શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું – “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી કંઈ વળવાનું નથી. જપધ્યાન જ કરવું જોઈએ. તો શું કામકાજ છોડીને દિવસ-રાત જપધ્યાન જ કરવાં જોઈએ?” શ્રીમાએ ઉત્તર આપતાં કહ્યું, “થોડા દિવસો જપધ્યાન કરવાથી જ શું બધું થઈ જાય? મહામાયા કેડો ન છોડે ત્યાં સુધી કંઈ વળવાનું નથી. જોયું નહીં? બળજબરીથી વધારે જપધ્યાન કરવા જતાં એક જણનું માથું જ ચસકી ગયું!… બધો વખત જપધ્યાન કેટલા લોકો કરી શકે? આ બધું સમજીને તો નરેને (સ્વામી વિવેકાનંદે) નિષ્કામ કર્મનું પ્રવર્તન કર્યું.” આમ, શ્રીમા શારદાદેવી નિયમિત જપધ્યાન માટે જેમ લોકોને ઉપદેશ કરતાં તેમ સાધારણ લોકો પોતાની શક્તિથી વધુ જપધ્યાન કરી માનસિક સંતુલન ન ખોઈ બેસે તેની તકેદારી પણ રાખતાં. નિષ્કામ કર્મ અને જપધ્યાનનું જીવનમાં સમાન મહત્ત્વ છે એમ સમજાવતાં તેઓ કહેતાં, “પ્રભુનું કામ કરવાનો સદા પ્રયત્ન કરતા રહો, અને તે સાથે જપ અને ધ્યાન પણ કરતા રહો. જો એવાં કામ કરશો તો મન ખરાબ વિચારોથી ભરાઈ જશે નહીં. કામકાજ વિના એકલા બેઠા રહો તો અનેક વિચારોની ભૂતાવળ ઊઠે અને મનની શાંતિનો ભંગ થાય.”

કાર્યદક્ષતા વધારવામાં અને એકાગ્રતાની શક્તિ વધારવામાં દૈનંદિન ધ્યાન મદદરૂપ થાય છે. તેવી જ રીતે ધ્યાનના અભ્યાસ માટે એકાગ્રતાની આવશ્યકતા છે. શ્રીમા શારદાદેવી કહેતાં, “કલાકોના કલાકો એકાગ્રતા વિના ઈશ્વરની પ્રાર્થના કે તેમનું ધ્યાન ધરવા કરતાં માત્ર થોડો જ સમય તલ્લીન ચિત્તે તેમ કરવું એ વધારે ફાયદાકારક છે.”

ઘણા લોકો એમ ધારે છે કે, એકાગ્રતાની શક્તિ કેળવવાથી જ ધ્યાનમાં પારંગત થઈ જવાશે, પણ વ્યવહારમાં તેવું બનતું નથી. અને ત્યારે લોકો હતાશા અનુભવે છે. આ માટે ધ્યાન અને એકાગ્રતા વચ્ચેના ભેદને સમજી લેવાનું આવશ્યક છે.

ધ્યાન અને એકાગ્રતા વચ્ચેનો ભેદ

૧. સાધારણ એકાગ્રતામાં મન બાહ્ય વસ્તુઓ પર કેન્દ્રિત કરવાનું હોય છે અને તે અપેક્ષાકૃત સરળ છે. જ્યારે ધ્યાનમાં તો મનને પાછું વાળીને તેના પોતાના પર જ કેન્દ્રિત કરવાનું હોય છે. કઠોપનિષદમાં કહ્યું છે કે, ઈશ્વરે જ જાણે કે બધી ઈન્દ્રિયોને બહિર્મુખી બનાવી છે.

परांचिखानि व्यतृणत् स्वयंभूस्तमात् परांग पश्यति नान्तरात्मन्।

(કઠોપનિષદ : ૨/૧/૧)

૨. એકાગ્રતાનાં મોટા ભાગનાં રૂપોમાં બાહ્ય ઈન્દ્રિયો ક્રિયાશીલ હોય છે અને બાહ્ય સંસાર સાથેનો સંબંધવિચ્છેદ થયો હોતો નથી. ધ્યાનની અવસ્થામાં બાહ્ય સંસાર સાથેના સંબંધનો વિચ્છેદ થઈ જાય છે. યોગીઓ આને એકેન્દ્રિય સ્થિતિ કહે છે. એટલે કે જ્યાં છઠ્ઠી ઈન્દ્રિય એટલે કે મન જ કેવળ ક્રિયાશીલ રહે છે.

૩. એકાગ્રતાની અવસ્થામાં મન વર્તુળાકારે ફરે છે, બાહ્ય વસ્તુઓથી અથવા ભીતરના સંસ્કારોથી ઉત્પન્ન થયેલી વૃત્તિઓથી મન પ્રભાવિત થાય છે. ધ્યાનાવસ્થામાં મન એક બિન્દુ પર કેન્દ્રિત થાય છે અને ત્યારે એક જ વૃત્તિ (ઈષ્ટનું નામ અથવા ઈષ્ટનું રૂ૫) કામ કરતી હોય છે.

૪. એકાગ્રતા બાહ્ય વિષયો પરની આસક્તિના પરિણામરૂપ હોય છે ત્યારે ધ્યાન અનાસક્તિના પરિણામરૂપ હોય છે. પોતાની ઈચ્છિત વસ્તુઓ પર પોતાની આસક્તિને કારણે એકાગ્રતા મેળવવી સરળ છે પણ અનાસક્તિપૂર્વક કોઈ વિચારમાં મગ્ન થવું કઠણ છે. જ્યારે આ અનાસક્તિમાં ઈશ્વર દર્શનની વ્યાકુળતા ભળે ત્યારે જ ધ્યાનમાં મગ્ન થવાય છે.

૫. માનવ મનની બે પ્રકારની શક્તિઓ હોય છે: કંઈક સર્જન કરવું અને અનુભવ કરવો. મોટા ભાગની આપણી વિચારસરણી સર્જનાત્મક પ્રક્રિયા હોય છે. આપણે હંમેશાં નવી વસ્તુઓ, નવા સંબંધો, નવા વિચારો, વગેરેનું સર્જન કરતા હોઈએ છીએ. જ્યારે આપણે કંઈક સર્જન નથી કરી શકતા ત્યારે સ્વપ્નલોકમાં રહીને મિથ્યા વસ્તુઓનું સર્જન કરીએ છીએ. વિજ્ઞાન અને કળાની બધી મહાન સિદ્ધિઓ સર્જનાત્મક એકાગ્રતા માટેના અથાક પ્રયત્નોનું પરિણામ છે. ધ્યાન એ મનને સર્જન કરતું અટકાવી પોતાના મૂળ તરફ લઈ જવાનો પ્રયત્ન છે. ધ્યાન એકાત્મતા અને શાંતિ તરફની કૂચ છે.

૬. સાધારણ એકાગ્રતા એ સમયની ભીતરની દોડ છે. જ્યારે ધ્યાન સમયહીનતા (Timelessness)માં રહેવાનો પ્રયત્ન છે. મનુષ્ય હંમેશાં સમયમાં જીવે છે. તેને સમયસર ખાવું પડે છે, સમયસર કામ કરવું પડે છે, સમયના બંધનમાં રહેવું પડે છે. સમયનાં આ બંધનોમાંથી ભાગી છૂટવા ને રજા લઈ ફરવા જાય છે પરંતુ ત્યાં પણ તેને સમયનું ભૂત છોડતું નથી. ત્યાં પણ નવલકથા અથવા સિનેમામાં મનને એકાગ્ર કરી તે પોતાને ભૂલવાનો પ્રયત્ન કરે છે, પણ નિષ્ફળ જાય છે. ધ્યાન એ મનુષ્યને સમયના બંધનમાંથી છોડાવીને તેના મનને ઉન્નત કરી ધીરે ધીરે સમય નિરપેક્ષતાની સ્થિતિમાં લઈ જવાનો પ્રયત્ન છે.

૭. એકાગ્રતા એક અચેતન પ્રક્રિયા છે, જ્યારે ધ્યાન એ સ્વ’ તરફ અભિમુખ થવાની ચેતન પ્રક્રિયા છે. આપણે ખાઈએ છીએ, બોલીએ છીએ, ચાલીએ છીએ, કામ કરીએ છીએ પણ એકાગ્રતાપૂર્વક આ બધું કર્યું હોવા છતાં આપણને બધો સમય આનું ભાન હોતું નથી. ડૉ. યુંગના કહેવા પ્રમાણે, આ બે વાક્યોમાં ઘણું અંતર છે. “હું કાર્ય કરું છું” અને “હું જાણું છું કે, હું કાર્ય કરું છું.”

૮. એકાગ્રતામાં બાહ્ય વસ્તુઓનું મહત્ત્વ છે. જો આપણે પુસ્તક વાંચતા હોઈએ તો પુસ્તક આપણી એકાગ્રતા નક્કી કરે છે. જો આપણે કાર્ય કરતા હોઈએ તો કાર્ય આપણા મનનું નિયંત્રણ કરે છે. ધ્યાનમાં બાહ્ય વસ્તુઓ વિશેષ ભાગ ભજવતી નથી, બુદ્ધિ દ્વારા ધ્યાનાવસ્થામાં મનનું નિયંત્રણ થાય છે.

ઉપર્યુક્ત ચર્ચા પરથી જણાશે કે, ધ્યાન કરવું એ સરળ પ્રક્રિયા નથી, ખરેખર તો, પતંજલિ પોતાનાં યોગસૂત્રોમાં ધ્યાનને સાતમા સોપાન તરીકે પ્રસ્તુત કરે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા પછી ધ્યાનના સોપાનને રજૂ કરે છે. જ્યાં સુધી પહેલાંનાં સોપાનોમાં સાધકે દક્ષતા પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી ઊંડું ધ્યાન તેના માટે શક્ય બની શકતું નથી. શ્રી અરવિંદ પણ એમ માને છે કે, યોગનો માર્ગ લાંબો છે અને તસુએ તસુ જમીન ભયંકર પ્રતિરોધનો સામનો કરતાં કરતાં મેળવવાની હોય છે.

આનો અર્થ શું આપણે ધ્યાનના પ્રયત્નો છોડી દેવા? ના, ઊંડું ધ્યાન આપણા માટે અત્યારે શક્ય ન હોય તો પણ સાધારણ ધ્યાન પણ આપણને લાભદાયક નીવડી શકે છે. પ્રારંભિક અવસ્થાનું ધ્યાન સાધકને પોતાના મનને સમજવાની શક્તિ આપે છે. પોતાના જીવનની દિશા ઠીક કરવામાં સહાયરૂપ થાય છે, તેને વધુ અંતર્મુખી બનાવવામાં સહાયરૂપ થાય છે અને તેની ઈચ્છાશક્તિ, બુદ્ધિ અને ભાવનાઓને એકરૂપ કરી તેના વ્યક્તિત્વમાં સમગ્રત્વ લાવવામાં મદદરૂપ થાય છે.

(સંપૂર્ણ)

Total Views: 265

One Comment

  1. Shakti Kishorbhai Gohel June 27, 2023 at 10:13 am - Reply

    🙏😇

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.