આલમોગોર્ડોના રણપ્રદેશમાં જુલાઈની ૧૬મીએ પ્રાયોગિક ધોરણે વહેલો બોમ્બ ફોડાયો અને એણે ભયંકર ઝળહળતા પ્રકાશથી આખુંય આકાશ ભરી દીધું, ત્યારે એનાથી દસ હજાર ગજ છેટો ઊભો રહીને ઓપનહાયમર એકાએક ભગવદ્ ગીતાના શ્લોકની આ પંક્તિઓ ગણગણવા લાગ્યો :

આકાશમાં જો એકીસાથે હજાર સૂર્યોની પ્રભા ઊગે, તો એ પ્રભા મહાત્મા વિશ્વરૂપની પ્રભા સમોવડી થઈ શકે. (ગીતા ૧૧/૧૨)

આ એક ભારે મહત્ત્વની ક્ષણ હતી કે, જ્યારે પશ્ચિમી વિજ્ઞાન પૂર્વના વેદાંત તરફ ઢળી રહ્યું હતું. એ.ડી. રેઈનકોર્ટ પોતાના ‘The eye of Shiva’ નામના પુસ્તકમાં એમ લખે છે.

પછીનાં વર્ષોમાં આ વલણ ઉત્તરોત્તર વધતું જ ચાલ્યું. નોબેલ વિજેતા ભૌતિક વિજ્ઞાની શ્રોડિન્જરે ક્વાન્ટમ વિજ્ઞાનમાં ચેતનતત્ત્વના વધતા જતા મહત્વ વિષે લખતાં જાહેર કર્યું :

વિશ્વમાં કોઈ એવા પ્રકારનું રચનારૂપ નથી કે જેની અંદર આપણે ચેતનાનું બહુસંખ્યકપણું મેળવી શકીએ. વ્યક્તિઓમાં રહેલા બહુત્વના વલણને કારણે જ આપણે આવું કંઈક રચી કાઢીએ છીએ, પણ એ મિથ્યા રચના છે. આ વિરોધનું કોઈ હાથવગું સમાધાન આપણી પાસે હોય તો તે એક જ છે, જે ઉપનિષદોની પ્રાચીન પ્રજ્ઞામાં પડેલું છે.

૧૯૭૩માં, કોપરનીકસની ૫૦૦મી જયંતીને અવસરે, વોશિંગ્ટનમાં મળેલી અખિલ વિશ્વ વિજ્ઞાન પરિષદના અધ્યક્ષીય ભાષણમાં નોબેલ વિજેતા વિજ્ઞાની વર્નર હેસનબર્ગે જણાવ્યું :

“પાયાના ખ્યાલોમાં પરિવર્તન લાવવાની અત્યારે ખરેખરી જરૂર છે. ડેમોક્રીટસના આણવિક ભૌતિકવાદને છોડી દેવા માટે આજે જાણે કે આપણા ઉપર દબાણ થઈ રહ્યું છે. આપણે એ શક્યતાને નકારી શકતા નથી કે વખત જતાં વિજ્ઞાનની અત્યારની બાબતો અને ટેક્નોલોજી ક્ષીણ થઈ જશે અને ભાવિ યુવા પેઢી બુદ્ધિગમ્યતા અને ઉપયોગિતામાં વલણો માટે તદ્દન જુદા જ માર્ગે વળી જશે.”

પોતાના સુવિખ્યાત પુસ્તક ‘ફિઝિક્સ એન્ડ ફિલોસોફી’માં હેસનબર્ગ આજના વિજ્ઞાનના માર્ગ કરતાં તદ્દન જુદો જ ભાવિ માર્ગ ભાખે છે કે જે પૂર્વના પરંપરાગત તત્ત્વજ્ઞાન સાથે હાથ મિલાવતો હોય :

છેલ્લા વિશ્વયુદ્ધથી શરૂ થયેલ, જાપાનમાંથી આવેલ સૈદ્ધાંતિક વિજ્ઞાનનું આ મહાપ્રદાન, દૂર પૂર્વની પારંપરિત તત્ત્વ વિચારણા અને ક્વાન્ટમ સિદ્ધાંતની તાત્ત્વિક હકીકતો વચ્ચે કોઈક પ્રકારનો સંબંધ હોવાનો સંકેત કરતું હોય, એવું લાગે છે.

વીસમી સદીના સાતમા દશકના અર્વાચીન વિજ્ઞાન અને પૂર્વના વિચારો વિષે લખનારાઓ, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ અને આધુનિક ચિંતકો દ્વારા સ્વીકૃત આ નવ વેદાંત ભારતના પ્રાચીન તત્ત્વજ્ઞાન તરફ વધારે ને વધારે ઢળતા જાય છે. એમરી રેઈનકોર્ટ અર્વાચીન વિજ્ઞાન અને પૂર્વના તત્ત્વજ્ઞાન વિષેના પોતાના ‘ધ આઈ ઓફ શિવ’ નામના પ્રસિદ્ધ પુસ્તકમાં શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના ઉપદેશના સર્વકાલીન મહત્ત્વ ઉપર ભાર મૂકતાં કહે છે :

‘આધ્યાત્મિકતા અને ભૌતિકતાના સમાંતરે ચાલતા જુદા જુદા સિદ્ધાંતોને બદલે ભૌતિકવાદી અને રહસ્યવાદી સ્વરૂપના આધારોથી એવું કોઈ એકાકાર સંયોજન સ્થાપી શકાશે ખરું કે? આનો જવાબ એ હકીકતમાં પડેલો જ છે કે, ઓછામાં ઓછું જ્યાં સુધી ભારતીય રહસ્યવાદના આગળ પડતા પ્રતિનિધિઓને લાગેવળગે છે ત્યાં સુધી ભારતીય રહસ્યવાદે છેલ્લાં સોએક વર્ષોમાં એટલી ઉન્નતિ કરી છે કે ભૌતિકવિજ્ઞાન પોતે જ એવી દિશા તરફ વળી ચૂક્યું છે કે, જેથી એ બંનેમાં અનિવાર્ય પરિવર્તન થતું જણાય છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના સમકાલીન ઉદયથી માંડીને પૂર્વના રહસ્યવાદે ઘટનાઓની જે પોતાની પરંપરાગત પ્રમાણિત સમજણ હતી તેનો લેશમાત્ર પણ ભોગ આવ્યા વગર, વિજ્ઞાન અને ટેકનોલોજીએ બક્ષેલા, પોતાથી સાવ જુદા જ એવા સાંસ્કૃતિક પર્યાવરણવાળી રૂપરેખા તરફ આંખ ફેરવીને એને પિછાણવાની શરૂઆત કરી.’

સ્વામી વિવેકાનંદે આપેલી વેદાંતની સમજણનો સંભવત: ખૂબ મહત્ત્વનો મુદ્દો રેઈનકોર્ટ બતાવે છે. સ્વામી વિવેકાનંદ માટે વેદાંત ખરેખર એક વિજ્ઞાનના સ્વરૂપે વિકસ્યું છે અને ભૌતિકવિજ્ઞાનની સાથે એનું આદાનપ્રદાન થઈ શકે છે. પોતાનાં અંગ્રેજ શિષ્યા નિવેદિતાને સ્વામીજીએ એક વાર કહ્યું હતું કે, ધર્મ ભાષાની બાબત છે. પોતાના જમાનાના નાસ્તિકો અને બૌદ્ધધર્મી બૌદ્ધિકોનું પ્રભુત્વ દૂર કરીને અદ્વૈત વેદાંતની સ્થાપના અને એનું પુનર્જીવન એ શંકરાચાર્યનું પ્રેરિત ધર્મકાર્ય હતું અને એટલા માટે સ્વામીજીનો માર્ગ પણ મુખ્યત્વે બુદ્ધિપ્રધાન હતો. તેમની પ્રખર બુદ્ધિપ્રતિભાએ સમગ્ર ભારતમાં અદ્વૈતવેદાંતની વિજયકૂચનું નેતૃત્વ સંભાળીને, પોતાના સમયના વિરોધી તત્ત્વજ્ઞોને વામણા બનાવી દીધા!

સ્વામી વિવેકાનંદનું પ્રેરિત ધર્મકાર્ય શંકરાચાર્યનું પણ હતું અને બુદ્ધનું પણ હતું. ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ બંને માનવજાતનાં દુ:ખો ઓછાં કરવાના એકમાત્ર સમાન હેતુથી અભિપ્રેરિત થયા હતા. સ્વામી વિવેકાનંદ દૃઢતાપૂર્વક કહેતા કે ભગવાન બુદ્ધે પોતાની સીધી-સાદી નીતિપૂર્ણ વાણીમાં વેદાંત સિવાય બીજું કશું કહ્યું નથી, જેને હજામ, ઉપાલિ કે ચંડ ચાંડાલ પણ સમજી શક્યા અને તે અનુસાર જીવી શક્યા. સ્વામી વિવેકાનંદ પોતાના પ્રેરિત કાર્ય પ્રત્યે સદા સંપૂર્ણ સભાન હતા અને એટલે તો એમણે નિવેદિતાને આ કહ્યું :

‘મારો આદર્શ ઓછામાં ઓછા શબ્દોમાં અવશ્ય મૂકી શકાય અને તે છે માનવને એની ભીતરની દિવ્યતા બતાવવી અને એનું પ્રકટીકરણ જીવનની પ્રત્યેક ક્ષણે કેમ થાય, તે બતાવવું.’

વેદાંતને ઉપદેશવા માટે સ્વામી વિવેકાનંદે વાપરેલી આધુનિક ભૌતિકવિજ્ઞાનની અને તર્કવિજ્ઞાનની ભાષા તો એક સાધનમાત્ર હતી. તેમનું ખરું પ્રેરિત ધર્મકૃત્ય કંઈ કેવળ બૌદ્ધિક જાગરણ કરવાનું ન હતું; પણ એની સાથોસાથ માનવજાતમાં; ખાસ કરીને બુદ્ધિપ્રધાન પશ્ચિમમાં, આધ્યાત્મિક પ્રકાશ પાથરવાનું હતું. તેમનાં ખૂબ સીધા-સાદાં ઉપદેશ વચનો ઘણી વાર પારંપરિત વિદ્વાનોના કાનને સાવ સાધારણ જણાતાં. પણ એ તો એ જ પ્રાચીન તત્ત્વજ્ઞાન હતું કે, જે અર્વાચીન ભાષામાં ફરીથી કહેવાઈ રહ્યું હતું. પયગંબર સૌ પહેલાં તો દુ:ખી માનવજાતની મુક્તિ માટે જ જન્મ લેતો હોય છે, એ કંઈ વિદ્વાનોને શીખવવા કે સંતોષવા જન્મતો નથી અને જ્યાં સુધી પોતે પ્રબોધેલું જ્ઞાન જીવનનાં બધાં ક્ષેત્રોમાં જીવંત, પ્રયોગાત્મક અને ગતિશીલ ન બને ત્યાં સુધી એ જંપતો નથી. સ્વામી વિવેકાનંદ કેવળ સૈદ્ધાંતિક વેદાંત સમજાવવા નહોતા આવ્યા પણ સાથોસાથ એ કેવી રીતે પ્રયોગાત્મક બનીને જીવનની સમસ્યાઓને ઉકેલી શકે, તે બતાવવા પણ આવ્યા હતા અને આમ છતાં અદ્વૈતવેદાંતની નૂતન રજૂઆતમાં વિવેકાનંદની પ્રખર બુદ્ધિપ્રતિભા તો એક ઐતિહાસિક ઘટના જ બની ગઈ છે. આચાર્ય શંકરની પેઠે તેઓ વેદાંત પ્રબોધતા તો હતા પણ તે ખાલી ઉપનિષદના ઉપદેશો અને સંસ્કૃતના અધ્યયનની પરંપરામાં ગળાડૂબ રહેલા હિન્દુ પંડિતો કે બૌદ્ધધર્મી વિદ્વાનોને માટે જ નહિ, પણ સ્વામી વિવેકાનંદ તો એવા અજાણ્યા પશ્ચિમને પ્રબોધતા હતા કે, જે પશ્ચિમ એ ઉપનિષદોના વિચારને જાણતુંય ન હતું અને માનતુંય ન હતું. અત્યાર સુધી એ વિચારો પ્રાચીનતમ ભાષામાં લખાયેલાં ગૂઢાતિગૂઢ પુસ્તકોમાં ઢંકાયેલા પડી રહ્યા હતા, અને થોડાક વિદ્વાનો અને નિષ્ણાતો જ એ સમજી શકતા. સ્વામી વિવેકાનંદનું કાર્ય, એ વેદાંતને પંડિતોના ઊંચા શિખરેથી જાડી બુદ્ધિના ભૌતિકવાદીઓ અને આધુનિક ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળાઓમાં લઈ જવાનું હતું અને છેવટે એને સામાન્ય જનસમુદાયના રોજબરોજના જીવનમાં ઉતારવાનું હતું. તેમણે તેમના મદ્રાસી શિષ્ય આલાસિંગાને લખ્યું :

‘શુષ્ક અસ્પષ્ટ જણાતું અદ્વૈત રોજબરોજના જીવનમાં જીવતું અને કવિત્વમય બની ઊઠવું જોઈએ. તુચ્છ લાગતી પ્રાચીન પુરાણ કથાઓમાંથી નક્કર નૈતિક સ્વરૂપો ઊભાં થવાં જોઈએ અને નિગૂઢ-દુર્વિજ્ઞેય યોગ પ્રક્રિયામાંથી અત્યંત વૈજ્ઞાનિક અને પ્રયોગક્ષમ મનોવિજ્ઞાન નીપજવું જોઈએ અને આ બધું એવા સ્વરૂપમાં મૂકવું જોઈએ કે જેથી એક બાળક પણ એને સમજી શકે. આ મારું જીવનકાર્ય છે.’

દુ:ખી જનો પ્રત્યેની બુદ્ધની કરુણા અને પરમ સતની સમજણ માટેની શંકરની પ્રખર બુદ્ધિ-પ્રતિભા આ બંને ધરાવતા સ્વામી વિવેકાનંદનો અભિગમ વધારે માનવતાવાદી અને વધારે પ્રયોગક્ષમ હતો. વાસ્તવિક રીતે જ રહસ્યમય અને બુદ્ધિગમ્ય વેદાંતને પ્રયોગક્ષમ બનાવવાનું જ તેમનું ધર્મકાર્ય હતું. જીવનના દરેક ક્ષેત્રમાં સર્વજનસુલભ થાય, એ એમની ‘પ્રયોગક્ષમતા’નો અર્થ હતો. વેદાંતની આ પ્રયોગાત્મકતાનું સારતત્ત્વ વિવેકાનંદનાં આ વાક્યોમાં મળે છે :

‘દરેક આત્મા મૂળભૂત રીતે દિવ્ય છે; ભીતરની આ દિવ્યતાનું પ્રકટીકરણ આંતરિક અને બાહ્ય પ્રકૃતિમાં સતત સંયમ રાખી કરવું; આ તમે કર્મથી કરો, ભક્તિથી કરો, મનના સંયમથી કરો કે પછી જ્ઞાનથી કરો અથવા તો બધાથી કરો કે એકથી કરો અને મુક્ત થઈ જાઓ; આ ધર્મનું સારસર્વસ્વ છે. સંપ્રદાયો, સિદ્ધાંતપંથો, ગ્રંથો કે કર્મકાંડ, મંદિરો કે મૂર્તિઓ – આ બધી તો ગૌણ બાબતો છે.’

આ પંક્તિઓને શંકરાચાર્યની પેલી બ્રહ્મના સ્વરૂપને સૂત્રાત્મક રીતે બતાવતી શ્લોકપંક્તિઓ સાથે સરખાવો : બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મસ્વરૂપ જ છે, એ બીજા નથી. સ્વામી વિવેકાનંદ શંકરાચાર્યના એ વિધાનનો ઉત્તરાર્ધ લઈને એને જીવનની મૂળગત દિવ્યતાનું સૌથી ઊંચું મહત્ત્વ બક્ષે છે. સ્વામીજીની આ લીટીઓ માનવને ‘अमृतस्य पुत्राः’ ઠરાવીને વેદાંતના આ કેન્દ્રીય સિદ્ધાંતની અભિવ્યક્તિ કરે છે. શંકરાચાર્યના વિધાનના પૂર્વાર્ધને સ્વામીજી, ‘આ વિશ્વની સાપેક્ષ સત્તા કરતાં વધારે પારમાર્થિક અને નિરપેક્ષ સત્તા બ્રહ્મની છે.’ એ વાત પર ભાર મૂકીને પ્રબોધે છે. તેમણે બધે બ્રહ્મ જ જોયું, બધા લોકોમાં એમણે એ સિવાય કશું ન જોયું. તેમને મતે જગતનું મિથ્યાત્વ બ્રહ્મની સર્વવ્યાપી અનુભવાતી સત્તામાં સમાઈ જાય છે. સ્વામી વિવેકાનંદે પ્રાચીન વેદાંતને આપેલું આ નવું સ્વરૂપ ‘નવ્યવેદાન્ત’ તરીકે ઓળખાય છે.

પ્રાચીન વેદાન્તતત્ત્વની સ્વામી વિવેકાનંદે કરેલી સમજૂતીનું હજી એક બીજું પણ વિશિષ્ટ પાસું છે. અત્યાર સુધી વેદાન્ત તત્ત્વજ્ઞાન પણ જલાભેદ્ય વિભાગોમાં વહેંચાયેલું હતું, મધ્વાચાર્યનો દ્વૈતવેદાંત સંપ્રદાય, રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય અને શંકરાચાર્યનો અદ્વૈત સંપ્રદાય. આ ત્રણેય વેદાંત પ્રવાહોના તજજ્ઞો પરસ્પર વિવાદ કરી પોતપોતાના તત્ત્વજ્ઞાનની પ્રામાણિકતા પુરવાર કરવા મથામણ કરતા અને બાકીના બે પ્રવાહોને નિરાશ કરવા મંડી પડતા હતા. સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણના પગલે ચાલીને ઇતિહાસમાં પહેલી જ વાર એવી વ્યાપક રીતે સમજાવ્યું કે, જેણે આ ત્રણેય વેદાંત પ્રવાહોને પોતામાં સમાવી લીધા. વેદાંત શબ્દનો સ્વામી વિવેકાનંદનો અર્થ, હંમેશાં આ ત્રણેય સંપ્રદાયો સહિતનો જ હતો. દ્વૈતવાદ સ્વાભાવિક રીતે જ તર્કપ્રક્રિયા દ્વારા વિશિષ્ટાદ્વૈત તરફ દોરી જાય છે અને એ જ રીતે, વિશિષ્ટાદ્વૈતવાદ અદ્વૈતમાં પર્યવસિત થાય છે. દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત તો માત્ર ક્રમશ: ચડવાનાં ત્રણ દૃષ્ટિસોપાનો જ છે. માનવ જેમ જેમ પોતાની પ્રજ્ઞાને વિશુદ્ધ અને વિશુદ્ધતર બનાવતો જાય, તેમ તેમ આ સોપાનો પોતાનો ઉઘાડ કરતાં જાય છે.

આ કેવળ ભારતીય તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં થયેલી અનન્ય સિદ્ધિ જ ન હતી, પણ એ ઉપરાંત જીવનના અધિકાધિક વ્યાપક તત્ત્વજ્ઞાનની શરૂઆત પણ હતી. કારણ કે સ્વામી વિવેકાનંદની વેદાંતની સમજૂતીએ સ્વર્ગનું કે ધરતીનું કશું જ નકાર્યું ન હતું પણ એ બંને વચ્ચે એક સેતુ બાંધી દીધો હતો. સ્વામી વિવેકાનંદ કહે છે : “જૂનો વિચાર એમ કહેતો કે, એક વિચારનો વિકાસ કરવા માટે બીજા બધા વિચારોને છોડી દેવા. પણ નવો વિચાર તો સર્વના સંવાદી વિકાસનો છે!.. સમગ્રને મેળવનારના હાથમાં અંશો તો અનાયાસે આવી જ જાય છે. એ જ રીતે, અદ્વૈતમાં દ્વૈત આવી જ જાય છે.”

સ્વામી વિવેકાનંદના વેદાંતના આ આધુનિક માર્ગે સામાન્ય જીવન સાથે આધ્યાત્મિક જીવનનો, વિજ્ઞાન સાથે ધર્મનો, કર્મ સાથે ધ્યાનનો, પ્રકૃતિ સાથે મનનો, આંશિકતા અને અખિલાઈ વચ્ચે, જગત અને ઈશ્વર વચ્ચે, જીવન અને પરમાર્થ સત્ બ્રહ્મ વચ્ચે સંબંધ જોડ્યો. આજે વિવેકાનંદની વેદાંત વ્યાખ્યાનાં દૂરગામી પરિણામોને પૂરેપૂરાં સમજવાનું અને વિશ્વસંસ્કૃતિના વિવિધ સ્તરોએ એને અનુભવવાનું કામ હજુ બાકી છે. સ્વામી વિવેકાનંદના વેદાંતની જબરી અપૂર્વતાને નિવેદિતાએ થોડીક પંક્તિઓમાં પણ અનુપમ ગહનતા અને સ્પષ્ટતાથી આમ રજૂ કરી છે :

“મારા ગુરુદેવના જીવન શિરમોર મહત્ત્વમાં જે વધારો કરે છે, તે આ જ બાબત છે. કારણ કે આ બાબતમાં જ તેઓ કેવળ પૂર્વ કે પશ્ચિમના જ નહિ, પણ ભૂતકાળ અને ભવિષ્યકાળનું પણ મિલનબિંદુ બની રહ્યા હતા. જો ઘણાની અને એકની પારમાર્થિક સત્તા એક જ હોય, તો પછી કેવળ બધી પૂજારીતો જ નહિ, પણ એ જ રીતે બધી કાર્યરીતો, બધી સંઘર્ષ રીતો, બધાં સર્જનો કે જે બધા સાક્ષાત્કારના માર્ગો છે, તે પણ એક જ છે. તો પછી હવે ધાર્મિક અને ભૌતિકનો ભેદ પણ રહેશે નહિ, શ્રમ કરવો એ જ પૂજા છે, પ્રાપ્તિ એ જ ત્યાગ છે અને જીવન એ જ ધર્મ છે.”

જેમ ભગવાન બુદ્ધ સામાન્ય જનને પાલીમાં પ્રબોધતા, જેમ ઈસુ સીધીસાદી હીબ્રુમાં ઉપદેશતા, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદ પૂર્વના એવા પહેલા પયગંબર હતા કે જેમણે પશ્ચિમને તેની સર્વસાધારણ ભાષા અંગ્રેજીમાં વેદાન્ત પ્રબોધ્યું. સ્વામી વિવેકાનંદે કહ્યું : “વેદોએ ગમે તે ભોગે આપણા સ્તર સુધી નીચે આવવું જ રહ્યું. કારણ કે જો તેઓ ઉચ્ચતમ સત્યને ઉચ્ચતમ રીતે કહેશે તો આપણે એ સમજી શકીશું નહિ.” અને તેઓ આ વાતે પૂરા સભાન હતા કે તેઓ કંઈ ખાલી હિન્દુ શાસ્ત્રની રીતે નહિ કે હિન્દુ ધર્મને નામે કહેવાતા કોઈ ખાસ ધર્મની બાલીશ માન્યતાઓને લઈને પણ નહિ, પરંતુ સમગ્ર માનવજાતને માટે વૈશ્વિક સિદ્ધાંતોનું વિધાન કરવાનું ભાગ્ય લઈને આવ્યા હતા. તેમણે કહ્યું : “વેદોનો અર્થ કોઈ પુસ્તક નથી. જુદા જુદા સમયે અને જુદા જુદા માનવો દ્વારા શોધાયેલા આધ્યાત્મિક નિયમોના સંચિત નિધિને જ ‘વેદ’ કહેવામાં આવે છે.” અને વેદોનું મધ્યવર્તી તત્ત્વજ્ઞાન અથવા સારતત્ત્વ જ વેદાન્ત છે. પશ્ચિમમાં વિવેકાનંદના ઉપદેશ સમયે, જ્યારે ભૌતિક વિજ્ઞાન પોતે અણવિકસિત અવસ્થામાં હતું, એવે વખતે વિજ્ઞાનની ખાસ કરીને ભૌતિક વિજ્ઞાનની અને મનોવિજ્ઞાનની આધુનિક ભાષામાં વિશ્વને અપીલ કરતા આ અનંતકાલીન વારસાપ ઉચ્ચતમ વેદાન્ત સિદ્ધાંતોને રજૂ કરવાનું તેમનું આ કાર્ય કેટલું બધું કપરું હશે?

વેદાન્તનું વૈજ્ઞાનિક રીતે નિરૂપણ એ હેતુ અને ફલશ્રુતિ બંને છે. આપણે માટે પણ એ સમજવાનો સમય પાકી ગયો છે. *

* સ્વામી જિતાત્માનંદના “VIVEKANANDA INTERPRETS VEDANTA TO THE WEST” લેખને આધારે.

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.