સ્વામીજી પોતાના પશ્ચિમના શિષ્યો સાથે ૧૮૯૮માં ફરી કાશ્મીરની બીજી વખતની મુલાકાતે ગયા. દિવસ હતો ૧૧મી જૂન, ૧૮૯૮. રસ્તામાં સ્વામીજી પોતાના શિષ્યો પાસે એક પછી એક ખજાનો ખોલવા લાગ્યા. પંજાબનો બહાદુરી ભર્યો ઇતિહાસ, હિંદુધર્મનાં અનેક પાસાંઓ, ભારતીય કલા, તાંત્રિક સાધના, અદ્રિતીય એવા એમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ અને બ્રહ્મવિઘા. આ હતાં એમના ખજાનાનાં અણમોલ રત્નો. એમના પશ્ચિમના શિષ્યોએ આવું ક્યારેય સાંભળેલું કે અનુભવેલું પણ નહિ. સિસ્ટર નિવેદિતાના શબ્દો સાંભળીએ: “પોતાની માતૃભૂમિની વિવિધતાભરી અનેક વાતો કરતા સ્વામીજી, કશું છુપાવતા પણ નહીં. નબળામાં નબળી બાજુ કે ખરાબમાં ખરાબ હકીકતો મુક્ત મને કહેતા અને સર્વોત્તમ બાબતો પણ ભારપૂર્વક રજૂ કરતા.”

આભને આંબતા પર્વતો અને આસપાસની હરિયાળીએ સ્વામીજીના શરીરના રોમરોમને શિવમય બનાવી દીધું. એમની દિવ્ય ચેતનામાં ‘શિવોહમ્’ ‘શિવોહમ્’નાં આંદોલનો ઊઠવા લાગ્યાં. ભોળા શંભુ આશુતોષ ભગવાન શિવે સ્વામીજીનો કબજો લઈ લીધો. શિવ વિષે બોલતાં એમણે એક વખત કહ્યું,“શિવ ખરેખર મહાન છે, પ્રશાંત, સુંદર અને સ્થિર અને હું એમનો પરમ ભક્ત છું.”શિવત્વને શિખરે પહોંચેલા સ્વામીજીને આસપાસની દુનિયાનું ભાન પણ નહોતું રહેતું. હિમાલયમાંથી નીકળતી નદીઓ, મહાકાય ધોધ, ખળખળ વહેતાં ઝરણાંઓ,પંખીઓના કલરવ સૌ શિવમય હતાં. શિવ સાથે નું અદ્ભુત તાદાત્મ્ય જોવા મળતું હતું.

૨૦મી જૂને સૌ ‘બારામુલ્લા’ પહોંચ્યાં. ‘વરાહ’અવતાર સાથે આ નામ જોડાયેલું છે. કાકાસાહેબ કાલેલકર આ જ જગ્યા વિશે પોતાના પુસ્તક ‘રખડવાનો આનંદ’માં, ‘શ્રીનગરને રસ્તે’ નામના પ્રકરણમાં લખે છે, “બારામુલ્લાનું વિચિત્ર નામ સાંભળી મારી સંશોધકવૃત્તિ જાગૃત થઈ, લાંબી-લાંબી દાઢીવાળા બાર મુલ્લાઓ અહીં રહેતા હશે એમ મેં કલ્પના કરી. આજે જ્યાં કાશ્મીરનો રમણીય પ્રદેશ છે ત્યાં પુરાણકાળમાં સતીસર નામનું સરોવર હતું. પાર્વતી પોતે આ સરોવરમાં વિહાર કરતાં, પણ પછી ઘણા રાક્ષસો આવી સરોવરમાં ભરાયા. તેથી દેવોએ સતીસરનો નાશ કરવા વિચાર્યું. ભગવાન કશ્યપે વરાહની ઉપાસના કરી. વરાહે સંતુષ્ટ થઈ પોતાની દાતરડી વતી પહાડમાં ખીણ પાડી અને સતીસરનાં પાણી‘વરાહમૂલમ’ની ખીણમાંથી વિતસ્થા નદીને રૂપે વહેવા લાગ્યાં. વિતસ્થા તે જ જેલમ; અને ‘વરાહમૂલમ્’ તે જ બારામુલ્લા.”

જૂન ૨૨થી જુલાઈ ૧૫નો સમય સ્વામીજીના શિષ્યો માટે અવિસ્મરણીય બની રહ્યો. તેઓ સૌ સ્વામીજી સાથે ‘હાઉસબોટ’માં જ રહ્યા. સ્વામીજીની દિવ્ય ચેતનાનો સ્પર્શ તેઓ સતત અનુભવતા અને તેમના અગાધ જ્ઞાનનો લાભ લેતા. કોઈવાર કનિષ્ક, કોઈવાર ભગવાન બુદ્ધ, કોઈવાર ચંગીઝખાન તો કોઈવાર આધ્યાત્મિક અનુભૂતિ વિશે વાતો કરતા સ્વામીજી થાકતા જ નહિ.

સ્વામીજીએ એકવાર ‘ક્ષીરભવાની’નાં મંદિરે જવાનો કાર્યક્રમ નક્કી કર્યો. સૌ શિષ્યો પણ સાથે થયા. ‘ક્ષીરભવાની’ મંદિરે બોટમાંથી નીચે ઊતરતી વખતે બુટ કે ચંપલ પહેરી મંદિરમાં ન દાખલ થવાય એ જાતનો આગ્રહ મુસ્લિમ નાવિકે રાખ્યો. સિસ્ટર નિવેદિતા આ પ્રસંગને સરસ રીતે મૂલવે છે, “So thoroughly Hinduistic is the Mohammedanism of Kashmir.” પંડિત જવાહરલાલ નહેરૂએ ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’માં આ જ બાબત કહેલી તે આપણે પહેલા ભાગમાં જોઈ ગયા. કાશ્મીરના મુસલમાનો ધર્મે મુસલમાન જરૂર છે; પરંતુ એમના ઘણાખરા રીતરિવાજો તેઓ હિન્દુલોકોના જ પાળે છે.

તેઓ શંકરાચાર્યના નામ સાથે જોડાયેલ ટેકરી ઉપર પણ ગયા. જ્યાં ‘જ્યેશ્વર’ મહાદેવનું મંદિર પણ આવેલું છે. પુરાણા સમયમાં રાજા ગોપાદિત્યે આ મંદિરનું નિર્માણ કરેલું. આ ટેકરી ‘તખ્તે સુલેમાન’ તરીકે પણ જાણીતી છે.

શ્રી અરવિંદ ઘોષને આ જ ટેકરી ઉપર પરમ શાંતિનો દિવ્ય અનુભવ થયેલો. કાકાસાહેબ કાલેલકર લખે છે,“શ્રીનગર પાસે બે સુંદર ટેકરીઓ છે. એક બહુ ઊંચી છે. બીજી ઊંચી નથી પણ પહોળી છે. ઊંચી ટેકરીને શંકરાચાર્ય ટેકરી કહે છે. મુસલમાનો તેને તખ્ત-ઈ-સુલેમાન કહે છે. ત્યાંથી ચારે તરફ દૂર સુધીનો દેખાવ અત્યંત ચિત્તાકર્ષક છે. એના ઉપર લગભગ ૨૦૦ વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે. સંભવ છે કે હિન્દુસ્તાનમાં આ જ સૌથી જૂનું મંદિર છે. પહોળી ટેકરીને ‘હરિપર્વત’ કહે છે.”

પરિભ્રમણના પાગલપનમાં સંપૂર્ણપણે નિમગ્ન હોવા છતાં સતત જાગૃત એવા સ્વામીજીએ ચોથી જુલાઈના રોજ એકાએક પોતાના હાથમાં અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સૌને આનંદમાં ગરકાવ કરી દીધા. તે દિવસ અમેરિકાનો આઝાદીનો દિવસ હતો. સ્વહસ્તે તૈયાર કરેલ રાષ્ટ્રધ્વજ, સ્વાતંત્રદિન ઉપર વિદેશી શિષ્યો પાસે રજૂ કરતા સ્વામીજીએ પોતેબનાવેલ કાવ્ય ‘To the fourth of July’માંથી થોડી પંક્તિઓ વાંચી સંભળાવી.“Behold the dark clouds melt away…” “જુઓ તો ખરા અંધાર ઓઢ્યાં વાદળાંઓ હવે વિખરાઈ રહ્યાં છે…” સૌ સ્વામીજી સાથે આનંદવિભોર થઈ ઊઠ્યાં.

૧૦ મી જુલાઈએ સ્વામીજી એકલા જ ‘અમરનાથ’ની યાત્રાએ રવાના થયા, પરંતુ બરફના તોફાનને લીધે તેઓ પાછા ફર્યા. ફરી તોફાન શાંત થતાં સૌ શિષ્યો સાથે ‘અમરનાથ’ જવા રવાના થયા. વેદિક વિધિઓ અને ક્રિયાકાંડો તેમજ રોમન કૅથૉલિકની વિધિઓ અને કર્મકાંડો વચ્ચે જ્યાં સમાનતા જોવા મળે છે તેની અદ્ભુત વાતો સ્વામીજીએ જ્યારે કરી ત્યારે બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.

અચબલ સુધી સૌ સાથે રહ્યાં. ત્યાર પછી ફક્ત સિસ્ટર નિવેદિતાને સાથે લઈ સ્વામીજી ‘અમરનાથ’ તરફ આગળ વધ્યા. ‘અમરનાથ’ની યાત્રાની શરૂઆતથી જ સ્વામીજીમાં અપાર ઉત્સાહ અને આનંદ દેખાવા લાગ્યા. વિશ્વભરનો એક અને અદ્વિતીય એવો આ આધ્યાત્મિક નેતા અમરનાથની યાત્રા વખતે ખરા અર્થમાં પરિવ્રાજક બની ગયો. દિવસમાં એક જ વખત જમવું, સતત જપ કરતા રહેવા, સાધુ સંતોનો સત્સંગ અને સમય મળે ત્યારે ધ્યાનમાં બેસવું – આ હતો એમનો યાત્રા- ક્રમ. સિસ્ટર નિવેદિતા યાત્રાનું વર્ણન કરતાં લખે છે, જુદાજુદા ધર્મના અને પંથનાં અનેક સાધુઓ ‘અમરનાથ’ની યાત્રામાં જોડાયેલા. પરંતુ આ બધામાં સ્વામીજીની અસર સર્વવ્યાપી અને ચુંબકીય હતી. સ્વામીજીના ધર્મો વિષેના ઉદાર વિચારો સાંભળી રૂઢિચુસ્ત સાધુ-બાવાઓ મોઢામાં આંગળાં નાખી દેતા. પશ્ચિમના રાષ્ટ્રોમાં પણ સ્વામીજીના સર્વદેશીય, સર્વગ્રાહી વિચારો ખ્રિસ્તી સાધુ-સાધ્વીઓને પણ વિચારતા કરી દેતા. પરંતુ ઈશ્વરના સંદેશવાહકો પયગંબરો તો વિશ્વના કલ્યાણ માટે પૃથ્વી ઉપર અવતરે છે, કોઈ એક રાષ્ટ્ર કે જાતિ માટે નહિ.”પરદેશી શિષ્યોને સાથે લઈ નીકળેલા સ્વામીજીને રૂઢિચુસ્ત સાધુસંતોનો કોઈ-કોઈ વાર સામનો પણ કરવો પડ્યો. મુસ્લિમ અમલદારો સ્વામીજીના ઔદાર્યથી પ્રભાવિત થઈ એમના શિષ્યો પણ બનીગયા.

‘અમરનાથ’ની યાત્રા એટલે સીધાં ચઢાણ. ૧૪૦૦૦ ફીટની ઊંચાઈ પર કડકડતી ઠંડી અને બરફનાં તોફાન વચ્ચે ‘અમરનાથ’પહોંચતા યાત્રિકો ડગલે ને પગલે મહાદેવની કૃપા યાચતા આગળ વધે છે. બરફીલી નદીમાં પવિત્ર સ્નાન કરતા, પ્રભુસ્મરણમાં રત સ્વામીજી ‘અમરનાથ’ની ગુફામાં પ્રવેશ્યા અને મહાદેવના બરફના લિંગને સાષ્ટાંગદંડવત્ પ્રણામ કર્યા. શરીરે ભભૂત લગાવી, ફક્ત લંગોટભર રહેલા આ તેજસ્વી સ્વામી મહાદેવના લિંગ સામે બે હાથ જોડી શાંતિથી ઊભા રહ્યા. સમાધિ અવસ્થામાં ગરકાવ થઈ ગયા. બળુકો બેટો – મહાબળુકા પિતા સમક્ષ આંખ મીંચી ઊભો રહ્યો. બાપબેટા વચ્ચે ક્યા પ્રકારનો મૌન વાર્તાલાપ થયો એ તો નશ્વર જગતના લોકો ક્યારેય નહીં જાણી શકે. અત્યંત નક્કર, સંગીન, રહસ્યમય અનુભૂતિ લઈ સ્વામીજી મંદિરની બહાર નીકળી ગયા. એક સેકંડ પણ વધુ સમય સ્વામીજી મહાદેવના લિંગ પાસે થોભ્યા હોત તો એમનો પંચ મહાભૂતનો દેહ ત્યાંજ પડી જાત. “તું પોતે જ્યાં સુધી દેહ છોડવાનું વિચારશે નહિ ત્યાં સુધી મૃત્યુ તારાથી દૂર રહેશે.” કંઈક આવું ‘સ્વેચ્છામૃત્યુ’વરદાન પ્રાપ્ત કરી સ્વામીજી પાછા ફર્યા.

બેલુરમઠમાં પાછા ફર્યા ત્યારે તેમના શિષ્ય શરદચંદ્ર ચક્વતિને ‘અમરનાથ’નો અનુભવ કહેતાં સ્વામીજીએ જણાવ્યું, “અમરનાથની યાત્રા પછી મને લાગે છે કે ચોવિસેય કલાક મહાદેવ મારા મસ્તક પર જ બિરાજે છે. હું માનુ છું કે હવે તે ક્યારેય નીચે નહિ ઊતરે.”

કાશ્મીરમાં રામકૃષ્ણ મઠનું કેન્દ્ર ઊભું કરવાના સ્વામીજીના પ્રયાસોને યારી ન મળી. અંગ્રેજ અમલદાર આલ્બર્ટ ટાલ્બૉટૅ કેન્દ્ર માટેની રજૂઆતનેસ્વીકારી નહીં. સ્વામીજીએ ‘જગદંબાની ઇચ્છા’ કહી ખૂબ જ શાંતિથી મનને વાળી લીધું.

અમરનાથની યાત્રા દરમિયાન ડગલે ને પગલે સ્વામીજીએ અને સિસ્ટર નિવેદિતાએ મોતનાં જ દર્શન કર્યાં. નીરવાંતિ, એકાંત અને હાડ ગાળી નાખતી ઠંડી, ઊંચાં-સીધાં ચઢાણો અને પાતળો થતો જતો પ્રાણવાયુ, સાંકડા રસ્તાઓ અને ચક્કર આવી જાય એવી ઊંડી ખીણો અને વધારામાં બરફનાં તોફાનો. આ બન્ને યાત્રિકોને ખ્યાલ આવ્યો કે, મૃત્યુની ભૂમિમાંજ અમરત્વનો છોડ પાંગરી શકે છે, મૃત્યુની ગોદમાં જ ‘અમરત્વ’શિશુ સ્વરૂપે વિકાસ પામે છે અને મૃત્યુને દ્વારેથી જ ‘અમરત્વ’ના રાજભવનમાં પ્રવેશ મળે છે.

અમરનાથની યાત્રા પૂરી થઈ એટલે સ્વામીજીને ફરી એકવાર ‘ક્ષીરભવાની’ માતાનાં દર્શનની લગની લાગી. યાત્રા દરમિયાન સતત માતાજીની હાજરી તેઓ અનુભવતા હતા. એ અનુભૂતિને આધારે જ દિવ્યસ્થિતિમાં એમણે ‘Kali : the Mother’નામનું ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય થયેલ કાવ્ય રચ્યું :

ધ્વંસ તારું જ નામ,
મૃત્યુ તારો જ શ્વાસ
તારા એક જ ડગલે
થાય, વિશ્વ તણો વિનાશ
For terror is thy name,
Death is in thy breath and every
shaking step,
destroys the world forever.

સંદર્ભ

Editorials – Prabudhha Bharata
રખડવાનો આનંદકાકાસાહેબ કાલેલકર

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.