના જીવનના સ્થાયી ભાગ જેવી બની ગઈ છે, એ હકીકત છે. પણ તે તેમના કાર્યોમાં અવરોધરૂપ નથી બનતી. આવી શારીરિક સ્થિતિમાં પણ તેમના બધાં કાર્યો બરાબર સારી રીતે ચાલી રહ્યાં છે. આથી આપ કશું પણ મનમાં લાવ્યા વગર એમને બધું જણાવી શકો.’

‘તો હવે એક કામ કરો. મને કાગળ અને પેન્સિલ આપો.’ કાગળમાં તેમણે લખ્યું: ‘મારા મનમાં થોડા આધ્યાત્મિક પ્રશ્નો છે. જેના સમાધાન અને માર્ગદર્શન માટે હું આપની પાસે આવી હતી. પરંતુ આપને આટલા બિમાર જોઈને મારી હિંમત ન ચાલી કે આ પ્રશ્નો આપને જણાવું. જ્યારે આપ સ્વસ્થ થઈ જશો ત્યારે હું ફરીથી આપને મળવા આવીશ, ત્યારે વાત કરીશ.’ બ્રહ્મચારી યુવાનને આ ચિઠ્ઠી આપી દીધી અને સ્વામીજીનો સંદેશ ફોન પર જણાવવા કહ્યું.

ઈ.સ. ૧૯૩૨ની આ વાત છે. તે સમયે બેલુર મઠમાં શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) અધ્યક્ષપદે હતા. તે સમયે તેમની ઉંમર ૭૮ વર્ષની હતી. અને તબિયત સારી રહેતી નહોતી. દમનો હુમલો વારંવાર થયા કરતો હતો. એ સ્થિતિમાં પણ તેમના સઘળાં કાર્યો ચાલું જ હતા. તે સમયે કલકત્તામાં આવેલાં શ્રીમતી કમલા નહેરુ આધ્યાત્મિક માર્ગદર્શન માટે ખાસ સ્વામી શિવાનંદજીને મળવા બેલુર મઠમાં આવ્યાં હતાં. પણ સ્વામીજીની શારીરિક સ્થિતિ જોઈને નિરાશવદને જ્યારે પાછાં ફરી રહ્યાં હતાં, ત્યારે સ્વામીજીના શિષ્ય સ્વામી અભયાનંદજી મહારાજે એમને સાચી સલાહ આપીને સ્વામીજી પાસેથી માર્ગદર્શન મેળવી લેવા કહ્યું. આથી કમલા નહેરુએ સ્વામીજીને ચિઠ્ઠી મોકલાવી.

તેમના આશ્ચર્ય વચ્ચે તે જ દિવસે સાંજે એમને સ્વામી અભયાનંદજીનો ફોન મળ્યો. તેમણે કહ્યું કે સ્વામી શિવાનંદજીએ તેમની સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરવા માટે તેમને પાછાં બોલાવ્યાં હતાં અને સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે ‘મારું શરીર વૃદ્ધ થઈ ગયું છે. અને કોઈ પણ સમયે તેનું અવસાન થઈ શકે છે. એટલે મારી શારીરિક સ્થિતિને લઈને મારાથી વાત કરતાં અચકાઓ નહિ.’

આ સંદેશાથી જ કમલા નહેરુને અંતરમાં શાંતિનો અનુભવ થયો. આમ તો ધર્મપરાયણ પરિવારમાં જન્મ થવાને પરિણામે તેમનામાં શૈશવથી જ આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન થયું હતું. પરંતુ નહેરુ કુટુંબમાં પાશ્ચાત્ય સંસ્કારોનો પ્રભાવ અને પછી સ્વાતંત્ર્ય સંગ્રામની અનેકવિધ પ્રવૃત્તિઓમાં, તેમનું હૃદય જે આધ્યાત્મિક શાંતિ અને ઈશ્વરની અનુભૂતિ મેળવવા તસલતું હતું, તે તેમને ક્યાંયથી મળતી નહોતી. જવાહરલાલ નહેરુ સાથે જ્યારે તેઓ ૧૯૨૮માં બનારસ ગયાં ત્યારે રામકૃષ્ણ મિશનમાં ગયાં હતાં. ત્યાંના વાતાવરણની એમના ચિત્તતંત્ર પર ઊંડી અસર પડી હતી. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રો અને ઉપદેશોનો તેમના મન ઉપર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેમણે એક પત્રમાં લખ્યું હતું કે ‘મને એમ થાય છે કે હું શ્રીરામકૃષ્ણ પરમહંસદેવના સમયમાં કેમ ન જન્મી કે સ્વામીજીના સમયમાં આટલી બધી નાની કેમ હતી?’ દલિતો અને પીડિતો પ્રત્યેની અનુકંપા, આમજનતા પ્રત્યેનો અગાધ પ્રેમ અને સહાનુભૂતિ, નિર્ભયતા, દૃઢતા, પ્રેમથી આર્દ્ર હૃદય અને સાથે સાથે કઠોરતા – આ બધા તેમના આંતરિક ગુણો પર સ્વામીજીના લખાણોનો વિશેષ પ્રભાવ હતો તેમ કહી શકાય.

કમલા નહેરુ ભલે બાહ્ય રીતે સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતાં પણ સાથે સાથે ઈશ્વરનાં દર્શનની તીવ્રતમ ઝંખના પણ એમના હૃદયમાં પ્રજ્જ્વલિત હતી. અને એ માટેનો માર્ગ બતાવનાર કોઈ પથપ્રદર્શકને તેઓ શોધી રહ્યાં હતાં. બનારસનાં રામકૃષ્ણ મિશનની મુલાકાતે એમના હૃદયમાં આશાનો સંચાર કર્યો કે અહીંથી તેમને જે શાંતિની ઝંખના છે તે જરૂર મળશે. એટલે જ જ્યારે તેમને ૧૯૩૨માં કલકત્તા આવવાનું થયું ત્યારે તેઓ બેલુર મઠમાં આવી પહોંચ્યાં.

બીજે દિવસે કમલા નહેરુ પોતાની આધ્યાત્મિક સમસ્યાઓના સમાધાન માટે સ્વામી શિવાનંદજી પાસે પહોંચી ગયાં. સ્વામી શિવાનંદજીમાં એમને આધ્યાત્મિક માર્ગદર્શન આપનાર ગુરુ દેખાયા. તેમને મૂંઝવતી સમસ્યાઓનું સમાધાન થયું. અંતરમાં અનેરી શાંતિ અનુભવાઈ. તેમને મંત્રદીક્ષા લેવાની અંતરમાં ઇચ્છા પણ જાગી. પરંતુ દીક્ષાના નિયમોનું પાલન તેમના વ્યસ્ત જીવનમાં થઈ શકશે કે કેમ એ અંગે શંકા હતી. આથી તેમણે ત્યારે તો સ્વામી શિવાનંદજીને દીક્ષા આપવા અંગે કશું જણાવ્યું નહિ. પરંતુ બહાર આવ્યા પછી સ્વામી અભયાનંદજીને એમણે પૂછ્યું કે ‘મારે દીક્ષા વિધિ વિશે આપની પાસેથી જાણવું છે, તો આપ મારાં નિવાસસ્થાને આવી શકશો?’ ‘સ્વામીજી આજ્ઞા આપશે તો જરૂર આવીશ.’ તેમ કહીને તેમણે કમલા નહેરુને વિદાય આપી. પછી તે સાંજે સ્વામી શિવાનંદજીની રજા લઈને ‘નાર જૌલે પેલેસ’ જ્યાં કમલા નહેરુ ઊતર્યાં હતાં ત્યાં ગયા. તેમણે સ્વામી અભયાનંદજીને પૂછ્યું કે શું દીક્ષા લઈને ખાવા-પીવાના અને બીજા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડે? જો એમ હોય તો તેઓ પોતાના પરિવારમાં અને રાજકીય જીવનને લઈને એનું પાલન કરી શકશે નહિ. જ્યારે સ્વામી અભયાનંદજીએ જણાવ્યું કે આ તો મંત્રદીક્ષા છે, એમાં એવાં ખાન-પાનના કોઈ જ નિયમો હોતા નથી. માત્ર ગુરુએ આપેલા મંત્રનો અમુક પ્રમાણમાં જપ કરવાનો હોય છે. દીક્ષાવિધિ વિશે પૂછતાં સ્વામી અભયાનંદજીએ તેમને જણાવ્યું કે એમાં કોઈ અટપટી વિધિ નથી. સહજ સામાન્ય વિધિ હોય છે. ગુરુ શિષ્યને એક મંત્ર આપે છે, અને આધ્યાત્મિક જીવન માટે ઉપદેશ આપે છે. અને પછી શિષ્યના દેહ અને આત્મા સહિત પરમાત્માને અર્પણ કરી દે છે. અને શિષ્યનો પરમાત્મા સાથે આંતરિક સંબંધ બાંધી આપે છે. આમાં કોઈ બાહ્યાચાર કે વિધિવિધાનની જરૂર હોતી નથી. ‘તો તો હું મંત્રદીક્ષા જરૂર લઈ શકીશ. પરંતુ મારી આ દીક્ષાની કોઈને પણ ખબર ન પડે તેમ હું ઇચ્છું છું. તમે સ્વામીજીને મારી આટલી પ્રાર્થના પહોંચાડજો.’ ‘ભલે. પણ શા માટે આપ દીક્ષાને ગુપ્ત રાખવા ઇચ્છો છો?’ ‘એની પાછળ બે કારણ છે. એક તો કેટલાક લોકો એને ધર્મપરિવર્તન માનીને ચર્ચાનો વિષય બનાવશે અને નકામો ઉહાપોહ સર્જાશે. તો બીજા કેટલાક લોકો તેને આત્મિક સિદ્ધિના રૂપમાં લેશે એ તેની અકારણ પ્રશંસા કરતા ફરશે. હું આ બંનેથી બચવા ઇચ્છું છું. અને દીક્ષા એ તો મારી અંગત વસ્તુ છે. મારા હૃદયના અંત:સ્તલમાં પવિત્રનિધિ રૂપે તેને સુરક્ષિત રાખવા ઇચ્છું છું.’

‘આપની ઇચ્છા પ્રમાણે આ વિધિ ગુપ્ત રહે તે માટે હું ગુરુમહારાજને વાત કરીશ.’

આ રીતે દીક્ષા અંગેની મૂંઝવણોનો ઉકેલ મળી જતાં કમલાજીએ દીક્ષા લેવાનું નક્કી કર્યું અને બીજે જ દિવસે પોતાના માતાને લઈને બેલુર મઠમાં આવી પહોંચ્યા. તેમના આધ્યાત્મિક જીવનની આ અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના અત્યંત સાદાઈથી સહજ રીતે માત્ર અર્ધાકલાકમાં જ પૂર્ણ થઈ ગઈ. તે સમયે તો જવાહરજીને પણ જાણ નહોતી, કેમ કે તેમણે અચાનક જ આ નિર્ણય કર્યો હતો. પરંતુ તેમણે સ્વામી શિવાનંદજીને કહ્યું કે તક મળતાં જ તેઓ દીક્ષા અંગે જવાહરજીને જરૂર જણાવી દેશે. એ રીતે જ્યારે તેમણે જવાહરજીને જાણ કરી ત્યારે વ્યક્તિગત સ્વાતંત્ર્યના હિમાયતી જવાહરે તેમના આ કાર્યને પૂર્ણ સંમતિ આપી.

દીક્ષામંત્ર મળતાં અને ગુરુનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળતાં કમલાજીનાં આંતરજીવનનો ઉઘાડ થઈ ગયો. આધ્યાત્મિક જીવનનું પ્રવેશદ્વાર જાણે ખૂલી ગયું. જે આધ્યાત્મિક માર્ગદર્શન તેઓ ઝંખતા હતાં, તે તેમને પ્રભુકૃપાથી સહજ રીતે પ્રાપ્ત થયું અને તે પણ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય તારકનાથ કે જેઓ શ્રીરામકૃષ્ણ સંઘમાં મહાપુરુષ મહારાજ – સ્વામી શિવાનંદજી તરીકે ઓળખાતા હતા. જેઓ શ્રીરામકૃષ્ણદેવને માતા તરીકે પૂજતા હતા, જેમની જીભ ઉપર શ્રીરામકૃષ્ણે કંઈક લખી દીધું અને તેમને સમાધિ પ્રાપ્ત થઈ હતી અને લગ્ન કર્યાં હોવા છતાં પણ શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી કામજયી બન્યા હતા. તેથી જ તો સ્વામી વિવેકાનંદે એમને ‘મહાપુરુષ મહારાજ’ નામ આપ્યું હતું. એવા બ્રહ્મજ્ઞ સાચા સંન્યાસી પાસેથી તેમને દીક્ષામંત્ર મળ્યો એટલે તેમને અંતરમાં પ્રતીતિ થઈ કે તઓ જે કૃષ્ણને ઝંખે છે, તેની પ્રાપ્તિ તેમને જરૂર થશે. દીક્ષા લઈને જ્યારે તેઓ પોતાના માતા સાથે પાછાં ફર્યાં ત્યારે પ્રગાઢ શાંતિ એમના અંતરમાં અનુભવાઈ રહી હતી. આ દીક્ષા વિશે સ્વામી શિવાનંદજીએ પાછળથી કહ્યું હતું કે ‘કમલાજી આત્મિક રૂપે મને ખૂબ શક્તિશાળી અને ઉચ્ચત્તર આધ્યાત્મિક સત્યોને ગ્રહણ કરનાર યોગ્ય પાત્ર જણાયાં. આવા વિશુદ્ધ આત્માને પરમાત્માના ચરણકમળમાં અર્પિત કરવામાં મને અત્યંત સંતોષનો અનુભવ થયો.’

કમલાજીને પણ સ્વામી શિવાનંદજી પ્રત્યે અનન્ય શ્રદ્ધાભક્તિ હતાં. સ્વામી શિવાનંદ એમના પથપ્રદર્શક ગુરુ તો હતા જ પણ સાથે સાથે એમના આધ્યાત્મિક પિતા પણ હતા. એની પ્રતીતિ સ્વામી અભયાનંદજીને લખેલા પત્રો દ્વારા થાય છે. ૨૬-૧૧-૧૯૩૩ના રોજ તેમણે આનંદભવનમાંથી પત્ર લખ્યો હતો, જે આ પ્રમાણે છે:

ભાઈ અભયાનંદજી,

ઘણા સમય પછી આપનો પત્ર મળ્યો. પત્ર મળવાથી અને ગુરુમહારાજની તબિયત પહેલાં કરતાં સારી છે એ જાણીને ખૂબ આનંદ થયો. ખબર નથી, ક્યારે એમનાં દર્શન થશે? એમની કૃપા હશે, તો જરૂર મારી ઇચ્છા પૂરી થશે. ઈશ્વરનાં દર્શનની એક ઇચ્છા છે – ક્યારે અને કેવી રીતે થશે? તેઓ જરૂર મારી પાસે છે, પણ દેખાતા નથી. મારી પાસે એ આંખો નથી કે જેનાથી હું એમને જોઈ શકું.

આપ મને બરાબર પત્ર લખતા રહેજો કે જેથી મને શાંતિ મળે અને શ્રીસ્વામીજીની તબિયતના સમાચાર પણ મળતા રહે. મને ત્રણ મહિનાથી વધારે સમય થયા ખાંસી આવે છે. ક્યારેક વધારે ક્યારેક ઓછી. બાકી બધું કુશળ છે.

પૂજ્ય સ્વામીજીને મારા નમસ્કાર કહેશો.

ભવદીય
કમલા નહેરુ

કમલાજીના હૃદયમાં ઈશ્વરનાં દર્શનની કેવી ઉત્કટ ઝંખના હતી અને ગુરુ પ્રત્યે તેમને કેટલો ઊંડો પ્રેમભાવ હતો, તેનું નિર્દર્શન આ પત્ર દ્વારા થાય છે. જાણે કોઈ આધ્યાત્મિક પથની સાધિકાનો પત્ર હોય તેવું જણાય છે. ભલે તેઓ રાજકારણની અનેક પ્રવૃત્તિઓથી ઘેરાયેલાં હતાં અને સાથે સાથે શરીરમાં ક્ષયના રોગે પગપેસારો કરી દીધો હતો, એવી સ્થિતિમાં પણ તેમનું આંતરમન તો ગુરુમહારાજના ચરણોમાં જઈ બેસતું હતું. તેમણે આનંદભવનમાંથી ૨૦-૨-૧૯૩૪ના રોજ લખેલા પત્ર દ્વારા એ જાણી શકાય છે. તેઓ લખે છે:

ભાઈ અભયાનંદજી,

આપનો તાર મને ગઈકાલે મળ્યો. ગુરુમહારાજ મને છોડીને જઈ શકે નહિ. પહેલાં મને પાર ઉતારી દે, પછી જાય. મારા આત્માએ એ કહ્યું કે મહારાજ પુત્રીને પિતા વગરની કરીને નહિ જાય. ભગવાનને પ્રાર્થના છે કે તેઓ મારા દેશને માટે અને મારા માટે મારા ગુરુમહારાજને છોડી દે. હજુ આપણે એમની ખૂબ જરૂર છે.

આજે બીજો તાર મળ્યો. પણ મેં તાર નથી કર્યો. પરંતુ મારો આત્મા તો ત્યાં જ છે. અહીં હું બધું કામ કરું છું પણ મારું બધું ધ્યાન તો ત્યાં જ છે. કૃપા કરીને એમની તબિયતના સમાચાર મને બરાબર મોકલાવતા રહેજો. આપ સ્વામીજી મહારાજને કહેજો કે તેઓ પોતાની પુત્રીને છોડીને ન જાય. મને સમજાતું નથી કે શું થશે. ભગવાનને પ્રાર્થના કરી શકીએ, એમની આગળ રડી શકીએ. પણ કૃષ્ણ તો ખૂબ જ કઠોર છે. સાંભળીએ છીએ કે તેઓ બહુ દયાળુ છે. પણ મને તો કઠોર જ જણાય છે. દયાળુ હોય તો આપણી પ્રાર્થના જરૂર સાંભળે. તેઓ તો જાણે કાનમાં રૂ ખોંસીને બેઠા છે. એ સમયે મને કૃષ્ણ ઉપર ગુસ્સો આવે છે ને આટલા કઠોર બને છે એટલે ગમતા નથી.

ભગવાન ગુરુમહારાજને જલદી સારા કરી દે.

ભવદીયા
કમલા નહેરુ

માંદગીના બિછાને પડેલા ગુરુમહારાજને સાજા કરવા માટે કરેલી પ્રાર્થનાઓ સાંભળતા ન હોવાથી કમલાજીને કૃષ્ણ કઠોર લાગે છે. એની પાછળ ગુરુ પ્રત્યેનો એમનો ઉત્કટ પ્રેમભાવ રહેલો જણાય છે. પ્રભુદર્શન માટે વ્યાકુળતા અનુભવતી પુત્રી, પોતાના ગુરુ-આધ્યાત્મિક પિતા એને આંગળી પકડીને કૃષ્ણ પાસે લઈ જશે એવી શ્રદ્ધા ધરાવતી હતી. અને ફક્ત પોતાના માટે જ નહિ, પણ સમગ્ર દેશ માટે આવા સમર્થ આધ્યાત્મિક આધારની તીવ્ર જરૂર છે. એમ માનીને તેઓ ઈશ્વરને સ્વામી શિવાનંદજીને સાજા કરવા સતત પ્રાર્થના કરતાં રહ્યાં. પણ સ્વામી શિવાનંદજીએ જે કાર્ય કરવાનું હતું, તે હવે સમાપ્ત થવામાં હતું. કમલાજીને આધ્યાત્મિક પ્રકાશમાં મૂકી આપવાનું, એમની અંદર શાંતિની સ્થાપના કરી દેવાનું એમનું કાર્ય હતું. તે પણ પૂરું થઈ ગયું હતું અને પછીનું કાર્ય તો મહાગુરુ પોતે જ કરવાના હતા. કૃષ્ણ સ્વયં તેમને સંસારના તાપમાંથી મુક્ત કરવાના હતા. આથી જ કૃષ્ણે તેમની પ્રાર્થના સાંભળી નહિ હોય, અને ૨૭મી ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ સ્વામી શિવાનંદજીને પોતાની પાસે બોલાવી લીધા.

ગુરુદેવની મહાસમાધિના સમાચાર કમલાજી માટે આઘાતજનક હતા. કેમ કે, તે સમયે તેમની તબિયત સારી રહેતી નહોતી. ખાંસીના હુમલાઓ આવ્યા જ કરતા હતા. વળી જવાહરલાલજી જેલમાં હતા. ઘરમાં પણ સ્વાતંત્ર્ય આંદોલનની પ્રવૃત્તિઓને કારણે અનેક પ્રકારના માણસોની અવરજવર સતત ચાલતી રહેતી. આવા સંજોગોમાં તેમને જો ક્યાંયથી હૂંફ અને શાંતિ મળતાં હોય તો તે ગુરુમહારાજ પાસેથી મળતાં હતાં. હવે તેમણે દેહ છોડી દેતાં પ્રત્યક્ષ માર્ગદર્શન ક્યાંથી મળી શકશે? આ મોટો ફટકો તેમને લાગ્યો અને તેમની ખાંસીનું દર્દ વધવા લાગ્યું. ૯મી માર્ચ ૧૯૩૪ના પત્રમાં તેઓ લખે છે:

ભાઈ અભયાનંદજી,

આપનો તાર મળ્યો. મને ખાંસી ખૂબ રહે છે. કાલ સવારથી તાવ ૯૯૦ હતો. આજે ડોક્ટરે કહ્યું થર્મોમીટર ન લગાવો. એટલે મેં તાવ માપ્યો નથી. તબિયત પહેલાં કરતાં થોડી સારી જણાય છે.

જે દિવસથી મહાપુરુષ મહારાજ સમાધિમાં ગયા છે, ત્યારથી મને એવું જણાય છે કે જાણે તેઓ મારી પાસે જ છે. આથી મને થોડી શાંતિ મળે છે. ક્યારેક અશાંતિ જોર કરે અને એવા કોઈ વિચાર આવે તો તેને ભૂલીને કૃષ્ણને યાદ કરવા લાગું છું. મેં ગીતા વાંચવી શરૂ કરી છે. એક વાર તો આખી વાંચી લીધી. હવે ફરીથી શરૂ કરી છે. એથી ખૂબ આનંદ આવે છે. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે મહાભારતના સમયમાં આપણે પણ હતાં અને સાંભળતાં હતાં.

બિહારમાં કામ તો થઈ રહ્યું છે, તે વર્તમાનપત્ર દ્વારા જાણું છું. પણ મને દુ:ખ થાય છે કે હું પલંગ પર પડી છું. જ્યારે કામ કરવાનો સમય છે, ત્યારે આવું જ થાય છે. પણ એમાં મારો કોઈ દોષ નથી. ભગવાન જેટલું કામ કરાવે છે, એટલું કરી દઉં છું. પછી એમની જો એવી ઇચ્છા હોય કે હું પલંગ પર જ રહું તો એમાં પણ હું સંતુષ્ટ છું. આપણે તો એની આજ્ઞાનું પાલન કરવા આવ્યા છીએ. જ્યારે જે આજ્ઞા થશે તે કરીશું. કોઈ વાતની ચિંતા કરવાથી શું વળે? જે થવાનું છે, તે થઈને જ રહે છે. પત્ર લખશો.

હવે મઠનું કામ કોણ સંભાળશે? પંડિતજીનો પત્ર આવ્યો હતો. મજામાં છે.

ભવદીય
કમલા નહેરુ

આ પત્ર દ્વારા કમલા નહેરુની અસ્વસ્થ તબિયત, ગુરુમહારાજની સૂક્ષ્મ હાજરીની અનુભૂતિ, ગીતાના અધ્યયન દ્વારા પ્રાપ્ત થતી શાંતિ અને આનંદની અનુભૂતિ-તેમજ દુર્બળ શરીરને લઈને બિહારના ભૂકંપ દરમિયાન કાર્ય નહિ કરી શકવાની વ્યથા અને પછી તુરત જ શરણાગતિનો ભાવ અને ચિંતાને દૂર કરનારી ઊંડી સમજ, જોવા મળે છે. પત્ર એ પણ પ્રતીતિ કરાવી જાય છે કે સ્વામી અભયાનંદજી સાથે કમલા નહેરુને આધ્યાત્મિક ભ્રાતૃભાવ હતો. પોતાના અંતરંગ આત્મીય બંધુ માનીને તેઓ તેમને નિ:સંકોચ પોતાની આંતરવ્યથા અને મૂંઝવણો વિશે પણ લખતાં રહેતાં. ગુરુમહારાજની મહાસમાધિ પછી પણ બેલુર મઠ સાથે અને સ્વામી અભયાનંદજી સાથેનો તેમનો આત્મીય સંબંધ વધુ દૃઢ બન્યો. તેમની ઈશ્વરને પામવાની ઝંખના પણ ઉત્તરોત્તર વધતી રહી.

કમલાજીનું બાહ્યજીવન ભલે સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે જોડાયેલું હતું. પણ આંતરજીવન વેદાંત વિચારધારાને વરેલું હતું. બધામાં એક જ આત્મા વસે છે અને તે આત્મા જ બ્રહ્મ છે. એ આત્માની પ્રાપ્તિ માટે તેઓ સદા પ્રયત્ન કરતાં રહ્યાં. સ્વામી અભયાનંદજીએ એમના વિશે જણાવ્યું હતું કે તેઓ ખૂબ સાદા વસ્ત્રો પહેરતાં. તે પણ ખાદીનાં જ. જ્યારે તેઓ બેલુર મઠમાં આવતાં ત્યારે કથ્થાઈ કે આછા રંગની કિનારીવાળી સફેદ સાડી પહેરીને જ આવતાં. આભૂષણોમાં તો ફક્ત લોઢાની એક ચૂડી જ પહેરતાં જે હિંદુ સ્ત્રીઓને લગ્ન વખતે પહેરાવવામાં આવે છે. આથી તેમના સાસુ સ્વરૂપરાણી તેમના ઉપર નારાજ હતાં. એક વખત તેઓ બંને કલકત્તા આવ્યાં હતાં અને ‘સેવાસદન’માં ઊતર્યાં હતાં. ત્યારે સ્વામી અભયાનંદજી તેમને મળવા જતા. એક વાર સ્વરૂપરાણીએ તેમને કહ્યું કે તેમની પુત્રવધૂ સંન્યાસિનીનું જીવન વીતાવી રહી છે. ખૂબ જ ઓછું ખાય છે. કપડાં પ્રત્યે એકદમ ઉદાસીન છે. અને ઘરેણાં-ઝવેરાત વગેરે તો પહેરવાનું છોડી જ દીધું છે. અને પછી સ્વરૂપરાણીએ સ્વામી અભયાનંદજીને વિનંતી કરી કે ‘આપ એને સમજાવો કે વધારે નહિ પણ ઓછામાં ઓછી એક જોડી બંગડી અને ગળામાં નેકલેસ તો જરૂર પહેરે. હિંદુ પત્નીઓની જેમ તે સજી-ધજીને રહે. તેના પતિના કલ્યાણ માટે પણ તે આટલું કરે.’ પછી સ્વામીજીએ સ્વરૂપરાણીની ઇચ્છા કમલાજીને જણાવી ત્યારે તેમણે કહ્યું, ‘નહિ સ્વામીજી નહિ. હું એવું નહિ કરી શકું. મને એમ કરવાનું આપ કહો નહિ. મારા દેશના લોકો પાસે પેટ ભરવા માટે અનાજ નથી અને હું ઝવેરાત પહેરીને રસ્તા પર ચાલતી ફરું. મારા માટે આનાથી મોટો બીજો અપરાધ કોઈ ન હોઈ શકે. એમાંથી લાખો લોકો કલકત્તાની ફૂટપાથ પર પોતાની રાતો વીતાવે છે. હું મારા બધાં ઘરેણાં – ઝવેરાત આ બધું ગરીબોમાં વહેંચી દઉં તો મને વિશેષ ખુશી થશે.’ કમલાજીનો ત્યાગ અને દેશના દરિદ્ર લોકો પ્રત્યેની લાગણી જોઈને સ્વામી અભયાનંદે પણ એમના ગુરુદેવના શબ્દોની કે ‘આત્માના સત્યને ગ્રહણ કરનાર બહુ શક્તિશાળી આધાર છે,’ તેની પ્રતીતિ કરી.

Total Views: 29
By Published On: August 29, 2022Categories: Jyotiben Thanki0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram