(પોરબંદરમાં રામકૃષ્ણ મિશન દ્વારા 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત પુનઃનિર્મિત શાળાના લોકાર્પણ પ્રસંગે, ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા પ્રાસંગિક વક્તવ્ય. – સં.)

આપણે ત્યાં કહ્યું છે કે ‘સેવા પરમો ધર્મ—સેવા એ પરમ ધર્મ છે’. અહીં આ સંસ્કારધામ શરૂ થઈ રહ્યું છે, મનને ગમી જાય તેવું સરસ મજાનું બાંધકામ અને આયોજન. પુનઃ નિર્માણ કેવું સરસ હોઈ શકે, સમાજની સેવા ભક્તિપૂર્વક કરીએ, ત્યારે કેવું નિર્માણ થઈ જાય છે, તેનું સીધું સાદું પ્રત્યક્ષ ઉદાહરણ એટલે આપણું આ મંદિર, આ સંસ્કારધામ! હાલ પુરુષાર્થથી એક નવું મંદિર નિર્માણ થઈ ગયું. ભૂકંપે ભલભલાને હલાવી નાખ્યા છે. આફત એટલી ભયાનક હતી, વિનાશ એટલો વ્યાપક હતો કે કલ્પના પણ નહોતી કે આટલી ઝડપથી સમાજ પુરુષાર્થ કરીને, ઠેર ઠેર પુરુષાર્થના મંદિરો નિર્માણ કરશે. ગુજરાતના આ સામર્થ્યને આજે નહીં, તો કાલે ઇતિહાસના દસ્તાવેજમાં નોંધ્યા વિના નહીં ચાલે. અહીંની પુરુષાર્થી પ્રજા આપત્તિ વચ્ચે પણ આત્મવિશ્વાસ સાથે, ધૈર્ય ગુમાવ્યા વગર, સંકલ્પ-શક્તિ સાથે સમાજની સામૂહિક શક્તિના-ભક્તિના માધ્યમથી આપત્તિઓને કેવી રીતે પાર કરી શકે છે, કેટલી ઝડપભેર ઊભી થઈ શકે છે, તેનો આ નમૂનો છે. લાતુરમાં ભૂકંપ થયો હતો. છ છ વર્ષો સુધી લોકોને અસ્થાયી નિવાસમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું. ઉત્તર કાશીમાં ભૂકંપ થયો હતો. આજે પણ ભૂકંપના પુનઃનિર્માણનું કામ ચાલ્યા જ કરે છે. મેક્સિકોમાં ભૂકંપ થયો હતો. સાત સાત વર્ષો વીતી ગયાં, આજે પણ નરી આંખે જોઈ શકાય એવું, પુનઃ નિર્માણ શક્ય નથી બન્યું. તુર્કીમાં ભૂકંપ થયો હતો. કાટમાળને ખસેડવાની શક્યતા ન હતી, આખરે કાટમાળને સળગાવી દેવો, એવો નિર્ણય કરવો પડ્યો! અરે, હમણાં 11 સપ્ટેમ્બરે અમેરિકાની અંદર આતંકવાદીઓએ બે ટાવર તોડી પાડ્યા, માત્ર બે ટાવર. અમેરિકા આટલો આગળ વધેલ દેશ છે, આટલાં બધાં વૈજ્ઞાનિક સાધનો ઉપલબ્ધ છે, પાણી માગો તો દૂધ મળી જાય એટલી શક્તિ છે, પણ અમેરિકાની સરકારે કહ્યું કે, આ બે ટાવરનો કાટમાળ હટાવતાં હટાવતાં દોઢ વરસ નીકળી જશે! જ્યારે દુનિયાની આ ઘટમાળનો વિચાર કરીએ, તો ઇતિહાસે નોંધવું પડશે કે ગુજરાતનું સામર્થ્ય, ગુજરાતનો પુરુષાર્થ વિશ્વની માનવજાતને પ્રેરણા આપે એટલી હદે ઉચ્ચ સ્તરનો છે કે જે આવા વિનાશક વાતાવરણમાં પણ ધૈર્ય ગુમાવ્યા વગર, આટલી ઝડપથી, આત્માના બળથી, આ પ્રકારના પુરુષાર્થથી મંદિરોનું નિર્માણ કરે છે. આપણા દેશનું કમનસીબ છે કે સારું એની નજરે જ નથી ચડતું  અને નજરે ચડી જાય, તો બીજાની નજરે ચડે, એવો પ્રયત્ન નથી કરાતો. આપણી પ્રકૃતિ અલગ છે. બારસો વર્ષની ગુલામીની માનસિકતાને કારણે આપણે એવા બની ગયા છીએ કે જ્યારે મોકો મળે ત્યારે આપણી જાતને કોસવામાંથી બહાર નીકળતા નથી. આપણે આપણી જાતને દોષ આપ્યા કરીએ છીએ કે, આપણામાં આ નથી, આપણામાં તે નથી, આપણામાં ઢીકણું નથી. જ્યારે દુનિયા આપણને જુએ છે, ત્યારે તેને આશ્ચર્ય થાય છે કે, આ કેવી પ્રજા છે!  અને એનું ઉદાહરણ શું? એનું ઉદાહરણ સંતો-મહંતોએ, ઋષિઓએ વેદથી વિવેકાનંદ સુધી આ રાષ્ટ્રની જે મહાન પરંપરા ચલાવી છે, જે મહાન પરંપરાએ વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ધૈર્યથી કેમ જીવવું, એના સ્વાભાવિક સંસ્કાર આપણને આપેલા છે, જે સંસ્કારના બળ ઉપર સમગ્ર સમાજના જીવનમાં એ ચેતનાશક્તિ નિરંતર ચાલ્યા કરે છે, પરંતુ કેટલાક લોકોને એ ચેતનાશક્તિનો સ્વીકાર નથી કરવો. એમની માનસિક ગુલામીની ગ્રંથિઓ આજે પણ એટલી જ સબળ છે કે, જેના કારણે આ દેશની મહાન તાકાતને ઓળખવામાં એ ઓછા પડે છે. સ્વામી વિવેકાનંદજીએ આજથી અનેક વર્ષો પહેલાં, એક શતાબ્દી કરતાં પણ પહેલાં, ડંકાની ચોટ પર કહ્યું હતું, અને એ દિવસોમાં આવા પ્રકારની ભાષા બોલવી એ નાનીસૂની વાત ન હતી. વિવેકાનંદજીએ કહેલું કે, “ડુબાડી દો તમારા બધા બ્રાહ્મણોને, પધરાવી દો તમારી બધી મૂર્તિઓને અને ભારતની પૂજા-અર્ચના કરવી હોય, તો દરિદ્રનારાયણની સેવા કરો. દરિદ્રનારાયણની સેવા કરશો તો તમને પરમાત્માની પ્રાપ્તિ થશે.” રામકૃષ્ણ મિશનના સંતો સ્વામી વિવેકાનંદજીના આ શબ્દોને જીવી જાણે છે, શબ્દોને આચરણમાં મૂકી સમાજની અંદર પોતાના વ્યવહાર અને આચરણથી આસ્થા પેદા કરવાનો પ્રયાસ કરે છે.

આજે સવારે મેં લીંબડી પાસે એક ગામમાં રામકૃષ્ણ મિશન દ્વારા બનાવેલ એક શાળાના લોકાર્પણનું કાર્ય કર્યું. ગુજરાતના બધાય જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક રામકૃષ્ણ મિશન દ્વારા આ ભૂકંપ-પીડિતોને મદદ થાય છે, અરે! કોઈ પણ પ્રકારના પ્રચારના આડંબર વગર, દેખાડા વગર, સહજ દરિદ્રનારાયણની સેવાના ભાવથી. અને આ ભક્તિ આવે છે કેવી રીતે? ‘પોતાની મુક્તિની પરવાહ કર્યા વિના બીજાની સેવા.’ રૂમમાં બેસીને નાક પકડીને ઓમકાર કરતાં કરતાં પરમાત્મામાં લીન થવાનું કામ મુશ્કેલ નથી. જેણે સર્વસ્વનો ત્યાગ કર્યો છે, એમના માટે તો સારામાં સારું, સહેલામાં સહેલું કામ છે, ઓમકાર કરતાં કરતાં રહેવું. પણ ના, એ માર્ગ નથી. દરિદ્રનારાયણની સેવા કરવી એ જ પરમાત્માની સેવા, એ જ ઉપાસના અને એનાથી અગર મોક્ષ મળે છે, તો ઠીક છે, નહીં તો પુનર્જન્મ પણ આ જ દરિદ્રનારાયણની સેવા માટે ખપાવી દઈશ! સમાજ માટેની સંવેદના કેવી હોય, સમાજ માટેની શક્તિ કેવી હોય, એ અંગેની શ્રીરામકૃષ્ણદેવના જીવનની એક નાનકડી ઘટના મને સ્મરણમાં આવે છે. બાળપણમાં સાંભળેલી આ નાનકડી ઘટના મારા પર આજે પણ પ્રભાવ પાડે છે. આમ તો હું ભાગ્યવાન લોકોમાંનો એક છું, એટલા માટે નહીં કે મુખ્યમંત્રી બન્યો છું, ભાગ્યવાન એટલા માટે છું કે મને રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં લાંબા સમય સુધી રહેવાનો અવસર મળ્યો છે. પૂજ્ય આત્મસ્થાનંદજીની સાથે જીવનને સંસ્કારિત કરવાનો અવસર મળ્યો છે. બેલુર મઠમાં એકનાથજી રાનડે સાથે અવારનવાર જઈને રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંતો પાસેથી સંસ્કાર પ્રાપ્ત કરવાનો મને અવસર મળ્યો છે. એના કારણે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું. અને છેલ્લે સ્વામીજીએ કહ્યું એમ, ન્યુયોર્કની ‘વર્લ્ડ રિલિજિયન્સ કોન્ફરન્સ’માં પૂજ્ય સ્વામીજીઓ સાથે હાજર રહેવાનો અવસર મળ્યો. હિન્દુસ્તાનના શ્રેષ્ઠ સંતો સાથે ભારતનું પ્રતિનિધિત્વ કરીને,  કોન્ફરન્સમાં હિન્દુસ્તાનના શ્રેષ્ઠ ચિંતનને વિશ્વ સમક્ષ મૂકવાની એ પળ કહેવાય. બધાય સંતોની સાથે રહેવાનો મને અવસર મળ્યો છે. આમ, હું આટલો ભાગ્યવાન છું. 

એક વાર એક જિજ્ઞાસુએ ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું,  “આપ કહો છો કે ચરાચર સૃષ્ટિમાં પરમાત્માનો વાસ છે; જે ભગવાન મારામાં વસે છે, તે ભગવાન સામેનામાં પણ વસે છે,  પણ આ માનવું કેવી રીતે?” શ્રીરામકૃષ્ણદેવ ઘડી ભર એની સામે જોઈ રહ્યા. પછી એમણે કહ્યું, “હા! ચરાચર સૃષ્ટિમાં ભગવાનનો વાસ છે. ભગવાન ત્યાં પણ છે, ભગવાન અહીં પણ છે, બધી જગ્યાએ ભગવાન છે. તારે એ જાણવું છે? એક કામ કર. મારા શરીર પર એક ચાદર ઓઢાડીને એ ચાદર ઉઠાવીને, જરા મારી પીઠ પર જો.” પેલા જિજ્ઞાસુને તો કસોટી જ કરવી હતી. એણે શ્રીરામકૃષ્ણદેવના શરીર પરથી ચાદર હટાવી અને એની આંખમાં આંસુ આવી ગયાં! અને મોઢામાંથી ચિત્કાર નીકળી પડ્યો. કારણ, શ્રીરામકૃષ્ણદેવની પીઠ ઉપર લોહીની ટશિઓ ફૂટેલી હતી. લોહીનાં નાનાં નાનાં ટપકાઓ પડેલાં! લોહીનાં ઝીણાં ઝીણાં ટપકાઓ બહાર દેખાતાં હતાં!  એણે પૂછ્યું, “ગુરુદેવ, આ શું!” શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, “ચિંતા ન કર, ભાઈ! ચિંતા ન કર. આ તો પરમાત્માની લીલા હતી. પેલા ઘાસ ઉપર જે ગાય ફરે છે ને! એ ગાયના ફરવાને કારણે ઘાસને જે વેદના થાય છે, એ વેદના હું મારી પીઠ ઉપર અનુભવું છું. એના કારણે ગાયનાં પગલાંનાં નિશાન મારી પીઠ ઉપર પડ્યાં છે! અને એના કારણે લોહીનાં ટીપાં દેખાય છે.” જ્યાં આટલી સંવેદના હોય, આટલી સંવેદનાની એકાત્મતાની અનુભૂતિ હોય, એ પરંપરાના સાધુ-સંતો સમાજ પર જ્યારે આપત્તિ આવી હોય ત્યારે  બેસી રહે, તે સંભવ નથી. અને મેં જોયું છે કે આ પ્રકારની શક્તિઓ સદાસર્વદા સમાજ માટે એક આશાનું કિરણ છે. એક યા બીજા રૂપમાં આ લોકો નાવડીના વાહકો છે, જે લોકો વિનાશથી નવસર્જન કરવાનો સંકલ્પ લઈને, આપણી સેવા કરવા માટે સદા સર્વદા તત્પર હોય છે. સમગ્ર સમાજ આવી પ્રવૃત્તિ સાથે જોડાય. આપણે સૌ કોઈ એમના ઋણી છીએ. 

પોરબંદરની ધરતી અત્યંત ભાગ્યવાન છે.  પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, સુદામાની જન્મભૂમિ છે, પરંતુ આપને કદાચ જાણ છે કે નહીં, મને ખબર નથી. સ્વયં સ્વામી વિવેકાનંદજી પોરબંદરની ધરતી પર આવીને ત્રણથી વધુ માસ રહ્યા હતા! પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીએ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. અને ગુજરાતની ધરતી ઉપર જ્યારે સ્વામી વિવેકાનંદજી આવ્યા, ત્યારે લીંબડીમાં એમને ઘણી તકલીફ થઈ. તાંત્રિકોને વિવેકાનંદજીની કસોટી કરવાનું સૌભાગ્ય મળ્યું! અને એ વખતે પોરબંદર એમને અત્યંત શાંત લાગ્યું, અત્યંત પ્રિય લાગ્યું. એવી પોરબંદરની ધરતી પર આવીને, જ્યાં સ્વામી વિવેકાનંદજીએ સ્વયં વાસ કર્યો હતો,  જ્યાં એમણે વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો, આ ભૂમિ પર રામકૃષ્ણ મિશન દ્વારા આ સંસ્કારધામના માધ્યમથી, આ સંકુલના માધ્યમથી, જે પ્રયાસ થયો છે, એ સમાજની શક્તિ વધારશે. હમણાં જિલ્લા પંચાયતના અધ્યક્ષને ચાવી આપી, તો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું કે, “આપે અમને સોંપ્યું, આગળની જવાબદારી તમારી.” હું ગભરાણો!  અગર જો સંતો સંસ્કારની જવાબદારી નહીં લે, તો યુવાનોથી સમાજનું ભલું નહીં થાય. તો ઇમારતની જવાબદારી અમને સોંપજો, સંસ્કારની જવાબદારી આપની પાસે રાખજો. ઇમારતને ઠીકઠાક કરવાનું કામ અમારા જેવા લોકોથી ન થાય. આ કપડાં પહેરાવાનું કામ અમને પાલવે. અંદરમાં જીવડાને જગાવવાનું કામ, તમે કરો. એ મહાન પરંપરા સંતોના હાથે જ થાય,  તો જ સમાજ ચેતનવંતો રહેતો હોય છે. અને નિખિશ્વરાનંદજીએ  કહ્યું કે, “હા! અમે એ કામ સંભાળીશું.” તો મારા માટે એ આનંદનો વિષય છે.  ચીનમાં એક ખૂબ સરસ કહેવત છે કે, ‘જો તમારે એક વર્ષનો વિચાર કરવો હોય, તો અનાજ વાવો. તમારે દસ વર્ષનો વિચાર કરવો હોય, તો તમે ફળ-ફળાદિનાં ઝાડ વાવો, પણ જો તમારે પેઢી દર પેઢીનો વિચાર કરવો હોય, તો તમે સારા માણસોને વાવો, જેથી કરીને પેઢી દર પેઢી જીવન સંસ્કારિત રહે.’ આપણે પણ આપણી આવતી પેઢીને ઉજાગર કરવી હશે, તો સંસ્કૃતિની વાવણી કરવી પડશે, અને સંતોએ એનું ખેડાણ કરવું પડશે. સંતો વિના આ સંસ્કૃતિની વાવણી સંભવ નથી.

સ્વામીજીએ મારા માટે મારી હાજરીમાં તો કહ્યું, પણ મારી ગેરહાજરીમાં મારા માટે ઘણી વાતો કરતા હોય છે, એવું મને બધા કહેતા હોય છે. સંતોના મારા ઉપર ઘણા આશીર્વાદ રહ્યા છે. મને વિશ્વાસ છે કે સુદામાની આ ધરતી જેને કૃષ્ણની દોસ્તીએ દૃઢ કરી હતી, એ ધરતી પરથી મને પણ આશીર્વાદ મળશે કે, સમાજની રક્ષા કરવાની તાકાત મારામાં આવે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

Total Views: 1,268

One Comment

  1. રસેન્દ્ર અધ્વર્યુ September 22, 2022 at 5:20 am - Reply

    અદ્વિતીય વક્તવ્ય, અદ્વિતીય ઠાકુર, માં, સ્વામી ભક્ત. હમણાંજ એમની વર્ષગાંઠ ગઈ. ઈશ્વર નરેન્દ્ર ભાઈની પાસે ખુબ કામ કરાવે અને નરેન જેવા આદર્શ બનાવે. એમની નમ્રતા અજોડ છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.