(શ્રીરામકૃષ્ણદેવના લીલાચિંતન સાથે)

(ઈ.સ. ૧૯૬૭માં પરલોક સીધાવેલા રામકૃષ્ણ સંઘના પરમશ્રદ્ધેય સંન્યાસી, શ્રી. શ્રી.માના કૃપાપાત્ર સંતાન સ્વામી પ્રેમેશાનંદ શ્રીરામકૃષ્ણના ભાવે સર્વપ્રકારે નિરત હતા. તેમના અપૂર્વ ત્યાગ-વૈરાગ્યમય ઊંચા સાધકજીવન, તેમની પ્રગલ્ભ પ્રજ્ઞા, તેમના વ્યવહાર અને પ્રેમપૂર્ણ વ્યક્તિત્વના ખેંચાણથી ઘણા માણસો તેમની પાસે આવતાં. ખાસ કરીને આધ્યાત્મિક જીવન પ્રત્યે આંતરિકપણે પ્રયત્નશીલ કિશોરો અને યુવાનો તરફ તેમની વિશેષ સ્નેહદૃષ્ટિ હતી. તેમની પ્રેરણાથી અનેક યુવાનોએ ત્યાગવ્રત લીધું છે. ઘણા ગૃહસ્થાશ્રમમાં રહીને ય નિષ્ઠાપૂર્વક આધ્યાત્મિક જીવન ગાળે છે. તેમની પ્રત્યક્ષ પ્રેરણાથી ત્યાગનો આદર્શ સ્વીકારીને રામકૃષ્ણસંઘમાં જોડાયેલાઓની સંખ્યા જેમ ઘણી છે તેમ ગૃહસ્થાશ્રમમાં રહી ઉન્નત જીવન વિતાવનારની સંખ્યા પણ મોટી છે. વ્યક્તિગત વાતચીત દ્વારા, કાગળ-પત્ર લખીને કે ઉપદેશ-સલાહના માધ્યમ દ્વારા તેઓ ઘણાંને આધ્યાત્મિકમાર્ગ દર્શાવતા. હમણાં ડૉ. સચ્ચિદાનંદ ધરના સંપાદન દ્વારા તેમનો એક પત્ર-સંકલનનો ગ્રંથ પ્રકાશિત થયો છે. આ સંકલન જેમણે વાંચ્યું છે તેઓ જાણે છે કે તે કેવો પ્રેરણાદાયી ગ્રંથ છે. પ્રસ્તુત આલેખ તેમણે આધ્યાત્મિક જીવન જીવવા તત્પર એવા કોઈ એક યુવકને ઉદ્દેશીને લખ્યો છે. તે યુવક પાસેથી બીજા ઘણાઓએ તે ત્યારે જ અથવા પાછળથી પોતાના સાધનાપંથના નિર્દેશન માટે લખી લીધો હતો. અદ્વૈત આશ્રમના વર્તમાન અધ્યક્ષ અને શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વામી મુમુક્ષાનંદજી તેમાંના એક છે. આ પ્રકારના મનોભાવવાળી વ્યક્તિઓ અને સામાન્યપણે બધા જ ભક્તોને આધ્યાત્મિક જીવન માટે પ્રકાશ પૂરો પાડવાની આશા સાથે તેમણે આ લેખ બંગાળી માસિક ‘ઉદ્બોધન’માં પ્રકાશિત કરવા આપ્યો હતો, એનું આ ગુજરાતી રૂપાંતર છે.)

હે ઠાકુર! હું જ્ઞાનહીન, ભક્તિહીન છું. છતાંય મને તમારા માર્ગે ચાલવાની ઇચ્છા થાય છે. મારી પાસે જ્ઞાન નથી. તેથી ચાલતાં-ચાલતાં તમારા તરફનો માર્ગ છોડી સંસારનો માર્ગ પકડી લઉં છું. મારી પાસે ભક્તિ પણ નથી. તેથી તમારા પંથે ચાલતાં-ચાલતાં થોડીવાર ઊભો રહી જાઉં, બેસી ય જાઉં અને આળસમાં સમય પસાર કરું. જો જ્ઞાનપૂર્વકની સમજણ હોત તો માર્ગ ભૂલત નહિ. સહેલાઈથી હું પોતે સમજી શકત કે આમ કે તેમ કંઈક ભૂલ થઈ ગઈ છે.

જો તમારા તરફ આકર્ષણ કે ભક્તિ હોત તો હૃદયના ખેંચાણથી તમારા માર્ગે દોડ્યો જાત. તમારા પર મનનું જોર હોત તો મનને જ કહી દેત કે, ‘હે મન! ઠાકુર તરફ જ ચાલો, બીજેથી ખસી જાઓ !’

મન સંસાર ઇચ્છતું નથી વળી તમને ય ચાહતું નથી. ‘ઠાકુરનું કામ’ સમજી કાર્યારંભ કરું પરંતુ પછી તો તમને ભૂલી જઈને કામમાં જ રાચું! કર્મ તમારી જ પૂજા છે એ સ્મરણમાં રહેતું નથી. તેથી જ હે પ્રભુ! હું પ્રાર્થના કરું છું: મને જ્ઞાન આપો, ભક્તિ આપો. ઠાકુર, હું જ્ઞાનહીન, ભક્તિહીન. તમે તો અહૈતુક કરુણાસિંધુ, મને અસમર્થ માની જ્ઞાન આપો, ભક્તિ આપો.

હું જ્યારે તમારા વિષે વિચારું ત્યારે બરાબર સમજું કે ‘હું તમારો દાસ છું.’ પરંતુ બીજી જ ક્ષણે હું સાધારણ માણસ જેવો થઈ જાઉં છું. ભૂલી જાઉં છું કે તમારી સાથે મારો ક્યો સંબંધ છે? જો તમે મને જ્ઞાન આપો, તો હું દિનરાત અનુભવીશ કે હું તમારો અંશ, હું તમારો દાસ, હું તમારું જ સંતાન, હું અન્ય કોઈનો કંઈ જ નહિ. હે પ્રભુ! મને જ્ઞાન આપો. સમજાવી દ્યો કે હું દેહ નથી, મન નથી. હું તમારો જ અંશ. એ ન સમજાય તો તમારા ૫૨ ભક્તિ થશે નહિ. હું અનુભવું છું કે, હું દેહ છું. હું મન છું. તેથી તમારી સાથે મારે ક્યો સંબંધ છે તે સમજી શકતો નથી. તમે જો સમજાવી દ્યો કે હું તમારો જ અંશ છું તો હું તમને પોતાના માની તમને જ ચાહીશ. તેથીહે ઠાકુર! કૃપા કરીને મારું જ્ઞાનનેત્ર ખોલી દ્યો,જેથી જ્ઞાન કે ભક્તિ પ્રાપ્ત કરી કૃતાર્થ બનું!!

હે ઠાકુર! હું તમારું તત્ત્વ જાણતો નથી. પરંતુ મેં તમારા રામકૃષ્ણરૂપને જીવનની એકમાત્ર સ્પૃહણીય વસ્તુ માની પકડી લીધું છે. મારી એવી કોઈ ક્ષમતા નથી કે મનને ધ્યાનમાં રામકૃષ્ણમય કરી શકું. તેથી પ્રભુ, તમારું લીલા-સ્મરણ જ મારા માટે સાધનાનો સર્વોત્તમ ઉપાય છે.

તમે ખુદિરામના ઘરે, ચંદ્રામણિના ખોળામાં, બીજના ચંદ્ર જેવા શિશુ બન્યા હતા, તેનું સ્મરણ કરી ધન્ય બનું છું. તમે જગતના સ્વામી હોવા છતાં એક નાના એવા બાળક બન્યા હતા તે ખરેખર ખૂબ જ આશ્ચર્યની વાત છે. ચંદ્રામણિનું સ્તનપાન કરી તમે જીવન પોખ્યું હતું. પછી માનવબાળની માફક ચાલતાં શીખ્યા. બાળકોની માફક રમ્યા હતા. કોઈ સમજી ન શક્યું કે તમે અનંત બ્રહ્માંડના સર્જક – તમે ઈશ્વર! તમારી આવી અવતારલીલા કેવી આશ્ચર્યજનક છે! અરેરે! હું જો એ સમયે કામારપુકુરમાં જન્મ્યો હોત તો તમારી સાથે રમીને તમને ચાહીને ધન્ય બનત.

તમે વિદ્યાર્થી બની નિશાળે ગયા હતા. જેઓ ગુરુજન હતા તેઓએ ચોક્કસ સેંકડો જન્મની કઠોર તપસ્યાના ફળે તમને વિદ્યાર્થીરૂપે મેળવ્યા હતા. સો જન્મ પર્યંત સાધના કર્યે જાઓ તો પણ જેનાં દર્શન ન થાય તે જ શ્રી હરિએ પરમપ્રેમાળ નિશાળિયા ‘ગદાઈ’રૂપે ગુરુગણને મુક્તિ આપી અને જે બધાં બાળકો તમારાં સહાધ્યાયી, તમારી સાથે વિદ્યાર્થીરૂપે નિશાળે જતાં, પાસે બેસતાં, તમને અડકતાં, તેમના સદ્ભાગ્યને યાદ કરતાં મનમાં અત્યંત દુ:ખ થાય છે. કારણ, તમે મનુષ્ય બની આવ્યા અને અમે ય માનવ હોવા છતાં એક વખત પણ તમને જોઈ શક્યા નહિ. અમને ઈર્ષ્યા થાય છે, કામારપુકુરના લોકોએ અનાયાસે માત્ર કામારપુકુરમાં જન્મ્યા હતા તેના કારણે પરમપુરુષ એવા તમને કોઈપણ સાધના વગર પોતાના કરી લીધા! અફસોસ! આજે અમે કેટલા પ્રયત્ન કરીએ છીએ છતાં ય તમને આત્મીય માની સ્મરણમાં રાખી શકતા નથી.

તમે માણિક રાજાના આંબાના બગીચામાં ગામડાનાં અન્ય બાળકો સાથે રમ્યા હતા. તમારી સાથે રહેવા માટે, વૈકુંઠ જવા માટે લોકો કેટલી સાધના કરે છે અને વૈકુંઠપતિ તમે કામારપુકુરના ગોપાળો સાથેરમવા આવ્યા!! અરેરે જગન્નાથ! હું કેમ ગોવાળરૂપેજન્મીને તમારી સાથે રમવાનો સુઅવસર ન પામ્યો?

હે કૃપામય! મને સદ્‌બુદ્ધિ આપો, જેથી કરીને વિષયચિંતન છોડી માત્ર હું તમારું જ ચિંતન કરી શકું. પરિણામે તમારી નરલીલામાં જોડાઈ શકું અથવા તમારું ચિંતન કરતાં-કરતાં રામકૃષ્ણલોકમાં જઈને તમારી લીલામાં સંકળાઈને ધન્ય થાઉં!

કામારપુકુરના કૂતરાં-બિલાડાં પણ તમને જોઈ શક્યાં હતાં. પરંતુ અમે માણસ થઈને ય તમને જોઈ શક્યા નહિ. જે પશુઓએ તમારાં દર્શન કર્યાં હતાં તે બધાં મારાથી ચઢિયાતાં નથી?

કામારપુકુરની ધરતી પર બધે ચાલીને ફર્યા હતા તેથી ત્યાંની માટી ચૈતન્યમય બની ગઈ છે. ઠાકુર, હું જો માટી હોત તો તમે ગદાઈરૂપે મારી છાતીએ ચરણ રાખત. જે માટી તમારો ચરણસ્પર્શ પામી છે તે માટી મારા કરતાં શ્રેષ્ઠ છે.

તમે જયારે કલકત્તામાં મોટાભાઈ માટે રસોઈ કરતા ત્યારે ય જો હું નોકર તરીકે તમને સહાય કરતો હોત તો ઋષિમુનિઓની સાધનાના ફળરૂપ તમારાં દર્શન કરત. તમે જેના ઘરમાં દેવપૂજા કરવા જતા તેઓ બધા ધન્ય અને એ બધાં ઘર તમારા ચરણસ્પર્શે તીર્થ બની રહ્યાં છે! સાધુ-સંન્યાસીઓ જ્ઞાન-ભક્તિ મેળવવા કેટલી કઠોર સાધના કરે! જેઓએ તમારી મનોહર માનવમૂર્તિ નિહાળી હતી, તમારાં ગીત સાંભળ્યા હતાં તેઓ તમને મનુષ્યરૂપમાં ચાહતા હતા. તેઓ બધા પ્રબળપુણ્યે કાચ વીણતાં કાંચન મેળવી ગયા ને ઠાકુર? આ તો તમારો અહંતુક પ્રેમ જ. તમે ઇચ્છો તો ગમે ત્યારે ગમે તેને જ્ઞાની બનાવી ઊંચે ઉઠાવી શકો, ભક્તિના ઐશ્વર્યથી પણ પૂર્ણ કરી શકો. તમે ઇચ્છામય, તમારી ઇચ્છા માત્રથી અસંભવ સંભવ થઈ જાય. તેથી શક્તિ, સામર્થ્ય અથવા યોગ્યતા ન હોવા છતાં ય તમારા ચરણે નિત્ય પ્રાર્થના કરું છું કે તમે મને જ્ઞાન આપો, ભક્તિ આપો.

ઠાકુર તમે સ્વયં પરબ્રહ્મ ભગવાન થઈનેય કાલીના પૂજારી બન્યા! એ દૃશ્ય કેવું ચમત્કૃતિપૂર્ણ! તમે માની સામે બેસી પૂજા કરો છો (ભગવાન પોતે જ પૂજારી,ભગવાન જ પૂજય!)ત્યારે જેઓએ તમને એ ભાવે જોયા હતા તેઓ ધન્ય! તે દૃશ્યની કલ્પના કરી અમે પણ ધન્ય બનીએ છીએ. દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં તમે કેટલી બધી સાધના કરી હતી? આ અગાઉના અવતારોમાં આવી સાધનાની વાતો સાંભળવા મળતી નથી. આ વખતે શું અમને સાધના માટે અસમર્થ સમજીને તમે આટલી બધી સાધના કરી કે? પરંતુ પ્રભુ, અમે તો કેવળ તમારા જીવનચરિત્રનું ચિંતન કરીશું પછી બીજી કોઈ સાધના અમારા માટે અનાવશ્યક છે. જેઓ તમારા ગુરુ બન્યા હતા, તેઓની ઘટના વિચારી અમે આનંદ પામીએ છીએ. કેનારામ ભટ્ટાચાર્ય, ભૈરવી, યોગેશ્વરી, જટાધારી, તોતાપુરી, ગોવિંદરાય વગેરે વ્યક્તિઓએ માણસ હોવા છતાં માણસને વશ નહિ એવું અસાધ્ય કામ કર્યું હતું. તેઓ પૂર્ણજ્ઞાન સ્વરૂપ ભગવાનને શિક્ષણ આપનાર બન્યા હતા. અમે તેઓનું જીવન-ચિંતન કરીને ધન્ય બન્યા!

તમારી બાર વર્ષની સાધનાઓ અંગેનું જે સામાન્ય વિવરણ જાણી શક્યા છીએ તે પણ લૌકિક દૃષ્ટિએ એક આશ્ચર્યકારી ઘટના છે. માનવ શરીર ખરેખર આટલી બધી તપશ્ચર્યા કરી શકે તે વિચારતાં જ શરીરે કંપન થાય છે. તમારી સાધનાની વાતો અંગે વિચારતાં અમને સાધના કરવાની હિંમત જ નથી થતી. એવી સાધના તો અમારા માટે એકદમ અસાધ્ય છે એમ વિચારી નિરાશ થઈએ છીએ. અલબત્ત, માનવજાત માટે તમે સાધના કરી સાધનાનું ફળ અમને આપી ગયા છો. અમે તો તમારા સાધક વૃતાંતનું ચિંતન કરીને જ શાંતિ પામીશું – આ વાત જો તમે પોતે ન કહી ગયા હોત તો ઠાકુર, – અમે આ માર્ગે ચાલવાનું સાહસ જ ન કરત.

તમારી આ અપૂર્વ તપસ્યા અમારા માટે જ હતી- આ પુષ્કળ પ્રયત્નો પણ અમારા માટે હતા – આટલું જાણીને અમે હજુ હમણાં જ સમજતા થયા છીએ કે તમે અમને કેટલા બધા ચાહો છો! વળી કોઈ માણસ તો દૂરની વાત, પણ માતા-પિતા, આત્મીયજન, પરોપકારી મહાન પુરુષો તો ઠીક, ઋષિમુનિગણ પણ અમને આટલો પ્રેમ આપી શકે નહિ. અમારા જેવા વિષયાસક્ત લોકોના મનને આકર્ષવા તમે આટલી સાધના કરી!!

અમે સમજી ગયા છીએ કે તમે જ અમારા બધા કરતાં પોતાના છો. ઠાકુર, તમારા પાદપદ્મે આત્મસમર્પણકર્યું. તમે અમારું સમગ્ર શરીર, મન, પ્રાણ, બુદ્ધિસ્વીકારીને કૃતાર્થ કરો.

હે ઠાકુર! તમે તીવ્ર તપસ્-કષ્ટો સહન કરીને જે અમૂલ્ય સંપત પ્રાપ્ત કરી તેનું વિતરણ કરવા દક્ષિણેશ્વર કાલીમંદિરે વ્યાકુળ બનીને જિજ્ઞાસુ મુમુક્ષુઓને બોલાવ્યા હતા. આ બધા પરમ ભાગ્યવાન છે, જેઓએ ત્યારે જન્મ લીધો હતો અને તમારી કૃપા લૂંટી લીધી હતી. હે કલ્પતરુ! કમનસીબે અમે ત્યારે હાજર ન હતા તેથી શું તમે અમને વંચિત કરશો? તમારી વૈભવ-સંપત્તિનો કોઈ તોટો નથી. મારા જેવા મામૂલી ભિખારીને એક ટૂકડો પ્રેમભક્તિનો દેવાની શું તમારી ઇચ્છા નથી? કોટિકોટિવારના જન્મ-મૃત્યુ પછી હું અતિઆર્ત, અત્યંત થાકેલો પડયો છું. તમારી ભક્તિના એક અંશ માત્રથી જીવન ધન્ય થઈ જાય, તો પછી મારા જેવા પામર જીવને આટલું ય આપી શકશો નહિ?

કેટલા પતિત, કંગાળ, કેટલાય પાપી કે કેટલીય પતિતા તમારા ચરણસ્પર્શથી મુક્તિ પામ્યાં. તમે તો ગમે તેને સ્પર્શ કરીને કૃપાદૃષ્ટિનું દાન કર્યું હતું. ઉપદેશ આપીને અને બીજી કેટલીય રીતે ભક્તિ આપી હતી. તમે રસિકભંગીનું પણ ચિત્ત આકર્યું હતું. તમારી આવી પ્રેમવિતરણની લીલાનું સ્મરણ કરી અમે ‘હાય-હાય’ કરીએ છીએ. અમે એ શુભ વેળાએ ઉપસ્થિત ન રહેવાથી તમારી અહૈતુક કૃપા લાભથી વંચિત બન્યા છીએ.

પરંતુ ઠાકુર, તમે તો સનાતન પુરુષ. તમારા ભંડારમાં જ્ઞાન ભક્તિનો શો અભાવ છે જેથી અમને તમે વંચિત રાખ્યા છે? તમે કેટલા લોકોના પાપ પોતાના દેહમાં સમાવી લઈને સ્વયં ભયંકર રોગ-પીડા ભોગવી હતી? કઠોર તપશ્ચર્યાથી શરીરને ભાંગી નાખ્યું તોય તમને સંતોષ થયો નહિ – તીવ્ર રોગ યાતનાથી દેહનો નાશ કરી ચાલ્યા ગયા. પ્રભુ, અમે શું તમારા પારકા? તેથી અમને જ્ઞાન ભક્તિનો એક કણ પણ આપવા ઇચ્છતા નથી? જેઓ ત્યારે જનમ્યા હતા તેઓ જ શું તમારા પોતીકા? પ્રભુ, મારાં જ્ઞાનનયન ઉઘાડી દ્યો, તમારી નિત્ય લીલા નિહાળી સાર્થકબનીશ. તમે મનુષ્ય માટે એટલા બધા વ્યાકુળ, એટલો પ્રેમ આપો છો – તે સાંભળીને જ હું નિર્બળ હોવા છતાંય તમારી પાસે જ્ઞાનભક્તિ માટે પ્રાર્થના કરવાની હિંમત કરું છું. સાંભળ્યું છે કે તમે અધિકારીનો વિચાર કર્યા વગર જ પ્રેમભક્તિ આપતા રહો છો. તેથી તમારા ચરણે અંત:કરણપૂર્વક પ્રાર્થના કરું છું, મારા જ્ઞાનનયન ઉઘાડી દ્યો.

ઠાકુર, તમે સર્વજ્ઞ. જગતમાં જયાં-જયાં જે કંઈ છે તે સઘળા વિષે તમે જાણો છો! જ્યાં ક્યાંય જે કંઈ બને તે પણ જાણો છો. મારા શરીર, લોહીના ટીપેટીપાં. સ્નાયુઓ, નાડી, માંસપેશીઓની અરે, શ્વાસોચ્છ્વાસની ય સંભાળ લ્યો છો. મારા મનની સારી નરસી બધી ચિંતાઓને તમે સંભાળો છો. એક રીતે તો હું લાંબા સમયથી તમારી આંખો સામે જ રહ્યો છું. પરંતુ હું તે વિષે અજાણ્યો છું. હું તમને જોઈ શકતો નથી તેથી તમે આટલા નજીક હોવા છતાં ય તમે મને જોતા નથી એમ લાગી આવે છે. મારા જ્ઞાનનેત્ર ખોલી દ્યો. જેથી કરીને હું તમને બધા કામમાં, બધા વિચારોમાં તમને અનુભવું. હું જો સમજી શકત કે હું તમારી સામે જ છું તો પછી મારાં સઘળાં કર્મો જ એક પરમ સાધના થઈ જાત.

આ જગત જાણે તમારો દેહ – તમે જાણે સર્વમય. તો પછી મારામાં મારા દેહમાં, મનમાં પણ તમેજ રહ્યા છો. લાકડાની ખુરશીમાં જેમ બધેજ લાકડું હોય. લોઢાના અસ્ત્રમાં જેમ કેવળ લોઢું હોય, માટીની પૂતળીમાં જેમ માટી માત્ર હોય તે રીતે મારા ‘હુંપણા’માં ય કેવળ તમે જ હો! માત્ર મારામાં જ શા માટે? હું જે કંઈ જોઉં, સાંભળું, સ્પર્શું, ખાઉં, બધું જ તો તમે. જગતમાં જેટલા જીવ-જંતુ કીટ બધામાં તમે જ છો! જેની સાથે જેટલો વ્યવહાર રાખો તે તો તમારી જ લીલા ઠાકુર, તમે લીલાના છળથી જગત બન્યા છો – જીવ બન્યા છો. હું જો આ વાત જ યાદ રાખી શકું તો મારાં કાજકર્મો તમારું કાર્ય, સઘળાં કાર્યો તમારી જ સેવા થઈ જશે.

હું તો દિવસ રાત પરિશ્રમ કર્યે જાઉં છું. ચિંતા કરતાં-કરતાં થાકી જાઉં છું. શા માટે ફોગટની મહેનત કરું છું? શા માટે ચિંતા કરું છું? સમજી શકતો નથી. વળી ચારે બાજુએ જોઉં છું કે બધા મનુષ્યો, બધા જીવ, જંતુ, કીટ પર્યંત કેવા કામમાં રોકાયેલાં છે. કેવા ચિંતાતુર! આ બધીય તમારી લીલા. તમે અનંત પ્રાણીરૂપે અનંતપ્રકારે લીલા કરો છો.

ક્યારેક હું ચિંતા કરું કે મારું શું થશે? પરંતુ બધી ગતિ તો તમારા પ્રાણથી ચાલે છે. મારું સુખ, મારું દુ:ખ, મારું ભલું-બૂરું બધું જ પ્રભુ તમારું – માત્ર તમારું! હું તમારા ચૈતન્ય સમુદ્રમાં તમારા આનંદરસમાં ડૂબું – વિલીન થઈ જાઉં. પરંતુ હું અજ્ઞાની હોવાથી વળી વિચારું કે હું તો તમારી બહાર છું, તમારાથી દૂર છું અને ઘણીજાતના ભયથી ડરું છું. જાતજાતનાં દુ:ખોથી દુ:ખી થઈ વ્યર્થ પોતાને પીડું છું.

ઠાકુર, મારા જ્ઞાનનયન ઉઘાડી દ્યો. હું સમષ્ટિમાં, મારા પોતાના અંતરમાં, બહારમાં કેવળ તમને જ નિહાળું. તમે તો મારા આરાધ્ય અંતર્યામી છો. હું બધાં કામમાં, સર્વભાવમાં કેવળ તમને જ જોઈશ. મારે કોઈ અભાવ, કોઈ વેદના કે કોઈ ભય રહેશે નહિ.

ઠાકુર, મને જ્ઞાન આપો, ભક્તિ આપો, ઠાકુર, જે બધા ઉપાયોના અવલંબનથી જ્ઞાન થાય, ભક્તિ આવે તે બધા જ ઉપાયોને અનુસરવાની મારી શક્તિ નથી. શાસ્ત્રપાઠ કરવા જેટલી વિદ્યા ય નથી. કદાચ એ ઉપાયથી જ્ઞાનલાભ કરવાનું મારા માટે અસંભવ છે.

યોગાભ્યાસ કરવા માટે મનનાં જે અસાધારણ સામર્થ્યની આવશ્યકતા, તે તો મારી પાસે નથી. જે પ્રબળ શક્તિ દ્વારા મનને એકઠું કરી એક કેન્દ્રમાં સ્થિર કરવાની યોગના મુખ્યસાધનની એ શક્તિ મારામાં નથી. તેથી ઘણું કરીને આ માર્ગ પણ મારા માટે અગમ્ય છે.

જે શુદ્ધ મન આપોઆપ તમારામાં આકૃષ્ટ થાય તેવું મન મારે ક્યાં છે? મારું મન તમારા ચિંતન કરતાં, તમારા વાસણકૂસણ, ઘર-બારની ચિંતા કરવાનું પસંદ કરે છે. તમારી ભક્તિ શું આવા મનથી સંભવ છે? હું તો કેવળ તન- મનથી મહેનત કરી તમારો ઘરસંસાર ચલાવી શકું. મારું આ બધાં કર્મો જો તમે સ્વીકારો તે પછી તો તે બધી જ પૂજા હું નિસંકોચપણે કરી શકું.

તમે સ્વયં ગીતામાં (૯-૨૭) કહો છો:

“यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत।
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्॥”

(તમે જે કંઈ કરો, ખાઓ, યજ્ઞ કરો, આપો, જે કંઈ તપશ્ચર્યા કરો તે સઘળું હે કૌન્તેય! મને અર્પણકરો.)

તમે ગીતામાં (૯-૨૮) પ્રબોધો છો:

“शुभाशुभफलैरेवं भोक्ष्यसे कर्मबन्धनैः।
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ॥”

(આ રીતે સારાં કે નરસાં પરિણામોના બંધનમાંથી તું મુક્ત બનીશ. વિમુક્ત બનીને તારા મનને તું સંન્યાસ યોગમાં પરોવી મને પામીશ.)

તમને બધાં કર્મનાં ફળ સમર્પીને ધીરેધીરે સઘળાં કર્મફળ ક્ષય પામશે અને હું ‘પ્રકૃત સંન્યાસી’ બની મુક્તિલાભ કરીશ. મારા જેવા કર્માસક્ત માણસ માટે આવી આશાસ્પદ વાણી બીજી કઈ હોઈ શકે? હે પ્રભુ! તમારો આ પરમ દિલાસો મારા યાત્રામાર્ગનું મુખ્ય ભાથું હો!

હું કામ સિવાય બીજું વળી શું કરી શકું? હું જે કંઈ કરીશ તે તો તમારા માટે જ કરીશ. હે પ્રભુ! હું જે કંઈ ખાઈશ તે તમારા માટે જ ખાઈશ. તમારો જ આ દેહ, તમારા કામ માટે જ એનું નિર્માણ કર્યું છે. આ દેહનાં રક્ષણ માટે તો જમવાનું છે તેમજ તમે વળી ક્ષુધારૂપે પણ સર્વભૂતમાં રહ્યા છો. અમે જે કંઈ ખાઈએ છીએ તે તો જઠરાગ્નિરૂપે ‘રામકૃષ્ણાગ્નિ’માં આહૂતિ આપીએ છીએ. પોતે જે ખાઉં છું તે અન્યને પણ ખવડાવું છું – સઘળું તો તમારી જ પૂજા છે. મારે તો બીજી કોઈ પૂજાની જરૂર નથી. ફૂલ-તુલસી, ધૂપ-ચંદન વગેરે દ્વારા તમારી મૂર્તિની સામે જે પૂજા હોય તેમાં તો કલ્પના કરવાની જરૂર પડે. પરંતુ આ પૂજા તો છે સાક્ષાત્ પૂજા. હે પ્રભુ! હું આવી પૂજા કરી શકું.

વળી હું તમારો હવન કરું, જો અગ્નિમાં ઘી બિલ્વપત્ર આપીને તમારી પૂજા કરું કે પછી પુષ્પ ચંદન વગેરે તમારી મૂર્તિ પર ચઢાવી તમારા પ્રેમ માટે અર્ચના કરું, તમને પ્રસન્ન રાખવા સિવાય મારા મનમાં કીય બીજો કોઈ મતલબ ન રહે. હે પ્રભુ! હું જે કંઈ કરીશ, તે બધાં જ કર્મનું સફળ તમે પામો. કોઈપણ કામમાં હું કંઈ બદલો મેળવવા ન ઇચ્છું.

ઠાકુર, જ્યારે-જ્યારે હું કંઈપણ કોઈકને આપું, તે કેવળ તમારા પ્રેમ માટે આપું. તમારા સિવાય જગતમાં બીજું વળી છે ય શું? દાન કરીને શું અપેક્ષા રાખું? તમારા સિવાય ચાહવા યોગ્ય બીજી કઈ વસ્તુ છે. ઠાકુર? તેથી જે કંઈ આપું, વિનિમય માટે કોઈ અપેક્ષા રાખું નહિ.

ઠાકુર, હવે મારે તપશ્ચર્યાની શી જરૂર છે? હું તમારી સેવામાં શરીર – મન ખર્ચી નાખું એટલું જ આપો. મારું કહી શકાય તેવું જે કંઈ છે તે અંતે તો તમને જ સોપું. જો કોઈપણ વસ્તુમાં મમત્વબુદ્ધિ હોય તો હું છાતી ફોડી તમારા ચરણે તેને અર્પણ કરું! જયારે મારું કહેતા કંઈ મળશે નહિ ત્યારે તે ‘અહમ્’ની હું શ્રીરામકૃષ્ણાગ્નિમાં પૂર્ણાહૂતિ આપીશ.

હે દયામય! તમે મને સહાય કરો. હું મૂઢતાવશ કદાચિત્ આપવામાં સંકુચિત થાઉં તો તમે લઈ લ્યો. હે પ્રભુ જો મારું માનીને કંઈ પણ વસ્તુ માટે લોભ રાખું તો કઠણ આઘાત આપી મારું મોહબંધન તોડો. મારી મોહનિદ્રા દૂર કરવા માટે જે કંઈ કઠોર સજાની આવશ્યકતા હોય તે બધીજ તમારી પાસેથી હું પામું. હું ઠાકુર! જો તમને હું પામું તો સો વખત થયેલ મારું અપમાન ફૂલહાર છે. જો હું તમને ભૂલું નહિ તો મારી બધી જ વેદના મારી પરમ સંપત્તિ છે.

તમે તો સર્વરૂપના નિધાન. પરંતુ હું અન્ય રૂપ નિહાળીશ નહિ. તમે તો છે રસના સાગર તેથી હું તુચ્છરસને માણીશ નહિ. તમારો પ્રકાશ સઘળી પુણ્યસુવાસમાં રેલાય છે. હું અન્ય કોઈ સ્પર્શ ઇચ્છતો નથી. તમારો અનાહત ધ્વનિ હું હૃદયમાં સાંભળીશ. તેથી હે પ્રભુ! બહારના સંગીતની મારે જરૂર નથી.

।।ॐ।। श्री रामकृष्णार्पणमस्तु ।।ॐ।।

ભાષાંતર: શ્રી કુસુમબહેન પરમાર

(બંગાળી માસિક ‘ઉદ્બોધન’, ફાગણ ૧૩૯૮. ૯૪મું વર્ષ. દ્વિતીય અંકમાંથી સાભાર)

Total Views: 73
By Published On: September 5, 2022Categories: Premeshananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram