સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચન્દ્ર હતું. શીલવતી અને ધર્મપ્રાણા નયનતારાએ એક પુત્ર માટે મા કાલીને વ્યાકુળ બનીને પ્રાર્થના કરી અને ૨જી ઓક્ટોબર, ઈ.સ ૧૮૬૬માં મંગળવારે (આસો સુદ નોમ) કાલીપ્રસાદનો જન્મ થયો. આ પુત્રનો જન્મ આંગણામાં થયો હતો. નવજાત શિશુનું આખું શરીર નાડીઓથી જકડાયેલું હતું અને તે જાણે પદ્માસનમાં મૃત:પ્રાય બનીને બેઠો હતો. પછી આંખમાં મરચાંનો ભૂકો નાખતાં તે રડ્યો. મા-કાલીના પ્રસાદથી મળેલા પુત્રનું નામ કાલીપ્રસાદ રાખ્યું.

પાંચ વર્ષની ઉંમરે તેના અક્ષરજ્ઞાનનો પ્રારંભ થયો. વિદ્યાર્થીકાળમાં જ કાલીપ્રસાદને સંસ્કૃત પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. વિદ્યાર્થીજીવનમાં જ શંકરાચાર્યના દાર્શનિક વ્યક્તિત્વના પ્રભાવથી કાલીપ્રસાદના મનમાં પંડિત અને દાર્શનિક બનવાની આકાંક્ષા જાગી હતી… યોગશાસ્ત્રના અભ્યાસથી તેઓ જાણી શક્યા કે યોગ્ય ગુરુના સાંનિધ્યમાં જ યોગાભ્યાસ કરવો જોઈએ. આથી એમનું મન ગુરુ મેળવવા માટે આકુળવ્યાકુળ બની ગયું. એ વખતે એમને પોતાના સહાધ્યાયી યજ્ઞેશ્વર ભટ્ટાચાર્ય પાસેથી દક્ષિણેશ્વરના પરમહંસ શ્રીરામકૃષ્ણ વિશે જાણવા મળ્યું. શ્રીરામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી તેઓ (લગભગ ઈ.સ. ૧૮૮૪ના મધ્યમાં) એક દિવસ કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર પગપાળા ચાલતા ગયા.

રાત્રે લગભગ નવ વાગે શ્રીરામકૃષ્ણદેવ લાટૂની સાથે પાછા આવ્યા અને પોતાના ઓરડામાં જઈને નાના પલંગ પર બેઠા. એ પછી એમણે કાલીપ્રસાદને બોલાવતાં તેમણે ત્યાં જઈને એમને પ્રણામ કર્યા. ઠાકુરે પૂછતાં એમણે પોતાની ઓળખાણ આપતાં કહ્યું: ‘યોગસાધના કરવાની મારી ઇચ્છા છે. શું આપ મને શિખવાડશો?’ આ પ્રશ્ન સાંભળીને શ્રીરામકૃષ્ણ થોડી વાર મૌન રહ્યા અને પછી બોલ્યા : ‘આટલી નાની ઉંમરમાં તને યોગ શીખવાની ઇચ્છા જાગી છે – આ ઘણું જ સારું લક્ષણ કહેવાય. તું ગયા જન્મમાં યોગી હતો. પણ તારું થોડુંક બાકી રહી ગયું હતું. હવે આ તારો છેલ્લો જન્મ છે. હું તને યોગવિદ્યા આપીશ.’

સવારે બ્રાહ્મમુહૂર્તમાં શ્રીરામકૃષ્ણે બોલાવતાં તેઓ તેમની પાસે જઈ પહોંચ્યા. પૂછતાં ઠાકુરને ખબર પડી કે તેઓ ‘એન્ટ્રંસ ક્લાસ’માં ભણે છે અને યોગશાસ્ત્રથી પરિચિત છે. એ પછી તેઓ કાલીપ્રસાદને આનંદપૂર્વક ઉત્તરના વરંડામાં લઈ ગયા અને ત્યાં એક બાજોઠ પર યોગાસનમાં બેસાડ્યા. પછી પોતાના જમણા હાથની વચલી આંગળીથી એમની જીભ ઉપર બીજમંત્ર લખ્યો એન પછી એ જ હાથે એમના હૃદયની ઉપરની બાજુ શક્તિને ખેંચી. એ સાથે જ કાલીપ્રસાદ ગહન ધ્યાનાવસ્થામાં લીન થઈ ગયા. થોડા સમય પછી જ્યારે ઠાકુરે શક્તિને ફરીથી ખેંચીને નીચે ઉતારી એટલે તેઓ બાહ્ય ચેતનામાં પાછા આવી ગયા. એ પછી ઠાકુરે એમને ધ્યાન વગેરે બાબતમાં ઉપદેશ આપ્યો અને તેમને ધ્યાનમાં જે દર્શન થાય, તે બધું તેમને જણાવતા રહેવાનું કહ્યું. કાલીપ્રસાદ અપરિણીત છે. એ જાણીને એમને વિવાહ કરવાની મનાઈ કરી. એ પછી કાલીપ્રસાદે કાલીમંદિરમાં થોડો સમય ધ્યાન કર્યું અને પછી ઠાકુરને પ્રણામ કરી એમની વિદાય લીધી.

કાલીપ્રસાદ ઘરે આવીને દરરોજ પ્રાત:કાળે અને રાત્રે ઠાકુરના ઉપદેશ મુજબ ધ્યાન કરવા લાગ્યા અને વચ્ચે વચ્ચે દક્ષિણેશ્વર જઈને ઠાકુરને પોતાની અનુભૂતિઓ જણાવવા લાગ્યા… એક વખત રાત્રે ધ્યાન કરતી વખતે એમને એવો અનુભવ થયો કે, એમનો આત્મા શરીર છોડીને ઊર્ધ્વલોકમાં જઈ રહ્યો છે. અનેક પ્રકારનાં મનોહર દૃશ્યો જોતાં જોતાં તેઓ એક સુંદર મહેલમાં પહોંચ્યા. ત્યાં એમણે બધા જ ધર્મોનાં પ્રતીક જોયાં અને એમનો સજીવ વિકાસ થઈ રહ્યો છે, એ પણ જોયું. પછી તેમણે એ મહેલના એક વિશાળ ખંડમાં પ્રવેશ કર્યો. ત્યાં એમણે જોયું કે ચારે તરફ વેદીઓ પર જુદા જુદા ધર્મોનાં દેવી-દેવતાઓ તથા અવતારો બિરાજેલાં છે. અને તે બધાંની વચ્ચે ઊભા છે શ્રીરામકૃષ્ણ. આ સઘળાં દેવી-દેવતાઓ અને અવતારો ધીમે ધીમે શ્રીરામકૃષ્ણના જ્યોતિર્મય વિરાટ દેહમાં લીન થઈ ગયાં.’ આ અનુભૂતિ સાંભળીને ઠાકુરે કહ્યું: ‘તને વૈકુંઠ-દર્શન થઈ ગયું. હવે તું અરૂપના પ્રદેશમાં પહોંચી ગયો. હવે તને રૂપ નહિ દેખાય.’

(‘ભક્તમાલિકા’ – પૃ.૨૭૦-૭૩)

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.