(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ વાઈકોફ, મિસિસ હેન્સબ્રો, અને મિસ હેલન એમનાં પ્રધાન અનુયાયીઓ હતાં. સ્વામીજી જાન્યુઆરી, 1900નાં કેટલાંક અઠવાડિયાં સાઉથ પેસેડિના નગરસ્થિત એમના ઘરે રોકાયા હતા. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the West, Vol. 5, પૃ. 263-265ના આધારે આ લેખની રચના થઈ છે. -સં.)

સ્વામી વિવેકાનંદનાં શિષ્યા મિસ મેક્લાઉડ થોડા દિવસો મીડ ભગિનીઓના ઘરમાં મહેમાન બનીને રહ્યાં હતાં. મિસિસ હેન્સબ્રો કથિત ‘સ્મૃતિકથા’માં આપણને ક્યારેક ક્યારેક મિસ મેક્લાઉડ પ્રતિ અધીરાઈનો ભાવ દેખાય છે. છતાં પણ જ્યારે મિસ મેક્લાઉડ મિસિસ હેન્સબ્રોના ઘરે મહેમાન હતાં ત્યારે એ બે વચ્ચેનો તણાવ અદૃશ્ય થઈ ગયો હતો. મિસિસ હેન્સબ્રો કહે છે: “એ (મિસ મેક્લાઉડ) ત્યારે જ અહંકાર બતાવે છે કે જ્યારે બીજા લોકો અહંકાર બતાવતા હોય. અને એ ક્યારેય સ્વામીજીને અહંકાર બતાવવાની ભૂલ ન કરતી. જ્યારે એ વધુ પડતા ગર્વથી વાત કરતી ત્યારે સ્વામીજી ઘણી વાર એને, ‘હવે રહેવા દે’ કહી દેતા. પરંતુ મેં સ્વામીજીને માત્ર એક જ વખત મિસ મેક્લાઉડની સાથે તીક્ષ્ણતાથી વાત કરતાં સાંભળ્યા હતા.”

પેસેડિનામાં સ્વામીજી વર્ગ લેતા ત્યારે અનેક શ્રોતાઓ એકત્ર થઈ જતા. તેથી એમને સમાવિત કરવા માટે વર્ગોનું આયોજન પેસેડિનાની ગ્રીન હોટલના નૃત્યખંડમાં કરવામાં આવ્યું હતું.

મિસિસ હેન્સબ્રો આગળ કહે છે: “એક દિવસ વર્ગ શરૂ થતાં પહેલાં મિસ મેક્લાઉડ સ્વામીજીએ પોતાનું પ્રચારકાર્ય કેવી રીતે કરવું જોઈએ એ વિશે મંતવ્ય આપી રહ્યાં હતાં. એકાએક સ્વામીજીએ તેની તરફ ફરીને કહ્યું, ‘શું કરવું જોઈએ એ વિશે કશું બોલીશ નહીં!’ પરંતુ સ્વામીજી એમ પણ કહેતા કે ‘જો’નો સ્વભાવ ખૂબ મધુર છે. સ્વામીજી એને હંમેશાં ‘જો’ કહીને બોલાવતા.”

‘જો’ પણ સહજતાથી સ્વીકારતી કે સ્વામીજી એની સલાહ કે મંતવ્ય વિના વિચાર્યે સ્વીકારતા નહીં. ‘જો’ ફેબ્રુઆરી, 1900માં મેરી હેઈલને લિખિત એક પત્રમાં કહે છે: “સ્વામીજીને ખબર છે કે મારી મર્યાદા ક્યાં આવી જાય છે. કેલિફોર્નિયામાં એમણે કહ્યું હતું, ‘તું ક્યારેય એક કર્મી રહી નથી, માટે જ કર્મીઓ (વેદાંતના પ્રચારકો) વિશે તારા અભિપ્રાયની કિંમત ઝાઝી નથી.’”

સંધ્યા-ભોજન બાદ સ્વામીજી પોતાના ઘનિષ્ઠ મિત્રો અને શિષ્યોથી ઘેરાઈને બેસતા ત્યારે તેઓ વિભિન્ન વિષયો વિશે અનેક વાતો કરતા. દુ:ખની વાત છે કે કોઈએ પણ સ્વામીજીની આ વાતોની નોંધ રાખી નથી. ઉત્તર કેલિફોર્નિયાની વેદાંત સોસાયટીના અધ્યક્ષ સ્વામી અશોકાનંદે પહેલી વાર મિસિસ હેન્સબ્રો પાસેથી એ દિવસોની વાતો તાજી કરાવી હતી અને પોતે એની નોંધ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો સ્વામીજીએ મિસિસ હેન્સબ્રોના ઘરેથી વિદાય લેવાનાં ચાલીસ વર્ષ વીતી ગયાં હતાં અને મિસિસ હેન્સબ્રોને થોડી વાતો જ યાદ હતી. તેઓ કહે છે, “સ્વામીજી દર્શનશાસ્ત્ર, વિજ્ઞાન, અમેરિકાનો વિકાસ, વગેરે વિભિન્ન વિષયો વિશે બોલતા. તેઓ અમારા રાષ્ટ્રિય જીવનનાં બધાં પાસાઓમાં ખૂબ રસ ધરાવતા હતા. પરંતુ તેઓને સંપત્તિનું એકત્રીકરણ પસંદ ન હતું. તેઓ કહેતા કે જો અમે અમારી સભ્યતાનું આધ્યાત્મીકરણ નહીં કરીએ તો પચાસ વર્ષમાં જ એનું પતન થશે. અમે  ભૌતિક મૂલ્યોની પૂજા કરવાનું ચાલુ કર્યું છે અને એ મૂલ્યોના આધારે કશાનું ગઠન થઈ શકે નહીં.”

એ વખતે અમેરિકામાં મૂડીપતિઓનું વર્ચસ્વ એટલું બધું હતું કે તેઓ ઉદ્યોગજગત ઉપર પોતાનો ભરડો જમાવીને બેસી ગયા હતા અને નાના વેપારીઓ તથા કામદાર વર્ગનું શોષણ કરી રહ્યા હતા. 1900માં સ્વામીજીએ કહેલ આ વાત સાચી જ પડી હતી. 1929માં અમેરિકામાં એટલી ભયાનક આર્થિક મંદી આવી હતી કે એમની અર્થવ્યવસ્થા અને સમાજ ભંગાણના આરે આવીને ઊભાં રહી ગયાં હતાં. તેઓ આ મહાસંકટમાંથી ત્યારે જ ઊગર્યા હતા કે જ્યારે હિટલરે યુરોપને બીજા વિશ્વયુદ્ધમાં હોમી દીધું હતું અને યુરોપને એટલાં બધાં હથિયારો તથા વાહનોની જરૂર પડી હતી કે અમેરિકા પાસેથી એ બધું ખરીદવું પડ્યું હતું.

મિસિસ હેન્સબ્રો કહે છે: “સ્વામીજી ઘણી વાર સંધ્યા-ભોજન બાદની બેઠકોમાં અમને કશુંક વાંચીને સંભળાવતા. તેઓ એક ઉત્કૃષ્ટ વાચક હતા અને અંગ્રેજી ભાષાનું એમનું ઉચ્ચારણ અતિ સુસ્પષ્ટ હતું. એક દિવસે તેઓ અદ્વૈત વેદાંત વિશે બોલી રહ્યા હતા. વાત-વાતમાં એમણે સ્વરચિત ‘સંન્યાસીનું ગાન’ વાંચીને સંભળાવ્યું હતું. બીજા એક પ્રસંગે અમે મોડી સંધ્યા સુધી (ઠંડું વાતાવરણ હોવાથી) અગ્નિની પાસે બેસીને વાતો કરી રહ્યાં હતાં. તેઓ સ્વરચિત પુસ્તક ‘ભક્તિયોગ’માંથી ‘ગુરુની આવશ્યકતા’ વાંચવા લાગ્યા. આ સમયે તેઓ હેલનની સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. થોડી વાર પાઠ થયા બાદ કોઈ કારણોસર હેલને ઊભા થઈ સ્વામીજીના શયનગૃહની મીણબત્તી સળગાવી અને એમના હાથમાં આપી. સ્વામીજીએ પૂછ્યું, ‘શું હવે મારા શયનનો સમય થઈ ગયો છે?’ હેલને ઉત્તર આપ્યો, ‘અગિયાર તો વાગી ગયા છે.’ અને આમ એ દિવસની બેઠકનો અંત આવ્યો.”

એ સમયે બધાં ઘરોમાં વીજળીના દીવાઓ આવ્યા ન હોવાથી રાત્રે મીણબત્તી દ્વારા ઓરડાઓ પ્રકાશિત કરવામાં આવતા હતા. હેલન મીડ ભગિનીઓમાંની સૌથી નાની ભગિની હતી. સ્વામીજી તેને ‘ભત્રીજી હેલન’ કહીને સંબોધતા.

અનેક દિવસો બાદ આ પ્રસંગ યાદ કરતાં મિસિસ હેન્સબ્રો કહે છે: “અમને ત્રણેય બહેનોને લાગે છે કે એ દિવસે સ્વામીજી હેલનને પોતાની શિષ્યા બનવાનું આમંત્રણ આપી રહ્યા હતા. હેલન કહેતી કે એને ખબર નથી કે એણે શા માટે એ આમંત્રણ સ્વીકાર્યું નહીં. એણે એ સમયે દીક્ષા લેવા વિશે કોઈ આગ્રહ અનુભવ્યો ન હતો.”

આશ્ચર્યની વાત છે કે સ્વામીજી સાથે આટલો ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં ત્રણમાંથી એક પણ ભગિનીએ સ્વામીજી પાસેથી દીક્ષા લીધી ન હતી કે અનૌપચારિક રીતે પોતાને સ્વામીજીની શિષ્યા માનતી ન હતી. સ્વામીજીએ કેલિફોર્નિયા છોડ્યા બાદ સ્વામી તુરીયાનંદને ત્યાં વેદાંત-પ્રચાર માટે મોકલ્યા હતા. મીડ ભગિનીઓ નિયમિત તુરીયાનંદજીનાં વર્ગો અને પ્રવચનોમાં ભાગ લેતાં. સમયાંતરે મિસિસ વાઈકોફ અને હેલન એમનાં શિષ્યા બન્યાં હતાં. 

તુરીયાનંદજીએ મિસિસ વાઈકોફને સંસ્કૃતમાં ‘લલિતા’ નામ આપ્યું હતું અને મિસિસ હેન્સબ્રોને ‘શાંતિ’ નામ આપ્યું હતું. પરંતુ મિસિસ હેન્સબ્રો તુરીયાનંદજીનાં પણ શિષ્યા બન્યાં ન હતાં. એક દિવસ સ્વામી વિવેકાનંદે મિસિસ હેન્સબ્રોને પૂછ્યું હતું કે “તમે શા માટે અમારા સંઘમાં જોડાતાં નથી?” એમણે ઉત્તર આપ્યો હતો કે એણે પોતાના નાનકડા જગતની સંભાળ લેવી પડે એમ છે. 

આમ જોવા જઈએ તો મીડ ભગિનીઓ ઔપચારિક રીતે સ્વામી વિવેકાનંદનાં શિષ્યા હતાં નહીં પરંતુ સ્વામીજીના કેલિફોર્નિયા-નિવાસ દરમિયાન તેઓએ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક સ્વામીજીની સેવા કરી હતી અને એમના વેદાંત-પ્રચારના કાર્યમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જાણે કે સ્વામીજી એમના પોતાના ભાઈ હતા. સ્વામીજીએ એમને કહ્યું હતું, “હું તમને ત્રણેયને પહેલેથી જ ઓળખું છું.”

સ્વામીજીની સાથે ઘણી વાર આમ થતું. શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન ઘણા યુવકો નિયમિત એમનાં દર્શન કરવા માટે આવતા અને એમનો ઉપદેશ ગ્રહણ કરતા. શ્રીરામકૃષ્ણ કોનામાં ત્યાગ અને તપસ્યાનો ભાવ કેટલો દૃઢ છે, એ સમજી જતા. પોતાના ભાવિ સંઘની રચના માટે તેઓએ એ ત્યાગી યુવાનોને ચિહ્નિત કરીને રાખ્યા હતા. આ યુવાનોમાંના એક હતા નરેન અને બીજા એક હતા શરત્‌—જેઓ શ્રીરામકૃષ્ણદેવના નિધન બાદ સંન્યાસ ગ્રહણ કરીને સ્વામી વિવેકાનંદ અને સ્વામી સારદાનંદ બન્યા હતા. ‘શ્રીરામકૃષ્ણ-ભક્તમાલિકા’ પુસ્તકમાં પૃ.216 પર એક અદ્‌ભુત પ્રસંગ આલેખાયેલ છે:

ઈ.સ.1884ની શિયાળાની ઋતુ હતી, શશી અને શરત્ બંને બપોર પહેલાં જ નરેન્દ્રનાથના ઘરે ગયા અને ત્યાં શ્રીરામકૃષ્ણ વિશે વાતો કરવામાં એટલા તલ્લીન બની ગયા કે સાંજ પડી ગઈ તેની પણ ખબર ન પડી. પછી ત્રણેય હેદુઆ તળાવના કિનારે ફરવા ગયા. ત્યાં પણ નરેન્દ્રનાથની મનને પ્રસન્ન કરી દેતી વાતો તેઓ સાંભળતા રહ્યા અને ઘડિયાળે ટન-ટન-ટન એમ નવ ડંકા પાડ્યા! આથી નાછૂટકે નરેન્દ્રનાથ એ બંનેને તેમના ઘરે મૂકવા ગયા. ત્યાં પહોંચીને પણ વાતો પૂરી થઈ ન હતી અને આ બાજુ રાત વધુ ને વધુ ઘેરી બનતી જતી હતી. આથી શરત્‌ને, નરેન્દ્ર માટે નાસ્તા-પાણી કરાવી દેવાં જરૂરી લાગ્યાં. એમના આગ્રહથી નરેન્દ્ર ઘરની અંદર ગયા. પરંતુ દાખલ થતાં જ એકાએક થોભીને બોલી ઊઠ્યા: ‘અરે, આ ઘર તો મેં પહેલાં પણ જોયું છે! આમાં ક્યાં ક્યાં થઈને જવાય છે, ક્યાં કયો ઓરડો છે, એ બધું મારું જોયેલું છે—કેટલી નવાઈની વાત છે!’ નાસ્તા-પાણી બાદ નરેન્દ્ર પોતાના ઘરે પાછા ફર્યા. મિસિસ હેન્સબ્રોને 1900ની સાલમાં ન્યુ યોર્કથી લખેલ એક પત્રમાં સ્વામીજી કહે છે: “તમે ત્રણ બહેનો હંમેશને માટે મારા મનનો એક હિસ્સો બની ગયાં છો.”

Total Views: 426

One Comment

  1. Kajal lodhia September 18, 2022 at 10:16 am - Reply

    વાહ! મીડ ભગિનીઓ કેવી નસીબદાર ….

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram