હમણાં જ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીએ બહાર પાડેલ ડૉ. હીરાબાઈ બોરડિયાનો એક હિન્દી શોધપ્રબંધ વાંચવા મળ્યો. ૩૧૯ પૃષ્ઠોના દળદાર ગ્રંથમાં જૈન ધર્મની આગળ પડતી સાધ્વીઓ અને વિદુષી મહિલાઓનું હિન્દી ભાષામાં બયાન કરવામાં આવ્યું છે. ગ્રંથનું નામ ‘जैन धर्म की प्रमुख साध्वियाँ एवं महिलाएं’ રાખવામાં આવ્યું છે.

આ મહામહિમ નારીરત્નોએ આત્મશ્રેયની સાધના તો કરી જ છે પણ સાથોસાથ આખા સમાજના તમોરોગનું ઉદાત્તીકરણ થાય એ માટે પોતાની સહજસાધના અને સ્વભાવગત સાધુતા દ્વારા ગૌણ છતાં ચોખ્ખી ભારે અસર કરી છે, એમાં શક નથી.

ભારતીય જનસમાજમાં અતિ પ્રાચીન સમયથી સમાનાન્તરે ચાલી આવેલી અને એકબીજા પર વારંવાર અસર પહોંચાડતી વૈદિક અને શ્રમણ પરંપરાઓમાં નારીની ભૂમિકા અને એના સામાજિક સ્થાનનો આલેખ અવારનવાર ક્યારેક ઊંચો તો ક્યારેક નીચો, એમ સર્પાકારે ચાલતો રહ્યો છે. એમાં છતાં અને અછતાં અનેક ઐતિહાસિક પરિબળોએ ભાગ ભજવ્યો છે. છતાં શ્રમણ પરંપરાના જૈન પ્રવાહમાં મહિલાઓની ગરિમા જાળવવાનું એક પ્રાચીનતમ વ્યાવહારિક આયોજન કરવામાં આવ્યું હતું તે એના ભિક્ષુણીસંઘની રચના છે.

પ્રસ્તુત શોધપ્રબંધમાં આ ભિક્ષુણીસંઘનાં તેજસ્વી નારીરત્નોની જીવન વિષયક ઉપલબ્ધ માહિતીનું ક્રમિક અને સપ્રમાણ સંકલન કરવામાં આવ્યું છે અને તેથી આ ગ્રંથ એક દસ્તાવેજી પુરાવાની ગરજ સારે છે. સાત અધ્યાયોમાં વહેંચાયેલા આ શોધપ્રબંધમાં પ્રાગૈતિહાસિક કાળથી માંડીને મહાવીર યુગીન, મહાવીરોત્તરકાલીન, ઇસ્વીસનના પ્રથમ શતકથી અઢારમાં શતક સુધીની આશરે બસોથી અઢીસો તેજસ્વી જૈન સાધ્વીઓ અને વિદુષીઓની માહિતી આપવામાં આવી છે. તદુપરાંત, એની પૂર્તિ રૂપે પરિશિષ્ટમાં વિવિધ લેખકોની કલમે લખાયેલા સાત લેખોમાં સમકાલીન જૈન સાધ્વીઓ સંબંધી માહિતીઓ અપાઈ છે. જેમાં સ્થાનકવાસીઓના અમરસિંહ સંપ્રદાય, ઋષિ સંપ્રદાય અને પંજાબી સંપ્રદાયની મુખ્ય સાધ્વીઓનો પરિચય આપવામાં આવ્યો છે. મિજ ખરબર મચ્છીય પ્રવાહની ત્રણ શાખાઓની વિવિધ શાખાઓની સાધ્વીઓનો પરિચય પણ આપવામાં આવ્યો છે.

છેલ્લે ૧૯૯૦ સુધીની વિદ્યમાન જૈન સાધ્વીઓની અત્યારની સંખ્યાની સંપ્રદાયવાર યાદી પણ આપવામાં આવી છે.

આમ, ગ્રંથ એક અગત્યનો ઉપાદેય આકરગ્રંથ બન્યો છે. એમાં ડૉ. હીરાબહેન બોરડિયાના ખંત અને પરિશ્રમ ખરેખર દાદ માગી લે તેવા છે.

આ ગ્રંથનું અનેરું આભૂષણ તો ડૉ. સાગરમલ જૈને લખેલ ‘जैन धर्म की नारी भूमिका’ એ શીર્ષક હેઠળની ભૂમિકા છે. એમણે ત્રણ કાલખંડો પાડીને તે તે કાલખંડમાં નારીની સામાજિક સ્થિતિ અને ભૂમિકાનો ગવેષણાત્મક ખ્યાલ આપ્યો છે. અંત:સાક્ષ્ય અને બહિ: સાક્ષ્ય તેમ જ અનુશ્રુતિઓનાં પ્રમાણો આપીને તેમણે પોતાના કેટલાક નિષ્કર્ષો તારવ્યા છે. એમાંના કેટલાક નિષ્કર્ષો સાથે સંમત થવાનું આપણને ભલે મુશ્કેલ લાગે છતાં એમણે એમાં દાખવેલી ઇતિહાસદૃષ્ટિ આપણને આકર્ષ્યા વગર રહેતી નથી.

મને એવું લાગે છે કે, સમગ્ર ભારતીય સમાજમાં નારીની અવારનવાર જોવામાં આવતી ઉચ્ચાવચ સ્થિતિ તો વૈદિક અને શ્રમણ એ બંને પ્રવાહોમાં સમાનાન્તરે જ ચાલી છે. એટલે ‘કોઈ એક પ્રવાહ પર અન્ય પ્રવાહની અસરથી આવું થયું છે’ એમ માનવાને બદલે ‘એ બંને પર અસર કરતાં સાધારણ ઐતિહાસિક પરિબળો એ માટે જવાબદાર છે.’ એમ માનવું વધારે યુક્તિસંગત છે. ખાસ વાત તો એ છે કે વિશ્વભરમાં જ્યાં જ્યાં પિતૃવંશી કુટુંબસંસ્થા છે, ત્યાં ત્યાં નારીની આવી ઉચ્ચાવચ સ્થિતિ એક યા બીજી રીતે થયા જ કરી છે. એનું દેખીતું કારણ અન્યાન્ય પરિબળોની સાથે નારી અને નરની શરીર સંરચના અને સહજવલણોનો તફાવત હોઈ શકે.

શ્રી સાગરમલજીએ ભૂમિકામાં કરેલું આવું વિધાન ચિંત્ય ભલે હોય પણ એ કેવળ તે તે કાળની નારીઓની સામાજિક સ્થિતિના તથ્યની સમજૂતી છે અને એથી મૂળ તથ્યને તો કશો જ બાધ આવતો નથી. આ તથ્ય શ્રીસાગરમલજીએ ભૂમિકામાં અને ડૉ. હીરાબહેન બોરડિયાએ આખાય શોધપ્રબંધમાં જતન કરીને જાળવી જાણ્યું છે, એમાં શંકા નથી. એ તથ્ય છે મહિલાઓની મહતી શક્તિનું પ્રકટીકરણ. આ ગ્રંથમાં એનું પ્રમાણપુર:સર નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેથી આ ગ્રંથ કેવળ ભારતીય સમાજના જૈન પ્રવાહ માટે જ નહિ, પણ સમગ્ર ભારતીય સમાજના સમાજવિદોને માટે અને વિચારશીલ નાગરિકો માટે પણ નિ:શંક રીતે કીમતી ભાથું પૂરું પાડી જાય છે. ડૉ. હીરાબાઈ બોરડિયાનો આ ગ્રંથ વાંચતાં આચાર્ય વિનોબા ભાવેના માર્મિક શબ્દોનું સ્મરણ થાય છે :

‘મહાવીરના ધાર્મિક સંપ્રદાયમાં સ્ત્રીપુરુષ વચ્ચે કશો જ ભેદ રખાયો નથી. પુરુષોને જેટલા આધ્યાત્મિક અધિકારો છે, તેટલા જ મહિલાઓને પણ અપાયા છે. મહાવીરે એમાં કશો વેરો વંચો કર્યો નથી. એને કારણે એમના શિષ્યોમાં શ્રમણો કરતાં શ્રમણીઓની સંખ્યા વધારે હતી અને આ જ વાત હજુ સુધી ચાલુ રહી છે.’

જૈન ભિક્ષુણીસંઘનું તુલનાત્મક બયાન કરતાં ભૂમિકામાં શ્રી સાગરમલજીએ એક યથાર્થ ટકોર કરી છે; (પૃ. ૪૭) :

‘ઇસાઈ ભિક્ષુણીઓ (nuns) પોતાના જ્ઞાનદાન અને સેવાકાર્યથી સમાજમાં વધારે આદરણીય અને મહત્ત્વપૂર્ણ બની છે. ઇસાઈ ધર્મસંઘ દ્વારા સ્થાપિત શિક્ષણ સંસ્થાઓ, ચિકિત્સાલયો અને સેવાશ્રમોમાં આ ભિક્ષુણીઓનાં ત્યાગ અને સેવાભાવના અનેક વ્યક્તિઓનાં મન મુગ્ધ કરે છે. જો જૈન સમાજ એમની પાસેથી કશોક બોધ લે તો એનો ભિક્ષુણી સંઘ સમાજ માટે વધુ ઉપયોગી નીવડી શકે અને નારીમાં છુપાયેલી સમર્પણ અને સેવાની ભાવનાનો સમ્યક્‌ ઉપયોગ થઈ શકે.’

ભારતના ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા સમાજમાંથી કેવળ એની શ્રમણ પરંપરાના એક જૈન સંપ્રદાયના સંદર્ભમાં જ શ્રીસાગરમલજીએ આ ટકોર કરી હોય તો તો એ સાચી જ વાત છે. પરંતુ જો ભારતવાસી નિખિલ આર્ય પ્રજાના સંદર્ભમાં વાત કરીએ તો તો અહીં શારદા મઠનો ઉલ્લેખ અનિવાર્ય જ બની રહે છે. કારણ કે સાગરમલજીની ટકોર પહેલાં સાડત્રીસ વરસે એનો ઉદય થઈ ચૂક્યો છે કે જેમાં આ ક્ષતિની પૂર્તિ ઝડપભેર થઈ રહી છે. સંન્યાસિનીઓના મઠસ્થાપનનું સ્વામી વિવેકાનંદની ઋષિદૃષ્ટિ દ્વારા ચિરસેવિત સ્વપ્ન ૧૯૫૪માં સમય વાક્યે સાકાર થઈ જ ચૂક્યું છે. પ્રથમ પ્રવાજિકા ભારતીપ્રાણાએ મઠનું સુકાન સંભાળ્યું હતું.

મહિલા સંન્યાસના આદર્શના સમગ્ર ઇતિહાસમાં વિશ્વમાં આ સર્વપ્રથમ એક જ એવો સંન્યાસિનીઓનો સ્વાયત્ત સંઘ છે કે જેમાં ભૌતિક કે આધ્યાત્મિક દરેકે દરેક બાબતમાં પુરુષોના કશા જ હસ્તક્ષેપ વગર મહિલાઓનું જ પ્રભુત્વ છે. એમનો સંન્યાસવિધિ પણ પુરુષોના સંન્યાસવિધિ જેવો જ છે. વેશ પણ સમાન છે. તેમને ‘પ્રવ્રાજિકા’નું અભિનવ નામ અપાય છે અને છેલ્લે ‘પ્રાણા’ જોડાય છે. પુરુષ સંન્યાસીઓ માટે સ્વામી વિવેકાનંદે નક્કી કરેલાં ધારાધોરણો એમને પણ લાગુ પડે છે. આ સંન્યાસિનીઓ આધ્યાત્મિક સાધનાની સાથોસાથ પોતાના પ્રદેશના જનજીવન સાથે ઓતપ્રોત થઈ સેવાકાર્ય કરે છે. ભારત અને વિદેશમાંથી સુશિક્ષિત મહિલાઓ અહીં આવીને શ્રીમાના ઘરમાં એક કુટુંબની પેઠે યાગપૂત સેવામય જીવન વિતાવે છે.

જો કે શરૂઆતમાં તો બેલૂર મઠના ટ્રસ્ટીઓના માર્ગદર્શન તળે આ મઠનું સંચાલન બ્રહ્મચારિણીઓ કરતી, પણ ૧૯૫૯ના ઓગષ્ટથી શારદામઠ સંપૂર્ણ સ્વાયત્ત બન્યો છે અને ૧૯૬૦માં શારદા મિશનની પણ કાયદેસર રચના થઈ છે અને એ દ્વારા વૈદ્યકીય, ગ્રામસુધાર, દરિદ્રસહાય અને આધ્યાત્મિક પ્રચાર-પ્રસાર જેવી અનેક માનવકલ્યાણકારી પ્રવૃત્તિઓ શરૂ કરાઈ છે. ૧૯૬૧માં રામકૃષ્ણ મિશને પોતાના હાથ નીચેનાં મહિલા કેન્દ્રો શારદા મિશનને સોંપી દીધાં અને ૧૯૬૮માં રામકૃષ્ણ મઠે ત્રિચુર કેન્દ્ર પણ શારદા મઠને સોંપ્યું. આ શારદા મઠ – મિશનનાં કેન્દ્રો આખા ભારતમાં ફેલાયાં છે. ઑસ્ટ્રેલિયામાં પણ એક શાખા છે.

આમ, આ શારદા મઠ – મિશનના ઉદયે ભારતના આધ્યાત્મિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્ત્વનું નવું પ્રકરણ ઉમેર્યું છે. અત્યારે એ દેખીતી રીતે નાનો સંઘ હોવા છતાં જાગૃત નારી ચેતનાના પ્રતીક સમો છે. મહિલાઓના સંન્યાસજીવનનો આ રીતનો વિકાસ ભારતીય સમાજમાં ખરે જ એક અપૂર્વ ઐતિહાસિક ઘટના છે કે જે વર્તમાન સંજોગો સાથે મેળ બેસાડીને ભાવિ તરફ તાકે છે. આમ, આ અભિનવ સંન્યાસિની સંઘે કેવળ ભારતીય સમાજના વૈદિક પ્રવાહમાં ભિક્ષુણી સંઘે ઐતિહાસિક અભાવની ક્ષતિપૂર્તિ જ ફક્ત નથી કરી પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં જ એક આવશ્યક નૂતન પૂર્તિ કરી છે.

આપણે આશા રાખીએ કે શ્રી સાગરમલજીની સમુચિત ટકોરને સાધ્વી સંઘ ઝીલે અને કેવળ સલામતી કે સંરક્ષણ માટે જ નહિ પણ સાહસ, સેવા, સમાજાભિમુખતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આધ્યાત્મિક ઊંચાઈ પામવા માટે સજ્જ બને. ભારતીય વિશાળ ઉપખંડના નારીવર્ગમાં જાગૃતિ લાવવા માટે આવા અનેક સંન્યાસિની સંઘની દેશને આજે ભારે જરૂર છે.

જો આમ થાય તો ભારતની મહિલાઓમાં, સંન્યાસિનીઓમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો ફેલાવા પામતો સ્વેચ્છાચારનો રોગ નિર્મૂળ થશે અને સાથોસાથ સમાજાભિમુખતા અને આધ્યાત્મિકતાનો સુંદર સમન્વય પણ સાધી શકાશે. હીરાબહેને આલેખેલ સાધ્વીઓમાં આવી પ્રચંડ નારીશક્તિનાં બીજ સ્પષ્ટપણે જોવા મળ્યાં છે.

ડૉ. હીરાબહેન બોરડિયાનો આ નારી શક્તિદર્શક, પ્રેરક અને પ્રચુર અને સપ્રમાણ માહિતી પૂર્ણ શોધપ્રબંધ ઉપાદેય બને જ તેમાં આશ્ચર્ય નથી.

સૌ સમાજવિદોએ, સમાજ સેવકોએ, ચિંતકોએ, શોધ રસિકોએ અને સાધારણ વાચકોએ પણ એક વાર તો આ નારી ચેતનાનો જૈન આલેખ નજર અંદાજ કરી લેવા જેવો તો ખરો, એમ માનવાનું મન થાય છે.

પુસ્તકનું નામ   : जैन धर्म की प्रमुख साध्विर्यां एवं महिलाएँ

લેખિકા              : ડો. હીરાબાઈ બોરડિયા

મૂલ્ય                  : ૫૦/૦૦ રૂપિયા

પ્રકાશક              : પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન

આઈ. ટી. આઈ. રોડ, કરોંદી

વારાણસી – ૫

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.