“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં વેદાંત સોસાયટી ઓફ સેક્રેમેન્ટો, કેલીફોર્નિયાના અધ્યક્ષ સ્વામી પ્રપન્નાનંદજીએ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

૧૧ સપ્ટેમ્બર થી ૨૭ સપ્ટેમ્બર, ૧૮૯૩ દરમિયાન સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલી સર્વધર્મપરિષદમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. આમ તેમનાં એ છ વ્યાખ્યાનો લગભગ ૧૦૮ વર્ષ પહેલાં અપાયેલાં. તેમાંથી ‘હિંદુધર્મ’ પરનાં પ્રવચન સિવાયનાં બાકીનાં પાંચ તત્કાલ મૌખિક અપાયાં હતાં. આ છ પ્રવચનોમાં વ્યક્ત થયેલા તેમના વિચારોમાંથી વારંવાર અવતરણો લેવામાં આવે છે. તેમના સૌથી પ્રથમ પ્રવચનનો પ્રારંભ ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ જેવા યાદગાર શબ્દોથી થયેલો અને છેલ્લા પ્રવચનના સમાપનમાં તેમણે કહેલું, ‘પ્રત્યેક ધર્મના ધ્વજ પર ભવિષ્યમાં આ શબ્દો અંકિત થશે, ‘સહાય; પરસ્પર વેર નહિ’, ‘સમન્વય; વિનાશ નહિ’, ‘સંવાદિતા અને શાંતિ; કલહ નહિ’.’ તે બંને વાક્યો યાદગાર બની ગયાં છે.

ધર્મપરિષદની છેલ્લી બેઠકમાં તા. ૨૭ સપ્ટેમ્બર, ૧૮૯૩ના તેમણે આપેલ પ્રવચન ધાર્મિક સંવાદિતા બાબતમાં ખૂબ મહત્ત્વનું હતું. આજે પણ તે એટલું જ મહત્ત્વનું છે. તે પહેલાંના પ્રવચનોમાં તેમણે સહિષ્ણુતા અને હિંદુધર્મની વૈશ્વિક સ્તર પર સ્વીકૃતિ અંગે કહેલું. તેમણે કહ્યું, ‘અમે વૈશ્વિક સહિષ્ણુતામાં માનીએ છીએ એટલું જ નહિ, પરંતુ અમે તમામ ધર્મોને સાચા માનીએ છીએ.’ અન્ય ધર્મોએ હાંકી કાઢેલા એવા જરથ્રુસ્તો અને જૂના ખ્રિસ્તીઓને પણ ભારતે કઈ રીતે સ્વીકારી લીધા તે વિશે તેમણે કહ્યું. તેમણે ‘શિવમહિમ્ન સ્તોત્ર’ની આ પ્રસિદ્ધ પંક્તિઓ ટાંકી. ‘હે પ્રભુ, જુદા જુદા સ્રોતોમાંથી ઉદ્‌ભવેલાં વિવિધ ઝરણાં, અંતે તો એક જ સમુદ્રમાં મળે છે, તેવી રીતે પોતાની ભિન્ન ભિન્ન રુચિને કારણે લોકો જે જે માર્ગો લે છે, તેઓ વાંકાચૂંકા કે સરળ દેખાય કે અનેક દેખાય છે, પરંતુ તે બધા અંતે તો તારા પ્રતિ લઈ જાય છે.’

વિશ્વધર્મપરિષદે સાચી દિશામાં આ પ્રયાસ કરવા બદલ અને સાંપ્રદાયિકતા, ધર્માંધતા તથા ધર્મઝનૂન અને એવાં બીજાં વિનાશક બળોનો અંત લાવવા માટે તેમણે તેની પ્રશંસા કરી. ધર્મપરિષદના મંચ પર જ અસંમતિનું દર્શન થયેલું. સ્વામીજીએ તેને ‘કૂવામાંના દેડકા’ની વાત કહી શમાવ્યું. (જેઓએ અસંમતિનો સૂર વ્યક્ત કર્યો હતો) તેમને સંબોધીને અંતિમ સભામાં સ્વામીજીએ ખૂબ વિનમ્રતાથી કહેલું, ‘અહીંની સંવાદિતામાં ક્વચિત વિરોધનો કર્કશ અવાજ સાંભળવા મળ્યો. તેમનો હું ખાસ આભાર માનું છું કેમકે તેમણે, તેમના સ્પષ્ટ વિરોધ દ્વારા, સર્વ સામાન્ય સંવાદિતાને વધુ મધુર બનાવી છે.’

અહીં અપાયેલાં ઘણાં પ્રવચનોમાં ધાર્મિક એકતા માટે એકસમાન ભૂમિકાની વાત થઈ. કેટલાક વક્તાઓએ તો દુનિયાએ પોતાનો જ ધર્મ સ્વીકારી લેવાની વાત કહી. તેમના મતે ધાર્મિક વિસંવાદિતાનો એ જ ઇલાજ હતો. તેમને જવાબ આપતાં સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું, ‘અહીં કોઈ એમ માનતું હોય કે એક જ ધર્મના વિજયથી અને બાકીનાના વિનાશથી દુનિયામાં એકતા આવશે, તેવાને હું કહું છું, ‘ભાઈ, આવી આશા ફળવી અશક્ય છે. શું હું એમ ઇચ્છી શકું કે ખ્રિસ્તીઓએ હિંદુ થઈ જવું? પ્રભુ એવું ન કરે. શું હું એમ ઇચ્છું કે હિંદુ કે બૌદ્ધોએ ખ્રિસ્તી થઈ જવું? પ્રભુ એવું ન કરે… ખ્રિસ્તીએ હિંદુ કે બૌદ્ધ બનવાની જરૂર નથી, તેમજ હિંદુ કે બૌદ્ધોએ ખ્રિસ્તી બનવાની જરૂર નથી. પરંતુ દરેક ધર્મે બીજા ધર્મના હાર્દને પચાવવાની જરૂર છે, અને છતાં પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખી, પોતાના ધર્મના વિકાસના નિયમ અનુસાર વિકસવાનું છે.’

સ્વામીજીએ કહ્યું, ‘ધાર્મિક એકતાની એક સમાન ભૂમિકા વિશે અહીં ઘણું કહેવાયું છે. તેથી હવે હું આ માટેના મારા પોતાના વિચારો વ્યક્ત કરતો નથી.’ આમ કહી સ્વામીજીએ પોતાનો મત હતો તે અભિવ્યક્ત ન કર્યો. ધાર્મિક અસહિષ્ણુતાનો આ રોગ કે જેણે માનવ સભ્યતાને ઘણા લાંબા સમયથી પકડમાં લીધી છે, તે વિશે સ્વામીજીએ પોતાનો ઇલાજ બતાવ્યો નહિ, એ બાબત બહુ સૂચક છે.

સ્વામી વિવેકાનંદ પશ્ચિમની યાત્રાએ બીજીવાર આવ્યા ત્યારે, તેમણે અમેરિકાના પશ્ચિમના પ્રદેશોની મુલાકાત લીધી. આ સમયે તેમણે આપેલાં કેટલાંક પ્રવચનો પરથી જણાય છે કે ધાર્મિક અસહિષ્ણુતાના પ્રશ્નનો પોતાનો ઉકેલ તેમણે વિચારી લીધેલો હતો. વિજ્ઞાનની પ્રગતિ અને તેની ધર્મ પર પડેલ છાપ વિશે તેઓ જાગૃત હતા. તેમણે કહ્યું, ‘આ સદીના પ્રારંભમાં સૌ એવું માનતા હતા કે હવે તો ધર્મનો અંત આવી જશે. વૈજ્ઞાનિક સંશોધનના ભીષણ હથોડાના ઘા વડે જૂના વહેમો કાચના વાસણની પેઠે ભાંગીને ભુક્કો થઈ ગયા છે. જે લોકો ધર્મ એટલે અમુક ક્રિયાકાંડો અને અર્થવિહીન વિધિવિધાનો – એમ માનતા હતા તેઓ હતાશ થયા છે, શું કરવું તે તેમને સમજાતું નથી. બધું જ એમની આંગળીઓ વચ્ચેથી સરકી જઈ રહ્યું છે. કેટલાંક સમય તો એ અનિવાર્ય લાગતું હતું કે નાસ્તિકતા અને ભૌતિકવાદનાં ચડતાં પૂરમાં બધું ડૂબી જશે. કેટલોક તો પોતે જે માનતા હતા તેને વ્યક્ત કરતાં પણ ડરતા હતા. ઘણા એમ માનતા હતા કે ધર્મને જીવાડવો એ હવે તો અશક્ય બની ગયું છે. પરંતુ પછી વહેણ બદલાયું, અને ધર્મની વહારે કોણ ચડ્યું, જાણો છો? વિવિધ ધર્મો અંગેનો અભ્યાસ (સ્ટડી ઓફ કમ્પેરેટિવ રીલીજન); જુદા જુદા ધર્મોના અભ્યાસથી આપણને ખબર પડી કે તત્ત્વત: તો તમામ ધર્મો એક જ છે.’

સ્વામી વિવેકાનંદને પોતાના અભ્યાસકાળ દરમિયાન વિવિધ ધર્મોનો અભ્યાસ કરવાની તક મળી હતી. તેને લીધે જ તેઓ બચી ગયા. તેઓ જણાવે છે, ‘હું વિદ્યાર્થી હતો ત્યારે જ સંશયવાદ મને પણ સ્પર્શી ગયો હતો અને કેટલીક વાર એમ લાગતું હતું કે ધર્મ માટેની તમામ આશા મારે છોડી દેવી પડશે. પરંતુ સદ્‌ભાગ્યે મેં ખ્રિસ્તીધર્મ, ઈસ્લામ, બૌદ્ધધર્મ અને બીજા ધર્મોનો અભ્યાસ કર્યો. અને મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે જે પાયાના સિદ્ધાંતો મારો ધર્મ શીખવે છે તે જ બીજા ધર્મો પણ શીખવે છે.’

આજે તો ધર્મોનો તુલનાત્મક અભ્યાસ, જેનું નામ હવે ‘વિશ્વધર્મો’ છે, તે અમેરિકામાં અંડરગ્રેજ્યુએટ વર્ગોમાં બહુ લોકપ્રિય વિષય છે. એટલું જ નહિ, પરંતુ યુવાનો ધર્મ બાબત ખરેખર ચિંતિત છે. હું થોડા દૃષ્ટાંતો આપીશ.

તાજેતરમાં એક અખબારના પ્રતિનિધિએ બારેક જેટલા તેજસ્વી સ્નાતકોની સાથે પ્રશ્નોત્તરી કરી, એક પ્રશ્ન હતો: ‘આજે દુનિયા સામે સૌથી મોટું આહ્‌વાન કયું છે? તેના જવાબો આ પ્રમાણે મળ્યા:

૧. સમાનુભૂતિની સામે એક પાયાનો અને હઠીલો વિરોધ. કેટલીક વાર તો લોકો અન્યનો દૃષ્ટિકોણ સમજવાની પણ ના પાડી દે છે, અને જુદા જુદા દૃષ્ટિકોણ વચ્ચે સમાધાન માટે જ પ્રયત્ન કરે છે. ૨. સ્વીકૃતિ : બીજાનો તિરસ્કાર કરવા અથવા તેમની સાથે વૈચારિક મતભેદ હોય તો તેમની ટીકા કરવા કરતાં આપણે સૌએ અન્યને સ્વીકારતાં શીખવાનું છે. આમ થાય તો દુનિયા આજે જે કેટલીય વૈચારિક કે સ્થૂળ લડાઈઓના ભયમાં છે તે ટાળી શકાય. ૩. સમજણ : એકબીજાને સમજવાની કમીને લીધે જ બધા સંઘર્ષો પેદા થાય છે. 

બીજો પ્રશ્ન હતો : આનો ઈલાજ શો? તેના જવાબો આ પ્રમાણે મળ્યા :

૧. અન્ય સભ્યતાઓ અને તેમની માન્યતાઓનાં મૂળ વિશે શિક્ષણ આપવું. ૨. આપણે એ સમજવાની જરૂર છે કે માનવ તરીકે આપણા વચ્ચે જે જે વસ્તુઓ એકસમાન છે તે આપણી વચ્ચેના તફાવત કરતાં ઘણી વધુ છે. ૩. ઇતિહાસે આપણને બતાવ્યું છે કે લોકોને જો શિક્ષણની તક આપવામાં આવે તો તેઓ અન્ય પ્રત્યે વધુ આદર કેળવશે અને અન્યને સ્વીકારશે… શિક્ષણ દ્વારા અને બીજાનાં મંતવ્યો પ્રત્યે વધુ નજીક આવવાથી, લોકો સમગ્ર દુનિયાના લોકોના પ્રશ્નો સમજશે, કેમકે આપણે એક બીજા સાથે સંકળાયેલા છીએ.’

વિવિધ ધર્મો અને માન્યતાઓના અભ્યાસથી જે લાભ થઈ શકે તે ઉપરનાં નિરીક્ષણો પરથી સ્પષ્ટ થાય છે. અગાઉ મેં જણાવ્યું તેમ સ્વામીજીએ વિવિધ ધર્મોનો અભ્યાસ કર્યો હતો અને તેઓ જે શીખ્યા તે આપણને ઉપયોગી થશે. તેઓ માત્ર ધર્મોના ક્રિયાકાંડ, સિદ્ધાંતો કે તેમના વચ્ચેના ભેદ વિશે જ શીખ્યા ન હતા. પરંતુ, પોતાનું મગજ ચલાવી એ શીખ્યા કે આમ કેમ છે અને શા માટે હોવું જોઈએ.

અમેરિકાની તેમની બીજી યાત્રા દરમિયાન તેમણે વૈશ્વિક ધર્મ વિશે કેટલાંક પ્રવચનો આપેલાં આ પ્રવચનો ખૂબ મનનીય છે. પોતાના અનુભવમાં તેમણે અમેરિકાના પ્રવાસ દરમિયાન કરેલાં નિરીક્ષણ, વિવિધ આસ્થાવાળા લોકો સાથેનાં મિલન અને તેમના મત જાણવાના લાભને ઉમેર્યો હતો. પોતાના એક વાર્તાલાપમાં તેઓ કહે છે, ‘ધર્મના કટ્ટરપંથીઓને બાજુ પર રાખીએ અને તમામને એક સહજ તર્કબુદ્ધિથી વિચારીએ તો, આપણને પ્રારંભથી જ દુનિયાના બધા જ મહાન ધર્મોમાં એક ખૂબ બળવાન એવું પ્રાણતત્ત્વ રહેલું જોવા મળશે… દુનિયાનો એક પણ મહાન ધર્મ સાવ નષ્ટ થયો નથી; એટલું જ નહિ, પ્રત્યેક ધર્મ પ્રગતિ કરે છે… દુનિયાના તમામ ધર્મો ખૂબ ખૂબ પ્રાચીન છે, તેમાંનો કોઈ પણ આજકાલમાં સ્થપાયો નથી… આધુનિક વૈજ્ઞાનિકો કહે છે કે સૌથી શ્રેષ્ઠ હોય તે જ ટકે છે, તેને જો માપદંડ તરીકે લઈએ તો, આ ધર્મો આજે પણ જીવંત છે તે જ બતાવે છે કે તેઓ હજુ પણ વધુ લોકો માટે સક્ષમ છે. તેઓ જીવે છે તેની પાછળનું કારણ એ છે કે તેઓ ઘણાનું ભલું કરે છે… માનવજાતના આજના ઇતિહાસની આ એક હકીકત છે કે આ બધા મહાન ધર્મો અસ્તિત્વ ધરાવે છે અને હજુ ફેલાઈને અનેકગણા થતા જાય છે. આની પાછળ જરૂર કંઈક અર્થ હોવો જોઈએ. જો પરમકૃપાળુ અને પરમજ્ઞાની સર્જનહારની એવી ઇચ્છા હોત કે એક જ ધર્મ જીવંત રહે અને બાકીના નાશ પામે, તો ક્યારનું પણ આમ થઈ ગયું હોત. વળી એમ હોય કે એક જ ધર્મ સાચો છે અને બાકીના બધા જૂઠા છે, તો તો અત્યાર સુધીમાં તે ધર્મ તમામ સ્થળે પ્રસરી ગયો હોત. પણ એમ થયું નથી; કોઈ એક ધર્મ સર્વવ્યાપક થઈ શક્યો નથી.’

કોઈ એવો દાવો કરે કે તેમના ધર્મમાં જ સમગ્ર સત્ય છે અને ઈશ્વરે આ સત્યને એક જ ધર્મગ્રંથમાં વ્યક્ત કર્યું છે. આ બાબતમાં પણ સ્વામીજીનું નિરીક્ષણ બહુ તર્કસંગત છે. એક જ ધર્મગ્રંથનાં જુદા જુદા અર્થઘટન પરથી સંપ્રદાયો બને છે, અને પછી પ્રત્યેક સંપ્રદાય એવો દાવો કરે છે કે માત્ર પોતે જ ધર્મગ્રંથને સમજે છે અને બીજા સંપ્રદાયો ખોટા છે. તે આ વિચારને બીજા ધર્મોને માટે પણ લાગુ કરે છે. સંપ્રદાયો પણ ઘણા છે. માત્ર ખ્રિસ્તીઓમાં જ નહિ, પરંતુ ઈસ્લામમાં, બૌદ્ધોમાં અને હિંદુઓમાં તો સેંકડો. તેથી સ્વામીજીના મતે, ‘આધ્યાત્મિક બાબતોમાં સમગ્ર માનવજાતને એક જ વિચારસરણી પણ લાવવી એ બાબત નિરર્થક છે અને નિરર્થક જ રહેવાની છે.’ બીજા એક તર્કસંગત ઉચ્ચારણમાં તેઓ કહે છે, ‘તમે તમામ લોકોને એક જ વિચારને સ્વીકારતા કરી શકો નહિ, આ એક હકીકત છે. અને તે બદલ હું ઈશ્વરનો આભારી છું… સંપ્રદાયો છે તે સારું છે, અને તેઓ વધતા જ રહે તેમ હું તો ઇચ્છીશ. કેમ? આ કારણે : તમે, હું અને અહીં હાજર રહેલા બધા શ્રોતાઓ જો તદ્દન એક સરખા જ વિચાર કરતા હોઈએ, તો પછી આપણે વિચારવાનું બીજું કાંઈ રહેતું જ નથી.. આપણે બધા સંગ્રહસ્થાનમાં રાખેલા અને એકબીજાની સામે જોતા બેઠેલાં ઇજીપ્તના ‘મમી’ જેવા જ બની રહીશું. ધર્મો નષ્ટ થશે તો પછી સંપ્રદાયો તો રહેશે જ નહિ. પછી રહેશે માત્ર સ્મશાનની શાંતિ અને સંવાદિતા. પરંતુ જ્યાં સુધી માનવજાત વિચારી શકે છે, ત્યાં સુધી સંપ્રદાયો રહેવાના જ. વૈવિધ્ય એ તો જીવનની નિશાની છે, અને તે રહેવું જ જોઈએ.

ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે : આટલી બધી વિવિધતા સાચી કઈ રીતે હોઈ શકે? એ ખરું કે જુદા જુદા ધર્મો અને એક જ ધર્મમાં રહેલ વિવિધ સંપ્રદાયોનાં પ્રાર્થનાસ્થાનો, ભાષા, ધર્મપુસ્તકો, ક્રિયાકાંડો વગેરે જુદાં જુદાં છે. પરંતુ શું તે એકબીજાનાં વિરોધી છે ખરાં? ધર્મોના તુલનાત્મક અભ્યાસ અંગે સ્વામીજી કહે છે, ‘હું વિદ્યાર્થી હતો ત્યારથી જીવનભર ધર્મોનો અભ્યાસ કરતો રહ્યો છું. તેથી મારાં તારણો તમોને કદાચ ઉપયોગી થાય, તે માટે તમારી સમક્ષ રજૂ કરું છું. હું માનું છું કે ધર્મો એકબીજાના વિરોધી હોતા નથી, તેઓ એકબીજાના પૂરક હોય છે. દરેક ધર્મ મહાન વૈશ્વિક સત્યનો એક અંશ ગ્રહણ કરે છે. અને તેને મૂર્તિરૂપ આપવા અને તેનું પ્રતિનિધિત્વ કરવા તેનું તમામ બળ તેમાં પ્રયોજે છે. તેથી ધર્મો કશુંક ઉમેરે છે, બાદ કરતા નથી.’

કેટલીક વખત ધર્મોનાં મંતવ્યો એકબીજાથી વિરોધાભાસી લાગે છે. તેમનો સમન્વય કેવી રીતે કરવો? સ્વામીજી કહે છે, ‘આ દેવળના ચાર જુદા જુદા ખૂણેથી ચાર ફોટા પાડો. તેઓ એકબીજાથી તદ્દન જુદા દેખાય છે, અને છતાં તેઓ આ દેવળનું જ પ્રતિનિધિત્વ કરે છે. તે જ રીતે આપણે સૌ સત્યને જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈએ છીએ. આપણા જન્મ, શિક્ષણ અને પરિવેશ આદિ પ્રમાણે જ તે જુદા પડે છે.’

‘ધર્મોની વિવિધતાનું અંતિમ તારણ એ છે કે બધા જ ધર્મો ઈશ્વરની યોજના પ્રમાણે માનવજાતમાં કલ્યાણ માટે કાર્ય કરતાં જુદાં જુદાં બળો હોય છે… પ્રકૃતિના કોઈ બળનો આપણે નાશ નથી કરી શકતા, તેમ આ આધ્યાત્મિક બળોમાંથી કોઈનો પણ નાશ કરી શકાતો નથી.’

હવે પ્રશ્ન આ રહે છે : ધર્મો વચ્ચે સંવાદિતા સ્થાપવાનો કોઈ વ્યવહારુ ઉકેલ છે ખરો? સ્વામીજીના મત પ્રમાણે : ‘એક સંવાદિતાભર્યો ધાર્મિક વિધિ શોધી કાઢવા અને બધા ધર્મોને પ્રેમની નીચે એકત્ર કરવાના સેંકડો પ્રયત્નો થયા છે. તે તમામ નિષ્ફળ ગયા. કેમ કે તેઓ કોઈ વ્યવહારુ યોજના પ્રમાણે થયા ન હતા. ઘણા લોકોએ સ્વીકાર્યું છે કે દુનિયાના બધા જ ધર્મ સાચા છે, પરંતુ કોઈએ તેમને એકત્ર કરવાનો એવો માર્ગ બતાવ્યો નથી કે જેથી એકતાની સાથે સાથે તે ધર્મ પોતાનું અલગ વ્યક્તિત્વ પણ જાળવી શકે. એવી યોજના જ વ્યવહારુ ગણાય કે જે તે ધર્મની વ્યક્તિના વ્યક્તિત્વનો નાશ ન કરે, અને તેની સાથોસાથ બીજા ધર્મો સાથે એકતાની કડી બની શકે.’

‘મારી પાસે પણ એક યોજના છે.. સૌ પ્રથમ તો હું માનવજાતને આ ઉક્તિ સ્વીકારવાનું કહું: કશાને તોડી પાડો નહિ, પરંતુ બાંધો, તમારાથી બને તો સહાય કરો, ન બને તો બે હાથ જોડી બાજુમાં ઊભા રહો અને જે થઈ રહ્યું છે તે જુઓ… માણસની સાચા દિલની માન્યતાઓ વિરુદ્ધ એક શબ્દ પણ ન બોલો. બીજું, માણસ જ્યાં ઊભો છે ત્યાંથી જ તેને ઊંચે ઉઠાવો.એ સાચું હોય કે ઈશ્વર તમામ ધર્મોના કેન્દ્ર સ્થાને છે, અને વર્તુળની એકાદ ત્રિજ્યા દ્વારા આપણે તેના તરફ ગતિ કરી રહ્યા હોઈએ, તો પછી એ નિશ્ચિત છે કે છેવટે આપણે બધા જ તે કેન્દ્ર પર પહોંચાવાના. કેન્દ્રમાં બધી ત્રિજ્યા મળે છે, ત્યાં આપણા બધા ભેદભાવો શમી જશે. પરંતુ એ કેન્દ્રમાં પહોંચતાં સુધી તો ભિન્નતા રહેવાની. પોતાની પ્રકૃતિ અનુસાર એક વ્યક્તિ એક ત્રિજ્યા પર મુસાફરી કરે છે, અને બીજો, બીજી પર; આપણે આપણી જ ત્રિજ્યા પર આગળ વધતા જઈશું, તો આપણે જરૂર તે કેન્દ્ર પર પહોંચીશું, કેમ કે, આખરે તો ‘તમામ રસ્તાઓ રોમ તરફ જ લઈ જાય છે.’’..

‘આ દુનિયામાં હજારો પ્રકારનાં મન છે અને તેમનાં હજારો વલણ છે. તેઓનું એક સામાન્ય વિભાગીકરણ કરવું એ અશક્ય છે. પરંતુ આપણા વ્યવહારુ હેતુ માટે, તેમને ચાર વિભાગમાં વહેંચી શકાય. પ્રથમ કારીગર કે કર્મશીલ વ્યક્તિ, તેણે કામ કર્યું છે, તેના સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓમાં પુષ્કળ શક્તિ છે. તેનો ઉદ્દેશ કામ કરવું એ છે – દવાખાનાં બાંધવાં, ધર્માદાનાં કાર્યો કરવાં, રસ્તાઓ બનાવવા, યોજનાઓ કરવી અને તેમનું વ્યવસ્થાપન કરવું. બીજો છે, સંવેદનશીલ માનવ. તે પુષ્કળ પ્રમાણમાં મહાનતા અને સૌંદર્યને ચાહે છે… સર્વકાળના મહાન આત્માઓ,ધર્મોના પયગંબરો અને પૃથ્વી પરના પ્રભુના અવતારોને ખૂબ હૃદયપૂર્વક ચાહે છે… તેને તેમનાં વ્યક્તિત્વ અને શરીર બહુ પ્રિય હોય છે.. ત્રીજો પ્રકાર છે યોગીઓ કે ગૂઢવાદીઓનો. તેમનું મન પોતાની અંદર શું રહ્યું છે તેનું પૃથક્કરણ કરે છે, તેઓ માનવમનનું કાર્ય સમજવા, તેની અંદર કયાં બળો કાર્ય કરે છે અને તેમને કેમ જાણવાં, તેમનો કેમ ઉપયોગ કરવો અને તેમના પર પ્રભુત્વ મેળવવું, તે માટે પ્રયત્ન કરે છે. યોગી કે રહસ્યવાદીનું મન આવું હોય છે. અને પછી આવે છે ફિલસૂફ. તે દરેક તત્ત્વનું માપ કાઢવા માગે છે, અને માનવવિચારની પણ પેલેપારનું જાણવા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે.’

આમ, તમે જોઈ શકશો કે ચાર પ્રકારના યોગોનું આ પ્રારંભિક સ્વરૂપ છે. સ્વામીજી કહે છે, ‘અંતે આ બધા વિવિધ યોગોને આચારમાં ઉતારવા જોઈએ. માત્ર તેમના વિશેના સિદ્ધાંતોથી કાંઈ ભલું નહિ થાય.’

ધર્મપરિષદની અંતિમ બેઠકમાં સ્વામીજીએ કહ્યું, ‘ધાર્મિક એકતા માટેની એક સર્વસામાન્ય ભૂમિકા વિશે અહીં ઘણું કહેવાયું. મારી પોતાની પદ્ધતિ વિશે હું હાલ કંઈ નહિ કહું.’ વૈશ્વિક ધર્મના આદર્શ પરનાં તેમનાં પ્રવચનો પરથી આપણને નિશ્ચિતપણે લાગે છે કે આવી ધાર્મિક એકતા કેવી રીતે સાધવી તે વિશે સ્વામીજીએ પોતાના વિચારો વ્યક્ત ન કર્યા.

એમ કહેવાય છે કે સારી સલાહને માત્ર બીજા સુધી પહોંચાડવાની જ હોય છે. તે વ્યક્તિને પોતાને કંઈ ઉપયોગની હોતી નથી. શું સ્વામીજીએ આવી સલાહ માત્ર આપી અને તેને વ્યવહારની કસોટી પર ન ચડાવી? આપણામાં થોડી પણ નિરીક્ષણ શક્તિ હોય તો આપણે કહી શકીએ, કે ‘હા, તેમણે પોતાના વિચારની કસોટી કરી જોઈ હતી. માત્ર એક કસોટી જ નહિ, પરંતુ બેવડી પાકી કસોટી કરી હતી.’ તેમણે પોતાના પુણ્યશ્લોક ગુરુ શ્રીરામકૃષ્ણના નામથી એક સંસ્થા સ્થાપી અને ઉપર કહ્યા તે ચાર યોગને સંસ્થાનો ઉદ્દેશ બનાવી આ પ્રયોગનો પ્રારંભ કર્યો. આ સંસ્થામાં કર્મ, ભક્તિ, મનનો સંયમ અને ફિલસૂફી દ્વારા ધર્મનું આચરણ થાય છે – આમાંના એક કે વધારે કે બધા જ દ્વારા. તેમના સિદ્ધાંતનો પ્રયોગ હજુ આ સંસ્થામાં સતત ચાલી જ રહ્યો છે.

આ સંસ્થાએ નાનકડું પરિણામ પ્રાપ્ત કર્યું છે તે જ સ્વામીજીના સિદ્ધાંતની સફળતાનો પુરાવો છે. અહીં વિવિધ વાતાવરણમાંથી આવેલા લોકો આવે છે સાથે જીવે છે, અને સમાજને કંઈને કંઈ ઉપયોગી પ્રદાન કરે છે. આ પ્રયોગનાં પરિણામો જોવા જેટલું સ્વામીજી જીવ્યા નહિ. પરંતુ આજે જ્યારે આપણે ધાર્મિક સંઘર્ષના પ્રશ્નનો ઉકેલ શોધીએ છીએ ત્યારે, જે ઉકેલ એક સદીની કસોટી પર ખરો ઉતર્યો છે, એ આપણી પાસે પ્રાપ્ત છે. તેને શોધીને પોતાના જીવનમાં ઉતારવો એ પ્રત્યેક વ્યક્તિની ફરજ છે.

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.