(શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. – સં.)

ભગવાનની શક્તિવિશેષનો સાક્ષાત્ પરચો બતાડનારા કોઈક જાતનાં દર્શન વગેરે મેળવવા અતિશય આગ્રહ કરતા ત્યારે શ્રીરામકૃષ્ણ એ વિશે ભક્તોને ઘણી વાર કહેતા, “અરે, એ જાતનાં દર્શન કરવાની ઇચ્છા કરવી સારી નહિ. ઐશ્વર્ય જોઈને ભય ઊપજશે. ખવડાવવું, પહેરાવવું, પ્રેમ વડે (ઈશ્વરની સંગાથે) “તું – હું”નો ભાવ – એ બધું પછી ટકશે નહિ.” તેવે વખતે કેટલીયે વાર અમે ખિન્ન મને વિચાર્યું કે ઠાકુરને કૃપા કરીને એ પ્રકારનાં દર્શન આદિનો લાભ નથી કરાવવો એટલે જ અમને આ પ્રમાણે કહીને પટાવી દે છે. આવા વખતે જો કોઈ એકાદો ભક્ત વળી હિંમત ભેગી કરીને અંતરના વિશ્વાસપૂર્વક બોલતો કે “આપની કૃપાથી અસંભવિત સંભવિત થઈ શકે; કૃપા કરીને મને એવાં દર્શન કરાવી દો,” તો ઠાકુર જવાબમાં મધુર નમ્રભાવે કહેતા, “હું શું એવું કરી શકું, ભાઈ? માની જેવી ઇચ્છા તે જ બને.” એટલેથી જો કોઈ ભક્ત પાછો ના પડે અને બોલે કે “આપની ઇચ્છા થતાં જ માની ઇચ્છા થશે,” તો એના જવાબમાં ઘણીવાર શ્રીરામકૃષ્ણ એને સમજાવીને કહેતા, “મને તો મનમાં થાય કે તમને બધાંયને બધી જાતની અવસ્થા, બધી જાતનાં દર્શનો થાય, પણ તે થાય છે કયાં?” 

એનાથી પણ જો ભક્ત શાંત પડે નહિ અને વિશ્વાસપૂર્વક હઠ કર્યે રાખે, તો પછી શ્રીરામકૃષ્ણ એના ઉત્તરમાં કંઈ પણ બોલ્યા વિના સ્નેહભરી દૃષ્ટિ અને મૃદુમન્દ હાસ્ય દ્વારા એમની તરફની પોતાની પ્રીતિ દર્શાવતા રહીને માત્ર ચૂપ રહેતા અથવા કહેતા, “શું બોલું, ભાઈ, માની જે ઇચ્છા તેમ જ થાઓ.” આ જાતની હદ ઉપરાંતની હઠની પજવણી વેઠવી પડે તેમ છતાં પણ ઠાકુર તેમનો એ પ્રકારનો ભ્રમ ભરેલો દૃઢ વિશ્વાસ ભાંગીને તેમનો ભાવ નષ્ટ કરી આપવાની ચેષ્ટા કરતા નહિ. શ્રીરામકૃષ્ણનું આ જાતનું વર્તન અમે ઘણીવાર નજરે જોયું છે. તેઓશ્રીને વારંવાર બોલતા સાંભળ્યા છે કે “કોઈનો ય ભાવ નષ્ટ કરવો નહિ રે, કોઈનોય ભાવ નષ્ટ કરવો નહિ.”

ઇચ્છા અને સ્પર્શમાત્રથી બીજાનાં શરીર અને મનમાં ધર્મશક્તિ સંચારિત કરવાની ક્ષમતા આધ્યાત્મિક જીવનમાં અતિ અલ્પ સાધકોના નસીબમાં પ્રાપ્ત થાય છે. સ્વામી વિવેકાનંદ ભવિષ્યમાં આ શક્તિથી ભૂષિત થઈને ઘણું ઘણું લોકકલ્યાણ સાધશે, એ વાત શ્રીરામકૃષ્ણે અમને વારંવાર કહેલી. સ્વામી વિવેકાનંદ જેવા ઉત્તમ અધિકારી જગતમાં વિરલ હોય છે, એ વાત શરૂઆતથી જ શ્રીરામકૃષ્ણ સારી રીતે સમજી ગયા હોવાથી વેદાંતોક્ત અદ્વૈતજ્ઞાનના ઉપદેશથી તેમનું ચરિત્ર અને ધર્મજીવન એક ખાસ ભાવે ઘડી રહ્યા હતા. બ્રાહ્મસમાજની પ્રણાલિકા અનુસાર દ્વૈતભાવે ઈશ્વરોપાસના કરવા ટેવાયેલા સ્વામીજીની નજરમાં ત્યારે “સોઽહમ્” ભાવની ઉપાસના પાપ સમાન જણાતી. તે છતાં શ્રીરામકૃષ્ણ એમની પાસે તેનું અનુશીલન કરાવવા માટે અનેક રીતે પ્રયાસ કરતા. સ્વામીજી કહેતા કે “દક્ષિણેશ્વર પહોંચતાં જ ઠાકુર બીજાં બધાંને જે વાંચવાની મનાઈ કરતા, તે બધાં પુસ્તકો મને વાંચવા માટે આપતા. બીજાં બધાં પુસ્તકોની સાથે એમના ખંડમાં એક ‘અષ્ટાવક્ર સંહિતા’ હતી. એને બહાર કાઢીને કોઈ વાંચે છે, એમ જોવામાં આવતાં ઠાકુર એને એ પુસ્તક વાંચવાની મના કરતા અને ‘મુક્તિ અને તેનાં સાધન’, ‘ભગવદ્ ગીતા’ અથવા તો કોઈક પુરાણનો ગ્રંથ વાંચવા માટે ચીંધી દેતા. પણ હું જેવો એમની પાસે જાઉં કે તરત એ ‘અષ્ટાવક્ર સંહિતા’ બહાર કાઢીને વાંચવા માટે કહેતા. અથવા તો અદ્વૈતભાવપૂર્ણ ‘અધ્યાત્મ રામાયણ’નો એકાદો હિસ્સો વાંચી સંભળાવવા કહેતા. જો હું એમ કહેતો કે એ ચોપડી વાંચીને શું વળવાનું છે? ‘હું ભગવાન’, એવી વાત મનમાં લાવવી સુધ્ધાં પાપ. એવી પાપકથા આ પુસ્તકમાં લખેલી છે. એ ચોપડીને તો બાળી મૂકવી જોઈએ!’ એટલે ઠાકુર હસતાં હસતાં કહેતા, ‘હું કયાં તને વાંચવાનું કહું છું? થોડું મને વાંચી સંભળાવવાનું કહું છું. થોડુંક મને વાંચી સંભળાવને! એમાં તો કાંઈ તારે એવો વિચાર નહિ કરવો પડે કે તું જ ભગવાન!’ એટલે પછી આગ્રહને વશ થઈને થોડું ઘણું એમને વાંચીને સંભળાવવું પડતું.”

સ્વામીજીને આ રીતે ઘડી રહ્યા હતા, છતાં પણ શ્રીરામકૃષ્ણ પોતાનાં બીજાં ભક્ત સંતાનોમાંથી કોઈકને સાકારની, કોઈકને નિરાકાર સગુણ ઈશ્વરની ઉપાસના, વળી બીજાને શુદ્ધ ભક્તિ દ્વારા અને કોઈકને જ્ઞાનમિશ્ર ભક્તિથી – એમ ભિન્ન ભિન્ન રીતે ધર્મજીવનમાં આગળ ધપાવતા હતા. આ પ્રમાણે સ્વામી વિવેકાનંદ વગેરે બાલભક્તો દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણની સમીપે એકીસાથે સૂતા – બેસતા, આહાર – વિહાર, ધર્મચર્ચા વગેરે કરતા. છતાં પણ ઠાકુર અધિકારી ભેદે એમનું ઘડતર ભિન્ન ભિન્ન ભાવે કરી રહ્યા હતા.

સન ૧૮૮૬નો માર્ચ મહિનો. કાશીપુરના ઉદ્યાનમાં ઠાકુર ગળાના વ્યાધિથી દિવસે દિવસે ક્ષીણ થઈ રહ્યા હતા પરંતુ જાણે કે પહેલાંના કરતાં અધિક ઉત્સાહથી ભક્તોના ધર્મજીવનના ઘડતરમાં મન પરોવી રહ્યા હતા, ખાસ કરીને સ્વામી વિવેકાનંદના જીવનનું. અને વળી સ્વામીજીને સાધનમાર્ગનો ઉપદેશ આપીને તથા તેને લગતાં અનુષ્ઠાનમાં કેવળ સહાય કરીને જ ઠાકુર બેસી ન રહેતા. રોજ સાંજ પછી બીજાં સહુને દૂર મોકલીને એમને પોતાની પાસે બોલાવીને એકીસાથે બે – ત્રણ કલાક સુધી, એમની સાથેના બીજા બાલભક્તોને સંસારમાં ફરી પાછા ફરવા ન દેવા, એમને કેવી રીતે દોરવા પડશે અને એકત્ર રાખવા પડશે, એ બાબતની ચર્ચા કરતા અને ઉપદેશ આપતા.

ભક્તોમાંના લગભગ ઘણાખરા ત્યારે ઠાકુરનું આવું આચરણ જોઈને વિચારતા કે પોતાના સંઘને સારી રીતે સ્થાપવા માટે જ ઠાકુર ગળાના વ્યાધિનો એક ખોટો ઢોંગ રચીને બેઠા છે. જેવું એ કાર્ય સારી રીતે સિદ્ધ થઈ જશે કે પાછા પહેલાંના જેવા સ્વસ્થ બની જશે. એકમાત્ર સ્વામી વિવેકાનંદ પ્રતિદિન અંદર ને અંદરથી સમજતા જતા હતા કે ઠાકુર જાણે કે ભક્તોની પાસેથી સુદીર્ઘ કાળ માટે વિદાય લેવાના હોય તે મુજબ બધી ગોઠવણ અને વ્યવસ્થા કરી રહ્યા છે. તેઓ પણ એવી ધારણા દરેક વખતે રાખી શક્યા હતા કે નહિ, તે શંકાસ્પદ છે.

ત્યારે સ્વામીજીની અંદર સાધનાબળે સ્પર્શ વડે બીજાનામાં ધર્મશક્તિનું સંક્રમણ કરવાની ક્ષમતા જરાતરા ખીલી ઊઠી હતી. તેઓએ વચ્ચે વચ્ચે પોતાની અંદર એ જાતની શક્તિનો ઉદય સ્પષ્ટપણે અનુભવ્યો હતો; છતાં કોઈને પણ એ ભાવે સ્પર્શ કરીને એ બાબતના ખરાખોટાપણાની ચકાસણી કરી ન હતી. આમ છતાં પણ અનેક પ્રકારે ભિન્ન ભિન્ન પુરાવા મેળવીને વેદાંતના અદ્વૈતમતમાં પોતે શ્રદ્ધા ધરાવતા થયા હતા. એટલે તેઓ તર્કયુક્તિથી એ મત કિશોર અને ગૃહસ્થ બધા ભક્તોની અંદર ઉતારવા પ્રયત્નો કરતા હતા. એ વિષય અંગેના વાદવિવાદના તુમુલ તરંગો ઊછળતા, ભક્તોની અંદર કયારેક કયારેક ભારે ઘમસાણ મચી જતું. એનું કારણ એ છે કે સ્વામીજીનો તો સ્વભાવ જ એવો હતો કે જ્યારે જેને સત્ય તરીકે સમજતા કે તરત જ તેને ગાઈ-બજાવીને સહુને કહેતા અને તર્કયુક્તિથી બીજા એનો સ્વીકાર કરે એવા પ્રયત્નો કરતા. વ્યાવહારિક જગતમાં અવસ્થા અને અધિકારભેદે સત્ય વિવિધ આકાર ધારણ કરે છે, એ વાત બાળક સ્વામીજી ત્યારે સમજી શકયા ન હતા.

આજે ફાલ્ગુની મહાશિવરાત્રિ છે. બાલભક્તોમાંથી ત્રણચાર ભક્તોએ સ્વામીજીની સાથે વ્રત રાખીને સ્વેચ્છાપૂર્વક ઉપવાસ કર્યાે છે. પૂજા અને જાગરણ કરીને રાત્રિ ગાળવાનો એમનો મનોરથ. ગડબડ – ઘોંઘાટથી પાછી કયાંક ઠાકુરના આરામમાં ખલેલ પડે, એટલા માટે રહેઠાણના મકાનથી પૂર્વ દિશામાં જરાક દૂર આવેલ રસોઈઘર માટે બાંધેલ એક ઓરડીમાં પૂજાની ગોઠવણ થયેલી છે. સાંજ પછી એક મજાનું વરસાદનું ઝાપટું પડી ગયું છે અને નવીન મેઘમાં વખતોવખત મહાદેવની જટાની લટ સમી વીજળીનો ચમકાર જોઈને ભક્તજનો આનંદિત થયા છે.

દશ વાગ્યા પછી પહેલા પ્રહરની પૂજા, જપ અને ધ્યાન પૂરાં કરીને સ્વામીજી પૂજાને આસને બેઠાં બેઠાં જ વિશ્રામ સાથે વાતો કરવા લાગ્યા. સાથીમાંથી એક એમને માટે તમાકુ ભરવા બહાર ગયો અને બીજો કંઈક કામ પતાવવા રહેવાના ઘરની દિશામાં ગયો. એવે વખતે સ્વામીજીને પોતાની ભીતર અચાનક ઉપર કહેલી દિવ્ય વિભૂતિનો તીવ્ર અનુભવ થવા લાગ્યો અને તેમણે પણ આજે એને કાર્યમાં અજમાવીને એની અસરની પરખ કરી જોવાની ઇચ્છાથી સામે બેઠેલા સ્વામી અભેદાનંદને કહ્યું, ‘એક જરા વાર મને અડીને બેસ તો.’ એટલામાં તમાકુ લઈને ઓરડામાં પ્રવેશી રહેલા પેલા કિશોરે જોયું કે સ્વામીજી સ્થિરભાવે ધ્યાનસ્થ બેઠેલા છે અને અભેદાનંદ આંખો મીંચીને પોતાના જમણા હાથે સ્વામીજીના જમણા ઘૂંટણને સ્પર્શ કરી રહ્યા છે અને તેમનો એ હાથ વારંવાર કંપી ઊઠે છે. આ પ્રમાણે એકાદ – બે મિનિટ વીત્યા પછી સ્વામીજી આંખો ઉઘાડીને બોલ્યા, “બસ, થઈ ગયું. કેવો અનુભવ થયો તને?”

અ (સ્વામી અભેદાનંદ) – “બેટરી (Electric battery) પકડવાથી જેમ અંદર કશુંક આવે છે એમ લાગે અને હાથ કંપે એવો જ અનુભવ અત્યારે તમને અડવાથી થતો હતો.”

પેલી બીજી વ્યક્તિએ અભેદાનંદને પૂછ્યું, “સ્વામીજીને અડવાથી તમારો હાથ પોતાની મેળે જ એ પ્રમાણે કંપતો હતો?”

અ – “હા, સ્થિર રાખવાના પ્રયત્નો કરવા છતાં રાખી શકતો ન હતો.”

એ વિશે ત્યાર પછી બીજી કોઈ વાત થઈ નહિ. સ્વામીજીએ ચલમ પીધી. પછી સહુએ બીજા પ્રહરની પૂજા અને ધ્યાનમાં મન પરોવ્યાં. અભેદાનંદ એ વખતે ઊંડા ધ્યાનમાં મગ્ન બન્યા. આ પહેલાં આવી જાતના ઊંડા ધ્યાનમાં ડૂબેલા અમે એમને કયારેય જોયા ન હતા. એમનું આખું શરીર અક્કડ થઈ ગયું, ગરદન અને માથું વાંકાં થઈ ગયાં અને થોડા સમય માટે બાહ્ય જગતનું ભાન સંપૂર્ણ લુપ્ત થઈ ગયું. ત્યાં હાજર સહુને મનમાં થયું કે પહેલાં સ્વામીજીને સ્પર્શ કરવાને પરિણામે જ એમને આવું ઊંડું ધ્યાન લાગી ગયું છે. સ્વામીજીએ પણ એમની આવી અવસ્થા જોઈને એક સાથીને ઈશારાથી તે બતાવી.

પરોઢિયે ચારેક વાગ્યે ચોથા પ્રહરની પૂજા પૂરી થયા પછી સ્વામી રામકૃષ્ણાનંદે પૂજાઘરમાં આવીને સ્વામીજીને કહ્યું, “ઠાકુર બોલાવે છે.” સાંભળતાં જ સ્વામીજી વસવાટના મકાને બીજા મજલે ઠાકુર પાસે ચાલ્યા ગયા. ઠાકુરની સેવા કરવા માટે રામકૃષ્ણાનંદજી પણ સાથે ગયા.

સ્વામીજીને જોતાં જ ઠાકુર બોલ્યા, “કેમ રે? જરાક જેટલું ભેગું થયું ને ખર્ચી નાખ્યું? પહેલાં પોતાની અંદર સારી રીતે જમા થવા દે, પછી કયાં કેવી રીતે ખરચ કરવાનું છે તે સમજી શકીશ, મા પોતે જ સમજાવી આપશે. એની અંદર તારો ભાવ ઘુસાડીને એને તેં કેટલું નુકસાન પહોંચાડ્યું છે, કહે તો? આટલા દિવસો સુધી એ એક ભાવ અનુસાર આગળ વધતો હતો, તે બધોય નષ્ટ થઈ ગયો! જાણે છ મહિનાનો ગર્ભ પડી ગયો! જે થવાનું હતું તે થઈ ગયું, હવે પછી બીજી વાર ઉતાવળે આવું કશું કરતો નહીં. ગમે તેમ પણ, છોકરાનું નસીબ સારું છે.”

સ્વામીજી કહેતા કે “હું તો એકદમ અવાક થઈ ગયો. પૂજાને વખતે નીચે અમે જે જે કરેલું તે બધું ઠાકુર જાણી ગયા! શું કરું, એમના આવા ઠપકાથી ચૂપ થઈ ગયો.”

પરિણામે જોવામાં આવ્યું કે અભેદાનંદ જે ભાવની સહાયથી આ પહેલાં ધર્મજીવનમાં આગળ વધતા હતા તેનો તો સમૂળો ઉચ્છેદ જ થઈ ગયો અને વળી અદ્વૈતભાવને બરાબર પકડમાં લેવા-સમજવા માટે ઘણો સમય વીતી જશે. તેથી વેદાંતના નામ હેઠળ તેઓ કયારેક કયારેક જાત જાતનાં અનુચિત સદાચાર વિરુદ્ધ કૃત્યો કરવા લાગ્યા! ઠાકુર એમને ત્યાર પછીથી અદ્વૈત ભાવનો ઉપદેશ દેતા અને સ્નેહપૂર્વક એમનાં એવાં કાર્યાેની ભૂલ બતાવી દેતા. છતાં પણ એ ભાવથી પ્રેરાઈને જીવનના પ્રત્યેક કાર્યમાં યથાયોગ્ય આગળ વધવાનું તો અભેદાનંદને માટે ઠાકુરના દેહત્યાગના ઘણા કાળ પછી સાધ્ય બન્યું હતું.

Total Views: 655

2 Comments

 1. Deviben vyas September 3, 2022 at 11:01 am - Reply

  Dyalu krupalu thakurmaharaj sda sauni rkha kre chhe bhagvan tmaro jy Thao

 2. Prafulchandra Nabalai Dave September 8, 2022 at 2:32 am - Reply

  ખરેખર આ બધુજ અદભુત છે,
  જ્યારે પણ રામક્રુષ્ણદેવના મા કાલી અંગેનુ પુસ્તક વાચ્યુ ત્યારે અદભુતરોમાંચ થયેલ..,
  આ બધુજ સાચુ છે બસ તે અનુભવવા મનની પવિત્રતા જરુરી
  છે અને તે તરફના શ્રધ્ધાપુર્વકના પ્રયત્નો જરુરી છે.
  મને ધ્યાન પહેલેથીજ પસંદ છે, ભગવાનની ક્રુપા, સંતોના આશિષ ઘણાજ ઉપયોગી થાય છે.
  ઘણા સમય પહેલા રાજકોટ આવવાનુ થયેલ સંધ્યા આરતી
  મા ભાગ લેવાનુ સૌભાગ્ય મળેલ, શાંતિનો અદભુત અનુભવ થયેલ….🌹🌹🙏🙏💕

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram