યોગ અને વિયોગ

આચાર્ય શંકર કહે છે: ‘ખરેખર તો વિયોગ જ યોગ છે. કારણ કે એ અવસ્થામાં યોગી બધી જ તકલીફોથી મુક્ત થઈ જાય છે.’ બીજા શબ્દોમાં, વૈરાગ્ય કે અનાસક્તિ વિના યોગની કલ્પના પણ ન કરી શકાય. સાધારણ ચિંતનને ધ્યાન ન કહી શકાય. એ પૂર્ણ ચેતનાની સાથે એક નિશ્ચિત આધ્યાત્મિક કેન્દ્રમાં કોઈ વસ્તુ પર ‘ઇચ્છા’ને કેન્દ્રિત કરવી એ છે. તે માટે પહેલાં ઇચ્છાને કામનાઓ અને વિચારોથી અલગ કરવી પડશે. ત્યાર પછી, ઇચ્છાની વેરવિખેર થયેલી શક્તિઓને એકત્ર કરવી પડશે અને ત્યાર પછી આ એકીકૃત ઇચ્છાને આધ્યાત્મિક કેન્દ્ર તરફ વાળવી પડશે.

આ બધાં ડગલાંમાંથી પહેલું ડગલું જ સૌથી અઘરું છે. ઇચ્છાને એક વાર અલગ કરી લીધા પછી તેને કોઈ પણ વસ્તુ તરફ વાળી શકાય છે. કામનાઓ અને ઇન્દ્રિયોના તાબામાં રહેલી ઇચ્છા શક્તિહીન હોય છે. પણ જ્યારે તેને અલગ કરી એકાગ્ર કરવામાં આવે છે ત્યારે તે લેસર-કિરણ જેવી મહાશક્તિ પ્રાપ્ત કરી લે છે. આ જ મુક્ત અને સશક્ત ઇચ્છા છે, જે યોગીઓની સંપત્તિ છે. ઇચ્છા જ્યાં સુધી કામનાઓની સાથે જોડાયેલી છે, ત્યાં સુધી ઇચ્છાશક્તિ વધારવાનો કોઈ પણ પ્રયાસ માત્ર કામનાઓ અને સહજપ્રવૃત્તિને બળવાન બનાવશે. માત્ર અનાસક્તિ દ્વારા જ સાચી ઇચ્છાશક્તિ પ્રાપ્ત થઈ શકે છે.

વૈરાગ્ય અથવા અનાસક્તિ જ બધા પ્રકારના યોગની સાધના માટેની એક અનિવાર્ય પ્રારંભિક તૈયારી છે. અનાસક્તિને કર્મ સાથે જોડવાથી કર્મયોગ થાય છે. અનાસક્તિને પ્રેમ સાથે જોડવાથી ભક્તિયોગ થાય છે. અનાસક્તિને જ્ઞાન સાથે જોડવાથી જ્ઞાનયોગ થાય છે. માત્ર કલ્પનાથી જ અનાસક્તિનો અભ્યાસ ન થઈ શકે. તેનો સક્રિયરૂપે અભ્યાસ કરી રોજબરોજના જીવનમાં પરીક્ષણ કરવું પડશે. આથી બીજા યોગને અપનાવતાં પહેલાં સર્વપ્રથમ કર્મયોગનો જ અભ્યાસ કરવો પડશે. મનુષ્ય પરનો પ્રેમ અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ બંને વચ્ચે તફાવત એ છે કે પહેલો આસક્તિ પર આધારિત છે, જ્યારે બીજો અનાસક્તિ પર. ઇચ્છાઓને શુદ્ધ કરીને સગુણ ઈશ્વર પ્રત્યે ઉન્મુખ કરવાને જ ભક્તિ કહે છે.

વૈરાગ્ય અથવા અનાસક્તિની અવસ્થાઓ

અનાસક્તિ લાંબી છલાંગ જેવી નથી, પરંતુ એ વિવિધ સ્તર રૂપે આવે છે. એ સાચું છે કે કેટલાક લોકોના જીવનમાં અચાનક જ ‘પરિવર્તન’ આવીને એક ઝાટકે તેમના આત્માને સંસારના બંધનમાંથી મુક્ત કરી દે છે. પરંતુ એવા કિસ્સાઓમાં પણ એ પ્રક્રિયાને પૂરી થવામાં કેટલોક સમય લાગી જ જાય છે. આપણે જેમ જેમ આપણા આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરતા જઈએ છીએ, તેમ તેમ અનાસક્તિ વિશેની આપણી સમજમાં પરિવર્તન થતું રહે છે. અનાસક્તિ ઘણી અવસ્થાઓમાંથી પસાર થઈને વિકાસ પામે છેે અને આ અવસ્થાઓ આપણી ચેતનાની અભિવ્યક્તિની માત્રાનો સંકેત આપે છે.

યોગીઓના મતે વૈરાગ્ય કે અનાસક્તિ ચાર સ્તરમાંથી પસાર થાય છે. (પ્રયાસ પર આધારિત) પ્રથમ સ્તરને ‘યતમાન’ કહેવાય છે, જેમાં નવો સાધક વિવેક, તપ અને શરણાગતિના અભ્યાસ દ્વારા કામનાઓથી મુક્ત થવાનો પ્રયાસ કરે છે. (ભેદ પર આધારિત) ‘વ્યતિરેકી’ નામના બીજા સ્તરમાં સાધકને એ ભાન થાય છે કે ‘મારા આટલા પૂર્વ-સંસ્કાર નષ્ટ થઈ ગયા છે અને હવે માત્ર આટલા જ બાકી રહ્યા છે. (ઇન્દ્રિય પર આધારિત) ‘એકેન્દ્રિય’ નામના ત્રીજા સ્તરમાં બધી જ બાહ્ય ઇન્દ્રિયો પર અંકુશ આવી જાય છે અને માત્ર આંતરિક ઇન્દ્રિય-મન જ ક્રિયાશીલ રહી જાય છે. ત્યારે પૂર્વ અનુભૂતિઓની સ્મૃતિમાત્ર બચી રહે છે, ત્યારે ઇચ્છા કામનાની ગુલામ નથી રહેતી. પણ હજુય સાધક તે ઉચ્ચતર આધ્યાત્મિક કેન્દ્ર પ્રત્યે સંપૂર્ણ રૂપે તૈયાર નથી હોતો. આ સંયમની એક અવસ્થા છે, જેમાં સાધક ઇન્દ્રિયસુખોથી મુક્ત થઈ આત્મસંયમ એટલે કે મનના સંયમના સુખની અનુભૂતિ કરે છે. આ સ્થિતિમાં ધ્યાન સ્થિર અને સહેલું થઈ જાય છે. પ્રયાસની જરૂર નથી પડતી. (વિજય પર આધારિત) ‘વશીકાર’ નામક ચતુર્થ સ્તરમાં ઇચ્છા સંપૂર્ણ રીતે અલગ થઈને મુક્ત રીતે વિચરણ કરે છે. હવે યોગી દ્વારા મરજી અનુસાર ઇચ્છાને વાળી શકાય છે. આ અવસ્થામાં ધ્યાન પરિપક્વ થઈને સમાધિમાં પરિણત થઈ જાય છે.

મનોવૈજ્ઞાનિક અવસ્થાઓ હોવાના કારણે આ સ્તર બધા જ યોગ અને બધા આધ્યાત્મિક પથમાં સામાન્ય છે. આજના સમયમાં, જ્યારે ધ્યાન આધ્યાત્મિક કૌશલ્યની સાથે સાથે ચિકિત્સા પદ્ધતિના રૂપે પણ લોકપ્રિય થતું જાય છે, સંભવ છે કે આ અવસ્થાઓ પર ધ્યાન ન દેવાય ત્યારે તેમાંથી પસાર થયા વિના એક સ્થિર ધ્યાનમય જીવન જીવવું અને સાચી આધ્યાત્મિક અનુભૂતિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી અઘરી છે.

સો વર્ષ પૂર્વેના આપણા પૂર્વજોની સરખામણીએ આધુનિક મનુષ્યને આ અનાસક્તિના અભ્યાસની ક્યાંય વધુ જરૂર છે, કારણ કે આજના વિશ્વમાં વિવિધ પ્રકારની મનને આકર્ષક અને પ્રલોભક વસ્તુઓની ભરમાર છે. આધુનિક જીવન એટલું બધું અટપટું અને તાણગ્રસ્ત થતું જાય છે કે કોઈ પણ રીતે અનાસક્તિનો આશરો લીધા વગર સામાન્ય શાંતિપૂર્ણ સાંસારિક જીવનયાપાન કરવું પણ મુશ્કેલ બની ગયું છે. અને સાધકો માટે તો અનાસક્તિ અથવા વૈરાગ્ય એક જીવનશૈલી જ બની જવી જોઈએ. ગીતામાં આ માટે માર્ગદર્શક સિદ્ધાંત નક્કી કરી દેવામાં આવ્યો છે: ‘હે ભરતવંશી, જેવી રીતે અજ્ઞાનીઓ કર્મમાં આસક્ત થઈને કર્મ કરે છે, તેવી જ રીતે લોકસંગ્રહ કરવા ઇચ્છતા જ્ઞાનીએ કર્મમાં અનાસક્ત થઈને કર્મ કરવું.’

Total Views: 960

2 Comments

  1. Shakti Kishorbhai Gohel October 17, 2022 at 10:52 am - Reply

    😇

  2. પરથીભાઈ ચૌધરી,'રાજ '(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) September 24, 2022 at 4:55 pm - Reply

    લોકભોગ્ય ભાષામાં ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.