ઈ.સ. ૧૮૮૧-૮૨ આસપાસ વિવેકાનંદ પોતાના ગુરુ પાસે ગયા. ત્યાં સુધી એમની પાસે ધર્મવિષયક કશી સ્પષ્ટ સમજણ ન હતી. ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી એમને એ સાંપડી. એ અનુસાર, (૧) બધા ધર્મો સત્ય છે ને ઈશ્વરને પામવાના જુદા જુદા માર્ગો છે. (૨) ઈશ્વર સાકાર અને નિરાકાર બંને છે અને તેથી પણ એ કશું વિશેષ છે. (૩) મૂર્તિ ઈશ્વરનું પ્રતીક છે. (૪) ઉચ્ચ-નીચના ભેદ, જ્ઞાતિભેદ સર્વ જૂઠા છે.

આ ચાર પાયાની વાતો ઉપરાંત, ‘શિવજ્ઞાને જીવસેવા’નો પરમમંત્ર પણ ગુરુએ પ્રબોધ્યો હતો.

ગુરુની મહાસમાધિના થોડા સમય પછીથી સ્વામી વિવેકાનંદની પરિવ્રજ્યા આરંભાઈ હતી. ૧૮૯૩ના મે માસ સુધી સ્વામીજી આસેતુહિમાચલ ફરી વળ્યા હતા અને, વેદોનો માત્ર પાઠ કરતા બ્રાહ્મણો, ઉપનિષદો અને વેદાંતને ગૂઢ રહસ્ય કહી એને ગોપિત રાખતા પંડિતો અને સંન્યાસીઓ, કેવળ ‘અડીશ-આભડીશ’ને ધર્મ માનતો સમાજ, અસ્પૃશ્યો, પ્રત્યે તિરસ્કારભર્યું વલણ, સ્ત્રીકેળવણીને નામે મીંડું, રાજધર્મવિમુખ રાજાઓ વગેરે બાબતનો એમને અનુભવ થયો હતો. હા, અપવાદરૂપ રાજવીઓ, કુશળ, સમજદાર અને લોકહિત ચાહતા દીવાનો, સમત્વની ઊંડી સમજવાળી ગાયિકા, ભૂખ્યાં દુખ્યાં, બેહોશ થઈ પડેલા પોતાને કાકડીનો રસ પાઈ હોશમાં લાવતા મુસલમાન ચાચા અને પુત્રવત્‌ પ્રેમથી રોટલો પીરસનાર રાંક ડોશીમા પણ તેમને સાંપડ્યાં હતાં. આ બધાં દર્શનની સાથે સ્વામીજીનું ચિંતન મનન ચાલું જ હતું. તેમાંથી માર્ગ જાણે કે દેશને દક્ષિણતમ છેડેથી, કન્યાકુમારીના મંદિરથી દૂર દરિયામાં આવેલા ટાપુ પરના ધ્યાનથી, તેમને લાધ્યો હતો. પ્રમદાદાસ મિત્ર, ઉમિયાશંકર, શંકર પા.પંડિત જેવી વ્યક્તિઓના સમાગમનો તથા તેમના પુસ્તકભંડારોનો લાભ પણ સ્વામીજીને મળ્યો હતો.

આ સર્વને પરિણામે સ્વામીજીની હિંદુધર્મ વિશેની સમજ કેટલી તો વિશદ અને સૂચ્યાગ્ર સમી થઈ હતી તે ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે શિકાગોની વિશ્વધર્મપરિષદમાં, સ્વાગતના પ્રત્યુત્તર તરીકે આપેલા ટૂંકા પ્રવચનમાં સ્વામીજીએ હિંદુધર્મ વિશે જે વાત કરી, તેના પરથી જોઈ શકાય છે.

બે ચાર લકીરની સહાયથી અનન્ય આકૃતિ રચતા જાપાની કલાકારની અદાથી, સ્વામીજીએ હિંદુધર્મનું જે ચિત્ર ઉપસાવ્યું તે નીચે મુજબ છે :

* ‘જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું.’ * ‘અમે સર્વધર્મોને સાચા તરીકે સ્વીકારીએ છીએ.’ * ‘અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસિતોને અને નિરાશ્રિતોને આશ્રય આપ્યો છે અને તે વાતનું મને અભિમાન છે.’ * ‘… જુદાં જુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય તો પણ, અંતે તો એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે.’ * ‘… મને, પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગો અંતે મારી ભણી વળે છે.’

પાંચેક મિનિટના આ ટૂંકા પ્રવચનમાં આ પાંચ બોધસૂત્રો દ્વારા, સ્વામીજીએ જાણે કે, સમગ્ર જગતને હિંદુધર્મ હસ્તામલકવત્‌ બનાવી દીધો.

અંગ્રેજીમાં નવ ભાગમાં પ્રકાશિત સ્વામીજીનાં ભાષાણો અને લેખો, પત્રો, કાવ્યો વગેરેમાંના ઘણા મોટા ભાગમાં સ્વામીજીએ એક યા અન્ય રીતે હિંદુધર્મની જ ચર્ચા કરી છે. સાન્ફ્રાન્સિસ્કોમાં, ૧૯૦૦ના એપ્રિલની ૮મીએ આપેલા, ‘ભાવિ ધર્મ શું વેદાંત છે?’ – પ્રવચનમાં સ્વામીજી કહે છે કે, ‘સ્રષ્ટા, ધાતા અને સંહર્તા વિભુ કંઈ વ્યક્ત ભગવાન નથી. એ તો સિદ્ધાંત સ્વરૂપ-Principle- છે. વેદાંત પ્રબોધે છે કે, ઈશ્વર સર્વભૂતોમાં છે, સર્વરૂપ થઈ રહેલો છે. આપણે સૌ અમૃતનાં સંતાનો છીએ. વેદો અને મૂર્તિઓથી આપણે ભલે આરંભ કરીએ પણ, આપણે ગ્રંથોની અને પ્રતીકોની પાર જવાનું છે.

વિશ્વધર્મપરિષદમાં હિંદુધર્મ વિશે એમણે જે મોટો નિબંધ રજૂ કર્યો હતો તેમાં, ‘પ્રેરિત વાર્તાલાપો’માં, કર્મયોગ, રાજયોગ ઈ. યોગના જુદા જુદા માર્ગો વિશે આપેલાં પ્રવચનોમાં તેમજ ૧૮૯૭માં ભારત આવ્યા પછી કોલંબોથી આલ્મોડા સુધીમાં વિવિધ સ્થળોએ સ્વામીજીએ આપેલાં પ્રવચનોમાં સ્વામીજીએ ધર્મની અને, ખાસ કરીને હિંદુધર્મની જ વાત કરી છે. મદ્રાસમાં ઘોષિત કરેલી પોતાની ‘સમર યોજના’ હોય કે ‘વેદાંત’ વિશેનું લાહોરનું અદ્‌ભુત પ્રવચન હોય, અત્રતત્રના કોઈ મુદ્દા પરના ભારના તફાવતને ગાળી નાખતાં, પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ પાસેથી પ્રાપ્ત થયેલી અને, જગતભરના ધાર્મિક તથા આધ્યાત્મિક સાહિત્યના પોતાના અધ્યયને તથા, જગતભરના પોતાના પરિભ્રમણ દરમિયાન પોતાને થયેલા અનુભવે ઘડાયેલી સ્વામીજીની માન્યતા, સ્વાગતના પ્રત્યુત્તર રૂપે આપેલા એમના પ્રવચનમાં સચોટરૂપે રજૂ થઈ છે.

સ્વામીજીનાં લાડકાં શિષ્યા ભગિની નિવેદિતાએ યોગ્ય જ કહ્યું છે કે ‘હિંદુધર્મ પોતાનું વહાણ લાંગરી શકે તેવા ખડક’ સ્વામીજી હતા. એ હિંદુધર્મ કયો? વિધર્મીઓની નિંદાનો, એમના દ્વેષનો કે એમના નિર્ઘૃણ નિકંદનનો ધર્મ એ નથી. અસ્પૃશ્યો, દલિતો, આદિવાસીઓની ઉપેક્ષાનો એ ધર્મ નથી. બીજા ધર્મોને હલકા ગણી એમને ઉતારી પાડવાનો ધર્મ એ નથી. પૂર્વજોની બડાઈનાં બણગાં ફૂંકવાનો ધર્મ એ નથી. જ્ઞાતિવાદને પોષવાનો ધર્મ એ નથી, કેવળ ટીલાંટપકાં અને બાહ્યાચારનો ધર્મ એ નથી. ‘હું હિંદુ છું’ માટે ગર્વ લેવાનો ધર્મ એ નથી. ‘યજ્ઞોમાં શ્રેષ્ઠ જ્ઞાનયજ્ઞ છે’, એમ ગીતામાં શ્રીકૃષ્ણે સ્પષ્ટ કહ્યા પછી, જાતજાતનાં દ્રવ્યો અને ઘીની આહુતિ આપીને કરાતા યજ્ઞોનો ધર્મ એ નથી. વિધર્મીઓનાં દેવસ્થાનો તોડી પાડનારાઓનો એ ધર્મ નથી.

પોતાના ગુરુ પાસેથી ધર્મવિષયક સૌથી મોટો પાઠ જે મળ્યો હતો તે હતો સર્વધર્મસ્વીકારનો, સર્વધર્મો પ્રત્યે આદરનો અને સર્વધર્મ સમન્વયનો. શિકાગોની વિશ્વધર્મપરિષદમાં એમણે સ્વાગતના પ્રત્યુત્તરરૂપે જે પ્રવચન આપ્યું તેથી જ એ એકદમ લોકપ્રિય થઈ ગયા તેની પાછળનું આ એક અગત્યનું કારણ હોઈ શકે. સ્વામીજીએ તે દિવસે પ્રવચન આપ્યું તેની પહેલાં કેટલાક ધર્મોના અને સંપ્રદાયોના કેટલાક પ્રતિનિધિઓ પ્રવચન કરી ગયા હતા. પણ એ દરેક વક્તાનું પ્રવચન અગાઉથી તૈયાર કરેલું, પોતાના જ ધર્મ કે સંપ્રદાયનાં ગુણગાન ગાતું કેવળ ઔપચારિક પ્રવચન હતું. કશી જ પૂર્વતૈયારી વગર એ પરિષદમાં ગયેલા સ્વામીજીએ, પ્રથમ તો, એમને બોલવાનું કહેવામાં આવતાં એમણે તે ઠેલ્યા કર્યું હતું – અને આખરે, વક્તા તરીકે એમનું નામ જાહેર કરાયું અને સરસ્વતીવંદના કરીને સ્વામીજી બોલવાને ઊભા થયા ત્યારે, ‘અમેરિકા વાસી બહેનો અને ભાઈઓ’, એ સંબોધનથી જ સભા એમની ઉપર મોહી પડી. કશી જ તૈયાર વગર, કાગળની ચબરખી વગર, એમના હૃદયમાંથી જે વાક્‌ગંગા વહી તેમાં સૌ શ્રોતાજનો નાહી રહ્યાં. બધા પુરોગામી ધર્મધુરંધરોના પાંડિત્યપૂર્ણ, પોતાના ધર્મ કે સંપ્રદાયની યશોગાથા ગાતા, પૂર્ણપણે ઔપચારિક એવા પ્રવચનને બદલે, સ્વામીજીએ અતિ સંક્ષેપમાં ઇતર ધર્મો પ્રત્યેના આદરની, તેમના સ્વીકારની અને એ ધર્માનુયીઓ પ્રત્યેના ઉદાર વર્તનના ઐતિહાસિક ઉલ્લેખોથી આરંભી, પુષ્પદંતના પ્રખ્યાત શિવમહિમ્ન સ્તોત્રના સાતમા શ્લોકના સાર્થ ઉલ્લેખથી લાલચો આપીને, તલવારને જોરે અને અસહિષ્ણુતા નિર્દેશ્યા વિના ધર્માન્તર કરાવતા હિંદુધર્મની વિશેષતા તેમણે ચીંધી બતાવી. પોતાના ટૂંકા પ્રવચનને અંતે સ્વામીજીએ એવી આશા પણ પ્રકટ કરી કે, અસહિષ્ણુતાનો, હિંસાનો, દુરાચારનો હવે મૃત્યુઘંટ વાગશે.

હિંદુધર્મનું આવું ઉદારતાભર્યું દર્શન નાનક અને કબીર પછી આપણને રામકૃષ્ણ-વિવેકાનંદમાં સાંપડે છે. એમના દર્શનમાં ભેદને સ્થાન જ નથી, ‘મ્લેચ્છો’ પ્રત્યે સૂગ નથી, અટકે અટકી જવાનું નથી, સમુદ્ર-ઉલ્લંઘનનો નિષેધ નથી. ૧૭૬૩માં અહમદશાહ અબ્દલી સામે લડતાં પાણીપતના યુદ્ધમાં મરાઠાઓ હાર્યા તેનું એક કારણ એ છે કે એમના લશ્કરમાં જ્ઞાતિવાર રસોડાં હતાં. ૧૮૯૩માં સ્વામીજી અમેરિકા ગયા એના થોડા સમય પૂર્વે પોંડીચેરીમાં કોઈ પંડિતે એમને કહ્યું હતું: ‘સમુદ્રોલ્લંઘનમ્‌ કદાપિ ના.’ આપણા ધર્મ ઉપર ભદ્રંભદ્રનું જાણે કે વર્ચસ્વ છવાઈ ગયું હતું. કનૈયાલાલ મુન્શીના શબ્દોમાં ફેરફાર કરી કહી શકાય કે, સ્મૃતિઓએ ધર્મને બાહ્યાચારના કરંડિયામાં પૂરી દીધો હતો. સીતાજીને એક જ લક્ષ્મણ રેખા હતી. સ્મૃતિઓએ અને ધર્મસિંધુઓએ એક બીજાને કાપતાં અનેક કુંડાળાઓમાં ધર્મને બાંધી રાખી, એને નિર્વીર્ય, નિસ્તેજ અને અકર્મણ્ય બનાવી દીધો હતો. પોતાના પ્રત્યક્ષ આચરણથી અને બોધથી શ્રીરામકૃષ્ણે અને પૂજ્ય શારદામાએ એ કુંડાળાં ભેદ્યાં હતાં. સ્વામી વિવેકાનંદની સિંહ ગર્જનાએ એ કુડાંળાંનો છેદ ઉડાડી દીધો. સમગ્ર હિંદુ સમાજને એક થવા તરફ દોર્યો, દરિદ્રને નારાયણને સ્થાને મૂક્યો, અસ્પૃશ્યતાની તોતિંગ દીવાલને ભેદી, સ્ત્રીઓને સમાન ગણી, કહેવાતા મ્લેચ્છોને અપનાવ્યા, ઉપનિષદોના નિર્ભયતાના સંદેશનો શંખનાદ ફૂંક્યો, હિંદુધર્મ પર લાગેલાં સદીઓનાં બાવાંજાળાં ખંખેરી નાખ્યાં, કર્મવાદની ખોટી સમજણને નામે સેવાવૃત્તિના જાગેલા સદંતર અભાવને હડસેલી, પીડિતોની સેવાને પ્રેરણા અને ઉત્તેજન આપ્યાં અને એ રીતે, અસ્પંદ બની ગયેલા હિંદુધર્મને પુન: સ્પંદિત કર્યો. ભગિની નિવેદિતાએ સાચું જ કહ્યું છે, વિવેકાનંદે માત્ર હિંદુ ધર્મનો પુનરુદ્ધાર નહિ, નવસર્જન પણ કર્યું હતું.

દુર્ભાગ્યે, આપણા રાજકારણે પાછી જ્ઞાતિવાદની દિવાલો ઊભી કરી છે અને ધર્મને નામે રાજકારણના આટાપાટા ખેલાઈ રહ્યા છે. વિવેકાનંદના વિશાળ અને ગહન સાહિત્ય સાગરના પ્રત્યક્ષ દર્શન વિના કે આચમન વિના, એમના શબ્દોને મારીમચડી, એના મૂળ સંદર્ભમાંથી ઊંચકી લઈ, વિવેકાનંદને કૂપમંડુક બનાવવાના, સર્વધર્મસમન્વયના, વિધર્મીઓ પ્રત્યે અને એમનાં દેવસ્થાનો પ્રત્યે આદરના, ઉપનિષદ પ્રેરિત હિંદુધર્મના અનુયાયી હોવા માટેના ગૌરવને બદલે સંકુચિતતા બદલ ગર્વના જે પ્રયત્નો થઈ રહ્યા છે, તેમને દૂર કરીને સ્વામી વિવેકાનંદના વિશાળ, સર્વગ્રાહી અને ઉદાર દર્શન તરફ દેશના ચિંતકો, દેશના ઘડવૈયાઓ અને દેશના યુવકો તરત વળશે એવી આશા રાખીએ.

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.