સુખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ પોતાના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથમાળા ‘The Story of Civilization’માં એક ઘણું મહત્ત્વનું અને સૂચક નિરીક્ષણ કર્યું છે : ‘વૈદિક સમયથી માંડીને આજ સુધીમાં કોઈ પણ હિંદુએ કરેલ ઉપદેશ કરતાં વધારે, પૌરુષભરી શ્રદ્ધાપૂર્ણ ભાવનાઓનો ઉપદેશ સ્વામી વિવેકાનંદે પોતાના દેશબાંધવોને કર્યો છે.’

સદીઓથી ગુલામી અને અન્ય સંસ્કૃતિના આક્રમણોથી પીડિત અને કચડાયેલી હિંદુજાતિને ફરીથી જગાડવા માટે કેવી કેવી અવતારી શક્તિઓની જરૂર પડી હશે એની આપણે સારી રીતે કલ્પના કરી શકીએ છીએ. એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણનું અવતરણ કોઈ આકસ્મિક ઘટના ન હતી. તેઓ તો સર્વધર્મની જનની એવા હિંદુધર્મના પુનરુત્થાન માટે અવતર્યા હતા. આ મહાકાર્ય માટે એમણે એક અડગ યોદ્ધા જેવા પોતાના શિષ્ય નરેન્દ્રનાથ પર પસંદગી ઉતારી. આ મહાપ્રતિભાવાન વિરાટ યુગનાયકે પોતાના એકલે હાથે, પોતાની સર્વશક્તિઓ સાથે પશ્ચિમ અને ભારતમાં સર્વત્ર વિરોધ કરતાં વિપરિત પરિબળો અને સનાતન હિંદુધર્મના અસ્તિત્વને પણ ભૂંસી નાખવાનો પ્રયત્ન કરતી દુર્ભાવનાવાળી શક્તિઓ સામે સતત લડતા રહ્યા. સી. રાજગોપાલાચારીએ યોગ્ય રીતે કહ્યું છે : ‘સ્વામી વિવેકાનંદે હિંદુધર્મને બચાવ્યો છે અને ભારતને પણ બચાવ્યું છે. તેમના વગર આપણે આપણો ધર્મ ગુમાવી બેઠા હોત, અને તેમના વગર આપણને આઝાદી પણ ન મળી હોત. એથી આ બધા માટે આપણે સ્વામી વિવેકાનંદના ઋણી છીએ. તેમની શ્રદ્ધા, તેમનો ઉત્સાહ અને તેમનું શાણપણ આપણને પ્રેરણા આપતાં રહો જેથી આપણે તેમની પાસેથી મેળવેલા ખજાનાને સુરક્ષિત રાખી શકીએ.’

પોતાના વિશ્વવિજય કરવાના મિશનને ચાલુ રાખવાનું ભારતીઓને એ જવાબદારીપૂર્ણ કાર્ય સોંપી જનાર એક મહાન ધૂમકેતુ જેવી મહાપ્રતિભા ધરાવનાર મહામાનવ સ્વામી વિવેકાનંદની મહાસમાધિને ૧૦૦ વર્ષ વીતી ગયાં છે. કેવા વિશ્વવિજયની એમણે સંકલ્પના કરી હતી અને આપણને સોંપાયેલી એ મશાલને જાળવી રાખવા અને તેનો પ્રકાશ સર્વત્ર પહોંચાડવાના કાર્યમાં આપણે કેટલે અંશે સફળ થયા છીએ? સ્વામી વિવેકાનંદે કલ્પેલા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિશ્વવિજય પ્રાપ્ત કરવામાં ભારતવર્ષ કેટલે અંશે સફળ થયું છે તેનું મૂલ્યાંકન કરીએ તે પહેલાં કેટલાક અગત્યના મુદ્દાઓને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ.

વિશ્વસંસ્કૃતિ અને તેમાંય ખાસ કરીને જ્યારે આપણે સાંસ્કૃતિક ચેતોવિસ્તાર કે સભ્યતાના વિકાસ અને પ્રસારની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સો વર્ષ એ ઘણો ટૂંકો સમયગાળો કહેવાય. સ્વામીજીએ એક પયગંબરની ભાષામાં એવી ઉદ્‌ઘોષણા કરી હતી : મેં વિશ્વને આવતાં ૧૫૦૦ વર્ષ સુધી વિચાર-આદર્શભાથું આપી દીધું છે. બીજું આપણે લશ્કરી તાકાત કે બળથી વિજય મેળવવાની વાત કરતા નથી. આવો વિજય ભલે ધૂમકેતુ જેવો લાગે પણ તે અલ્પજીવી હોય છે. સંસ્કૃતિ અને સભ્યતાઓ તો ઘણી આવી અને ગઈ. ક્યારેક તેમનો પ્રસાર તલવાર કે બંદૂકની અણીએ કે લોહીયાળ ક્રાંતિથી થયો છે. પરંતુ આ બધી સંસ્કૃતિઓ ક્ષણજીવી બની રહી અને પોતાના વિનાશના માર્ગે દોડી ગઈ. જે તલવારથી ઉદ્‌ભવે છે અને વિકસે છે તે તલવારથી જ વહેલું કે મોડું વિનાશ પામે છે. ઇતિહાસ પોતાનો સમય પ્રમાણે ચાલે છે અને ઇતિહાસના પ્રતિશોધમાંથી કોઈ મુક્ત રહી શકતું નથી. પરંતુ સનાતન હિંદુધર્મ આજ સુધી ટકી રહ્યો છે અને આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક વિશ્વવિજય મેળવવા તેમજ તેના પ્રભાવને સમગ્ર વિશ્વમાં વિસ્તારવા હજુ શાશ્વતકાળ સુધી ટકી રહેશે. એનું કારણ એ છે કે પોતાના સમગ્ર ઇતિહાસમાં ઘણાં ઘણાં વિઘ્નો આવવા છતાં પણ સર્વને પોતાનામાં સમાવી લેતા આ શાશ્વત વૈદિકધર્મે કોઈ પણ લાલસામાં લપેટાવાનો સદૈવ ઇન્કાર કર્યો છે તેમજ જીવનનાં શાશ્વત સત્યોના પથને અને પોતાના શાંતિના પથ પર આધારિત વૈશ્વિક સ્વરૂપને ક્યારેય ત્યજી દીધું નથી. સ્વામીજી કહે છે: ‘દુનિયાના અન્યભાગોમાં પણ સંસ્કૃતિઓ પેદા થઈ છે. પ્રાચીન તેમજ અર્વાચીનકાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાંથી મહાન વિચારો ઉદ્‌ભવ્યા છે… પ્રાચીન તેમજ અર્વાચીનકાળમાં રાષ્ટ્રિય જીવનની આગળ ધસમસતા જુવાળ દ્વારા મહાન સત્ય અને શક્તિનાં બીજો વવાઈ ચૂક્યાં છે. પરંતુ, મારા મિત્રો! તમે યાદ રાખજો કે એ બધું હંમેશાં યુદ્ધનાં રણશીંગાંનાં તુમુલ શબ્દે અને લશ્કરનાં ધાડાંની કૂચ વડે જ હાંસલ કરવામાં આવ્યું છે. દરેક વિચારને લોહીના ધોધ વડે નવડાવવો પડ્યો હતો… એથી યે પૂર્વે જ્યારે ઇતિહાસનો કશો ઉલ્લેખ મળતો નથી અને અતિદૂરના ભૂતકાળના ગાઢ અંધકારમાં ડોકિયું કરવાની પુરાણોની પરંપરાની પણ હિંમત ચાલતી નથી, એ કાળથી તે અત્યાર સુધીમાં, આ ભૂમિમાંથી વિચારો પાછળ વિચારો આવતા જ ગયા છે. પરંતુ એકેએક શબ્દના ઉચ્ચારની પાછળ આશીર્વાદ અને આગળ શાંતિ રહેલાં છે. દુનિયાની બધી પ્રજાઓમાં આપણે જ એવા છીએ કે જેઓ કદી પણ વિજેતા તરીકે આગળ આવ્યા નથી; એ આશીર્વાદો આપણા પર વરસ્યા છે એટલે જ આપણે હજુ જીવતા છીએ.’(સ્વા.વિ.ગ્રં.મા.: ભા.૪,પૃ.૩-૪)

જ્યાં સુધી હિંદુઓ સત્યને વળગી રહેશે અને વેદકાલીન આપણા ઋષિઓએ શોધેલા શાશ્વત સિદ્ધાંતોને વળગી રહેશે ત્યાં સુધી તેઓનો કોઈ વિનાશ કરી શકશે નહિ. પરંતુ જો હિંદુઓ ક્ષણિક લાભ કે ફાયદા માટે રૂઢિગતપૂર્વગ્રહો અને સંકુચિત મતવાદોના પંજામાં સપડાશે તો બચી શકવાની આશા રાખી શકે નહિ.

શિકાગોમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક વિજય પછી પશ્ચિમના દેશોમાં ઘણા હિંદુ ગુરુઓ સાથે હિંદુ સંસ્કૃતિની આધ્યાત્મિક સાધનાના બહિરંગ જેવા કે પ્રાણાયામ, યોગાસનો અને ધ્યાનના પેકેજ પહોંચી ગયા છે. પણ આપણે એમ ન કહી શકીએ કે ભારતનો પશ્ચિમના જગત પરનો સ્વામીજીએ કલ્પેલો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિજય થઈ ચૂક્યો છે કે હિંદુધર્મની આધ્યાત્મિકતાના પ્રસારનું સ્વામીજીએ સેવેલું સ્વપ્ન સાકાર થયું છે. આનાં અનેક કારણોમાંનું એક કારણ એ છે કે વિદેશમાં જનારા આપણે સૌ આવા સ્વામીજીએ કલ્પેલા સાંસ્કૃતિક આધ્યાત્મિક વિજય માટે સુસજ્જ અને સાચા અધિકારી બનીને જઈએ છીએ ખરાં? અને વિશ્વવિજય કરતા પહેલાં જ્યાં હિંદુધર્મનું ઉદ્‌ગમ સ્થાન છે એવી ભૂમિ ભારતમાં હિંદુધર્મનું બધું ઠીકઠાક કે સમુસુતર છે ખરું? સ્વામી વિવેકાનંદ સૌ પ્રથમ તો ભારતમાં હિંદુધર્મને સુવ્યવસ્થિત રીતે સુસંગઠિત કરવો જોઈએ એમ ઇચ્છતા હતા. સ્વામીજી ઇચ્છતા હતા કે ધર્મ અને આધ્યાત્મિકતાથી ભારતને ભરપૂર ભરી દેવો જોઈએ. એક જ આધ્યાત્મિક સત્યને ઉચ્ચારતા હિંદુધર્મના વિવિધ આધ્યાત્મિક બળોને એકત્રિત કરીને તેઓ એક સૂરીલા બનીને વહે તેવું તેઓ ઇચ્છતા હતા. વૈદિક આધ્યાત્મિક સૂર એવો સૂર છે કે જે હિંદુધર્મનો આધારભૂત સૂર છે. આ બાબતમાં જ્યાં સુધી આપણને સારી એવી સિદ્ધિ ન સાંપડે ત્યાં સુધી આપણે વિશ્વવિજય પ્રાપ્ત કરવાની અપેક્ષા ન રાખી શકીએ. હિંદુધર્મની સર્વસામાન્ય આધારશીલાઓના આદર્શોનું ઉદ્‌બોધન કરવાના પ્રયત્નોમાં, વેદો પ્રત્યેનાં શ્રદ્ધાપ્રેમ જગાડીને હિંદુધર્મની એકતા પ્રસ્થાપિત કરવાની તીવ્રઇચ્છા સાથેના વિચારોથી એમનાં મનહૃદય વ્યાપ્ત રહેતાં. આવી મન:સ્થિતિમાં એમણે આ ધરતી પર પોતાના છેલ્લા દિવસો પસાર કર્યા હતા. હિંદુધર્મની આ આધારશીલા અને તેના આદર્શો એ સમયમાં અને આજે પણ વેરવિખેર અવસ્થામાં છે અને સાંપ્રદાયિકતામાં વિભાજિત બની ગયા છે એટલું જ નહિ, આ બધી સાંપ્રદાયિક પ્રણાલીઓ ક્યારેક ક્યારેક તો એકબીજાની પ્રતિરોધી હોય એવું લાગે છે. સ્વામીજી જાણતા હતા કે આ બધું – હિંદુધર્મને સાર્વત્રિક રીતે સુસંગઠિત કરવું એ ભગીરથકાર્ય છે. પરંતુ એ સિવાય બીજા કોઈ વિકલ્પ નથી. હિંદુધર્મને શાશ્વત રાખવા માટે આ સિવાય બીજો કોઈ માર્ગ પણ નથી. પોતાના ‘હિંદુધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામના લેખમાં તેઓ કહે છે: ‘વિશ્વધર્મનું સમર્થન કરનાર ફક્ત વેદો જ છે. જો કે સત્યોનું અતીન્દ્રિય દર્શન કંઈક પ્રમાણમાં આપણાં પુરાણો અને ઇતિહાસોમાં તથા બીજી પ્રજાઓના ધર્મગ્રંથોમાં જોવા મળે છે; છતાં આર્ય પ્રજામાં વેદોના નામે ઓળખાતા ચતુર્વિધ ધર્મગ્રંથો આધ્યાત્મિક સત્યોનો સંપૂર્ણમાં સંપૂર્ણ અને અવિકૃતમાં અવિકૃત સંગ્રહ હોવાને લીધે બીજાં બધાં શાસ્ત્રોમાં સર્વોચ્ચ સ્થાને અને પૃથ્વી પરની સર્વ પ્રજાઓના માનને પાત્ર છે, તથા તેમનાં બધાં વિવિધ શાસ્ત્રોનો ખુલાસો પૂરો પાડે છે.’ (ગ્રં.મા.: ભા.૮,પૃ.૧૦૮)

પ્રાચીન વેદોના વૈશ્વિક અને સનાતન સત્યોની આધારશીલાવાળી એકતાની અનુભૂતિ અને એની પુન:જાગૃતિ માટેના કાર્યમાં શ્રીરામકૃષ્ણદેવના પ્રદાન વિશે બોલતાં આગળ ઉમેરે છે : ‘આર્ય પ્રજાનો સાચો ધર્મ શું છે તેનું દૃષ્ટાંત પૂરું પાડવા, અનાદિકાળથી ચાલ્યા આવતા ઇતિહાસમાં ભારતની સમગ્ર ભૂમિમાં પ્રસરી રહેલા અનેક વિસંવાદી અને એકબીજા સાથે ઝઘડતા, પરસ્પર વિરુદ્ધ રીતરિવાજોથી ભરેલા, અને તેથી આપણા દેશના માણસો માટે દુર્બોધ કોયડારૂપ અને પરદેશીઓના ધિક્કારને પાત્ર બની ગયેલા, ઉપલક દૃષ્ટિએ પરસ્પર વિરોધી સંપ્રદાયો વચ્ચે હિંદુ ધર્મની સાચી એકતા ક્યાં રહેલી છે તે દર્શાવવા, અને સર્વોપરી સનાતન ધર્મના જે સાર્વજનિક મર્મ અને વિશિષ્ટતા કાળક્રમે ભુલાઈ ગયાં હતાં તે સનાતન ધર્મમાં પોતાના અપૂર્વ જીવન દ્વારા પ્રાણ રેડવા ભગવાન શ્રીરામકૃષ્ણનો અવતાર થયો હતો. (ગ્રં.મા.: ભા.૮,પૃ.૧૦૯)

શ્રીરામકૃષ્ણદેવના નામે કોઈ પણ સંકુચિત ભાવનાવાળો સંપ્રદાય ઊભો કરવાનો એમણે ક્યારેય વિચાર્યું ન હતું. તેમણે તો એવું ઇચ્છ્યું હતું કે ધર્મ કે સંપ્રદાય ગમે તે હોય અને ગમે તે મહાપુરુષ કે સ્મૃતિશાસ્ત્રો પર શ્રદ્ધા રાખતો હોય પણ આપણા અપૌરુષેય વેદો એ બધા માટે શાશ્વત ધર્મશાસ્ત્રો હંમેશાંને માટે સર્વસ્વીકૃત અને શ્રદ્ધેય બની રહેવા જોઈએ. વેદો માટે હિંદુઓએ આવા સર્વ સામાન્ય અને સર્વસ્વીકૃત શ્રદ્ધાપ્રેમ અને આદર રાખવા માટેનું કારણ આપતાં સ્વામીજી કહે છે કે વૈદિક સાહિત્ય – સ્મૃતિઓ અને ઇતિહાસ દ્વારા ઉદ્‌ભવેલા વિવિધ સંપ્રદાયોનું મૂળ વેદોમાં છે.

પાશ્ચાત્ય દેશોમાં હિંદુધર્મના પ્રચારકાર્યમાં જેમ જેમ વધુ સમય વીતતો ગયો તેમ તેમ સ્વામીજીને એ વાત આવશ્યક લાગી કે તેમણે પોતાના ધર્મ વિષયક વિચારોને વધુ પદ્ધતિસરના બનાવવા જોઈએ. આ મહાકાર્ય માટે એમને લાગ્યું કે સમગ્ર હિંદુધર્મના તત્ત્વજ્ઞાનના વિચારોને ફરીથી સુગ્રથિત કરવા આવશ્યક છે. આ માટે તેમણે હિંદુધર્મનાં સુસ્પષ્ટ વિશિષ્ટ ગુણલક્ષણોની આજુબાજુ થોડા હિંદુધર્મ પ્રણાલીના આગળ પડતા આદર્શો રાખીને એવી રીતે તેનું એકત્રીકરણ કે સમન્વયીકરણ કરવું જોઈએ કે જેથી પશ્ચિમના વિદ્વાન લોકોને વધુ તૈયાર બુદ્ધિપ્રદ સામગ્રી મળી રહે. વેદાંતની જુદી જુદી વિચારશાખાઓ પ્રમાણે આત્મા, દિવ્યતા કે જીવનના અંતિમ લક્ષ્ય વિશેના વિચારો, પદાર્થ અને શક્તિ વચ્ચેનો સંબંધ, સૃષ્ટિ કે બ્રહ્માંડની રચના અંગે વેદાંતની સંકલ્પના અને આ સંકલ્પના આધુનિક વિજ્ઞાન સાથે કેવી રીતે બંધ બેસતી આવે છે, વગેરે બાબતો તેઓ સ્પષ્ટતાપૂર્વક બહાર લાવવા માગતા હતા. તેઓ અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને દ્વૈતની સંકલ્પના પ્રમાણે ઉપનિષદોનું વર્ગીકરણ પણ કરવા અને આ બધા ભિન્ન ભિન્ન મતોની વચ્ચે તાલમેલ કે સુમેળ સાધી શકાય તેમ છે એમ બતાવવા માગતા હતા. આ બધા આદર્શોને કોઈ ચોક્કસ સ્વરૂપમાં ગ્રંથાકારે પ્રગટ કરવા માટે તેઓ ઇચ્છતા હતા. ૧૮૯૫માં કાવેરશામથી પોતાના ગુરુભાઈ રામકૃષ્ણાનંદજીને લખ્યું હતું : ‘તમે ધીરજથી એક કામ કરો! વિશ્વની ઉત્પત્તિ અને લય, પ્રજાઓ, સ્વર્ગ, નરક, આત્મા, ચિત્ત, બુદ્ધિ, ઇન્દ્રિયો, મુક્તિ-પુનર્જન્મ, આ બધા વિશે ઋગ્વેદથી શરૂ કરીને તદ્દન લઘુ પુરાણો અને તંત્રોએ જે કંઈ કહ્યું છે તે એકઠું કરો. છોકરાંના ખેલ નહિ ચાલે : માટે ખરેખરું વિદ્વત્તાપૂર્ણ કાર્ય જોઈએ. આ સામગ્રી એકઠી કરવી એ સૌથી અગત્યનું કાર્ય છે.’ (ગ્રં.મા.: ભા.૧૦, પૃ.૧૧૨)

તે પછી તેમણે તેમના શિષ્ય આલાસિંગાને પોતાના ૧૮૯૬ના એક પત્રમાં લખ્યું હતું : ‘હું વેદાંત ફિલસૂફી વિશે કશુંક વિશાળ પાયા ઉપર લખવાની પ્રવૃત્તિમાં પડ્યો છું. વેદાંતની ત્રણ દૃષ્ટિઓને અનુલક્ષીને જુદા જુદા વેદોમાં આવેલા ફકરાઓ એકઠા કરવા માટે કોઈકને કામે લગાડીને તમે મને મદદ કરી શકો. દરેક કિસ્સામાં, એ ફકરાઓનું વર્ગીકરણ કરવું અને દરેક પુસ્તકનું નામ અને પ્રકરણ આપીને સુવાચ્ય અક્ષરોમાં એ લખવા. ફિલસૂફીમાંથી થોડું પણ એકાદ પુસ્તક રૂપે પાછળ મૂકી ગયા વગર પશ્ચિમને છોડી જવું એ તો એક દુ:ખદ ઘટના કહેવાય.’ (ગ્રં.મા.: ભા.૧૧,પૃ.૩૦૦)

સ્વામી વિવેકાનંદ ૧૮૦૬ની વસંતઋતુમાં લંડન આવ્યા અને પોતાના પશ્ચિમના કાર્યમાં સહાય કરવા માટે સ્વામી શારદાનંદજીને બોલાવ્યા. થોડા દિવસોમાં તેમના ગુરુભાઈ સ્વામી અભેદાનંદજી માટે એક સંદેશો આવ્યો. સ્વામી વિવેકાનંદે ૩જી જુલાઈ, ૧૮૯૬ના પોતાના પત્રમાં તેમની સાથે સ્વામી અભેદાનંદજીને વૈદિકશાસ્ત્રગ્રંથો લાવવાનું કહ્યું: ‘આ પત્ર મળે કે તુરત કાલીને ઈંગ્લેન્ડ રવાના કરજો… તેણે મારે માટે કેટલાંક પુસ્તકો લેતા આવવાનાં છે. મારી પાસે ફક્ત ‘ઋગ્વેદ સંહિતા’ જ છે. તેઓ યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ સંહિતાઓ ઉપરાંત, શતપથબ્રાહ્મણ સહિતના બની શકે તેટલા બીજા ‘બ્રાહ્મણગ્રંથો’, કેટલાંક ‘સૂત્રો’ અને યાસ્કનું ‘નિરુક્ત’ લેતા આવે…’ (ગ્રં.મા.: ભા.૧૦,પૃ.૧૩૧)

એમના ગુરુભાઈઓએ સ્વામીજીની સૂચના પ્રમાણે એશિયાટિક સોસાયટી દ્વારા સંપાદિત-પ્રકાશિત વૈદિક શાસ્ત્રગ્રંથો – બિબ્લીઓથેકાઈંડિકાની ખરીદી કરીને સ્વામી અભેદાનંદજી ઉપડ્યા અને ૧૮૯૭ની ૬ઠ્ઠી ઓગસ્ટે ન્યૂયોર્કના બંદરે ઉતર્યા.

આપણા પ્રાચીન, ધર્મ-સંસ્કૃતિના ઇતિહાસને ભારતીયો દ્વારા એક વૈજ્ઞાનિક ભૂમિકા પર મૂકાય એવી સ્વામીજીની બીજી ઇચ્છા હતી. અલ્વરમાં સંસ્કૃતનો અભ્યાસ કરતા યુવાનોને ઉદ્દેશીને સ્વામીજીએ કહ્યું: ‘સંસ્કૃત અને પશ્ચિમના વિજ્ઞાન સાથે ચોક્કસાઈ પણ શીખો. અભ્યાસ અને પરિશ્રમ કરતા રહો જેથી આપણા ઇતિહાસને વૈજ્ઞાનિક આધારભૂમિ પર મૂકી શકો. ભારતનો ઇતિહાસ અવ્યવસ્થિત સમયસારણી વિનાનો છે. અંગ્રેજોએ લખેલો ઇતિહાસ આપણા પતનને વર્ણવતો ઇતિહાસ છે અને એ આપણાં મનને નિર્બળ બનાવે છે. આપણાં રીતભાત-રીતિનીતિ, ધર્મ અને તત્ત્વજ્ઞાનથી અજાણ એવા વિદેશી ઇતિહાસકારો ભારતનો ઇતિહાસ સત્યનિષ્ઠાવાળો લખી કેમ શકે? આપણા ઐતિહાસિક સંશોધનોનો પથ આપણે સ્વતંત્ર રીતે રચવો પડશે. વેદ, પુરાણ અને આપણા પ્રાચીન શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કરો. એના દ્વારા આપણાં જીવનની કાર્યરીતિ અને શિસ્તબદ્ધતા લાવવા ચોક્કસાઈપૂર્વક સર્વને પ્રેરતો સંસંવેદનાવાળો ઇતિહાસ લખો. ભારતીયોએ જ ભારતીય ઇતિહાસ લખવો પડશે. લગભગ લુપ્ત બનેલા આપણા પ્રાચીન ખજાનાને પુન: સંશોધિત કરવાના મહાકાર્યમાં મંડી પડો. પોતાના બાળકને ગુમાવનાર જેમ એને મેળવીને જ જંપે છે તેમ તમે પણ ભારતના ભવ્ય ભૂતકાળને પુનર્જીવિત કરવાના કાર્યમાં લાગી રહો. આ જ સાચી રાષ્ટ્રિય કેળવણી હશે અને એના વિકાસ સાથે જ વૈદિકસનાતનધર્મમાં રહેલ આપણો રાષ્ટ્રિય આત્મા ફરીથી જાગશે.’

ડિસેમ્બર ૧૯૦૧ના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનમાંથી દેશભરના સુખ્યાત પ્રતિનિધિઓ રામકૃષ્ણ મઠ, બેલુરની મુલાકાતે સ્વદેશભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદને મળવા આવ્યા હતા. એમાંના એકે સ્વામીજી વિશે આ પ્રમાણે લખ્યું છે : એમની છેલ્લી ઇચ્છા કોલકાતામાં એક વૈદિક સંસ્થાની સ્થાપના કરવાની હતી. સ્વામીજીને મળવા આવેલા પ્રતિનિધિઓ સમાજસુધારકો, અધ્યાપકો અને મહાપુરુષો દેશના વિભિન્ન ભાગોમાંથી આવ્યા હતા. તેમણે સ્વામીજી સાથે સામાજિક, રાજકીય, ધાર્મિક, વગેરે વિષયો પર જે વિગતવાર ચર્ચા કરી હતી એવી રસપ્રદ અને ઉપયોગી ચર્ચા કોંગ્રેસના અધિવેશનોમાં પણ થઈ ન હતી. ચર્ચા દરમિયાન કોલકાતામાં વૈદિક કોલેજ સ્થાપવાની દરખાસ્ત થઈ હતી. ઉપસ્થિત બધા સભ્યોએ તેને સાકાર કરવા દરેક પ્રકારની સહાય આપવાનું વચન આપ્યું. પોતાની મહાસમાધિના દિવસે ૪થી જુલાઈ, ૧૯૦૨ના દિવસે પણ સ્વામી પ્રેમાનંદજી સાથે ચાલતાં ચાલતાં આ વાતની ચર્ચા કરી હતી. સ્વામી પ્રેમાનંદજી એ વાત આ શબ્દોમાં કરે છે :

‘તેમના જીવનના છેલ્લા દિવસોમાં એક વૈદિક શાસ્ત્રોની અભ્યાસશાળા ખોલવાની પ્રબળ ઇચ્છા હતી. છેલ્લે દિવસે મુંબઈ, પુનામાંથી વેદનાં પુસ્તકો મેળવવા માટે તેમણે ત્રણ પત્રો પણ લખ્યા હતા. મારે એ દિવસે તેમની સાથે વૈદિક સ્કૂલ વિશે ઘણી લાંબી ચર્ચા થઈ હતી. મેં તેમને પૂછ્યું: આમ વેદોનો અભ્યાસ કરવાથી શું વળશે? તેમણે કહ્યું: ‘બધા વહેમો – અંધશ્રદ્ધાઓ દૂર થશે.’

ભગિની નિવેદિતાએ કહ્યું છે તેમ સ્વામીજીએ પોતાનું સમગ્ર જીવન હિંદુધર્મની સર્વસામાન્ય ભૂમિકાઓની શોધ અને એને હિંદુસમાજમાં પ્રસ્થાપિત કરવા પાછળ લગાડી દીધું હતું. શ્રીરામકૃષ્ણદેવના જીવનસંદેશના આલોકમાં આ ભૂમિકા એમને આપણા પ્રાચીન વેદોમાં સાંપડી. સ્વામી વિવેકાનંદે આપણને આપેલો આ અમરવારસો આપણી નજર સમક્ષ રાખીને ભારતના અમર અને ભવ્ય એવા વૈદિક વારસાને જાળવવાનો પ્રયાસ એ જ એમને આપેલી સાચી શ્રદ્ધાંજલિ બની રહેશે.

Total Views: 32
By Published On: September 5, 2022Categories: Nikhileswarananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram