‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. હવે મને ખાતરી થઈ ગઈ છે કે ભારતવાસીઓ માટે, ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે કાર્ય કરવા માટે જે જરૂર છે તે પુરુષની નહીં, પણ સ્ત્રીની : સાચી સિંહણની.’

ભારત હજુ મહાન સ્ત્રીઓને ઉત્પન્ન નહીં કરી શકે. તેણે બીજી પ્રજામાંથી સ્ત્રી – કાર્યકરોને ઉછીની લેવી પડશે. તમારી કેળવણી, તમારી અંતરની સચ્ચાઈ, પવિત્રતા, અથાગ પ્રેમ, નિશ્ચય, અને સૌથી વિશેષ તો તમારું સેલ્ટ જાતિનું ખમીર જે જાતની સ્ત્રી- કાર્યકર્તાની જરૂર છે, તેવા તમને બનાવે છે.’

સ્વામી વિવેકાનંદ જ્યારે લંડનમાં હતા, ત્યારે મિસ માર્ગરેટ નોબલ કે જેઓ ભારતમાં આવીને સ્વામીજીના શિષ્યા ભગિની નિવેદિતા તરીકે ઓળખાયાં, તેમને તેમણે આ શબ્દો કહ્યા હતા. ભારતની સ્ત્રીઓની દુર્દશા, સ્વામીજીએ સમગ્ર ભારતનું પરિવ્રાજક વેષે પરિભ્રમણ કર્યું ત્યારે નજરે નિહાળી હતી. અજ્ઞાન, અંધકાર, વહેમ, અંધશ્રદ્ધા, રીતરિવાજો, માન્યતાઓ રૂઢિગત સંસ્કારોને પરિણામે સ્ત્રી ગુલામ જેવું જીવન જીવી રહી હતી. બાળલગ્નો, દહેજ પ્રથા, ઘૂંઘટ પ્રથા, સતી પ્રથા અને વિધવા હોવું એ ઘોર અપરાધ છે તેવી ભાવનાને પરિણામે સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોની વચ્ચે ગૂંગળાઈ રહી હતી. એમનો નહોતો સ્વતંત્ર અવાજ કે નહોતી સ્વતંત્ર ઇચ્છા. સ્ત્રીઓની આવી દીન – હીન ને ગુલામ જેવી સ્થિતિ જોઈને સ્વામીજીનો આત્મા આક્રંદ કરી ઊઠ્યો હતો. એમને થયું કે આ દેશની દરિદ્રતા, દુર્બળતા અને પડતીનું એક મુખ્ય કારણ નારીશક્તિની દુદર્શા છે. આ સંદર્ભમાં તેઓ કહે છે; ‘વેદ – ઉપનિષદમાં બ્રહ્મચર્ચામાં પોતાની વિદ્વતા દર્શાવીને સ્ત્રીઓએ ઋષિપદ પ્રાપ્ત કર્યું છે. ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરે જ છે. બધી પ્રજાઓએ સ્ત્રીઓ પ્રત્યે યોગ્ય સન્માનની ભાવના રાખીને જ મહત્તા મેળવી છે. જે દેશ અને જે પ્રજાએ સ્ત્રીઓનું સન્માન જાળવ્યું નથી. તે કદી મહાન થઈ નથી કે થવાની નથી. હિંદુજાતિના અધ:પતનનું કારણ મહાશક્તિની આ જીવંત પ્રતિમાઓ પ્રત્યે માનની લાગણી નથી એ છે.’

ભારતની નારીની જાગૃતિ માટે સ્વામીજી અત્યંત ચિંતિત હતા. શિષ્ય સાથેના વાર્તાલાપમાં તેમણે કહ્યું હતું, ‘સ્ત્રીઓનાં ઘણા અને ગંભીર પ્રશ્નો છે. પણ એમાં એવા કોઈ પ્રશ્નો નથી કે જે પેલા જાદુઈ શબ્દ ‘શિક્ષણ’ દ્વારા ઉકેલી ન શકાય. પરંતુ સાચા શિક્ષણનો હજી આપણને ખ્યાલ નથી આવ્યો.’ પછી સાચા શિક્ષણની પરિભાષા આપતાં તેમણે જણાવ્યું કે ‘સાચું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહીં. પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઇચ્છાશક્તિનો ઉપયોગ કરવાની તાલીમ. આ માર્ગે આપણે ભારતની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે મહાન નિર્ભય નારીઓ – સંઘમિત્રા, લીલા, અહલ્યાબાઈ, મીરાંબાઈ વગેરેની પરંપરા ચાલુ રાખે એવી, પવિત્ર અને નિ:સ્વાર્થ ઈશ્વરના ચરણ – સ્પર્શથી મળતા બળથી બળવાન બનેલી વીરપુરુષોની જનની થઈ શકે તેવી નારીઓ તૈયાર કરીશું.’

શિક્ષણ દ્વારા જ આવી મહાન નારીઓ ભારતમાં પુન: જાગૃત થશે, એ વાત પર સ્વામીજીએ ખૂબ ભાર મૂક્યો હતો, એટલું જ નહીં પરંતુ એ દિશામાં ભગિની નિવેદિતા દ્વારા તેમણે કોલકાતામાં પ્રથમ બાલિકા વિદ્યાલયની સ્થાપના કરાવી શ્રીમા શારદાદેવીના વરદ હસ્તે એ શાળાનું ઉદ્‌ઘાટન કરાવ્યું અને આમ નારી જાગરણની દિશામાં પ્રથમ પગલું ભરાયું. આ શાળાને શ્રીમા શારદાદેવીના આશીર્વાદ મળ્યા. શ્રીમાએ ઉદ્‌ઘાટન કરતાં જણાવ્યું કે ‘આ શાળા પર મા કાલીના આશીર્વાદ ઊતરો અને એ છોકરીઓને આદર્શ છોકરીઓને તાલીમ આપો.’ શ્રીમાના આશીર્વાદથી આ શાળામાં એક સૈકાથી અધ્યયન કરનાર બાલિકાઓ આદર્શ બાલિકાઓ બની સમાજમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહી છે. આજે આ શાળાને પોતાનું ત્રણ માળનું વિશાળ ભવન છે. સિસ્ટર નિવેદિતા વિદ્યાલય તરીકે કોલકાતામાં સુપ્રસિદ્ધ છે. આ શાળાને આદર્શરૂપ માનીને, એમાંથી પ્રેરણા લઈને અનેક કન્યાશાળાઓ પણ સમય જતાં સ્થપાઈ. આમ ભારતની સ્વતંત્રતા પહેલાં જ નારી જાગરણનું કાર્ય સ્વામી વિવેકાનંદે ૧૮૯૮માં જ શરૂ કરી દીધું હતું.

બીજું કાર્ય, સ્વામીજીએ પોતાના તેજોમય કિરણો જેવા વિચારો દ્વારા નારીની અવદશા અને અવહેલનાના પરદાને ચીરવાનું કાર્ય કર્યું. તેમની અગ્નિમય વાણીથી કહેવાતા સમાજસુધારકો પણ હચમચી જતા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ‘જો તમે તમારા નારીવર્ગની સ્થિતિ સુધારી શકો તો તમારા કંઈકે કલ્યાણની આશા છે, નહીંતર તમે જેવા છો તેવા જ પછાત રહેવાના.’ સમાજ તો જ ઉન્નત બની શકશે કે જો સમાજમાં નારીનું સ્થાન અને સન્માન જળવાતાં હોય. યુરોપ અને અમેરિકાના પ્રવાસમાં સ્વામીજીએ ત્યાંની નારીઓની મુક્તવિચારધારા, બુદ્ધિમત્તા અને કેળવણીને જોયાં. અને ભારતના સામાન્ય કુટુંબમાં મૂંગેમોઢે સવારથી રાત્રિ સુધી કામ કરતી, દુ:ખો, પીડા ને યાતનાને ચૂપચાપ સહેતી ભારતીય નારીનું ચિત્ર એમની સામે આવ્યું. ત્યારે જ તેમણે નારી ઉદ્ધારની યોજના અમલમાં મૂકવાનો સંકલ્પ કર્યો. એમણે હિંદમાં આવીને એક પ્રવચનમાં કહ્યું હતું, ‘લોકાચારના ભારથી આ દેશની સ્ત્રીઓ સાવ નિર્જીવ અને જડ થઈને કઈ કક્ષાએ પહોંચી છે, તે તમને ત્યારે જ સમજાય કે જ્યારે તમે પશ્ચિમના દેશોનો પ્રવાસ કરો.’ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓને ભોગ્ય પદાર્થ તરીકે જ માનવામાં આવતી જોઈને સ્વામીજી અગ્નિમય બાણો જેવા શબ્દો દ્વારા લોકોને સત્ય પ્રત્યે જાગૃત કરવા કહેતા, ‘માત્ર સુશિક્ષિત અને ધાર્મિક માતાઓના ઘરમાં જ મહાન પુરુષો જન્મે છે. પરંતુ તમે તો નારીઓને સંતાનોત્પત્તિના યંત્રોની કક્ષાએ પહોંચાડી દીધી છે. અફસોસ! શું તમારા શિક્ષણનું આ પરિણામ છે? નારીની ઉત્ક્રાંતિ પહેલી થવી જોઈએ અને ત્યારે જ ભારતનું કોઈપણ સાચા અર્થમાં ભલું થઈ શકશે.’ બીજા એક પ્રવચનમાં પણ નારીજાગૃતિ વગર દેશનો ઉદ્ધાર નથી એ બાબત પર મહત્ત્વ આપતાં તેમણે કહ્યું હતું, ‘આ દેશમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે આટલો બધો ભેદ શા માટે પાડવામાં આવે છે? એ સમજવું ઘણું જ મુશ્કેલ છે. વેદાંત તો એમ જ કહે છે કે પ્રાણીમાત્રમાં એક જ આત્મા રહેલો છે. તમે હંમેશાં સ્ત્રીની ટીકા કરો છો, પણ તેની ઉન્નતિ માટે તમે શું કર્યું? સ્મૃતિઓ વગેરે લખીને કડક નિયમોના બંધનોમાં નાખીને પુરુષોએ સ્ત્રીઓને માત્ર પ્રજોત્પત્તિના યંત્ર જેવી બનાવી દીધી છે. જગન્માતાની પ્રતિમૂર્તિ જેવી સ્ત્રીઓની જો તમે ઉન્નતિ નહિ કરો તો તમે એમ માનતા નહિ કે તમારા ઉદ્ધારનો બીજો કોઈ રસ્તો છે!’

સ્વામીજી આ પુરુષપ્રધાન સમાજમાં પુરુષનું અહંકારયુક્ત સ્વામીત્વ અને સ્ત્રીઓનું ઉપભોગ્ય પદાર્થ તરીકેનું દાસત્વએ નારીની દુદર્શાના મૂળમાં રહેલાં છે, એ જોઈ શક્યા હતા. અને એટલે જ આ માન્યતા પર તેમણે પ્રચંડ પ્રહારો કરી હિંદુ સમાજમાં નારીનું સ્થાન મહત્ત્વનું બની રહે એ માટે સક્રિય પ્રયત્નો પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ‘સ્ત્રીઓને પ્રથમ શિક્ષણ આપો, પછી તેમને તેમના પર છોડી દો. એટલે તેમને કયા સુધારાઓ આવશ્યક છે, તે તેઓ જ કહેશે. તેમને લગતી બાબતોમાં માથું મારનાર તમે કોણ?’ તેઓ માનતા હતા કે સુશિક્ષિત સ્ત્રીઓ જ પોતાની સમસ્યાઓ સાચી રીતે સમજી શકે છે અને તેનો સાચી રીતે ઉકેલ લાવી શકે છે. નહિતર બહારથી ગમે તેટલા કાયદાઓ ઘડવામાં આવે, એ માત્ર કાગળ ઉપર જ રહેવાના. તેમણે કહ્યું હતું: ‘સ્ત્રીઓના પ્રશ્નોમાં હસ્તક્ષેપ કરવાનો આપણો અધિકાર કેવળ શિક્ષણ આપવા પૂરતો જ છે. સ્ત્રીઓને એવી સ્થિતિમાં મૂકવી જોઈએ કે તેઓ સમસ્યાનો પોતાની મેળે જ ઉકેલ લાવી શકે. એમના માટે બીજું કોઈ તેમ કરી શકે નહિ, તેમ કરવું જોઈએ પણ નહિ. ભારતીય સ્ત્રીઓ દુનિયાની બીજી સ્ત્રીઓ જેટલી જ પોતાના પ્રશ્નોના ઉકેલ લાવવા સમર્થ છે.’

સ્ત્રીઓને કેવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ એ અંગે પણ સ્વામીજીએ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે. સ્ત્રીશિક્ષણમાં પાઠ્યપુસ્તકોના અભ્યાસક્રમ ઉપરાંત ગૃહવિજ્ઞાન, રસોઈ, સીવણ, આરોગ્ય, ધર્મ, નીતિ, કળા વગેરેનો સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત સ્ત્રીઓ પોતાનું આત્મરક્ષણ કરી શકે એ માટેની પણ તેમને તાલીમ આપવી જોઈએ. સ્ત્રીઓને કોણ શિક્ષણ આપી શકે? એ માટે પણ સ્વામીજીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ગમે તે વ્યક્તિ સ્ત્રીશિક્ષણનું કાર્ય કરી શકે નહિ. આ વિશે તેમણે કહ્યું હતું, ‘સુધારકો પોતે બ્રહ્મચર્યનું પાલન કર્યા વગર સ્ત્રીશિક્ષણનો આરંભ કરવા દોડી નીકળ્યા છે, પરિણામે એવી રીતે પોતે ઠોકર ખાધી છે. બધી સારી પ્રવૃત્તિઓના સ્થાપકોએ પોતાની ઇષ્ટપ્રવૃત્તિઓનો આરંભ કરતાં પહેલાં કડક આધ્યાત્મિક તાલીમ દ્વારા જ્ઞાનપ્રાપ્ત કરવું જોઈએ. નહિતર તેમના કાર્યોમાં ખામીઓ રહેવાની જ.’

આ ઉપરાંત સ્વામીજી બ્રહ્મચારિણીઓ અને સંન્યાસીનીઓનો એક મઠ સ્થાપવાનું વિચારતા હતા. નાનપણથી જ બાલિકાઓને આ મઠમાં શિક્ષણ મળે તેવી તેમની યોજના હતી. શિક્ષણ પૂરું કર્યા પછી જો તેઓ ઇચ્છે તો બ્રહ્મચારિણી બની મઠમાં જોડાઈ આજીવન સેવાવ્રતધારિણી બની શકે. એ પછી તેમને વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવામાં આવે. આવી સાધ્વીઓ, તપસ્વીનીઓ ગામડાંમાં જઈને સ્ત્રીશિક્ષણનું કાર્ય હાથ ધરે. આમ થોડા વરસોમાં સ્ત્રીઓ દ્વારા નારીશિક્ષણનું કાર્ય સમગ્ર દેશમાં કરી શકાશે, એમ તેઓ માનતા હતા. ભક્તિમયી, તપસ્વીની સ્ત્રીઓ દ્વારા જ સ્ત્રીઓની જાગૃતિ લાવી શકાશે, એવી તેમની દૃઢ માન્યતા હતી. પરંતુ આ યોજના તેમના અલ્પાયુષી જીવનકાળ દરમિયાન તેઓ અમલમાં મૂકી શક્યા ન હતા. પણ પાછળથી એમની ઇચ્છાનુસાર જ સ્ત્રીઓના સ્વતંત્રમઠ શ્રીશારદામઠની સ્થાપના કરવામાં આવી હતી. સાત સાધ્વીઓથી શરૂ થયેલો આ મઠ સ્ત્રીશિક્ષણ, સ્ત્રી સમસ્યાઓનો ઉકેલ અને નારી વિકાસના અનેક કાર્યો દેશવિદેશમાં કરી રહ્યો છે. આ મઠની ૨૭ જેટલી શાખાઓ ભારતમાં અને વિદેશમાં છે. ગુજરાતમાં પણ વલસાડ ખાતે ૧૯૯૮માં આ મઠની શાખા ખોલવામાં આવી છે. ભક્તિમયી તપસ્વીની સાધ્વીઓ દ્વારા ભારતની સ્ત્રીઓને સાચું શિક્ષણ મળે એ સ્વામીજીની ઇચ્છા વીસમી સદીમાં સાકાર થઈ અને એકવીસમી સદીમાં તો સ્ત્રીઓની આધ્યાત્મિકતા જ દેશને આગળ લઈ જશે, એ સ્વામીજીની ઇચ્છા પણ સાકાર થશે, કેમ કે આધ્યાત્મિક ક્ષેત્રે હવે નારીઓ આગળ આવી રહી છે. શ્રી મા શારદાદેવીના આગમન પછી નારી શક્તિનું પુન: જાગરણ થયું છે. સ્વામી વિવેકાનંદે પણ આ સંદર્ભમાં કહ્યું હતું કે, ‘જે શક્તિ વગર જગતનો પુન: ઉદ્ધાર થઈ શકે તેમ ન હતો, એ મહાશક્તિના પુનરાગમન માટે શ્રી મા શારદાદેવી અવતીર્ણ થયાં છે. અને તેમના અર્ઘ્યને લઈને ફરી એકવાર આ જગતમાં ગાર્ગી અને મૈત્રેયી રૂપે સ્ત્રી રત્નો ઉત્પન્ન થશે.’ સ્વામીજીની આ આર્ષવાણી વીસમી સદીમાં સાચી પડતી જોઈ શકીએ છીએ. આધ્યાત્મિક ક્ષેત્રે પ્રતિભાવંત નારીઓનો ઉદય થયેલો જોવા મળે છે. શ્રી મા આનંદમયી, પોંડિચેરીના શ્રી માતાજી, પાપારામદાસના શિષ્યા શ્રી કૃષ્ણામાઈ, શ્રી કૃષ્ણપ્રેમના ગુરુમા શ્રી યશોદામાઈ, અને વર્તમાનમાં શ્રીમા અમૃતાનંદમયી, શ્રી મા નિર્મલાદેવી, શ્રી ઈંદિરાબેટીજી શારદામઠના અધ્યક્ષા શ્રીમા શ્રદ્ધાપ્રાણા અને અન્ય વરિષ્ઠ સાધ્વીઓ આ બધાંનાં પ્રદાનને લઈને ભારતમાં આધ્યાત્મિક પુન: જાગરણ ઝડપથી થઈ રહ્યું છે.

નારી શિક્ષણ અંગેના સ્વામીજીના વિચારો તેમજ નિવેદિતા દ્વારા એ દિશામાં તેમણે આરંભેલા પ્રયત્નોનો પડઘો સમગ્ર ભારતમાં પડ્યો. એ પછી નારીશિક્ષણ અંગે કન્યાશાળાઓ ઊભી થવા લાગી. વીસમી સદીની શરૂઆતમાં માત્ર ચારથી પાંચ ટકા મહિલાઓ જ અક્ષરજ્ઞાન ધરાવતી હતી. સ્વતંત્રતા મળી ત્યારે ૯ ટકા મહિલાઓ અક્ષરજ્ઞાન ધરાવતી હતી. પરંતુ એ પછી મહિલાઓના શિક્ષણમાં ઉત્તરોત્તર વધારો થતાં આજે મહિલા સાક્ષર દર ૫૪ ટકા છે. જ્યારે પુરુષ સાક્ષારતા દર ૭૬ ટકા છે. હજુ આજે પણ ૧૦૦ માંથી ૪૬ મહિલાઓ નિરક્ષર છે. ખાસ કરીને પછાત વર્ગોમાં અને ગ્રામ્ય ક્ષેત્રે નિરક્ષરતાનું પ્રમાણ આજે પણ વિશેષ જોવા મળે છે. તેથી જ આવી મહિલાઓનું વિશેષ શોષણ થાય છે. આવાં શોષણને રોકવા કાનુનો તો બને છે, પણ શિક્ષણ અને સમજના અભાવે મહિલાઓ કાનુનનો લાભ લઈ શકતી નથી. આથી હજુ આ દિશામાં ઘણાં સક્રિય પ્રયત્નો કરવા જરૂરી છે.

સ્વામીજીના વિચારોનો પ્રભાવ ફક્ત વીસમી સદી પૂરતો જ મર્યાદિત નથી. વળી તે ફક્ત કોઈ એક દેશ પૂરતો કે કોઈ જાતિ કે વર્ગ પૂરતો મર્યાદિત નથી. સ્વામીજી તો હતા એ ચૈતન્યનો ઘનીભૂત આવિર્ભાવ કે જે સમગ્ર માનવજાતિને પોતાની અંદર રહેલી દિવ્યતા પ્રત્યે અભિમુખ કરવા આવ્યા હતા. માર્ગભૂલેલી, બેબાકળી, અહીંતહીં ભટકતી ને ફાફાં મારી રહેલી માનવજાતિને દિવ્યતાનો પંથ બતાવવા આવ્યા હતા. અને તેથી જ એમનો પ્રભાવ કોઈ સ્થળ કે કોઈ સીમિત કાળખંડ પૂરતો મર્યાદિત ન હોઈ શકે, પણ એ શાશ્વત પ્રભાવ છે. જ્યાં સુધી સમગ્ર માનવજાતિ પોતાની અંતર્નિહિત દિવ્યતાને પ્રાપ્ત કરી એ મુજબ જીવન નહિ જીવે ત્યાં સુધી સ્વામીજીનો પ્રભાવ માનવજાત ઉપર અક્ષુણ્ણ રીતે પથરાયેલો રહેશે. શું નારી જાતિ કે શું નરજાતિ – બધાં અમૃતનાં જ સંતાનો છે. અંદરની એ અમરતાને સ્વામીજીએ જગાડી અને એ દિવ્યતાનો પ્રભાવ પ્રત્યેક ક્ષેત્રમાં પડ્યો. નારી જાગૃતિના આંદોલનો થયાં, અનેક નારી મંડળો અસ્તિત્વમાં આવ્યાં. નારીઓની સમસ્યા નારીઓ જ ઉકેલી શકશે, સ્વામીજીની એ ઇચ્છા આવા અસંખ્ય નારીમંડળો દ્વારા સાકાર થવા લાગી. જાગૃત અને શિક્ષિત નારીઓ સમાજમાં અગ્રેસર બનવા લાગી. નારીઓ માટે કોઈપણ ક્ષેત્ર એવું ન રહ્યું કે જે અસ્પૃશ્ય હોય. સાહિત્ય ક્ષેત્રમાં પોતાની કલમ દ્વારા નારીઓ પોતાની અસ્મિતા અને ગૌરવ પ્રગટ કરવા લાગી. આશાપૂર્ણાદેવી, મહાદેવી વર્મા, નયનતારા સહેગલ, અનિતા દેસાઈ, કમલા માર્કન્ડેય, વગેરે લેખિકાઓએ પોતાના સાહિત્ય દ્વારા નારીજગતની સમસ્યાઓને રજૂ કરી નારીનું ગૌરવ આલેખ્યું. વિજ્ઞાન-ટેક્નોલોજી, કલા, સંગીત, રમતગમત, અવકાશયાત્રા, ન્યાય, લશ્કરી સેવા – આવાં દરેક ક્ષેત્રોમાં હવે નારી પોતાનું પ્રદાન આપી રહી છે. અરે, વેઈટ લીફટીંગમાં પણ ભારતીય મહિલા મલ્લેશ્વરી અને કુંજુકુમારીએ એશિયા અને વિશ્વની વેઈટ લીફટીંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે. તો વિશ્વના ઊંચામાં ઊંચા શિખર એવરેસ્ટ પર બચેન્દ્રીપાલ અને સંતોષ યાદવે નારીઓની વિજય પતાકા લહેરાવી છે. અવકાશમાં પણ ભારતીય નારી કલ્પના ચાવલા નારીશક્તિનો મહિમા પ્રસરાવી આવી છે. શિક્ષણ મળતાં જ નારી શક્તિ કેટલી જાગૃત થાય છે, તેનું આર્ષદર્શન સ્વામીજીને હતું અને તેથી જ તેમણે સ્ત્રીકેળવણી ઉપર ભાર મૂક્યો હતો. નિવેદિતાએ તેમના યુરોપના પ્રવાસ દરમિયાન ત્યાંની સ્ત્રી સંસ્થામાં વ્યાખ્યાન આપતાં કહ્યું હતું, ‘જેઓ એમ કહે છે કે ભારતીય નારી અજ્ઞાન અને દબાયેલી છે, તેઓને અમારો જવાબ છે કે ભારતીય નારી દબાયેલી નથી જ… સુખ અને સામાજિક મહત્વ અને ભારતીય નારીનું ઉમદા ચારિત્ર્ય એ રાષ્ટ્રિય જીવનની મોટામાં મોટી મૂડી છે.’ એક પ્રવચનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય નારીને આધુનિક શિક્ષણ આપો અને પછી જુઓ કે તે કેટલી આગળ નીકળી જાય છે! અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં નારીશિક્ષણનો વ્યાપ વધતાં, ભારતીય નારી પાશ્ચાત્ય નારીની બરોબરી કરી શકે તેટલી બુદ્ધિમાન છે, એ ભારતીય નારીએ સાબિત કરી આપ્યું છે. એકવીસમી સદીમાં તો નારી શિક્ષણનો વ્યાપ વિસ્તરતાં, સુશિક્ષિત નારીઓ દ્વારા ભારત પોતાનો આધ્યાત્મિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય વિકાસ સાધી શકશે. જેમ જેમ શિક્ષણ અને સમજણ વધતાં જશે, તેમ તેમ સ્વામી વિવેકાનંદના જીવન, કાર્ય અને તેમના હૃદય સોંસરવા ઊતરી જતા અને અંદરની જડતાને હચમચાવીને અંતર્નિહિત દિવ્યતાને જગાડતા વિચારોને જનસમાજ વધુ ને વધુ સમજવા લાગશે, અને એ રીતે જોતાં વીસમી સદી કરતાં પણ એકવીસમી સદીમાં સ્વામી વિવેકાનંદનો પ્રભાવ સમગ્ર માનવજાતિ પર સવિશેષ પડશે, અને પ્રત્યેક ક્ષેત્ર આધ્યાત્મિક પ્રકાશથી આલોકિત હશે અને એવું મહાન ભારત જગતને દિવ્યતા પ્રત્યે દોરી જશે. અને ત્યારે જ સ્વામી વિવેકાનંદના પૃથ્વી પરના આગમનનો હેતુ સિદ્ધ થશે.

Total Views: 15
By Published On: September 5, 2022Categories: Jyotiben Thanki0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram