એક વાર બપોરના સમયે સંન્યાસી શાકભાજી સમારતા હતા, ત્યારે એક ત્યાગી મહાત્માએ આવીને કહ્યું, ‘આપને કોઈ મળવા આવ્યું છે.’ બહાર આવીને સંન્યાસીએ જોયું, તો વડોદરા પાસેના બોડેલી ગામનાં એક ભક્ત-દંપતી અને તેમનાં પુત્ર તથા પુત્રી સંન્યાસીને મળવા આવ્યાં છે. બહારની જગ્યામાં બેસવા માટે બાંકડા લગાવેલા હતા. એક બાંકડા પર સંન્યાસી બેસી ગયા અને તે ભક્ત-પરિવારે સંન્યાસીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તે સૌ સંન્યાસીના ઘણા આગ્રહ છતાં બાંકડા પર ન બેસતાં,  નીચે જમીન પર  બેસી ગયાં અને સત્સંગ કરવા લાગ્યાં. તેઓ આશ્રમ માટે ઘણું શાકભાજી-અનાજ વગેરે પણ લાવ્યાં હતાં. કોઠારી સ્વામી અને બીજા કેટલાક મહાત્મા આ બધું આશ્ચર્યચકિત થઈને જોતા હતા. સંન્યાસીએ કોઠારી મહારાજને આ બધું ગ્રહણ કરવા વિનંતી કરી. કોઠારી મહારાજે તે બધાનો સાભાર સ્વીકાર કર્યો. આ બધું જોઈને કોઠારી મહારાજને થયું કે આ સંન્યાસી કોઈ પહોંચેલા મહાત્મા હશે! એ જે સમજ્યા હોય તે, પણ જેવી રીતે ભગવાનના પરમ ભક્ત પર શનિદેવની વક્રદૃષ્ટિ અસર કરતી નથી, તેવી રીતે તે દિવસથી સંન્યાસી જ્યાં સુધી આ આશ્રમમાં હતા, ત્યાં સુધી આ કોઠારી મહારાજની વક્રદૃષ્ટિ આ સંન્યાસી પર થઈ જ નહીં! શ્રીમાનો જય જયકાર…

સંન્યાસી શ્રીરામાનંદ સંત-આશ્રમની રીતભાત, વિધિવિધાન, ભાવનાઓ વગેરેથી ધીરે ધીરે પરિચિત થવા લાગ્યા. સ્વભાવ પ્રમાણે દૂધમાં સાકર જેમ ભળે, તેમ ભળી જવા લાગ્યા. સવારના સાડા ત્રણ-ચાર વાગ્યા વચ્ચે ઊઠીને, આશરે પચાસ મીટર દૂર આવેલ શૌચાલય અને સ્નાનાગારમાં નિત્યક્રમ કરવો પડતો. ઉનાળામાં પણ ગરમ પાણીથી સ્નાન કરનાર શરીર, સવારે ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન માટે ટેવાવા લાગ્યું! સવારે છ વાગ્યે ચા પીઈને શાકભાજી સમારવાની સેવા. સાત વાગ્યે મંદિરમાં પ્રભુ શ્રીરામ-જાનકીની સુંદર મંગળા આરતી. દસ-પંદર મિનિટ કાંસા-ઘંટા વાદન અને પછી સ્તુતિ ચાલે. ‘ભયે પ્રગટ કૃપાળા, દીન-દયાલા કૌશલ્યા હિતકારી, ભયે પ્રગટ કુમારી ભૂમિ વિદારી, જય હિતકારી ભયે હારી…, ભયે પ્રગટ ગોપાલા, દીન-દયાલા જસુમતિ કે હિતકારી…..વગેરે,’ પછી બાળભોગ. ક્યારેક પૌંવા, ચણા, ખીચડી વગેરે. ત્યારબાદ નર્મદા-સ્નાન, નર્મદા-પૂજન અને નર્મદેશ્વર શિવપૂજન. ફરી પોતાના આસને આવી અધ્યયન અને જપ. સાડા દસ વાગ્યાથી સાધુ-સંતો હરિહરની હાકલની આતુરતાથી રાહ જોતા હોય. સાધુ-બ્રહ્મચારીઓ દ્વારા ભઠ્ઠી પર પકાવેલ રસોઈ જાણે અમૃત સમાન લાગતી! ભોજન-પ્રસાદ પછી વિશ્રામ. દોઢ-બે વાગ્યે ફરી સ્વસ્થ થઈને જપ-ધ્યાન અને અધ્યયન. ત્રણ વાગ્યે ચા અને પછી ફરી સાંજના શાકભાજી સમારવાની સેવા. આશરે સાંજે પાંચ વાગ્યે કપડાં ધોવાં, પાયચારી કરવી, ફરી નર્મદા-સ્નાન. સ્ફટિક સમાન નિર્મળ જળ, જાણે શ્રીશ્રીનર્મદામૈયાનું વહાલ વહેતું હોય! શરીર-મન-પ્રાણનો થાક ઊતરી જતો અને પરિતૃપ્ત થઈ જતા. સંધ્યા પહેલાં વાળુ કરી લેવાનું. પછી શ્રીપ્રભુની આરતી, લગભગ પોણો કલાક ઢોલ-નગારાં, ઘંટાવાદન સાથે; પછી એકાદ કલાક સ્તુતિ થાય. ‘હે રામ! પુરુષોત્તમા નર હરે નારાયણા….’ શ્રીઆરતીનો પરમ આનંદ લઈ, રસોડામાં લાઇનમાં ઊભા રહી એક ગ્લાસ ગાયનું દૂધ! ફરી રાત્રે જપ-ધ્યાન કરી લગભગ સાડા નવ વાગ્યે પોઢી જવાનું. આ બધામાં સંન્યાસીને ભોજન-પ્રસાદ, નર્મદા-સ્નાન અને સવાર-સાંજની આરતી અત્યંત પ્રિય, અને તેમાં આનંદથી ભાગ લેતા. ભારતના વિવિધ સંપ્રદાયની રીતભાત, વિધિવિધાન બધાં અદ્‌ભુત! જો તેમનું નિષ્ઠા, શ્રદ્ધા, ભક્તિભાવથી અનુષ્ઠાન કરવામાં આવે, તો તેની પાછળનું અદ્‌ભુત જ્ઞાન-વિજ્ઞાન પ્રગટ થાય. સંન્યાસી અહીં સવાર-સાંજની આરતીમાં અચૂક હાજર રહેતા. સાંજે શ્રીપ્રભુના વિગ્રહ દેખાય, તેવી જગ્યાએ ઊભા રહી તાલમાં પોણો કલાક સુધી ઢોલ વગાડવાની સેવા પણ કરતા. આ દરમ્યાન સીતારામ ભગવાનની સાથે સાથે ત્રણેય ભાઈઓ, ત્રણેય રાજરાણી, ત્રણેય રાજમાતા, દશરથ મહારાજ, સુમંત મહારાજની સાથે સાથે શ્રીપ્રભુના પાર્ષદો-હનુમાનજી મહારાજ, જાંબુવાન મહારાજ, સુગ્રીવ મહારાજ, અંગદ મહારાજ, નલ-નીલ મહારાજ, વિભીષણ મહારાજ, ગુહક મહારાજ, કેવટ મહારાજ, શબરી માતા, ત્રિજટા માતા વગેરેનું સ્મરણ કરતા. પ્રેમપૂર્વક સ્તુતિઓ કરવાનો પણ એક અનેરો આનંદ! અને સ્તુતિ પછી એક મહારાજ ગળામાં ઢોલક નાખી, કીર્તન કરતાં કરતાં મંદિરની પ્રદક્ષિણા કરતા અને અંતમાં, કીર્તન સાથે નૃત્ય થતું. આ મંગળ દિવ્ય આનંદ લેવા માટે રામાનંદ સંત આશ્રમની પૂરેપૂરી આરતી કરવી રહી. ક્યારેક ક્યારેક સંન્યાસી એકાદશીને દિવસે થતા સુંદરકાંડના પાઠમાં જતા. ક્યારેક આશ્રમમાં થતી અખંડ રામધૂનમાં ભાગ લેતા. એક વાર રાત્રે નવ-દસ વાગ્યાના સમયે  રામધૂનમાં સંન્યાસી ગયા. નિઃશબ્દ, શાંત-નીરવ રાત્રિનો પ્રહર, પાવન નર્મદાતટ પરનો દિવ્ય આશ્રમ! અલગ અલગ તાલમાં સાધુ-સંતો દ્વારા રામધૂનની દિવ્ય મધુરતા પ્રગટી. જાણે પાવક સાધકોના હૃદયમાં શબ્દબ્રહ્મની ઝાંખી! કેટલાય ભક્તો જોવા આવ્યા કે રામધૂન કોણ કરે છે! ઉત્તમ સંગીત પણ દિવ્યતાની ઝાંખી કરાવે!!! અહીંના (ચાતુર્માસ) દીર્ઘ નિવાસથી સંન્યાસીને બીજો એક મોટો લાભ થયો. સંન્યાસી મર્યાદાપુરુષોત્તમ શ્રીરામચંદ્રને પૂ્ર્ણપુરુષોત્તમ શ્રીકૃષ્ણ કરતાં થોડી નીચેની કક્ષામાં જોતા. શ્રીકૃષ્ણના સાહસિક, વીર ચરિત્રની સરખામણીમાં શ્રીરામચંદ્ર અતિ નમ્ર, ક્યારેય બીજાનું અહિત ન ઇચ્છનારા, હંમેશાં વિધાતાથી પ્રતાડિત દુઃખીપાત્ર રૂપે દેખાતા, પરંતુ શ્રીરામાનંદ સંત-આશ્રમના મંદિર તેમજ રામાયતી સાધુઓ સાથેના સક્રિય સહવાસ અને શ્રીસીતારામ પ્રભુની કૃપાથી સંન્યાસીની પ્રભુ શ્રીરામચંદ્ર ભગવાન અંગેની ચાતુર્માસ પહેલાં અને પછીની ચિંતનધારામાં જમીન-આસમાનનો તફાવત આવી ગયો! બીજા અવતારોની જેમ ભગવાન શ્રીરામચંદ્ર પણ અંદરથી દૃઢ ઇચ્છાશક્તિ સંપન્ન, સાર્મથ્યવાન, બળવાન, વીર, નિર્ભય, સદા આનંદમય અને પરિપૂર્ણ છે. બહારમાં  લીલાનો લેપ માત્ર હોય છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ કોલકાતાના કાશીપુર ઉદ્યાનભવનમાં કેન્સરથી આક્રાંત હતા. એક દિવસ હરિનાથ (સ્વામી તુરીયાનંદજી) કાશીપુર આવ્યા અને શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું, ‘આપ કેમ છો?’ ઠાકુરે દુઃખી અવાજે કહ્યું, ‘જો, ખૂબ જ દુઃખાવો થાય છે, કાંઈ ખાઈ નથી શકાતું. ખૂબ જ તકલીફ છે.’ હરિનાથે કહ્યું, ‘પણ મને તો એવું જ લાગે છે કે આપ તો દિવ્ય આનંદસાગરમાં નિમગ્ન છો!’ શ્રીઠાકુરે હસતાં હસતાં કહ્યું, ‘અરે! આણે તો મને પકડી લીધો!’

Total Views: 973

One Comment

  1. Jairaj Solanki September 22, 2022 at 12:08 am - Reply

    Jay Thakur

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram