સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘Hinduism through Questions and Answers’નો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રકાશિત થયો હતો.

પ્રશ્ન ૪ : યજ્ઞ યાગ વિશે અનેક ભ્રમણાઓ છે. એવી પરસ્પર વિરોધી દલીલોનું બુધ્ધિગમ્ય અને તર્કસંગત નિરસન સંભવ છે?

ઉ. સંસારમાં જો આપણે સુખી જીવન જીવવું હોય, તો આપણામાં અરસ-પરસના સહયોગનો ભાવ હોવો આવશ્યક છે. આપણું એ લક્ષ્ય હોવું જોઈએ કે, આપણને જેમના તરફથી મદદ મળે છે, તેમને આપણે પણ મદદરૂપ થઈએ અને સમાજની ખૂબ સેવા કરીએ.

હિન્દુ માન્યતા પ્રમાણે સંસાર માત્ર માણસ સુધી સીમિત નથી. એમાં ચરાચર પ્રાણીઓ, વનસ્પતિ તથા પ્રકૃતિનાં અન્ય તત્ત્વો પણ નિહિત છે. એમાં કેટલાંક સચેતન તત્ત્વો પણ છે, જે પ્રાકૃતિક શક્તિઓને નિયંત્રિત કરે છે. તેને દેવતા માનવામાં આવે છે.

યજ્ઞ-યાગ એ એવાં અનુષ્ઠાનો (કે વિધિઓ) છે, જેનાથી દેવતાઓને સંતોષી શકાય. શાસ્ત્રો અથવા તો ધર્મગ્રંથો વડે આ ધારણા પ્રેરાયેલી અને પોષાયેલી છે. આવાં અનુષ્ઠાનો ઇત્યાદિથી સંતોષ પામેલા દેવતાઓ થકી આપણને દૃષ્ટિ, આહાર, સ્વાસ્થ્ય, ઐશ્વર્ય, સંતાન આદિની પ્રાપ્તિ થાય છે, અને તેઓ અસત્યથી આપણું રક્ષણ કરે છે. જો માનવો અને દેવો પરસ્પર એકબીજાને સંતોષી રહે તો સંસારમાં પણ સંતોષની પુષ્ટિની સંભાવના સંભવે. વૈદિક યજ્ઞયાગો અને બલિદાનોના મૂળમાં આવું જ પ્રયોજન હશે, તેમ માનવામાં આવે છે.

ધર્મ-ગ્રંથોના આદેશાનુસાર અગ્નિ પ્રગટાવવો, ઉચિત સંદર્ભવાળા મંત્રોનું ઉચ્ચારણ કરી, તેના દ્વારા દેવોનું આહવાન કરવું અને પોતાની કામનાઓની પૂર્તિ અર્થે એમને આહુતિઓ આપવી વગેરે આવા યજ્ઞ-યાગોની વિધિઓ કે અનુષ્ઠાન છે.

આવા યજ્ઞયાગો અંગે તેની વિરુદ્ધની ઉઠાવવામાં આવતી શંકાઓ અને તેના વિશેની પ્રચલિત ભ્રાંતિઓનો સંક્ષેપમાં, આ રીતે ઉલ્લેખ કરી શકાય :

(૧) યજ્ઞકુંડમાં દેવાતી આહુતિઓની અસર, પ્રાકૃતિક શક્તિઓ પર એ રીતે નથી થતી, જે રીતે વીજળીના થાંભલાનો માત્ર સ્પર્શ થવાથી જ કંઈ નાળિયેરી પરથી કોઈ નાળિયેર બગીચામાં આવી પડતું નથી.

(૨) આ યજ્ઞયાગોમાં પશુબલિ ચડાવવામાં આવે છે, તેનાથી હિંસા થાય છે. માત્ર માંસ ખાવાની ઈચ્છા માત્રથી જ શું આ યજ્ઞોનું આયોજન કે વ્યવસ્થા થઈ હશે? દૂધ, દહીં, ઘી, વગેરે યજ્ઞાગ્નિને અર્પણ કરવાં અને એ પદાર્થોને નષ્ટ કરવા, એ બેવકૂફી નહીં તો બીજું શું છે? જરૂરિયાતવાળાને અને ગરીબોને એ પદાર્થો વહેંચી દેવાનું શું વધુ ઉચિત નથી? ઉપર મુજબની આશંકાઓનો જવાબ આવો હોઈ શકે :

(૧) યજ્ઞકુંડમાં આહુતિ અપાય છે, એ વાત સાચી છે. પરન્તુ ઈશ્વર અથવા પરમાત્મા જે એ ગ્રહણ કરે છે; જે અંતર્યામી અને સર્વવ્યાપી છે તેમ જ પ્રકૃતિ પણ જેને આધીન છે તેને માટે, યજમાનોની આશા, આકાંક્ષાઓ, મન:કામનાઓ પૂર્ણ કરવાનું કામ મુશ્કેલ નથી.

(૨) યજ્ઞો અનેક પ્રકારના હોય છે. પશુબલિ ચડાવવામાં આવે તેવા યજ્ઞો વિરલ છે. ધર્મ ગ્રંથોમાં જ માંસ-ભક્ષણનું વિધાન છે. તેથી માંસ ખાવાની લાલચથી યજ્ઞની વ્યવસ્થા થઈ છે તેમ કહેવું, એ એક પાંગળી દલીલ છે. જીવહિંસાના પ્રશ્નને લાગેવળગે છે ત્યાં સુધી તો રોજબરોજના જીવનમાં, જીવનનિર્વાહ વ્યવહારમાં – આ તો અનિવાર્ય બની ગયું છે. તેથી જ તો અધિકાધિક લોકોના કલ્યાણ માટે થતાં આવાં અનુષ્ઠાનોમાં જીવહિંસા ઉપેક્ષિત થયેલી દેખાય છે. હા! બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય તથા અન્ય મહાપુરુષો દ્વારા ચલાવાયેલાં આંદોલનોના પરિણામે, ઘણા સમયથી પશુબલિની પ્રથા બંધ થઈ ગઈ. આજે તો પ્રતીક સ્વરૂપે માત્ર લોટની મૂર્તિઓ કે આકૃતિઓ જ યજ્ઞોમાં હોમવામાં આવે છે.

(૩) આ ભાવના શ્રદ્ધા પર આધારિત છે. બધા ધર્મોમાં આ પ્રકારની શ્રદ્ધા પ્રચલિત છે. પ્રત્યેક ધર્મગ્રંથ જ તેનો આધાર છે. શ્રદ્ધા અને ભક્તિથી થયેલાં કાર્યો-કે આચરણનું મૂલ્ય; ભૌતિક મૂલ્યોની દૃષ્ટિએ મૂલવવું, એમાં વિવેક નથી. પરમ વિવેકી શંકરાચાર્યે સુદ્ધાં તેનો નિષેધ કર્યો નથી. યજ્ઞકુંડમાં આવી વસ્તુઓની આહુતિ આપવાવાળા યજમાન પોતાની રીતે આ બધું કરતા હોય છે.. રાજ્ય અથવા સમાજની સંપત્તિનો તેઓ તે માટે ઉપયોગ કરતા નથી. આવી ધાર્મિક વિધિઓને સમયે, સત્પાત્રોને અન્ન, વસ્ત્ર, દ્રવ્ય ઈત્યાદિ ભેટરૂપે આપવું, તે માત્ર ઈચ્છનીય જ નહીં, પરન્તુ અનિવાર્ય છે, તેમ માનવામાં આવ્યું છે.

શ્રીકૃષ્ણ ભગવાને યજ્ઞના અર્થનો વ્યાપ એટલો તો વિસ્તૃત કર્યો છે કે, દિન-પ્રતિદિનના જીવન-વ્યવહારમાં, તેના અનુષ્ઠાનની સંભાવના અસીમિત થઈ ગઈ છે. ધનવાન ધનનું, જ્ઞાની જ્ઞાનનું, સંત પોતાના તપોબળનું દાન કરે છે; તે યજ્ઞોમાં આપવામાં આવતી આહુતિઓથી જરા પણ ઊતરતી કોટિનું નથી. જરૂરત કરતાં વધારે જે કાંઈ પોતાની પાસે હોય, તેનું યજ્ઞરૂપે અન્યોને વિતરણ કરવું, તે સામાજિક જવાબદારી નિભાવવાની ઉત્તમ રીત, ઉત્તમ આચરણ છે

પ્રશ્ન ૫ : પવિત્ર અને પ્રામાણિક મનાયેલા એવા ઈતર ધર્મગ્રંથો પણ છે ખરા?

ઉ. હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવતા ગ્રંથો અસંખ્ય છે. હા, એ સૌમાં વિશેષરૂપે માન્ય અને મહત્ત્વપૂર્ણ ગ્રંથોમાં ભગવદ્-ગીતા, મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત, અન્ય ઋષિઓની સ્મૃતિઓ, આગમ, પુરાણ, દર્શન ઇત્યાદિ છે. પરંપરાથી આ બધા માન્ય ગ્રંથો છે; અને જુદા જુદા વર્ગો અને વર્ણોએ સ્વીકારેલા છે.

રામાયણમાં શ્રીરામના જીવન અને આચરણનું વર્ણન થયું છે. મહાભારતમાં કૌરવ-પાંડવ રાજકુમારોની કથા અંકિત થઈ છે. તેમાં શ્રીકૃષ્ણનું ચરિત્ર પણ છે; જેણે સદીઓથી હિન્દુઓને જીવન-સંઘર્ષમાં પ્રેરણા આપી છે, તેમના જીવનને ગતિશીલ બનાવ્યું છે.

ભગવદ્-ગીતા, ‘ગીતા’ નામથી અમર છે. એ મહાભારતનું જ એક અંગ છે. વળી, તે લોકપ્રિય પણ છે. ઉપનિષદોને ગાયની ઉપમા આપવામાં આવે તો ‘ગીતા’ તેનું સારરૂપ દૂધ છે. ગીતા શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. કુરુક્ષેત્રના મેદાનમાંથી આ સંવાદની શરૂઆત થાય છે. તેનો મુખ્ય સંદેશ એ છે કે, જટિલ અને અપ્રિય લાગે છતાં પણ વ્યક્તિએ દૃઢતાથી અને સ્વાર્થરહિત બની, સમર્પણની ભાવનાથી પોતાનું કર્તવ્ય-કર્મ પૂરું કરવું જોઈએ. ઈશ્વરને પ્રસન્ન રાખવા, સંસારની સેવા કરવા અને સમાજના ઋણમાંથી મુક્ત બનવા માટે પ્રત્યેક સ્ત્રી-પુરુષે પોતાના સ્વધર્મનું પાલન કરવું જોઈએ. સ્વધર્મમાં-પોતાની ક્ષમતાનુસાર, અનુરૂપ મહત્ત્વાકાંક્ષા અને તેની પૂર્તિ માટે જરૂરી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. સ્વધર્મના પાલનમાં જ વ્યક્તિનું કલ્યાણ પણ સમાયેલું છે. પરધર્મ, જો સ્વીકાર્યો હોય, તો જરૂર ભયાવહ છે અને તે હાનિ પહોંચાડે છે.

મનુ, યાજ્ઞવલ્કય, પરાશર, વગેરે દ્વારા રચાયેલ સંકલન જ ‘સ્મૃતિઓ’ છે. વેદમાં વર્ણવાયેલ શાશ્વત સત્યને ધ્યાનમાં રાખીને પરિવર્તનશીલ યુગોમાં, હિન્દુ સમાજનું નિયંત્રણ અને માર્ગદર્શન સ્મૃતિઓ દ્વારા થયું છે. પ્રત્યેક હિન્દુ માટે વ્યક્તિગત અને સામાજિક સ્તરે આચાર – સંહિતાનું નિરૂપણ સ્મૃતિઓમાં મળે છે.

વિવિધ દેવોનાં વિધિ-વિધાનો દ્વારા થતી ઉપાસના, મંદિરોને આનુષંગિક પૂજા-પાઠ, ઉપાસનાનાં સ્થળો તથા વિભિન્ન આધ્યાત્મિક સાધનાઓનું વર્ણન ‘આગમો’માં થયું છે.

થોડીઘણી ઐતિહાસિક સામગ્રી સાથે પુરાણોમાં વાર્તા, રૂપક, ઉપમા, પ્રતીક ઇત્યાદિના માધ્યમ દ્વારા નૈતિક આદર્શો અને આધ્યાત્મિક સત્યોનું ચિત્રણ થયું છે. પુરાણ જનસાધારણના ધાર્મિક અને સાંસ્કૃતિક શિક્ષણનું મુખ્ય સાધન છે. વિષ્ણુપુરાણ તેમ જ શ્રીકૃષ્ણના જીવન સંબંધી ભગવતપુરાણ વિશેષ લોકપ્રિય છે.

‘દર્શન’ની સંખ્યા ૬ છે. તેમાં તત્ત્વજ્ઞાનના જુદા જુદા સંપ્રદાયોનું વ્યવસ્થિત વિવેચન છે. સૃષ્ટિનું મૂળ, સંસારની રચના, પરમાત્મા, જીવાત્મા, વગેરે મૂળભૂત પ્રશ્નોના ઉત્તરો તેમાંથી મળે છે, જેમાં પાતંજલ યોગ ‘દર્શન’ અને ‘બાદરાયણ વ્યાસ રચિત વેદાન્ત’ આજે પણ વિશેષ લોકપ્રિય છે.

પ્રશ્ન ૬ : સંસારના સર્વ ધર્મોમાં ‘ઈશ્વરમાં શ્રદ્ધા-આસ્થા’ સ્વાભાવિક છે. હિન્દુ ધર્મમાં ‘ઈશ્વરનું સ્વરૂપ’ શું છે?

ઈશ્વર એક છે, અદ્વિતીય છે. સત્-ચિત્-આનંદ તેનું સ્વરૂપ છે. તે ‘સ્વ’ વડે, સ્વશક્તિ વડે આ વિશ્વનું સર્જન કરે છે, પાલન કરે છે અને ઉદ્દેશ્ય પૂર્તિ થતાંની સાથે તેને પરત લઈ લે છે. આવો ક્રમ ચક્રવત્ ચાલ્યા કરે છે.

સૃષ્ટિનું નિર્માણ કરી, તે સમ્રાટની માફક તેના પર શાસન કરે છે. તે દરેકને તેના પાપ-પુણ્યનાં કર્મ અનુસાર પુરસ્કાર અથવા દંડ દે છે. તે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે. ચરાચરનો અંતર્યામી છે. સત્ય, જ્ઞાન, સૌંદર્યનો ભંડાર છે. કલ્પનાતીત મહાન ગુણોનું મૂર્ત રૂપ છે. બંધનમાં પડેલા, વ્યથિત જીવો પ્રતિ દયા એ તેનો મુખ્ય ગુણ છે. સૃષ્ટિનું નિર્માણ જ પતિતોના ઉદ્ધાર માટે થયું છે, જેથી તે આધ્યાત્મિક સ્તરે પહોંચી, અંતે પૂર્ણત્વ પ્રાપ્ત કરે. શ્રદ્ધા અને ભક્તિ તેને પ્રિય છે. શરણાગતિ અને સ્વાર્પણ વડે તેની ઉપાસના સુગમ બને છે. તે પ્રસન્ન થાય તો જીવન સાર્થક બને છે.

તે સાકાર અને નિરાકાર બંને છે. આપણને પશુસ્તરેથી સર્વોચ્ચ શિખર સુધી ઉન્નત બનાવવા, તે સંસારમાં અવતાર ધારણ કરે છે.

પ્રશ્ન ૭ : હિન્દુઓને ‘એક જ ઈશ્વર’માં શ્રદ્ધા છે. છતાં તેઓ જુદાં જુદાં દેવી-દેવતાઓ જેવાં કે શિવ-શક્તિ, વિષ્ણુ, ગણેશ, વગેરેની ઉપાસના શા માટે કરે છે? આ તો બહુદેવોપાસના જ થઈને? પુરાણોનાં આખ્યાનોને વિશ્વસનીય ગણીએ તો, દેવી-દેવતાઓ માંહોમાંહે હરીફાઈ અને સંઘર્ષોમાં જ અટવાયેલાં હોય તેવું લાગેને?

હિન્દુ ધર્મ અનેક દેવો અથવા આરાધ્ય ઈષ્ટોના અસ્તિત્વનો સ્વીકાર ભલે કરે પરંતુ તે એક જ ઈશ્વરને, એક જ પરમ સત્તાને માને છે. આવા આરાધ્ય દેવતાઓમાં ‘ઈન્દ્ર’ મારા અને તમારા જેવો છે, જે આગલા જન્મની સૃષ્ટિપ્રક્રિયામાં અસાધારણ પુણ્યને કારણે પોતાના ઊંચા પદે પહોંચેલો છે. પ્રકૃતિનાં જુદાં જુદાં તત્ત્વો પર પોતાનો અધિકાર ચલાવવાવાળો ઈન્દ્ર, એ એવા અધિકારી જેવો છે, જે રાષ્ટ્રપતિ દ્વારા પ્રાપ્ત થયેલા અધિકારોને અમલમાં મૂકે છે. પુણ્યોનો ક્ષય થતાં જ તેને પોતાના અમલમાં મૂકે છે. પુણ્યોનો ક્ષય થતાં જ તેને પોતાના પદનો ત્યાગ કરવો પડે છે; અને મુક્તિ કે મોક્ષાર્થે ફરી સાધના કરવી પડે છે.

બ્રહ્મા, વિષ્ણુ, શિવની વાત પર આવીએ. આ ત્રણેય કોઈ સ્વતંત્ર કે અલગ આરાધ્ય નથી. એક જ પરમ સત્તાનાં ત્રણ સ્વરૂપ માત્ર છે. સર્જન, પાલન અને સંહારના ક્રમની તેમની જવાબદારી છે. જેમ એક જ વ્યક્તિ ઘરમાં પિતા, કાર્યાલયમાં ‘બોસ’ અને દુકાન પર ગ્રાહક છે તેમ, આ ત્રણેની સ્થિતિ પણ એવી જ છે. અન્ય આરાધ્યોને પણ એ જ રીતે, એક જ પરમ સત્તાનાં અલગ અલગ સ્વરૂપો માનવાં જોઈએ, જેનાં પોતાનાં વિશિષ્ટ ક્ષેત્રો છે.

આ આરાધ્ય દેવોની શક્તિઓ સરસ્વતી, પાર્વતી અથવા શિવા તથા લક્ષ્મી છે; જે તેમનાથી અભિન્ન છે, જે રીતે અગ્નિની બાળવાની અને ગરમીની શક્તિ અભિન્ન છે. આ દેવીઓને, એ દેવતાઓની પત્નીઓ રૂપે માનવામાં આવી છે.

એનો એવો અર્થ ન તારવવો જોઈએ કે, બધા આરાધ્યદેવો કલ્પનાજન્ય છે. માટીમાંથી બનેલ પૂતળી કે પૂતળું, જે રીતે માટી જ છે; તેવી રીતે નિર્વિવાદરૂપે, આ આરાધ્યદેવો, એક જ પરમાત્મા ઈશ્વરીય પરમ તત્ત્વનાં કે સત્તાનાં જ અલગ અલગ રૂપો છે. તેમાં અપવાદને સ્થાન નથી. આપણે તો સાધારણ વ્યક્તિઓ ગણાઈએ. ઈશ્વરની, તેના સહજરૂપે ઉપાસના નથી કરી શકતા. તેથી પોતાના તપોબળથી, કઠોર સાધનાઓ વડે, ઈશ્વર પાસેથી જ આ નામરૂપો પ્રાપ્ત કરી, ઋષિ-મુનિઓએ આપણા પર ઉપકાર કર્યો છે. તેથી જ ધ્યાન-સમાધિમાં, તેના માધ્યમ વડે, ઈશ્વરસાક્ષાત્કાર અથવા પરમાત્માની અનુભૂતિ થઈ શકે છે.

કેટલાંક પુરાણોમાં પરસ્પર વિરોધી લાગે તેવી ચર્ચાઓ મળે છે. તેના પર પણ વિચાર કરી લેવો જરૂરી છે. સદીઓથી તેનો વિકાસ થતો આવ્યો છે, તેથી જ તો ‘મૂળ’થી તેની શાખાઓને અલગ પાડવાનું સરળ નથી. એવું માનવું અસ્થાને નહીં ગણાય કે, અનેક પંથો ને સંપ્રદાયોમાં, પોતાના જ સંપ્રદાયને શ્રેષ્ઠ બતાવવાની સ્પર્ધામાં કેટલાંક મંતવ્યો પાછળથી સામેલ કરવામાં આવ્યાં હશે, જેનો ‘મૂળમાં’ સંકેત સુદ્ધાં નહીં હોય. તેથી જ આવો વિરોધાભાસ ઉપેક્ષાયોગ્ય બની રહે છે.

(ક્રમશ:)
ભાષાંતર : શ્રી સી.એ. દવે

Total Views: 195

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.