(સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ પ્રસંગે કોલકાતામાં દેશપ્રિય પાર્કમાં તા. ૨૦ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ એક જાહેર સભા યોજાઈ હતી. તેના ઉદ્‌ઘાટન પ્રસંગે ભારતના તે વખતના રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપેલ મનનીય પ્રવચનનો શ્રી પી.એમ.વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

આજે અહીં હાજર રહી સ્વામી વિવેકાનંદના જન્મ શતાબ્દિ સમારોહનું ઉદ્‌ઘાટન કરતાં મને અત્યંત આનંદ થાય છે. કલકત્તા શહેરે તો શિક્ષણ, વિજ્ઞાન, સાહિત્ય અને આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રમાં અનેક પ્રતિભાશાળી મહાપુરુષોને જન્મ આપ્યો છે. તે બધામાં સર્વોચ્ચ સ્થાને છે સ્વામી વિવેકાનંદ. તેઓ આપણા દેશની ભાવનાઓની જીવંત મૂર્તિ હતા, ભારતની મહત્વાકાંક્ષાઓને પૂરી કરવાના તેઓ પ્રતીકરૂપ હતા. આ એ જ ભાવધારા છે કે જે આપણા દેશનાં ભજનિકોનાં ભજનોમાં, આપણા દૃષ્ટાઓના દર્શનમાં તથા સાધારણ માણસની પ્રાર્થનામાં પણ વ્યક્ત થઈ છે. ભારતની આ ચિરંજીવી ભાવધારાને તેમણે અર્થ અને શબ્દ આપ્યાં.

તેમણે જે મહાનતા પ્રગટ કરી, તેને જોઈને જ આપણામાંના મોટા ભાગના લોકો સંતોષ પામે છે; પરંતુ જે પદ્ધતિથી તેમણે આ મહાનતા મેળવી, જે જે આધ્યાત્મિક સંઘર્ષો તેમને કરવા પડ્યા, તથા જે રીતે તેમણે પોતાના બળવાખોર સ્વભાવને ઈશ્વરના કામને યોગ્ય બનાવ્યો – તે બધાનું વાચન વધારે આનંદદાયક છે. અધ્યાત્મના યાત્રીઓ, સાધકો, તથા આધ્યાત્મિક જીવનમાંથી કંઈક જ્ઞાન પ્રાપ્ત કરી સેવા કરનારાને આવા અભ્યાસથી લાભપ્રદ માહિતી મળશે.

અહીં કલકત્તામાં તેમનો જન્મ થયેલો, અહીંની જ એક શિક્ષણ સંસ્થામાં તેમણે શિક્ષણ મેળવ્યું તથા એ દિવસોમાં પ્રખ્યાત એવા લેખકો જ્હોન સ્ટુઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર, ડેવિડ હ્યુમ વગેરેનાં પુસ્તકો પણ તેમણે વાંચ્યાં. તેમનું મન ખળભળી ઊઠ્યું હતું અને સત્યનો માર્ગ તેઓ અહીં – તહીં શોધવા લાગ્યા. પરમહંસ શ્રીરામકૃષ્ણનાં દર્શન થતાં સુધી તેમની આ વિહ્‌વળ દશા રહી. શ્રીરામકૃષ્ણના વ્યક્તિત્વની પડેલ અમીટ છાપ, તેમનાં પ્રભુ પરનાં અનન્ય શ્રદ્ધાનિષ્ઠા અને ભગવાન માટેની તેમની તીવ્ર પ્રેમપૂર્વકની ભક્તિથી સ્વામી વિવેકાનંદના જીવન અને કર્મોમાં અદ્‌ભુત ફેરફાર થયા. સ્વામીજી એ વયે ફિલસૂફો તથા તર્કપ્રધાન લોકો સાથે શાસ્ત્રાર્થ કરવામાં ગુંથાયેલા રહેતા, તથા એવા અનેક સમાજોમાં પણ જતા, જ્યાં સત્યના નામે ચર્ચા થતી હતી. આવી મન:સ્થિતિ વચ્ચે તેઓ અચાનક શ્રીરામકૃષ્ણ પાસે પહોંચી ગયા અને તેમને સીધો જ પ્રશ્ન કર્યો, ‘શું આપે ઈશ્વરને જોયા છે?’ તરત જવાબ મળ્યો, ‘હા, મેં તેમને જોયા છે. અત્યારે હું તને જે રીતે જોઉં છું તે રીતે જ જોયા છે, એટલું જ નહિ પણ એનાથી પણ વધુ સ્પષ્ટ રીતે અને વધુ નજીકથી.’ શ્રીરામકૃષ્ણ વિવાદ કરી રહ્યા ન હતા, ન તો અનુમાન કરી રહ્યા હતા. તેઓ તો ફક્ત પોતાના અનુભવને જ વ્યક્ત કરી રહ્યા હતા અને દૃઢતાથી જાહેર કરી રહ્યા હતા કે તેઓ પોતાના જ જીવનમાં અને પોતાના પ્રાણોના ધબકારમાં ભગવાનના સ્પર્શનો અનુભવ કરી રહ્યા છે. તેમનું સમગ્ર જીવન જ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવામાં વીત્યું છે. આ પછી સ્વામી વિવેકાનંદના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું. આપણા દેશની તો એ પ્રણાલી જ છે કે ધર્મ એ કોઈ વિવાદ, દલીલો કે અનુમાન પર આધારિત નથી. न मेधया न बहुना श्रृतेन – ‘બુદ્ધિશક્તિ કે શાસ્ત્રોના અભ્યાસથી નહિ’, પરંતુ પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ આપણે એ પરમ પુરુષનો સાક્ષાત્કાર કરવાનો છે. ઋગ્વેદ કહે છે: सदा पश्यन्ति  सूरय: तद्विष्णो: परमं पदम्- ‘ઋષિઓ એ પરમ પુરુષના પરમ ધામને હંમેશાં જુએ છે.’

ઉપનિષદ્‌ કહે છે: वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमस: परस्तात् – આ જગતના ચળકાટથી કે તેના અંધકારથી ભ્રમમાં ન પડો; તેનાથી પર એક દેવતા છે. તે જ પરમ પુરુષ છે. તેને સંવેદી શકાય છે, તેને અનુભવી શકાય છે, અને તેનો સાક્ષાત્કાર કરી શકાય છે. ભારતે હંમેશાં આ જ બોધ આપ્યો છે. ભારત શુષ્ક મતમતાંતરો તથા સિદ્ધાંતો પર કદી આધાર રાખતું નહિ. તર્કાદિ તો સાધનો છે, સર્વોચ્ચકોટિનાં સત્યનો અનુભવ કરવાનાં સાધનો માત્ર છે. એ સત્ય છે કે એ દિવ્ય પુરુષ આપણા સૌમાં છે. પરંતુ તેનો પ્રકાશ રુંધાઈ ગયો છે. તેને પ્રગટ થતાં રોકનારાં, અને તેનો સાક્ષાત્કાર અટકાવનારાં અનેક મેલાં આવરણો આપણી અંદર છે. આપણે આપણા અંતરમાં રહેલા દિવ્ય પુરુષને પ્રગટ કરવાની ઝંખના હોય, તો તે માટે પૂરતા પ્રમાણમાં આત્મસંયમ, ધ્યાન વગેરેની સાધના કરવી જોઈએ. આમ, તે માટે આકરી કિંમત ચૂકવવી પડે છે. ધર્મ કાંઈ એવી વસ્તુ નથી કે જેને આપણે માત્ર પુસ્તકો વાંચીને પ્રાપ્ત કરી શકીએ. તેને પ્રાપ્ત કરવા માટે તો પ્રચંડ મુશ્કેલીઓનો સામનો કરી, આપણા સંપૂર્ણ સ્વભાવનો નાશ કરી, તેનું રૂપાંતર કરવું પડે છે. સ્વામી વિવેકાનંદે આ બધી સાધના કરી અને જગતનાં રહસ્યને પ્રાપ્ત કરીને જ જંપ્યા.

એક વખત આપણને ખ્યાલ આવી જાય કે આ તત્ત્વ અનુભવની વસ્તુ છે. પછી કયા માર્ગે આપણે તેને પ્રાપ્ત કરીએ છીએ એ બહુ મહત્ત્વની વાત નથી. એ બધું ગૌણ બની જાય, માત્ર માધ્યમ બની જાય છે. સપ્ટેમ્બર ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલ સર્વધર્મ પરિષદમાં સ્વામીજીએ એ મહત્ત્વનાં વચનો ઉચ્ચાર્યાં હતાં કે બધા દેવતાઓથી વધારે શ્રેષ્ઠ એક દેવ છે, બધા ધર્મોથી શ્રેષ્ઠ એક ધર્મ છે. અને એક એવું સર્વશ્રેષ્ઠ તત્ત્વ છે કે જે આપણા બધા ધર્મના વાદવિવાદો, કર્મકાંડો, ક્રિયાઓ, સિદ્ધાંતો અને પ્રાચીન પરંપરાથી પર છે; અને એ જ એક એવો ધર્મ છે કે જેના આધારે સંપૂર્ણ જગત – પૂર્વ અને પશ્ચિમ – બંનેનું મિલન થઈ શકે છે. અહીં તેમણે ગીતા (૪.૧૧)નો આ પ્રસિદ્ધ શ્લોક ટાંક્યો જે કહે છે, ‘વ્યક્તિ જે રીતે મારી ઉપાસના કરે છે, હુ તે રૂપમાં તેને સ્વીકારું છું –

ये यथा मां प्रपद्यंते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ।।

બધા મનુષ્યો મને જ શોધી રહ્યા છે, તેથી તે માટે તેમણે સ્વીકારેલ જુદા જુદા માર્ગો, પ્રાર્થનાપદ્ધતિઓ અને વિધિવિધાનોમાં હું કોઈ ભેદભાવ રાખતો નથી. હું પ્રત્યેકની શોધને જાણું છું, તેમના સાચા દિલથી કરેલા પ્રયત્નોને સમજું છું કે મને પરમ પુરુષને મેળવવા કેવાં કેવાં કઠિન સંકટોનો સામનો તેઓ કરતા હોય છે. તેથી તેઓ કયા માર્ગે મને પ્રાપ્ત કરે છે એ બાબતનું કશું પણ મહત્ત્વ નથી. સ્વામીજીએ આમ જ કહ્યું છે. શિકાગો ધર્મપરિષદમાં તેમણે ભારતની એ જ અમરવાણીની ઘોષણા કરી, કે જે વિશ્વધર્મની વાણી છે, અને જે વાણી કહે છે કે સર્વે દેવોથી ઉપર એક દેવ છે. ઋગ્વેદ કહે છે, देवानाम् आदिदेव: एक: – તે દેવતાઓમાં એક આદિ દેવ છે. વેદ કહે છે કે તે જ એક આદિદેવનું મનુષ્યો અનેક પ્રકારે વર્ણન કરે છે. તેથી આપણે માટે જરૂરી છે કે આપણે સહિષ્ણુ થઈએ અને બધાની ભાવનાઓ સમજીએ. જે સમયે આપણો દેશ તર્કભર્યા વિવાદોમાં જ ફસાઈ ગયો હતો, ધાર્મિક હઠાગ્રહવાળો થઈ ગયો હતો, તથા બધા જુદા જુદા રાગ આલાપતા હતા, ત્યારે સ્વામીજીએ તેમને દૃઢતાપૂર્વક કહેલું, ‘હે મૂર્ખો, તમને ખબર જ નથી કે પરમ તત્ત્વ શું છે. તમારે આ બધા ખોટા આગ્રહો અને જૂઠી માન્યતાઓથી મુક્ત થવું જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ કે એ એક જ વિશ્વદેવ બધા ધર્મોની મૂડી છે, તે બધા ધર્મોમાં વસે છે તથા દરેકેદરેક જીવ એ સનાતન પરમ પુરુષને મેળવવાનો માર્ગ શોધી રહ્યો છે.’

ભગવાન બુદ્ધની માફક જ સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ એક એવો સમય આવ્યો હતો કે જ્યારે તેઓ પણ વિચારતા હતા કે અંતર્મુખ થઈને બસ, ધ્યાનના આનંદમાં ડૂબ્યા રહેવું. ફરીથી સંસારમાં આવવું જ ન જોઈએ. પરંતુ શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું, ‘ધિક્કાર છે તને! તારા વ્યક્તિગત મોક્ષ માટે તું આટલો બધો તલપાપડ કેમ થાય છે? शिवम् आत्मनि पश्यति – પરમ પુરુષ તો બધા માનવોમાં રહેલો છે. બધાને પરમાત્માનાં રૂપ સમજવાનાં છે. આપણે જાણવું જોઈએ કે સ્વામીજીનું નામ નરેન્દ્ર હતું, તે માત્ર યોગાનુયોગ ન હતું. તેઓ નર નામના ઋષિના અવતાર હતા – માનવોમાં મૂર્તરૂપ થયા હતા. नारायणं नरसखं शरणं प्रपद्ये – નરસખા નારાયણ છે. સ્વામીજીને સમગ્ર માનવજાતનાં દુ:ખોનો ખ્યાલ હતો, અને તેઓ ઇચ્છતા હતા કે બધા માનવો જીવે અને એક શોભાસ્પદ જીવન વીતાવે. આપણામાંથી મોટાભાગના લોકો તો માત્ર જન્મ ધારણ કરેલા છે, જીવન જીવતા નથી. તેમની ઇચ્છા હતી કે સૌને બળ મળો, સૌંદર્ય મળો, શક્તિ અને સન્માન મળો અને આપણે સાચા અર્થમાં માનવ બનીએ. હજુ સુધી આપણે એવા બન્યા નથી. તેમણે આપણા દેશમાં જે દુ:ખો છે તેને ઓળખી લીધાં હતાં. તેમણે જોયું કે લાખો-કરોડો લોકો ભૂખને લીધે મૃત્યુ પામે છે. તેઓએ કહ્યું, ‘હું તો દરિદ્રનારાયણનો પૂજારી છું, એવા નારાયણનો કે જે આ જગતનાં તમામ દીન-દુ:ખી માનવોમાં વસે છે. જ્યાં સુધી આ લોકો દુ:ખી છે ત્યાં સુધી હું ફક્ત મારી જ મુક્તિ અને મારા જ આત્માના સુખથી કેમ સંતોષ પામું? એ બધાંના કલ્યાણનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. માણસની સેવા એ જ ઈશ્વરને મેળવવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે.’

તેમણે દેશભક્તિને પણ તેના સંકુચિત અર્થમાં નહિ, પરંતુ માનવ પ્રત્યેના દૃષ્ટિકોણથી જોઈ હતી. બધા માનવોને એક જ કુટુંબના સભ્યોની જેમ પોતાના માનવા તેમનો ધર્મ આપણને શીખવે છે. તેમણે એવો ધર્મ સ્વીકાર્યો અને એવો જ ધર્મ તેમણે આપણને પ્રબોધ્યો. તેમણે કહ્યું, ‘મારો ધર્મ મનુષ્યનું નિર્માણ કરવાનો છે.’ આ માનવતાવાદી ધર્મમાં ધ્યાન-ધારણા તથા સમાજસેવા એકબીજાથી જુદાં નથી, પરંતુ બંને એક જ કાર્યની અભિવ્યક્તિ છે. જો આપણે અંતરમાં પરમ પુરુષના પવિત્ર સંસ્પર્શ મેળવી તેમની સત્તાનો અનુભવ કર્યો હોય તો, પછી આપણી એ ફરજ બને છે કે આ દુનિયામાં દુ:ખો વેઠનાર માણસોની સેવા કરવા તૈયાર થઈએ. તેથી તેમણે કહેલું, ‘જ્યારે જ્યારે હું મારા દેશબંધુઓનું દુ:ખ જોઉં છું, જ્યારે જોઉં છું કે લાખો ગરીબો અનાજ વિના માખીઓની માફક મરી રહ્યાં છે, ત્યારે મને પીડા થાય છે, હૃદયપૂર્વકનું દુ:ખ લાગે છે.’ ભગવાનને પણ આ લોકોની દયા આવતી હોય છે. भगवान् अनुरकोशम् अनुभवति – જ્યારે તેઓ જુએ છે કે આ લોકો પોતાની અંદર રહેલા દિવ્ય સ્ફૂલ્લિંગને પ્રાપ્ત કરી શકતા નથી, તેને દીવો પેટાવે તેમ પેટાવી શકતા નથી, ત્યારે તેમને પણ દયા આવે છે, એક પ્રકારની સહાનુભૂતિ થાય છે. ખરેખર તો આપણે અહીં આપણું પૂર્ણત્વ પ્રાપ્ત કરવા જન્મ્યા છીએ. એવું પૂર્ણત્વ એટલે પૈસા ભેગા કરવા કે નામના, કીર્તિ કે વૈભવ મેળવવા માટે નહિ. તેનો અર્થ છે પોતાને પૂર્ણ બનાવો, આપણી અંદર રહેલી દિવ્ય જ્યોતિને જાગૃત કરી, આપણે પણ તેના જેવી જ મૂર્તિ અને તેનું પ્રતીક બનવાનું છે. ખરેખર તો આ જ માનવતાવાદી અને માનવનું નવનિર્માણ કરનાર ધર્મથી મને બાળપણથી જ પ્રેરણા અને સ્ફૂર્તિ મળી હતી. જ્યારે હું અને બીજા મિત્રો મેટ્રિકના કોઈ વર્ગમાં અભ્યાસ કરતા હતા, ત્યારે સ્વામી વિવેકાનંદના હસ્તલિખિત પત્ર અમને વાંચવા ઉપલબ્ધ કરાવવામાં આવતા હતા. આ પત્રો અમારા હૃદયમાં એક અનન્ય સ્પંદન જગાવી જતા, તેનાથી અમને એક સંમોહન જેવો સ્પર્શ મળતો તથા આપણી આ મહાન સંસ્કૃતિ માટે અડગ વિશ્વાસ પેદા થતો. તે વખતે અનેક જગાએ આપણી સંસ્કૃતિની ઠેકડી પણ ઉડાવવામાં આવતી હતી. આ સદીની શરૂઆતના નવયુવાનોમાં તેમના લેખોએ એક સમૂળું રૂપાંતર કરી નાખ્યું. મદ્રાસમાં તો તેમજ થયેલું, અને મને ખાતરી છે કે દેશના બીજા ભાગોમાં પણ તેવું જ થયું હશે.

આજે આપણે આપણા દેશના જ નહિ પરંતુ, આખા જગતના ઇતિહાસના સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. અનેક લોકોનો એવો મત છે કે અત્યારે આપણે એક ખીણની કિનારી પર ઊભા છીએ. વસ્તુઓની કિંમત આંકવાની પદ્ધતિ જ ભ્રષ્ટ થઈ ગઈ છે, આદર્શો, જે નિર્ણયાત્મક ગણાતા, તેનું સ્તર નીચું ગયું છે, પલાયનવાદ વધી રહ્યો છે અને માણસોનાં મનને જાણે લકવો થયો છે. આ બધાંનો વિચાર કરતાં લોકોનાં મન નિરાશા, હાર અને નિરર્થકતા અનુભવી નીચે બેસી ગયાં છે. પરંતુ માનવના આત્માની શક્તિ ઉપરનો આવો અવિશ્વાસ મનુષ્યના ગૌરવ પ્રત્યેનો વિશ્વાસઘાત છે, તે માનવપ્રકૃતિનું અપમાન છે. જગતમાં જેટલા મહાન ફેરફારો થયા છે, તે માનવપ્રકૃતિ દ્વારા જ થયા છે. સ્વામી વિવેકાનંદે આપણને જે પોકાર કરેલો તે એ જ હતો કે તમારી આધ્યાત્મિક શક્તિ પર વિશ્વાસ કરો. એ સમજી લો કે માણસમાં આધ્યાત્મિક શક્તિનો એક અખૂટ ભંડાર છે, માનવનો આત્મા સર્વોપરિ છે. માણસ અદ્વિતીય છે. જગતમાં જીતી ન શકાય તેવું કંઈ નથી. આપણા સામેની સૌથી ભીષણ મુશ્કેલીઓ અને અડચણો પર પણ આપણે વિજય મેળવી શકીએ છીએ. માત્ર આપણે આશા ક્યારેય છોડી ન દેવી જોઈએ. તેમણે આપણને સંકટમાં સહનશીલ બનવાનું શીખવ્યું, દુ:ખમાં ધીરજ આપી અને નિરાશા વખતે ઉત્સાહ પૂરો પાડ્યો. તેમણે કહ્યું, ‘બહારના દેખાવથી ડરો નહિ. દરેકના અંતરમાં એક દૈવી ઇચ્છા છુપાયેલી છે, આ વિશ્વનો એક હેતુ છે. આ હેતુને સહકાર આપો, તેને મહેનત કરીને મેળવી લો.’ સ્વામીજીના જીવનમાંથી આપણે ત્યાગ, ઉત્સાહ, સેવા તથા સંયમ જેવા આદર્શોનું શિક્ષણ મેળવી શકીએ છીએ. એ સમય યાદ આવે છે કે જ્યારે શ્રીરામકૃષ્ણે તેમને નેતા બનવાનો આદેશ આપેલો. તેમના છેવટના શબ્દો, તેમના શિષ્યોમાંથી ફક્ત વિવેકાનંદને જ સંબોધાયેલા, ‘નરેન, આ બાળકોની સંભાળ લેજે.’ શિષ્યોમાંથી કેટલાય તો ઉંમરમાં નરેન્દ્રથી મોટા હતા. પરંતુ તેમણે જે ઉપદેશ આપ્યો, તે ભવિષ્યવાણી જેવો હતો. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આજે ભારત અને વિદેશોમાં તેની અનેક શાખાઓ છે. આધ્યાત્મિક જાગૃતિ અને સાથોસાથ સમાજસેવાના ક્ષેત્રમાં મિશન દ્વારા કરાતી અગત્યની સેવાઓથી હું પરિચિત છું. મિશનની સ્થાપના એ સ્વામીજીની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. અને આજે તે આપણી આંખ સામે જોઈ શકાય છે. મને પૂરો વિશ્વાસ છે કે આજે માનવજાત સંયમરહિત તુચ્છ ભૌતિકવાદમાં ડૂબેલી છે. તેના આધ્યાત્મિક કલ્યાણ અને ભૌતિક પાલન માટે આ સંસ્થા અનેક વરસો સુધી કામ કરતી રહેશે.

તેથી એ ખૂબ જરૂરી છે કે આ મહાન આત્માએ જે સિદ્ધાંતોની સ્થાપના કરી, અને તેનું શિક્ષણ આપ્યું, તેને આપણે યાદ રાખીએ. સ્વામીજીની આ શતાબ્દિના પ્રસંગ પર માત્ર તેમને યાદ કરી લેવા પૂરતી વાત ન હોવી જોઈએ, આપણે એ સમજવું પડશે કે તેઓ આપણી પાસેથી કઈ કઈ ફરજો બજાવવાની અપેક્ષા રાખતા હતા, તે બધાને આપણે પચાવીને જીવનમાં ઉતારવાની છે, તથા વિવેકાનંદ જેવા મહાપુરુષને જન્મ આપનાર ભારતમાતાના સુયોગ્ય પુત્ર બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.

Total Views: 30
By Published On: September 5, 2022Categories: Sarvapalli Radhakrishnan, Upendraray Sandesara Dr.0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram