સહનશીલતા સાથે અંહિસા, સમભાવ, સદ્ભાવ, ધીરજ ઈત્યાદિ ગુણો સંકળાયેલા છે. સહનશીલતાને કાયરતા કે લાચારી સાથે સંબંધ નથી. કાયર કે લાચાર મનુષ્ય સહન કરે એમાં નવાઈ નથી. એની પાસે અન્ય કોઈ ઉપાય નથી એટલે સંયોગો, પરિસ્થિતિ, અપમાન, નિંદા, ક્રોધ, માર એ બધું એ સહન કરી લે છે; પોતાનું મોઢું બંધ રાખે છે, ક્યારેક સંયોગો કે પરિસ્થિતિ બદલાશે એવી આશાએ જીવન વિતાવે છે. આવા લોકો શારીરિક તેમ જ માનસિક પરિતાપ સહન કરી લે છે; પણ જે બળવાન છે, સામનો કરી શકે તેવા છે, વર્ચસ્વવાળા છે છતાં સહન કરી લે છે તે ખરા સહનશીલ છે.
બુદ્ધ ભગવાનના પૂર્વજન્મની એક કથા આ સંદર્ભમાં જોવા જેવી છે. કહે છે કે એક જન્મમાં તેમને જંગલી પાડાનું શરીર મળેલું. શરીર પાડાનું હતું પણ પોતાની શક્તિઓ અને ગુણસંપત્તિઓ વિશે તેઓ સભાન હતા. એક સમયે પાડો જંગલમાં ચરતો હતો. સમીપમાં આવેલ વૃક્ષ પર એક વાનર બેઠો હતો. અલમસ્ત પાડાને જોઈને તેને થયું : કેટલું હૃષ્ટપુષ્ટ શરીર છે! એના પર બેસી થોડું ફરવું જોઈએ. વાનર પાડાની પીઠ પર બેસી ગયો. જાણે કશું જ ન બન્યું હોય તેમ પાડો ચરતો રહ્યો. વાનરે એને અનેક રીતે પીડા પહોંચાડી પણ પાડાનું શરીર ધારણ કરનાર બોધિસત્વે ઘાસ ચરવાનું ચાલુ રાખ્યું, દેવોથી આ સહન ન થયું. તેમણે કહ્યું : “હે શાંતમૂર્તિ! આ વાનર શિક્ષાને યોગ્ય છે. તમે એના દાસ બનીને શા માટે વર્તો છો? શું તમે આ વાનરથી ડરો છો? તમારી સહનશીલતાને કારણે આ દુષ્ટ વાનર સુધરવાનો નથી.” ત્યારે બોધિસત્ત્વે કહ્યું : “દેવો! વાનરના દોષથી હું પરિચિત છું. એને નષ્ટ કરવામાં મારે વિશેષ શક્તિ વાપરવી પડે એમ નથી. છતાં એની પજવણી સહન કરું છું. એ મારાથી વધારે બળવાન નથી તે તમે જાણો છો; પણ મને જે શક્તિ મળી છે એ અન્યને ત્રાસ આપવા માટે નથી મળી. માટે ધીરજ રાખવાની જરૂર છે. સમય આવ્યે આ વાનર જ મારી પાસે શાંતિ શોધવા આવવાનો છે.” જીવનને જોવામાં કેવો દૃષ્ટિફેર છે!
મહાત્મા સૉક્રેટિસના નામથી આપણે અજાણ નથી. સમગ્ર ગ્રીસ (યુનાન) દેશ એમનો ભારે આદર કરતો. એમના જેવી સમર્થ વિદ્વાન અને દાર્શનિક વ્યક્તિઓ બહુ ઓછી થઈ છે. એમનો સમય ઈ.સ. પૂ. ૪૬૯ થી ઈ.સ. પૂ. ૩૯૯નો નોંધાયો છે. એમનું શરીર છૂટ્યે ૨૩૯૨ વર્ષ વીત્યાં છતાં જગતભરના વિચારકો એમને યાદ કરે છે. એમની પત્ની ઝેન્થીપી વિશે જે વાતો પ્રચલિત થઈ છે તેની પ્રામાણિકતા કેટલી એ નક્કી કરવું મુશ્કેલ છે. કહે છે કે એ ભયંકર ક્રોધી હતી. એની વાણી કુહાડાની ધાર જેવી હતી. સોક્રેટિસે એનો સમજપૂર્વક સ્વીકાર કરી લીધો હતો એટલે ઝેન્થીપી કાંઈ પણ બોલતી તો તેઓ સાંભળી લેતા. એનો ક્યારેય પ્રતિકાર ન કરતા. મોટે ભાગે મૌન જ રાખતા. એ પણ ઝેન્થીપીને ગમતું નહીં. તે કહેતી : “નગર આખામાં ભાષણ આપ્યા કરો છો અને ઘરમાં હો છો ત્યારે મોઢામાં મગ ભરીને બેસો છો! આ નહીં ચલાવી લઉં!”
સૉક્રેટિસ મૌન રહેતા. કોઈ વાર અધ્યયન માટે ગ્રંથ લઈને બેઠા હોય તો ઝેન્થીપી ભારે નારાજ થતી. એનો પિત્તો જતો અને કહેતી : “આગ લગાડો આ પુસ્તકોને. તમારે પુસ્તકો લઈને બેસવું હતું તો લગ્ન શા માટે કર્યાં!”
આવી નાનીમોટી ઘટનાઓ રોજ બનતી. એક દિવસ સૉક્રેટિસ એના ચાહકોને અને વિદ્યાર્થીઓને લઈને ઘરે ગયા. પત્નીનું તેમની સાથેનું અસહ્ય વર્તન જોઈ બધાને બહુ જ ખરાબ લાગ્યું; પણ સૉક્રેટિસ કાંઈ બોલ્યા નહીં. ઝેન્થીપીનો પારો ચડી ગયો. એનો અવાજ મોટો થયો. વાણી વધારે કઠોર બની. છતાં સૉક્રેટિસ ચૂપચાપ બેઠા છે. મુખ પર આછું સ્મિત છે. ઝેન્થીપીથી પતિનું મૌન સહન ન થયું. તે વાસણ લઈ બહાર દોડી અને રસ્તા પરનું કીચડ તેમાં ભરી લાવી અને સૉક્રેટિસ પર એ બધું કીચડ ઢોળી દીધું.
કહે છે કે આ ઘટના બની ત્યારે સૉક્રેટિસે મૌન છોડી કહ્યું : “દેવી! આજે જૂની કહેવત ખોટી ઠરી. લોકો કહે છે કે ગાજ્યા મેઘ વરસે નહીં. આજે અનુભવ થયો કે મેઘ ગરજે પણ છે અને વરસે પણ છે.”
આટલું કહી તેઓ હસી પડ્યા. ત્યાં બેઠેલા એમના ચાહકો અને વિદ્યાર્થીઓથી ઝેન્થીપીનું વર્તન સહન ન થયું. એક વિદ્યાર્થીએ તો ગુસ્સામાં આવી કહ્યું પણ ખરું : “આને સ્ત્રી ન કહેવાય. આ તો ચુડેલ છે. તમારી પત્ની થવાને લાયક નથી.” સૉક્રેટિસે તેને શાંત પાડતાં કહ્યું : “યુવાન! એવું ન બોલ. મને યોગ્ય પાત્ર જ મળ્યું છે. માટલું કાચું છે કે પાકું તે નક્કી કરવા કુંભાર ટકોરો મારે છે, તેમ હું હજી કાચો છું કે પાકો તે નક્કી કરવા ઝેન્થીપી કસોટી કરે છે. એ ન હોય તો મારામાં કેટલી સહનશીલતા છે તેનો ખ્યાલ જ ન આવે. કાચા વાસણને પાકું કરવા આવી આગ જરૂરી છે.”
ઝેન્થીપીએ પતિની વાણી સાંભળી ત્યારે કહે છે કે એના હૃદયપરિવર્તનની શરૂઆત થયેલી. એણે સૉક્રેટિસની માફી માગી અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. સૉક્રેટિસે એને શાંત કરી. ત્યારે બોલી : તમે દેવતા છો. હું તમને ઓળખી ન શકી.
સહનશીલતાની કેટલી હદે કસોટી થઈ શકે તે કહેવું કે કળવું મુશ્કેલ છે. પણ મનુષ્ય જો ધીરજ રાખે તો એનો વિજય થયા વિના રહે નહીં; સામી વ્યક્તિનું પરિવર્તન થયા વિના રહે નહીં.
Your Content Goes Here