(ગતાંકથી આગળ)

સ્વામી અભયાનંદજી દેશના લોકો પ્રત્યેની નહેરુ પરિવારની ઉત્કટ લાગણી વિશેનો એક બીજો પ્રસંગ પણ નોંધે છે. તેઓ જણાવે છે કે, ‘જ્યારે હું તેને બંનેને મળવા ગયો ત્યારે ખૂબ ગરમી હતી. મને એ જોઈને આશ્ચર્ય થયું કે ઓરડામાં પંખો હતો પણ તેને બંધ રાખવામાં આવ્યો હતો. સ્વરૂપરાણી ગરમીમાં શેકાઈ રહ્યાં હતાં. આગલા દિવસે તેઓ બંને જવાહરને મળવા જેલમાં ગયાં હતાં. તેમની કોટડીમાં પંખો નહોતો અને જવાહરને ખૂબ ગરમી થતી હતી. માનું દિલ રડી ઊઠ્યું અને ત્યારે જ તેમણે પંખાની સગવડ લેવી છોડી દીધી. કેમ કે, એમનો પુત્ર જેલની કોટડીમાં ગરમીમાં ભૂંજાઈ રહ્યો હતો. પરંતુ એમની ઉંમર, અશક્ત શરીર અને તબિયતનો વિચાર કરીને કમલાએ સાસુને આવી બિનજરૂરી હઠ છોડી દેવા વિનંતી કરી. મેં પણ સ્વરૂપરાણીને આ વિશે વાત કરી. તો તેઓ રડવા લાગ્યાં. એક ક્ષણમાં જ કમલાનો કોમળ ચહેરો કઠોર બની ગયો. ભાવાવેશમાં તેઓ બોલી ઊઠ્યાં, ‘મા, આપને ફક્ત આપના એક જવાહરની ચિંતા છે. અંગ્રેજોની જેલમાં સડી રહેલા ત્રીસથી પાંત્રીસ હજાર નવયુવાન સ્ત્રી-પુરુષોના કષ્ટોનો આપને કંઈ ખ્યાલ છે ખરો?’ આમ સ્વામી વિવેકાનંદના ઉપદેશોને કમલાજીએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યા હતા. દેશના દુ:ખી, દરિદ્ર, પીડિત લોકોના કલ્યાણ વગરનું કોરું ચિંતન-મનન તેમને અસાર લાગતું હતું. સ્વામી અભયાનંદજી એમના વ્યક્તિત્વના વિશેષ ગુણ વિશે લખે છે: ‘એમના ચરિત્રના એક વિશેષ ગુણે મારું ધ્યાન ખેંચ્યું હતું. તે હતો, આમજનતા માટે તેમના મનમાં અગાધ પ્રેમ અને સહાનુભૂતિ. તેમનામાં નિર્ભયતા પણ એટલા જ પ્રમાણમાં હતી. એવું લાગતું હતું કે તેઓ કોઈથી પણ ડરતાં નહિ. તેમના વ્યક્તિત્વમાં કોમળ પ્રેમ અને કઠોરતાનો આશ્ચર્યકારક સમન્વય થયેલો હતો.’

જ્યારે બિહારમાં ધરતીકંપ થયો, ત્યારે એમની તબિયત સારી નહોતી. ખાંસીના હુમલાઓ અવારનવાર આવતા હતા. ક્યારેક પથારીવશ પણ રહેવું પડતું હતું, તો પણ તેઓ બિહાર જવા નીકળ્યાં, કલકત્તા આવ્યાં. મઠમાં દર્શને આવ્યાં. ત્યારે સ્વામી અખંડાનંદજી અધ્યક્ષ હતા. તેમણે તથા સ્વામી અભયાનંદજીએ એમની ખરાબ તબિયત જોઈને બિહાર ન જવા કહ્યું. બિહારનું હવામાન અને ત્યાંની વિકટ પરિસ્થિતિ વિશે પણ જણાવ્યું ને ભારપૂર્વક કહ્યું કે આવા વાતાવરણમાં એમની તબિયત વધારે બગડી જશે. પણ તેમણે કહ્યું કે અત્યારે દેશના બધા મુખ્ય નેતાઓ જેલમાં છે, અને ત્યાં ભૂકંપગ્રસ્તોની સહાયતા માટે એમણે જવું અનિવાર્ય છે. એટલે સ્વામીજીની ના હોવા છતાં તેઓ બિહારમાં ગયાં અને ત્યાં તેમણે પીડિતોને ખૂબ સહાય કરી. ચીજવસ્તુઓ, દવાઓનું વિતરણ કર્યું. પણ તેમની નાજુક તબિયત ઉપર વધારે બીજો આવ્યો અને ત્યાર પછીથી તબિયત ખૂબ બગડી ગઈ. અને બિહારથી આવ્યા પછી થોડા જ સમયમાં સ્વામી અભયાનંદજીએ જાણ્યું કે કમલાને ભવાલી સેનેટોરિયમમાં લઈ ગયા છે. ક્ષયની સારવાર માટે સંપૂર્ણ આરામ-સૂકા હવામાનની જરૂર હોવાથી ડોક્ટરોએ ભવાલી લઈ જવાની સલાહ આપી હતી. ત્યાં કમલાની તબિયત ભલે અસ્વસ્થ હતી. પણ તેમનું આંતરજીવન સમૃદ્ધ બનતું ગયું. ભવાલીથી તેમણે ૨૮-૩-૧૯૩૫ના રોજ સ્વામી અભયાનંદજીને પત્ર લખ્યો હતો. તેઓ સ્વામીજીના પત્રોની ખૂબ પ્રતીક્ષા કરતાં રહેતાં – એ એમના પત્રો દ્વારા જાણી શકાય છે. પત્ર આ પ્રમાણે છે: 

ભાઈ અભયાનંદજી,

નમસ્કાર. ઘણા દિવસ પછી આપનો પત્ર આવ્યો. હું વિચારતી હતી કે શું વાત છે?

મને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વર મને મળશે. એ પણ છે કે આ સંસારી જંજાળમાંથી બહુ જલદી મારી મુક્તિ થઈ જશે. મને તો એવું લોગ છે કે એના સિવાય મારું કોઈ નથી અને જે વાતો થઈ રહી છે એથી એવું જણાય છે કે મારો રસ્તો સાફ અને ખૂલતો જાય છે. મને દુ:ખ તો એ છે કે પૂજ્ય ગુરુદેવને મેં કોઈ વાત પૂછી નહિ કે કરી નહિ, નહિ તો અત્યારે એ મને મદદરૂપ થાત. મારા ઉપર એમની કૃપા છે અને હું જરૂર મારા કૃષ્ણને મેળવીશ.

માયાવતીનો શું નિયમ છે? લોકો ત્યાં કેવી રીતે જઈ શકે? રહેવાનું શું છે? જેટલું રહેવું હોય એટલું રહી શકાય કે પછી નિશ્ચિત સમય બાંધેલો છે?

અહીં બનારસ મિશનના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી આવ્યા હતા. કોઈએ અલમોડામાં ટી.બી.ના દરદીઓ માટે જમીન આપી છે. તે જોવા માટે – તેઓ કદાચ કાલે બનારસ પાછા ગયા.

જોઉં છું, કૃષ્ણ ક્યારે મને ત્યાં લઈ જશે? પૂજ્ય સ્વામીજી ક્યાં છે? એમને મારાં નમસ્કાર કહેશો.

ભવદીયા
કમલા નહેરુ

આમ રોગશય્યામાં સૂતેલાં કમલા પોતાનાં અંતરની વાત સ્વામી અભયાનંદજીને લખતાં રહ્યાં. ક્ષયની માંદગી તેમની શારીરિક શક્તિને ક્ષીણ કરી રહી હતી. પણ તેમની આંતરિક ઇચ્છાને તે ક્ષીણ કરી શકી નહિ. કૃષ્ણને પામવાની અને તેઓ તેમને ક્યાં લઈ જશે, એ જાણવાની એમની આંતર અભીપ્સા આ પત્રમાં વ્યક્ત થાય છે. સ્વામી અભયાનંદજીને તેમણે રોગશય્યામાં સૂતેલા હોવા છતાં પત્રો લખીને પોતાની આંતરિક મૂંઝવણો પ્રગટ કરી હતી. સ્વામીજીના પત્રો દ્વારા અસાધ્ય માંદગીમાં પણ તેમણે આત્માની શાંતિ પ્રાપ્ત કરી હતી. પહેલી મે – ૧૯૩૫ના રોજ ભવાલીથી કમલાએ સ્વામી અભયાનંદજીને બીજો પત્ર લખ્યો હતો;

ભાઈ અભયાનંદજી,

નમસ્કાર. કેટલાય દિવસ પછી પરમદિવસે આપનો પત્ર મળ્યો. માયાવતીનું મેં આપને પૂછાવ્યું હતું, તે મારા પોતાના જવા માટે નહોતું પૂછાવ્યું. હું તો હમણાં સારી રીતે ચાલી પણ નથી શકતી. ત્યાં તો હું તંદુરસ્ત થઈને જ જઈશ. જો ભગવાનને મંજૂર હશે તો. હું તો માત્ર એ જાણવા ઇચ્છતી હતી કે ત્યાં કઈ રીતે જઈ શકાય અને તે કેવું સ્થળ છે.

આપે જે લખ્યું, કૃષ્ણ મળશે. મને પણ પૂરો વિશ્વાસ છે કે તે મળશે. પણ હું એને જલદી જોવા ઇચ્છું છું. ક્યારેક મને એવી પ્રતીતિ થાય છે કે હું જ કૃષ્ણ છું. હવે તો મારો નિયમ એ છે કે જે કંઈ પણ મારા ખ્યાલમાં આવે કે મેં જે કંઈ કામ કર્યું હોય તે કૃષ્ણને આપી દઉં છું કે ‘આ લઈ લે’ – પછી ભલે તે પાપ હોય કે પુણ્ય હોય. જ્યારથી મેં આવું કર્યું છે, ત્યારથી ખૂબ શાંતિ મળે છે.

કાલે શ્રીરામકૃષ્ણના મંદિરની છબિ જોઈ, સરસ છે. મને તો એવું લાગ્યું કે ત્યાં ભગવાન રહે છે.

જે બોટમાં અમે જવાનાં છીએ તેનું નામ ગંગા છે. ૨૩મીએ મુંબઈથી ઉપડશે. ગુરુદેવની કૃપા તો મારા ઉપર હતી અને છે જ. જે વાત આપે લખી છે કે શુષ્કતા આવી જાય છે, તે બરાબર છે. પણ પછી તે આપોઆપ દૂર થઈ જાય છે. અને જાણ થાય છે કે કૃષ્ણ પાસે જ છે – પણ તેને સ્પર્શી શકતાં નથી. જોઈ શકતાં નથી. ખબર નથી કે એ દિવસ ક્યારે આવશે, કે જ્યારે હું તેના ચરણોમાં મારું મસ્તક રાખું! જો તે મને મળી જાય તો મને માંદગીની કોઈ પરવા નથી. ખરી વાત તો એ છે કે મને માંદગીથી કોઈ હેરાનગતિ નથી થઈ. જો કે માંદગીનો દસમો મહિનો ચાલે છે.

હું આપને સરનામું વગેરે – બે ત્રણ દિવસમાં જ જણાવીશ. ઇન્દુ આજકાલ અહીં છે. કાલે અલ્હાબાદ જશે. આપને મળવા તો હું પણ ઇચ્છું છું. જો આપ આવી શકો તો જરૂર આવજો.

ભવદીયા
કમલા નહેરુ

એ પછી બે જ દિવસમાં એમણે ફરી સ્વામી અભયાનંદજીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે બોટનું નામ કોન્ટે રોસ્સો છે, અગાઉ ખોટું નામ લખ્યું હતું તેની જાણ કરી હતી. પોતાની તબિયતના સમાચાર જણાવ્યા હતા.

ક્ષયની સારવાર માટે કમલાને જર્મની જવાનું હતું. તે અગાઉ તેઓ સ્વામી અભયાનંદજીને મળવા ઇચ્છતાં હતાં. આ વિશે સ્વામીજીએ પોતાના સંસ્મરણો જણાવતાં કહ્યું હતું કે યુરોપની અંતિમયાત્રાએ નીકળતાં પહેલાં કમલાજીએ સ્વામીજીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે સ્વામીજી તેમને મળ્યા ત્યારે તેમણે સ્વામીજીને સો રૂપિયાની એક નોટ આપી. સ્વામી અભયાનંદે તે રૂપિયા લેવાની ના પાડી. ત્યારે તેમણે કહ્યું, ‘આ રકમ રાખી લો. હવે આપને મને વિદેશમાં પત્રો મોકલવા પડશે. અને પોસ્ટનો ખર્ચ ખૂબ જ થશે. ઉપરાંત શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના પુસ્તકોની આ સૂચિ છે. એ પુસ્તકો આપ મને યુરોપમાં મોકલજો.’ અત્યંત આગ્રહ કરીને આ રકમ તેમણે સ્વામી અભયાનંદજીને આપી જ દીધી. વળી, તેમણે એમ પણ જણાવ્યું કે, ‘હું તમને પત્ર લખીશ, તેમાં મારી તબિયતના સમાચાર પણ જણાવતી રહીશ. પણ શરીરની નબળાઈને કારણે હું જુદા જુદા પત્ર નહિ લખી શકું તો આપને જે પત્ર લખું તે વાંચ્યા પછી આપ ફિરોજ ગાંધીને મોકલાવી દેજો. ભવાલીમાં તેણે મારી બહુ સેવા કરી છે. એ મારા પુત્ર સમાન છે.’ આમ સ્વામી અભયાનંદજી પર કમલાએ જે પત્રો જર્મની અને સ્વીટ્‌ઝર્લેન્ડથી લખ્યા તે બધા ફિરોજગાંધી પાસે સંચિત થયા હતા.

આમ યુરોપની યાત્રાએ જતાં પહેલાં કમલાને જાણે અંતરમાં પ્રતીતિ થઈ ગઈ હતી કે હવે તેઓ કદાચ ભારતમાં પાછાં નહિ આવી શકે. એથી જ તેઓ પોતાના ગુરુભાઈનાં દર્શન કરી આશીર્વાદ લઈને જવા ઇચ્છતાં હતાં.

જર્મની પહોંચ્યા પછી ડોક્ટરોએ તપાસીને કહ્યું કે ગત નવેમ્બરમાં તેમણે આવી જવું જોઈતું હતું. જેમ બને તેમ જલદી ઓપરેશન કરવું પડે તેમ હતું. ૧૨મી જૂન ૧૯૩૫ના રોજ સાંજે ઓપરેશન થવાનું હતું અને સવારે તેમણે સ્વામી અભયાનંદજીને પત્ર લખ્યો હતો. તેમાં લખ્યું હતું કે ભારતથી થોડા પત્રો આવ્યા. પણ એમાં આપનો પત્ર નહોતો.’ એમને સ્વામીજીનાં પત્રની કેટલી બધી પ્રતીક્ષા હતી? પછી પોતાની શારીરિક અને આંતરિક સ્થિતિ વિશે તેમણે જણાવ્યું હતું. લખ્યું હતું: ‘આજે સાંજે તેઓ ઓપરેશન કરશે. પછી જણાવશે કે એમાં કેટલો સમય લાગશે અને બીજું ઓપરેશન ક્યારે કરવું પડશે… ’

બિમારીમાં મન શાંત રહ્યું છે. ઈશ્વર મારી સહાયતા કરી રહ્યા છે. મેં બધું જ એમના હાથોમાં છોડી દીધું છે. હું ખુશ છું કે જે કંઈ તેઓ કરી રહ્યા છે બરાબર જ કરી રહ્યા છે. જાણે મારો બોજો ઊતરી ગયો છે. મેં મારો ભાર એના ઉપર મૂકી દીધો છે. એટલે હળવાશ અનુભવી રહી છું, મન શાંત છે. જો કે હું માંદી છું પણ મને જોઈને કોઈ કહી શકે નહિ કે હું માંદી પડેલી છું. ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી સુખ મળે છે, અને મનમાંથી ચિંતા દૂર થઈ જાય છે… પત્ર જરૂર લખતા રહેશો.’ – શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો અને સ્વામી વિવેકાનંદના પુસ્તકોના વાંચને અને સ્વામી અભયાનંદજી સાથેના પત્ર વ્યવહારે કમલાજીની ઈશ્વર પરની શ્રદ્ધાને અતૂટ બનાવી દીધી હતી. આટલી ભયાનક ક્ષયની બિમારીની વચ્ચે પણ એમનું મન શાંત અને સ્થિર હતું. મનમાં કોઈ ચિંતાઓ ન હતી. ઓપરેશન પછી એમની તબિયત વધારે ખરાઈ થઈ, ત્યારે પણ એમને તબિયતની બિલકુલ ચિંતા ન હતી. પણ ચિંતા હતી એમના કૃષ્ણ એમને મળતા ન હતા એની. જર્મનીથી લખેલા એક બીજા પત્રમાં તેમણે સ્વામી અભયાનંદજીને લખ્યું હતું: ‘મને તાવ કે તકલીફથી દુ:ખ થતું નથી. જ્યારે કૃષ્ણ મને તંગ કરે છે, જ્યારે હું ધ્યાન કરવા ઇચ્છું છું તો મન ચંચળ થઈ જાય છે, ક્યારેક આમ તેમ દોડવા લાગે છે અને રાત્રે ઊંઘ નથી આવતી ને ધ્યાન પણ નથી થતું, એનાથી મને દુ:ખ થાય છે. તે મને દુ:ખ આપે કે લઈ લે, તેની જે ઇચ્છા હોય તે પ્રમાણે કરે પણ એની મૂર્તિ મારી આંખોની સામે રહે અને જીભ પર એનું જ નામ રહે, એ હું ઇચ્છું છું.’ ફરી એ જ પત્રમાં લખે છે કે ‘પૂજ્ય ગુરુજી મહારાજની સાથે તો હું સારી રીતે વાત પણ નથી કરી શકી. એમની સગવડ ન જાણી કે ન એમની પાસેથી શીખવાનો કંઈ સમય મળ્યો. કૃષ્ણે જે કર્યું તે કદાચ સારું જ કર્યું હશે. પણ હવે તો તે મને દર્શન આપે, ત્યારે જ મને ચેન પડશે.’ શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરને મેળવવા માટે વ્યાકુળતા હોવી જોઈએ, એમ કથામૃતમાં કહે છે, એ વ્યાકુળતાની ઝલક કમલાજીના જીવનમાં જોવા મળે છે, ગુરુ પ્રત્યેની અનન્યશ્રદ્ધા ભક્તિની સાથે – ગુરુદેવ પાસેથી પ્રત્યક્ષ રીતે કંઈ શીખી ન શક્યા. કંઈ જાણી ન લીધું, તેનો અફસોસ પણ પત્રોમાં વારંવાર પ્રગટ થતો જોવા મળે છે.

કમલાજીના આ પત્રો સમયે સમયે સ્વામી અભયાનંદજી ફિરોજગાંધીને મોકલાવી દેતા હતા. એવા એક પત્રના જવાબમાં અલ્હાબાદથી ફિરોજગાંધીએ સ્વામીજીને પત્ર લખ્યો હતો;

પ્રિય સ્વામીજી,

કમલાજીનો પત્ર આપે મને મોકલ્યો. આ કૃપા માટે હું આપનો કેવી રીતે આભાર માનું?

એમના વિશે આપના સમયે સમયે જે કંઈ ખબર મળે તે કૃપા કરીને મને મોકલાવતા રહેજો. આપણે એકબીજાને વ્યક્તિગત રૂપે મળ્યાં નથી. છતાં પણ મારા મનમાં આપના પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે. ભવાલીમાં જ્યારે હું કમલાજીની સાથે હતો ત્યારે તેઓ વારંવાર આપની વાતો કરતાં રહેતાં. મારું નામ ફિરોજ ગાંધી છે. સાદર,

આપનો, ફિરોજ ગાંધી

આ રીતે કમલાજી દ્વારા સ્વામીજી, અભયાનંદજી અને ફિરોજ ગાંધીનો પણ આંતરિક સંબંધ સ્થપાયો. અને ઈંદિરા સાથે તો સંબંધ હતો જ. ઈંદિરા જ્યારે માતાની સાથે બેલુડ મઠમાં આવતાં ત્યારે સ્વામી અભયાનંદજી એમને રમાડતા. તે સમયે એમની ઉંમર આઠેક વર્ષની હતી. તે સમયે ઈંદિરાના વ્યક્તિત્વ વિશે પૂછતાં સ્વામી અભયાનંદજીએ જણાવ્યું હતું કે ઈંદિરા ખૂબ જ દૂબળી-પાતળી, બુદ્ધિમાન, સંયત અને પોતાની મા સાથે જડાયેલી હતી.

જર્મનીમાં વાડેનલીવરમાં કમલાજીની તબિયત ઉત્તરોત્તર સુધરવાને બદલે બગડતી ચાલી. ઈંદિરા તે સમયે માની પાસે આવેલી હતી. કમલાજીનું શરીર એટલું બધું દુર્બળ થઈ ગયું હતું કે તેઓ બેસીને પત્ર પણ લખી શકે તેમ ન હતાં. આથી કમલાજીએ ઈંદિરા દ્વારા પત્ર લખાવીને સ્વામીજીને પોતાની ગંભીર તબિયતના સમાચાર મોકલાવ્યા હતા. ઈંદિરાએ ૨૬મી ઓગસ્ટ ૧૯૩૫ના રોજ પત્ર લખ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે ‘મારી મા પોતે પત્ર લખી શકે તેમ નથી. આથી હું આપને પત્ર લખું છું.’ પછી એમની તબિયત, એક્સરે રીપોર્ટ, ડોક્ટરના મંતવ્યો – વગેરે અંગે તેમણે સ્વામીજીને બધું જણાવ્યું હતું. તે મુજબ ડોક્ટરોનું મંતવ્ય હતું કે જો કુદરતે સાથ આપ્યો તો દોઢ મહિનામાં તબિયત સારી થવા લાગશે. પણ જો કુદરતે મદદ ન કરી તો પછી ઈલાજ કરવો પડશે. કયો ઈલાજ એ પછીથી નક્કી કરશે. પણ પછીથી ઈલાજ તો કરવામાં આવ્યો, પણ સફળ ન થયો. ૧૯૩૫ની નાતાલના દિવસોમાં તો એમની તબિયત ખૂબ જ ગંભીર બની ગઈ હતી. જીવન અને મૃત્યુ વચ્ચે તેઓ ઝૂલી રહ્યાં હતાં. અને હવે અંત નજીક આવી રહ્યો છે, તેમ તેઓ પણ જાણી ગયાં હતાં. હવે તેઓ પોતાની પથારીમાં પણ બેસી શકતાં ન હતાં. તો કોઈને ય પત્ર તો ક્યાંથી લખી શકે? એ સ્થિતિમાં પણ તેમણે જવાહર પાસે સ્વામી અભયાનંદજીને બે પત્ર લખાવ્યા હતા.

૧૪મી ફેબ્રુઆરી ૧૯૩૬ના રોજ સ્વીટ્‌ઝર્લેન્ડથી જવાહરે પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘આપના કૃપા પત્ર માટે ખૂબ આભારી છીએ. આપની શુભકામનાઓ અને આશીર્વાદથી કમલાજીને ખૂબ પ્રસન્નતા થઈ. અને જે સંકટમાંથી તે પસાર થઈ રહી છે, એ સંકટનો સામનો કરવાની શક્તિ મળી.’ પછી એમની તબિયતના સમાચાર જણાવ્યા હતા. એ પછી બીજો પત્ર એમણે ૨૬મી તારીખે લખ્યો. તેમાં પોતાના ગુરુભાઈનો પત્ર મેળવીને કમલાજીને કેટલો બધો આનંદ થયો તેની વાત લખી છે. જવાહર લખે છે:

પ્રિય સ્વામી અભયાનંદજી,

૧૭મી તારીખનો આપનો પત્ર મળ્યો. પત્ર મળવાનો આનાથી વધુ સારો અવસર બીજો કયો હોઈ શકે? પત્ર કમલાજીને વાંચી સંભળાવ્યો. તેથી તેને ખૂબ શાંતિ અને આનંદ પ્રાપ્ત થયા. થોડા સમય માટે તો તે પોતાની પીડા પણ ભૂલી ગઈ… કાલથી તેનો તાવ ખૂબ વધી ગયો છે. આટલી લાંબી લડાઈ લડ્યા પછી એવું લાગે છે કે તેની બધી તાકાત ખલાસ થઈ ગઈ છે. અને હવે સ્થિતિ બગડતી જાય છે. શરીર નાની એવી તકલીફોનો પણ સામનો કરી શકતું નથી. અને એવી તકલીફો વધતી જાય છે. કોઈ જાણતું નથી કે હજુ પણ તેનામાં કઈ શક્તિ છૂપાયેલી છે. જે કંઈ પણ કરાવી શકે છે. પરંતુ સામાન્ય રીતે કહીએ તો કોઈ આશા નથી. પરમ દિવસે હું તેને છોડીને ભારત આવવા નીકળવાનો હતો. પણ હવે દસ-અગિયાર દિવસ માટે મેં આવવાનું મુલતવી રાખ્યું છે. સાદર,

ભવદીય,
જવાહરલાલ નહેરુ

આ પત્ર પછી ફક્ત બે જ દિવસમાં કમલાજીનો આત્મા દેહનું જર્જરિત પિંજર છોડીને તેના કૃષ્ણમાં લીન થવા ચાલ્યો ગયો. જવાહરલાલજીએ જણાવ્યું હતું કે અંત સુધી તેઓ જાગૃત હતાં. આમ સાડત્રીસ વર્ષનાં એમના જીવનકાળમાં, શારીરિક તકલીફોની સામે ઝઝૂમતાં ઝઝૂમતાં પણ કમલાજીએ ઘણી ઊંચી આધ્યાત્મિક ભૂમિકા પ્રાપ્ત કરી હતી. એમના ગુરુદેવ સ્વામી શિવાનંદજીના આશીર્વાદ અને કૃપા તેમજ ગુરુભાઈ સ્વામી અભયાનંદજીનું પ્રેમાળ માર્ગદર્શન એમને અપાર કષ્ટોની વચ્ચે પણ આંતરિક સ્વસ્થતા અને શાંતિ પ્રદાન કરી રહ્યું હતું. સ્વામી અભયાનંદજી સાથેનો સંબંધ તો એમને પ્રથમ મળ્યાં ત્યારથી માંડીને જીવનના અંતિમ દિવસો સુધી એવો જ પ્રેમાળ અને પ્રગાઢ રહ્યો હતો. સ્વામી અભયાનંદજીના મનમાં પણ કમલાજી માટે ખૂબ આદરભાવ હતો. તેઓ તેમને સામાન્ય મનુષ્યો કરતાં જ નહિ, પણ શ્રેષ્ઠ મનુષ્યો કરતાં પણ ઘણા ઊંચા માનતા હતા. તેમણે ઈંદિરાજીને કહ્યું હતું કે ‘કમલાને હું અનેક શ્રેષ્ઠ વ્યક્તિઓથી પણ ઉચ્ચકોટિના માનું છું. બૌદ્ધિક અને અન્યગુણોથી સંપન્ન નહેરૂ પરિવારના સભ્યોથી પણ ઊંચા. કમલાનું વ્યક્તિત્વ મારા માટે એક અનોખું વ્યક્તિત્વ રહ્યું છે.’ એ અનોખા વ્યક્તિત્વની ઈશ્વરદર્શનની ઝંખના તો એમને ભરચક્ક પ્રવૃત્તિઓની વચ્ચેથી પણ શ્રીરામકૃષ્ણ પાસે લઈ આવી અને તેથી ઈશ્વરદર્શન માટે એમનો માર્ગ ખૂલી ગયો.

Total Views: 16
By Published On: August 30, 2022Categories: Jyotiben Thanki0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram