ખંભાતની ખાડીમાંથી મળેલ પ્રાચીન નગર નવો ઇતિહાસ પુનર્લેખનની ક્ષમતા ધરાવે છે.

૧૯ જાન્યુઆરી, ૨૦૦૨ બીબીસી ન્યુઝ ઓનલાઈનના ટોમ હાઉસડેનના એક અહેવાલ મુજબ વિશ્વના પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારોને પ્રાચીન માનવજાતના ઇતિહાસનું પુનર્લેખન કરવાની ક્ષમતા આ ખંભાતની ખાડીમાં દટાયેલું નગર ધરાવે છે. ભારતના સામુદ્રિકશાસ્ત્રના વૈજ્ઞાનિકો ૩૬ મીટર એટલે કે ૧૨૦ ફૂટ નીચે પશ્ચિમ કિનારે આવેલ ખંભાતના અખાતમાં રહેલા આ નગરના અવશેષો બતાવે છે કે આ નગર ૯૦૦૦ વર્ષ પુરાણું છે. પાંચ માઈલ લંબાઈવાળા અને બે માઈલની પહોળાઈવાળા વિસ્તારમાં વિસ્તરેલું આ ઉપખંડમાંનું વિશાળ શહેર ૫૦૦૦ વર્ષ પહેલાં પણ અસ્તિત્વમાં હતું એવો એક અંદાજ છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજીના મહાસાગરવિદ્યાના વૈજ્ઞાનિકોએ મહાસાગરમાં થતા પ્રદૂષણના સર્વેક્ષણ સમયે એક અકસ્માત રૂપે ગયે વર્ષે આ નગરનાં સ્થળો શોધી કાઢ્યાં હતાં. સાઈડ સ્કેન સોનારનો ઉપયોગ કરીને મહાસાગરના તળ સુધી જતાં ધ્વનિતરંગોનાં કિરણોએ ૧૨૦ ફૂટની ઊંડાઈએ એક વિશાળ ભૌમિતિક બાંધકામની સંરચનાઓને શોધી કાઢી. આ તળથી બહાર કાઢેલા ભંગાર અને કાટમાળમાંથી બાંધકામ સામગ્રી, માટીનાં વાસણોના અવશેષો, દીવાલોના ભાગો, માળા આકારનાં કોતરકામ, શિલ્પસ્થાપત્ય અને માનવનાં હાડકાં અને દાંત વગેરેને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ચકાસતાં તે આશરે ૯૫૦૦ વર્ષ પૂરાણાં છે. આ લુપ્ત સંસ્કૃતિ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ કરતાં પણ પુરાણી હોવાનું મનાય છે. દરિયાઈ પુરાતત્ત્વવિદોએ ઉપયોગમાં લીધેલી વિશિષ્ટ અને આધુનિક ટેકનિક દ્વારા જાણવા મળ્યું છે કે આ ઈમારતો અતિવિશાળ પાયા પર રચાયેલ હતી.

ખંભાતના અખાતમાંથી મળી આવેલા અવશેષોવાળું સ્થાન ભૃગુકચ્છ (ભરૂચ)ની બહુ નજીક છે. પ્રાચીન ભારતમાં ભરુકાક: નામનું ગામ હતું. ત્યાં શૂદ્રો રહેતા. ધર્મપુત્ર યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે અહીં વસતા લોકો રાજા માટે ભેટસોગાદો લાવ્યા હતા. (મહાભારત, સભાપર્વ, પ્રક. ૫૧) ‘ભૃગુ’ શબ્દ ભારતની પ્રાચીન વૈદિકપ્રણાલિની સ્મૃતિ તાજી કરે છે. ભૃગુ વરુણના પુત્ર ગણાય છે. ૧૮,૦૦૦ વર્ષ પહેલાં ૧૦૦૦ વર્ષ સુધી સમગ્ર યુરેશિયા ખંડનો વિસ્તાર હિમની શિલાઓથી ઢંકાયેલો હતો. આમાંના કેટલાક વિસ્તારો આ અસરથી મુક્ત હતા. હિમશિલા અને હિમનદીઓથી અસરમુક્ત એવા ભારતના નામે જાણીતા આ વિસ્તારમાં વનસ્પતિ ઊગતી અને ખેતીવાડી થતી તેમજ માનવ વસવાટો વસ્યા હતા. લુપ્ત સરસ્વતી નદીએ આ સંસ્કૃતિને ૨૦૦૦ જેટલા પુરાતત્ત્વ વિસ્તારોમાં વિકસાવી અને પોષી હતી. આ સંસ્કૃતિને પુરાતત્ત્વવિદો અને ભૂસ્તરશાસ્ત્રના વૈજ્ઞાનિકોએ ભારત એવું નામ આપ્યું છે. આ શહેરી સંસ્કૃતિના મૂળ ઉદ્‌ગમસ્થાન ક્યાં ક્યાં છે? એક ધારણા એવી છે કે સિંધુ નદીની પશ્ચિમે નૂતનપાષાણયુગના મેહગઢમાં છે. હવે એક બીજી એવી ધારણા પણ કરી શકાય છે કે નૂતનપાષાણયુગનું આ સ્થાન ખંભાતના અખાતના – સિંધુસાગર (અરબીસમુદ્ર)ના જળ પ્રવાહોમાં ૯૦૦૦ વર્ષો પૂર્વે વિલીન થઈ ગયું છે.

આ સાથે જોડાયેલી મહત્ત્વની ઘટનાઓ પૃથ્વીના ઇતિહાસના વર્તમાન તબક્કાની ટેક્ટોનિક્સ અને ૧૦,૦૦૦ વર્ષ પહેલાં સમુદ્રની સપાટીની ઊંચાઈમાં થયેલા વધારા સાથે કંઈક સંબંધ ધરાવતી લાગે છે. સૌરાષ્ટ્ર દ્વીપની ભૂમિ ધરતીકંપની વધારે શક્યતાવાળી ભૂમિ છે. ધરતીની ભીતર રહેલી આ પ્લેટને કારણે ભારતની ભૂમિ લાખો વર્ષથી ઉત્તર તરફ ખસતી રહી છે. હિમાલયની પવર્તમાળાઓ પણ દરવર્ષે ૧ સે.મી. જેટલી ઊંચે આવતી જાય છે. આ બધાં ભૂ-ભૌતિક કારણોને લીધે સમુદ્રની સપાટીની ઊંચાઈ વધતી રહે છે. આજનું કચ્છનું રણ પણ એનું પરિણામ છે. ભૂમિનાં મહાન પરિવર્તનો, નદીઓ અને નગરોનું લુપ્ત થવું, નદીઓનું એકબીજા સાથે ભળી જવું આવાં બધાં ભૂ-ભૌતિક ક્રિયાપરિવર્તનોની ઘેરી અસર ભારતની ૯૦૦૦ વર્ષ પહેલાંની આ સંસ્કૃતિ પર થઈ છે. વૈદિક સંસ્કૃતિ એ દરિયાઈ કે નદી કિનારે વસેલી સંસ્કૃતિ હતી. સરસ્વતી સિંધુખીણની સંસ્કૃતિ પણ આવી જ રીતે દરિયા અને નદી કિનારે વસેલી સંસ્કૃતિ હતી. આ માટેના પ્રમાણો લોથલ, પદરી, રંગપુર, સોમનાથ (પ્રભાસ પાટણ), નળસરોવર, સર કોટડા, કોટડા (ધોળાવીરા), કોટડીજી, ચાહુંજોદરો, મોહેંજોદરો, ગણવેરીવાલા, કાલી બાગાન, લખમીરવાલા, ભટીંડા, કુણાલ, બાણાવલી, રાખીગઢી, હડપ્પા જેવા ૨૬૦૦ જેટલાં પુરાતત્ત્વના પ્રાચીન રહેઠાણ અવશેષોમાં મળી રહે છે. મેહરગઢના નૂતનપાષાણયુગના વસવાટો પૂર્વે આ સંસ્કૃતિ વિકસી હતી.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી અને કુડોઝ દ્વારા ખંભાતના અખાતમાં સમુદ્રની સપાટી નીચે ૩૦ દરિયાઈ માઈલ ઊંડે નૂતન પાષાણ યુગના થયેલા આ સંશોધનો ભારતની સંસ્કૃતિના ઇતિહાસનું પુનર્લેખન કરવા પ્રેરે છે. ખંભાતના અખાતમાંથી મળેલા આ બધા પુરાતન અવશેષોને આઈ.આઈ.ટી, ચેન્નાઈના કેમ્પસમાં – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી ભવનમાં રાખવામાં આવ્યા છે. શ્રી બદ્રીનારાયણ, ડો. કથિરોલી અને આ સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર આ કાર્યમાં સૌથી વધારે સહાયરૂપ બન્યા છે. એમના પોતાના કાર્યનિરીક્ષણ દરમિયાન ભારતના દરિયાકિનારે રહેલા આ અમૂલ્ય ખજાનાને શોધી કાઢ્યો છે. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૦૨ના ‘ઇન્ડિયા ટુડે’ની કવરસ્ટોરી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજીના આ સંશોધનોના આધારે આપવામાં આવી હતી. ખંભાતના અખાતની મહેરગઢ જેવી શહેરી સંસ્કૃતિ સરસ્વતી-સિંધુખીણની સંસ્કૃતિનો અણસાર આપી જાય છે. આ બધાં સંશોધનોએ પ્રાચીન ભારતની સંસ્કૃતિના મુખ્યકેન્દ્ર તરીકે ગુજરાતને માનવા માટે પૂરતાં પ્રમાણો આપ્યાં છે. ખંભાતના અખાતથી નજીક આવેલા કચ્છના ધોળાવીરા અને બીજા પથ્થરના બનેલા શહેરો ભારતની સંસ્કૃતિના બીજારોપણ પાષાણથી થયેલાં નૂતન પાષાણયુગના પૂરતા પૂરાવા આપે છે અને એ સમયના લોકોની પ્રસ્તરકળાનો પણ આપણને ખ્યાલ આપે છે. ખંભાતના અખાતના દરિયાની ભીતર રહેલા આ પ્રાચીન નગરસંસ્કૃતિના સંશોધનોએ ધીળાવીરા, લોથલ, પાદરી અને રંગપુર જેવી પ્રાચીન સંસ્કૃતિની વસાહતોનો ઇતિહાસ આપણી સામે ખુલ્લો કરી દીધો છે. ભાવનગર જિલ્લાના ગામ ગોહિલની પાદરી જે ભાવનગરથી દક્ષિણ દિશાએ ૫૫ કિ.મી.ના અંતરે આવેલ છે ત્યાં આ પ્રાચીનસંસ્કૃતિના (૧) હડપ્પન સંસ્કૃતિ પૂર્વેનો કાળ; ઈ.સ. પૂર્વે ૨૬૦૦ થી ૩૦૦૦, (૨) સુવિકસિત હડપ્પન સંસ્કૃતિનો કાળ; ઈ.સ. પૂર્વે ૨૦૦૦ થી ૨૫૦૦ (૩) પ્રાગૈતિહાસિક કાળ; ઈ.સ. પૂર્વે ૨૦૦ થી ઈ.સ ૨૦૦, ત્રણ સમયગાળાના અવશેષો જોવા મળે છે. અહીં માટીની આધારશીલા પર તૈયાર થયેલ અને માટીથી બનાવેલી તેમજ ઉપર પથ્થરના ઢાંકણવાળા જુવાર જેવાં અનાજ, વગેરેને સંગ્રહવા માટેની મોટા કદની કોઠીઓ પણ આ વસાહતી સંકુલોમાં જોવા મળે છે. તાંબા પીત્તળની અને અન્ય કારીગીરી કરનારા લોકો માટે કેટલાક ખંડ અલાયદા રાખવામાં આવ્યા હતા. વર્તુળાકાર ભઠ્ઠી, પ્લેટફોર્મ અને તાંબાના ઓજારો અને સાધનોનો પણ અલાયદો ખંડ રાખ્યો હતો. અહીં ભઠ્ઠી તૈયાર કરતા લુહારો માટે પણ અલાયદી વ્યવસ્થા હતી. આ લુહારો ભઠ્ઠીમાં કાચા માલને ગરમ કરતા કે પીગાળતા અને તેમાંથી ઓજારો, હથિયારો, વગેરે તૈયાર કરતા. જો કે અહીં રાંધવાની કે બીજી કોઈ ઘરની પ્રવૃત્તિના પ્રમાણો મળ્યાં નથી.

નળ સરોવર સરસ્વતી નદીની સંસ્કૃતિનો અવશેષ હોઈ શકે. આ સરસ્વતી નદી કચ્છના રણમાંથી સૌરાષ્ટ્રમાં વહેતી. નળ સરોવરના વિસ્તારમાં ૧૦૦ જેટલાં પુરાતત્ત્વનાં પુરાતન સ્થળો મળી આવ્યાં છે. નળ સરોવર, ધોળાવીરા, શૂરકોટડા અને લોથલ વચ્ચે આ ટૂંકામાં ટૂંકો નદીમાર્ગ પણ કદાચ એ સમયે અસ્તિત્વમાં હશે. એવી પણ શક્યતા છે કે ભરતીના સમયે દરિયાના પાણી એ પ્રાચીન સમયમાં આ નળ સરોવરના વિસ્તારમાં પ્રવેશી જતાં હોય અને એ વિસ્તારને સૌરાષ્ટ્રને ભૂમિથી એક અલગ ટાપુ જેવો બનાવી દેતાં હોય.

મહાભારત અને બીજાં પુરાણોમાં એવા સ્પષ્ટ અને મહત્ત્વના ઉલ્લેખો છે કે આ સરસ્વતી નદી પ્રભાસ પાટણ – સોમનાથ પાસે સિંધુ સાગર કે અરબીસમુદ્રમાં ભળી જતી. મહાકાવ્ય મહાભારતના શલ્યપર્વના ૨૦૦ શ્લોકમાં બલરામની સોમનાથથી મથુરા સુધીની આ સરસ્વતીનદીના કિનારે કિનારે થયેલી બલરામયાત્રાનું વર્ણન આવે છે. સરસ્વતી નદી આ સ્થળે દરિયાને કેવી રીતે મળી એવો એક પ્રશ્ન ઊભો થાય છે. આનું સમાધાન સરસ્વતી નદીમાંથી નીકળેલા અને પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણ દિશામાં વહેતા નદીના પ્રવાહોમાંથી એક પ્રવાહ લોથલ થઈને પાદરી અને રંગપુર થઈને સોમનાથ તરફ વહેતો હતો એવી એક શક્યતામાં રહેલો છે. આ માટેની કેટલીક સંકલ્પનાઓ અને ભૂભૌતિક પરિવર્તનોનાં પ્રમાણો આપણને મળે છે.

ખંભાતના અખાતની સંસ્કૃતિના સંકલનની પરંપરાની પૂરવણી રૂપે ધોળાવીરામાં થયેલાં કેટલાંક સંશોધનોના અગત્યના સૂચિતાર્થો :

(૧) દિવાલો, મુખ્ય પ્રવેશદ્વારો, પાણી સંગ્રહવા અને દાદરા માટે થયેલ પથ્થરનો ઉપયોગ, (૨) પથ્થર પર શિલ્પકોતરકામ, મોટી ગરોળી-હરણની શિલ્પકૃતિ, (૩) બહુમાળી સ્ટ્રક્ચરનાં બાંધકામોમાં વપરાતા આધારરૂપ સ્તંભમાં કામ આવતા વર્તુળાકાર પથ્થરો અને કેટલાક પથ્થરોમાં જોવા મળતાં સર્વાંગસંપૂર્ણ બખોલ કે બાકોરાં. આવાં બાકોરાં અને વર્તુળાકાર પથ્થરો મોહેંજોદરોમાં પણ જોવા મળે છે. આ એ બતાવે છે કે નિવાસી મકાનો કે મોટાં બાંધકામોમાં પથ્થરના સ્તંભોનો ઉપયોગ થતો હતો. (૪) પથ્થરને બરાબર કોરીને, કોતરીને તેમાંથી હાર, માળા, કંઠી જેવા અલંકારો પણ બનાવવામાં આવતા. વેપારી વિસ્તારની આઠમી શેરી અને રહેણાંક મકાનોની પાંચમી શેરીના મીલન સ્થાને આવેલા માળા-આકારના કોતરકામવાળા કારખાનાં પણ હડપ્પન સંસ્કૃતિની જેમ ખંભાતના અખાતની આ પ્રાચીન સંસ્કૃતિમાં પણ જોવા મળે છે. દરેક કારખાનાંમાં ૧૧ ખંડ (જેમાં મજૂરોનાં રહેઠાણો, સંગ્રહસ્થાનો, ચોકીઘર, વગેરેનો સમાવેશ થાય છે) હતાં. 

ભલે આ સંસ્કૃતિનાં સંશોધન અંગે અત્યારે થોડા પ્રશ્નો છે, પરંતુ આ સંસ્કૃતિનાં સંશોધનનું કામ પૂર્ણ થયે આ લુપ્ત થયેલી નદી સરસ્વતીની સંસ્કૃતિ અને ખંભાતના અખાત પાસે પ્રાચીનકાળમાં વસેલી સંસ્કૃતિ વિશે જગતને વધુ જાણવા મળશે.

Total Views: 42
By Published On: August 29, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram