વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત, ભાષા, સાહિત્ય, કલા, વગેરે ક્ષેત્રોમાં ભારત પૃથ્વી પર અવ્વલ નંબરે હતું. પણ એક એવો સમય પણ આવ્યો કે જ્યારે ભારતની ભૂમિ પરથી સૂર્ય અસ્ત થઈ ગયો અને પશ્ચિમી રાષ્ટ્રો સરસ્વતીનાં કૃપાપ્રાપ્ત બની વિદ્યાના પ્રકાશથી ઝળહળવા લાગ્યાં. આજે અમેરિકા અને યુરોપની ક્ષમતાઓ જુઓ: તેઓ આર્ટીફિસીયલ ઇન્ટેલિજન્સની મદદથી વિજ્ઞાનના ગહનતમ કોયડાઓ ઉકેલે છે, વિરાટ દૂરબીનો અવકાશમાં મોકલીને સુદૂર બ્રહ્માંડનાં રહસ્યો ઉજાગર કરે છે, તો જેનેટિક એન્જિનિયરિંગની મદદથી અસાધ્ય રોગો નિવારે છે, વૃદ્ધાવસ્થા આવતી ધીરી પાડે છે, અરે મૃત્યુને સુધ્ધાં પડકારે છે.

સમાજમાં વિદ્યાનો પાયો કોણ નાખી શકે? પ્રથમ તો એ વિરલા મનુષ્યો જે આંતર અને બાહ્ય પ્રકૃતિનાં રહસ્યોથી વિસ્મિત થઈ શોધખોળપૂર્વક માનવ-સભ્યતાને નવા નવા વિજ્ઞાનની ભેટ આપતા રહે છે. ડો. અબ્દુલ કલામ કહે છે કે, “જો કોઈ રાષ્ટ્રે ભ્રષ્ટાચારથી મુક્તિ મેળવવી હશે, અને સુંદર મનનો સમાજ ગઠિત કરવો હશે, તો મને લાગે છે કે સમાજના ત્રણ સદસ્ય એવા છે કે જે આ પરિવર્તન આણી શકે. તેઓ છે—માતા, પિતા, અને શિક્ષક.”

આપણામાંથી ઘણા મિત્રો સાથે બાઈક લઈને ફરવા જતા હોઈશું. જો તમે અને તમારા મિત્ર એક જ ગતિથી પોતપોતાનું બાઈક ચલાવશો તો બેઉ બાઈક સાથે સાથે ચાલશે અને તમે રસ્તામાં ગપ પણ લગાવી શકશો. રસ્તા પર ઊભેલી વ્યક્તિને ભલે લાગે કે તમારો મિત્ર બાઈક ઉપર ઝડપથી ગતિ કરી રહ્યો છે, પણ તમને તો એમ જ લાગશે કે તમારો મિત્ર બાઈક ઉપર સ્થિર ઊભો છે.

હવે જુઓ, એક વૈજ્ઞાનિકની બુદ્ધિ કેવી રીતે કામ કરે છે. પ્રકાશના કિરણની ગતિ છે 3 લાખ કિ.મી./સેકન્ડ. એક દિવસે યુવા આઇન્સ્ટાઇને વિચાર્યું કે જો આપણે પણ પ્રકાશના કિરણની સાથે, એની જ ગતિથી મુસાફરી કરીએ તો આપણને શું જોવા મળશે? શું આપણે એક સ્થિર પ્રકાશનું કિરણ જોઈ શકીશું? ચિંતન કરતાં એમને ઉત્તર મળ્યો, નહિ. આપણે ભલે 3 લાખ કિ.મી./સેકન્ડની ગતિથી મુસાફરી કરતા હોઈએ, આપણને તો પ્રકાશનું કિરણ 3 લાખ કિ.મી./સેકન્ડની ગતિથી જ ઊડતું દેખાશે. અર્થાત્‌ આપણી ગતિની સાથે સાથે જ પ્રકાશના કિરણની ગતિ પણ વધે છે. પણ નિયમ છે કે બ્રહ્માંડમાં કશું પણ 3 લાખ કિ.મી./સેકન્ડથી વધુની ગતિથી ઊડી ના શકે. તો શું પ્રકાશનું કિરણ વિજ્ઞાનના નિયમોનો ભંગ કરે છે? આ એક એવો સામાન્ય-બુદ્ધિની વિપરીત, આશ્ચર્યજનક ઉત્તર હતો કે એના ઊંડાણમાં ડૂબકી લગાવીને યુવા આઇન્સ્ટાઇને ‘થિયરી ઓફ રિલેટીવિટી’ શોધી કાઢી.

આલ્બર્ટ આઇન્સ્ટાઇન

સમાજમાં વિદ્યાનો પાયો મજબૂત કરનાર બીજા છે કેળવણીકારો કે જે આ જ્ઞાનને જાળવી શકે, આત્મસાત્‌ કરી શકે, અને એમના આશ્રય હેઠળ રહેલ વિદ્યાર્થીઓની વ્યક્તિગત ક્ષમતા, માનસિક વલણ, અને સ્વાભાવિક સંસ્કારને સ્નેહપૂર્વક સમજીને એમને કેળવી શકે.

એક આદર્શ શિક્ષકમાં સ્નેહ અને સૃજનશીલતાનો સુંદર સમન્વય જોવા મળે છે. વિદ્યા આધ્યાત્મિક હોય અથવા તો હોય સામાજિક, વ્યાવહારિક, કે વૈજ્ઞાનિક–એક સુશીલ, દૃઢનિષ્ઠ, ઉદ્યમી, અને પોતાની વિષયવસ્તુ પર સંપૂર્ણ મહાવરો ધરાવતા આદર્શ શિક્ષક સહજે વિદ્યાર્થીઓનું જીવન પરિવર્તિત કરી શકે છે અને આધુનિક રાષ્ટ્રના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.

(તા. ક. – બાઈકનું ઉદાહરણ માત્ર સમજવા માટે આપ્યું છે. એની નકલ ન કરવા વિનંતી!)

શ્રીરામકૃષ્ણ હતા એક આદર્શ શિક્ષક. તેમના એક શિષ્ય હરિ (જેઓ સંન્યાસ ગ્રહણ કરી સ્વામી તુરીયાનંદ બન્યા હતા) યુવાન હતા ત્યારથી જ દક્ષિણેશ્વર કાલી મંદિરમાં એમની પાસે આવતા હતા. હરિ મહારાજ જ્યારે થોડા દિવસ આવી ન શકતા ત્યારે શ્રીરામકૃષ્ણ કહેતા:

“તમે અહીં આવતા કેમ નથી? તમને મળવાની ખૂબ ઇચ્છા થાય. કારણ, મને ખબર છે કે તમે ઈશ્વરના પ્રિય પાત્ર. શું હું તમારી પાસે કોઈ આશા રાખી શકું? તમે મને એક પૈસાની કોઈ વસ્તુ પણ આપી શકો નહિ અને જો તમારે ઘરે આવું તો તમે મને બેસવા માટે એક ફાટેલી શતરંજી પણ આપી શકો નહિ. છતાં પણ હું તમને આટલો પ્રેમ કરું છું. અહીં આવવાનું ભૂલતા નહિ. કારણ, અહીં તમે ધર્મજીવન વિષે બધું જ મેળવશો.

“જો તમે બીજી કોઈ જગ્યાએ ઈશ્વરદર્શનનો સુયોગ મેળવો, તો નિશ્ચય ત્યાં જતા રહેજો. હું એટલું જ ઇચ્છુ છું કે તમે ઈશ્વરપ્રાપ્તિ કરો, જાગતિક દુઃખોથી અતીત થાઓ અને ભગવાનનો આનંદ-ઉપભોગ કરો. જેવી રીતે સંભવ, આ જન્મમાં જ ઈશ્વર પ્રાપ્ત કરો. મા (જગત જનની જગદંબા) મને કહે છે કે જો તમે માત્ર અહીં આવશો તોપણ, વિના પ્રયત્ને, તમને ઈશ્વરદર્શન થશે. માટે જ, તમને અહીં આવવા માટે આટલું કહું છું.”

(ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદ’. pg 17.)

આંખ બંધ કરીને ધ્યાન કરો કે આપણે પણ હરિ મહારાજની જેમ એક યુવાન છીએ. આપણું મન પણ કોલકાતાના ઘોંઘાટ, કોલાહલથી થાક્યું-પાક્યું વિસામો શોધે છે. આપણે પણ ઢળતા સૂર્યની સાથે નૌકામાં બેસીને દક્ષિણેશ્વર યાત્રા કરી રહ્યા છીએ. આપણે શું જોઈશું, શું અનુભવીશું?

ચારેબાજુ છે પુણ્યસલિલા ગંગાનો વિરાટ પટ, જેના કિનારે બેસીને ઋષિ-મુનિઓએ હજારો વર્ષ સુધી ઈશ્વર-ચિંતન કર્યું છે, આત્મસાક્ષાત્કાર કર્યો છે. નદીને સ્પર્શી આવતી ઠંડી હવા, પાણીના તરંગોનો સુમધુર ધ્વનિ, અને એકાંત આપણા મનને સહજે અંતર્મુખ કરી દે છે.

દક્ષિણેશ્વરે, ચાંદની ઘાટે, નૌકા લાગતાંની સાથે જ ગુંજી ઊઠે છે મા કાલીની આરતીના આવાહનસ્વરૂપ શ્રીમંદિરમાં શંખ અને ઘંટાનો નિનાદ. આપણે મન ભરીને આરતી-દર્શન કરીએ છીએ, કોલકાતાનો ઘોંઘાટ ક્યાંય વિસ્મરી જઈએ છીએ.

હવે ચાલીએ શ્રીપ્રભુનાં દર્શને—આદર્શ ઋષિ, આદર્શ શિક્ષક, સ્નેહમયી માની પ્રતિકૃતિ સ્વરૂપ શ્રીરામકૃષ્ણનાં દર્શને.

તેઓના ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે. સૂર્ય ઢળી ચૂક્યો છે અને શીતળ ચંદ્રકિરણો ઓરડાને ઉજાળી રહ્યાં છે. શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર બેસીને આપણા જેવા જ બીજા યુવાનો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. આપણને જોતાં જ તેઓ હાસ્યમુખે આપણને આવકારે છે.

આપણે તેમને પ્રણામ કરીને એમના ચરણ સમીપે, જમીન ઉપર સ્થાન ગ્રહણ કરીએ છીએ. તેઓ ક્યારેક હાસ્ય-વિનોદ કરે છે અને આપણને હસાવી-હસાવીને લોટપોટ કરી દે છે, તો ક્યારેક ધર્મ, અધ્યાત્મ-દર્શન અને સ્વ-અનુભૂતિની સૂક્ષ્મદૃષ્ટિસંપન્ન એવી ગહન વાતો કરે છે કે જે આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે.

જાણ્યે-અજાણ્યે આપણે ફરીથી એ પુરાતન ગુરુકુળમાં પાછા ફર્યા છીએ કે જ્યાં વિદ્યા અને વિનયનો સમાગમ થાય છે, જ્યાં ગુરુ મૌલિક અભિવ્યક્તિ આવકારે છે—પરિપોષિત કરે છે, જ્યાં શિષ્ય મન-પ્રાણ ઢાળીને જ્ઞાનાર્જન માટે કટિબદ્ધ થાય છે, જ્યાં નિર્ભયે બધા જ વિષયો ઉપર મુક્ત ચર્ચા થાય છે, પોતાની ભૂલ સ્વીકારાય છે, અને મિત્રોને મદદ કરવાની સદા-તત્પરતા રહે છે.

શ્રીરામકૃષ્ણની કૃપાથી આપણે સૃજનશીલતા અને એકાગ્રતાથી સજ્જ થઈ ફરીથી મા સરસ્વતીની આ ભૂમિમાં જ્ઞાનનો પુન:ઉદય કરીશું. ફરીથી ઘરે ઘરે જન્મ લેશે—આર્યભટ્ટ, ભાસ્કર, અને રામાનુજ જેવા વૈજ્ઞાનિકો; મીરાંબાઈ, નરસિંહ મહેતા, પુરંદર દાસ જેવા કવિઓ; અને ગજાનન મહારાજ, ત્યાગરાજ સ્વામી જેવા સંતો.

Total Views: 1,016

5 Comments

 1. D K Sen September 4, 2022 at 6:48 am - Reply

  Do give me in English, Thanks.

 2. Kajal lodhia September 4, 2022 at 6:16 pm - Reply

  ખુબ જ સરસ લેખ……

  • Deviben vyas September 5, 2022 at 2:23 am - Reply

   Jythakur jyma jyswamiji Maharaj khub saras bhagvan thakur same bethahoy avu laguy karunamurti thakur sda tmaro jy Thao

 3. Dr. Munni Mandavia September 5, 2022 at 6:34 am - Reply

  Very inspiring article

 4. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) September 5, 2022 at 11:54 pm - Reply

  અદ્ભુત માહિતી વાંચવા અને જાણવા મળી. મને એવી અનુભૂતિ થઈ કે સોને મઢ્યા શબ્દો હવે જ સાંપડ્યા છે.
  -પરથીભાઈ ચૌધરી,”રાજ”(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક)

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram