‘જે કુટુંબમાં કે દેશમાં સ્ત્રીઓની કશી કીમત કરવામાં આવતી નથી, જ્યાં તેઓ ઉદાસીનતામાં જીવન વિતાવે છે તે પરિવાર કે દેશની ઉન્નતિ થઈ શકતી નથી.’ સ્વામીજીની આવી પ્રેરક વાણીથી અને મા શારદાએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા નારીજીવનના આદર્શને લક્ષ્યમાં રાખીને ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામમાં શારદા મહિલા વિકાસ સોસાયટીની સ્થાપના ૯મી જૂન, ૨૦૦૨ના રોજ થઈ હતી. 

સમાજનો સર્વાંગી વિકાસ થતો રહે એવા ઉદાત્ત ધ્યેય સાથે છેલ્લાં ૨૨ વર્ષથી સેવા રૂરલ, ઝઘડિયા આ વિસ્તારના ગ્રામીણ આદિવાસીઓ અને ગરીબોની આરોગ્ય, શિક્ષણ અને મહિલા વિકાસ પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત છે. પ્રારંભથી જ આ વિશેષ સેવાપ્રવૃત્તિઓમાં મહિલાઓ અને યુવાનોને અગ્રીમતા અપાઈ છે. આજ સુધી સેવા-રૂરલના નેજા હેઠળ ચાલતી મહિલા વિકાસ પ્રવૃત્તિઓ હવે આ નવી સ્વતંત્ર સંસ્થા શારદા મહિલા વિકાસ સોસાયટીના નેજા હેઠળ ચાલશે.

બહેનોમાં રહેલી અખૂટ શક્તિને સાચી દિશા મળે, એમને પ્રોત્સાહન મળે, તેેમજ એમનો માતૃભાવ વ્યાપક બનીને સમગ્ર સમાજમાં વિસ્તરે અને પ્રશાસન, વહીવટ ચલાવવાનું કાર્ય તેઓ સ્વતંત્ર રીતે કરી શકે તથા પોતાની મેળે યોગ્ય સમયે, યોગ્ય નિર્ણયો લઈ શકે એ અલગ સ્વાયત્ત સંસ્થાનો હેતુ છે. એનાથી બહેનોની સામાજિક પ્રવૃત્તિઓ, સામાજિક ઉત્થાન અને સમાજ કલ્યાણમાં ભાગીદારી વધશે. આ સોસાયટીનું ઉદ્‌ઘાટન ઇન્દોરના શારદામઠના અધ્યક્ષા, પ્રવ્રાજિકા અમીતપ્રાણાજી તેમજ સેવા-અમદાવાદના આદ્યસ્થાપક આદરણીય ઈલાબહેન ભટ્ટ તેમજ શુભેચ્છકો અને મિત્રોના સાંનિધ્યમાં સંપન્ન થયું.

પ્રવ્રાજિકા અમીતપ્રાણાજીએ પોતાના વક્તવ્યમાં શ્રીમા શારદાદેવીના જીવનની વિશેષતાઓ બતાવતાં કહ્યું હતું: ‘અગ્નિમાંથી આગ અને શક્તિને જેમ જુદાં ન કરી શકીએ તેમ સ્ત્રી-પુરુષ અને બ્રહ્મ-શક્તિને પણ જુદાં ન કરી શકીએ. બંનેની સમાન ભાગીદારીથી સમાજ અને રાષ્ટ્ર પ્રગતિ કરી શકશે. માનવીય ગુણોને ચારિત્ર્યમાં વિકસાવીને જ મનુષ્ય થઈ શકાય. મહિલાઓના આત્મસન્માન, આત્મગૌરવ અને સમાન અધિકારની અગત્યની ઘણી સુંદર રીતે ચર્ચા કરતાં એમણે કહ્યું હતું: ‘સન્માન એ માગવાની વસ્તુ નથી, આપણે સૌ જેમ આપણું સન્માન ઝંખીએ છીએ તેમ બીજાનું સન્માન કરતાં પણ આપણે શીખવું જોઈએ તો આપોઆપ આપણને સન્માન મળશે. દૈનંદિન જીવનમાં ઉપયોગમાં આવતી દરેકેદરેક ચીજવસ્તુઓ પ્રત્યે પણ આપણામાં સન્માનની લાગણી હોવી જોઈએ. કોઈ પણ ચીજ નાચીજ કે નકામી-નાની નથી. બધાંનું પોતપોતાના સ્થાને મહત્ત્વ છે.’ શ્રી શ્રીમાના જીવનમાંથી જુદાં જુદાં દૃષ્ટાંતો આપીને આ બધી વાતો એમણે સમજાવીને સૌને પ્રભાવિત કર્યાં હતાં.

સેવા-અમદાવાદના શ્રીઈલાબહેન ભટ્ટે પોતાનાં વક્તવ્યમાં કહ્યું હતું: દરેક કામનું સુયોગ્ય આયોજન, એ માટેની ઘનિષ્ઠ તાલિમ; બજારમાં ટકી રહેવા માટેનાં કુશળતા, સંગઠન, સામુહિક ભાવના; અન્યાયો સામે અવાજ ઉઠાવવાની તાકાત, અને પડકારોને ઝીલીને બહેનોનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌ કોઈએ એમાંય ખાસ કરીને બહેનોએ સૌથી વધુ તૈયાર અને જાગ્રત રહેવું પડશે.

મુરબ્બીશ્રી પરાગજીભાઈ (નીકોરા)એ ‘કોમલ કોમલ ફૂલ નહીં, હમ નારી હૈ, હમ ચિનગારી હૈ!’ એ ગીત દ્વારા શ્રોતા જનોમાં એક નવું જોમ જગાવ્યું હતું.

પ્રવૃત્તિઓની એક ઝલક

બહેનોની આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય વિષયક પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે આ સંસ્થાઓ દ્વારા ઘણી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય ક્ષેત્રની પ્રવૃત્તિઓવાળી હોસ્પિટલ દ્વારા આ પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો. હોસ્પિટલમાં બહેનો માટે પ્રસૂતિ તેમજ તેના અનુસંગે ઊભા થતા જોખમોને નિવારવા સ્ત્રીરોગના નિષ્ણાતો દ્વારા ૨૪ કલાક વિશેષ સેવાઓ ઉપલબ્ધ છે.

આર્થિક પ્રવૃત્તિઓમાં પાપડ, મસાલા, નાસ્તાની ચીજવસ્તુઓ તેમજ તૈયાર કપડાંનું ઉત્પાદન અને તેના વેંચાણનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમને લીધે આદિવાસી અને ગ્રામ્યવિસ્તારની ગરીબ અને જરૂરતમંદ બહેનોને ઘરબેઠાં સ્વરોજગારી પ્રાપ્ત થાય છે અને સ્વમાનભેર સ્વાવલંબનથી પોતાના કુટુંબનો સારી રીતે નિભાવ કરી શકે છે તેમજ તેની ઉન્નતિ પણ સાધી શકે છે. આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા કમાયેલા પૈસાનો સદુપયોગ થાય, કરકસર કરીને બચત કરવાની ટેવ પડે, સંગઠિત થઈને સહિયારું ભંડોળ ઊભું કરી શકે, હળી મળીને સંપસહકારથી પરસ્પર એક બીજાને મદદરૂપ બની શકે અને વ્યાજખોરોના વિષચક્રમાંથી છૂટકારો મેળવીને લાંબે ગાળે સ્વનિર્ભર બની શકે તે હેતુથી બચત અને ધીરાણનો કાર્યક્રમ પણ આ સંસ્થા ચલાવે છે.

સમયે સમયે બહેનો માટે જાગૃતિની શિબિરો, એમની સમસ્યાઓને સમજવા અને તેનું નિરાકરણ કરવા જૂથ ચર્ચાઓ યોજાઈ છે. વિવિધ સંસ્થાઓની મુલાકાત દ્વારા બહેનોની સમજ અને શક્તિ, તેમજ ભાગીદારીની ભાવનામાં વૃદ્ધિ કરવાનો સઘન પ્રયત્ન થાય છે. આ સંસ્થામાં ૧૫૦થી વધુ અને સૌથી વધુ ગરીબ ત્યક્તા બહેનો આર્થિક રીતે પગભર થઈને પોતાની કમાણીનો સદુપયોગ કરીને સ્વમાનભેર પોતપોતાના કૌટુંબિક જીવન જીવે છે. પોતાનાં બાળકોનાં આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે પણ તેઓ વધારે જાગૃત બની છે.

સ્ત્રી સશક્તીકરણ

અત્યંત ગરીબ કુટુંબના ચંપાબહેનના પતિનું નામ ખીમાભાઈ વસાવડા. એમનું સાસરું છે કવિઠા ગામમાં. એમના પતિ પાટીદાર જમીનદારને ત્યાં પોતાના ગામમાં ખેતમજૂરી કરતા. રોજનું કમાય અને જે કમાણી કરે એનો દારૂ પી જાય. ચંપાબહેને વારંવાર વિનંતી કરી પણ ખીમજીભાઈ ઘરમાં એક રૂપિયો પણ ન આપતા. એમની બધી કમાણી દારૂમાં જ સમાતી. ચંપાબહેન અને એના પુત્ર નવીન લગભગ રોજ ભૂખ્યાં પેટે સૂઈ રહેતાં. એમાં તેઓ ફરીથી સગર્ભા બન્યાં. ભૂખના દુ:ખથી ત્રાસીને તેઓ પોતાના પિયર ચાલ્યાં ગયાં. એમનાં પિયરનું ગામ છે ખારિયા. એ વખતે ત્યાં તેઓ પાપડ કેન્દ્રમાં જોડાયાં. પતિની સુધરવાની આશામાં દિવસો વીત્યા પણ પતિમાં કંઈ સુધારો ન થયો એટલે એમણે પતિ સાથે છૂટાછેડા લીધા. થોડાં વર્ષો એમણે પોતાના બે ભાઈ, માબાપ અને પોતાના બે બાળકો સાથે એક છત નીચે ગાળ્યાં. હવે એમના પિતાએ છેલ્લા સાતેક વર્ષ થયા ઘરમાંથી એક જુદો ભાગ કાઢી આપ્યો છે. ચંપાબહેન રોજના ૭૦ થી ૮૦ રૂપિયા કમાય છે. બે દિકરાઓના પેટ ભરે છે, નિયમિતપણે બચત કરે છે. ચંપાબહેને અત્યાર સુધીમાં નવ વખત લોન લઈને પોતાના ઘરનું વ્યવસ્થિત સમારકામ, યાત્રા અને દાગિનાની ખરીદી પણ કરી છે. ચંપાબહેન સ્વનિર્ભર બનીને એના બાળકો સાથે સુખ અને શાંતિથી જીવનનો આનંદ લઈ રહ્યાં છે. આવી જ વાત રમીલાબહેનની છે. તેઓ કહે છે : મારું નામ રમીલાબહેન અને ઝઘડિયાની વતની છું. ત્રણ દીકરીઓ અને એક દીકરો મળી છ જણનું કુટુંબ છે.પતિનો પગાર ઓછો હતો. ઘરમાં કાયમ જ ખેંચતાણ રહેતી. બળતણ બચાવવા લાકડાં-છાણાં પણ વીણવાં જતી. જેમ તેમ ઘરનું ગાડું ગબડતું, એવામાં સેવા-રૂરલે ઝઘડિયામાં પાપડ કેન્દ્ર શરૂ કરતાં તેમાં જોડાઈ ગઈ. ઘરમાં ધીરે ધીરે આવક વધી. વળી અમારા કેન્દ્રમાં ચાલતી સ્ત્રી શક્તિ જાગૃતિ શિબિરોમાં પણ ભાગ લેતી થઈ. ઘણું બધું નવું નવું જાણવાનું અને શીખવાનું મળતું ગયું. મારી સમજમાં પણ વધારો થવા લાગ્યો. મારી દીકરીઓના ભણતરમાં કાળજી લેવા માંડી. દીકરીઓ માટે મેં ટ્યૂશન પણ રાખ્યાં. દીકરીઓ, યુવતી શિબિરમાં આવે છે. શરીર રચના, સ્વચ્છતા, માસિક વગેરે ઘણી માહિતી મેળવે છે. કોઈપણ જાતના સંકોચ, શરમ અનુભવ્યા વગર મારી સાથે ચર્ચા પણ કરે છે.

સાથે સાથે મને બચત કરાની પણ ટેવ પડી. અમારી મંડળીની સહિયારી મૂડીમાંથી લોન લઈને ઘરમાં નાની મોટી ચીજવસ્તુ વસાવી તેમજ મકાનનું પણ સમારકામ કરાવ્યું. અમારી મીટીંગોમાં થતી ચર્ચા અને સંવાદોમાં હું સક્રિય ભાગ લેતી થઈ. મારો સ્ત્રી-સહજ ગભરાટ ઓછો થયો અને હવે તો હું નવી શારદા મહિલા સોસાયટીના કારોબારીના સભ્ય બનીને તેના વહીવટ અને નિર્ણયો લેવામાં ભાગીદાર બનવાનું ગૌરવ અનુભવું છું.

આંકડાકીય માહિતી (૧૯૮૫-૨૦૦૨)

આર્થિક પ્રવૃત્તિઓ

સહભાગી બહેનો૧૬૦
ઉત્પાદન અને વેંચાણ –  ૩ કરોડ
પ્રાપ્ત રોજી – ૬૦ લાખ

બચત અને ધીરાણ પ્રવૃત્તિઓ

સભ્યસંખ્યા – ૨૫૦
કુલ બચત૯ લાખ
કુલ ધીરાણ૧૨.૨૫ લાખ
લોન પરત – ૯૦% થી વધુ

મહિલા જાગૃતિ કાર્યક્રમો

શિબિરો૧૬૫
શિબિરાર્થીઓ૧૦૬૦

Total Views: 31

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram