ઈ.સ. ૧૮૯૦માં જયારે હું કલકત્તાની રીપન કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે મારા સદ્નસીબે મને શ્રીરામકૃષ્ણદેવ વિષે જાણવાની ઉત્કંઠા થઈ. મારા કેટલાક સહાધ્યાયીઓ અને મિત્રો સાથે હું તે વર્ષના ઑગષ્ટ માસમાં કાંકુડગાછી (પૂર્વ કલકત્તા)માં મંદિરના સ્થાપના વર્ષની ઉજવણી નિમિત્તે ગયેલો. ત્યાં અમે શ્રીરામકૃષ્ણદેવના મહાનતમ શિષ્યોમાંના એક સ્વ. રામચંદ્ર દત્ત પાસેથી શ્રી ઠાકુર વિષે સૌ પ્રથમ સાંભળ્યું. શ્રીરામકૃષ્ણદેવ તરફની તેમની ભક્તિ અનન્ય હતી. ફક્ત થોડા લોકો કે જેઓ તેમને અંગત રીતે જાણતા તે લોકો જ તે ભક્તિની પ્રશંસા કરી શકે. આપણે ઘણીવાર આ શ્લોક બોલતા હોઈએ છીએ “त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बंधुः च सखा त्वमेव। त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्व मम देव देव।।” પરંતુ રામબાબુ તો એવા લોકોમાંના એક હતા જેમણે તેના સાચા અર્થને આત્મસાત કર્યો હોય. એમને માટે તો ખરેખર શ્રી રામકૃષ્ણદેવ એમનું ‘સર્વસ્વ’ જ હતા. તેમણે શ્રીરામકૃષ્ણદેવ સિવાય બીજા કોઈ ઈશ્વરની ઉપાસના નથી કરી, કાંકુડગાછી કે જ્યાં શ્રીરામકૃષ્ણદેવના પાર્થિવદેહના પવિત્ર અસ્થિ રાખવામાં આવ્યા છે, તે મંદિર સિવાય બીજા કોઈ મંદિરની મુલાકાત તેમણે ક્યારેય નથી લીધી. તેમજ શ્રીઠાકુર પાસેથી સાંભળેલી વાતો સિવાય બીજા કોઈપણ ધાર્મિક સિદ્ધાંતો કે ઉપદેશો ક્યારેય પણ વાચ્યાં નથી કે નથી તેનો ઉપદેશ આપેલો.

માસ્ટર મહાશય (મહેન્દ્રનાથ ગુપ્ત) અમારા પ્રાધ્યાપક હતા. અમે સાંભળ્યું કે તેઓ પણ શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય હતા. એક દિવસ અમે તેમની પાસે જઈ અમારી પોતાની ઓળખાણ આપી, શ્રીરામકૃષ્ણદેવ વિષે થોડી વાતો કરી. તેમણે અમને શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો જયાં રહેતા હતા તે વરાહનગર મઠે જવાનું કહ્યું. સ્વભાવે તેઓ ખૂબ જ ઓછાબોલા હતા પણ અમારા તરફ ખૂબ જ પ્રેમાળ અને આત્મીય હતા. અને પોતાના કુટુંબમાં રહેતા એક ભક્ત તેમજ જેણે ધર્મની સાધના કરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પી જગતનો ત્યાગ કર્યો છે તેવા એક ત્યાગી શિષ્ય – એ બંને વિષે તેઓ પોતાનો એક સ્પષ્ટ, નિષ્કપટ અભિપ્રાય ધરાવતા હતા. આ બંને પ્રકારની વ્યક્તિ વિષે તેઓ આ પ્રકારની ઉપમાનો ઉપયોગ કરતા પહેલા પ્રકારની વ્યક્તિ – તદૃન પાકેલી છતાં ‘ખાટી કેરી’ જેવી, જયારે બીજા પ્રકારની વ્યક્તિ (સંન્યાસી) ઉચ્ચત્તમ ગુણવત્તા ધરાવતી કેરી (ફઝલી અથવા લંગડા) જેવી જે હજુ પાકી નથી તેના જેવી કહેવાય. માસ્ટર મહાશયની છણાવટ બિલકુલ જ સ્પષ્ટ હતી. તેમણે વધારામાં એમ પણ કહેલું કે જો અમારે શ્રીરામકૃષ્ણદેવે પ્રબોધેલા ઉપદેશના જીવતા-જાગતા દાખલા જોવા હોય તો અમારે મઠની મુલાકાત લેવી જ જોઈએ.

ત્યારબાદ થોડા જ સમયમાં અમે મઠની મુલાકાતે ગયા. અમારી પહેલી મુલાકાતનો દિવસ અઠવાડિયાના ચાલુ દિવસે જ હતો, કેમકે અમે કૉલેજથી છૂટી સીધા જ ત્યાં ગયેલા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે બપોરે લગભગ ત્રણ વાગવા આવેલા. પહેલાં અમે શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદજી)ને મળ્યા. તેઓ અમને જોઈને આનંદિત થયા અને અમારા વિષે પૂછવા માંડ્યા. જયારે તેમણે જાણ્યું કે અમે વિદ્યાર્થીઓ છીએ, ત્યારે તેમણે અમને થોડા પ્રશ્નો પૂછી અને અમારા અભ્યાસની અવગણના નહિ કરવા કહ્યું. અમે પાંચ-છ વાગ્યા સુધી ત્યાં રોકાયા. ચાર વાગ્યે મંદિર ખુલ્યું ત્યારે તેઓ અમને ત્યાં લઈ ગયા, વેદી ઉપરથી થોડાં ફૂલો લઈને તે તથા પ્રસાદ, જે અમારા માટે અમૂલ્ય ગણાય, તે આપ્યાં. અમે પલંગ ઉપર રાખેલા શ્રીરામકૃષ્ણદેવના ચિત્ર તથા વેદી પર રાખેલા પવિત્ર અસ્થિકુંભના લાકડાના ઘટને પ્રણામ કર્યા. બીજા પણ ચાર-પાંચ સ્વામીજીઓ હતા. અમે તે બધાને એક પછી એક એમ પ્રણામ કર્યા. તેઓ બધા જ અમારી સાથે પ્રેમથી બોલ્યા અને અમને પોતપોતાની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા. અમે જયારે પાછા જવા નીકળ્યા ત્યારે બધાએ અમને ફરીથી આવવા કહ્યું. અમે ઘરે પાછા ફર્યા અને આખો વખત તે અદ્ભુત મુલાકાત – સ્વામીજીઓનો ત્યાગ અને મઠના શાંત વાતાવરણ વિષે જ વાતો કર્યા કરી.

તે વખતે માસ્ટર મહાશય કલકત્તામાં કાંબુલિયાટોલામાં રહેતા હતા. ઘરે પાછા ફરતી વખતે અમે તેમને ત્યાં ગયા અને મઠની અમારી મુલાકાત વિષે વાત કરી. તેમણે તે માટે અમને અભિનંદન આપ્યા અને ત્યાં વારંવાર જઈ, સ્વામીજીઓની વ્યક્તિગત સેવા કરવા પ્રેરિત કર્યા. તે લોકોને મળીને તેમની સેવા કરવી તે તેમના માટે જાણે કે ખુદ શ્રીરામકૃષ્ણદેવને મળવા અને સેવા કર્યા બરાબર હતું.

સ્વામી વિવેકાનંદજી તે વખતે ઉત્તરપ્રદેશની યાત્રાએ ગયેલા. આ વખતે તેઓ એટલું એકાંત ઇચ્છતા હતા કે તેઓ ભાગ્યે જ મઠના તેમના ગુરુભાઈઓને પત્ર લખતા. ખરેખર તો એક કે બે વર્ષ સુધી કોઈને તેઓ ક્યાં છે તે પણ ખબર નહોતી.

શશી મહારાજ, બાબુરામ મહારાજ, મહાપુરુષજી, યોગેન મહારાજ, કાલી મહારાજ અને નિરંજન મહારાજ એ વખતે મઠમાં જ રહેતા હતા. એ બધા અમને શ્રીરામકૃષ્ણદેવના સ્વામીજી પ્રત્યેના અને સ્વામીજીના શ્રી ઠાકુર માટેના પ્રેમ વિષે વાતો કરતા. તેમાંના કેટલાકે તો અમને એવી ખાતરી પણ આપેલી કે સ્વામીજી જ્યારે મઠમાં પાછા ફરે ત્યારે અમને સંન્યાસદીક્ષા આપવા રાજી થશે.

આ વાત થઈ તે પહેલાં, આશ્ચર્ય સાથે મારે કહેવું રહ્યું કે થોડાં વર્ષો પહેલાં (કદાચ તો ઈ.સ. ૧૮૮૭માં) જયારે હું બાઉબજાર શાખાની મૅટ્રૉપોલીટન શાળાનો વિદ્યાર્થી હતો ત્યારે મેં સ્વામીજીને જોયેલા, કે જેઓ તે શાળામાં થોડો સમય હેડમાસ્ટર તરીકે હતા. હું નીચલા ધોરણમાં ભણતો હોવાથી સ્વામીજી અમારો વર્ગ લેતા હોય તેવો લ્હાવો મને મળેલો નહિ, પરંતુ લગભગ દરરોજ હું અમારા વર્ગખંડની બારીમાંથી તેમને સ્કૂલના ચોગાનમાં પ્રવેશતાં નીરખતો. હજુ પણ તે દ્રશ્ય મારી આંખો સામે તરી આવે છે. તેઓ લેંઘો-ઝભ્ભો પહેરતા અને ખભાની આસપાસ લગભગ છ ફુટ લાંબી ચાદર વીંટાળતા. એક હાથમાં છત્રી અને બીજા હાથમાં ચોપડી રાખતા – સંભવિત છે કે તે એન્ટ્રન્સ ક્લાસનું પાઠ્ય-પુસ્તક હોય. તેજસ્વીઆંખો અને હસમુખા ચહેરાવાળા સ્વામીજી એટલા તો અંતર્મુખી લાગતા કે કેટલાક તેમના આવા પ્રભાવી વ્યક્તિત્વથી તેમના તરફ આકર્ષાતા, જયારે કેટલાક તો તેમના આવા એકદમ જ ગંભીર અને આદરસૂચક વ્યક્તિત્વથી તેમની નજીક જવાની હિંમત જ કરતા નહિ. એ તો જ્યારે હું વરાહનગર મઠમાં આવ્યો ત્યારે જ મને ખબર પડી કે તે મહાન હેડમાસ્તર કે જેણે મને આટલો બધો પ્રભાવિત કરેલો તે સ્વામીજી પોતે જ હતા.

અમેરિકા અને યુરોપમાં પોતાનું કાર્ય પતાવી સ્વામીજી ઈ.સ. ૧૮૯૬માં ડિસેમ્બર માસમાં ભારત પાછા ફર્યા. જાન્યુઆરીમાં તેઓ કોલંબો ઊતર્યા અને ૧૮૯૭ના ફેબ્રુઆરી માસમાં કલકત્તા આવ્યા. એ વખતે હું કલકત્તાની પશ્ચિમે ૨૦ માઈલ દૂર આવેલા મારા ગામની નજીકના એક ગામડામાં માધ્યમિક શાળામાં શિક્ષક હતો. શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિપૂજાની ઉજવણી એ વખતે દક્ષિણેશ્વર ઉદ્યાનગૃહના પટમાં થતી. જયારે બધા સ્વામીજીઓ દક્ષિણેશ્વરથી બે માઈલ દૂર આવેલા આલમબઝાર મઠમાં રહેતા હતા. એ વર્ષે શ્રીઠાકુરની જન્મતિથિ દર વર્ષની જેમ ફેબ્રુઆરીના છેલ્લા અથવા માર્ચના પહેલા અઠવાડિયામાં હતી. તેના આગલા દિવસે જ હું મઠમાં આવેલો. તે દિવસે શિનવાર હતો. અત્યારે જેમ જન્મતિથિપૂજા પછી આવતા રવિવારે જાહેર ઉત્સવ રખાય છે, તેમ તે વખતે જાહેર ઉજવણી શનિવારે રાખતા.

એ વખતે સ્વામીજી થોડા સમય માટે મઠથી ત્રણ માઈલ દૂર ગંગાકિનારે આવેલા એક મકાનમાં રહેતા હતા. રવિવારે વહેલી સવારે મેં તેમને ત્યાં જોયા. હું ત્યાં પહોંચ્યો ત્યારે લગભગ છ વાગ્યા હતા. હજુ અંધારું હતું. સ્વામીજી વહેલા ઉઠનાર હતા. પહેલાં તેમણે મને પોતાના ઓરડાની બારીમાંથી જોયો અને નીચે આવી દરવાજો ખોલ્યો. મેં તેમને નમસ્કાર કર્યા અને જાણે કે મને ઘણા વખતથી ઓળખતા હોય તે રીતે તેમણે મને આવકાર્યો. મારી સાથે એમણે ખૂબ ઉમળકાથી વાતો કરી અને મને પાણીનો એક પ્યાલો લઈ આવવા કહ્યું. એ વખતે તેઓ મોં ધોઈ રહ્યા હતા. તેઓ એ જાણીને ખુશ થયા કે હું પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને તે માટે મને આશીર્વાદ પણ આપ્યા. મહાપુરુષજી (સ્વામી શિવાનંદજી શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ) પણ ત્યાં હતા. તેમણે સ્વામીજીને મારી ઓળખાણ આપતાં કહ્યું કે જે યુવાન છોકરાઓ ઘણા વર્ષોથી મઠમાં આવે છે, તે માંહેનો આ એક છે અને સંઘમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ સાંભળી સ્વામીજી બોલ્યા કે તેઓ નજીકના ભવિષ્યમાં મને સંન્યાસદીક્ષા આપશે. આ શબ્દો સાંભળી મને મારા સ્વપ્નના સાકાર થવાની આશા વધુ ચોક્કસ થતી લાગી.

જાહેર ઉત્સવના થોડા દિવસ પહેલાં – સંભવિતપણે તે શ્રીરામકૃષ્ણદેવની તિથિપૂજાનો જ દિવસ હતો -સ્વામીજીએ ચાર બ્રહ્મચારીઓને સંન્યાસદીક્ષા તેમજ એક-બે ભક્તોને મંત્રદીક્ષા આપી. લગભગ આઠ વાગે તેઓ મઠમાં આવ્યા. હું પણ તેમની પરવાનગીથી તેમની સાથે જ તેમની ગાડીમાં આવેલો. આવી, થોડીવાર પછી સ્નાન કરી અને તેઓ મંદિરમાં ધ્યાન માટે ગયા. અમે પણ તેમની પાછળ ત્યાં ગયા. એ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી પ્રસંગ હતો.

લગભગ ૧૧ વાગે તેઓ દક્ષિણેશ્વર ઉદ્યાનગૃહના મંદિરે કે જયાં શ્રીઠાકુરનો જન્મતિથિમહોત્સવ જાહેરમાં ઉજવવાનો હતો, ત્યાં ગયા. ઉદ્યાનગૃહમાં મોટો માનવસમુદાય એકઠો થયેલો. આ માનવમહેરામણ ઉમટવાનું બીજું કારણ સ્વામીજીની હાજરી પણ હતી. ઘણા લોકોએ સ્વામીજીને પંચવટી પાસે પ્રવચન આપવા વિનંતી કરી. પરંતુ સ્વામીજીને જોઈને લોકો આનંદના અતિરેકમાં એટલા તો ઉત્સાહીત હતા અને અવાજ કરી રહ્યા હતા કે સ્વામીજીને પ્રવચન આપવું અશક્ય લાગ્યું. લગભગ એક વાગે તેઓ આરામ કરવા મઠમાં પાછા ફર્યા. મેં આખો દિવસ તેમની સાથે રહીને, એક સેવકની જેમ તેમની નાની એવી પણ સેવા કરવાનો લાભ લઈ લીધો. તે ખરેખર મારા જીવનનો એક અદ્ભુત દિવસ હતો. જેની છાપ તો મારી યાદદાસ્તમાં કાયમી થઇ ગઈ છે. હજુ પણ જયારે હું તેના વિષે વિચારું છું તો તે દિવસ મેં અનુભવેલી આનંદની લહેરી હું અત્યારે પણ અનુભવી શકું છું.

બીજે દિવસે ઘણી અનિચ્છા છતાં મારે મારી શાળાની ફરજો બજાવવા પાછા ફરવાનું હતું. આ વિરલ પ્રસંગજન્ય હૃદયના આનંદ અને અહોભાગથી મળતી લાગણીભીની ભાવના એ પ્રસંગ પછી પણ ઘણા દિવસો સુધી મારા-હૃદય મનમાં જડાયેલાં રહ્યા. મને એવી ઇચ્છા થયા જ કરતી કે હું ફરીથ સ્વામીજીને મળી, તેમની વધુ કૃપા અને માર્ગદર્શ માટે તેમના ચરણે બેસી રહું.

અનુવાદક:
કુ. સીમા કે. માંડવિયા

(અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત પુસ્તક “Reminiscences of Swami Vivekananda”માંથી સાભાર)

Total Views: 46
By Published On: September 5, 2022Categories: Bodhananda Swami0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram