‘એક દિવસ જોઉં છું કે મન સમાધિપથે જ્યોતિર્મય માર્ગે ઊંચે ચઢતું જાય છે, ચંદ્ર-સૂર્ય તારામંડિત સ્થૂળ જગતને સહજપણે વટાવી જઈને પહેલાં તો એ સૂક્ષ્મ ભાવજગતમાં પ્રવેશ્યું. એ રાજ્યના ઊંચા અને તેથી યે વધુ ઊંચા સ્તરો ઉપર તે જેમ જેમ આરોહણ કરતું ગયું, તેમ તેમ અનેક દેવદેવીઓની ભાવઘન અદ્‌ભુત મૂર્તિઓને માર્ગની બેઉ બાજુએ અવસ્થિત રહેલી જોઈ શક્યો. એમ કરતાં કરતાં તે (મન) એ સૂક્ષ્મ ભાવરાજ્યની ચરમ સીમાએ આવીને ઊભું. ત્યાં જોયું કે એક જ્યોતિર્મય આડશ પ્રસરી રહીને ખંડ અને અખંડના રાજ્યોને અળગાં કરી રહેલી છે. એ આડશને ઉલ્લંઘી જઈને મન ત્યાંથી અખંડના રાજ્યમાં પ્રવેશ્યું અને જાયું કે – એ સ્થળે કોઈ અમુક મૂર્તિ કે બીજું શકું પણ નથી. દિવ્યદેહધારી દેવદેવીઓ સુદ્ધાં જાણે કે અહીંયા પ્રવેશતાં ખચકાઈ જઈને ઘણે આઘે નીચેના સ્તરે પોતપોતાની સત્તા વિસ્તારી રહ્યા છે! પણ બીજ જ ક્ષણે જોયું કે દિવ્યજ્યોતિર્ઘન દેહધારી સાત પ્રાચીન ઋષિઓ ત્યાં સમાધિસ્થ થઈને બેઠા છે. સમજ્યો કે, જ્ઞાન એન પુણ્યમાં, ત્યાગ અને પ્રેમમાં એઓ માણસને તો શું દેવદેવીઓ સુદ્ધાંને વટાવી ગયાં છે. આશ્ચર્યચકિત બની જઈને એમની મહાનતા વિશે વિચારી રહ્યો છું; એવામાં જોઉં છું કે, સામે રહેલા અખંડના ઘરના ભેદમાત્રરહિત, સમરસ જ્યોતિર્મંડળનો એક અંશ ઘનીભૂત બની જઈને દિવ્ય શિશુના આકારમાં પલટાઈ ગયો. એ દેવશિશુએ એ ઋષિઓમાંના એકની પાસે ઊતરી આવીને પોતાના અપૂર્વ સુલલિત બાહુઓ વડે એમના ગળે પ્રેમભરી બાથ ભરી; અને પછી વીણાના ઝંકારને પણ શરમાવે એવી પોતાની અમૃતમયી વાણીથી હેતપૂર્વક બોલાવીને સમાધિમાંથી એમને જગાડવાનો અપાર પ્રયત્ન કરવા માંડ્યો. સુકોમળ પ્રેમસ્પર્શે ઋષિ સમાધિમાંથી બાહ્યભાવ અવસ્થામાં અને અધખુલ્લાં અપલક નેત્રે એ અપૂર્વ બાળકને નિહાળવા માંડ્યા. એમના મુખ ઉપર પ્રસન્ન ઉજ્જ્વળ ભાવ જોઈને લાગ્યું કે, બાળક જાણે કે એમનો કેટલાયે કાળનો પૂર્વપરિચિત અને અંતરની પ્રેમપૂંજી છે. ત્યારે પછી એ અદ્‌ભુત દેવશિશુ અત્યંત આનંદ પ્રગટ કરતો એમને કહેવા માંડ્યો, ‘હું જાઉં છું, તમારે મારી સાથે આવવું પડશે.’ એની એવી આગ્રહભરી વિનંતીના જવાબમાં ઋષિ કશું પણ બોલ્યા નહિ, તો પણ એમના પ્રેમપૂર્ણ નયનો એમના અંતરની સંમતિ દર્શાવી રહ્યાં. પછી એવી જ સપ્રેમ દૃષ્ટિથી બાળકને થોડીક ક્ષણો જોતાં જોતાં તેઓ વળી પાછા સમાધિમાં ડૂબી ગયા. અને ત્યારે નવાઈ પામીને જોયું કે, એમનાં જ શરીર મનનો એક અંશ ઉજ્જ્વળ જ્યોતિનો આકાર ધારણ કરીને વિલોમ માર્ગે ધરાધામ ઉપર અવતરણ કરી રહ્યો છે! નરેન્દ્રને જોતાં વેંત જ સમજી ગયો કે, આ તે જ વ્યક્તિ.’

(‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ – ભાગ : ૫, પૃ.૭૦ – ૭૧)

Total Views: 19
By Published On: September 5, 2022Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram