(ગતાંકથી આગળ)

જ્યારે આપણે સંસારનો દોષ કાઢીએ છીએ, ત્યારે આપણે એ તપાસતા નથી કે દોષ ખરેખર સંસારનો છે કે પોતાનો? આપણે આત્મસમીક્ષા કરવી જોઈએ કે, ‘ના, દોષ તો પોતાનો જ છે!’ આવી બધી બાબતનો વિચાર કરવો જોઈએ. વિચાર કરીને પોતાને એ રીતે તૈયાર થવું જોઈએ. જગત તો કંઈ બદલાવાનું નથી, એ તો જેવું છે તેવું જ રહેશે. પોતાની દૃષ્ટિને જ બદલવી પડશે.

ભગવાન ઉપર અનુરાગ થાય ત્યારે આપણી દૃષ્ટિ બદલાઈ જાય છે. આ જ ઉપાય છે. આ ઉપાયનું અનુસરણ કરવાથી ભગવાનની કૃપા અને સાક્ષાત્કાર બધું મળે. એ આપણા અંતરને દૈવી સંપદથી ભરી દે છે. આ એવી સંપદ છે કે જેના વડે ભગવાનને પ્રાપ્ત કરી શકાય.

બધું આપણી અંદર જ છે. પણ આપણે એ બધાંને ભૂલીને બીજા કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે એના તરફ એક નજર પણ નાખતા નથી. ઠાકુરની ભાષામાં, “ખબર નહિ.”

ઉપનિષદની એક વાતમાં એવું આવે છે કે, અમૂલ્ય સંપત્તિ માટીની નીચે દટાયેલી પડી છે. એક જણ એના ઉપરથી આવજા કરે છે. પણ એ દાટેલી સંપત્તિ એને કશા કામમાં આવતી નથી. કારણ કે એને ખબર નથી કે નીચે આટલું ધન દાટેલું પડ્યું છે. જો એને ખબર હોત તો એ ધન એને કામમાં આવત. એવી રીતે, આપણી અંદર પણ ભગવાન માટેની વ્યાકુળતા ભરી તો છે પણ આપણે મનને સંસારમાં વળગાડી રાખ્યું છે અને એના મૂળ સ્વરૂપને દબાયેલું પડ્યું રાખ્યું છે. આ સ્વરૂપથી દૂર ગયેલા અને બહાર ફેલાયેલા મનને પાછું વાળીને સ્વરૂપસ્થ કરવાનું કામ બહુ મુશ્કેલ છે. એના માટે પ્રયત્ન કરવાનું નામ જ સાધના છે. જે મન સંસારમાં ફેલાયેલું છે, તેને ધીરે ધીરે પ્રયત્ન કરીને ભગવાનમાં સ્થિર કરવું, એનું જ નામ ‘સાધના’ છે. આ કંઈ એકાએક બની જાય તેવું નથી. ઉપનિષદમાં કહ્યું છે કે, મનને ધીરે ધીરે સંસારમાંથી પાછું વાળી લેવું પડશે. વિષયોમાંથી મનને છૂટું પાડવું પડશે. આ કંઈ એકદમ નહિ થાય. ધૈર્યથી કામ લેવું પડશે. એ રીતે મન ક્રમશ: ભગવાન તરફ વળશે અને સાથે સાથે એ રસ્તે જવા માટે સ્ફૂરણ પણ થયા કરશે. એ માટેના ઉપાયની ધારણા પણ મળશે, રસ્તો સૂઝતો જશે.

એક વખત ‘ઉદ્‌બોધન’માં (શ્રીમાના નિવાસસ્થાનમાં) એક નવા ભક્તે સ્વામી શારદાનંદજી મહારાજને કહ્યું કે, “હું સાધુસંગ કરવા આવ્યો છું.” મહારાજે તેને કહ્યું, ‘બાપુ, દક્ષિણેશ્વરમાં ઠાકુરની સાથે કર્મચારી લોકો વર્ષોનાં વર્ષો સુધી રહ્યા છે. છતાં તેમના જીવનમાં કોઈ વિશેષ પરિવર્તન થયેલું જોવા મળતું નથી અને તું ફક્ત આજે જ આવીને સાધુસંગ કરીને એનું ફળ ખિસ્સામાં ભરીને લઈ જઈશ એમ? એવી રીતે સાધુસંગ થાય નહિ. સાધુસંગ એટલે ખાલી કંઈ સાધુ પાસે રહેવું કે જવું નહિ, પણ સાધુને આદર્શ તરીકે સ્વીકારીને એમના જીવન પ્રમાણે પોતાનું જીવન ઘડવાનો પ્રયત્ન કરવો તે છે.’ જેની પાસે જવાથી ભગવદ્‌ભાવનું સ્ફૂરણ થાય, તે જ સાધુ. એવા સાધુના સંપર્ક-સંસ્પર્શમાં જે કોઈ આવે તે પણ સાધુની પેઠે જ ભગવદ્‌ભાવમાં રંગાઈ જાય છે. એ જ સાધુસંગ કહેવાય અને તો જ એવો સાધુસંગ ફળદાયી ગણવામાં આવ્યો છે.

ભગવાનને તો આપણે જોયા નથી એટલે ભગવાનના અસ્તિત્વમાં આપણો વિશ્વાસ જામ્યો નથી. ભગવાનને આપણે સાંભળ્યા પણ નથી. હા, પુસ્તકોમાં લખેલ છે પણ પુસ્તકોમાં ‘પ્રાણ’ નથી એટલે આપણું કશું કામ થતું નથી. પણ સાધુના જીવનમાં તો ભગવાનનો ભાવ જીવતો જાગતો દેખાય – સંભળાય છે – પ્રત્યક્ષ છે એટલે ઠાકુરે સાધુસંગ કરવાનું કહ્યું છે.

આ પ્રેરણા મેળવવા પ્રબળ અભીપ્સા જોઈએ, તલસાટ જોઈએ, આકાંક્ષા જોઈએ. સાધુને અનુસરવાની આકાંક્ષા લઈને સાધુસંગ કરવો જોઈએ. હેતુ વગરનો સાધુસંગ કશું જ ફળ આપતો નથી. સાધુ પાસે જઈને વિનયપૂર્વક એની સાથે રહીને એના જીવનના આદર્શમાં જે રીતે શિક્ષણ મળે, તે મેળવવાની કોશિશ કરવામાં આવે, તેનું જ નામ સાચો સાધુસંગ કહેવાય. જે સાધુમાં જેટલો ભગવદ્‌ભાવ ભરપૂર હોય, તેટલો ભરપૂર વિશ્વાસ અને સંગ કરનારામાં પણ જન્મે છે, તેટલી જ મનમાં પ્રેરણા જાગે છે અને તેટલી જ એનું અનુસરણ કરવાની અભીપ્સા ઉત્પન્ન થાય છે. એક શ્લોકમાં કહ્યું છે કે, ‘तद् विष्णोः परमं पदम् सदा पश्यन्ति सूरयः दिवि च चक्षुरायतम्- જ્ઞાની વ્યક્તિ તો વિષ્ણુના પરમ પદને આકાશમાં વિસ્ફારિત આંખોની જેમ હંમેશાં જુએ છે.’

આ વાતનો અર્થ આમ થયો કે માંડ કોઈ એકલ-દોકલ આ પ્રકારના જોવા મળે અને ત્યારે તેમની પાસેથી પ્રેરણા મળે, મનમાં વિશ્વાસ જાગે કે ભગવાન જરૂર અસ્તિત્વ ધરાવે છે જ. નહિતર આ માણસનું જીવન આટલું કઈ રીતે પલટાઈ ગયું! ‘સાધુ જો ભગવાન લઈને જ રચ્યોપચ્યો રહ્યો, તેમાં મને શો ફાયદો થશે?’ એના જવાબમાં કહેવાનું કે, ‘મારો ફાયદો એ છે કે, એને જોઈને મનમાં ભગવાનની હસ્તીમાં શ્રદ્ધા બેસે છે, જો હું ભગવાનનું ચિંતન કર્યા કરું, તો મારું જીવન પણ આની જેમ જ બદલાઈ જઈ શકે છે.’ સાધુ શું કરે છે, કેવી રીતે જીવે છે, વગેરે જોતાં જોતાં એ રસ્તે જવા માટે પ્રેરણા અને નિર્દેશ મળે છે. એટલે સાધુસંગ વગર શ્રદ્ધા જન્મે નહિ, શ્રદ્ધા મેળવવી બહુ જ કઠિન છે. જેને કોઈ વખત જોયેલો નથી, જાણેલો નથી, તેના અસ્તિત્વ માટે સંદેહ તો રહેવાનો જ, પણ જો કોઈ એકાદના જીવનમાં એનો પ્રકાશ જોવા મળે, ભગવાનનું ચિંતન કરવાથી કેવી રીતે જીવન પલટો થયો તે જણાય ત્યારે મનમાં એમ થાય કે બસ, આ જ આદેશ છે! જ્યારે બુદ્ધદેવ જરા-મૃત્યુ-વ્યાધિથી સર્વજનોને અભિભૂત થયેલા જોઈને એમાંથી ઊગરવાનો ઉપાય શોધવામાં લાગી ગયા, તે જ વખતે એક ત્યાગી સંન્યાસીને જોઈને તેઓ પ્રભાવિત થઈ ગયા : આવા જ જનો આ દુ:ખમય સંસારમાં રહીને પણ આટલા આનંદિત રહી શકે. એટલે એમણે એ પંથનું અનુસરણ કરીને ઘરનો ત્યાગ કર્યો. સાધુસંગનું આ પરિણામ છે.

ઠાકુરે ત્રીજો ઉપાય બતાવ્યો છે : વચ્ચે વચ્ચે એકાંતવાસ કરતા રહેવું. આપણને ભગવાનને ભૂલીને જીવવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે સંસારના સાચા સ્વરૂપનો કશો ખ્યાલ જ નથી. ઠાકુર કહે છે તેમ, જેમ કોઈ માછલી જાળમાં પડીને પોતાનું મોઢું કાદવમાં વધારે ખૂંચાડીને પછી વિચારે કે હવે ડરનું કોઈ કારણ નથી પણ એ જાણતી નથી કે, હમણાં પેલો માછીમાર એને ખેંચીને કાંઠા ઉપર ફેંકશે અને પ્રાણ જશે. બધ્ધ જીવની પણ આ જ દશા છે. એટલા માટે અવારનવાર એકાંતમાં જઈને માણસે વિચારવું જોઈએ કે જીવનનો ઉદ્દેશ શો છે? અને પોતે કેવું જીવન જીવી રહેલ છે? આમ, વચ્ચે વચ્ચે સંસારની બહાર ન જઈએ તો સંસારની નશ્વરતાનો ખ્યાલ આવી શકે નહિ. ગીતામાં ભગવાન કહે છે : ‘अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् (૯/૩૩) આ જગતને અનિત્ય અને દુ:ખમય માનીને મારું ભજન કરો.’ આપણને શું એની સમજણ આવી છે? આપણે રોજબરોજ જોઈ રહ્યા છીએ કે, બધાં જ જઈ રહ્યાં છે બધાંનો નાશ થાય છે. કેટલાય પોતાના આત્મીય સ્વજનોને ગુમાવીને હાહાકાર કરી રહ્યા છે. પણ આપણને તો લાગે છે કે એનું એવું થયું પણ આપણું થોડું કંઈ એવું થવાનું છે?

આમ, આપણને જગતની અનિત્યતાની સમજણ આવતી જ નથી. સુખમાં પણ એ નથી આવતી અને દુ:ખમાં પણ એ નથી આવતી. આટલા માટે જ, આપણે જો નિર્જનમાં જઈને જિંદગીનાં પાનાં ઉથલાવીને આ અસારતાને સમજતાં શીખીએ તો જગતની અનિત્યતાને સમજી શકીએ. જગતમાં મન રાખી મૂકવાથી આપણે પરમાર્થ બગાડીએ છીએ. જગતની દુ:ખમયતાની આ સમજણ દૃઢ થાય તો જગત આપણા મનને ખેંચી શકશે નહિ. એવું નથી કે, બધાએ જ સંસાર છોડીને ચાલવા માંડવું. પણ સંસાર પરની તીવ્ર આસક્તિ ભગવાનને ભુલાવી દે છે અને સંસારનું ભયાનક રૂપ સમજવા દેતી નથી. સંસાર શું છે? ફૂલની ચાદર નીચે ઢંકાયેલું સડેલું મડદું જ. જો આવું સમજાઈ જાય તો સંસારનું આકર્ષણ રહે નહિ. તો પછી એ સ્થિતિમાં સંસારનો શું લોપ થઈ ગયો? ના, લોપ ક્યાં થયો? આ તો સંસારની જે અસલ વસ્તુ છે, તેના તરફ મન વળી ગયું એટલે તો રસ્તો સરળ થઈ ગયો. આ રીતે પ્રયત્ન કરવાથી મન સંસારમાં પછી લિપ્ત થશે નહિ, પણ ભગવાન માટે ધલવલાટ કરશે. આ છે વ્યાકુળતા. આ વ્યાકુળતા જ્યારે આવશે ત્યારે આપણને સંસારના કોઈ ભોગ અટકાવી શકશે નહિ. હોમા પક્ષીની જેમ આપણે સીધી ભગવાન તરફ જ દોટ મૂકીશું. ત્યાં સુધી તો માત્ર દેખાવ જ છે. આવા દેખાડાધર્મથી કોઈ કામ ન થાય. વ્યાકુળતા આવે એટલે ભગવાન જ નક્કી અસલ વસ્તુ લાગે. જગતની વસ્તુને તુચ્છ સમજીને ભગવાન જ સારવસ્તુ ન લાગે ત્યાં સુધી કોઈ કામ થાય જ નહિ-ગૃહસ્થનું પણ નહિ અને સંન્યાસીનું પણ નહિ. .

(૧૭ નવેમ્બર, ૧૯૮૮ના શ્રીરામકૃષ્ણ મિશન, શિલોંગમાં આપેલું ભાષણ -બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’માંથી સાભાર)

Total Views: 152

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.