(ડૉ. રોસ્ટીસ્લાવ રીબેકોવ, રશિયાના મોસ્કોમાં આવેલ ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ’ નામની સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર છે. ફેબ્રુ.-માર્ચ ‘૯૧માં મદ્રાસ રામકૃષ્ણ મિશન ખાતે ભારતની મુલાકાત દરમ્યાન તેમણે થોડા દિવસો ગાળ્યા. પોતાના સ્પષ્ટ વક્તાપણા, વિનોદ-વૃત્તિ અને વિદ્વતાને કારણે તેઓ સર્વના પ્રિયપાત્ર બની ગયા. પોતાના રહેઠાણ દરમ્યાન, રામકૃષ્ણ મઠ મદ્રાસથી પ્રકાશિત અંગ્રેજી માસિક ‘વેદાન્ત કેસરી’ના પ્રતિનિધિને મળીને ભારતની તેમના પર પડેલ છાપ વિષે તેમ જ રશિયાની વર્તમાન ધર્મ-સ્થિતિની વાતો કરી.)

પ્રશ્ન : આપના ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ’ વિષે કંઈ કહો.

હા, ચાલો આપણે તેનાથી જ શરૂઆત કરીએ. મારા દેશમાં વિકાસને લગતી આ મોટામાં મોટી સંસ્થા છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં તે શરૂ થઈ. તે શાળા નથી. પણ સંશોધન માટેની સંસ્થા છે. મૉસ્કોમાં તેનું વડું મથક છે. અને લેનિનગ્રાડમાં શાખા છે. બાકુ, યેરેવાન, દુશાન્બેની સંસ્થાઓ સાથે અમે સતત સંપર્કમાં રહીએ છીએ અને અનેક યોજનાઓમાં સાથે જ કામ કરીએ છીએ.

પ્રશ્ન : આપ પૌર્વાત્યનો શો અર્થ કરો છો?

એશિયાના બધા જ દેશોનો તેમાં સમાવેશ થાય જ. અમે ઉત્તર આફ્રિકાનો પણ અભ્યાસ કરીએ છીએ. આફ્રિકાના બીજા વિભાગોનો જ અભ્યાસ કરનાર જુદી સંસ્થા છે. ૧૯૪૯ સુધીનો એટલે કે ક્રાંતિ પહેલાના ચીનનો અભ્યાસ પણ કરીએ છીએ. ૧૯૪૯ની ક્રાંતિ પછીના ચીનનો અભ્યાસ કરનાર સંસ્થા વળી બીજી છે. આ જરા રમૂજ કરે તેવું વિભાજન છે. કોઈ પણ દેશની સંસ્કૃતિ કે ઇતિહાસના આ રીતે વિભાગ ન કરાય.

૧૯૧૭ની ક્રાંતિ પહેલાંના અને પછીના રશિયાના અભ્યાસ માટે આ જ ભૂલ કરેલ. અલબત્ત, હવે અમને ભૂલ સમજાય છે. અત્યારે એવા લોકો જે ક્રાંતિ દરમ્યાન કે ક્રાંતિ પછી દેશ છોડી ગયા એમના વિષે અમારા દેશમાં અભ્યાસ ચાલે છે. અમે એને ઇતિહાસનો એક ભાગ માનીએ છીએ. અમે ઑસ્ટ્રેલિયાનો પણ અભ્યાસ કરીએ છીએ. આ પણ બરાબર નથી. કારણ કે ઑસ્ટ્રેલિયાનો પૂર્વના દેશમાં સમાવેશ થાય નહીં. પણ અમારા તેમની સાથે સારા સંબંધો છે અને અમને રસ પડે તેવું સારું એવું સંશોધન તેઓ કરે છે- ખાસ કરીને પ્રશાંત મહાસાગરને લગતું- અમારો સારો મનમેળ છે.

અમારી સંસ્થામાં ઇતિહાસ, લોકસંખ્યાશાસ્ત્ર ભાષા, સાહિત્ય, ધર્મ, કળા, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, રાજકારણ બધાંનો અભ્યાસ થાય છે. મૉસ્કો અને લેનિનગ્રાડમાં આવેલ શાખાઓમાં એકાદ હજાર વિદ્વાનો છે. અમારા દેશના, ઉપરાંત મધ્ય-પૂર્વ નેપાલ, ભારત અને શ્રીલંકાના વિદ્વાનો પણ ત્યાં છે. અમારી સંસ્થામાં આ વિદ્વાનોને આગળ સંશોધનની સગવડો આપીએ છીએ. એટલું જ નહીં પણ, અમારા વિદ્વાનો બીજા દેશમાં જાય અને ત્યાંના અભ્યાસુઓ અમારે ત્યાં આવે એવી યોજના પણ છે, જેમાં તેમને આવવા જવાનો ખર્ચ આપવાની જોગવાઈ છે. તેથી તમે સમજી શકશો કે તે દરેક ક્ષેત્રના અભ્યાસુઓ માટેનો મુકામ છે. જેમ કે કોઈ ભારતીય અર્થશાસ્ત્રના નિષ્ણાત અમારે ત્યાં આવે તો તે અમારા મહેમાન બને. એટલું જ નહીં પણ અમે અમારી સરકારનાં સંબંધકર્તા ઉચ્ચ વર્તુળો સાથે તેમનો સંપર્ક પણ કરાવીએ.

થોડે ઘણે અંશે અમારી સંસ્થા સરકારના સલાહકાર તરીકે પણ ફરજ બજાવે છે. અમે જે જે સ્થળોમાં કામ કરીએ છીએ ત્યાંની પરિસ્થિતિ જાણવા સરકાર અમારો સંપર્ક સાધે છે. કેટલીક વાર અમે સામેથી સલાહ સૂચન આપીએ છીએ. સરકારને તે માનવી ફરજિયાત નથી. દૃષ્ટાંત તરીકે શરૂઆતથી જ સરકારને અમે અફઘાન વિગ્રહમાં ભાગ ન લેવા સમજાવેલ. તેઓએ વાત ધ્યાનમાં ન લીધી અને આપણે તેનું દુ:ખદ પરિણામ જાણીએ છીએ.

પ્રશ્ન : આ સંસ્થાએ આપને કેમ આકર્ષ્યા અથવા ભારતના અભ્યાસ પ્રત્યે તમે કેમ આકર્ષાયા?

પ્રશ્ન સારો કહેવાય, પણ તેનો જવાબ આપવો કઠિન છે. ભારતે મને પ્રથમથી જ આકર્ષ્યો છે. આ સંસ્થામાં જોડાયા પહેલાં મેં ભારતીય નાટ્યશાસ્ત્ર અને હિંદીનો અભ્યાસ કરી લીધેલ. વાસ્તવમાં પીએચ.ડી. માટેનો નિબંધ પણ મેં હિંદીમાં લખેલ. શ્રી પંડિત નહેરુની આત્મકથા અને ડિસ્કવરી ઑફ ઇન્ડિયા-પુસ્તકોની પ્રથમ આવૃત્તિના પ્રકાશન તેમ જ અન્ય વસ્તુઓથી  આકર્ષાયેલ જનસમુદાયની પેઢી માંહેનો હું પણ એક છું. એના તેમ જ અન્ય ભારતીય નેતાઓ અને સવિશેષ તેમની પુત્રી પ્રિયદર્શીની ઈંદિરાને આધારે જ અમે ભારત દર્શન કર્યું. તમને જાણીને ખુશી થશે અને નવાઈ લાગશે કે ઈંદિરાને મળ્યા પછી કેટલાય રશિયનોએ પોતાની પુત્રીનાં નામ ઈંદિરા રાખ્યાં.

સંસ્થામાં જોડાવા માટે મારે પૌર્વાત્ય વિષયનું કોઈ વિશિષ્ટ ક્ષેત્ર પસંદ કરવું અનિવાર્ય હતું. અને મને ભારતીય ધર્મો અને સવિશેષે હિંદુ ધર્મના અભ્યાસની ખૂબ ઈચ્છા હતી. પણ અમારા એ વખતના રાજકારણના વાતાવરણમાં તેનો વિચાર કરી શકાય એમ હતું નહીં. ૧૯૬૦ના એ દિવસો હતા. તેથી મેં માર્ગ કાઢ્યો. મેં નિર્ણય કર્યો કે સંસ્થાને ‘ભારતીય કલાક્ષેત્ર’ની પસંદગી કર્યાની હું જાણ કરીશ અને અલબત્ત, કલાક્ષેત્રના અભ્યાસમાં હું ધર્મનો સમાવેશ કરી શકીશ. આ આયોજન સાથે સંસ્થાએ મને બોલાવેલ તે દિવસે હું પહોંચ્યો. પણ મારી પસંદગી શી છે એ વાત મને પૂછ્યા પહેલાં તેઓએ મારા વિષયની અંદરોઅંદર ચર્ચા કરી નિર્ણય લઈ લીધાની મને જાણ કરી. તેઓએ શો નિર્ણય લીધો હશે એ વાતની મને સ્વાભાવિકપણે ચિંતા થવા લાગી. અને મેં તે શો વિષય છે તેમ પૂછતાં તેઓએ મને ‘હિંદુ ધર્મ’ની જાણ કરી. હું જે સાંભળતો હતો તે માની શક્યો નહીં. પછી તેઓએ મને મેં શો નિર્ણય કર્યો હતો તે જાણવા ઈચ્છા કરી. મેં જવાબ આપ્યો કે તમે એ ચિંતા છોડો. તમારી પસંદગીના વિષય પર હું સંશોધન કરીશ.

અને આમ હિંદુધર્મ મારું કાર્યક્ષેત્ર બન્યું. શરૂઆતમાં મને લાગ્યું કે આવો વિશાળ અને ગહન વિષય મારે માટે કઠિન નીવડશે. તદુપરાંત વર્તમાન હિંદુ-ધર્મ વિચારસરણીમાં મને વધારે રસ હતો અને તેથી મે ૧૯મી સદી પછીની હિંદુધર્મ વિચારસરણી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે કે બ્રાહ્મોસમાજના સમયથી તે આજ સુધીના સમય પર.

પ્રશ્ન : એટલે, આમ જ તમે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની સમીપ આવ્યા?

હા, શ્રીરામકૃષ્ણ કથામૃત (The Gospel of Shri Ramakrishna) સહિત રામકૃષ્ણ – વિવેકાનંદ સાહિત્યના ઘણા ભાગનું રશિયન ભાષામાં ૧૯૦૪ થી ૧૯૧૪ સુધીના ગાળામાં ભાષાંતર થઈ ચૂક્યું હતું. પણ ૧૯૧૭માં ક્રાંતિ થઈ, અને તે સાહિત્ય લભ્ય નહોતું. તેના પર પ્રતિબંધ તો ન હતો, પણ ક્રાંતિના તે જુવાળના દિવસોમાં તે સાહિત્ય તરફ બહુ ધ્યાન ન રહેતું. મને આજે પણ યાદ છે કે કેવી રીતે ‘લેનિન પુસ્તકાલયે’ જઈ હું શ્રીરામકૃષ્ણનું પુસ્તક “ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ”ને મારી નોંધપોથીમાં ઉતારતો. એ દિવસો ઝેરોક્ષના ન હતા. આજ પણ મારી પાસે એ નોંધપોથી છે.

જૂના પુસ્તક વિક્રેતાઓને ત્યાં આજે પણ ક્રાંતિ પહેલાંનાં શ્રીરામકૃષ્ણનાં પ્રકાશનો જોવા મળે પણ તેની કિંમત પોસાય તેવી નથી હોતી. સ્વામી વિવેકાનંદના ‘રાજયોગ’ની કિંમત કદાચ ૨૦૦ રૂબલ જેવી એટલે કે વિનિમયની દૃષ્ટિએ રૂ. ૪૦૦૦ જેવી થવા જાય. હવે અલબત્ત નવી પુન: આવૃત્તિઓ અને પ્રકાશનો મળવા માંડ્યાં છે.

પ્રશ્ન : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના ઉપદેશોથી અને ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસથી આપને શો લાભ થયો?

અરે, ઘણો. એક તો મને શાંતિ પ્રાપ્ત થઈ છે. હું સહિષ્ણુ બન્યો છું. ભારતીય તત્ત્વજ્ઞાન ચારિત્ર્ય ઘડતર કરે છે, અને મનુષ્યની ચેતનાનો વિકાસ કરે છે. એટલે કે વિશ્વબંધુત્વની ભાવના વિકસાવે છે. હું મારા ટેબલ પર હંમેશાં ભગવદ્ ગીતા રાખું છું અને મારી દિનચર્યા તેના એક-બે શ્લોક વાંચીને જ શરૂ થાય છે. ભારતનો સર્વ જીવોની એકાત્મતાનો વિચાર એ વિશ્વને મોટામાં મોટી ભેટ છે. મારા દેશવાસીઓ ભારત વિષે જાણવા આતુર હોઈ, ભારત તરફ મમત્વ ધરાવે છે. અને હું આગ્રહપૂર્વક કહું છું કે તેમને પ્રાચીન ભારત પરત્વે જ નહિ અર્વાચીન ભારત તરફ પણ એટલું જ મમત્વ છે. આપણા દેશો વચ્ચે અનેક વર્ષોનો નિકટતમ સંબંધ રહ્યો છે.

પ્રશ્ન : ક્યાં ક્યાં સાધનો દ્વારા તમારા દેશવાસીઓ ભારત અને તેની સંસ્કૃતિના સંપર્કમાં આવે છે?

મુખ્યત્વે ભારતીય ફિલ્મો દ્વારા. પણ મને કહેતાં દુ:ખ થાય છે કે અત્યારની ઘણીખરી ફિલ્મો કચરા જેવી, અતિ અવાસ્તવિક અને ટિકિટબારીના લક્ષવાળી જ હોય છે. તો પણ ન મામા કરતાં કહેણો મામો પણ સારો. આવી ફિલ્મો દ્વારા પણ મારા દેશવાસીઓ ભારતીય નૈસર્ગિક દૃષ્યો, સંગીત, ગીતો અને મુખ્યત્વે નૃત્યથી આકર્ષાય છે. અલબત્ત ભારતીય લેખકો અને કવિઓનાં ભાષાંતર એવાં બીજાં માધ્યમ પણ રહ્યાં છે અને ખાસ તો ભારતીય મહાકાવ્યો અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોનાં ભાષાંતર રહ્યાં છે. મારું માનવું છે કે ભારતના સર્વશ્રેષ્ઠ સાહિત્ય સર્જનનો તેમને લાભ મળે, કે જેથી કરીને વિશ્વને જેણે આટલું બધું પ્રદાન કર્યું છે તે સંસ્કૃતિનું સાચું ચિત્ર તે જુએ.

અમારી સંસ્થા દ્વારા અમે થોડે ઘણે અંશે તેમ કરવા માંડ્યું જ છે. ભારત વિશેના અમારા લેખો અને પુસ્તકોની ખૂબ માગ રહે છે. ભારત વિશે જાણવાની લોકોની ભૂખ જાગૃત થઈ છે. ત્રણ વર્ષ પહેલાં રોમાં રોલાંના શ્રીરામકૃષ્ણ પરના પુસ્તકનું અમારા એક મેગેઝીનમાં અમે ક્રમશ: પ્રકાશન કરેલ. પરિણામે તે મેગેઝીનનો ફેલાવો ત્રણ ગણો થયો. પ્રથમ આવૃત્તિમાં અમે શ્રીરામકૃષ્ણનો ફોટો આપ્યો, અને આ દ્વારા જ અમારા દેશવાસીઓ શ્રીરામકૃષ્ણ દેખાવે કેવા લાગતા તે પહેલી જ વાર જાણી શક્યા.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી વીરેન્દ્રભાઈ અંતાણી
(‘વેદાન્ત કેસરી’ મે, ૧૯૯૧માંથી સાભાર)

Total Views: 50
By Published On: September 2, 2022Categories: Rostislav Rybakov, Dr.0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram