(સ્વામી વિવેકાનંદે પોતાનાં ભાષણોમાં ગ્રીક સમ્રાટ એલેક્ઝાંડર અને ભારતીય યોગીની કહેલી કથાના સંદર્ભમાં લખાયેલું દ્વિઅંકી નાટક)

પાત્રો :

– એલેકઝાંડર – ગ્રીક સમ્રાટ, ઉમર આશરે ત્રીસ વર્ષ

– સેલ્યુકસ – સમ્રાટનો સેનાધિપતિ

સેનાનાયક

બાઉલ – વૈષ્ણવ સંપ્રદાયનો ગાયક-વાદક

પુરોહિત

પહેલો સૈનિક

બીજો સૈનિક

યોગી

અંક પહેલો

(દૃશ્ય : એક નદી અને ટેકરી પાસે યુદ્ધના તંબુઓ તાણેલા પાછળ દેખાય છે. પ્રદેશ નિર્જન છે, સૂકાં જંગલો ફેલાયેલાં છે. ત્યાં સમ્રાટનો દરબાર ભરાયો છે. એલેક્ઝાંડર અને સેલ્યુકસ રંગમંચ પર દેખાય છે.)

એલેક્ઝાંડર : સેલ્યુકસ, આ ભારતની ભૂમિ કેવી ભવ્ય છે! આ ખીણોમાં ખળખળ કરતાં ધસમસતાં ઝરણાં વહી રહ્યાં છે; એનાં ચરણોમાં આ અગાધ સાગર ઉછાળા મારી રહ્યો છે! આ નગાધિરાજ હિમાલય પોતાનાં શાશ્વત હિમમંડિત શિખરોથી ઊર્ધ્વ દૃષ્ટિએ જોતો અચલ ઊભો છે; બધી ૠતુઓમાં પુષ્પો અહીં ખીલી રહ્યાં છે; આખુંય વર્ષ અહીં પક્ષીઓ ગીતો ગાયા કરે છે; આ ઉચ્ચ ભૂમિ પરના નીલ આકાશમાં તારાઓ સોના-રૂપાની જેમ ઝગારા મારી રહ્યા છે! સેલ્યુકસ! હજારો માઈલની આપણી યુદ્ધયાત્રા દરમિયાન આના જેવું ભલા, ક્યારેય આપણે જોયું હતું ખરું? આપણે કંઈક રાજ્યો જીત્યાં, હજારોને હણી નાખ્યા, કેટકેટલાને કેદીઓ બનાવ્યા, પણ ઊંડો આનંદ અત્યારે થાય છે તેવો આપણે ક્યારેય અનુભવ્યો હતો ખરો?

(એલેક્ઝાંડર ચારે બાજુ જુએ છે.)

સેલ્યુકસ! આ ભૂમિ ખરેખર રમણીય છે. એમાં જાદુ છે! એ ખરે જ અદ્‌ભુત છે!

સેલ્યુકસ : નામદાર, આપ સાવ સાચું કહો છો. આપણી વિજયયાત્રા દરમિયાન ક્યારેય આપણે આવી આવી ભૂમિ પરથી પસાર થયા નથી. ઈરાન અને ઈરાકના પ્રદેશો તો ભારે ગરમ હતા; મેસોપોટેમિયા તો ધોમ ધખતા બપોરની પેઠે દઝાડતો હતો; સમરકંદમાં તો વળી બધે જ પથ્થરા જ પથ્થરા! અને કેકટોસસ નપાણિયો મુલક! ન મળે પાણી કે ન મળે ક્યાંય છાંયડો! ત્યાં તો બસ ઊંટોની વણઝારો રેતીના સાગરો પાર કર્યા કરે.

એલેક્ઝાંડર : સાવ સાચું, સેલ્યુકસ! એ પ્રદેશો તો રેતી, રણો અને પથ્થરોના સૂકા સાગરો હતા અને અહીં તો પુષ્પો, પર્વતો અને હરિતવર્ણા ધાન્યછોડોના સાગરો છે! ભારત તો જીવનની ભૂમિ છે. પંખીઓની, મેઘમંડલની, વર્ષાની અને ફળોની એ ભૂમિ છે.

સેલ્યુકસ : હા, નામદાર! પણ આપે આ ભૂમિના કુદરતે બક્ષેલા સૌંદર્ય કરતાં પણ ઘણી વધારે આકર્ષક એવી બીજી એક વસ્તુ જોઈ છે ખરી કે?

એલેક્ઝાંડર : એ વળી કઈ વસ્તુ?

સેલ્યુકસ : એ ભૂમિના માનવો, એની સ્ત્રીઓ અને એના પુરુષો!

એલેક્ઝાંડર : સ્ત્રીઓ અને પુરુષો? તું શું કહેવા માંગે છે, સેલ્યુકસ? શું તેઓ કેનીબાલ જેવાં જંગલી પ્રાણી જેવાં છે?

સેલ્યુકસ : ના રે ના, નામદાર! તેઓ તેનાથી તદૃન ઊલટા છે. શું આપે પ્રભાવક પુરુરાજ અને એણે ધારણ કરેલ ગરિમામય ઉમદાપણાને નથી જોયા! હારી ગયેલો હોવા છતાં એ વિજેતાના ગૌરવથી અને આત્મસન્માનથી અડગ ઊભો રહ્યો હતોને? એ શું ખરેખર અદ્‌ભુત નથી?

એલેક્ઝાંડર : હા, રે હા, મેં તો પુરુરાજ જેવો રાજવી કદીય જોયો નથી. એની સાથે યુદ્ધ કર્યાનું મને ગૌરવ અને આનંદ છે. ભારતના એક સાવ નાનકડા પ્રદેશનો રાજા આ બળવાન બાદશાહ એલેક્ઝાંડરને જબરદસ્ત યુદ્ધ માટે લલકારે એ તો ઘણું ભયંકર કહેવાય. ખરેખર, ખૂબ જ ખતરનાક! આ સુંદરતમ ભૂમિ પર આપણે એ સૌથી લાંબી લડાઈ કરવી પડી!

સેલ્યુકસ : પણ, નામદાર, મેં તો આ ભૂમિનું એથીય અદકું સૌંદર્ય નિહાળ્યું છે. આપ નામદાર, તો ખાલી સુંદરતા જ જુઓ છો, પણ હું તો ખેડૂતોનાં ઝૂંપડાં, મજૂરોનાં છાપરાં અને યોગીઓની કુટિરો પણ જોઈ વળ્યો છું.

એલેક્ઝાંડર : હેં? યોગીઓ? કુટિરો? (એલેક્ઝાંડર તિરસ્કારયુક્ત જિજ્ઞાસા દર્શાવે છે) સેલ્યુકસ! એ બધું વળી શું છે? આપણે તો ગ્રીકો છીએ. વિશ્વની સર્વશ્રેષ્ઠ અને બલિષ્ઠ પ્રજા છીએ આપણે! આપણે તો આવા અનોખા શબ્દો ક્યારેય સાંભળ્યા નથી. શું આવા શબ્દોનો કોઈ અર્થ છે ખરો?

સેલ્યુકસ : (શ્રદ્ધા અને વિશ્વાસની પૂરી દૃઢતાથી) હા, નામદાર, એનો અર્થ અદ્‌ભુત છે. મેં એ યોગીઓ વિશે સાંભળ્યું છે. તેઓ અસાધારણ માનવો છે. ગાઢ જંગલોમાં તેઓ વસે છે, તેમને જો કોઈ કંઈ આપે તો ખાય છે, નહિતર ભૂખ્યા રહે છે; તેઓ તદ્દન સાદું જીવન જીવે છે; તેમની પાસે કશું ધન-બન હોતું નથી. તેમને ઘરબાર કે કુટુંબકબીલા કે સુખ-સગવડનાં સાધનો હોતાં નથી. મેં સાંભળ્યું છે કે, તેઓ કેવળ ભગવાનને ભરોસે અને સથવારે જીવન વિતાવે છે!

એલેક્ઝાંડર : (સ્વગત, પ્રેક્ષકો તરફ મોઢું રાખીને) હેં આવા છે એ યોગીઓ! તેમને ઘરબાર કે કુટુંબકબીલા નથી હોતા! તેઓ એકલા, કેવળ એકલા ઈશ્વરને સથવારે જીવે છે! (પછી એકાએક સેલ્યુકસ તરફ ફરીને) અસંભવ આ, સેલ્યુકસ! હું એ નથી માનતો. તદ્દન વાહિયાત! એકલો અટૂલો રહેનાર માણસ તો પાગલ જ છે. એ એકલા અટૂલા ભમતા લોકો ભૂતોને સથવારે જ જીવે છે, ભગવાનની ઓથે નહિ જ. સેલ્યુકસ! તું મને એવો કોઈ યોગી બતાવી શકે ખરો? હું એને બંદી બનાવીને મારા મહેલમાં લઈ જઈશ. મારો કેદી, મારો તાબેદાર, મારો ગુલામ! સેલ્યુકસ, તું એક ગ્રીક સંતાન છે, એ ભૂલીશ નહિ. આ તાબેદારો તને કેમ મૂર્ખ બનાવી શકે? છટ્, અક્કલ વગરની એ વાત છે! એક યુદ્ધસેનાનો નાયક તે વળી યોગીઓમાં માને? આવાં બુદ્ધિહીન હડહડતાં જુઠાણાંમાં તને કેમ વિશ્વાસ આવી શકે? તેં તો કેટલાંય મોટાં યુદ્ધો જીત્યાં છે, પણ આજે તું કેટલાક અર્ધ નગ્ન પાગલ માણસોના ફંદામાં ફસાઈ ગયો છે અને તું એમને યોગીઓ તરીકે ઓળખાવી રહ્યો છે. ઘણું જ વિચિત્ર! (બીજી તરફ ફરીને, મૃદુતાથી) ખરેખર, આ અદ્‌ભુત ભૂમિનો જાદુ આના ઉપર સવાર થઈ ગયો છે. (જોરથી સેલ્યુકસને) શું તું એ ભૂલી ગયો છે કે, તું એક ગ્રીક છે? એક વીર પુરુષ છે? યાદ રાખ કે, તું વિશ્વવિજેતા એલેક્ઝાંડરનો સાથીદાર છે. આ મહાન વિશ્વ વિજયી કરતાં કોઈક બીજાના પ્રભાવથી અંજાઈ જવું, એ તારે માટે વિચિત્ર નથી શું?

સેલ્યુકસ : (ઘૂંટણિયે પડીને) નામદાર, જેમને ચરણે આખું એશિયા આજ્ઞાપાલક ગુલામ જેવું છે એવા વિશ્વના સૌથી મહાન સમ્રાટ તરફ હું જો ક્યારેય બેવફા નીવડ્યો હોઉં, તો આપ શ્રીમાન મને માફ કરો. પરંતુ મારા પર અવિશ્વાસ ન કરશો. મને ભારતીયો ઉપર, એમની ભીતરની ભલાઈ પર તેમ જ સૌથી વધારે તો તેમની સીધી-સાદી ઈશ્વરપરાયણ જીવન પદ્ધતિ ઉપર શ્રદ્ધા છે. (બહાર રણભેરી અને યુદ્ધ ગીતો સંભળાય છે, સેનાનાયક અંદર આવીને સલામ કરે છે. એની સાથે હાથે બાંધેલા બે ભારતીય કેદીઓ છે, એમાં એક પુરોહિત છે અને બીજો હાથમાં એકતારો ધારણ કરેલો ગાયક છે.)

નાયક : નામદાર, આપ શ્રીમાનની ઇચ્છા અનુસાર હું આ બે કેદીઓને પકડી લાવ્યો છું. એક છે પુરોહિત અને બીજો છે આ ગાયક – બંનેને ગ્રીસમાં ઉપાડી જવા માટે લાવ્યો છું. (બંને કેદીઓને આગળ કરે છે – ગાયક લાંબા વાળવાળો, બાઉલનો વેશ પહેરેલો અને હાથમાં વાદ્ય ધારણ કરેલો હોય છે અને પુરોહિત બ્રાહ્મણનાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ થયેલો છે, એણે લાંબી જનોઈ પહેરેલી છે અને કપાળમાં ચંદન-તિલક કર્યું છે. હાથમાં વેદનું પુસ્તક છે, એ પ્રભાવશાળી અને શિષ્ટ આકર્ષક લાગે છે. નાયક દ્વારા ઘેરાયેલા તે બંને – બાઉલ અને પુરોહિત ધીમે પણ મક્કમ પગલે સમ્રાટની આગળ આવે છે.)

નામદાર : નામદાર, આ પુરોહિત એક ઝાડની નીચે પથ્થરને પૂજી રહ્યો હતો!

એલેક્ઝાંડર : શું પથ્થરની પૂજા (સેલ્યુકસ તરફ કંઈક નવાઈભરી અને ઉપહાસભરી નજરે જોઈને હસે છે.)

નાયક : હા, નામદાર!

એલેક્ઝાંડર : (પુરોહિતને, કટાક્ષમાં) તું પથ્થર પાસે કઈ વસ્તુની પ્રાર્થના કરી રહ્યો હતો?

પુરોહિત : (પૂરા ગૌરવ અને શ્રદ્ધાની દૃઢતાથી ધીમા સ્થિર અવાજે) નામદાર, અમે કોઈ પથ્થરને પૂજતા નથી. અમે તો પૂજીએ છીએ વિશ્વવ્યાપી પરમાત્માને! પથ્થર તો કેવળ પ્રતીક છે. આ હવા, આકાશ, આ વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ અરે! ઘાસનાં તણખલાંમાં પણ એ જ વિશ્વપતિનો વાસ છે, માનવોમાં એ વિશેષત: પ્રકાશે છે. અમને પથ્થરપૂજકો કહેવા એ ડહાપણભર્યું નથી. આ વિશ્વના કોઈ પણ પદાર્થના માધ્યમથી એ એક અદ્વિતીયને પ્રબુદ્ધજનો પૂજે છે અને મેં એને પથ્થરના માધ્યમથી પૂજવાનું પસંદ કર્યું છે. આ ગાયકને જુઓ. એ પણ એ જ વિશ્વનિયંતાના ગુણ ગાય છે. દરેક સ્થળ એનું પ્રાર્થના મંદિર છે.

સેલ્યુકસ : નામદાર, આ ભારતભૂમિની આ વાતે જ મને ખૂબ પ્રભાવિત કરી મૂક્યો છે. માલિક, ગઈ રાત્રે આપણા સૈનિકોએ આ વિચિત્ર ગાયકને પકડ્યો છે. એણે આખી રાત કેદખાનામાં એના ભગવાનના ગુણાનુવાદ ગાયા કર્યા છે અને સૈનિકો સ્તબ્ધ બનીને એ સાંભળતા રહ્યા છે.

એલેક્ઝાંડર : (ખૂબ ઊંડા વિચારમાં પડી જઈને) અશક્ય, સેલ્યુકસ! મારા વીર સૈનિકો આવા ધૂની-ગાંડાને આખી રાત ભારે મૂર્ખાઈથી સાંભળ્યા કરે, એ તો માની શકાય તેવું નથી. દૂર હટાવો આવા લોકોને મારી પાસેથી. (તેઓ ધીરે ધીરે રંગમંચ છોડી જાય છે.) સૈનિકો પાગલ બની ગયા છે કે શું? એકાએક પાર્શ્વભૂમિમાંથી ગાયકનું ગાન સંભળાય છે અને તે બધા સાંભળે છે.)

સેલ્યુકસ : શું નામદાર? હા, હા, ખરેખર! તેઓ પાગલ જ બની ગયા છે. જુઓને! એ ગાયક અત્યારે પણ કોઈ દિવ્ય પાગલપણાની મસ્તીમાં ગાઈ રહ્યો છે!

એલેક્ઝાંડર : (સ્વગત) સેલ્યુકસ જે કહી રહ્યો છે, એની મને પણ અસર થતી હોય, એમ જણાય છે. કોણ જાણે હજુ કેટકેટલાં આશ્ચર્યો મારે આ ભૂમિમાં જોવાનાં બાકી રહ્યાં હશે? (સેલ્યુકસ તરફ મોટેથી) સેલ્યુકસ, તારા કથનમાં કંઈક સચ્ચાઈ હોય એવું લાગે છે. ભારતના લોકો અસાધારણ છે, તેમનાં જીવન અને જીવનરીતિ પણ અસાધારણ છે. તેઓ દેવોને ચાહે છે અને આપણે યુદ્ધો ચાહીએ છીએ. તું યોગીઓ વિશે કહેતો હતો ને? હા, એવા કોઈને મળવાથી મને આનંદ થશે. એવા કોઈ યોગીને અહીં બોલાવી લાવવા માટે આપણા સૈનિકોને મોકલ જેમ બને તેમ જલદી મોકલી દે. (એલેક્ઝાંડર અને સેલ્યુકસ મંચ છોડી જાય છે. મંચ પરનો પ્રકાશી ધીરે ધીરે ઓલવાઈ જાય છે. પાર્શ્વભૂમિમાંથી ગાયકના સંગીતના ધીમા કોમળ સ્વરો સંભળાય છે.)

(ક્રમશ:)

(પ્રથમ અંક પૂર્ણ)

ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.