યુ.એસ.એ. (ન્યુ યોર્ક) માં ‘સ્વામી વિવેકાનંદનો વારસો – ૧૦૦ વર્ષ પછી’ શીર્ષક તળે ભવ્ય કાર્યક્રમ

સ્વામી વિવેકાનંદની મહાસમાધિના એક સો વર્ષ પૂરાં થયાને અવસરે ભારતીય વિદ્યાભવને ‘વિવેકાનંદનો વારસો’ એ શીર્ષક તળે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ લગભગ દસ કલાક ચાલ્યો હતો, જેમાં રામકૃષ્ણ સંઘના અમેરિકાનાં બધાં કેન્દ્રોના આધ્યાત્મિક નેતૃત્વ કરી રહેલા અધ્યક્ષ સ્વામીજીઓએ ભાગ લીધો હતો. અમેરિકાના સંન્યાસીઓ ઉપરાંત ભારતમાંથી પણ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ સ્વામી પ્રભાનંદજી અને રાજકોટના રામકૃષ્ણ આશ્રમના સ્વામી જિતાત્માનંદજી મહારાજે પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ન્યૂયોર્ક યુનિવર્સિટીના ૯૦૦ માણસો સમાઈ શકે એવડા હાફ્‌ત ઓડિટોરિયમ હોલમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ‘ધ્રુવ’ ઉપર એક સુંદર નાટક ભજવાયું હતું અને અંતે સંગીતનો કાર્યક્રમ પણ વિવેકાનંદ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સમાં ભારતના હાઈકમિશ્નરશ્રી નંબિયારે ‘હોમેજ ટુ ધી લીગસી ઓફ સ્વામી વિવેકાનંદ’ નામની એક સ્મરણિકાનું આ સંદર્ભમાં વિમોચન કર્યું હતું.

ટૂંકમાં, સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછીનાં સો વરસોમાં સ્વામીજીએ વિવિધ વિષયો પરત્વે આપેલ વારસાની આધુનિક વૈશ્વિક સંસ્કૃતિ ઉપર શી અસર પડી છે, તે વિશે રામકૃષ્ણ સંઘના આધ્યાત્મિક પુરસ્કર્તાઓ, અમેરિકાના અને બહારના સંન્યાસીઓ પ્રથમવાર જ એક મંચ પર એકત્રિત થયા હતા. એટલે એ બંને રીતે આ પ્રસંગ એક ઐતિહાસિક ઘટનાનું મહત્ત્વ ધરાવે છે. 

આ કાર્યક્રમના એક ભાગ રૂપે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નષ્ટ થયેલા સ્થાનથી થોડે જ દૂર આવેલા ન્યુયોર્ક સ્કૂલ યુનિવર્સિટીના ટીશમેન ઓડીટોરિયમમાં ૨૨ સપ્ટે.ના દિવસે શાંતિ અને સંવાદિતા ઉપર એક સંમેલન પણ યોજાયું હતું. એમાં ઉપર્યુક્ત બધા સ્વામીજીઓ ઉપરાંત યહૂદી ધર્મના પ્રસિદ્ધ રેબાઈ જોસેફ એચ. ગેલબરમેન અને ફ્રેન્સીસયન સાધુ ફાધર પેટ્રીક ફીટ ઝેરાલ્ડ પણ ઉપસ્થિત હતા. તેમાં વિશ્વપ્રસિદ્ધ સંગીતકારોએ પિયાનો અને વાયોલીનનું સંગીત પીરસીને દિવ્ય વાતાવરણ સર્જ્યું હતું. લગભગ ૫૦૦ થી વધારે લોકોએ આ કાર્યક્રમોમાં પ્રાર્થનાઓ વગેરે સંગીતનો કાર્યક્રમ આપ્યો હતો. તેમજ રામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્ર ન્યૂયોર્કના ભક્તોએ પશ્ચિમની શૈલીમાં વિવેકાનંદ-રામકૃષ્ણનાં ભજનો ગાયાં હતાં.

તા. ૨૩મી સપ્ટેમ્બરે ભારતીય વિદ્યાભવન, ન્યૂયોર્કના રમન્તી ઓડીટોરિયમમાં ‘વેદાંત અને સાયન્સ’ વિષય પર સ્વામી જિતાત્માનંદજીએ ખાસ વાર્તાલાપ આપ્યો હતો તેમાં વિખ્યાત વિજ્ઞાનીઓએ લાભ લીધો હતો. 

વિવેકાનંદ હ્યુમન સેન્ટર, લંડનમાં પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ, ૨૦૦૨

૧૫મી સપ્ટેમ્બરે વિવેકાનંદ હ્યુમન સેન્ટર, લંડનમાં પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ, ૨૦૦૨નું આયોજન થયું હતું. તેમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ અધ્યક્ષસ્થાને હતા. વિભિન્ન ધર્મોના ધર્મગુરુઓએ એમાં ભાગ લીધો હતો. હિંદુધર્મનું પ્રતિનિધિત્વ રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ કર્યું હતું.

રામકૃષ્ણ મઠ-મિશનનાં રાહત સેવાકાર્યો

પશ્ચિમ બંગાળ પૂરરાહત સેવાકાર્ય : ઉત્તર બંગાળમાં આવેલા ભયંકર પૂરમાં તારાજ થયેલા ૭૮૫૧ લોકોને જલપાઈગુડી કેન્દ્ર દ્વારા રાંધેલ અનાજ રૂપે ખીચડી અને ૩૪૩૩ લોકોને આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી હતી.

માનસા દ્વીપ કેન્દ્ર દ્વારા પશ્ચિમ બંગાળના રાધિકાપુર અને દક્ષિણ ચોવીસ પરગણાના ૫૨૫ લોકોમાં કોરા અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બિહાર પૂરરાહત સેવાકાર્ય : પટના કેન્દ્ર દ્વારા દરભંગા, સમસ્તીપુર અને મુઝફ્‌ફરપુર જિલ્લાના ૧,૦૭,૩૭૫ લોકોને કોરા અનાજનું, ૪૯,૬૦૦ લોકોને રાંધેલ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આસામ પૂરરાહત સેવાકાર્ય : લખીમપુર જિલ્લાના ધેમાજી વિસ્તારના ૯૬૫૦ લોકોને રાંધેલ અનાજ અને ૧૦૦૦ ધાબળા તેમજ મચ્છરદાનીનું વિતરણ થયું હતું. રામકૃષ્ણ મઠ, ગુવાહાટી દ્વારા તમાલપુર, મલયબારી, કોલોંગપાર (જિ. કામરુપ)ના ૧૫૦૦ અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક આરોગ્ય રાહતસેવાઓ પહોંચાડવામાં આવી હતી.

ઝારખંડ અગ્નિરાહતસેવા : આગને કારણે પૂર્વ સિંગભૂમ જિલ્લાના કૌસ્તુરા અને પાચાંડો ગામના ૧૧ કુટુંબોને ‘પોતાનું ઘર પોતાની મેળે બાંધો’ એ યોજના હેઠળ મકાન બાંધવાની સાધન સામગ્રી પૂરી પાડવામાં આવી હતી.

તામિલનાડુ અગ્નિરાહતસેવા : આશ્રમની સામે જ ઝૂંપડાઓમાં લાગેલી આગથી પીડિત કુટુંબોમાં ફૂડપેકેટ, વાસણો, જૂના કપડા, ચાદર, શેતરંજી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આંધ્રપ્રદેશ અગ્નિરાહતસેવા : ગુરજાપુલંકા (જિ. પૂર્વ ગોદાવરી) ગામના આગથી પીડિત ૪૩ કુટુંબોમાં અનાજ, વાસણો, કપડા, ધાબળા, ખાટલા અને માછીમારીની જાળીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય અને ચિકિત્સા સેવા 

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ૧૫મી ઓગસ્ટે ૧૪૭ દર્દીઓને નેત્રચિકિત્સા કેમ્પમાં ચકાસવામાં આવ્યાં હતાં. એમાંથી ૧૮નાં ઓપરેશન થયાં હતાં. 

નરેનપુર કેન્દ્ર દ્વારા ૩૫ દર્દીઓને ચકાસવામાં આવ્યાં હતાં અને ૧૧ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ૧૫મી ઓગસ્ટે ૨૭૫ દર્દીઓને નેત્રચિકિત્સા કેમ્પમાં ચકાસવામાં આવ્યાં હતાં. એમાંથી ૧૮નાં ઓપરેશન થયાં હતાં. 

ઉલ્સુર (બઁગલોર) કેન્દ્ર દ્વારા ૧૭મી ઓગસ્ટે ૨૨૫ દર્દીઓને નેત્રચિકિત્સા કેમ્પમાં ચકાસવામાં આવ્યાં હતાં. એમાંથી ૬૪નાં ઓપરેશન થયાં હતાં.

રામકૃષ્ણ આશ્રમ, જમ્મુ દ્વારા મોબાઈલ મેડિકલ સેવા બીજી ઓગસ્ટથી શરૂ થઈ છે.

રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા ચાલતી શાળા-મહાશાળાઓના વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિ

રહરા કોલેજના કોલકાતા યુનિ.ની બી.એસ.સી. (જનરલ)ની પરીક્ષામાં બે વિદ્યાર્થીઓએ પહેલું અને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

૨૮ ઓગસ્ટના રોજ પશ્ચિમબંગાળની સરકાર દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાની યુથપાર્લામેન્ટ સ્કીમ સ્પર્ધામાં શારદાપીઠ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ બીજું પારિતોષિક પ્રાપ્ત કર્યું છે.

મેઘાલય બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુ.ની માધ્યમિક કક્ષાની પરીક્ષામાં આદિવાસી ગુણવત્તા સિદ્ધિ યાદીમાં નરેન્દ્રપુર કોલેજના વિદ્યાર્થીઓએ ત્રીજું, ચોથું અને છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પશ્ચિમ બંગાળની હાયર સેકન્ડરી એજ્યુ. કાઉન્સિલ દ્વારા યોજાયેલ વોકેશનલ સ્ટ્રીમની પરીક્ષામાં શારદાપીઠના શિલ્પાયતનના વિદ્યાર્થીઓએ ત્રીજું અને પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

કોલકાતા યુનિ.ની પરીક્ષામાં નરેન્દ્રપુર કોલજના બી.એસ.સી. પરીક્ષામાં રસાયણ વિભાગમાં ૭મું સ્થાન, ગણીતશાસ્ત્રમાં ૨જું અને ૩જું સ્થાન, આંકડાશાસ્ત્રમાં ૬ઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોલકાતા યુનિ.ની પરીક્ષામાં રાહરા કોલજના વિદ્યાર્થીઓએ રસાયણ વિજ્ઞાનમાં ૯મું અને ઝૂલોજીમાં ૨જું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોલકાતા યુનિ.ની પરીક્ષામાં શારદાપીઠ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રમાં ૭મું, રસાયણ વિજ્ઞાનમાં ૬ઠ્ઠું અને ૧૦મું, ગણીતશાસ્ત્રમાં ૧લું, ૭મું, ૮મું; તેમજ બી.એ.ની તત્ત્વજ્ઞાનની પરીક્ષામાં ૪થું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યામંદિરના એક વિદ્યાર્થીએ ગણીતશાસ્ત્રમાં સૌથી શ્રેષ્ઠગુણ (૮૭%) મેળવીને કોલકાતા યુનિ.નો સો વર્ષમાં એક ઇતિહાસ સર્જ્યો છે. આવી સિદ્ધિ ૧૯૧૨ અને ૧૯૬૬માં બીજા વિદ્યાર્થીઓએ મેળવી હતી.

અન્ય પ્રવૃત્તિઓ :

શારદાપીઠ વિદ્યામંદિર દ્વારા ૪, જુલાઈના રોજ સંસ્થાનો હીરક મહોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં પ.બંગાળના સન્માનનીય રાજ્યપાલ શ્રી વિરેન જે. શાહ અને બીજા અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાના સમારંભના અધ્યક્ષ સ્થાને રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ‘ઈંડિયન એપિક કલ્ચર સેન્ટર, કોલકાતા’ દ્વારા વિદ્યામંદિરને ૨૦૦૨ના વર્ષનો ‘વિશ્વનાયક વિવેકાનંદ એપિક એવોર્ડ’ આપવામાં આવ્યો હતો. વારાણસી અદ્વૈત આશ્રમ દ્વારા પોતાના શતાબ્દિ મહોત્સવનો ઉદ્‌ઘાટન સમારંભ ૪ થી ૭ જુલાઈ સુધી જાહેર સભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનથી થયો હતો.

સેવાપ્રતિષ્ઠાને ૨૪મી જુલાઈએ પોતાના ૭૧મો સ્થાપનાદિન ઉજવ્યો હતો. આ મહોત્સવમાં પ.બંગાળના સન્માનનીય રાજ્યપાલ શ્રી વિરેન જે. શાહ અને બીજા અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (સેવાપ્રતિષ્ઠાન) દ્વારા ૧૬મી વિજ્ઞાન પરિષદ ૨૭ -૨૮ જુલાઈના રોજ યોજાઈ હતી. આ પરિષદનું ઉદ્‌ઘાટન પ.બંગાળના આરોગ્ય પ્રધાન ડો. એસ. કાંત મિશ્રના વરદ હસ્તે થયું હતું.

‘ઊઠો! જાગો!’નું પ્રદર્શન

રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લાની શાળાઓ-મહાશાળાઓમાં ‘ઊઠો! જાગો!’નું પ્રદર્શન, વ્યાખ્યાન અને રામકૃષ્ણ વિવેકાનંદ વેદાંત સાહિત્ય વેંચાણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો તા. ૧૬-૯-૨૦૦૨ના રોજ ધોરાજીની સુપ્રસિદ્ધ કે.ઓ.શાહ આદર્શ હાઈસ્કૂલના ૧૦૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. એ જ દિવસે બપોરના ૧.૩૦ થી ૫.૩૦ સુધી શ્રી પટેલ કન્યા વિદ્યાલયમાં યોજાયેલ કાર્યક્રમમાં ૧૩૦૦ થી વધુ વિદ્યાર્થિનીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. ધોરાજીમાં આવો જ કાર્યક્રમ યોજવાનું ત્યાંના શૈક્ષણિક સંસ્થાના આચાર્યો વિચારે છે.

તા. ૧૮-૯-૨૦૦૨ના રોજ રાજકોટની બારદાનવાલા ગર્લ્સ હાઈસ્કૂલ, આર.પી.પટેલ કોલેજ તેમજ કન્યા છાત્રાલયની ૧૪૦૦ વિદ્યાર્થિની બહેનો માટે સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ વિશે પ્રવચન, ‘ઊઠો! જાગો!’નું જાહેર પ્રદર્શન અને પુસ્તક વેંચાણનો કાર્યક્રમ યોજાયો હતો. આ જ કાર્યક્રમ ફરીથી એ જ સંસ્થામાં ૨૧-૯-૨૦૦૨ના રોજ યોજાશે. તા. ૨૧-૯-૨૦૦૨ના રોજ શહેરની પરિમલ સ્કૂલ, સંસ્કાર સ્કૂલ અને પરિશ્રમ સ્કૂલના ૫૦૦ વિદ્યાર્થીઓ માટે ‘ઊઠો! જાગો!’નું જાહેર પ્રદર્શન અને પુસ્તક વેંચાણનો કાર્યક્રમ યોજાયો હતો. તા. ૨૨-૯-૨૦૦૨ના રોજ સરદાર પટેલ વિદ્યામંદિરના હોસ્ટેલના ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશ વિશે પ્રવચન, ‘ઊઠો! જાગો!’નું જાહેર પ્રદર્શન અને પુસ્તક વેંચાણનો કાર્યક્રમ યોજાયો હતો. 

શાંતિ, અહિંસા અને સંવાદિતા ઉપર પાંચ દિવસનું વિશ્વસંમેલન

ઓગસ્ટ માસમાં કોઈમ્બતુર નજીક આવેલ તામીલનાડુના અલીયાર ગામમાં ‘ટેમ્પલ ઓફ કોન્શ્યસનેસ’ નામના ભવ્ય પરિસરમાં શાંતિ, અહિંસા અને સંવાદિતા ઉપર એક પાંચ દિવસનું વિશ્વસંમેલન યોજાઈ ગયું.

આ સંમેલનનું આયોજન, ‘બ્રેઈન ટ્રસ્ટ ઓફ વર્લ્ડ કોમ્યુનિટિ સેન્ટર’ દ્વારા યોજાયું હતું. આ સંમેલનમાં પૂર્વ અને પશ્ચિમના સુવિખ્યાત વિષયનિષ્ણાતોએ ભાગ લીધો હતો. એમાં ભારતના પ્રસિદ્ધ વિદ્વાનોમાં કેન્દ્રીય મંત્રી ડો. મુરલી મનોહર જોષી, ડો. કરણસિંહ, શ્રી વેંકટચેલૈયા (ભૂતપૂર્વ વડા ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ), અને ઘણા વાઈસ ચાન્સેલરો તેમજ સુવિખ્યાત સમાજસેવકો પણ હતા. રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજ ઉપરોક્ત સંમેલનના ૧૧મી અને ૧૨મી ઓગસ્ટના બે અલગ અલગ સત્રના અધ્યક્ષ રહ્યા હતા. આ સત્રના વિષયો અનુક્રમે ‘ધર્મ અને શાંતિ’ તેમજ ‘વિજ્ઞાન’, ‘રાજનીતિ અને માનવીય એકતા’ રાખવામાં આવ્યા હતા. આ સંમેલનમાં વિશ્વમાંથી ૧૫૦૦ માણસોએ ભાગ લીધો હતો. સંમેલનની શરૂઆત ઈટાલી અને ભારતના સંગીતકારોના સંગીતથી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમના મુખ્ય આયોજક સી.બી.આઈ.ના ભૂતપૂર્વ ડાયરેક્ટર ડો. કાર્તિકેયન હતા. વર્જિનિયાના (યુ.એસ.એ.)માં આવેલ લોટસ ટેમ્પલના સંચાલક હાલમાં જ બ્રહ્મલીન થયેલા સ્વામી સચ્ચિદાનંદજી અને મહર્ષિ વેદશ્રીએ પોતાની ભારતીય પરંપરા પ્રમાણેની ‘શાંતિની સંકલ્પના’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ આ સંમેલનમાં ‘રામકૃષ્ણની ધર્મસમન્વયની સાધના’ તેમજ વિવેકાનંદની ‘વિજ્ઞાન અને આધ્યાત્મિકતા’ના સમન્વયની દૃષ્ટિ ઉપર વ્યાખ્યાન આપ્યું હતું.

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.