ઉત્તર પ્રદેશમાં ધરતીકંપ રાહત કાર્ય

રામકૃષ્ણ મઠ અને મિશનના કનખલ કેન્દ્ર દ્વારા ઉત્તર કાશી જિલ્લાના નયતાલા અને ગવાના ગામોના ૧૦૦૦ પરિવારોમાં ખાદ્ય સામગ્રીઓ, ધાબળા અને અન્ય પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડૉક્ટરોની એક ટુકડી પણ સારવાર માટે મોકલવામાં આવી છે.

૫. બંગાળમાં પૂર રાહતકાર્ય

રામકૃષ્ણ મઠના માલદા કેન્દ્ર દ્વારા પ. દિનાજપુરના બાહિન અને દાલિમગાંવ અને માલદાના ભુટની અને મહારાજપુર ગામોમાં ખાદ્ય સામગ્રી તેમ જ વસ્ત્રોનું વિતરણ કાર્ય ચાલુ છે.

રામકૃષ્ણ મિશનના સારગાછી કેન્દ્ર દ્વારા મુર્શિદાબાદ જિલ્લાના ચાર કુઠિબારી અને રાનીનગર (બ્લોક નં. ૨)ના પૂર પીડિત લોકોમાં વિતરણ કરવા માટે નીચેની વધુની સામગ્રીઓ મોકલવામાં આવી રહી છે –

૧,૦૦૦ સાડીઓ નંગ

૧,૦૦૦ નંગ ધોતિયાં

૧,૩૭૯ સેટ બાળકોનાં વસ્ત્રો

૮૫૧ નંગ ધાબળા

નાશિક કુંભમેળામાં ચિત્ર પ્રદર્શન

રામકૃષ્ણ મઠ અને મિશનના મુંબઈ કેન્દ્ર દ્વારા નાશિક કુંભમેળામાં ૧૫મી ઑગષ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધી શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના સંદેશને આવરી લેતા એક ચિત્ર પ્રદર્શનનું અને પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાલેમમાં યુવ-સંમેલન

રામકૃષ્ણ મિશનના સાલેમ કેન્દ્ર દ્વારા ર૯મી સપ્ટેમ્બરે એક યુવ-સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૨૧૦ બહેનોએ ભાગ લીધો હતો.

ઢાકામાં દુર્ગાપૂજા

રામકૃષ્ણ મઠના ઢાકા કેન્દ્રમાં શ્રીશ્રી દુર્ગા પૂજા ધામધૂમથી ઉજવવામાં આવી હતી. બાંગ્લાદેશના પાંચ મંત્રીઓએ અને ઢાકાના મેયરે પણ તેમાં હાજરી આપી હતી.

મૉરિશિયસમાં દુર્ગાપૂજા

રામકૃષ્ણ મઠના મૉરિશિયસ કેન્દ્રના દુર્ગાપૂજા મહોત્સવમાં મોરિશિયસ સરકારના ગવર્નર જનરલ સર વીરસ્વામી રિંગાડૂ, બાળવિકાસ અને પરિવાર કલ્યાણ ખાતાના મંત્રી શ્રીમતી શૈલાબાઈ બાપૂ તેમ જ ભારત સરકારના એલચીએ ભાગ લીધો હતો.

લીંબડીમાં જગદ્ધાત્રી પૂજા

૧૫મી નવેમ્બરે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરમાં શ્રીશ્રી જગદ્ધાત્રીપૂજાનું આયોજન થયું હતું.

આ જ દિવસે સવારે ૧૧ વાગે સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી નિમિત્તે એક જાહેર સભાનું આયોજન થયું હતું. સૌ પ્રથમ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ રાજમાતા પ્રવીણકુંવરબા દ્વારા રચાયેલ ભજનોના સંગ્રહવાળી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ ભજનોમાંથી થોડાં ભજનો આ પ્રસંગે રજૂ કરવામાં આવ્યાં હતાં. પ્રો. જે. સી. દવેએ પ્રાર્થના મંદિરની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. સ્વામી જિતાત્માનંદ, સ્વામી નિખિલેશ્વરાનંદ અને મહિલા બી. એડ. કોલેજ, મૈત્રી વિદ્યાપીઠ, સુરેન્દ્રનગરના પ્રાચાર્ય ડૉ. મોતીભાઈ પટેલનાં પ્રવચન બાદ રાજમાતા પ્રવીણકુંવરબાએ આશીર્વચન આપ્યાં હતાં.

રાજાસાહેબ, રાણીબા તેમ જ રાજપરિવારના અન્ય જનોએ પણ આ સમારોહમાં ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજીનો દેહવિલય

ત્રીજી ઑક્ટોબર ૧૯૯૧-એકાદશીને દિવસે સંધ્યા આરતી ટાણે, શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજીએ પોતાનો પાર્થિવ દેહ છોડી દીધો, એ સમાચારે અનેકાનેક લોકોએ આઘાત અનુભવ્યો છે.

૧૯૦૪માં કેરળના સંપન્ન પરિવારમાં જન્મેલા અને સંસ્કારી વાતાવરણમાં ઉછરેલા સ્વામી તપસ્યાનંદજી ૧૯૨૫માં એમ.એ. થઈને ૧૯૨૮માં રામકૃષ્ણ સંઘમાં જોડાયા. સ્વામી શિવાનંદજી (મહાપુરુષજી)એ તેમને બ્રહ્મચર્ય દીક્ષા આપી ત્યારથી અંત સુધી એકધારી ૬૩ વર્ષો સુધી તેમણે નિષ્ઠાપૂર્વક મઠ-મિશનની અનેકવિધ કલ્યાણપ્રવૃત્તિઓમાં સક્રિય સેવાઓ આપી હતી.

૧૯૩૨માં શ્રીઠાકુરની જન્મતિથિને દિવસે જ તેમણે સ્વામી શિવાનંદજી (મહાપુરુષજી) પાસેથી સંન્યાસ દીક્ષા લીધી. આમ, પિતૃદત્ત બાલકૃષ્ણમાંથી ક્રમશ: પૂર્ણચૈતન્ય અને પછી અન્વર્થક રીતે સ્વામી તપસ્યાનંદજી બન્યા. તેઓ સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ જેવા શ્રીરામકૃષ્ણના અંતરંગ સાક્ષાત્ શિષ્યોના સંપર્કમાં રહેવા ભાગ્યવંત થયા હતા. પોતાની ૧૫-૧૬ વર્ષની વયેથી જ તેમને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું થયેલું આકર્ષણ તેમને આ માર્ગે દોરી ગયું. એમાં એમનાં માતાનો ફાળો પણ ખૂબ અગત્યનો હતો.

તેઓએ ૧૯૨૬ થી ૧૯૪૦ સુધી મદ્રાસમાં રહીને કામ કર્યું અને તે પ્રદેશમાં કામ કરતા સ્વામી નિર્મલાનંદ વગેરે વરિષ્ઠ સંન્યાસીઓનો સત્સંગ તેમને મળ્યો. મદ્રાસમાં તેમણે અધ્યયન, અધ્યાપન, ‘વેદાન્તકેસરી’ (અંગ્રેજી સામાયિક)નું સંપાદન વગેરે મહત્ત્વનાં કાર્યો પૂરી સક્ષમતાથી કર્યાં. મદ્રાસના ‘સ્ટડી સર્કલ’ની ગોષ્ઠીઓમાં તેમનું વૈદુષ્યપૂર્ણ યોગદાન તો અવિસ્મરણીય જ છે.

૧૯૪૦ થી ૧૯૭૧ સુધી તેઓ ત્રિવેન્દ્રમ્‌માં રહ્યા. ત્યાં તેમને ષષ્ઠમંગલમ્‌નું દવાખાનું સંભાળવાનું સાવ નવી જ જાતનું કામ સોંપાયું. તેમણે એ કામ પણ ધીરજ, ખંત અને સખત પરિશ્રમથી માથે લીધું. પરિણામે એ વખતે એક ઝૂંપડામાં ચાલતા અસ્તવ્યસ્ત દવાખાનાને બદલે ત્યાં આજે એક વિશાળકાય, વિવિધ વિભાગોથી સંપન્ન, વિસ્તૃત અને સુસજ્જ હોસ્પિટલ ખડી છે! એની રજતજયન્તી પણ ઉજવાઈ ગઈ. ૧૯૭૧ સુધીમાં તો ત્યાં કેટલાંય વિશાળ બહુમાળી ભવનો બની ગયાં છે. આ બધું સ્વામી તપસ્યાનંદની તપ:પૂત સિદ્ધિની શાખ પૂરે છે.

૧૯૬૫ના નવેમ્બરમાં તેઓ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની કારોબારી સમિતિના સભ્ય તરીકે વરાયા, એટલે અવારનવાર બેલુર મઠ આવતાં જતાં વચ્ચે મદ્રાસમાં રોકાઈને ત્યાંની મોટી હોસ્પિટલોની વ્યવસ્થા વગેરેનું અધ્યયન કરીને સમુચિત બાબતોનો અમલ ત્રિવેઇન્દ્રમ્‌ની હોસ્પિટલમાં કરતા. હોસ્પિટલના સંકુલમાં તેમણે એક મંદિર અને પ્રાર્થના ગૃહ પણ બનાવ્યાં. નેટાયમ આશ્રમનું જ એ વિસ્તરણ છે. આ ગાળામાં તેમણે અનેક સ્થળે પ્રેરક પ્રવચનો પણ આપ્યાં હતાં. તેમને વળી પાછા ૧૯૭૧માં મદ્રાસ આવવું પડ્યું અને છેવટ સુધી પછી તેઓ ત્યાં જ રહ્યા. ૬૭ વરસની જૈફ વયે પણ યુવાન જેવી ગતિ અને ધગશથી અહીં એક ભારે કામ ઉપાડ્યું. અંગ્રેજીમાં વધતા જતા રામકૃષ્ણ -વિવેકાનંદ સાહિત્યનો તામિલ ભાષામાં અનુવાદ કરાવવો એમણે શરૂ કર્યો અને ૧૯૮૩-૮૪માં સંપૂર્ણ ‘કથામૃત’ તામિલમાં બહાર પડ્યું. બીજાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો પણ તામિલ તેલુગુમાં ઊતર્યાં ‘રામકૃષ્ણ વિજયમ્’ નામે વિશાળ ફેલાવો ધરાવતું તામિલ સામાયિક પણ શરૂ થયું. અહીં તેમણે પોતે પણ લેખન પ્રવૃત્તિ આદરી અને ભાગવતનો સુવિખ્યાત અંગ્રેજી અનુવાદ આપ્યો. તે પછી ક્રમશ: ભગવદ્‌ગીતા, અધ્યાત્મરામાયણ, સુંદરકાંડ, નારાયણીયમ્, ભક્તિરત્નાવલી, વિષ્ણુ સહસ્ત્રનામ, લલિતા સહસ્ત્રનામ, સૌન્દર્યલહરી, શિવાનંદલહરી આરાત્રિક મંત્રો અને રામનામ આદિ સત્તરેક ગ્રંથો અંગ્રેજીમાં ઉતાર્યા; શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને શ્રીમાનાં સંક્ષિપ્ત જીવનો અને ઉપદેશનાં પુસ્તકો, શ્રીમાનું વિસ્તૃત જીવનચરિત્ર વગેરે લખ્યાં. વળી છ એક અભ્યાસગ્રંથો લખ્યા. જેમાં “The Bhakti Schools of Vedanta’ વધારે ખ્યાતિ પામ્યું છે. એમાં સ્વામી વિવેકાનંદના ચાર યોગો વિશેના, તેમ જ સ્વામી વિવેકાનંદનાં રાષ્ટ્રીય ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી ભાષણો ઉપરનાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

૧૯૮૫ના તેઓની મઠ-મિશનના ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ. એ ભાર પણ તેમણે પૂરી સક્ષમતાથી વહન કર્યો.

આવા તપસ્વી, સંત, વિદ્વાન, કર્મવીર, બહુમુખી પ્રતિભાથી સંપન્ન વરિષ્ઠ સંન્યાસી ફક્ત મઠ-મિશને જ ગુમાવ્યા નથી. એમની ખોટ તો સમગ્ર વિશ્વને છે. આપણે એમની પાસેથી કશુંક પામીએ એ જ એમને અંજલિ! ઠાકુરસાંન્નિધ્યે તેમનો આત્મા ચિરશાન્તિમાં રહે એવી આપણે પ્રાર્થના કરીએ!

મૂર્ધન્ય શિક્ષણકારની ચિરવિદાય

ભારતના શિક્ષણજગતનો એક તેજસ્વી તારલો આથમી ગયો. ભારતના મહાન શિક્ષાવદ શ્રી ટી. એસ. અવિનાશલિંગમ્‌ના નીપજેલ અવસાનથી શિક્ષણક્ષેત્ર ખરેખર એવું રાંક બન્યું છે કે એની ખોટ પૂરી શકાય તેમ નથી.

જૂના મદ્રાસ રાજ્યનાં કોઈમ્બતૂર જિલ્લાનાં એક ગામડાંમાં ૧૯૦૩માં જન્મેલા આ મહાનુભાવે પ્રાથમિક શિક્ષણ ગામડામાં, માધ્યમિક શિક્ષણ કોઈમ્બતૂરમાં અને ઉચ્ચ શિક્ષણ મદ્રાસમાં લીધું. રાજનીતિ, અર્થશાસ્ત્ર અને કાયદાનાં તેઓ સ્નાતક હતા. વહેલી વયે જ શ્રીરામકૃષ્ણ સ્વામી, વિવેકાનંદ અને મહાત્મા ગાંધીથી તેઓ પ્રભાવિત થયા હતા. શ્રીરામકૃષ્ણનાં સાક્ષાત્ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી અને શિવાનંદજીને તેઓ ૧૯૨૧માં મળ્યા હતા. ૧૯૨૩માં સ્વામી શિવાનંદજીના આશીર્વાદ પામી તેમણે સેવાવ્રત ધારણ કર્યું.

રાષ્ટ્રીય આંદોલનમાં તેમણે મીઠા સત્યાગ્રહ, ૧૯૩રનો સત્યાગ્રહ, વ્યક્તિગત સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન વગેરેમાં ભાગ લઈને કુલ સાડા ત્રણેક વરસની જેલયાત્રા પણ કરી હતી.

તેમણે કેન્દ્રીય લેજિસ્લેટીવ એસેમ્બલી, મદ્રાસ લેજિસ્લેચરનાં સભ્ય તરીકે, મદ્રાસના શિક્ષણ પ્રધાન તરીકે તેમજ સાંસદ તરીકે લગભગ ૨૯ વર્ષ સુધી સક્રિય સેવાઓ આપી હતી.

શિક્ષણ ક્ષેત્રે તેમણે ૧૯૩૦માં રામકૃષ્ણ મિશન વિદ્યાલયની સંકુલની સ્થાપના કરી. એમાં નિવાસી માધ્યમિક શાળા, વિજ્ઞાન -વિનયન કોલેજ, શિક્ષણ, મહાવિદ્યાલય, શારીરિક શિક્ષણ કોલેજ, પોલિટેકનીક, કૃષિ-ગ્રામ સુધાર સંસ્થા, ઔદ્યોગિક સંસ્થા, સ્વામી શિવાનંદ ઉચ્ચતર માધ્યમિક શાળા, શિક્ષણ સંસ્થા, કલા નિકેતન, ઉદ્યોગ વિભાગ અને વિદ્યાલય દવાખાના વગેરેનો સમાવેશ થાય છે.

તેમણે સ્થાપેલા અવિનાશલિંગમ્ ટ્રસ્ટ દ્વારા અવિનાશલિંગમ્ ગૃહ વિજ્ઞાન કોલેજ, શિક્ષણ મહાવિદ્યાલય, ઉચ્ચતર માધ્યમિક કન્યાશાળા, પૂર્વ પ્રાથમિક શાળા, અન્નાઈ શારદા પ્રાથમિક શાળા, અવિનાશલિંગમ્ નર્સરી સ્કૂલ, અન્નાઈ શારદા નર્સરી સ્કૂલ અને અવિનાશલિંગમ્ બાલવાડી વગેરે આઠેક સંસ્થાઓ ચાલે છે.

તદુપરાંત, વિવેકાનંદ પુરમ્ ખાતે તેમણે સ્થાપેલા અવિનાશલિંગમ્ ગ્રામ કેન્દ્ર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, જેનું સંચાલન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિચર્સ-નવી દિલ્હીને હાથે થાય છે. તેમજ ત્યાં એક પશુસુધાર કેન્દ્ર, ઉદ્યોગ મંદિર, નાનું આરોગ્ય કેન્દ્ર અને જળ અને ઉર્જા શિક્ષણ સંસ્થા જેવી પ્રવૃતિઓ ચાલી રહી છે.

તેમણે સ્થાપેલી તાલીમ એકેડમીએ દસ ભાગમાં તામીલ વિશ્વકોશ અને બાલ વિશ્વકોશ પ્રકાશિત કર્યા છે. તેમણે ગાંધીજીનાં લખાણો ૧૭ ભાગમાં ગાંધી સ્મારક નિધિનાં ઉપક્રમે તામીલમાં ઉતાર્યા અને રામકૃષ્ણ મિશન વિદ્યાલયનાં ઉપક્રમે શોધ ગ્રંથોનું સંપાદન તામીલમાં કરાવ્યું છે.

તેમણે પોતે શિક્ષણ જગતને નવેક પુસ્તકોની ભેટ ધરી છે, જેમાં ચાર અંગ્રેજીમાં અને પાંચ તામીલમાં લખાયા છે. તેમનું Educational philosophy of Swami Vivekananda ખૂબ પ્રસિદ્ધિ પામ્યું છે. અમેરિકાએ તેમને લીડરશીપ એક્ષચેન્જ કાર્યક્રમ હેઠળ નિમંત્ર્યા હતા.

તેઓ પદ્મભૂષણ, નહેરુ સાહિત્ય પારિતોષિક, Senthamige Chelwar પારિતોષિક, તાલીમ ફેરવાઈ એજમાલ પારિતોષિક, તાલીમ યુનિવર્સીટીની ડી. લીટની માનદ પદવી, જમનાલાલ બજાજ પારિતોષિક વગેરેથી સન્માનિત અને ભૂષિત હતા.

તેઓ નમ્ર હતા. પોતાના કાર્યને તેઓ ઈશ્વરની કૃપા, સહ કર્મચારીઓની નિષ્ઠા અને જનસમાજનાં સહકારનું જ ફળ માનતા. તેમને મળેલા માન અકરામને તેઓ પોતાના અસંખ્ય મિત્રો, હિતેષીઓ અને સહકાર્યકરોની જ દેન સમજતા.

આવા મૂર્ધન્ય શિક્ષણકારની ચિરવિદાય શિક્ષણ જગતને જ નહિ. સમગ્ર માનવસમાજની ખોટ છે! એ દિવંગત આત્માને પ્રભુ ચિરશાન્તિ અર્પે એવી પ્રાર્થના કરીએ!

Total Views: 29
By Published On: September 1, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram