(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી શ્રીરામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.)

હવે એક વાત ખાસ વિચારવા જેવી છે. અને તે એ કે ગમે તેવા મોટા દુ:ખ તરફનું આપણું વલણ, જો તે આપણા અંતરમાંથી સહજ(spontaneously) ઉત્પન્ન થયું નહિ હોય, તો તેની કંઈજ કિંમત નથી. સ્વામીજીના નિર્દેશ પ્રમાણે તે કોઈ કાર્ય નહિ કરે. તમારું હાસ્ય કૃત્રિમ નહિ હોવું જોઈએ. કોઈ મિત્રને આવકારતાં તમે હાથમાં જે પુષ્પ રાખો છો, તે કાગળનું કે પ્લાસ્ટિકનું ન હોવું જોઈએ. તેમાં અસલ પુષ્પની સુગંધ હોવી જોઈએ. આ જાતનું વલણ આપણાં અંતરમાંથી ઊગવું જોઈએ. આપણાં મનને તીવ્ર આધ્યાત્મિક રીતે કેળવવું જોઈએ.

આ પ્રકારનું પાયારૂપ શિક્ષણ આપણને ભગવાન બુદ્ધનાં સૂત્રોમાંથી મળે છે. ભગવાન બુદ્ધ કહે છે: “આપણે જે કંઈ છીએ, તે આપણા વિચારનું પરિણામ છે. આપણે જે કંઈ છીએ, તેના પાયામાં આપણા વિચારછે અને આખી રચના આપણા વિચાર છે. ગાડાને ખેંચનાર બળદનાં પગલાંની પાછળ જેવી રીતે ગાડાનું પૈડું આવે છે, તેવી જ રીતે આપણા વિચાર અને કાર્યની પાછળ દુ:ખ આવે છે.”

તેથી તમારા દુ:ખને માટે કોઈને દોષ દેતા નહિ. જો કોઈ માણસ ખોટું કરે તો તેને ફરીથી તેવું કરવા દેશો નહિ, અને ખોટું કર્યા બદલ આનંદ માણવા દેશો નહિ. પાપમાંથી જ દુ:ખ ઉત્પન્ન થાય છે. જો કોઈ માણસ શુભ કામ કરે તો ફરીથી તેવું કરવા તેને ઉત્સાહિત કરશો. શુભ કાર્યનો આનંદ એ ભલે માણે. શુભમાંથી જ સુખ ઉત્પન્ન થાય છે.”“કોઈ દુષ્ટતાને હળવાશથી ન લે, અને એમ તો ન જ ધારો કે, તે મારી પાસે નહિ આવે.” જેવી રીતે પાણીનાં ટીપાં પડવાથી પાણીનું વાસણ ભરાઈ જાય છે, તેવી જ રીતે મૂર્ખ માણસએક પછી એક દુષ્ટતાને ગ્રહણ કરતો-કરતો આખરે અતિ દુષ્ટ બની જાય છે.”

“કોઈ શુભને પણ હળવાશથી ન લે, અને એમ તો ન જ ધારે કે તે મારી પાસે નહિ જ આવે. જેવી રીતે એક-એક ટીપું પડતાં પાણીનું વાસણ ભરાઈ જાય છે, તેમ ડાહ્યો માણસ એક-એક સદ્ગુણને ગ્રહણ કરતો આખરે સંપૂર્ણ સદ્ગુણી બની જાય છે.”

આ અનુસંધાનમાં ભગવાન આગળ કહે છે:“આકાશમાં, સમુદ્રની મધ્યમાં, મોટા પહાડોની ઊંડી ગુફાઓમાં પણ એવી કોઈ જગા નથી કે જ્યાં સંતાઈ રહેવાથી કોઈ અશુભ કાર્યોનાં ફળથી મુક્ત રહી શકે. આ જ પ્રમાણે શુભ કર્મોના શુભ આશીર્વાદ અચૂક મળશે જ.”

જ્યારે આપણે હૃદયપૂર્વક એમ સ્વીકારીએ કે, આપણે જે છીએ તે આપણાં એ વિચારોનું અને કર્મોનું પરિણામ છે કે જે વિચારો અને કર્યો આપણે ભૂતકાળમાં આ દુ:ખ લાવવા માટે કર્યાં હતાં. ત્યારે આ જાતનું વલણ પણ આપણા દુ:ખો ઓછાં કરવામાં મદદરૂપ થશે; અને ખરા દિલથી અને કુશળતાપૂર્વક આપણે દુ:ખો દૂર કરવાના પ્રયત્નમાં લાગી જઈશું.

આયુર્વેદના પ્રાચીન આચાર્ય શ્રી સુશ્રુતના કહેવા મુજબ દુ:ખો ત્રણ પ્રકારનાં હોય છે: આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક. આધિભૌતિક એટલે કોઈ જનાવરથી અથવા કુદરતી આફતથી દુ:ખો થાય તે. હિંમત અને નિવારક ઉપાયો (preventive measures) એ જ એના ઉપચાર છે. આધિદૈવિક એટલે નસીબ, તકદીરને લીધે થયેલ દુ:ખો અને આધ્યાત્મિક દુ:ખો તેને કહેવાય કે જે વ્યક્તિના શરીર અને મનથી ઉત્પન્ન થયાં હોય.

આધિભૌતિક અને આધિદૈવિક દુ:ખોને આપણે કેમ દૂર કરી શકીએ અગર તેને માટે શું કરવું, એ બાબતશ્રી સુશ્રુતનો મત એવો છે કે તે કલ્પના અગર અટકળરૂપ ગણાય. પરંતુ આધ્યાત્મિક એટલે કે શરીર અને મનથી ઉત્પન્ન થયેલ દુ:ખ આપણે કેટલેક અંશે કાબુમાં રાખી શકીએ. ખરી રીતે તો ઘણાં ખરાં દુ:ખો તો આપણાં શરીર અને મનમાંથી ઉત્પન્ન થાય છેઅને આવાં દુ:ખોનાં બીજ આપણે વાવેલાં હોય છે, તેનો પાક આપણે લણવાનો હોય છે, અને સહન કરવું પડે છે.

તો પણ એવાં દુ:ખોના નિવારક ઉપાયો (preventive measures) અત્યારથી જ લેવા – એ માર્ગ આપણે માટે ખુલ્લો છે. અને એ માર્ગે આપણે નક્કીપણે એમ કહી શકીએ કે, આપણે ભવિષ્યને માટે દુ:ખોનો સંગ્રહ કરતા નથી. અને આ રીતે આપણે આપણાં દુ:ખો ઓછાં કરી શકીએ.

આને માટે રસ્તો શો?

તેને માટે ભગવાન બુદ્ધે આપેલ સીધો અને સાદો ઉપદેશ આપણે અમલમાં મૂકીએ, તો બહુ અનુકૂળ થાય. બુદ્ધ દસ પાપો (evils)માંથી મુક્ત થવાનું કહે છે.

દરેક જીવંત પ્રાણીનાં દરેક કામ દસ વસ્તુથી બુરાંથાય છે અને એ દસ વસ્તુઓને છોડી દેવાથી શુભ થાય છે. ત્રણ પાપ શરીરથી, ચાર પાપ જીભથી અને ત્રણ પાપ મનથી થાય છે.

આપણાં ઘણાં ખરાં દુ:ખો આ દસ પાપોથી થતાં કર્મો અને વિચારોનો પરિપાક છે. અને તેથી આપણે જાણવું જોઈએ કે તે શું છે અને તેનાથી મુક્ત કેમ થવાય? ભગવાન બુદ્ધ પાપો ક્યાં છે, તે કહે છે અને તે દૂર કરવા માટે દસ આજ્ઞાઓ પણ આપે છે.

“શરીરથી થતાં ત્રણ પાપો, તે હિંસા, ચોરી અને વ્યભિચાર છે. જીભથી થતાં ચાર પાપો, તે અસત્ય, ચાડીચુગલી, ગાળ અને નિરર્થક વાતો છે. મનથી થતાં ત્રણ પાપો તે લોભ, તિરસ્કાર અને અપરાધ (error) છે,”આપણે કેવી રીતે આ દસ પાપોમાંથી મુક્ત થઈ આપણાં ભવિષ્યનાં દુ:ખોને ઊભા થવા ન દઈએ?

આ માટે ભગવાન બુદ્ધે બહુજ સ્પષ્ટ સૂચનાઓઆપી છેઅને તે નકારાત્મક અને હકારાત્મક બંને છે.

શરીરના પાપો માટે:

(૧) કોઈની હિંસા ન કરો અને જીવન માટેસહાનુભૂતિ રાખો.

(૨) ચોરી કરો નહિ, લૂંટો નહિ, દરેકને તેની મહેનતનાં ફળ લેવામાં મદદરૂપ થાઓ.

(૩) અપવિત્રતાથી દૂર રહો અને સંયમી જીવનજીવો.(chastity)

આ સૂચનો ટૂંકાં છેઅને બહુજ ઓછા શબ્દોમાં કહેલાં છે છતાં તેનામાં આપણને દુ:ખની તીવ્રતામાંથી મુક્ત કરવાની તાકાત છે.

“હિંસા”એ શબ્દમાં બધાજ પ્રકારની હિંસાનો સમાવેશ થાય છે. વિચાર, વાણી અને વર્તનમાં જે હિંસાવાળો હોય છે, તે વહેલો મોડો પોતાની જાત ઉપર એવી જ હિંસાને આમંત્રે છે, જે દુ:ખ જ લાવે છે.

બીજી બાજુ જે ફક્ત હિંસાથી દૂર જ છે, એટલું જ નહિ, પણ પ્રાણીમાત્ર પ્રત્યે પવિત્ર આદર (Reverence)ની દૃષ્ટિથી જોવાનો સ્વભાવ કેળવે છે, તો સરવાળે તેનાં દુ:ખો દૂર થાય છે.

ચોરી અને લૂંટ એ પ્રપંચી જીવનનો પાયો છે અને આ પાયો દુ:ખ સિવાય બીજું શું લાવે? કોઈનું પોતાનું હૃદય સુકાઈ ગયું હોય તો પણ સરકારના કાયદા અને વ્યવસ્થા જાળવવા માટેના નિયમો વ્યક્તિઓને દુ:ખ આપશે જ. લૂંટ કરવાથી તો સમાજને કેટલું દુ:ખ થાય છે ? દા.ત. તેની મહેનતનું ફળ જે તેને મળવું જોઈતું હતું તે તો લૂંટી લીધું અને પરિણામે યોગ્ય વખતે એક અગર બીજી જાતનો બળવો થવો નકારી શકાય નહિ. ઇતિહાસ એવું જ સૂચવે છે કે તેવે વખતે તો દરેકને સહન કરવું પડે છે અને તેથી દરેક ધર્માચાર્ય ચેતવે છે કે જે કોઈ બીજાની મહેનતના ફળને લૂંટી લેશે તે ચોક્કસ પોતાના ઉપર દુ:ખ નોતરે છે.

આપણા જીવનના એક નાના પ્રદેશ (Sphere)માં પણ ખરેખર જો આપણે જેના હક્કનું હોય તેને આપવાનું રાખતા હોઈએ તો આપણા સામાન્ય કે ગંભીર દુ:ખો બહુ જ ઓછાં થઈ જાય છે અને તેટલા આપણે મુક્ત થઈએ છીએ. આપણા અંગત સંબંધો, જ આપણા સુખના સાધનો છે તે જરૂર સુધરે છે. અને આપણને આજ્ઞા આપવામાં આવે છે કે, અપવિત્રતાથી દૂર રહેવુ, એટલું જ નહિ, પણ પવિત્ર અને સંયમીજીવન ગાળવું.

અહીં ભગવાન બુદ્ધે “અપવિત્રતા” શબ્દ વાપર્યો છે. તે બધી જાતની અનીતિઓ માટે છે, અત્યારના જમાનામાં એક નવી જાતનો નીતિનિયમ (Ethic) નીકળ્યો છે જે બધા જ નીતિનિયમોને બાજુ ઉપર મૂકીને વર્તવાની વાત કરે છે અને તેના સમર્થનમાં અનેક દલીલો કરે છે. આપણે આવા પ્રયોગો સેંકડો વરસોથી કરતા આવ્યા છીએ અને આપણે અનુભવ્યું છે કે અનીતિમય જીવન હશે તો દુ:ખો ઓછાં થવાનાં નથી.

અપવિત્ર અને અનીતિમય જીવન જીવનાર પોતાના ઉપર અનેક આપત્તિઓને વહોરી લે છે. જયાં સુધી તેઓ પોતાની અનીતિમય ટેવો છોડે નહિ ત્યાં સુધી તેમનાં દુ:ખો દૂર કરવામાં કોઈ મદદ કરી શકે નહિ. અને તેથી જે પોતાનાં દુ:ખો ઓછાં કરવા ઇચ્છતા હોય તેનો ઉપાય તેમના પોતાના જ હાથમાં છે.

ખરી રીતે તો પુરુષ અગર સ્ત્રી જે મન, વચન અને કાયાથી પવિત્ર છે તેના અંતરમાં દુ:ખો સામે લડવાની ખાસ શક્તિ ઉત્પન્ન થાય છે. અંત:કરણનો પવિત્ર માણસ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. એવા માણસને કોઈ પણ દુ:ખ શું કરી શકે?

જીભથી થતાં ચાર પાપ:

આ ચાર પાપ દૂર કરવા ભગવાન બુદ્ધ કહે છે:

(૧) અસત્ય ન બોલો, સત્ય વક્તા બનો, વિચારપૂર્વક (Discretion) ભયરહિત અને પ્રેમાળ હૃદયથી સત્ય બોલો.

(૨) નિંદા કરશો નહિ, અને નિંદા સાંભળશો નહિ. કોઈની પણ ઊજળી બાજુ જુઓ કે જેથી તેમના દુશ્મનો સામે તેમનો બચાવ કરી શકો.

(૩) સોગન ખાશો નહિ, તેમ છતાં સ્પષ્ટ અને મોભાસર બોલો.

(૪) ગપ્પાં મારવામાં વખત ગુમાવશો નહિ; જરૂરપૂરતું બોલો અગર મૌન રાખો.

આપણી દુનિયા એવી મઝાની છે કે, સત્ય બોલતાં પણ સહન કરવું પડે, પણ જો આપણે આપણા જીવનનું ચણતર સત્ય ઉપર શરૂ કરીએ, તો આપણે અંતરમાં આપણાં દુ:ખો કરતાં વધારે મજબૂત બનીએ.

અલબત્ત, દુ:ખ દૂર કરવા માટે સત્યની સાધના કરવાની નથી. પરંતુ સત્યને ખાતર સત્ય આચરવાનું છેઅને અંતર મનને મજબૂત બનાવવા માટે આચરવાનું છે. તદુપરાંત અસત્ય અને પ્રપંચ ઉપર જે જીવનનો પાયો રચાયો હશે, ત્યાં અનેક જાતનાં દુ:ખ ઊભાં થશે જ. ખુલ્લા પડી જવું, કલંક અને સજા એ તેઓના નસીબમાં લખાયેલાં છે.

વળી જો તમે બીજાની નિંદા કરશો તો સામેવાળા વધારે વેરવૃત્તિ રાખીને તમારી સામે તેવું જ કરશે. અને તે દુ:ખ જ ઊભું કરશે. તેથી નિંદા તો છોડી જ દો. આપણામાંના ઘણાખરાની જીભ બીજાઓના દોષ રજૂ કરવાનું વધારે પસંદ કરે છે. આમ, જો આપણે આપણી જીભને બે લગામ છૂટી મૂકીએ તો બીજાઓની લાગણી જરૂર દુખાશે અને તેના જવાબરૂપે આપણે દુ:ખ નોતરીશું.

ભગવાન બુદ્ધ આપણને “કોઈના દોષ ન જોવા” એટલું જ કહેતા નથી. તેઓ વધારામાં કહે છે કે કોઈના પણ ગુણની કદર કરો કે જેથી જ્યારે પણ તેઓ મુશ્કેલીમાં હોય ત્યારે મદદરૂપ થવાય. જો આપણે આ વૃત્તિને કેળવીએ તો આપણે આપણાં દુ:ખ દૂર કરવાનો સરસ રસ્તો મેળવી શકીએ.

ત્રીજું, બુદ્ધે સોગન નહિ ખાવા, એટલું જ કહ્યું નથી. એમણે એ પણ કહ્યું છે કે સ્પષ્ટ અને મોભાસર બોલો (Decent + with Dignity). કારણ વાણી એ માણસ જાતને પરમાત્મા તરફથી મળેલ શક્તિશાળી સાધન છે અને તે સાવચેતી અને સાવધાનીપૂર્વક વાપરવું જોઈએ. થોડાક શબ્દોથી પણ તમે કોઈનામાં દિવ્ય વિચાર ઉત્પન્ન કરી શકો છો અગર કોઈનામાં ક્રોધની જવાળા ઉત્પન્ન કરો છો, અગર કોઈનું હૃદય કમજોર બનાવો છો.

જલદ વાણી બોલનારની સામે જ પાછી આવે છે. એક જ ખોટા શબ્દથી જગતમાં કેટલીય અંગત આપત્તિઓ નિર્માણ થઈ છે! કેટલાયની આશાઓના ચૂરા થઈ ગયા છે, અને કેટલાયનાં ઘર ભાંગી ગયાં છે. આવામાં સંડોવાયેલ કેટલીય વ્યક્તિઓને જીવનભરની આફત ઊભી થઈ છે. આવું કાંઈ દુ:ખ વેઠવું ન હોય તો ભગવાન બુદ્ધે કહ્યું તે રસ્તો અપનાવવો જોઈએ.

હિંદુ ચિંતકોએ કહ્યું છે: એવી વાણી બોલો જે સત્ય હોય, પ્રિય હોય અને હિતકારક હોય.

છેવટે ભગવાન બુદ્ધ નિંદા માટે કહે છે: જેને નિંદાની ટેવ જ પડી છે, તે પોતે બુદ્ધિવાળો છે એમ દેખાવા માટે જુઠાણું, રમૂજી વાતો અને કોઈના ઉપર ગંદા આરોપ ઉપજાવી કાઢશે. પરંતુ આવાં કારણો વગરના ગપાટા તો તેમને પોતાને જ માટે ઘર્ષણ અને ગેરસમજ ઊભી કરે છે અને સરવાળે દુ:ખનું કારણ બને છે.

એવી કહેવત છે કે,“મૂંગા માણસને કોઈ દુશ્મન નથી.”પરંતુ જેનો વાણી ઉપર સંયમ છે તે કારણ સિવાય બોલતો નથી અગર મૌન રાખે છે તેને પણ કોઈ દુશ્મન ન હોવો જોઈએ. મૌન એ સોનેરી રસ્તો છે અને મૌન વખતે આપણે ઊંચા વિચાર કરી શકીએ છીએ અને સ્વસુધારણા માટે કામ કરી શકીએ છીએ.

મનથી થતાં ત્રણ પાપો:

આ દૂર કરવા માટે ભગવાન બુદ્ધ કહે છે:

(૧) લોભ ન કરશો, ઈર્ષા ન કરશો પરંતુ બીજાનાસુખે સુખી થાઓ.

(૨) અદેખાઈ અને ઘૃણા કાઢી નાખી તમારું હૃદય ચોખ્ખું કરો. તમારા દુશ્મન પ્રત્યે પણ ઘૃણા અને અદેખાઈ ન કરો. પ્રાણીમાત્ર તરફ મમતા અને પ્રેમ રાખો.

(૩) અજ્ઞાનને દૂર કરો અને સત્ય જાણવાની જિજ્ઞાસા રાખો, ખાસ કરીને જયારે એની જરૂર હોય. નહિ તો તમે કાં તો નાસ્તિક-સંશયવાદી બની જશો અગર ગંભીર ભૂલ કરશો.

સંશયવાદ તમોને બેપરવા બનાવશે અને ભૂલ ઊંધે રસ્તે દોરી જશે અને તેથી તમે અનંતની યાત્રાનો ઉમદા માર્ગ શોધી શકશો નહિ.

જ્યારે આપણે લોભ કરીએ છીએ ત્યારે આપણે પોતાને માટે બીનજરૂરી દુ:ખ ઊભું કરીએ છીએ. કારણ આપણે આપણી ઇચ્છા મુજબનું કદી મેળવી શકવાના નથી, ભોગવી શકવાના નથી. ઈર્ષાથી તો આપણી માનસિક શક્તિઓ કારણ સિવાય વેડફાઈ જશે. તે આપણને નિર્બળ બનાવશે એટલું જ નહિ પરંતુ માનસિક બિમારી ઊભી કરશે, અને આ નબળાઈ તે બધાં જ દુ:ખોનું મૂળ છે.

પરંતુ જ્યારે આપણે બીજાનાં સુખે આનંદ અનુભવતા હોઈશું ત્યારે તેની અસર આપણા મન ઉપર થશે અને તે આપણી માનસિક તંદુરસ્તી માટે ખાસ જરૂરી છે. તંદુરસ્ત અને સુખી મન એ જિંદગીનાં બધાં દુ:ખોની શક્તિશાળી દવા છે.

આપણી સંવેદનશીલતાને હણનાર ઘૃણા સિવાય બીજું કોઈ નથી. ધિક્કારનાર જેના તરફ ધિક્કાર થયો છે તેના કરતાં વધારે દુ:ખી થાય છે. અને તો પણ કેટલીક વખત હેતુપૂર્વક વ્યક્તિઓ વચ્ચે, જાતિઓ વચ્ચે, વર્ગો વચ્ચે અને જુદાજુદા દેશો વચ્ચે કેટલો બધો તિરસ્કાર કેળવવામાં આવે છે?

જગતના મોટા ભાગનાં દુ:ખો તેમ જ વ્યક્તિગત દુ:ખો ઘૃણાથી ઉત્પન્ન થાય છે. તો આજથી જ કોઈની તરફ કોઈ પણ કારણની ઘૃણા બંધ કરો અને તમને માલૂમ પડશે કે એક પ્રકારનું દુ:ખ તમારા માટે ઓછું થયું છે.

છેલ્લે અજ્ઞાન અને ભૂલો છે. આધુનિક માણસ પોતાના વિજ્ઞાનવાદની બડાઈ મારે છે, સુખભોગને જીવનમાં પ્રમાણે છે અને કોઈ પણ ધર્મમાં – માનવામાં તેની બુદ્ધિને હીણપદ લાગે છે. કોઈ પણ ધર્મ અને તેના ઉમદા ઉપદેશમાં તેની શ્રદ્ધા નથી (no moorings)અને બુદ્ધિમાં ઉતરે તેનું જ મૂલ્ય આંકે છે. સરવાળે અસંયમી થાય છે અને તે શંકાશીલ, અવગુણગ્રાહી અને અનૈતિક વૃત્તિઓની ભેળસેળમાં લપસી પડે છે. જીવનના ઊંચા માર્ગો માટે તેને ઇચ્છા નથી. ભૂલ અને મોહથી તે ઊંધા માર્ગે વળી જાય છે અને એક અગર બીજા લપસણા માર્ગ ઉપર જઈ છેવટે પતનની ઊંડી ખાઈમાં પડે છે અને પછી બધાં જ દુ:ખ દેખા દે છે.

તેથી ભગવાન બુદ્ધે કહ્યું કે આપણા મનને ભૂલો અને અજ્ઞાનથી ચોખ્ખા કરો, સત્ય શીખો અને ઉમદા માર્ગે વિચરો. જેઓ ખરા દિલથી પેાતાનાં દુ:ખો ઓછાં કરવા ઇચ્છતા હોય તેઓ સર્વને ભગવાન બુદ્ધની દસ આજ્ઞાઓનું આચરણ કરવાનું આમંત્રણ છે અને તેઓ તેના આચરણથી મળતાં ફાયદાકારક પરિણામો જોઈ શકશે.

આપણાં દુ:ખોને દૂર કરવાની અગર ઓછા કરવાની એક બીજી રીત ન તપાસીએ તો આ વિષયનેપૂરો ન્યાય આપ્યો ગણાય નહિ અને આ રીત રહસ્યવાદીઓની છે. તે છે સમર્પણ ભાવ અને પરમાત્માની ઇચ્છાને તાબે થવું.

આ રસ્તો ય અઘરો છે. કારણ તેમાં પ્રભુમાં અડગ શ્રદ્ધા અને તેનો જ આધાર સ્વીકારવાનો છે. કોઈ બહાદૂર ભક્તો જ તેનું આચરણ કરી શકે છે. આપણામાંના ઘણાને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા નથી. પરંતુ કદાચ કેટલાક એવા પણ હશે જે આ માટે તૈયાર હોય.

ગમે તેમ પણ આપણે બધાને માટે જીવનમાં આ રીત કેવી રીતે અજમાવવી એ જાણવાથી પ્રેરણા મળશે. એક ખ્રિસ્તી રહસ્યવાદી શ્રી લૉરૅન્સે એક દુ:ખી ખ્રિસ્તી સાધ્વી (nun) બાઈને લખેલા પત્રમાં બહુજ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. અહીં તેમણે લખેલા અગિયારમા પત્રનો સારાંશ તેમના પુસ્તક“ઈશ્વરના સાંનિધ્યનો સાક્ષાત્કાર” (The Practice of the Presence of God) માંથી ઉતાર્યો છે.

“તમે તમારા દુ:ખમાંથી મુક્ત થાઓ તે માટે હું પ્રાર્થના કરતો નથી. પરંતુ હું પરમાત્માને પ્રાર્થના કરું કે તેની ઇચ્છા મુજબ તે ભોગવવાનું બળ અને ધીરજ આપે. તમને ક્રૉસ સાથે જડી રાખે તો પણ તેના સાંનિધ્યમાં આનંદ માનેા. જયારે તેની ઇચ્છા થશે ત્યારે તમને છૂટા કરશે. પરમાત્માના સાથમાં રહીને દુ:ખ ભોગવનારા ભાગ્યશાળી છે. એ રીતે સહન કરવા ટેવાઈ જાઓ અને પ્રભુની ઇચ્છા મુજબ જેટલું અને જેટલા વખત દુ:ખ આપે તે સહન કરવાની તાકાતની જ માગણી કરો. દુનિયાના માણસો આ સત્ય બરાબર સમજતા નથી અને તેમાં આશ્ચર્ય પામવાની જરૂર નથી, કારણ કે તેઓ જેવા છે તેવા જ રહીને સહન કરે છે, ખ્રિસ્તી તરીકે નહિ. માંદગીને તેઓ કુદરતી દુ:ખ માને છે પણ પરમેશ્વરની કૃપા માનતા નથી. આવી દૃષ્ટિ હોવાથી તેમને માટે દિલગીરી અને દુ:ખ સિવાય બીજું શું હોય? પરંતુ જેઓ માંદગીને પ્રભુની દયાથી આવેલી પ્રસાદીરૂપ માને છે અને પ્રભુએ આપણી મુક્તિ માટે વાપરેલું સાધન છે એમ માને છે તેઓજ માંદગીમાં મધુરતા અને દિલાસો મેળવી શકે છે. હું ઇચ્છું છું કે તમે ખાતરી રાખો કે જયારે તમે તંદુરસ્ત હશો તે કરતાંતમો માંદગીમાં હશો ત્યારે પ્રભુ તમારી વધારે નજીક છે.કોઈ બીજા વૈદ્યના આધારે ન રહેતા અને હું માનું છું કે તેણે (પ્રભુએ) તમને સાજા કરવાનું કામ પોતાની પાસે રાખ્યું છે. એટલે તેનામાં જ સંપૂર્ણ વિશ્વાસ રાખો અને તમને થોડા જ વખતમાં તેની અસર તમારા સાજા થવા રૂપે જણાશે કે તમે પ્રભુમાં વિશ્વાસ નહિ મૂકતાં વૈદકમાં વિશ્વાસ મૂકીને રડી રહ્યા હતા.

તમે જે કંઈ દવા વાપરશો તે તેની ઇચ્છા હશે તો જ અસરકારક થશે. દુ:ખો જો પરમેશ્વર તરફથી આવે છે તો તેનું નિવારણ પણ તે જ કરશે. ઘણે ભાગે શારીરિક રોગો તે મોકલે છે તે આત્માના રોગના નિવારણ અર્થે છે. આત્માના અને શરીરના એ મહાન વૈદ્ય સાથે આનંદ મેળવો.

પ્રભુ તમને જે સ્થિતિમાં મૂકે, તેમાં સંતોષ માનો; મને તમે ગમે તેટલો સુખી માનતા હો પણ મને તમારી અદેખાઈ આવે છે. જો મારે પરમાત્મા સાથે રહીને સહન કરવાનું હશે, તો દુ:ખ મારે મન સ્વર્ગ છે અને તેની હાજરી સિવાય ગમે તેટલાં સુખો મારે માટે નર્ક હશે. મારો દિલાસો તમને એટલો જ છે કે તેને માટે કંઈ સહન કરો.”

જિંદગીનાં દુ:ખોની સામે ઊભા રહેવાનો અને તેની પાર જવાના આ રહસ્યવાદી રસ્તાનો અર્થ શ્રીમાતાજી (શ્રીશારદાદેવી)એ નીચે મુજબ આપ્યો છે.

“દરેક જણ દિલગીરીપૂર્વક કહે છે કે“જગતમાં બહુ જ દુ:ખ છે, પ્રભુને અમે બહુજ પ્રાર્થના કરી પણ હજી દુ:ખનો અંત દેખાતો નથી.”“પરંતુ દુ:ખ એ પ્રભુની બક્ષિસ છે અને તેની કરુણાનું પ્રતીક છે. શું એવું નથી?”

આ રીતે આપણાં દુ:ખો દૂર કરવાના અને તંદુરસ્ત બનવાના અસંખ્ય રસ્તા છે. આપણી પાસે તે રસ્તા શોધી કાઢવાનું ડહાપણ, ઉત્સાહ, બળ અને દૃઢતા જોઈએ, અને તે આપણને માફક આવે એવી રીતે વાપરતાં આવડવું જોઈએ કે જેથી ધર્મશાસ્ત્રોમાં બતાવ્યા મુજબ આશિષ, શાંતિ અને સ્વતંત્રતા આપણે માટે શાસ્ત્રવચન જ નહિ, પણ અનુભવની હકીકત હશે.

ભાષાંતર: શ્રી ગણપતરામ હ. વ્યાસ

(‘પ્રબુદ્ધ ભારત’, નવેમ્બર અને ડિસેમ્બર ૧૯૭૬માંથી સાભાર)

Total Views: 81
By Published On: September 5, 2022Categories: Budhananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram