(‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. -સં.)

ઓગસ્ટ 1919, રામકૃષ્ણ મિશન દ્વારા બાંકુડા જિલ્લામાં દુષ્કાળ-પીડિતો માટે રાહતકાર્ય ચાલી રહ્યુંં હતું. મહાપુરુષ મહારાજે મને પત્રમાં લખ્યું: “આપણા મઠ તરફથી બે સાધુઓએ બાંકુડા જિલ્લાના ઇન્દપુર વિસ્તારમાં દુષ્કાળ રાહતકાર્ય ચાલુ કર્યું છે. આ પત્ર મળવાની સાથે જ તું મઠમાં ચાલ્યો આવ. અમે તને બાંકુડામાં સેવાકાર્ય માટે મોકલીશું.”

પત્ર મળવાના બે-ત્રણ કલાકમાં જ હું પહેરેલા વસ્ત્રે ઘર ત્યાગ કરી બેલુર મઠ રવાના થયો.

ત્રણ દિવસની યાત્રા પછી મઠે પહોંચીને મહાપુરુષ મહારાજને પ્રણામ કરતાં જ તેઓએ આનંદપૂર્વક કહ્યું: “આવી ગયો? સારું કર્યું. આજે રાત્રે જ બાંકુડા જવા રવાના થઈ જજે.”

મેં ઇન્દપુર જઈને સેવાકાર્યમાં યોગદાન આપ્યું. માનું ઘર પણ એ જ બાંકુડા જિલ્લાના જયરામવાટી ગામમાં. અને મા એ સમયે ત્યાં જ હતાં. શ્રીમાનાં દર્શન કરી એમની કૃપા મેળવવાનો આ જ શુભ સુયોગ છે એમ વિચારી મેં મહાપુરુષ મહારાજને મારી ઇચ્છા વ્યક્ત કરતો એક પત્ર લખ્યો. જો તેઓ દયા કરીને મને દીક્ષા આપવા સંબંધે શ્રીશ્રીમાને ભલામણ કરતો એક પત્ર લખે તો જ મારી દીક્ષા સંભવ હતી.

મારો પત્ર મેળવીને મહાપુરુષ મહારાજે ઉત્તરમાં લખ્યું: “શ્રીશ્રીમાનાં શ્રીચરણ દર્શન કરવા માટે તેં ઇચ્છા પ્રગટ કરી છે, અતિ ઉત્તમ. તું જઈને માને કહેજે કે ‘શિવાનંદ સ્વામીએ તમારાં શ્રીચરણ દર્શન કરવા માટે મને આપની સમક્ષ મોકલ્યો છે. બાંકુડામાં દુષ્કાળ-પીડિતોની સેવા કરવા માટે તેમણે મને મોકલ્યો હતો. ત્યાંથી તમારાં શ્રીચરણ દર્શન અને કૃપાલાભ માટે આવ્યો છું. તમે કૃપા કરો.’ આમ કહેવાથી જ તેઓ તારી ઉપર દયા કરશે. તેમણે દયાના દરવાજા ઉન્મુક્ત કરીને રાખ્યા છે. જે એમની પાસે જાય એમાંથી કોઈને પાછા વાળતા નથી. માટે મારે એમને પત્ર લખી ભલામણ કરવાની કોઈ જરૂર નથી. આ પત્ર તું એમનાં શ્રીચરણ પાસે બેસીને વાંચી સંભળાવજે, એટલું પૂરતું છે.”

મહાપુરુષ મહારાજનો પત્ર મેળવીને ખૂબ જ આનંદ થયો—આનંદ અને આશાથી હૃદય છલકાઈ ઊઠ્યું. પરંતુ જે સેવાકાર્ય માટે આવ્યો હતો, એ પડતું મૂકીને તો જયરામવાટી જવાય નહીં, માટે જ માતૃદર્શનના સુયોગની અપેક્ષા કરવા લાગ્યો.

મહાપુરુષ મહારાજે પત્રમાં બે ગમછા માગ્યા હતા. સ્થાનિક બજારમાંથી ખરીદીને રજિસ્ટ્રી ટપાલ દ્વારા એમની પાસે મોકલાવી દીધા. બે ગમછા મેળવીને મહાપુરુષ મહારાજે લખ્યું: “તેં મોકલેલ બંને ગમછા આજે મળ્યા. શ્રીશ્રીમાનો કૃપાલાભ મેળવવો એ ખૂબ સારા ભાગ્યની વાત છે. તું જયરામવાટી જઈને શ્રીમાનાં શ્રીચરણે પ્રણામ કરીને કહેજે, ‘મા, મારી ઉપર કૃપા કરો.’ ત્યાર બાદ તેઓ દયાપૂર્વક તને જે કહે, એને તું શિરોધાર્ય કરજે. જો તેઓ કૃપા કરીને તને મંત્ર આપે તો જાણજે કે તું ખૂબ ભાગ્યવાન છો. તેઓ આપણા બધાનાં મા છે. તેમણે આપેલ મંત્ર ગ્રહણ કરવાથી તારો જન્મ સાર્થક થશે. અને જાણી રાખજે કે તેથી અમને પણ પરમ આનંદ થશે. તેઓ પ્રભુનું (શ્રીરામકૃષ્ણનું) નામ (મંત્ર) જ તને આપશે—બધાને તેઓ એ જ નામ આપે છે.”

આ પત્ર મેળવીને શ્રીશ્રીમાનાં દર્શન માટે મન ખૂબ જ વ્યાકુળ થયું. હું શ્રીભગવાન પાસે કાતર-સ્વરે પ્રાર્થના કરવા લાગ્યો. સુયોગ પણ આવી ગયો. કેટલાક દિવસની રજા મેળવીને માનાં દર્શન મેળવવા માટે જયરામવાટી યાત્રા કરી. પગપાળા બાંકુડા આશ્રમે ગયો અને ત્યાંથી ટ્રેનમાં બેસીને ગડબેતા ગયો. ત્યાંના આશ્રમમાં એક રાત વિતાવીને ભાદ્ર મહિનાની શરૂઆતની એક સવારે પુણ્યપીઠ જયરામવાટી જવા માટે રવાના થયો. એક ઝડ વરસાદ પડી ગયો હતો. કીચડવાળા લપસણા રસ્તા પર હું ઉઘાડા પગે ચાલી નીકળ્યો. સાંજે પાંચ વાગ્યાની આસપાસ જ્યારે જયરામવાટી ગામના સીમાડે પહોંચ્યો ત્યારે મારા હૃદયમાં ખાંડણિયાની જેમ ધમ-ધમ અવાજ થવા લાગ્યો. રસ્તાની બેઉ બાજુનાં નાનાં નાનાં માટીનાં ઘરો પાર કરીને માના ઘરના દરવાજે ઉપસ્થિત થયો. મેં આવતા પહેલાં કોઈ પણ પત્ર મોકલ્યો ન હતો, છતાં પણ માને ખબર પડી ગઈ હતી કે હું આવું છું. સેવક મહારાજને મારો પરિચય આપીને મેં માનાં દર્શન કરાવવાની વિનંતી કરતાં જ તેઓ મને ઘરની અંદરમાં લઈ ગયા. શ્રીશ્રીમા એ સમયે અંદરના દરવાજાની પાસે ઊભાં હતાં. પ્રણામ કરીને માથું ઊંચું કરતાં જ માએ આવેગભર્યા સ્વરે કહ્યું: “આહા! દીકરાનું મોઢું સુકાઈ ગયું છે—આખો દિવસ ખાવાનું મળ્યું નથી. એને કશુંક ખાવાનું આપો.”

હું ખિસ્સામાંથી મહાપુરુષ મહારાજનો પત્ર કાઢીને વાંચવાનું શરૂ કરતો હતો, એમાં જ માએ કહ્યું: “પત્ર પછી સાંભળીશ. અત્યારે બેટા, હાથ-મોં ધોઈને પાણી પીઈ લે.”

હાથ-મોં ધોયા પછી સેવક મહારાજ મને બાજુના ઓરડામાં લઈ ગયા. ત્યાં આસન બીછાવેલું હતું, એક પ્યાલામાં પાણી હતું, અને એક થાળામાં મમરા અને તાલના ફળની બનેલી ખીર હતી. મેં માથું નીચું કરી મા વિશે વિચારતાં વિચારતાં બધું ખાઈ લીધું. એ શું અમૃત! મમરા-તાલખીર તો જીવનમાં ઘણાં ખાધાં છે, પણ એ આટલાં મધુર પહેલાં ક્યારેય લાગ્યાં ન હતાં.

જયરામવાટીમાં માને આપણાં પોતાનાં માની જેમ જ રહેતાં જોયાં. મા મલિન વસ્ત્ર પહેરી, કેટલાય સ્નેહ અને કરુણાપૂર્ણ દૃષ્ટિએ મારી રાહ જોતાં ઊભાં હતાં. દસ મહિના પહેલાં કોલકાતાના બાગબજાર સ્થિત ‘માના ઘરે’ જ્યારે એમનાં દર્શન કર્યાં હતાં ત્યારે તેઓ આટલાં પોતિકાં લાગ્યાં ન હતાં. થોડી વાર પછી હું ફરીથી માને મળવા ગયો. તેઓ પગ લાંબા કરીને તેમના ઘરના માટીના વરંડામાં બેઠાં બેઠાં શાકભાજી સમારતાં હતાં. માને પ્રણામ કરીને પાસે બેસીને મહાપુરુષ મહારાજનો પત્ર વાંચી સંભળાવ્યો. તેઓએ ‘તારક’ના (મહાપુરુષ મહારાજના) ખબર પૂછ્યા અને સસ્નેહે દુષ્કાળ રાહત-કાર્ય કેમ ચાલે છે, એ વિશે જાણકારી મેળવી. પછી દીક્ષા વિશે કહ્યું: “તો બેટા, કાલે સરસ મજાનો દિવસ છે. (એ દિવસે લગભગ જન્માષ્ટમી હતી.) કાલે જ તને મંત્ર આપીશ. સવારે કશું ખાઈશ નહીં, સ્નાન કરીને રાહ જોજે. સમય થતાં જ હું તને બોલાવી લઈશ.” ત્યાર બાદ મને બાજુના ઓરડામાં આવેલ મંદિરમાં પ્રણામ કરવાનું કહ્યું.

હું શ્રીશ્રીમા માટે ઔષધ લઈને ગયો હતો. બાંકુડામાં આપણા આશ્રમના ડોક્ટર વૈકુંઠ મહારાજે શ્રીશ્રીમાના આમવાત (પિત્તના રોગ) માટે હોમિયોપથિક ઔષધ મોકલાવ્યું હતું. માને ઔષધ આપતાં જ માએ કરુણ સ્વરે કહ્યું: “વૈકુંઠે ઔષધ મોકલ્યું છે? લાવ બેટા, લાવ. વૈકુંઠના ઔષધથી દુ:ખાવો મટી જાય છે. જો તો આખા શરીરે શું થયું છે—આ આમવાતની પીડાથી તો હું મરી ગઈ.” આમ કહેતાં કહેતાં શરીરનું વસ્ત્ર સરકાવી છાતીમાં અને પીઠમાં આમવાત બતાવવા લાગ્યાં. માનું કષ્ટ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયાં.

(શ્રીશ્રીમા 1853માં પૃથ્વી પર અવતર્યાં હતાં. ઓગસ્ટ 1919માં મા વયોવૃદ્ધ અને અનેક રોગ ભોગવીને જીર્ણશીર્ણ થઈ ગયાં હતાં. 1920માં તો તેઓ નશ્વર શરીર ત્યાગ કરી ઠાકુરની પાસે પહોંચી જવાનાં હતાં. -સં.)

માએ ઔષધ લઈને એક બાજુ રાખી દીધું અને ખૂબ આંતરિકતા અને પોતિકાભાવે વૈકુંઠ મહારાજ વગેરે બધાના સમાચાર પૂછવા લાગ્યાં. માની સાથે બીજી પણ કેટલી બધી વાતો થઈ! ક્રમે દિવસ ઢળવા લાગ્યો. ઘર ઘરમાં દીપ પ્રજ્વલિત થવા લાગ્યા. માના ઘરના મંદિરમાં પણ પ્રદીપ અને ધૂપ-અગરબત્તી ધરાવવામાં આવ્યાં. હું બહારના ઓરડામાં ચાલ્યો આવ્યો.

એ દિવસે જયરામવાટીમાં બીજા કોઈ ભક્તો ઉપસ્થિત હતા નહીં. રાત્રી-ભોજન વેળાએ મા થોડે દૂર ઊભાં રહીને હું ખાતો હતો એ જોતાં હતાં. આખો દિવસ ખાવાનું મળ્યું ન હતું માટે કેટલીય કાળજીપૂર્વક મને ભોજન કરાવ્યું હતું. શુભ પ્રભાતની પ્રતીક્ષાના અધીર આગ્રહથી લગભગ અનિદ્રામાં જ રાત વીતી ગઈ. સવારે તળાવમાં સ્નાન કરીને માના પોકારની રાહ જોતો બેઠો હતો. દીક્ષા માટે કેવી તૈયારી કરવી જોઈએ, એ ખબર પણ ન હતી અને મેં કોઈને પૂછ્યું પણ ન હતું. સાથે રૂપિયા-પૈસા પણ હતા નહીં.

સવારના લગભગ આઠ વાગ્યે સેવક મહારાજ મને શ્રીશ્રીમાના મંદિરમાં લઈ ગયા અને મંદિરનો દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા. મા પૂજાના આસન પર બેઠાં બેઠાં પૂજા કરતાં હતાં. એમની પાસે એક બીજું આસન બીછાવેલું હતું. માએ મને શ્રીશ્રીઠાકુરને પ્રણામ કરીને એ આસન પર બેસવાનું કહ્યું. બેસતાં જ એમણે મારા હાથમાં થોડું ગંગાજળ આપ્યું અને સર્વાંગે ગંગાજળ છાંટીને મારા માથા અને શરીર પર હાથ ફેરવી દીધો. માના સ્પર્શે રોમાંચ થવા લાગ્યો અને એક અનિર્વચનીય આનંદથી અંતર-મન છલકાઈ ઊઠ્યું.

મા થોડી વાર આંખ બંધ રાખીને બેસી રહ્યાં. ત્યાર બાદ તેમણે મને પૂછ્યું: “શું તને ઠાકુર સારા લાગે છે?” મેં સંમતિ જણાવતાં જ માએ ત્રણ વાર એક મંત્રનું ઉચ્ચારણ કર્યું અને મને પણ સાથે સાથે ઉચ્ચારણ કરવાનું કહ્યું. સાથે સાથે માએ એકાએક બાજુની દીવાલ તરફ હાથ લંબાવીને કહ્યું: “આ, આ છે તારા ઇષ્ટ.” સાથે સાથે જ એ જગ્યા આંખ અંજાઈ જાય એવા ઉજ્જ્વળ પ્રકાશથી ઉદ્‌ભાસિત થઈ ઊઠી અને એમાં જ પ્રગટી ઊઠી એક દેવી મૂર્તિ—જીવંત અને જ્યોતિર્મયી—મારી તરફ સસ્નેહે જોઈ રહેલ છે. આશ્ચર્યચકિત થઈ મારી કેવી એક અવસ્થા થઈ ઊઠી! હું આત્મવિસ્મૃત અને વિહ્‌વળ થઈ ગયો, પણ માત્ર થોડી ક્ષણો પૂરતો જ. માનું સ્વરૂપ પણ બદલાઈ ગયું હતું.

થોડી વાર પછી માએ સસ્નેહે કહ્યું: “બેટા, ભયભીત થઈ ગયો હતો કે શું?” હું મોઢું નીચું રાખી ચૂપ થઈ રહ્યો. મારામાં જવાબ આપવાની શક્તિ હતી નહીં. ત્યાર બાદ માએ મારો જમણો હાથ ધરી, આંગળીના પ્રત્યેક વેઢાનો સ્પર્શ કરીને જપની પદ્ધતિ શીખવી દીધી. મા વાત કરી રહ્યાં હતાં, પરંતુ મારી અવસ્થા જાણે કેવી થઈ ગઈ હતી! મા વારંવાર વેઢાનો સ્પર્શ કરીને મંત્ર ઉચ્ચારણ કરતાં કરતાં જપની પદ્ધતિ શીખવવા લાગ્યાં, મને પણ સાથે સાથે મંત્ર ઉચ્ચારણ કરવાનું કહ્યું. મેં પણ કહ્યા અનુસાર કર્યું. ત્યાર બાદ માએ ઠાકુરની છબી બતાવીને કહ્યું: “ઠાકુરને પ્રણામ કર, એ જ તારા ઇષ્ટ, એ જ ગુરુ, એ જ તારા ઇહકાલ પરકાલ સર્વસ્વ. ઠાકુર જ છે સર્વ દેવદેવી-સ્વરૂપ.” મેં ઠાકુરને પ્રણામ કરીને માને પણ પ્રણામ કર્યા. ત્યાર બાદ એમણે કેટલા જપ કરવાના હોય એ બતાવ્યું અને ધ્યાન વિશે વિવિધ ઉપદેશ આપ્યા. મા કોણ હતાં એ તો ત્યારે સમજી શક્યો ન હતો, અત્યારેય ક્યાં સમજી શક્યો છું? પરંતુ ત્યારે મનમાં થયું હતું કે તેઓ ઇચ્છામાત્રથી ઈશ્વરદર્શન કરાવી શકે છે.

માના પૂજાના આસનની બાજુમાં જ બે ફળ હતાં, તે હાથમાં લઈ તેઓએ કહ્યું: “આ ફળ મારા હાથમાં આપ.” મેં એમ જ કર્યું. આ જ હતી મારી ગુરુદક્ષિણા. હું સાથે કશું જ લઈ ગયો ન હતો—રૂપિયા-પૈસા કે ફળ-બળ કંઈ નહીં. દીક્ષા બાદ મારું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. માને ફરીથી પ્રણામ કર્યા. તેમને આટલાં નીકટ પામીને ખૂબ આનંદ થતો હતો અને ખૂબ સારું લાગતું હતું. માએ સસ્નેહે કહ્યું: “હવે ઘરે જઈને બેઠાં બેઠાં જેમ બતાવ્યું હતું એમ થોડો જપ કર, ત્યાર બાદ થોડો નાસ્તો કરજે.”

Total Views: 757

2 Comments

  1. Jigar Joshi September 9, 2022 at 9:45 am - Reply

    Abhay var dayini Maa! Adhyashakti Maa Jagat janani Maa!

    Jai Maa! Jai Ramakrishna! Jai Swamiji! 🙏🏻🕉🙏🏻

  2. Deviben vyas September 3, 2022 at 12:46 pm - Reply

    Jyma Jyma Jyma shreema ma tmne kon jani shke ma krupalu ma daya drashti rakhjo ma

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.