શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો.

(દીપોત્સવી અંક્થી આગળ)

૩. જીવન અને સમન્વય વિષે કાકા કાલેલકરની પરિકલ્પના

પ્રો. જોશીએ કાકા કાલેલકરનાં અનેક પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે ને તેમને બે ભાગમાં વહેંચ્યાં છે. કાકાસાહેબનાં આરંભનાં લખાણો જીવનને, વિવિધ પાસાંવાળા માનવજીવનને સ્પર્શે છે; એ જીવનને સ્પર્શતાં છે. એમનાં ઘણાં પુસ્તકોમાં નામ ‘જીવન’થી શરૂ થાય છે, જીવન-આ, જીવન-તેમ જીવનનાં વિવિધ પાસાં બધાં છે. પણ, સ્વાતંત્ર્ય પછીના રાષ્ટ્રીય સંદર્ભમાં એમના સાહિત્યમાં બીજી વસ્તુ ઊપસી આવી. એમની કલમમાંથી નવ્ય સંગીત ઝરવા લાગ્યું, તે સમન્વયની, સંવાદની, એકત્વની પરિકલ્પના. ભારતીય સંસ્કૃતિના હાર્દ સમી આ સમન્વયની વિભાવનાને, માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર જગતમાં સૌ અપનાવે તેમ તેઓ ઇચ્છતા હતા કારણ, હજારો વર્ષ સુધી એ વિભાવનાએ એક ખંડ સમાન દેશની સંસ્કૃતિના પ્રયોગને ટકાવી રાખ્યો છે અને આ શતાબ્દી સમિતિના શ્રી પોહેકર અને બીજાઓ સાથે વિચારણા કર્યા પછી, આજના વ્યાખ્યાન માટે મારો પસંદ કરેલો વિષય છે : ભારતનું સમન્વયદર્શન.

આપણા લોકસમસ્ત માટે આજે એ અગત્યનો વિષય છે. કારણ, આજે આપણા પ્રાચીન સમૃદ્ધ ઇતિહાસનું અધ્યયન આપણે કરીએ છીએ. તે જ માત્ર નથી પરંતુ, સમૃદ્ધ ઇતિહાસનું સર્જન કરીએ છીએ તે છે. આપણી વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં આપણા યુવાનોને હું અનેક વાર કહું છું કે, તમે ઇતિહાસનો અભ્યાસ કરો છો તે પૂરતું નથી. ઇતિહાસના સર્જન માટે તમારી જાતને તમારે ઘડવાની છે. આપણે અતિ સર્જનાત્મક યુગમાં જીવી રહ્યા છીએ. આવા સર્જનાત્મક યુગો અગાઉ પણ આવ્યા હતા, એમાં સૌથી તરી આવતા, સૌથી વિશેષ પ્રગતિશીલ અને પોતાની અસરમાં સૌથી વધારે વૈશ્વિક હતા (૧) ઉપનિષદકાળ : વેદકાળના અંતે અને એનો આરંભ થયો હતો. (૨) ખ્રિસ્ત પૂર્વની પાંચ સદીઓમાંનો ભગવાન બુદ્ધ અને એમની પ્રવૃત્તિનો કાળ અને, (૩) ખ્રિસ્તોત્તર ત્રણ સદીઓનો ગુપ્ત યુગ.

અને આજે, સદીઓનાં સર્જનશૂન્ય જીવન પછી, સામાજિક અને રાજકીય ગતિહીનતા પછી આખો ભારતવર્ષ ઇતિહાસના અપ્રતિમ, અદ્‌ભુત સર્જનાત્મક યુગને ઉંબરે ઊભો છે. આ સર્જનાત્મક વ્યાપારમાં પોતે સહભાગી છે અને વ્યાપાર પાછળ, આ અર્વાચીન યુગમાં અવતરેલા કર્મઠ અને સર્જક મહાન આત્માઓની નક્ષત્રમાળા છે. એ આપણાં બાળકો સમજે તેમ આપણાં બાળકોને આપણે ભણાવીએ. ભારતમાં આપણે કેવળ આપણા પ્રાચીન વારસા ઉપર જ નભતા નથી પરંતુ યુગે યુગે આપણે તે નવેસરથી ઘડીએ છીએ. દરેક કાળે આપણે તેને નવપલ્લવિત કરીએ છીએ. ભારતની કથાની એ જ વિશિષ્ટતા છે કે નવાં મૂલ્યોને આત્મસાત કરીને, જૂની કાલગ્રસ્ત બાબતોને ખંખેરી દઈને, આ સંસ્કૃતિ યુગે યુગે નવતા ધારણ કરે છે. તેથીસ્તો આપણી સંસ્કૃતિ સનાતન, સતત, અમર છે. બીજા દેશોમાં સંસ્કૃતિને નવપલ્લવિત કરનારને પોષણ નથી મળતું; તેથી આંતરિક શક્તિને અભાવે, અને નવાં અણધાર્યા સંજોગોના પ્રતિકાર શક્તિને અભાવે કેટલાક સૈકાઓ પછી, સંસ્કૃતિઓ મરણશરણ થાય છે. ભારતના આ ભૂખંડ ઉપર, આજની ભારતની પ્રજાના પ્રાચીન પૂર્વજોએ સંસ્કૃતિના સર્જનના પ્રયોગોની શરૂઆત કરી હતી. એમનાં મન વેગવાળાં, આર્ષદર્શી અને ખૂબ સર્જનશક્તિવાળાં હતાં અને તેમણે આ સંસ્કૃતિને આંતરિક બળ, સ્થિતિસ્થાપકતા અને સંજોગોનારૂપ થવાની શક્તિ અને આત્મસાત્ કરવાની તાકાતનું પ્રદાન કર્યું હતું. આ બધું સમન્વય સંવાદ, એકતાના આદર્શ અને દર્શનમાંથી આવ્યું હતું. ભારતના કોઈ અભ્યાસી માટે અને, ખાસ તો ભારતના બાળક માટે આ ખૂબ આકર્ષક સમય છે. સંસ્કૃતિ કેમ વિકાસ પામી, એને ઘડનારાં પરિબળો ક્યાં છે, એ પરિબળોમાં ક્યાં પ્રાચીન અને ક્યાં અર્વાચીન છે. અને આજના કાળમાં આપણે સમન્વયનાં તત્ત્વને કેવી રીતે સમજીને આત્મસાત્ કરી શકીએ. આ આપણી કેળવણીની કેન્દ્રવર્તી વસ્તુ હોવી જોઈએ જેથી, આપણો દેશ પોતાનાં બાળકોને પ્રેરણા આપવાનું ચાલુ રાખી શકે. એટલું જ નહીં પરંતુ, સમન્વયના આ સુંદર ખ્યાલથી બાકીનાં જગતને પણ પ્રેરી શકે.

આજના યુગમાં આ દેશમાં જે મહામાનવો જન્મ્યા તે સૌ આ સમન્વયના મૂલ્યના પ્રતિનિધિ હતા, એમ કહેતાં મને આનંદ થાય છે. ધર્મના ક્ષેત્રમાં, કલાના ક્ષેત્રમાં, રાજકારણના ક્ષેત્રમાં અને જ્ઞાનની ખોજના ક્ષેત્રમાં, આ વૈશ્વિક ભાવના વ્યક્ત થઈ. સમસ્ત માનવજાત માટે સહઅનુકંપા અનુભવતી એમની ચેતનાઓ વૈશ્વિક હતી. એ વ્યક્તિઓનાં માનસ સંકુચિત ન હતાં, વાડની મર્યાદાથી બંધાયેલાં ન હતાં. રાષ્ટ્રીયતા, જાતીયતા કે ધર્મથી એ ખરડાયેલાં ન હતાં. આજના આ યુગમાં પણ આ મહત્તા આપણી પાછળ ઊભી છે. ને આપણા ભૂતકાળના વિશિષ્ટ વારસા તરીકે એ આપણા કબ્જામાં તો છે જ.

પ્રાચીન ભારત અને અર્વાચીન પશ્ચિમમાં આપણી ભૂમિ પરના સંધાનનું પ્રથમ ફળ ગઈ સદીના આરંભમાં રાજા રામમોહનરાય હતા. એમની દૃષ્ટિ અને સહકંપા વૈશ્વિક હતી. પછી આવ્યા શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ; એ સદીના અંત ભાગે આવેલી બંને વિભૂતિઓ વૈશ્વિક ભાવના અને સમન્વયનું મૂર્તિમંત સ્વરૂપ હતી. એમના પછી આ સદીમાં રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી આવ્યા. અને વહીવટ કરનારાઓમાં આપણી પાસે જવાહરલાલ નહેરુ હતા. તેમનું વ્યક્તિત્વ વૈશ્વિક દર્શન સહાનુભૂતિઓથી મંડિત હતું. તેઓ દરેકે ભારતના આત્માને આત્મસાત્ કર્યો હતો. કરુણતા એ છે કે મોટા ભાગના લોકો એ સમયના એ વ્યક્તિઓના સંપર્કમાં નથી. દેશ સ્વાતંત્ર્ય પછી, ભારતના આત્માથી ભારતના જ્ઞાનથી આપણે ખૂબ દૂર જઈ છીએ, એથી જ તો ન ઉકેલી શકાય એવી સમસ્યાઓ આપણી સામે ખડી થઈ છે. ધાર્મિક સંઘર્ષ, જ્ઞાતિવાદ સંઘર્ષ, ભાષાઓના ઝઘડા અને ભ્રષ્ટાચાર તથા સામાજિક કુરિવાજોનો પથારો. આમ શા માટે? કારણ કે આપણા જ જ્ઞાન સાથેનો સંપર્ક આપણે ગુમાવી બેઠા છીએ. આપણી સંસ્કૃતિના આત્માનું જ પોષણ આપણે લેતા નથી. કહેવાતા ભણેલા લોકોએ આ નવેસરથી શીખવું પડશે. આ ખૂબ મહાન કાર્ય માટે, સમન્વયના સુંદર મૂલ્યના વિચારના પ્રચાર માટે, એનું વૈશ્વિક દર્શન તથા માનવતાવાદી વલણ સમજવા માટે કાલેલકર જેવા લોકોએ પોતાનાં સમગ્ર જીવન વ્યતીત કર્યાં.

(ક્રમશ:)
ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 59
By Published On: September 3, 2022Categories: Ranganathananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram