ભારતના આદર્શ – શ્રીરામકૃષ્ણ

આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો માનજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના નામની આસપાસ એકઠા થવું પડશે. શ્રીરામકૃષ્ણનો પ્રચાર હું, તમે કે બીજું કોણ કરે છે એની કશી કિંમત નથી. પરંતુ હું એમને તમારી સમક્ષ રજૂ કરું છું, અને એની પરીક્ષા કરીને નક્કી તમારે કરવાનું છે. આપણી પ્રજાના કલ્યાણ માટે, આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે, તમારે અત્યારે જ નક્કી કરવાનું છે કે તમે જીવનના આ મહાન આદર્શોનું શું કરવા માગો છો. એક વાત આપણે યાદ રાખવાની છે કે તમે કદી પણ જોયાં નહીં હોય અથવા સ્પષ્ટ જ કહું તો તમે કદી પણ સાંભળ્યાં નહીં હોય એવાં પવિત્ર જીવનોમાં સૌથી પવિત્ર જીવન એમનું હતું, અને એ હકીકત છે કે તમે જે ભાગ્યે જ વાંચ્યું હોય, અરે ભાગ્યે જ જે તમારી નજરે પણ પડ્યું હોય એવો આત્મશક્તિનો અતિ અદ્‌ભુત આવિષ્કાર આજે તમારી નજર સમક્ષ દેખાય છે. તેમને અંતર્ધાન થયાં હજુ પૂરાં દસ વરસ થયાં નથી તે પહેલાં તો આ શક્તિ આખી પૃથ્વી ઉપર ફરી વળી છે, એ હકીકત પણ તમે નજરે જુઓ છો. તેથી આપણી પ્રજાના મંગલને માટે, આપણા ધર્મના મંગલને માટે, આ મહાન આધ્યાત્મિક આદર્શને તમારી સમક્ષ મૂકવાની મારી ફરજ છે. તમે એની તુલના મને જોઈને ન કરશો. હું તો એક નબળું સાધન માત્ર છું; મારા પરથી એમના ચરિત્રની તુલના ન કરશો. એ ચરિત્ર એટલું બધું મહાન હતું કે હું અથવા એમના શિષ્યોમાંથી બીજો કોઇ સેંકડો જિંદગીઓ પછી પણ, તેમના લાખમા ભાગને પણ ન્યાય આપી નહીં શકીએ. તમારી પોતાની મેળે જ ન્યાય કરજો; તમારા હૃદયોના ઊંડાણમાં એ શાશ્વત સાક્ષી બિરાજે છે; અને સંભવ છે કે એ જ શ્રીરામકૃષ્ણદેવ આપણી પ્રજાના કલ્યાણ માટે, આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે અને માનવ જાતના મંગલ અર્થે તમારા હૃદયોનાં દ્વાર ખોલી નાખે અને આપણે પુરુષાર્થ કરીએ કે ન કરીએ, પરંતુ જે અવશ્યમ્ ભાવિ છે તે મહાન પરિવર્તન સારું પ્રવૃત્ત થવા માટે, તમને સત્યનિષ્ઠ અને દૃઢ બનાવે.

– સ્વામી વિવેકાનંદ

(‘ભારતમાં આપેલા ભાષણો’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ. ૧૮૫)

Total Views: 215

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.