સ્વામી વિવેકાનંદ નિર્વાણ પામ્યાને સો વર્ષ વીતી ગયાં છે. તેઓ સાવ વિલક્ષણ માનવ હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસ તેમને માનવરૂપે અવતરેલા ‘નારાયણ’ કહેતા. સાધુત્વ અને ઋષિત્વ બંને તેમનામાં એકરૂપ બની ગયાં. ત્યાગ-સમર્પણ અને સ્વયંભૂ વૈશ્વિક કલ્યાણની તપોભાવના એ એમની પ્રકૃતિનું બીજું અંગ હતું. સર્વમાં રહેલી – વ્યાપેલી દિવ્યતાની વૈયક્તિક અનુભૂતિ માટે એમણે પોતાનું જીવન સમર્પી દીધું હતું. એમનું શ્રીરામકૃષ્ણ સાથેનું મિલન પણ માનવજાતિના કલ્યાણ માટેની એક દિવ્ય પ્રયુક્તિ કે લીલા હતી. પોતાની યુવાનીના બહુ થોડાં વર્ષો એમણે પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ સાથે ગાળ્યાં હતાં. તેઓ પ્રજ્ઞાવાન હતા, તેમણે શ્રીરામકૃષ્ણના સંદેશનું સારભૂતતત્ત્વ તત્કાલ ગ્રહણ કરી લીધું અને તેના સુચિતાર્થને તેઓ સ્પષ્ટ રીતે પામી ગયા હતા. ૧૮૭૮ થી ૧૮૯૦ સુધી તેમણે પરિવ્રાજક રૂપે ભારતભ્રમણ કર્યું હતું. સમગ્ર દેશમાં પરિવ્રાજક રૂપે ફરતાં ફરતાં તેમણે ભારતીય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. વિદ્વાનો, સંતો-સંન્યાસીઓ, યોગીઓને મળીને તેમણે પોતાની જ્ઞાનવૃદ્ધિ પણ કરી હતી.

યુ.એસ.એ.ના શિકાગોમાં ૧૮૯૩માં યોજાયેલી વિશ્વધર્મપરિષદમાં એમણે ભાગ લીધો હતો. એ વખતે એમની ઉંમર ૨૮ વર્ષ હશે. એમણે ‘સજ્જનો અને સન્નારીઓ’ ને બદલે ‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’નું સંબોધન કરીને લોકોને વિમુગ્ધ કરી દીધાં. પોતાની પ્રતિભાના એક જ પ્રહારે તેમણે આ વિશ્વધર્મપરિષદમાં આવેલ બધા ધર્મના પ્રતિનિધિઓને તેઓ ‘એક વિશ્વસમાજના સભ્યો છે’ એ ભાવથી ભરી દીધા; તેમણે બધાએ અરસપરસના સંબંધો એવી રીતે કેળવવા પડશે કે જેથી પ્રેમ અને કરુણા, સર્વસમભાવ, સર્વસ્વીકાર અને સહકાર, સમાનતા અને નિર્બંધ સ્વાતંત્ર્ય એ વૈશ્વિક મૂલ્યો બની રહે.

૧૮૯૮માં એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી અને સમાજને વરેલા સંન્યાસીઓ ઊભા કર્યા. આ સમાજસેવાની ભાવનાને વરેલા આ સંન્યાસીઓ સમાજના પદદલિત, શોષિત, ઉપેક્ષિત દરિદ્રોની સેવામાં લાગી જશે. ભારતના કરોડો અજ્ઞાન-નિરક્ષરને કેળવણી આપવાની જવાબદારી ઉપાડી લેતા સમાજ સેવાને વરેલા ત્યાગીઓનો એક નવો સંઘ રચ્યો. સાધુ-સંન્યાસીઓ શાળા-કોલેજોનું સંચાલન કરે, તેઓ ઇસ્પિતાલો કે નર્સીંગ હોમમાં દર્દીઓની સેવા-સુશ્રૂષા કરે, અને જ્યાં જ્યાં એમની સેવાઓની તાતી જરૂર પડે ત્યાં ત્યાં બધા દોડી જાય. આવી કલ્પના પણ ભારતમાં અત્યાર સુધીમાં કોઈએ નહિ કરી હોય. પોતાના હૃદયમાં ‘દિવ્યતા સર્વમાં રહેલી છે’ની જાગ્રત દૃષ્ટિ રાખીને આ નવ સમાજસેવાને વરેલા નવ સામાજિક સંન્યાસીઓ આ વિશિષ્ટ પ્રકારની સમાજસેવાઓ માટે પોતાની જાતને કેળવશે – તાલીમબદ્ધ, શિસ્તબદ્ધ કરશે. સ્વામી વિવેકાનંદ એક માત્ર એવા વીર સંન્યાસી હતા કે જેમણે પોતાના દેશબંધુઓને માટે ‘ગુલામને ધર્મ નથી’નો સિંહનાદ કર્યો. એક રીતે તેઓ ભારતની રાજકીય આઝાદીની ચળવળના પિતા હતા. ‘પહેલાં આઝાદી પછી જ બધું’ એ હતો ગરીબ-અમીર સૌ કોઈને માટે આપેલો એમનો મહામંત્ર. તેમણે કહ્યું, ‘ઊઠો, અને રાષ્ટ્રની આઝાદીના ધ્યેયને સિદ્ધ કરો.’ પોતાનાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના વિશાળ અને પ્રાચીન પુરાણા વારસાને લીધે ભારતવર્ષ વિશ્વના ઉપદેશકનો ભાગ ચોક્કસ ભજવશે. એવી એમણે ભવિષ્યવાણી ભાખી હતી.

આ યુગપુરુષના પાર્થિવદેહાંતને આજે સો-સો વર્ષ થયાં છતાં તેમના પવિત્ર સંદેશને ભારતના યુવાનો ફરીથી યાદ કરશેને? બધાં માનવો ‘અમૃતનાં સંતાનો છે’ એ અમર સંદેશને ફરીથી તાજો કરશે ખરા કે? તેઓ ભલે એક સંન્યાસી હતા પણ તેઓ ગરીબી, પરાધીનતાના કે કોઈ પણ પ્રકારની નિર્બળતાના પ્રણેતા ન હતા. તેઓ કહેતા : ‘નિર્બળતા એ જ પાપ છે.’ ‘માનવનું ઘડતર, ચારિત્ર્યનું ઘડતર’નું મિશન એ જ ભારતના યુવાનો માટે એમણે મૂકેલો સાચો વારસો છે, એમ હું માનું છું.

અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.