મંદિરમાં જઈને જોયું, ફરી પાછો એટલો જ અપાર જનસમૂહ. મંદિરમાં પ્રવેશ કરવા માટે પૂર્વીય દ્વાર પર જમણી-ડાબી બાજુએ બે લાંબી લાઇનોમાં દર્શનાર્થીઓ ઊભા હતા. કેટલાક પોલીસ સોટી દ્વારા ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હું જમણી બાજુની લાઇનમાં ઊભો રહ્યો. આ ધક્કામુક્કીમાં પોતાની જાતને પણ સંભાળવી મુશ્કેલ થઈ ગઈ હતી. હાથમાંના પાત્રની તો વાત જ ક્યાં! એટલામાં દર્શનાર્થીઓનું એક મોટું ટોળું આવ્યું અને એક નવી લાઇન બનાવીને ગોઠવાઈ ગયું. કેટલાક લોકો મોડા આવવા છતાંય આગળ જવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ કારણે અવ્યવસ્થા પરાકાષ્ઠાએ પહોંચી હતી. એટલામાં પોલીસે આવીને બધું ઠીકઠાક કરી દીધું, ફરી પાછી એક જ લાઇન થઈ ગઈ. વ્યવસ્થા કરવાની પોલીસની રીત અનોખી હતી. તેઓ લોકો પર અંધાધૂંધ લાઠી ચલાવતા હતા. લાઠીનો માર ખાઈ ખાઈને લોકો પાછળ હઠતા જતા હતા, એટલે એક જ લાઇન બની જતી હતી. લાઇનમાં કોણ આગળ ઊભું છે, કોણ પાછળ, એ જોવાની ફુરસદ ન હતી. આ રીતે બે-ત્રણ વખત લાઇનમાં ઊભો રહ્યો અને લાઠીનો માર ખાઈને પાછો ધકેલાતો રહ્યો. પછી તો હું હતાશ થઈ ગયો. આમને આમ એક કલાક વીતી ગયો. આ રીતે કલાકોના કલાક ઊભા રહેવા છતાંય કોઈ ફાયદો થશે નહીં, માત્ર લાઠીનો માર જ ખાવાનો થશે- આવું વિચારીને હું ભીડથી દૂર જઈને ઊભો રહ્યો. પાછો વળું કે નહીં, આવું વિચારી રહ્યો હતો એટલામાં અચાનક જોયું કે ડાબી બાજુની લાઇનના બધા દર્શનાર્થીઓને પોલીસે એકી સાથે મંદિર-પ્રવેશ કરાવી દીધો છે અને પ્રવેશદ્વાર સાવ ખાલી છે. હું નજીક જ ઊભો હતો. તેથી સત્વરે પ્રવેશદ્વાર પર પહોંચી ગયો. વાહ, મહાદેવજીની કૃપા! પેલી લાઇનમાંથી બહાર કાઢી મૂકીને અહીં પહેલું સ્થાન આપી દીધું! જેવું પોલીસે દ્વાર ખોલ્યું કે બધા ‘બોલ બમ’નો નારો લગાવતાં લગાવતાં ધક્કામુક્કી કરીને અંદરની બાજુ આગળ વધતા ગયા. બધાય ઉન્મત્ત હતા. હું પણ તેમની વચ્ચે ગમે તેમ કરીને અભિષેક પાત્રનું સંરક્ષણ કરતો રહીને આગળ વધ્યો. ગર્ભમંદિરમાં પહોંચીને જોયું તો એટલી નાનકડી જગ્યામાં અપાર જનસમૂહ હતો, ઊભા રહેવાનીય જગ્યા ન હતી. દૂરથી જોયું, શિવલિંગની નજીક બારણા પાસે કેટલાક પોલીસ મોટી લાઠી લઈને ઊભા હતા અને શિવલિંગ નજીક જેઓ જતા હતા તેમને આડેધડ લાઠી મારતા હતા, જેથી કરીને કોઈ પણ ત્યાં વધુ સમય રોકાય નહીં. કોઈ પણ રીતે લોકો શિવલિંગ પર જળ ચઢાવીને લાઠી ખાતાં ખાતાં પશ્ચિમ-ઉત્તર તરફના એકમાત્ર નિકાસમાર્ગથી બહાર નીકળી રહ્યા હતા. આ દ્વાર તથા પૂર્વીય દ્વાર (જે દ્વારેથી પ્રવેશ  કર્યો હતો) સિવાય બીજું કોઈ દ્વાર અથવા બારી ક્યાંય ન હતાં. દૂર પશ્ચિમ-દક્ષિણ ખૂણામાં એક નાનકડો પંખો ચાલી રહ્યો હતો. તે સિવાય હવાની અવરજવરનો કોઈ માર્ગ ન હતો. અંદર જતાં વેંત મારો શ્વાસ રુંધાવા લાગ્યો. હું પ્રવેશદ્વારથી થોડેક જ દૂર ઊભો હતો. આગળ-પાછળ જવાનો કોઈ ઉપાય ન હતો. જ્યારે લાગ્યું કે હવે હું શ્વાસ જ નહીં લઈ શકું, ત્યારે મનોમન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા, સ્વામીજી તથા શિવજીનું નામસ્મરણ કર્યું. એટલામાં તો ચમત્કાર થયો! ભીડ અણધારી રીતે આગળ વધી અને હું બરાબર શિવલિંગ નજીક ધકેલાઈ ગયો. અહીં નિકાસદ્વાર નજીક હોવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ ન જણાઈ. મેં બાબાની આ કૃપાથી અભિભૂત થઈને વધેલું દૂધ બાબાના મસ્તકે ચઢાવી દીધું. એ પણ સારું થયું કે સવારનો સમય હોવાથી પહેલા દિવસની જેમ બિલ્વપત્રોથી શિવલિંગ પૂર્ણતઃ આચ્છાદિત થયું ન હતું. શિવજીની કૃપાથી જ આ દર્શન શક્ય થયાં તથા પ્રાણરક્ષા થઈ. શિવજીની અહૈતુક કૃપાની અનુભૂતિ કરતો કરતો હું મંદિરમાંથી પાછો ફર્યો.

તે જ દિવસે શ્રી હરીશચંદ્ર પંડા સાથે વાતચીત થઈ. તેમના પૂર્વજોના સમયથી સંરક્ષિત સ્વામી વિવેકાનંદ તથા તેમના અન્ય ગુરુભાઈઓએ લખેલા પત્રો પણ તેમણે બતાવ્યા જે તેઓએ અહીં દર્શને આવ્યા ત્યારે પંડાજીના દાદાને લખ્યા હતા. પંડાજીએ વાતચીત દરમિયાન કહ્યું કે તેમણે પોતાના દાદા પાસેથી સાંભળ્યું હતું- જ્યારે સ્વામીજી અહીં પધાર્યા હતા ત્યારે તેઓ કલાકો સુધી મંદિરમાં શિવલિંગ સમક્ષ ધ્યાનરત તથા અશ્રુપાત કરતા જોવા મળતા હતા. અહીં સ્વામીજી સ્વાસ્થ્ય-સુધાર માટે ૧૬ સપ્ટેમ્બર, ૧૮૯૮ના રોજ પધાર્યા હતા પરંતુ સ્વાસ્થ્ય એટલું બગડી ગયું કે ૨૨ જાન્યુઆરી, ૧૮૯૯ના રોજ તેમને કોલકાતા જવું પડ્યું. તેમને દમનો વ્યાધિ હતો, તે દેવઘરમાં અત્યધિક વધી ગયો. એક વખત તો પ્રાણસંકટ પણ ઉપસ્થિત થઈ ગયું હતું. પછીથી સ્વામીજીએ એક શિષ્ય સાથેના વાર્તાલાપમાં કહ્યું હતું, ‘દેવઘરમાં એક વખત મારો દમનો વ્યાધિ એટલો બધો વધી ગયો હતો કે પ્રાણ નીકળી જવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો. એ સમયે પણ જોયું કે અંદરથી સોઽહમ્ ધ્વનિ નીકળી રહ્યો છે.’

શિવાવતાર સ્વામીજીની પણ શિવજીએ આ રીતે પ્રાણરક્ષા કરી.

હે ભોલે બાબા! તમારી અતિશય કૃપાથી જ તમારાં દર્શન થયાં, સ્પર્શ થયો. તમે જ પ્રાણરક્ષા પણ કરી. ખબર નહીં, ફરીથી ક્યારે દર્શન થશે! તમારાં દર્શનની તીવ્ર આકાંક્ષા સાથે આ ધામ છોડીને જઈ રહ્યો છું. પરંતુ જ્યાં સુધી મંદિરના સંચાલકગણ તથા દેવઘરના પ્રશાસકગણ મંદિરની અંદર સુયોગ્ય વાતાનુકૂલન તથા દર્શનની યોગ્ય વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી શ્રાવણ માસમાં હું નહીં આવું. ત્યાં સુધી કવિ વિદ્યાપતિના શબ્દોમાં जगत विदित वैद्यनाथ सकल गुण आगार हे – તમને અલવિદા! તમને શત કોટિ કોટિ પ્રણામ! હર હર બમ બમ!!

Total Views: 559

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.