શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી

તમે-તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્‌ભત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પાછળ શા માટે છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં તે અદ્‌ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે; અને તેમને કેન્દ્ર બનાવવાથી જગતમાં ગાર્ગીઓ અને મૈત્રેયીઓ ફરી એક વખત જન્મશે. વહાલા બંધુ, અત્યારે તમે થોડું સમજો છો, પણ ધીરે ધીરે તમે તે બધું જાણી શકશો. માટે તેમનો મઠ મારે પહેલો જોઈએ છે. શક્તિની કૃપા વિના કંઈ સિદ્ધ થતું નથી. અમેરિકા અને યુરોપમાં હું શું જોઉં છું? શક્તિની પૂજા, શક્તિની પૂજા. તેઓ જો કે તેને અજ્ઞાનથી અને ભૌતિક સુખપ્રાપ્તિ માટે જ પૂજે છે. ત્યારે પછી, જે લોકો તેને માતા તરીકે લેખીને શુદ્ધ ભાવે સાત્ત્વિક બુદ્ધિથી પૂજે, તો તેઓ કેટલું કલ્યાણ સાધી શકે તેની કલ્પના કરો! હું દિવસે દિવસે દરેક વસ્તુને વધારે ને વધારે સ્પષ્ટ સમજતો જાઉં છું, મારી અંતર્દૃષ્ટિ વધારે ને વધારે ઊઘડતી જાય છે તેથી આપણે માતાજી માટે પ્રથમ મઠ બાંધવો જોઈએ. પ્રથમ માતા અને માતાની પુત્રીઓ, પછી પિતા અને પિતાના પુત્રો. તમે આ સમજી શકો છો? મારે મન તો માતાજીની કૃપા પિતાની કૃપા કરતાં લાખો ગણી કીમતી છે. માતાની કૃપા, માતાના આશીર્વાદ મારે મન સાર્વભૌમ બાબત છે. મને માફ કરજો, પણ માતાજી બાબતમાં હું જરાક અંધશ્રદ્ધાળુ છું. જો માતાજી આજ્ઞા કરે તો તેમના ભૂતો બધું કરી શકે. ભાઈ! અમેરિકા રવાના થતા પહેલાં મેં માતાજીને આશીર્વાદ મોકલવા માટે લખ્યું હતું. તેમના આશીર્વાદ આવ્યા અને એક કૂદકે હું સમુદ્ર પાર કરી ગયો. જુઓ તમે! આ કાતિલ ઠંડી ઋતુમાં હું એક સ્થળેથી બીજે સ્થળે વ્યાખ્યાન કરતો ફરું છું, અને વિપરીત સંજોગો સામે લડું છું, કે જેથી માતાજીના મઠ માટે પૈસા એકઠા થાય… નિરંજનનો સ્વભાવ લડાયક છે; પણ માતાજી પ્રત્યે તેનામાં ઘણી જ ભક્તિ છે, એટલે તેની બધી નાદાનિયત હું સહેલાઈથી ચલાવી લઈ શકું છું. હમણાં તે ઘણું અદ્‌ભુત કામ કરે છે; હું તે બાબતથી ટપાલ દ્વારા પૂરો વાકેફ રહું છું. વળી, મદ્રાસીઓ સાથે સહકાર રાખવામાં તમે પણ ઘણું જ સારું કર્યું છે. વહાલા ભાઈ, તમારી પાસેથી હું ઘણી ઘણી આશા રાખું છું. તમારે બધા સંયુક્ત કાર્ય માટે વ્યવસ્થિત અને સંગઠિત થવું જોઈએ. જેવા તમે માતાજી માટે જમીન મેળવશો કે તુરત જ હું સીધો ભારત પાછો ફરીશ. જમીન ઘણી મોટી હોવી જોઈએ. શરૂઆતમાં ભલે માટીનું ઘર હોય; સમય જતાં હું એક સારું મકાન ઊભું કરાવીશ; એ વિશે તમે ચિંતા ન રાખશો.

– સ્વામી વિવેકાનંદ

(સ્વામી વિવેકાનંદના પત્રો : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ (૧૯૮૮) પૃ.સં. ૭૫-૭૬)

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.