* પરમહંસનાં મોતી *

પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ,
મૂલ્ય : રૂ. ૨=૦૦

સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ દ્વારા જગત શ્રીરામકૃષ્ણને જાણતું થયું એ ખરું. પણ એ અવતાર પુરુષની એ પરોક્ષ ઓળખાણ થઈ. એમની પ્રત્યક્ષ ઓળખાણ માટે જગત શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત-માસ્ટર મહાશય-નું આભારી રહેશે. શ્રીરામકૃષ્ણના જીવનમાં છેલ્લાં પાંચ-છ વરસ દરમિયાન દર અઠવાડિયે એક વાર અને કોઈક વેળા બે વાર તેમની મુલાકાત લઈ, કોઈ કોઈ વેળા એમની સાથે રાત રહી અને કોઈ કોઈ વેળા દિવસો સુધી એમની સમીપ રહી, પોતાની જાતને સાવ ગુપ્ત (પોતે અટકે ગુપ્ત જ હતા ને?) રાખી, શ્રીરામકૃષ્ણના શ્રીમુખેથી ઝરતી અમૃતવાણીનો શબ્દે શબ્દ, તેમની જ ભાષામાં ને તેમની જ લઢણમાં ટપકાવી મહેન્દ્રનાથે “શ્રીરામકૃષ્ણ કથામૃત”ના અદ્‌ભુત ગ્રંથની જગતને ભેટ ધરી શ્રીરામકૃષ્ણના વિરાટ છતાં પ્રેમનિર્ઝર વ્યક્તિત્વનું અનન્ય દર્શન જગતને કરાવ્યું છે. શ્રીરામકૃષ્ણ ધર્મ સિવાય બીજી વાત ભાગ્યે જ કરતા. પરંતુ એમનો ધર્મ સંપ્રદાયના ટૂંકા સીમાડામાં અને અમુક ક્રિયાકાંડની જાળમાં બંધાયેલો ન હતો. કામારપુકુરની ગામઠી શાળા એ જ એમની વિદ્યાપીઠ હતી. પણ એમનો ધર્મનો વ્યાપ વિશ્વભરને છાઈ દે તેવો હતો. ગ્રામજીવનમાંથી અને લોકજીવનમાંથી સહજ સ્ફૂરી આવતાં એમનાં દૃષ્ટાંતો વેધક હતાં. પોતાના મતથી ગમે તેટલા જુદા પડતા મતને પણ માન આપવાની એમની ઉદારતા અનન્ય હતી અને એમનું હાસ્ય ચેપી હતું.

આ માલિકામાં એકસો સોળ મોતીઓ છે. પંદર વર્ષમાં આ નાનકડી કૃતિનું આ પાંચમું સંસ્કરણ પ્રકાશિત થયું છે તે આ મોતીઓની લોકપ્રિયતા બતાવી આપે છે. આ મુક્તામૃતનું પાન સૌએ કરવું જ રહ્યું.

-દુષ્યત પંડ્યા

ભક્તિ * સ્વામી વિવેકાનંદ.

પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ.
મૂલ્ય : રૂ. ૧=૫૦

દેશમાં તેમ જ વિદેશમાં, જાહેર જેવી સભામાં કે નાનાં મુમુક્ષુઓનાં વૃંદમાં, સ્વામી વિવેકાનંદે અનેક વાર અનેક રીતે ભક્તિ વિશે કહ્યું છે. વિવેકાનંદ ગ્રંથમાળાના પુસ્તક ૪ માંથી, અપરા અને પરા ભક્તિ વિશેનું સ્વામીજીનું વ્યાખ્યાન આ ૨૪ પાનાંની નાની પુસ્તિકારૂપે સર્વજન સુલભ કરવામાં આવ્યું છે.

ભક્તિનો આરંભ ભલે મૂર્તિથી, પ્રતીકથી થાય; પણ એનો અંત અમૂર્તમાં આવવો જોઈએ. સાચો ભક્ત મુક્તિ નથી માગતો; નરસિંહ મહેતાએ કહ્યું છે તે પ્રમાણે, એ ‘જન્મોજન્મ અવતાર’ માગે છે, જેથી એ ભગવાનની ભક્તિ સતત કરતો રહે. ભક્ત કવિના આ મતલબના શબ્દો સ્વામીજી ટાંકે છે. વિવિધ સરળ અને રોચક ઉદાહરણો દ્વારા સ્વામીજી સાચા અનુરાગની, સાચી ભક્તિની કસોટીઓ જણાવે છે.

મૂર્તમાંથી અમૂર્ત તરફ જવાનું બને ત્યારે ભક્ત-ભગવાનના, તું-હુંના ભેદ નીકળી જાય. માની પૂજા માટેનાં પુષ્પો શ્રીરામકૃષ્ણ પોતાને મસ્તકે ચઢાવતા હતા ને? આમ, ભેદથી અભેદ સુધીનાં ભક્તિનાં બધાં પગથિયાં સ્વામીજીએ આ પ્રેરક અને પાવક વ્યાખ્યાનની વેધક વાણીમાં સુલભ કરી આપ્યાં છે. આપણે ચઢી શકીશું? પ્રયત્ન તો કરીએ!

– દુષ્યત પંડ્યા

Total Views: 38
By Published On: September 1, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram