રામકૃષ્ણ સંઘના સંન્યાસી બ્રહ્મલીન સ્વામી સારદેશાનંદજી મહારાજને શ્રીમા શારદાદેવીના સાંનિધ્યમાં રહેવાનો અને તેમની સેવા કરવાનો સુયોગ સાંપડ્યો હતો. શ્રીમા વિષેના તેમનાં સંસ્મરણોનું તેમનું બંગાળી પુસ્તક ઘણી પ્રસિદ્ધિ પામ્યું છે. આ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર ડો. પ્રજ્ઞાબહેન શાહ કરી રહ્યા છે. તેના થોડા અંશો વાંચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.

સંતાનોને ખવડાવવામાં આનંદ

એમનાં સાધુ અને ભક્ત બાળકો જયરામવાટી આવીને એકાદ દહાડો રહી શકે, ધરાઈને ધાન ખાઈ શકે, એને ખાતર માનો કેવો તો આગ્રહ હતો! શરીર છોડવાનાં કેટલાંક વર્ષો પહેલાં ઘરબાર જમીનનો બંદોબસ્ત કર્યો; પોતાને હાથે એને જગદ્ધાત્રીદેવીને નામે દેવાર્પણ કરી; સંતાનોનાં સુખસગવડની સ્થાયી વ્યવસ્થા કરી દીધેલી. પૂજ્ય રામલાલદાદાને મોઢેથી સાંભળેલું છે કે, મા પણ છેલ્લી વાર કામારપુકુરે રહેલા ત્યારે શિહડમાં જમીન લેવડાવીને રઘુવીરને નામે દેવાર્પણ કરાવી દીધેલી.

જયરામવાટીમાં જોવામાં આવતું કે, મા દરેકે દરેક પુરુષ ભક્તને જમાડી કરીને પછી સ્ત્રીભક્તોને લઈને નિરાંતે જમવા બેસતાં. સંજોગવશાત્ એકાદો છોકરો બહાર ગયેલો હોય તો પાછો આવે નહિ ત્યાં સુધી, ગમે તેટલું મોડું થાય તો પણ મા રાહ જોતાં, રસ્તા ભણી જોયા કરતાં, જરાક આગળ જઈને ઊભાં રહેતાં. છોકરાએ હજી લગી ખાધું નથી, ભૂખથી હેરાન થતો હશે; એમ વિચારીને ચિંતા કરતાં.

પણ ઉદ્‌બોધનમાં મુશ્કેલી થતી! છોકરાઓને ખવડાવ્યા વિના મા ખાવા બેસે નહિ, અને ગુરુગતપ્રાણ નિષ્ઠાવાન ભક્ત સારદાનંદજી ઈષ્ટદેવીના જમ્યા પહેલાં જ કેવી રીતે ખાય! એને લીધે એવી ગોઠવણ કરવામાં આવી કે, મા સ્ત્રીઓને લઈને એક ખંડમાં જમવા બેસે અને શરત્‌ મહારાજ પુરુષોની જોડે બીજા એક ખંડમાં બેસે, એક જ સમયે. મા તો હતાં ગ્રામ્યબાલા, મોડે મોડેથી ખાવાની ટેવ; એટલે પછી શરત્‌ મહારાજને પણ હાથમાં રહેલું કામ પતાવતાં પતાવતાં મોડું થઈ જાય! શ્રીશ્રી ઠાકુરનો પ્રસાદ માની પાતળમાં સૌ પહેલો પીરસાય. મા ઝટઝટ મોંએ લગાડી શરતને માટે મહાપ્રસાદ કરે અને ગુલાબ-મા ચૂપચાપ લઈ આવીને શરત્‌ મહારાજને આપે. સાથમાં બેઠેલાં નસીબદાર ભક્ત-સંતાનો પણ એ પ્રસાદથી વંચિત રહેવા ન પામે. સંતાનોનાં સુખસગવડ ભણી માની તીક્ષ્ણ દૃષ્ટિ રહેતી. છોકરાઓના કરમાયેલા ચહેરા, મેલાઘેલા વેશ, સુકલકડી કાયા શ્રીમા જોઈ શકે નહિ. તેથી ઉદ્‌બોધનમાં સારી રીતે ખાવા રહેવાની વ્યવસ્થા થતી. જમ્યા પછી સહુ પાન ખાય, એને માટે મા પોતે જ પાનનાં બીડાં બનાવી રાખે. અને વળી જેને પાન ભાવતાં હોય તેને વધારે પણ મળે. સાદા કોર વિનાનાં ધોતિયાં છોકરાઓ પહેરે તે શોભે નહિ, ભક્તો એમને ધારિક કિનારીવાળા ઘણા સાડલા આપી જાય. એમની પોતાની જરૂરિયાત તો બહુ થોડી, એટલે એ બધાં છૂટે હાથે દીકરાદીકરીઓને વહેંચી દે. છોકરાઓમાંથી કોઈક કોઈક વળી શોખીન સ્વભાવના, માને બધી ય ખબર. એ લોકોને ઝીણાં સુંદર કોરવાળાં ધોતિયાં આપે, અને જેને જાડાં ગમે એને એ જાતનાં દે. કોઈકોઈનાં કપડાં જલદી ફાટી જાય, એમને મા વધારે કપડાં આપે. ખાવાપીવામાં, નાસ્તોપાણી કરવા-કરાવવામાં, બધાંયમાં જેને જે ગમતું હોય તે જ પ્રમાણે મા બરાબર એને આપે.

અને કેવી તો બારીક નજર હતી માની એનો વિચાર કરતાં નવાઈ પામી જાઉં છું! જયરામવાટીમાં જુદે જુદે ઠેકાણેથી ભક્તો એકઠા થાય ત્યારે મા રસોયાણી માસીને બરાબર કહી દે કે, કોણ શું ખાશે, કેટલું ખાશે, એટલે લગી કે કેટલી રોટલી ખાશે! તેથી જ માને ઘેર માની પાસે જમીને સંતાનોને તૃપ્તિ થતી! ઠાકુરના શબ્દોમાં “મા બરાબર જાણે કે, ક્યા છોકરાનાં પેટને શું માફક આવશે!”

છોકરું ખાય નહિ ત્યાં લગી માના મોઢામાં કશું પેસે નહીં! દક્ષિણેશ્વર કાલીવાડીમાં એક દિવસે બપોરે એક બ્રાહ્મણ જુવાન પોતાને હાથે ખીચડી રાંધીને બે ઉપવાસી નિષ્ઠાવાન બ્રાહ્મણ વિધવાઓને પીરસીને જમાડી રહેલો. દર્શન કરવા આવેલા લોકોમાંથી ઘણા જણા કુતૂહલને વશ થઇને એ લોકોને રાંધતાં ખાતાં જોઈ રહ્યા હતા. પછી એમનામાં શંકા જાગી કે, એ જુવાન એ બે વિધવાઓમાંથી કોનો દીકરો? બંને જણાને ‘મા’ કહીને બોલાવીને ઘણા આદરપૂર્વક શ્રદ્ધા ભક્તિ દાખવતાં જુવાન એમને જમાડી રહ્યો હતો. નાની ઉંમરની એક બાળવિધવાએ એ અંગે સવાલ કરતાં એની જોડેની એક પ્રૌઢ સ્ત્રીએ ઊંચે સાદે અવાજ દીધો, ‘આંખો નથી તારી? જોતી નથી? ભાણામાં પીરસાતાની જોડે જ લપલપ કરતી ખાવા મંડી તેના પેટનો જણ્યો એ કદી ના હોઇ શકે. અને ભાણામાં ખીચડી લઇને છોકરાના મોઢા ભણી તાકીને જ બેસી રહી. છોકરાએ ખાધા પછી જ જેણે કોળિયો ભર્યો, તેના પેટનો જ જણ્યો એ.’

અમારી જગજનનીની પાસે રહેતાં રોજરોજ આવી ઘટનાઓ નજરે નિહાળવા મળતી. ભક્તિમાર્ગના આશ્રયી, ત્રિગુણાતીત મહાપુરુષ નાગમહાશય માને ઘેર આવીને ઊભા રહ્યા. બહારની તરફની સુધબુધ નહોતી એમ કહીએ તોય ચાલે. મોઢેથી અસ્પષ્ટ સ્વરે ‘મા’, ‘મા’ નું રટણ. મા જમવા બેઠેલાં. ખબર મળતાં પોતાની પાસે બોલાવ્યા અને પાસે બેસાડીને પોતાને હાથે થાળીમાંથી ખવડાવવા માંડ્યાં. દીકરાને તૃપ્તિ થઇ. “આશા પૂર્ણ આટલે દિને”. દીનતાની પ્રતિમૂર્તિ સમા દુર્ગાચરણ નાગ, જેઓ એકાદા મામૂલી માણસને જમવા બેસાડે તો પોતે જાતે વીંઝણો ઢોળે કે પછી હાથ જોડીને જરાક આઘે ઊભાં રહીને આજીજીભર્યા સ્વરે આગ્રહ કરીકરીને જમાડે, તેઓ આજે કોના ભાણામાંથી કોને હાથે ખાઇ રહ્યા છે! ભોજન પૂરું થતાં વિદાય સમયે એમને અંતરના આવેગથી બોલતાં સાંભળવામાં આવ્યા, “બાપના કરતાં મા દયાળુ, બાપના કરતાં મા દયાળુ!”

બાપના કરતાં મા દયાળુ, એ તો છોકરાં હંમેશાં રગેરગે અનુભવે એટલે તો બાપ વઢે ત્યારે દોડી જઇને માના પાલવમાં ભરાઇ જાય. દક્ષિણેશ્વરમાં ભાવી સંન્યાસીઓનાં જીવનને ઠાકુરે કડક હાથે ઘડવાનું શરૂ કરેલું છે. કહ્યું છે કે, રાતે ઓછી રોટલી ખાવી. જુવાન છોકરાઓ, આખો દહાડો કામકાજમાં વીતે, મા જમાડતી વેળાએ સમજી જાય કે, છોકરાનું પેટ ભરાયું નથી, લાડ કરીને પેટ ભરીને ખવડાવે. ઠાકુરના જાણવામાં આવતાં ઠપકો આપ્યો ત્યારે માએ સાફસાફ સંભળાવી દીધું કે, છોકરાંને ખવડાવવાની વાતમાં માથું મારવાનું નહિ ચાલે. વધારે પડતું ખાવું તે એમની ભવિષ્યની ઉન્નતિના માર્ગમાં વિઘ્નરૂપ છે, એમ કહીને ઠાકુર પોતાની જાતનું સમર્થન કરવા ગયા ત્યારે માએ જવાબ દીધો કે, “મારા છોકરાઓનું ભવિષ્ય હું જ સંભાળી લઇશ, એ બાબતમાં મને કશી બીક નથી.”

મા એક તરફથી સંતાનોને જે પ્રમાણે ભગવદ્‌ભજન અને જપધ્યાન કરવાને માટે ઉત્સાહિત કરતાં, તેવી જ રીતે બીજી બાજુએ વળી વધુ પડતો અતિરેક કરવાથી માથાં ગરમ થઈ ઊઠે એ તરફ ધ્યાન રાખીને જરૂર જણાય ત્યારે સાવધાન પણ કરી દેતાં. બહુ જ વધારે પડતી કઠોરતા કરવાની મનાઇ કરતાં. પણ ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં સંયમ વિનાની વિલાસતાને પણ પસંદ કરતાં નહિ.

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.