ગત અધ્યાયના* અંતમાં અમારી ટીકા ટીપ્પણી કેટલાક પ્રશ્નોને ઊભા કરે. અમે તેમાં કહ્યું છે કે, “મોટા ભાગના લોકો ધર્મને ગંભીરતાપૂર્વક લેતા નથી એટલે વધુ વ્યવહારુ સાધન, વધુ પ્રભાવશાળી, આકર્ષક, અસરકારક માધ્યમો તેમને માટે શોધવાં જોઈએ અને ધર્મ સાથે સંયુક્ત કરવાં જોઈએ” અને અમે સદાચાર, જ્ઞાન, સેવા વગેરેનો તેવાં માધ્યમો તરીકે ઉલ્લેખ કર્યો છે.

અમે એમ પણ કહ્યું છે કે “જીવનના વ્યવહારોનું આધ્યાત્મીકરણ બરાબર છે. પરંતુ મોટા ભાગના માણસો સદાચાર, કલા, જ્ઞાન, વિઘા, પ્રવૃત્તિ અને સેવા વિના તે માર્ગ ઉપર માત્ર બહુ ધીમી ગતિ કરી શકે. પરંપરાગત માન્યતાઓ સાથે આ વિધાનો પૂરેપૂરાં સુસંગત દેખાતાં નથી. અલબત્ત, કોઇ ધર્મ માર્ગ અને સ્વયં ધર્મ જીવનમાં સદાચારની આવશ્યકતાનો ઈન્કાર કરતું નથી. પરંતુ ઘણા માણસો એવી દલીલ કરશે કે સૂક્ષ્મ દર્શનની પ્રાપ્તિ માટે બીજાં સગવડભર્યાં સાધનો છે કે જે ધર્મ સાધનાની આવશ્યક પૂર્વશરત છે.” ઓછામાં ઓછાં આવાં ત્રણ સ્પષ્ટ સાધનો ગણાવી શકાય: (૧) સંધ્યાવંદન અને આવી અન્ય રોજીંદી અને પ્રાસંગિક સાધનાઓ, (૨) ઈશ્વરનું નામ સ્મરણ, જપ અને ઈશ્વર સ્તુતિ અને (૩) પ્રાણાયામની સાધના.

અમે કબૂલીએ છીએ કે આ સાધનો અસરકારક છે. અમે એમ પણ કહ્યું છે કે, “ધર્મની માન્યતાઓને વળગી રહેવું અને ધર્મ વિધિઓનું સહૃદય પાલન કરવું તે એને માટે બુનિયાદી આવશ્યકતા છે અને તેથી આધ્યાત્મિક ચેતનાની ઉત્ક્રાંતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.”

પરંતુ આપણે પરંપરાગત પ્રણાલીઓથી, સહેલાઈથી દોરવાઈ જવું ન જોઈએ. સંધ્યાવિધિ બધી વ્યક્તિઓ માટે એક સરખી અસરકારક નથી. જો કે બધા એ વિધિઓ એક સરખી રીતે કરતા હોય છે. સંધ્યા કરનાર વ્યક્તિઓની મનોદશા ઉપર ઘણો આધાર રહે છે. કંઈ નકામું જતું નથી. ખરાબમાં ખરાબ કિસ્સાઓમાં સુધ્ધાં આવી રોજની સંધ્યાવિધિની કોઈ અસર હોય છે. તેનું કંઈક પણ ફળ મળે છે. એક માણસ બે-ત્રણ વાર દિવસમાં પોતાની જાતને તેના બહુવિધ સાંસારિક વ્યવહારોમાંથી અસંગ કરે છે અને એકી વખતે થોડા સમય માટે શાંત અને મૌન ધરીને બેસે છે, અને તેના મનને અલૌકિક વાસ્તવિકતા ઉપર એકાગ્ર કરવા પ્રયત્ન કરે છે, તે પોતે જ સૂચક અને મહત્ત્વનું છે પરંતુ બીજી નક્કરમદદ સિવાય આ અલ્પ પ્રયત્ન રોગને નિર્મૂળ કરશે નહિ. જો મનુષ્ય બાકીનો બધો દિવસ વિદૂષિત અને સાંસારિક પ્રવૃત્તિઓમાં પસાર કરે તો આવું અલ્પ પ્રયત્નવાળું સંધ્યાવંદન તે માણસનું શું શ્રેય સાધી શકે? તેની રોજીંદી પ્રવૃત્તિઓ સુધ્ધાં પવિત્ર અને ઉન્નત હોવી જોઈએ. જો ધર્મ પ્રત્યે કંઈ ગણનાપાત્ર પ્રગતિ કરવી હોય તો આમાં સદાચાર, કલા વગેરેની જરૂર પડે છે. પોતે ધર્મ વિધિઓ કરતો હોય તે છોડી દેવાનું કોઈ કહેતું નથી. મનુષ્યનું મન શુદ્ધ થતાં આ વધુને વધુ ગુણકારી, અર્થસૂચક બનશે. પરંતુ આની સાથોસાથ સદાચાર, વિઘા, કલા વગેરેના સંસ્કાર આવશ્યક છે. સાચેસાચ આ બધું અસરકારક બને તે માટે, અલબત્ત ધર્મભાવના સાથે તેનું સંયોજન થવું જોઈએ.

આજે પણ ભારતમાં અને સર્વત્ર દુનિયામાં, જયાં ધર્મ, શ્રદ્ધાનું પાલન થાય છે ત્યાં – ઘણા હોય છે, જેઓ વિચારે છે કે શાસ્ત્રનિર્ણીત ક્રિયાકાંડો કરી કરીને તેઓ આખરે સ્વર્ગના દરવાજે પહોંચી જશે. સ્વર્ગનો દરવાજો એટલી સહેલાઈથી મળી જતો નથી. વિધિઓ અને કર્મકાંડની શ્રદ્ધાયુક્ત સાધના મનુષ્યમાં અમુક પ્રકારની શક્તિ ઉત્પન્ન કરે છે. એ જ રીતે, સૂક્ષ્મ વિષયો ઉપર તમામ પ્રકારની એકાગ્રતા તેવી જ અસર કરે છે. પરંતુ મનુષ્ય કદી શક્તિ વગરનો રહ્યો છે ? જોઈએ તે કરતાં હંમેશા આપણી પાસે તે વધુ હોય છે. આપણને જે ખરેખર જોઈએ છે તે શક્તિ નહીં, પરંતુ જે શક્તિ આપણી પાસે પહેલેથી છે તેનો સાચો ઉપયોગ કરવા સંગીન વિવેક અને વ્યાકુળ ઇચ્છા, અને જયારે આપણી પાસે ક્યારનીય જે શક્તિ છે તેનો ઉચિત રીતે ઉપયોગ કરતાં આવડશે ત્યારે આપોઆપ નવી શક્તિઓ આપણામાં આવશે. એવા કિસ્સાઓ વારંવાર બને છે જેમાં કોઈક રીતે થોડીક અસામાન્ય શક્તિ માણસે પ્રાપ્ત કરી હોય ત્યારે અહંકારી, ઉદ્ધત બને છે અને બીજાઓને અને પોતાની જાતને અપાર નુકસાન પહોંચાડે છે. ઉન્નત માર્ગની યાત્રાના દરેક વળાંકે ચારિત્ર્ય એ આપણો નિશ્ચિત સંરક્ષક છે.

એવી જ રીતે નામ જપ અને કીર્તનનું છે. જપ કે કીર્તન પોતે પંડે બહુ અલ્પ મૂલ્યના છે. તે બધું મનની અવસ્થા ઉપર આધાર રાખે છે. જો આપણે યંત્રવત્ જપ કરીએ તો તેની અસર ઓછી થાય છે. જો આપણે શ્રદ્ધા – સંક્લ્પ સાથે જપ કરીએ, પરંતુ પૂરી રીતે શુદ્ધ થયા વિનાના મન સાથેજપ કરીએ તો, આપણને કોઈ અસામાન્ય શક્તિ ભલે પ્રામ થાય પરંતુ કોઈ ખરેખરી આધ્યાત્મિક્તા મેળવીએ નહીં. પ્રત્યેક મનમાં કર્મ અને ઉરની એક ચોક્કસ કુદરતી સપાટી હોય છે. તદનુસાર તેની અંતરચેતનામાં જે કંઈ આવે છે તેનો તે અનુભવ કરે છે અને ઉપયોગ કરે છે. સિવાય કે મનનું સ્વાભાવિક વલણ આધ્યાત્મિક હોય, એકાગ્રતા પ્રતિ કૃતનિશ્ચયી પુરુષાર્થ દ્વારા આપણને જે અસામાન્ય શક્તિઓ મળે તેનાથી આધ્યાત્મિક રીતે આપણું હિત સાધવામાં આપણે નિષ્ફળ જઈશું.

શ્રી ચૈતન્ય મહાપ્રભુએ ઉપદેશ આપ્યો છે કે જે ઘાસના તણખલા કરતાં વધુ નમ્ર હોય, જે વૃક્ષની જેમ ધીર હોય, જે આત્મસન્માનના બધા ભાવથી મુક્ત હોવાથી બીજાને સહૃદયથી સન્માને છે, તે જ ભગવાનનું નામ-સંકીર્તન કરવાનો અધિકારી છે. અહીં પ્રભુનું નામ-સંકીર્તન અસરકારક બને તે માટેની આવશ્યક શરતો સ્પષ્ટતાપૂર્વક મૂકવામાં આવી છે. તેમનું સાચું મહત્ત્વ અને મર્માર્થ સમજવા આપણે તે શબ્દોમાં રહેલ રહસ્યને સમજવું જોઈએ. માત્ર બાહ્ય વિનમ્રતા અને ધૈર્યનો અહીં નિર્દેશ કરાયો નથી. અંતરશુદ્ધિ જરૂરી છે. સાચી વિનમ્રતા તો ત્યારે જ આવે છે કે જયારે આપણે સાંસારિક ગણતરીઓથી અત્યંત ઉચ્ચ સ્તરે પહોંચી તેનાથી પર બન્યા હોઈએ, જેથી સાંસારિક નિર્ણયશક્તિ કે ન્યાયનું ધોરણ આપણને સ્પર્શતું ન હોય અને આપણા અંતરના અંદરમાં, આપણા જીવનની દરેક ક્ષણે, અનંત, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ, સર્વવ્યાપક એવા પરમતત્ત્વના સાંનિધ્યનો અનુભવ કરતા હોઈએ.

આધ્યાત્મિક પ્રચુરતાની કંઈક આંશિક દૃષ્ટિ વિના સાચી વિનમ્રતા અશક્ય છે. તે કેવળ વિનમ્રતાનો દંભ હશે. આપણે વિનમ્રતા અને કાયરતા વચ્ચેનો ભેદ પણ સમજવો જોઈએ. મોટે ભાગે આપણી વિનમ્રતા એ કેવળ કાયરતા અને નિષ્ફળતાનો બીજો આકાર હોય છે: આપણી આજુબાજુ લીલા કરતી શક્તિઓની પ્રચુરતાથી આપણે દબાઈ જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે આવી મહત્તા ધરાવનારની પંગતમાં રહીને તેમની સાથે સહલીલા કરી શકીએ નહીં. પરંતુ ઈશ્વરના જિજ્ઞાસુએ-સાધકે- આવી સાંસારિક શક્તિઓથી દબાઈ ન જવું જોઈએ. તેમણે તેની ઉપર ઊઠવું જોઈએ. પરંતુ શું સંસારનો સામનો કરવો તે સહેલું છે? તે પછી આપણે બહુ સારી રીતે અનુમાન કરી શકીએ કે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ મૂકેલી શરતોને યોગ્ય રીતે ચરિતાર્થ કરતાં પહેલાં કેવી પ્રચંડ તાલીમ મનને આપવી જોઈએ.

ભારતમાં, ખાસ કરીને બંગાળમાં, જ્યારે લોકો ધર્મપ્રેમી બનવાનું વિચારે છે ત્યારે ઈશ્વરનાં નામ – સંકીર્તનનો આશ્રયલેતાં આપણે જોઈએ છીએ. નિ:શંક આ સારું છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં પ્રાથમિક શરતોનું પાલન કરવાની આવશ્યક્તા સંપૂર્ણપણે ભુલાઈ જાય છે. આનું પરિણામ ભાગ્યે જ સહાયરૂપ થાય છે. લોકો અકુદરતી રીતે ભાવુક અને અહંભાવી બની જાય છે. આવા ભાવુકપણાનાં પરિણામો વિષે સ્વામી વિવેકાનંદે એક શિષ્ય સાથેના સંવાદમાં નીચેનું વિધાન કર્યું છે.

“ધ્યાન દરમ્યાન ઊર્મિલબાજુને સદંતર દબાવી દ્યો. તે (ઊર્મિલતા) ભયનું મહાન ઉત્પત્તિસ્થાન છે. જેઓ અત્યંત ઊર્મિલ હોય છે, તેમની કુંડલિની એકદમ વેગપૂર્વક નિ:શંક ઉપર ધસે છે. પરંતુ તે જેટલી ઝડપથી ઉપર જાય છે તેટલી જ ઝડપથી તે નીચે આવે છે અને જયારે તે નીચે ઊતરી જાય છે ત્યારે સાધકને સંપૂર્ણ હતપ્રભ સ્થિતિમાં મૂકી જાય છે. આ કારણને લઈને જ કીર્તનો અને આનુષંગિક કાર્ય વિધિઓ ઊર્મિલ વિકાસને કારણે મોટી ક્ષતિ ધરાવે છે. એ સાચું, કે નૃત્ય કરીને કે કૂદીને ક્ષણિક આવેગ દ્વારા તે શક્તિ ઉપર ગતિ કરે છે. પરંતુ તે કદી સ્થિર-સ્થાયી નથી. ઊલ્ટાનું, તે જયારે પાછી ફરે છે ત્યારે સાધકમાં ભીષણ કામ-વાસના ઉત્પન્ન કરે છે. અમેરિકામાં મારાં ભાષણો સાંભળીને ક્ષણિક આવેશને લઈને અનેક શ્રોતાજનો પરમ આનંદની અવસ્થામાં આવી જતાં હતાં અને કેટલાંક તો પ્રતિમાની જેમ નિશ્ચલ અને સ્તબ્ધ બની જતાં હતાં. પરંતુ પૂછપરછ પછી મને જાણવા મળ્યું કે એવી અવસ્થા પછી તુરત જ કામવાસનાની વૃત્તિના અતિરેકથી તેઓ લેવાઈ ગયાં હતાં.”

માનસિક તૈયારી સિવાય ભગવાનનું નામ – સંકીર્તન કરવામાં આ જોખમ છે. તે ઊર્મિને એટલી બધી ઉત્તેજે છે કે તે મનને અત્યંત જોખમી એવી નીચેની સપાટીએ ખેંચી જાય છે અને તેનું આખરી પરિણામ લાભ કરતાં વધુ હાનિ છે. તેમ છતાં આમ કરવું તે ધાર્મિક બનવાનું અત્યંત અસરકારક સાધન અનેક જણા માને છે.

સંધ્યાવંદન અથવા કીર્તનને વિષે અમે જે કંઈ કહ્યું તે ઉપરથી એમ સમજવું ન જોઈએ કે અમે તેમનો વિરોધ કરીએ છીએ કે નિંદા કરીએ છીએ. આપણા મનની બધી અવસ્થાઓમાં તે બધું વધુ કે ઓછે અંશે અસરકારક છે અને જયારે મન શુદ્ધ અને પક્વ બને છે ત્યારે તે બધું નિ:શંક આધ્યાત્મિક પ્રગતિનું સબળ સાધન છે. પરંતુ આપણી વિદ્યમાન વિષયાસક્ત અવસ્થામાં તે બધું આપણને સાચા ધર્મ પ્રતિ દોરી જવા પૂરતું નથી.

* અધ્યાય શ્રીરામકૃષ્ણ જ્યોતના સપ્ટેમ્બરના ૧૯૯૧ના અંકમાં પ્રકાશિત થયો હતો.

ભાષાંતર: શ્રી યશસ્વીભાઈ . મહેતા
(‘Spiritual Practice’માંથી સાભાર)

Total Views: 31
By Published On: September 5, 2022Categories: Ashokananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram