* સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા તરીકે હું એની ધારણા કરું છું અને એને શક્તિ કે માયા કે પ્રકૃતિ કહું છું.

* પુરુષ અને પ્રકૃતિ દ્વારા જગત નિષ્પન્ન થયું છે એ સાંખ્ય સિદ્ધાંત વિશે બોલતાં ઠાકુરે એક દિવસે કહ્યું કે, ‘સાંખ્ય દર્શન કહે છે કે પુરુષ નિષ્ક્રિય છે અને, પ્રકૃતિ જ બધું કરે છે. પુરુષ આ બધી પ્રવૃત્તિઓનો સાક્ષી માત્ર છે. પ્રકૃતિ પણ પુરુષની સહાય વિના કશું કરી શકે નહીં. ગૃહસ્થના ઘરમાં લગ્ન સમયે બધું કેમ થાય છે તે તમે જોયું છે ને? ઘરધણી એક તરફ બેઠો હોય છે, હુક્કો પીતો હોય છે ને હુકમો આપે છે. પણ ધણિયાણી ઘરમાં અહીં તહીં ફરતી હોય છે, એની સાડીના છેડે હળદરના ને બીજા ડાઘ લાગેલા હોય છે. બધાં કામ પર એ દેખરેખ રાખે છે અને મહેમાનોનું સ્વાગત કરે છે. અવારનવાર એ પતિ પાસે જઈ જે બન્યું તેનો અહેવાલ આપે છે અને ઈશારા કરી તથા હોઠ હલાવી સલાહ માગે છે. આ બધું સમજતો એનો પતિ માથું હલાવી ‘હા’ કહે છે. પ્રકૃતિ અને પુરુષનું આના જેવું જ છે.’

* નિષ્ક્રિય બ્રહ્મ અને સક્રિય પ્રકૃતિ વાસ્તવમાં એક જ છે. જે નિરુપાધિક સચ્ચિદાનંદ છે તે જ સર્વજ્ઞ, સર્વબુદ્ધિમાન અને સર્વકૃપામય છે; એ જગતની જનની છે. રત્ન અને એનું તેજ અભિન્ન છે કારણ, તેજ વિના રત્નની કલ્પના થઈ શકે નહીં અને રત્ન વિના તેજની.

* અવ્યક્ત બ્રહ્મ અને વ્યક્ત બ્રહ્મ અભિન્ન છે. એકને માનો એટલે બીજાને માનવું જ પડે. અગ્નિનો વિચાર એની દાહક શક્તિથી ભિન્ન કરી શકાય નહીં તેમજ, એની દાહક શક્તિને અગ્નિથી ભિન્ન વિચારી શકાય નહીં. વળી, સૂર્યકિરણોનો વિચાર સૂર્યથી ભિન્ન થઈ શકે નહીં કે સૂર્યનો વિચાર કિરણોથી ભિન્ન થઈ શકે નહીં. દૂધની ધોળાશનો વિચાર દૂધથી ભિન્ન થઈ શકે નહીં તેમ દૂધનો વિચાર ધોળાશથી ભિન્ન કરી શકાય નહીં. આમ નિર્ગુણ બ્રહ્મનો વિચાર સગુણ બ્રહ્મના વિચારથી ભિન્ન કરી શકાય નહીં અને એથી ઊલટું પણ વિચારી શકાય નહીં.

* બ્રહ્મ અને શક્તિ વચ્ચેનો ભેદ લાક્ષણિક ભેદ નથી. બ્રહ્મ અને શક્તિ વચ્ચે અભેદ છે, જેમ અગ્નિ અને એની દાહક શક્તિ વચ્ચે છે. દૂધ અને એની ધોળાશ એક છે તેમ બ્રહ્મ અને શક્તિ પણ એક છે. રત્ન અને એની ચમકની માફક બ્રહ્મ અને શક્તિ પણ એક જ છે. એકના વિના બીજાનો વિચાર કરી શકાય નહીં કે, એમની વચ્ચે ભેદ કરી શકાય નહીં.

* જ્યાં જ્યાં સૃષ્ટિ, સ્થિતિ, લયનું કાર્ય છે ત્યાં ત્યાં શક્તિ છે. પાણી સ્થિર હોય કે ડહોળાયેલું, એ પાણી જ છે. નિરુપાધિક સચ્ચિદાનંદ બ્રહ્મ જગતનું સર્જન વિસર્જન કરતી આદ્યાશક્તિ છે જેમ, કેપ્ટન (કલકત્તામાં નેપાળના દૂત વિશ્વનાથ ઉપાધ્યાય) પૂજા કરતા હોય કે ગવર્નર જનરલને મળતા હોય તો પણ એ કેપ્ટન જ છે; આ બધી એની જુદી જુદી ઉપાધિઓ છે, સ્થિતિઓ છે.

* કેટલીક વાર હું વસ્ત્રોમાં હોઉં છું ને કેટલીક વાર નિર્વસ્ત્ર. તે રીતે, બ્રહ્મ કેટલીક વાર સગુણ અને કેટલીક વાર નિર્ગુણ હોય છે. શક્તિ સાથે સંયુક્ત હોય ત્યારે સગુણ બ્રહ્મ; ત્યારે તેને ઈશ્વર કે વ્યક્ત બ્રહ્મ પણ કહે છે.

* બરાબર સમજી લો કે મારી જગદંબા મા એક અને અનેક છે અને, એક-અનેકથી પર પણ છે.

* મારી ભવતારિણી મા અનેકરૂપ ધારણ કરે છે. એ અનંત શક્તિધારિણી જીવ અને જગતના ભેદરૂપે પ્રગટ થાય છે; એની શક્તિઓ ભૌતિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક છે. અને મારી એ જગદંબા વેદાંતનું બ્રહ્મ છે, અવ્યક્ત બ્રહ્મનું વ્યક્ત સ્વરૂપ છે.

( ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પુસ્તકમાંથી )

Total Views: 117

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.